પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

લોકસભામાં રાષ્ટ્રપતિનાં અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવને પ્રધાનમંત્રીના જવાબનો મૂળપાઠ

Posted On: 08 FEB 2023 9:05PM by PIB Ahmedabad

માનનીય અધ્યક્ષજી,

સૌ પ્રથમ, હું રાષ્ટ્રપતિજીનાં સંબોધન માટે તેમનો આભાર માનું છું અને તે મારું સૌભાગ્ય રહ્યું છે કે મને અગાઉ પણ ઘણી વખત રાષ્ટ્રપતિનાં સંબોધન પર તેમનો આભાર માનવાની તક મળી છે. પરંતુ આ વખતે ધન્યવાદની સાથે-સાથે હું રાષ્ટ્રપતિ મહોદયાજીને અભિનંદન પણ આપવા માગું છું. પોતાનાં દૂરંદેશી ભાષણમાં રાષ્ટ્રપતિજીએ આપણને સૌને અને કરોડો દેશવાસીઓને માર્ગદર્શન આપ્યું છે. પ્રજાસત્તાકનાં વડાં તરીકે તેમની હાજરી ઐતિહાસિક પણ છે અને દેશની કરોડો બહેનો અને દીકરીઓ માટે મહાન પ્રેરણાની તક પણ છે.

આદરણીય રાષ્ટ્રપતિ મહોદયાએ આદિવાસી સમાજનું ગૌરવ તો વધાર્યું જ છે એટલું જ નહીં, આજે આઝાદીનાં આટલાં વર્ષો પછી આદિવાસી સમાજમાં જે ગૌરવની અનુભૂતિ થઈ રહી છે, તેમનો જે આત્મવિશ્વાસ વધ્યો છે અને આ માટે આ ગૃહ પણ અને દેશ પણ તેમનો આભારી રહેશે. રાષ્ટ્રપતિજીનાં ભાષણમાં સંકલ્પથી સિદ્ધિ સુધીની યાત્રાની એક બહુ સરસ રીતે રૂપરેખા આપવામાં આવી છે, એક રીતે દેશને હિસાબ પણ આપવામાં આવ્યો, પ્રેરણા પણ આપવામાં આવી.

આદરણીય અધ્યક્ષજી, અહીં આ ચર્ચામાં તમામ માનનીય સભ્યોએ ભાગ લીધો, દરેકે પોત-પોતાના આંકડા આપ્યા, પોતપોતાની દલીલો કરી અને પોતાના રૂચિ, પ્રવૃત્તિઓ અનુસાર દરેકે પોતાની વાત મૂકી અને જ્યારે આપણે આ વાતોને ધ્યાનથી સાંભળીએ છીએ, જ્યારે આપણે તેને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ, ત્યારે એ પણ ધ્યાનમાં આવે છે કે કોની કેટલી ક્ષમતા છેકોની કેટલી યોગ્યતા છે, કોની કેટલી સમજ છે અને કોનો શું ઈરાદો છે. આ તમામ બાબતો જાહેર થાય જ છે. અને દેશ તેનું સારી રીતે મૂલ્યાંકન પણ કરે છે. હું ચર્ચામાં સામેલ તમામ માનનીય સભ્યોનો હૃદયપૂર્વક આભાર માનું છું. પરંતુ હું જોઇ રહ્યો હતો, ગઈકાલે કેટલાક લોકોનાં ભાષણ પછી, આખી ઇકોસિસ્ટમ, સમર્થકો ઉછળી રહ્યા હતા અને કેટલાક લોકો તો ખુશ થઈને કહી રહ્યા હતા, યે હુઇ ન બાત. કદાચ રાત્રે સારી ઊંઘ પણ આવી હશે, કદાચ આજે ઊઠી પણ ન શક્યા હશે. અને આવા લોકો માટે કહેવામાં આવ્યું છે, ખૂબ જ સારી રીતે કહેવામાં આવ્યું છે-

યે કહ-કહકર હમ દિલ કો બહલા રહે હૈ,

યે કહ-કહકર કે હમ દિલ કો બહલા રહે હૈ, વો અબ ચલ ચુકે હૈ,

વો અબ ચલ ચુકે હૈ, વો અબ આ રહે હૈ.

માનનીય અધ્યક્ષજી,

જ્યારે રાષ્ટ્રપતિનું ભાષણ થઈ રહ્યું હતું ત્યારે કેટલાક લોકો તો નજર પણ ચોરી ગયા અને એક મોટા નેતા મહામહિમ રાષ્ટ્રપતિજીનું અપમાન પણ કરી ચૂક્યા છે. આદિવાસી સમાજ પ્રત્યે નફરત પણ દેખાઈ છે અને આપણા આદિવાસી સમાજ પ્રત્યે તેમનું વલણ કેવું છે. પરંતુ જ્યારે આ પ્રકારની વાતો ટીવી સામે કહેવામાં આવી તો અંદર જે નફરતની ભાવના પડી રહી હતી, જે સત્ય તે બહાર આવી જ ગયું. તે આનંદની વાત છે, ઠીક છે, પછીથી ચિઠ્ઠી લખીને બચવાની કોશીશ તો કરવામાં આવી છે.

માનનીય અધ્યક્ષજી,

જ્યારે હું રાષ્ટ્રપતિજીનાં ભાષણ પર ચર્ચા સાંભળી રહ્યો હતો, ત્યારે મને લાગ્યું કે ઘણી બાબતોનો મૌન રહીને પણ સ્વીકાર કરવામાં આવ્યો છે. એટલે કે એક રીતે હું બધાનું ભાષણ સાંભળતો હતો, ત્યારે એવું લાગ્યું કે રાષ્ટ્રપતિનાં ભાષણ સામે કોઈને વાંધો નથી, કોઈએ તેની ટીકા કરી નથી. ભાષણની દરેક વાત, હવે જુઓ રાષ્ટ્રપતિજીએ શું કહ્યું છે, હું તેમના જ શબ્દો ટાંકું છું. રાષ્ટ્રપતિજીએ પોતાનાં ભાષણમાં કહ્યું હતું, "જે ભારત, એક સમયે તેની મોટાભાગની સમસ્યાઓનાં સમાધાન માટે અન્ય પર નિર્ભર હતું, તે આજે વિશ્વની સમસ્યાઓનાં સમાધાનનું માધ્યમ બની રહ્યું છે.” રાષ્ટ્રપતિજીએ એમ પણ કહ્યું હતું, "દેશની મોટી વસ્તીએ દાયકાઓથી જે પાયાની સુવિધાઓ માટે રાહ જોઈ તે તેમને આ વર્ષોમાં મળી છે. મોટાં મોટાં કૌભાંડો, સરકારી યોજનાઓમાં ભ્રષ્ટાચારની જે સમસ્યાઓથી દેશ છુટકારો મેળવવા માગતો હતો એ મુક્તિ હવે દેશને મળી રહી છે. નીતિ-લકવાની ચર્ચામાંથી બહાર આવીને, આજે દેશ અને દેશની ઓળખ ઝડપી વિકાસ માટે અને દૂરગામી દ્રષ્ટિકોણથી લેવાયેલા નિર્ણયો માટે થઈ રહી છે.” આ ફકરો જે હું વાંચી રહ્યો છું તે રાષ્ટ્રપતિજીનાં ભાષણના ફકરાને હું ટાંકી રહ્યો છું. અને મને આશંકા હતી કે આવી આવી વાતો પર ચોક્કસ જ વાંધો લેનારા અમુક લોકો તો નીકળશે જ, તેઓ વિરોધ કરશે કે રાષ્ટ્રપતિજી આવું કેવી રીતે બોલી શકે છે. પરંતુ હું ખુશ છું કે કોઈએ વિરોધ ન કર્યો, બધાએ સ્વીકાર કર્યો, બધાએ સ્વીકાર્યું. અને માનનીય અધ્યક્ષજી, હું 140 કરોડ દેશવાસીઓનો આભારી છું કે, સબકા પ્રયાસનાં પરિણામ સ્વરૂપે, આજે આખાં ગૃહમાં આ બધી બાબતોને સ્વીકૃતિ મળી છે. આનાથી મોટી ગર્વની વાત બીજી કઈ હોઈ શકે?

આદરણીય અધ્યક્ષજી. ગૃહમાં હસી-મજાક, ટીકા-ટિપ્પણી, વાદ-વિવાદ એ તો થયા કરે છે. પરંતુ એ ભૂલવું ન જોઈએ કે આજે એક રાષ્ટ્ર તરીકેની ગૌરવશાળી તક આપણી સામે ઉભી છે, જે ગર્વની ક્ષણો આપણે જીવી રહ્યા છીએ. રાષ્ટ્રપતિજીનાં સમગ્ર ભાષણમાં જે વાતો છે તે 140 કરોડ દેશવાસીઓની ઉજવણીનો પ્રસંગ છે, દેશે ઉજવણી કરી છે.

માનનીય અધ્યક્ષજી. 100 વર્ષમાં આવેલી એ ભયાનક બીમારી, મહામારી બીજી તરફ યુદ્ધની સ્થિતિ, વિભાજિત વિશ્વ, આ પરિસ્થિતિમાં પણ, આ સંકટનાં વાતાવરણમાં પણ દેશને જે રીતે સંભાળવામાં આવ્યો છે, જે રીતે દેશ સચવાયો છે તેનાથી સમગ્ર દેશ આત્મવિશ્વાસથી ભરાઇ રહ્યો છે, ગૌરવથી ભરાઇ રહ્યો છે.

આદરણીય અધ્યક્ષજી. પડકારો વિનાનું કોઈ જીવન નથી હોતું, પડકારો તો આવે છે. પરંતુ 140 કરોડ દેશવાસીઓનો જુસ્સો પડકારોથી પણ વધુ સામર્થ્યવાન છે. 140 કરોડ દેશવાસીઓનું સામર્થ્ય પડકારોથી પણ વધુ મજબૂત છે, મોટું છે, અને સામર્થ્યથી ભરેલું છે. આવી ભયંકર મહામારી, વિભાજિત વિશ્વ, યુદ્ધને કારણે થઈ રહેલો વિનાશ, અનેક દેશોમાં અસ્થિરતાનું વાતાવરણ છે. ઘણા દેશોમાં ભયંકર મોંઘવારી છે, બેરોજગારી, ખાદ્ય સંકટ અને આપણા અડોશ પડોશમાં પણ જે રીતે સ્થિતિ પ્રવર્તી રહી છે, આવી સ્થિતિમાં માનનીય અધ્યક્ષજી, કયો હિંદુસ્તાની એ વાત પર ગર્વ નહીં કરે કે આવા સમયે પણ દેશ વિશ્વની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યો છે. આજે સમગ્ર વિશ્વમાં ભારત વિશે સકારાત્મક્તા છે, એક આશા છે, વિશ્વાસ છે. અને આદરણીય અધ્યક્ષજી, એ પણ એક ખુશીની વાત છે કે આજે ભારતને વિશ્વના સમૃદ્ધ દેશો એવા જી-20 સમૂહના અધ્યક્ષ બનવાનો અવસર પણ મળ્યો છે.

તે દેશ માટે ગૌરવની વાત છે. 140 કરોડ દેશવાસીઓ માટે આ ગર્વની વાત છે. પણ મને લાગે છે કે, પહેલાં તો મને એવું નહોતું લાગતું, પણ અત્યારે એવું લાગે છે કે કદાચ કેટલાક લોકોને એનાથી પણ દુ:ખ લાગી રહ્યું છે. 140 કરોડ દેશવાસીઓમાંથી કોઈને તકલીફ ન હોઇ શકે. તેઓ આત્મનિરીક્ષણ કરે કે એ કોણ લોકો છે જેમને આનું પણ દુ:ખ થઈ રહ્યું છે.

માનનીય અધ્યક્ષજી,

આજે, વિશ્વની દરેક વિશ્વસનીય સંસ્થા, વૈશ્વિક અસરોનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરતા તમામ નિષ્ણાતો. જેઓ ભવિષ્યનું સારી રીતે અનુમાન પણ લગાવી શકે છે. તે બધાને આજે ભારત માટે ઘણી આશા છે, વિશ્વાસ છે અને ઘણો બધો ઉમંગ પણ છે. અને આખરે આ બધું શા માટે? એમ જ તો નથી. શા માટે આજે આખું વિશ્વ ભારત તરફ આ રીતે આટલી મોટી આશાની નજરે જોઈ રહ્યું છે? તેની પાછળ કારણ છે. આનો જવાબ છુપાયેલો છે ભારતમાં આવેલી સ્થિરતામાં, ભારતની વૈશ્વિક શાખમાં, ભારતનાં વધતાં જતાં સામર્થ્યમાં અને ભારતમાં બની રહેલી નવી સંભાવનાઓમાં છે.

માનનીય અધ્યક્ષજી,

આપણાં રોજિંદાં જીવનમાં જે વસ્તુઓ બની રહી છે. જો હું તેને જ શબ્દોમાં મૂકું અને દૃષ્ટાંતો સાથે કેટલીક ચીજો સમજાવવાનો પ્રયાસ કરું. હવે તમે જુઓ, ભારત બે ત્રણ દાયકા અસ્થિરતાના રહ્યા છે. આજે સ્થિરતા છે, રાજકીય સ્થિરતા છે, સ્થિર સરકાર પણ છે અને નિર્ણાયક સરકાર છે અને તેનો વિશ્વાસ સ્વાભાવિક હોય છે. એક નિર્ણાયક સરકાર, એક પૂર્ણ બહુમતથી ચાલનારી સરકાર રાષ્ટ્રનાં હિતમાં નિર્ણયો લેવાની તાકાત ધરાવે છે. અને આ એ સરકાર છે જે સુધારા મજબૂરીથી નહીં, ખાતરીથી કરી રહી છે (Reform out of compulsion નહીં, Reform out of conviction‌). અને અમે આ માર્ગ પરથી હટવાના નથી ચાલતા રહીશું. દેશને સમયની માગ મુજબ જે જોઈએ તે આપતા રહીશું.

માનનીય અધ્યક્ષજી,

હું વધુ એક ઉદાહરણ તરફ જવા માગું છું. આ કોરોના કાળમાં મેડ ઈન ઈન્ડિયા વેક્સીન તૈયાર કરવામાં આવી હતી. ભારતે વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન ચલાવ્યું અને એટલું જ નહીં, તેણે તેના કરોડો નાગરિકોને મફત રસી પણ આપી હતી. એટલું જ નહીં, અમે 150થી વધુ દેશોમાં આ સંકટના સમયે અમે જ્યાં જરૂર હતી, ત્યાં દવાઓ પહોંચાડી હતી, જ્યાં જરૂર હતી, ત્યાં રસી પહોંચાડવામાં આવી. અને આજે વિશ્વના અનેક દેશો એવા છે, જે આ મામલે વિશ્વ ફલક પર ભારતનો ગર્વભેર આભાર માને છે, ભારતનું ગૌરવ ગાન કરે છે. એ જ રીતે ત્રીજાં પાસાં પર પણ ધ્યાન આપો. આ જ સંકટના સમયમાં, ભારતનું ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, જે ઝડપથી ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરે પોતાની તાકાત બતાવી છે. એક આધુનિકતા તરફ બદલાવ કર્યો છે. આખું વિશ્વ તેનો અભ્યાસ કરી રહ્યું છે. તાજેતરમાં જ જી-20 સમિટમાં હું બાલીમાં હતો. ચારે બાજુ ડિજિટલ ઈન્ડિયાના વખાણ થઈ રહ્યા હતા. અને દેશ કેવી રીતે કરી રહ્યો છે? તે અંગે ઘણી ઉત્સુકતા હતી. કોરોના કાળમાં દુનિયાના મોટા મોટા દેશો, સમૃદ્ધ દેશો પોતાના નાગરિકોને આર્થિક મદદ પહોંચાડવા માગતા હતા. તેઓ નોટો છાપતા હતા, વહેંચતા હતા, પરંતુ તેનું વિતરણ કરી શકતા ન હતા. આ દેશ છે જે દેશવાસીઓનાં ખાતામાં અડધી સેકન્ડમાં લાખો કરોડો રૂપિયા જમા કરાવી દે છે. હજારો કરોડ રૂપિયા ટ્રાન્સફર થઈ જાય છે. એક સમય હતો જ્યારે દેશ નાની-નાની ટેકનોલોજી માટે તરસતો હતો. આજે દેશમાં બહુ મોટો ફરક અનુભવાય છે. ટેકનોલોજીનાં ક્ષેત્રમાં દેશ ખૂબ જ તાકાત સાથે આગળ વધી રહ્યો છે. કોવિન- દુનિયાના લોકો તેમનાં રસીકરણનાં પ્રમાણપત્રો પણ આપી શકતા ન હતા, ભાઇ. આજે, આપણું રસીકરણનું પ્રમાણપત્ર આપણા મોબાઇલ ફોન્સ પર બીજી જ સેકન્ડે ઉપલબ્ધ છે. આ તાકાત આપણે બતાવી છે.

માનનીય અધ્યક્ષજી,

ભારતમાં નવી સંભાવનાઓ છે. દુનિયાને સશક્ત મૂલ્ય અને પુરવઠા શ્રૃંખલા એમાં આજે આખી દુનિયાએ આ કોરોના કાળે સપ્લાય ચેઇનના મુદ્દે દુનિયાને હચમચાવી દીધી છે. આજે ભારત તે ઊણપને પૂરી કરવાની તાકાત સાથે આગળ વધી રહ્યું છે. ઘણાને એ વાત સમજવામાં ઘણો સમય લાગશે, અધ્યક્ષજી. ભારત આજે આ જ દિશામાં એક મેન્યુફેક્ચરિંગ હબ તરીકે ઉભરી રહ્યું છે અને ભારતની આ સમૃદ્ધિમાં વિશ્વ તેની સમૃદ્ધિ જોઈ રહ્યું છે.

માનનીય અધ્યક્ષજી,

નિરાશામાં ડૂબેલા કેટલાક લોકો દેશની આ પ્રગતિને સ્વીકારી જ શકતા નથી. તેમને ભારતના લોકોની સિદ્ધિઓ દેખાતી નથી. આ 140 કરોડ દેશવાસીઓના પુરુષાર્થમાં વિશ્વાસનું પરિણામ છે, જેનાં કારણે આજે દુનિયામાં ડંકો વાગવા લાગ્યો છે. તેમને ભારતના લોકોના પુરુષાર્થ પરિશ્રમથી મળેલી સિદ્ધિઓ તેમને દેખાતી નથી.

માનનીય અધ્યક્ષજી,

છેલ્લાં 9 વર્ષમાં ભારતમાં 90 હજાર સ્ટાર્ટઅપ્સ અને આજે સ્ટાર્ટઅપની દુનિયામાં આપણે વિશ્વમાં ત્રીજા નંબરે પહોંચી ગયા છીએ. એક ખૂબ જ મોટી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ આજે દેશના ટાયર 2, ટાયર 3 શહેરોમાં પણ પહોંચી ગઈ છે. તે ભારતના દરેક ખૂણે પહોંચી છે. ભારતના યુવા સામર્થ્યની ઓળખ બનતી જાય છે.

માનનીય અધ્યક્ષજી,

આટલા ઓછા સમયમાં અને કોરોનાના કપરા કાળમાં 108 યુનિકોર્ન બન્યા છે. અને એક યુનિકોર્નનો અર્થ થાય છે, તેની કિમત 6-7 હજાર કરોડથી વધુ હોય છે. આ દેશના નવયુવાનોએ કરી બતાવ્યું છે.

માનનીય અધ્યક્ષજી,

આજે ભારત વિશ્વમાં મોબાઇલ ઉત્પાદનમાં વિશ્વનો બીજો સૌથી મોટો દેશ બની ગયો છે. ઘરેલું હવાઈ મુસાફરો ઘરેલું હવાઈ ટ્રાફિક પર છે. આજે આપણે વિશ્વમાં ત્રીજા નંબરે પહોંચી ગયા છીએ. ઊર્જા વપરાશને પ્રગતિનો એક માપદંડ માનવામાં આવે છે. આજે ભારત ઊર્જા વપરાશમાં વિશ્વમાં એક ઉપભોક્તા તરીકે ત્રીજા નંબરે પહોંચી ગયું છે. પુનઃપ્રાપ્ય ઊર્જાની ક્ષમતાની દ્રષ્ટિએ આપણે વિશ્વમાં ચોથા નંબરે પહોંચી ગયા છીએ. રમતગમત ક્યારેક આપણી કોઇ નોંધ ન હતી, કોઇ પૂછતું ન હતું. આજે ખેલ જગતમાં ભારતીય ખેલાડીઓ દરેક સ્તરે પોતાનો રુઆબ બતાવી રહ્યા છે. તેઓ પોતાનું સામર્થ્ય બતાવી રહ્યા છે.

આજે ભારત શિક્ષણ સહિત દરેક ક્ષેત્રમાં આગળ વધી રહ્યું છે. પહેલી વાર આદરણીય અધ્યક્ષજી, ગર્વ થશે, પહેલી વાર ઉચ્ચ શિક્ષણમાં નોંધણી કરાવનારાની સંખ્યા ચાર કરોડને વટાવી ગઈ છે. એટલું જ નહીં દીકરીઓની ભાગીદારી પણ બરાબર થતી જાય છે. દેશમાં એન્જિનિયરિંગ હોય, મેડિકલ કૉલેજ હોય, પ્રોફેશનલ કૉલેજ હોય, તેની સંખ્યા ખૂબ જ ઝડપથી વધી રહી છે. સ્પોર્ટ્સમાં ભારતનો પરચો ઑલિમ્પિક હોય, કોમનવેલ્થ ગેમ્સ હોય, દરેક જગ્યાએ આપણા દીકરાઓ, આપણી દીકરીઓએ શાનદાર પ્રદર્શન કર્યું છે.

માનનીય અધ્યક્ષજી,

હું કોઈપણ ભારતીયને આવી ઘણી વાતો ગણાવી શકું છું. રાષ્ટ્રપતિજીએ પોતાનાં ભાષણમાં ઘણી વાતો કહી છે. દેશમાં દરેક સ્તરે, દરેક ક્ષેત્રમાં, દરેક વિચારસરણીમાં, આશા જ આશા નજરે ચઢે છે. એક વિશ્વાસથી ભરેલો દેશ છે. સપના અને સંકલ્પ લઈને ચાલનારો દેશ છે. પરંતુ અહીં કેટલાક લોકો એવી નિરાશામાં ડૂબેલા છે, કાકા હાથરસીએ એક ખૂબ જ મજેદાર વાત કહી હતી. કાકા હાથરસીએ કહ્યું હતું-

આગા-પીછા દેહકર ક્યોં હોતે ગમગીન, જૈસી જિસકી ભાવના વૈસા દીખે સીન’.

માનનીય અધ્યક્ષજી,

આખરે આ નિરાશા પણ એમ જ નથી આવી, તેની પાછળ એક કારણ છે. એક તો જનતાનો આદેશ, વારંવારનો જનાદેશ, પરંતુ સાથે સાથે આ નિરાશા પાછળ જે અંતર્મનમાં પડેલી ચીજ છે, જે શાંતિથી ઊંઘવા દેતી નથી, તે શું છે, છેલ્લાં 10 વર્ષમાં, 2014 પહેલા 2004થી 2014, ભારતની અર્થવ્યવસ્થા પડી ભાંગી. નિરાશા ન હોય તો શું હોય? મોંઘવારી 10 વર્ષમાં બે આંકડામાં રહી, અને તેથી જો કંઈક સારું થાય, તો નિરાશા વધુ બહાર આવે છે અને જેમણે બેરોજગારી દૂર કરવાનું વચન આપ્યું હતું.

માનનીય અધ્યક્ષજી,

એકવાર જંગલમાં, બે યુવાનો શિકાર કરવા ગયા અને તેઓ ગાડીમાં તેમની બંદૂક-વંદૂક નીચે ઉતરીને ટહેલવા લાગ્યા. તેમણે વિચાર્યું કે હવે થોડું આગળ ચાલવું હોય તો જરા હાથ-પગ ઠીક કરી લઈએ. પરંતુ તેઓ ગયા હતા તો વાઘનો શિકાર કરવા અને તેમણે જોયું કે જો તેઓ આગળ જશે તો વાઘ મળશે. પરંતુ થયું એવું કે વાઘ ત્યાં જ દેખાયો, હમણાં જ નીચે ઉતર્યા હતા. પોતાની ગાડીમાં બંદૂક-વંદૂક ત્યાં જ પડી હતી. વાઘ દેખાયો, હવે શું કરવું? તેથી તેઓએ લાઇસન્સ બતાવ્યું કે મારી પાસે બંદૂકનું લાઇસન્સ છે. આમણે પણ બેકારી દૂર કરવાનાં નામે કાયદો બતાવ્યો કે કાયદો બનાવી દીધો છે ભાઇ. અરે જુઓ, કાયદો બનાવી દીધો છે. આ જ તેમની રીતો છે, હાથ ઊંચા કરી દીધા. 2004થી 2014, આઝાદીના ઈતિહાસમાં સૌથી વધુ કૌભાંડોનો દાયકો રહ્યો, સૌથી વધુ કૌભાંડોનો. એ જ 10 વર્ષ, યુપીએના એ 10 વર્ષ, કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી, ભારતના દરેક ખૂણામાં, આતંકવાદી હુમલાનો સિલસિલો ચાલતો રહ્યો, 10 વર્ષ. દરેક નાગરિક અસુરક્ષિત હતો, ચારે બાજુ એ જ ચેતવણી રહેતી હતી કે કોઈ અજાણી વસ્તુને અડશો નહીં. અજાણી વસ્તુથી દૂર રહો, એ જ સમાચાર રહેતા હતા. 10 વર્ષમાં જમ્મુ-કાશ્મીરથી લઈને નોર્થ ઈસ્ટ સુધી હિંસા જ હિંસા દેશ એનો શિકાર બની ગયો હતો. તે 10 વર્ષોમાં, વૈશ્વિક મંચ પર ભારતનો અવાજ એટલો નબળો હતો કે દુનિયા સાંભળવા પણ તૈયાર નહોતી.

માનનીય અધ્યક્ષજી,

તેમની આ નિરાશાનું કારણ એ પણ છે કે આજે જ્યારે દેશની ક્ષમતાનો પરિચય થઈ રહ્યો છે, 140 કરોડ દેશવાસીઓનું સામર્થ્ય ખીલી રહ્યું છે, ખુલીને સામે આવી રહ્યું છે. પરંતુ દેશનું સામર્થ્ય તો પહેલાં પણ હતું. પરંતુ 2004થી લઈને 2014 સુધી તેમણે તે તક ગુમાવી દીધી. અને યુપીએની તો ઓળખ બની ગઈ દરેક તકને મુસીબતમાં ફેરવી દીધી. જ્યારે ટેકનોલોજીની માહિતીનો યુગ ઝડપથી વિકસી રહ્યો હતો, તેજીમાં આવી રહ્યો હતો, તે જ સમયે તેઓ 2જીમાં ફસાયેલા રહ્યા, તક મુસીબતમાં. જ્યારે સિવિલ ન્યુક્લિયર ડીલ થઈ, જ્યારે સિવિલ ન્યુક્લિયર ડીલ પર ચર્ચા થઈ ત્યારે તેઓ કેશ ફોર વૉટમાં ફસાયેલા રહ્યા. આ ખેલ ચાલ્યા.

માનનીય અધ્યક્ષજી,

વર્ષ 2010માં જ્યારે કોમનવેલ્થ ગેમ્સનું આયોજન થયું, ત્યારે ભારતને દુનિયા સમક્ષ, ભારતનાં યુવા સામર્થ્યને પ્રસ્તુત કરવાની આ એક બહુ મોટી તક હતી. પરંતુ ફરી તક મુસીબતમાં અને સીડબ્લ્યુજી કૌભાંડમાં આખો દેશ વિશ્વમાં બદનામ થઈ ગયો.

માનનીય અધ્યક્ષજી,

કોઈપણ દેશના વિકાસમાં ઊર્જાનું પોતાનું આગવું મહત્વ હોય છે. અને જ્યારે વિશ્વમાં ભારતની ઊર્જા શક્તિના ઉદયની દિશામાં ચર્ચાની જરૂર હતી, ત્યારે આ સદીના બીજા દાયકામાં, હિંદુસ્તાનની ચર્ચા બ્લેકઆઉટ તરીકે થઈ. સમગ્ર વિશ્વમાં બ્લેકઆઉટના એ દિવસો ચર્ચાનાં કેન્દ્રમાં આવ્યા. કોલસા કૌભાંડ ચર્ચામાં આવ્યું.

માનનીય અધ્યક્ષજી,

દેશ પર ઘણા બધા આતંકવાદી હુમલા થયા. 2008ના હુમલાને કોઈ ભૂલી શકે તેમ નથી. પરંતુ આતંકવાદ પર છાતી કાઢીને આંખમાં આંખ મેળવીને હુમલા કરવાની તાકાત ન હતી, તેના પડકારને પડકારવાની તાકાત નહોતી અને તેનાં કારણે આતંકવાદીઓનું મનોબળ ઊંચું થતું ગયું અને દસ વર્ષ સુધી સમગ્ર દેશમાં લોહી વહેતું રહ્યું, મારા દેશના નિર્દોષ લોકોનું, એ દિવસો રહ્યા હતા.

માનનીય અધ્યક્ષજી,

જ્યારે એલઓસી, એલએસી ભારતનાં સામર્થ્યની તાકાતનો અવસર રહેતો હતો, એ સમયે સંરક્ષણ સોદાને લઈને હૅલિકોપ્ટર કૌભાંડ અને તેમાં સત્તાને કન્ટ્રોલ કરનારા લોકોનાં નામ ચિહ્નિત થઈ ગયાં.

માનનીય અધ્યક્ષજી,

જ્યારે દેશ માટે જરૂરિયાત હતી અને નિરાશાનાં મૂળમાં આ બધી બાબતો પડેલી છે, ત્યારે બધું જ ઉભરીને આવી રહ્યું છે.

માનનીય અધ્યક્ષજી,

ભારત આ વાતને દરેક પળે યાદ રાખશે કે 2014 પહેલાનો જે દાયકો હતો, લોસ્ટ ડિકેડ તરીકે ઓળખાશે અને એ વાતને નકારી શકીએ નહીં કે 2030નો જે દાયકો છે એ સમગ્ર વિશ્વ માટે ભારતનો દાયકો છે.

માનનીય અધ્યક્ષજી,

હું માનું છું કે લોકશાહીમાં ટીકા ખૂબ જ મહત્વપૂર્ણ છે. અને હું હંમેશાં માનું છું કે ભારત, જે લોકશાહીની જનની છે, સદીઓથી આપણે ત્યાં લોકતંત્ર આપણી નસોમાં વ્યાપ્ત થયું છે. અને તેથી હું હંમેશાં માનું છું કે આલોચના એક રીતે લોકશાહીની મજબૂતી માટે, લોકશાહીનાં સંવર્ધન માટે, લોકશાહીની ભાવના માટે, ટીકા એ શુદ્ધિ યજ્ઞ છે. એ રીતે અમે ટીકાઓ જોનારા છીએ. પરંતુ દુર્ભાગ્યવશ હું ઘણા સમયથી રાહ જોઈ રહ્યો છું, કોઈ તો મહેનત કરીને આવશે, કોઈ તો વિશ્લેષણ કરે તો કોઈ ટીકા કરશે જેથી દેશને કંઈક ફાયદો થાય. પરંતુ 9 વર્ષ આલોચનાએ આરોપોમાં ગુમાવી દીધા એમણે. સિવાય આરોપ, ગાળાગાળી, કંઇ પણ બોલી દો, તે સિવાય બીજું કશું જ કર્યું નથી. ખોટા આરોપ અને હાલત તો એવી કે ચૂંટણી હારી જાવ- ઈવીએમ ખરાબ, આપી દો ગાળો, ચૂંટણી હારી જાઓ - ચૂંટણી પંચને ગાળો આપી દો, શું આ રીત છે? જો કૉર્ટમાં નિર્ણય તરફેણમાં ન આવે તો સુપ્રીમ કૉર્ટને ગાળો આપી દો, એની આલોચના કરી દો.

માનનીય અધ્યક્ષજી,

જો ભ્રષ્ટાચારની તપાસ કરવામાં આવી રહી છે, તો તપાસ એજન્સીઓને ગાળ આપી દો. જો સેના પોતાનું શૌર્ય બતાવે અને એ વૃતાંત દેશના જન-જનની અંદર એક નવો વિશ્વાસ પેદા કરે તો સેનાની આલોચન કરો, સેનાને ગાળ આપો, સેના પર આરોપ મૂકો.

ક્યારેક આર્થિક, દેશની પ્રગતિના સમાચાર આવે, આર્થિક પ્રગતિની ચર્ચા થાય, વિશ્વની તમામ સંસ્થાઓ ભારતનું આર્થિક ગૌરવગાન કરે તો અહીંથી નીકળી જાવ, આરબીઆઈને ગાળ આપો, ભારતની આર્થિક સંસ્થાઓને ગાળ આપો.

માનનીય અધ્યક્ષજી,

છેલ્લાં નવ વર્ષમાં આપણે જોયું છે કેટલાક લોકોની નાદારી જોઈ છે. એક રચનાત્મક ટીકાનું સ્થાન અનિવાર્ય વિવેચકોએ લઈ લીધું છે અને અનિવાર્ય વિવેચકો તેમાં જ ડૂબેલા છે, ખોવાયેલા છે.

માનનીય અધ્યક્ષજી,

ભ્રષ્ટાચારની તપાસ કરતી એજન્સીઓ વિશે ગૃહમાં ઘણું બધું કહેવામાં આવ્યું અને મેં જોયું કે ઘણા બધા વિપક્ષી લોકો આ મુદ્દે સૂરમાં સૂર પુરાવી રહ્યા હતા. મિલે મેરા-તેરા સૂર.

માનનીય અધ્યક્ષજી,

મને લાગતું હતું કે દેશની જનતા દેશનાં ચૂંટણીનાં પરિણામો ચોક્કસપણે આવા લોકોને એક મંચ પર લાવશે. પરંતુ એવું તો થયું નહીં, પરંતુ આ લોકોએ ઇડીનો આભાર માનવો જોઇએ કે ઇડીનાં કારણે આ લોકો એક મંચ પર આવ્યા છે. ઇડીએ આ લોકોને એક મંચ પર લાવી દીધા છે અને તેથી જે કામ દેશના મતદારો કરી શક્યા નથી.

માનનીય અધ્યક્ષજી,

આ વાત હું ઘણી વખત સાંભળી રહ્યો છું, અહીં કેટલાક લોકોને હાર્વર્ડના અભ્યાસનો ખૂબ જ ક્રેઝ છે. કોરોના કાળમાં આવું જ કહેવાયું હતું અને કૉંગ્રેસે કહ્યું હતું કે ભારતની બરબાદી પર હાર્વર્ડમાં કેસ સ્ટડી થશે, એવું કહ્યું હતું અને ગઈકાલે ફરી ગૃહમાં હાર્વર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસની વાત કાલે ફરી થઈ, પરંતુ માનનીય અધ્યક્ષજી, વીતેલાં વર્ષોમાં હાર્વર્ડમાં એક બહુ સરસ સ્ટડી થઈ છે, એક ખૂબ જ મહત્વપૂર્ણ અભ્યાસ કરવામાં આવ્યો છે. અને તે અભ્યાસ છે, તેનો વિષય શું હતો, હું ચોક્કસપણે ગૃહને કહેવા માગું છું અને આ સ્ટડી થઈ ચૂકી છે. અભ્યાસ છે ભારતની કૉંગ્રેસ પાર્ટીનો ઉદય અને પતન, આ સ્ટડી થઇ ચૂકી છે અને મને વિશ્વાસ છે, અધ્યક્ષશ્રી, મને વિશ્વાસ છે કે ભવિષ્યમાં, કૉંગ્રેસને બરબાદી પર માત્ર હાર્વર્ડમાં જ નહીં, પરંતુ મોટી મોટી યુનિવર્સિટીઓમાં અધ્યયન થવાનું જ થવાનું છે અને ડૂબાડનારા લોકો પર પણ થવાનું છે.

માનનીય અધ્યક્ષજી,

દુષ્યંત કુમારે આ પ્રકારના લોકો માટે ખૂબ જ સારી વાત કહી છે અને દુષ્યંત કુમારે જે કહ્યું છે તે ખૂબ જ સારી રીતે બંધ બેસતું છે તેમણે કહ્યું છે:-

તુમ્હારે પાંવ કે નીચે, કોઇ જમીન નહીં,

કમાલ યે હૈ કિ ફિર ભી તુમ્હેં યકીન નહીં’.

માનનીય અધ્યક્ષજી,

આ લોકો મોં માથા વગરની વાતો કરવા ટેવાયેલા છે એટલે પોતે કેટલો વિરોધાભાસ કરે છે તે પણ તેમને યાદ રહેતું નથી. ક્યારેક એક વાત, ક્યારેક બીજી વાત, ક્યારેક એક તરફ તો ક્યારેક બીજી બાજુ બની શકે તેઓ આત્મચિંતન કરીને પોતાની અંદરનો જે વિરોધાભાસ છે એને પણ સુધારી લેશે. હવે 2014થી તેઓ સતત કોસે છે દર વખતે કોસે છે, ભારત નબળું પડી રહ્યું છે, કોઈ ભારતની વાત સાંભળવા તૈયાર નથી, ભારતનું દુનિયામાં અસ્તિત્વ જ નથી રહ્યું, કોણ જાણે શું-શું કહ્યું અને હવે શું કહી રહ્યા છે. હવે તેઓ કહી રહ્યા છે કે ભારત એટલું મજબૂત થઈ ગયું છે કે તે અન્ય દેશોને ધમકાવી રહ્યું છે અને નિર્ણયો લેવડાવી રહ્યું છે. અરે પહેલા એ તો નક્કી કરો ભાઇ કે ભારત નબળું પડ્યું છે કે મજબૂત થયું છે.

માનનીય અધ્યક્ષજી,

કોઈ પણ જીવંત સંગઠન હોય, જો જીવંત વ્યવસ્થા હોય છે, જે જમીન સાથે જોડાયેલી વ્યવસ્થા હોય છે તે જનતા-જનાર્દનમાં શું ચાલી રહ્યું છે લોકોની અંદર તે વિશે ચિંતન કરે છે, તેમાંથી કંઈક શીખવાનો પ્રયાસ કરે છે અને સમય જતાં પોતાનો માર્ગ પણ બદલતું રહે છે. પરંતુ જે લોકો અહંકારમાં ડૂબેલા હોય છે, જે બસ બધું જ્ઞાન જાણે અમને જ છે, બધું જ અમારું જ સાચું છે, જે લોકો આવી વિચારસરણીમાં જીવે છે, તેમને લાગે છે કે મોદીને ગાળો દેવાથી જ અમારો રસ્તો નીકળશે. મોદી પર ખોટો એલફેલ કીચડ ફેંકીને જ રસ્તો નીકળશે. હવે 22 વર્ષ વીતી ગયા છે, તેઓ ગેરસમજ પાળીને બેઠા છે.

માનનીય અધ્યક્ષજી,

મોદી પરનો ભરોસો અખબારોની હેડલાઇન્સમાંથી જન્મ્યો નથી. મોદી પરનો આ ભરોસો ટીવી પર ચમકતા ચહેરાથી નથી આવ્યો. જીવન ખપાવી દીધું છે પળે પળ ખપાવી દીધી છે. દેશના લોકો માટે ખપાવી દીધી છે, દેશનાં ઉજ્જવળ ભવિષ્ય માટે ખપાવી દીધી છે. 

માનનીય અધ્યક્ષજી,

દેશવાસીઓનો મોદી પર જે ભરોસો છે તે તેમની સમજની બહાર છે અને તે સમજના ક્ષેત્રથી પણ ઘણો ઉપર છે. શું આ ખોટા આરોપ લગાવનારાઓ પર મફત રાશન મેળનવારા મારા દેશના 80 કરોડ દેશવાસીઓ, શું ક્યારેય તેમના પર ભરોસો કરશે કે.

માનનીય અધ્યક્ષજી,

વન નેશન વન રાશન કાર્ડ દેશભરમાં ક્યાંય પણ ગરીબમાં ગરીબ વ્યક્તિને હવે રાશન મળી જાય છે. તે તમારી જૂઠી વાતો પર, તમારા ખોટા ગલીચ આરોપો પર કેવી રીતે ભરોસો કરશે?

માનનીય અધ્યક્ષજી,

જે ખેડૂતનાં ખાતામાં વર્ષમાં ત્રણ વખત પીએમ કિસાન સન્માન નિધિના 11 કરોડ ખેડૂતોનાં ખાતામાં પૈસા જમા થાય છે, તે તમારી ગાળો, તમારા ખોટા આરોપો પર વિશ્વાસ કેવી રીતે કરશે.

માનનીય અધ્યક્ષજી,

જે કાલે ફૂટપાથ પર રહેવા માટે મજબૂર હતા, જેઓ ઝૂંપડપટ્ટીમાં જીવન ગુજારતા હતા, એવા 3 કરોડથી વધુ લોકોને પાકાં મકાનો મળી ગયાં છે, તેમને તમારી આ ગાળો છે, આ તમારી ખોટી વાતો કેમ તેઓ ભરોસો કરશે અધ્યક્ષજી.

માનનીય અધ્યક્ષજી,

9 કરોડ લોકોને મફત ગેસનાં કનેક્શન મળ્યાં છે, તેઓ તમારાં જુઠ્ઠાણાંને કેવી રીતે સ્વીકારશે? 11 કરોડ બહેનોને ઇજ્જત ઘર મળ્યાં છે, શૌચાલય મળ્યાં છે, તેઓ તમારાં જુઠ્ઠાણાંને કેવી રીતે સ્વીકારશે.

માનનીય અધ્યક્ષજી,

આઝાદીનાં 75 વર્ષ વીતી ગયાં 8 કરોડ પરિવારોને આજે નળથી જળ મળ્યું છે, તે માતાઓ તમારાં જુઠને કેમ સ્વીકાર કરશે, તમારી ભૂલોને, ગાળોને કેવી રીતે સ્વીકાર કરશે? આયુષ્માન ભારત યોજનાથી 2 કરોડ પરિવારોને મદદ પહોંચી છે, જિંદગી બચી ગઈ છે, તેમની મુશ્કેલીના સમયે મોદી કામમાં આવ્યા છે, તે તમારી ગાળોને કેવી રીતે સ્વીકારશે, કેમ સ્વીકાર કરશે.

માનનીય અધ્યક્ષજી,

તમારી ગાળો, તમારા આરોપોએ આ કરોડો કરોડો ભારતીયોમાંથી પસાર થવું પડશે, જેમને દાયકાઓ સુધી મુશ્કેલીઓમાં જિંદગી જીવવા માટે તમે મજબૂર કર્યા હતા.

માનનીય અધ્યક્ષજી,

કેટલાક લોકો પોતાના માટે, પોતાના પરિવાર માટે ઘણું બધું બરબાદ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. પોતાના માટે, પોતાના પરિવાર માટે જીવી રહ્યા છે, મોદી તો 25 કરોડ દેશવાસીઓના પરિવારના સભ્ય છે.

માનનીય અધ્યક્ષજી,

140 કરોડ દેશવાસીઓનાં આશીર્વાદથી આ મારું સૌથી મોટું સુરક્ષા કવચ છે. અને ગાળોનાં શસ્ત્રથી, જૂઠના શસ્ત્ર-અસ્ત્રોથી આ સુરક્ષા કવચને તમે કદી ભેદી શકો નહીં. તે વિશ્વાસનું સુરક્ષા કવચ છે અને આ શસ્ત્રોથી તમે ક્યારેય ભેદી શકતા નથી.

માનનીય અધ્યક્ષજી,

અમારી સરકાર કેટલીક બાબતો માટે પ્રતિબદ્ધ છે. સમાજના વંચિત વર્ગને પ્રાથમિકતા તે સંકલ્પ સાથે અમે જીવી રહ્યા છીએ, અમે તે સંકલ્પ સાથે ચાલી રહ્યા છીએ. દાયકાઓ સુધી દલિતો, પછાતો, આદિવાસીઓને જે હાલતમાં એમને છોડી દેવાયા હતા. બંધારણના ઘડવૈયાઓએ વિચાર્યું હતું એ સુધારો આવ્યો ન હતો. જે બંધારણના ઘડવૈયાઓએ નિર્દિષ્ટ કર્યું હતું. 2014થી ગરીબ કલ્યાણ યોજનાઓનો સૌથી વધુ લાભ મારા આ જ પરિવારોને મળ્યો છે. દલિતો, પછાતો અને આદિવાસીઓની વસાહતોમાં પ્રથમ વખત, માનનીય અધ્યક્ષજી, પહેલી વાર વીજળી પહોંચી છે. માઇલો સુધી પાણી માટે જવું પડતું હતું. પહેલી વાર નળ દ્વારા જળ પહોંચી રહ્યું છે. આ પરિવારો સુધી પહોંચી રહ્યું છે માનનીય અધ્યક્ષજી. અનેક પરિવારો, કરોડો પરિવારો આજે પ્રથમ વખત પાકાં મકાનોમાં રહેવા જવા માટે સક્ષમ બન્યા છે. તેઓ ત્યાં રહી શક્યા છે.

માનનીય અધ્યક્ષજી,

જે વસાહતો તમે છોડી દીધી હતી. આપને માટે ચૂંટણી સમયે જ જેની યાદ આવતી હતી. આજે રસ્તા હોય, વીજળી હોય, પાણી હોય, એટલું જ નહીં, 4જી કનેક્ટિવિટી પણ ત્યાં પહોંચી રહી છે.

માનનીય અધ્યક્ષજી,

આખો દેશ ગર્વ કરી રહ્યો છે. આજે એક આદિવાસી રાષ્ટ્રપતિ તરીકે જ્યારે જુએ છે. સમગ્ર દેશ ગૌરવગાન કરી રહ્યો છે. આજે દેશમાં અડધોઅડધ જ્ઞાતિ સમૂહનાં નર-નારી જેમણે માતૃભૂમિ માટે પોતાનાં જીવન તર્પણ કરી દીધાં. સ્વતંત્રતા સંગ્રામનું નેતૃત્વ કર્યું જેમનું પૂણ્ય સ્મરણ  આજે થઈ રહ્યું છે અને આપણા આદિવાસીઓનો ગૌરવ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. અને અમને ગર્વ છે કે આવી મહાન આદિવાસી પરંપરાના પ્રતિનિધિ તરીકે એક મહિલા દેશનું નેતૃત્વ કરી રહી છે, રાષ્ટ્રપતિ તરીકે કામ કરી રહી છે. અમે તેમને તેમનો હક આપ્યો છે.

માનનીય અધ્યક્ષજી,

આપણે પ્રથમ વખત જોઈ રહ્યા છીએ. એક વાત એ પણ સાચી છે. આપણા બધાનો સમાન અનુભવ છે, માત્ર મારો જ છે એવું નથી, તમારો પણ છે. આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે માતા સશક્ત થાય છે, ત્યારે આખો પરિવાર સશક્ત બને છે. જો પરિવાર સશકત થાય છે, તો સમાજ સશક્ત થાય છે અને ત્યારે જ દેશ સશક્ત બને છે. અને મને સંતોષ છે કે માતાઓ, બહેનો, દીકરીઓની સૌથી વધુ સેવા કરવાનું સૌભાગ્ય અમારી સરકારને મળ્યું છે. અમે દરેક નાની સમસ્યાને દૂર કરવા માટે નિષ્ઠાપૂર્વક પ્રયાસ કર્યો છે. અમે ખૂબ સંવેદનશીલતા સાથે તેના પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

માનનીય અધ્યક્ષજી,

કેટલીકવાર મજાક ઉડાવવામાં આવી રહી છે. આ કેવા પ્રધાનમંત્રી છે? લાલ કિલ્લા પરથી શૌચાલય વિશે વાત કરે છે. બહુ મજાક ઉડાવાઇ. આદરણીય અધ્યક્ષજી, આ શૌચાલય, આ ઈજ્જત ઘર, આ મારી માતાઓ અને બહેનોની ક્ષમતા, તેમની સુવિધા, તેમની સુરક્ષાનું સન્માન કરનારી વાત છે. એટલું જ નહીં, માનનીય અધ્યક્ષજી, જ્યારે હું સેનેટરી પેડ્સની વાત કરું છું, ત્યારે લોકોને લાગે છે, અરે પ્રધાનમંત્રી આવા વિષયોમાં કેમ જાય છે.

માનનીય અધ્યક્ષજી,

સેનેટરી પેડના અભાવે ગરીબ બહેન-દીકરીઓ શું શું અપમાન સહેતી હતી, બીમારીઓનો શિકાર બની જતી હતી. માતાઓ અને બહેનોને દિવસના ઘણા કલાકો ધૂમાડામાં ગુજારવા પડતા હતા. તેમનું જીવન ધૂમાડામાં ફસાયેલું રહેતું હતું, એમને મુક્તિ અપાવવાનું કામ એ ગરીબ માતાઓ-બહેનો માટે આ સૌભાગ્ય અમને મળ્યું છે. જિંદગી ખપી જતી હતી. અડધો સમય પાણી માટે, અડધો સમય કેરોસીનની લાઈનની અંદર જ પસાર થતો હતો. આજે માતા-બહેનોને તેમાંથી મુક્તિ અપાવવાનો સંતોષ અમને મળ્યો છે.

માનનીય અધ્યક્ષજી,

જે પહેલા ચાલતું હતું, જો એવું જ અમે ચાલવા દીધું હોત તો કદાચ કોઈ અમને સવાલ પણ ન પૂછતે કે મોદીજી આ કેમ ન કર્યું, તે કેમ ન કર્યું કારણ કે તમે દેશને એવી સ્થિતિમાં લાવી  દીધો હતો કે તેમાંથી બહાર નીકળી જ ન શકે. દેશ આવી નિરાશામાં ગરકાવ કરી દેવાયો હતો. અમે ઉજ્જવલા યોજનાથી ધૂમાડાથી છુટકારો અપાવ્યો, જળ-જીવનથી પાણી આપ્યું, બહેનોનાં સશક્તીકરણ માટે કામ કર્યું. 9 કરોડ બહેનોને સેલ્ફ હેલ્પ ગ્રૂપ સ્વસહાય જૂથો સાથે જોડવી. ખાણકામથી લઈને સંરક્ષણ સુધી, આજે માતાઓ અને બહેનોને, દીકરીઓ માટે તકો ખોલી દેવાઇ છે. આ તકો ખોલવાનું કામ અમારી સરકારે કર્યું છે.

માનનીય અધ્યક્ષજી,

આ વાતને આપણે યાદ કરીએ, વોટ બૅન્કની રાજનીતિએ દેશનાં સામર્થ્યને ક્યારેક ક્યારેક બહુ ઊંડો ધક્કો પહોંચાડ્યો છે. અને તેનું જ પરિણામ છે કે દેશમાં જે થવું જોઈતું હતું, જે સમયે થવું જોઈતું હતું, તેમાં ઘણો વિલંબ થઈ ગયો. તમે જુઓ, મધ્યમ વર્ગ, લાંબા સમય સુધી મધ્યમ વર્ગને સંપૂર્ણપણે નકારી કાઢવામાં આવ્યો. તેની તરફ જોવામાં સુદ્ધાં ન આવ્યું. એક રીતે તેઓ માનીને ચાલ્યા કે અમારું કોઈ નથી, આપણે જે કંઈ કરી શકીએ તે જાતે જ પોતાની તાકાઅત પર કરતા જઈએ. તે બિચારો પોતાની બધી જ શક્તિ વાપરી નાખતો હતો. પરંતુ અમારી સરકારે, એનડીએ સરકારે મધ્યમ વર્ગની પ્રામાણિકતાને ઓળખી છે. અમે તેમને સુરક્ષા પૂરી પાડી છે અને આજે અમારો મહેનતુ મધ્યમ વર્ગ દેશને નવી ઊંચાઈઓ પર લઈ જઈ રહ્યો છે. સરકારની વિવિધ યોજનાઓથી મધ્યમ વર્ગને કેટલો લાભ થયો છે માનનીય અધ્યક્ષજી, હું ઉદાહરણ આપું છું 2014 પહેલા જીબી ડેટા કારણ કે આજે યુગ બદલાઈ ગયો છે. ઓનલાઇન દુનિયા ચાલી રહી છે. દરેકના હાથમાં મોબાઈલ હોય છે. કેટલાક લોકોના ખિસ્સા ફાટી ગયા હોય તો પણ મોબાઇલ તો હોય જ છે. આદરણીય અધ્યક્ષજી, 2014 પહેલા જીબી ડેટાની કિંમત 250 રૂપિયા હતી. આજે માત્ર 10 રૂપિયા છે. આદરણીય અધ્યક્ષજી, એવરેજ આપણા દેશનો એક નાગરિક સરેરાશ 20 જીબીનો ઉપયોગ કરે છે. જો હું એ હિસાબે ગણતરી કરું તો, સરેરાશ એક વ્યક્તિના 5 હજાર રૂપિયા બચે છે આદરણીય અધ્યક્ષજી.

આદરણીય અધ્યક્ષજી,

જન ઔષધિ સ્ટોર્સ આજે સમગ્ર દેશમાં આકર્ષણનું કારણ બન્યા છે, કારણ કે મધ્યમ વર્ગીય પરિવાર એને જો પરિવારમાં સિનિયર સિટીઝન હોય, ડાયાબિટીસ જેવી બીમારી છે તો તેમને હજાર, બે હજાર, અઢી હજાર, ત્રણ હજાર રૂપિયાની દવાઓ દર વખતે મહિને લેવી પડે છે. જન ઔષધિ કેન્દ્રમાં જે દવા બજારમાં 100 રૂપિયામાં મળે છે, તે જન ઔષધિમાં 10 રૂપિયા, 20 રૂપિયામાં મળે છે. આજે 20 હજાર કરોડ રૂપિયા મધ્યમ વર્ગના જન ઔષધિને કારણે બચ્યા છે.

આદરણીય અધ્યક્ષજી,

દરેક મધ્યમવર્ગીય પરિવારનું એક સપનું હોય છે કે પોતાનું એક ઘર બને અને શહેરી વિસ્તારોમાં હોમ લોન માટે મોટી વ્યવસ્થા કરવાનું કામ અમે કર્યું અને રેરાનો કાયદો ઘડવાને કારણે જે તત્વો એક સમયે મધ્યમ વર્ગની મહેનતની કમાણીને વર્ષોથી ડૂબાડી રાખતા હતા, અમે તેમાંથી છુટકારો અપાવીને તેને નવો વિશ્વાસ આપવાનું કામ અમે કર્યું છે અને તેનાં કારણે જ તેનું પોતાનું ઘર બનાવવાની તેની સરળતા વધી ગઈ છે.

આદરણીય અધ્યક્ષજી,

દરેક મધ્યમ વર્ગીય પરિવારના મનમાં તેમનાં બાળકોનાં ભવિષ્ય માટે તેમનાં ઉચ્ચ શિક્ષણ માટે એક મનસૂબો રહે છે. તે ઈચ્છે છે આજે જેટલી માત્રામાં મેડિકલ કૉલેજો હોય, એન્જિનિયરિંગ કૉલેજો હોય, પ્રોફેશનલ કૉલેજોની સંખ્યા વધારવામાં આવી છે. બેઠકોમાં વધારો કરવામાં આવ્યો છે. તેનાથી મધ્યમ વર્ગની આકાંક્ષાને ખૂબ જ સારી રીતે સંબોધિત કરવામાં આવી છે. તેને  વિશ્વાસ થવા લાગ્યો છે કે તેનાં બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય નક્કી છે.

આદરણીય અધ્યક્ષજી,

દેશને આગળ વધારવો છે તો ભારતને આધુનિકતા તરફ લઈ જવા સિવાય કોઈ વિકલ્પ નથી. અને સમયની માગ એ છે કે હવે આપણે સમય બરબાદ કરી શકતા નથી અને તેથી અમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ઘણું ધ્યાન આપ્યું છે અને એ પણ માનો, સ્વીકારશો કે ભારતની એક જમાનામાં ઓળખ હતી, ગુલામીના સમયગાળા પહેલા, આ દેશ આર્કિટેક્ચર માટે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે દુનિયામાં એની એક તાકાત હતી, ઓળખ હતી. ગુલામીના સમયગાળા દરમિયાન બધું જ નાશ પામ્યું હતું. આશા હતી કે દેશ આઝાદ થયા પછી ફરી એ દિવસો આવશે, પરંતુ તે પણ સમય વીતી ગયો. જે થવું જોઈતું હતું, જે ગતિએ થવું જોઈતું હતું, જે વ્યાપથી થવું જોઈતું હતું, તે આપણે કરી શક્યા નહીં. આજે તેમાં મોટો ફેરફાર આ દાયકામાં જોવા મળી રહ્યો છે. રસ્તાઓ હોય, દરિયાઈ માર્ગો હોય, વેપાર હોય, જળમાર્ગો હોય, દરેક ક્ષેત્રમાં આજે માળખાગત સુવિધાઓમાં કાયાકલ્પ દેખાઇ રહ્યો છે. હાઇવે પર રેકોર્ડ રોકાણ થઇ રહ્યું છે, માનનીય અધ્યક્ષજી. દુનિયાભરમાં આજે પહોળા રસ્તાઓની વ્યવસ્થા થતી હતી, ભારતમાં પહોળા રસ્તા, હાઇ વે, એક્સપ્રેસ વે, આજે દેશની નવી પેઢી જોઇ રહી છે. ભારતમાં વૈશ્વિક સ્તરના સારા હાઇવે, એક્સપ્રેસવે દેખાય, એ દિશામાં અમારું કામ છે. પહેલા રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, અંગ્રેજો જે આપીને ગયા એના પર જ આપણે બેસી રહ્યા, એને જ આપણે સારું માની લીધું. ગાડી ચાલતી હતી.

આદરણીય અધ્યક્ષજી,

તે સમય હતો, જે પ્રકારે અંગ્રેજો છોડીને ગયા હતા એ જ ભાવમાં જીવતા રહ્યા અને રેલવેની ઓળખ શું બની ગઈ હતી? રેલવે એટલે ધક્કા-મુક્કી, રેલવે એટલે અકસ્માત, રેલવે એટલે લેટલતીફી, આ જ એટલે એક સ્થિતિ હતી લેટલતીફીમાં એક કહેવત બની ગઈ હતી, રેલવે એટલે લેટલતીફી. એક સમય હતો જ્યારે દર મહિને અકસ્માતો થવાની ઘટનાઓ વારંવાર આવતી હતી. એક સમય હતો અકસ્માત નસીબ બની ગયો હતો. પરંતુ હવે ટ્રેનોમાં, ટ્રેનોની અંદર, વંદે ભારતની માગ દરેક સાંસદ પત્ર લખે છે, અમારે ત્યાં વંદે ભારત શરૂ કરો. આજે રેલવે સ્ટેશનોની કાયાપલટ થઈ રહી છે. આજે એરપોર્ટ્સની કાયાપલટ થઈ રહી છે. સિત્તેર વર્ષમાં સિત્તેર એરપોર્ટ, નવ વર્ષમાં સિત્તેર એરપોર્ટ્સ. દેશમાં જળમાર્ગોનું નિર્માણ પણ થઈ રહ્યું છે. આજે જળમાર્ગો પર પરિવહન થઈ રહ્યું છે. આદરણીય અધ્યક્ષજી, દેશને આધુનિકતાની દિશામાં લઈ જવા માટે આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ભાર મૂકીને આપણે આગળ વધી રહ્યા છીએ.

આદરણીય અધ્યક્ષજી,

મારાં જીવનમાં જાહેર જીવનમાં, 4-5 દાયકા મને થયા છે અને હું હિંદુસ્તાનના ગામડાઓમાંથી પસાર થયેલો માણસ છું. 4-5 દાયકા સુધી, એમાંથી એક લાંબો સમયગાળો સંન્યાસી-પરિવ્રાજક તરીકે વીતાવ્યો છે. મને દરેક સ્તરના પરિવારો સાથે ઉઠવા-બેસવાની, વાત કરવાની તક મળી છે અને એટલા માટે જ ભારતના દરેક ભૂ ભાગ સમાજની દરેક ભાવનાથી પરિચિત છું. અને હું તેના આધાર પર કહી શકું છું અને ખૂબ જ વિશ્વાસ સાથે કહી શકું છું કે ભારતનો સામાન્ય માનવી હકારાત્મકતાથી ભરેલો છે. હકારાત્મકતા એ તેના સ્વભાવનો, તેના સંસ્કારનો એક ભાગ છે. ભારતીય સમાજ નકારાત્મકતાને સહન કરી લે છે, તેને સ્વીકારતો નથી, આ તેનો સ્વભાવ નથી. ભારતીય સમુદાયની પ્રકૃતિ ખુશમિજાજ છે, એક સ્વપ્નશીલ સમાજ છે, સત્કર્મોના માર્ગ પર ચાલનારો સમાજ છે. સર્જન કાર્ય સાથે સંકળાયેલો સમાજ છે. આજે હું કહેવા માગીશ કે જે લોકો સપનાઓ લઈને બેઠા છે કે ક્યારેક તેઓ અહીં બેસતા હતા ફરી ક્યારેક તક મળશે, એવા લોકો જરા 50 વાર વિચારે, પોતાની રીતભાતો પર પુનર્વિચાર કરે. લોકશાહીમાં તમારે પણ આત્મચિંતન કરવાની જરૂર છે. આધાર આજે ડિજિટલ લેવડદેવડનો સૌથી મહત્વપૂર્ણ ભાગ બની ગયું છે. તમે તેને પણ નિરાધાર કરી રાખ્યું હતું. હવે તેની પણ પાછળ પડી ગયા હતા. તેને રોકવા માટે કૉર્ટ-કચેરી સુદ્ધાં છોડી ન હતી. જીએસટીને કોણ જાણે શું શું કહી દેવામાં આવ્યું. ખબર નહીં, પરંતુ આજે જીએસટીએ ભારતની અર્થવ્યવસ્થાને અને સામાન્ય માનવીનાં જીવનને સરળ બનાવવામાં બહુ મોટી ભૂમિકા નિભાવી છે. તે જમાનામાં એચએએલને કેટલી ગાળો આપવામાં આવી હતી, કેવી રીતે અને મોટા મોટા ફોરમનો દુરુપયોગ કરવામાં આવ્યો. આજે તે એશિયાનું સૌથી મોટું હૅલિકોપ્ટર મેન્યુફેક્ચરિંગ હબ બની ગયું છે તે. જ્યાંથી તેજસ વિમાન સેંકડોની સંખ્યામાં બની રહ્યાં છે, એચએએલ પાસે આજે ભારતીય સેનાના હજારો, હજારો- કરોડો રૂપિયાના ઓર્ડર છે. ભારતની અંદર વાઇબ્રન્ટ ડિફેન્સ ઇન્ડસ્ટ્રી આગળ આવી રહી છે. આજે ભારત ડિફેન્સ એક્સપોર્ટ કરવા માંડ્યું છે. માનનીય અધ્યક્ષજી, ભારતના દરેક નવયુવાનને ગર્વ થાય છે, નિરાશામાં ડૂબેલા લોકો પાસેથી કોઈ અપેક્ષા નથી.

આદરણીય અધ્યક્ષજી,

તમે જાણો છો સમય સારી રીતે સાબિત કરી રહ્યો છે, જેઓ એક સમયે અહીં બેસતા હતા તેઓ ત્યાં ગયા પછી પણ નિષ્ફળ ગયા છે અને દેશ પાસ થઈ રહ્યો છે, ડિસ્ટિંકશન- શ્રેષ્ઠતા પર જઈને અને તેથી સમયની માગ એ છે કે આજે નિરાશામાં ડૂબેલા લોકો થોડું સ્વસ્થ મન રાખીને આત્મચિંતન કરે.

આદરણીય અધ્યક્ષજી,

જમ્મુ-કાશ્મીરની પણ અહીં ચર્ચા થઈ અને જેઓ  હમણાં જ જમ્મુ-કાશ્મીર ફરીને આવ્યા છે, તેમણે જોયું હશે કે તમે કેટલા આન-બાન-શાનથી જમ્મુ-કાશ્મીરમાં જઈ શકો છો, ઘૂમી શકો છો, ફરી શકો છો.

આદરણીય અધ્યક્ષજી,

પાછલી સદીના ઉત્તરાર્ધમાં હું પણ જમ્મુ-કાશ્મીરમાં યાત્રા લઈને ગયો હતો અને લાલ ચોક પર ત્રિરંગો ફરકાવવાનો સંકલ્પ લઈને નીકળ્યો હતો અને ત્યારે આતંકવાદીઓએ પોસ્ટર લગાવ્યા હતા, તે સમયે અને કહ્યું હતું કે, જોઈએ કે કોણે પોતાની માનું દૂધ પીધું છે જે લાલ ચોક પર આવીને ત્રિરંગો ફરકાવે છે? પોસ્ટરો લાગેલા હતા અને તે દિવસે 24 જાન્યુઆરી હતી, મેં જમ્મુની અંદર ભરસભામાં કહ્યું હતું, અધ્યક્ષજી.' હું અગાઉની શતાબ્દીની વાત કરું છું. અને ત્યારે મેં કહ્યું હતું, આતંકવાદીઓ કાન ખોલીને સાંભળી લે, 26 જાન્યુઆરીએ, બરાબર 11 વાગ્યે હું લાલ ચોક પહોંચીશ, સુરક્ષા વગર આવીશ, બુલેટપ્રૂફ જૅકેટ વિના આવીશ અને ફેંસલો લાલ ચોકમાં થશે, કોણે પોતાની માતાનું દૂધ પીધું છે. એ સમય હતો.

આદરણીય અધ્યક્ષજી,

અને જ્યારે મેં શ્રીનગરના લાલ ચોકમાં તિરંગો ફરકાવ્યો, ત્યારબાદ મીડિયાકર્મીઓ મને પૂછવા લાગ્યા, મેં કહ્યું હતું કે સામાન્ય રીતે તો 15 ઑગસ્ટ અને 26 જાન્યુઆરીએ, જ્યારે ભારતનો તિરંગો ફરકાવવામાં આવે છે, ત્યારે ભારતના આયુધ, ભારતના બારૂદ સલામી આપે છે અને અવાજ કરીને આપે છે. મેં કહ્યું, આજે જ્યારે હું લાલ ચોકની અંદર રાષ્ટ્રધ્વજ ફરકાવું, ત્યારે દુશ્મન દેશના તોપગોળા પણ સલામી આપી રહ્યા છે, ગોળીઓ ચલાવી રહ્યા હતા, બંદૂકો અને બોમ્બ ફોડી રહ્યા હતા.

આદરણીય અધ્યક્ષજી,

આજે જે શાંતિ આવી છે, આજે ચેનથી જઈ શકો છો. સેંકડોની સંખ્યામાં જઈ શકાય છે. આ માહોલ અને પર્યટનની દુનિયામાં ઘણા દાયકાઓ બાદ જમ્મુ-કાશ્મીરે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. જમ્મુ-કાશ્મીરમાં આજે લોકતંત્રનો ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે.

આદરણીય અધ્યક્ષજી,

આજે જમ્મુ-કાશ્મીરમાં હર ઘર તિરંગાના સફળ કાર્યક્રમો થાય છે. મને ખુશી છે કે કેટલાક લોકો છે, જેઓ એક સમયે કહેતા હતા કે તિરંગાથી શાંતિ બગડવાનો ખતરો લાગતો હતો કેટલાક લોકોને. એવું કહેતા હતા કે તિરંગાથી જમ્મુ-કાશ્મીરમાં શાંતિ બગડવાનો ખતરો રહેતો હતો. સમય જુઓ, સમયની મજા જુઓ - હવે તેઓ પણ તિરંગા યાત્રામાં ભાગ લઈ રહ્યા છે.

અને આદરણીય અધ્યક્ષજી,

અખબારોમાં એક એવા સમાચાર આવ્યા હતા કે જેના પર કોઈનું ધ્યાન ગયું ન હશે. આદરણીય અધ્યક્ષજી, તે જ સમયે, જ્યારે આ લોકો ટીવી પર ચમકવાનો પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારે તેની સાથે અખબારોમાં એક સમાચાર આવ્યા હતા. પરંતુ તે જ સમયે, શ્રીનગરની અંદર થિયેટર હાઉસ દાયકાઓ પછી ફૂલ ચાલી રહ્યા હતા અને અલગાવવાદીઓ દૂર દૂર સુધી જોવા મળતા ન હતા. હવે તે વિદેશે જોયું છે.

આદરણીય અધ્યક્ષજી,

અત્યારે અમારા સાથીઓ, અમારા માનનીય સભ્યો, પૂર્વોત્તર વિશે કહી રહ્યા હતા. હું કહીશ કે એકવાર ઉત્તર-પૂર્વ જઈ આવો. તમારા જમાનાનું ઉત્તર-પૂર્વ અને આજના જમાનાનું ઉત્તર-પૂર્વ જોઈ આવો. અહીં આધુનિક પહોળા ધોરીમાર્ગો છે, રેલની આરામદાયક મુસાફરી છે. તમે આરામથી વિમાન દ્વારા જઈ શકો છો. પૂર્વોત્તરના ખૂણે-ખૂણામાં આજે હું ગર્વ સાથે કહું છું કે આપણે આઝાદીનાં 75 વર્ષ ઉજવી રહ્યા છીએ, ત્યારે હું ગર્વથી કહું છું કે 9 વર્ષમાં લગભગ 7500 જેઓ હથિયારના રસ્તે ચાલી નીકળ્યા હતા, એવા લોકોએ આત્મસમર્પણ કર્યું, અને અલગાવવાદી પ્રવૃત્તિઓને છોડીને મુખ્ય ધારામાં આવવાનું કામ કર્યું છે.

આદરણીય અધ્યક્ષજી,

આજે ત્રિપુરામાં લાખો પરિવારોને પાકું ઘર મળ્યું છે, એમના આનંદમાં મને સહભાગી થવાનો અવસર મળ્યો હતો. જ્યારે મેં ત્રિપુરામાં હીરા યોજનાની વાત કરી હતી, ત્યારે મેં કહ્યું હતું કે, હાઇવે-આઇવે-રેલવે અને એરવે હીરા, આ હીરાની આજે સફળતાપૂર્વક ત્રિપુરાની ધરતી પર મજબૂતી દેખાય રહી છે. ત્રિપુરા આજે ભારતની વિકાસ યાત્રામાં ઝડપથી ભાગીદાર બન્યું છે.

આદરણીય અધ્યક્ષજી,

હું જાણું છું કે સત્ય સાંભળવા માટે પણ બહુ સામર્થ્ય જોઇએ છે. આદરણીય અધ્યક્ષજી, ખોટા, ગંદા આરોપોને સાંભળવા માટે પણ ઘણી ધીરજની જરૂર પડે છે અને હું તે બધાને અભિનંદન આપું છું જેમણે ધૈર્ય સાથે ગંદામાં ગંદી વાતો સાંભળવાની શક્તિ બતાવી છે, તેઓ અભિનંદનના અધિકારી છે. પરંતુ સત્ય સાંભળવાનું સામર્થ્ય નથી રાખતા તેઓ કેટલી નિરાશામાં ડૂબી ચૂક્યા હશે દેશ આજે એ વાતની સાબિતી જોઈ રહ્યો છે.

માનનીય અધ્યક્ષજી,

રાજકીય મતભેદો હોઈ શકે છે, વિચારધારામાં મતભેદો હોઈ શકે છે, પરંતુ આ દેશ અમર છે. ચાલો આપણે નીકળી પડીએ - 2047, આપણે આઝાદીનાં 100 વર્ષ ઉજવીશું, આપણે એક વિકસિત ભારત બનાવીને જ રહીશું. ચાલો એક સ્વપ્ન સાથે આગળ વધીએ, એક સંકલ્પ સાથે આગળ વધીએ, પૂરી તાકાત સાથે ચાલીએ અને જે લોકો વારંવાર ગાંધીનાં નામે રોટલી શેકવા માગે છે - હું તેમને કહેવા માંગુ છું કે એકવાર ગાંધીને વાંચી લે. એકવાર મહાત્મા ગાંધીને વાંચે, મહાત્મા ગાંધીએ કહ્યું હતું - જો તમે તમારી ફરજો નિભાવો છો, તો પછી બીજાના અધિકારોનું રક્ષણ કરવું તેમાં જ રહેલું છે. આજે આપણે કર્તવ્ય અને અધિકાર વચ્ચે પણ લડાઈ જોઈ રહ્યા છીએ, આવી મૂર્ખતા કદાચ દેશે પહેલી વાર જોઈ હશે.

અને એટલે માનનીય અધ્યક્ષજી,

હું ફરી એકવાર આદરણીય રાષ્ટ્રપતિજીને ખૂબ-ખૂબ અભિનંદન આપું છું, રાષ્ટ્રપતિજીનો આભાર માનું છું અને દેશ આજે અહીંથી એક નવા ઉમંગ, નવા વિશ્વાસ, નવા સંકલ્પ સાથે આગળ ચાલી નીકળ્યો છે.

ખૂબ ખૂબ આભાર!

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1897570) Visitor Counter : 418