ગૃહ મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે કરનાલમાં હરિયાણા પોલીસને 'પ્રેસિડેન્ટ્સ કલર' સન્માન એનાયત કર્યું


હરિયાણા પોલીસે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને મજબૂત બનાવવા માટે, જાહેર સલામતી સુનિશ્ચિત કરવા માટે અને નાગરિકો માટે જીવન સરળ બનાવતી વખતે બહાદુરી, ધીરજ અને હિંમતનું પ્રદર્શન કર્યું છે

હરિયાણા પોલીસ માટે પ્રેસિડેન્ટ્સ કલર તેમની વ્યાવસાયિકતા અને અપવાદરૂપ ઉચ્ચ માપદંડોની સાક્ષી પૂરે છે

પ્રેસિડેન્ટ્સ કલર સન્માન એનાયત કરવામાં આવ્યું તે, સંગઠન અને સંસ્થા માટે મહાન વિશ્વસનીયતાની નિશાની બતાવે છે, હરિયાણા પોલીસ આ સન્માન મેળવનારા દેશના 10 રાજ્ય પોલીસ દળોમાંની એક બની ગઇ છે

કેન્દ્રીય ગૃહમંત્રીએ પુલવામા હુમલાના 40 શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા કહ્યું કે, આ 40 સૈનિકોના નામ ભારતના ઇતિહાસમાં હંમેશ માટે સુવર્ણ અક્ષરોમાં અંકિત છે, દેશની વર્તમાન ફોરવર્ડ માર્ચ નિર્ધારિત કરવામાં શહીદોના બલિદાનનો મોટો પ્રભાવ છે

હરિયાણાને ઇન્ટર-ઓપરેબલ ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ (ICJS) અને ક્રાઇમ એન્ડ ક્રિમિનલ ટ્રેકિંગ નેટવર્ક (CCTN) પ્રોજેક્ટના અમલીકરણમાં ટોચનો ક્રમ આપવામાં આવ્યો છે, હું હરિયાણાના મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને પોલીસ દળને અભિનંદન પાઠવું છું

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની ભારત સરકાર ડ્રગ્સ સામે ઝીરો ટોલરન્સની નીતિને અનુસરી રહી છે અને તમામ રાજ્યોની પોલીસ સાથે સંકલન કરીને દેશને નશા મુક્ત બનાવવા માટે પ્રતિબદ્ધ છે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભવિષ્યના પડકારોને પહોંચી વળવા માટે 'પોલીસ ટેક્નોલોજી મિશન'ની સ્થાપના કરી છે, જે કોન્સ્ટેબલથી લઇને DGP સુધીના સમગ્ર પોલીસ તંત્રને ટેકનોલોજીનું શિક્ષણ આપશે

Posted On: 14 FEB 2023 6:19PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે હરિયાણાના કરનાલમાં હરિયાણા પોલીસને 'પ્રેસિડેન્ટ્સ કલર' અર્પણ કર્યો હતો. આ પ્રસંગે હરિયાણાના મુખ્યમંત્રી શ્રી મનોહર લાલ, હરિયાણાની વિધાનસભાના અધ્યક્ષ શ્રી જ્ઞાનચંદ ગુપ્તા, રાજ્યના ગૃહમંત્રી શ્રી અનિલ વિજ અને હરિયાણાના પોલીસ મહાનિદેશક શ્રી પી.કે. અગ્રવાલ સહિત અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.

કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રીએ અહીં ઉપસ્થિતોને આપેલા સંબોધનમાં જણાવ્યું હતું કે, 25 વર્ષ સુધી આપેલી નિરંતર સેવા દરમિયાન હિંમત, બહાદુરી અને સમર્પણની કાળજીપૂર્વક કસોટી કર્યા પછી જ પ્રેસિડેન્ટ્સ કલર એનાયત કરવામાં આવે છે. હરિયાણા પોલીસ જેવા મજબૂત પોલીસ દળ માટે આ પ્રતિષ્ઠિત સન્માનથી સન્માનિત થવું એ આ રાજ્યના લોકો તેમજ સમગ્ર દેશ માટે ગૌરવની વાત છે. તેમણે ઉમેર્યું હતું કે હરિયાણા પોલીસ સતર્ક રહેવા માટે જાણીતી છે. પોલીસ દળે કાયદો અને વ્યવસ્થાની જાળવણી, જાહેર સલામતી સુનિશ્ચિત કરીને અને નાગરિકોનું જીવન સરળ બનાવીને દરેક ક્ષેત્રમાં બહાદુરી, ધૈર્ય અને સાહસનું પ્રદર્શન કર્યું છે. રાષ્ટ્રીય રાજધાનીની નિકટતાને કારણે વિવિધ હિલચાલને સંભાળતી વખતે તેમણે કાર્યક્ષમતા અને માનવતા પણ દર્શાવી છે. શ્રી શાહે હરિયાણા પોલીસની શરૂઆતથી જ યોગદાન આપી રહ્યા છે તેવા તમામ પોલીસકર્મીઓ તેમજ અધિકારીઓને અભિનંદન પાઠવ્યા હતા. ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, હરિયાણા પોલીસને પ્રેસિડેન્ટ્સ કલર સન્માન એનાયત કરવામાં આવ્યું એ તેમની વ્યાવસાયિકતા અને અપવાદરૂપ ઉચ્ચ માપદંડોની સાક્ષી પૂરે છે. તેમણે ઉમેર્યું હતું કે, કોરોના મહામારી જેવા મુશ્કેલ સમય દરમિયાન હરિયાણા પોલીસે પોતાના જીવની પણ પરવા કર્યા વગર નિઃસ્વાર્થપણે સાચી ભાવનાથી લોકોની સેવા કરી હતી. તેમણે વધુમાં કહ્યું હતું કે, આવા પ્રતિકૂળ સંજોગોમાં વૃદ્ધ, નબળા વર્ગ અને બીમાર લોકોને સહકાર આપીને હરિયાણા પોલીસે માત્ર રાજ્યના લોકોનો જ નહીં, પરંતુ સમગ્ર દેશનો વિશ્વાસ જીતી લીધો છે.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે, 2019માં આજના દિવસે જ પુલવામામાં થયેલા ઘાતકી આંતકી હુમલામાં કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (CPRF)ના 40 જવાનો શહીદ થયા હતા. તેમણે જણાવ્યું હતું કે, ભારતના ઇતિહાસમાં આ 40 સૈનિકોના નામ હંમેશ માટે સુવર્ણ અક્ષરોમાં અંકિત છે. પુલવામા હુમલાના 40 શહીદોને કૃતજ્ઞ રાષ્ટ્ર વતી શ્રદ્ધાંજલિ અર્પણ કરતા ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, દેશની વર્તમાન ફોરવર્ડ કૂચને નિર્ધારિત કરવામાં શહીદોના બલિદાનનો ઘણો મોટો પ્રભાવ છે. શ્રી શાહે ભૂતપૂર્વ વિદેશ મંત્રી સ્વર્ગસ્થ શ્રીમતી સુષ્મા સ્વરાજને પણ તેમની જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, પ્રેસિડેન્ટ્સ કલર સન્માન એનાયત કરવામાં આવ્યું છે જે, સંગઠન અને સંસ્થા માટે મહાન વિશ્વસનીયતાની નિશાની બતાવે છે. તેમણે કહ્યું હતું કે, રાષ્ટ્રપતિ તરફથી એનાયત કરવામાં આવતું આ સર્વોચ્ચ સન્માન મેળવનાર હરિયાણા પોલીસ દેશના 10 રાજ્ય પોલીસ દળોમાંની એક બની ગઇ છે જેમણે આ સન્માન પ્રાપ્ત કર્યું છે. મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, દિલ્હી, જમ્મુ-કાશ્મીર, તમિલનાડુ, ત્રિપુરા, ગુજરાત, હિમાચલ પ્રદેશ અને આસામ બાદ હવે આ સર્વોચ્ચ સન્માન પ્રાપ્ત કરનારા પોલીસ દળોમાં હરિયાણા પોલીસનું નામ પણ જોડાઇ ગયું છે. ગૃહ મંત્રીએ વધુમાં કહ્યું હતું કે, આ માત્ર પોલીસ દળને આપવામાં આવેલું સન્માન જ નથી, પરંતુ હરિયાણાના લોકોની સેવામાં રાજ્ય પોલીસ દ્વારા દર્શાવવામાં આવેલી બહાદુરી, હિંમત અને સમર્પણની ઐતિહાસિક ગાથા પણ છે. તેમણે ઉમેર્યું હતું કે, 1951માં આ સન્માન સૌથી પહેલા ભારતીય નૌકાદળને આપવામાં આવ્યું હતું અને ત્યારથી અત્યાર સુધીમાં 10 રાજ્યોના પોલીસ દળો તેમજ અનેક કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (CAPF)ને પણ પ્રેસિડેન્ટ્સ કલર સન્માન એનાયત કરવામાં આવ્યું છે.

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રીએ જણાવ્યું હતું કે, 1 નવેમ્બર, 1966ના રોજ હરિયાણા પોલીસની સ્થાપના કરવામાં આવી ત્યારથી હરિયાણા પોલીસની સેવા અનુકરણીય રહી છે. શરૂઆતમાં 1966માં માત્ર 12,000 પોલીસ કર્મચારીઓ સાથે હરિયાણા પોલીસ દળની શરૂઆત કરવામાં આવી હતી જ્યારે હવે તેની સંખ્યા વધીને 75,000 કર્મચારીઓના આંકડાને સ્પર્શી ગઇ છે. આ ઉપરાંત, 19 જિલ્લાઓમાં પાંચ પોલીસ રેન્જ, ચાર પોલીસ કમિશનરેટ અને રેલવે પોલીસ સુધી તેમની વર્ક-પ્રોફાઇલનું વિસ્તરણ કરવામાં આવ્યું છે, જે હરિયાણા અને સમગ્ર દેશના લોકો માટે ખૂબ જ ગૌરવની વાત છે. શ્રી શાહે ઉમેર્યું હતું કે, કાયદો અને વ્યવસ્થાની સારી સ્થિતિ ધરાવતા રાજ્યોમાં હરિયાણા પ્રથમ ક્રમે આવી ગયું છે. તેમણે કહ્યું હતું કે, છેલ્લા એક વર્ષમાં જ હરિયાણા પોલીસે કેન્દ્રીય એજન્સીઓ તેમજ પંજાબ, દિલ્હી અને રાજસ્થાન પોલીસ વિભાગ સાથે મળીને ઘણી આંતર-રાજ્ય ગેંગનો ખાતમો કરવામાં મોટી સફળતા મેળવી છે. તેમણે આ સિદ્ધિ માટે 2018માં રચાયેલી સ્પેશિયલ ટાસ્ક ફોર્સને અભિનંદન પાઠવ્યા હતા. કેન્દ્રીય ગૃહ મંત્રીએ હરિયાણા પોલીસનો પ્રારંભ કરવામાં આવ્યો ત્યારથી અત્યાર સુધીમાં શહીદ થયેલા કુલ 83 પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. શ્રી શાહે કહ્યું હતું કે, હરિયાણાએ પણ 1984 થી 1994 સુધી 10 વર્ષના સમયગાળામાં પંજાબમાં થતા આતંકવાદની વેદનાનો સામનો કરવો પડ્યો છે અને તેના પર વિજય પણ મેળવ્યો છે. તેમણે આ સમયગાળા દરમિયાન શહીદ થયેલા પોલીસકર્મીઓ અને અધિકારીઓને પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

શ્રી અમિત શાહે કહ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નિર્દેશ હેઠળ પોલીસ તંત્રમાં અનેક સુધારાઓ શરૂ કરવામાં આવ્યા છે. આ સુધારાઓ પોલીસ લોકોના કલ્યાણ માટે કામ કરવા માટે સુલભ અને પ્રતિબદ્ધ રહે અને આધુનિક ટેક્નોલોજી અપનાવીને લોકોની મુશ્કેલીઓ ઓછી કરે તેવું સુનિશ્ચિત કરે છે. શ્રી શાહે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભવિષ્યના પડકારોને પહોંચી વળવા માટે ગૃહ મંત્રાલય હેઠળ 'પોલીસ ટેકનોલોજી મિશન'ની સ્થાપના કરી છે, જે દેશના પોલીસ દળને ટેકનોલોજીની રીતે સશક્ત બનાવશે. તેમણે ઉમેર્યું હતું કે, આ મિશન કોન્સ્ટેબલથી લઇને DGP સુધીના સમગ્ર પોલીસ તંત્રને ટેક્નોલોજી સંબંધિત શિક્ષણ આપશે અને ગુનાખોરીનું પ્રમાણ ઓછું કરવામાં મદદ કરશે. શ્રી શાહે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, નજીકના ભવિષ્યમાં હરિયાણા પોલીસ ICJS અને CCTN જેવા આ ટેક્નોલોજી મિશનને આત્મસાત કરશે.

કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આઝાદી કા અમૃત મહોત્સવના વર્ષ દરમિયાન નશામુક્ત ભારતનો સંકલ્પ રજૂ કર્યો છે અને તેને સફળ કરવા માટે ભારત સરકાર દ્વારા તમામ રાજ્યોના પોલીસ દળો સાથે સંકલન કરવામાં આવી રહ્યું છે. શ્રી શાહે વધુમાં ઉમેર્યું હતું કે, ભારત સરકાર ડ્રગ્સ (નશાખોરીના દ્રવ્યો) સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી રહી છે અને રાષ્ટ્રએ સંકલ્પ કર્યો છે કે નશા મુક્ત ભારત અભિયાન તેના લક્ષ્યને પ્રાપ્ત કર્યા પછી જ સમાપન પર પહોંચશે. તેમણે જણાવ્યું હતું કે નશીલા દ્રવ્યોના જોખમને દૂર કરવા માટે પણ સંખ્યાબંધ પગલાં લેવામાં આવ્યા છે, જેના કારણે ભૂતકાળની તુલનામાં અનેક ગણી જપ્તી કરવામાં આવી છે. આના પરથી એવું પણ પ્રતિત થાય છે કે, નશીલા દ્રવ્યો સામેની ઝુંબેશ નજીકના ભવિષ્યમાં વધુ તીવ્ર બનવા જઇ રહી છે. ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાં ફોરેન્સિક સાયન્સના નિષ્ણાતોને તાલીમ આપવામાં આવી રહી છે અને તેની સાથે CRPC, IPC અને એવિડન્સ અધિનિયમમાં સુધારા લાવવામાં આવી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, સરકાર 6 વર્ષ કે તેથી વધુ સજા થઇ શકે તમામ ગુનાઓમાં ફોરેન્સિક સાયન્સને ફરજિયાતપણે સામેલ કરવા જઇ રહી છે. તેમણે ઉમેર્યું હતું કે, આ પગલાથી ગુનેગારોને દોષિત ઠેરવવાના દરમાં સુધારો થશે અને દેશમાં ગુનાઓની સંખ્યામાં ધરખમ ઘટાડો થશે.

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, વર્ષ 2014થી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગૃહ મંત્રાલયે આંતરિક સુરક્ષાને લગતા અનેક પડકારોનો નિપુણતાપૂર્વક સામનો કર્યો છે. જમ્મુ અને કાશ્મીરમાં ફેલાયેલા આતંકવાદ, પૂર્વોત્તરમાં ચાલતા વિદ્રોહ અને ડાબેરી ઉગ્રવાદના વિસ્તારોમાં હિંસાએ દેશને કેટલાય દાયકાઓથી બાનમાં લીધો હતો. તેમણે ઉમેર્યું હતું કે, જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370 નાબૂદ કર્યા પછી, ત્યાં આતંકવાદી ઘટનાઓમાં ધરખમ ઘટાડો થયો છે અને દેશભરમાંથી વિક્રમી સંખ્યામાં પ્રવાસીઓ જમ્મુ અને કાશ્મીરની મુલાકાત લેવા માટે પણ જઇ રહ્યા છે. ભારત સરકારે જમ્મુ અને કાશ્મીરમાં ફેલાયેલા આતંકવાદને નાથવામાં ખૂબ જ મોટી સફળતા પ્રાપ્ત કરી છે. એ જ રીતે, પૂર્વોત્તર પ્રદેશમાં, 8000 કરતાં વધુ હથિયારધારી યુવાનોએ આત્મસમર્પણ કર્યું છે અને સંખ્યાબંધ જૂથો સાથે શાંતિ કરાર પર હસ્તાક્ષર કરીને યુવાનોને મુખ્ય પ્રવાહમાં પાછા લાવવામાં આવ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે, પૂર્વોત્તરમાં શાંતિ, વિકાસ અને આત્મવિશ્વાસનો નવો માહોલ સ્થાપિત થયો છે. શ્રી શાહે આગળ ઉમેર્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પૂર્વોત્તર પ્રદેશમાં અશાંતિની નિશાની એવા AFSPAમાં 60 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે અને તે એક મોટી સિદ્ધિ છે. વર્ષ 2010માં જ્યારે, 96 જિલ્લાઓ ડાબેરી ઉગ્રવાદી વિસ્તારો હેઠળ આવેલા હતા, તેની સરખામણીમાં વર્ષ 2021માં આ આંકડો ઘટીને 46 થઇ ગયો છે. ડાબેરી ઉગ્રવાદ સાથે સંકળાયેલી હિંસાના કેસોમાં પણ 70 ટકા કરાતં વધુનો ઘટાડો થયો છે. આ બાબત દર્શાવે છે કે, દેશ ટૂંક સમયમાં ડાબેરી ઉગ્રવાદથી સંપૂર્ણપણે મુક્ત થઇ જશે.

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ જણાવ્યું હતું કે, હરિયાણામાં 29 સાઇબર પોલીસ સ્ટેશન અને 309 સાઇબર ડૅસ્ક ઉભા કરવામાં આવ્યા હોવાથી સાઇબર છેતરપિંડીના કેસોનો સામનો કરવામાં મદદ મળી રહી છે. રાજ્યને ઇન્ટર-ઓપરેબલ ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ (ICJS) અને ક્રાઇમ એન્ડ ક્રિમિનલ ટ્રેકિંગ નેટવર્ક (CCTN) પ્રોજેક્ટના અમલીકરણમાં ટોચનો ક્રમ આપવામાં આવ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, હરિયાણા પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલા આ બે આધુનિકીકરણ પ્રોજેક્ટ્સના કારણે રાજ્યમાં ગુનાખોરીના દરને નિશ્ચિતપણે નિયંત્રિત કરવામાં મદદ મળી રહેશે અને નાગરિકોના જીવનને વધુ સુવિધાજનક બનાવી શકાશે. શ્રી અમિત શાહે જુલાઇ 2021માં શરૂ કરવામાં આવેલ ઇમરજન્સી નંબર 112ની સેવાની પણ પ્રશંસા કરી હતી. આ સેવાએ ખૂબ જ ટૂંકા ગાળામાં 86 લાખથી વધુ કૉલ પ્રાપ્ત કર્યા અને તેનો રિસ્પોન્સ આપ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, હરિયાણામાં ઇમરજન્સી નંબર પર કૉલનો સરેરાશ રિસ્પોન્સ સમય 11 મિનિટ 36 સેકન્ડ હતો જે ઘટાડીને 8 મિનિટ 2 સેકન્ડ કરવામાં આવ્યો હોવાથી હરિયાણા રાષ્ટ્રીય સ્તરે બીજા સ્થાને ઉભરી આવ્યું છે. શ્રી શાહે કહ્યું હતું કે, રાજ્ય સરકારે મુખ્યમંત્રીની ફ્લાઇંગ સ્કવૉડનો પ્રારંભ કરીને તેમજ ભ્રષ્ટાચાર વિરોધી એજન્ડા હેઠળ 1,303 કરતાં વધુ દરોડા પાડીને હરિયાણાને ભ્રષ્ટાચાર મુક્ત રાજ્ય બનાવવા માટે કામ કર્યું છે. હરિયાણા પોલીસે સમગ્ર રાજ્યમાં 600થી વધુ ઇમરજન્સી રિસ્પોન્સ વાહનોને સમર્પિત કર્યા છે. આ ઉપરાંત, હરિયાણા રાજ્ય લાયસન્સ સંબંધિત તમામ સેવાઓને ઑનલાઇન કરીને, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની સ્થાપના કરીને તેમજ દરેક જિલ્લામાં NCORD બેઠકોનું આયોજન કરીને, ડ્રગના જોખમ સામે સક્રિયપણે લડત આપી રહ્યું છે.

YP/GP/JD


(Release ID: 1899252) Visitor Counter : 418