પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ઇન્ડિયા એનર્જી વીક (આઇઇડબલ્યુ) 2023નું ઉદ્ઘાટન કરશે
Posted On:
05 FEB 2023 6:13PM by PIB Ahmedabad
- • ગ્રીન એનર્જીનાં ક્ષેત્રમાં વિવિધ પહેલ શરૂ કરવામાં આવશે
- • 11 રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ઓઇલ માર્કેટિંગ કંપનીઓના 84 રિટેલ આઉટલેટ્સ પર ઇ20 ઇંધણ લોન્ચ કરવામાં આવશે
- • સ્વચ્છ ઇંધણ માટે જનજાગૃતિ લાવવા ગ્રીન મોબિલિટી રેલીને લીલી ઝંડી અપાશે
- પ્રધાનમંત્રી ઇન્ડિયન ઓઇલની ઇન્ડોર સોલર કૂકિંગ સિસ્ટમનાં ટ્વિન-કૂકટોપ મૉડલને સમર્પિત કરશે – આ એક ક્રાંતિકારી ઇન્ડોર સોલર કૂકિંગ સોલ્યુશન છે, જે સૌર અને સહાયક ઊર્જા એમ બંને સ્રોતો પર એક સાથે કામ કરે છે.
|
પ્રધાનમંત્રી આવતીકાલે કર્ણાટકનાં બેંગલુરુમાં ઇન્ડિયા એનર્જી વીક (આઇઇડબલ્યુ) 2023નું ઉદ્ઘાટન કરશે. 6થી 8 ફેબ્રુઆરી દરમિયાન આયોજિત આઇઇડબલ્યુનો ઉદ્દેશ ઊર્જા ટ્રાન્ઝિશન પાવરહાઉસ તરીકે ભારતની વધતી જતી ક્ષમતાને પ્રદર્શિત કરવાનો છે. આ કાર્યક્રમ પરંપરાગત અને બિન-પરંપરાગત ઊર્જા ઉદ્યોગ, સરકારો અને શૈક્ષણિક સંસ્થાઓના અગ્રણીઓને એકસાથે લાવશે અને જવાબદાર ઊર્જા સંક્રાંતિ દ્વારા રજૂ કરવામાં આવતા પડકારો અને તકો પર ચર્ચા કરશે. તેમાં દુનિયાભરના 30થી વધુ મંત્રીઓની હાજરી જોવા મળશે. ભારતનાં ઊર્જા ભાવિના પડકારો અને તકો પર ચર્ચા કરવા માટે 30,000થી વધુ પ્રતિનિધિઓ, 1,000 પ્રદર્શકો અને 500 વક્તાઓ એકઠા થશે. આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી વૈશ્વિક ઓઇલ અને ગેસના સીઇઓ સાથે ગોળમેજી બેઠકમાં સહભાગી થશે. તેઓ ગ્રીન એનર્જીનાં ક્ષેત્રમાં બહુવિધ પહેલનો પણ શુભારંભ કરાવશે.
E20 ઈંધણઃ
ઇથેનોલ મિશ્રણ કાર્યક્રમ એ ઉર્જાનાં ક્ષેત્રમાં આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવા માટે સરકારનાં મુખ્ય કેન્દ્રિત ક્ષેત્રો છે. સરકારના સતત પ્રયાસોને કારણે 2013-14થી ઇથેનોલ ઉત્પાદન ક્ષમતામાં છ ગણો વધારો જોવા મળ્યો છે. ઇથેનોલ બ્લેન્ડિંગ પ્રોગ્રામ અને બાયોફ્યુઅલ્સ પ્રોગ્રામ હેઠળ છેલ્લાં આઠ વર્ષ દરમિયાન હાંસલ થયેલી સિદ્ધિઓએ ભારતની ઊર્જા સુરક્ષામાં વધારો કરવાની સાથે-સાથે 318 લાખ મેટ્રિક ટન કાર્બન ડાયોકસાઇડનાં ઉત્સર્જનમાં ઘટાડો અને આશરે રૂ. 54,000 કરોડની વિદેશી હૂંડિયામણની બચત સહિત અન્ય ઘણાં લાભોમાં પણ વધારો કર્યો છે. તેનાં પરિણામે વર્ષ 2014થી 2022 દરમિયાન ઇથેનોલના પુરવઠા માટે આશરે રૂ.81,800 કરોડની ચુકવણી કરવામાં આવી છે અને ખેડૂતોને રૂ.49,000 કરોડથી વધુનું હસ્તાંતરણ કરવામાં આવ્યું છે.
ઇથેનોલ મિશ્રણ રોડમેપને અનુરૂપ પ્રધાનમંત્રી 11 રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ઓઇલ માર્કેટિંગ કંપનીઓના 84 રિટેલ આઉટલેટ્સ પર ઇ20 ઇંધણનો આરંભ કરશે. ઇ20 એ પેટ્રોલ સાથે 20 ટકા ઇથેનોલનું મિશ્રણ છે. સરકારનું લક્ષ્ય 2025 સુધીમાં ઇથેનોલનું સંપૂર્ણ 20 ટકા મિશ્રણ કરવાનું છે અને ઓઇલ માર્કેટિંગ કંપનીઓ 2જી-3જી ઇથેનોલ પ્લાન્ટ્સની સ્થાપના કરી રહી છે, જે પ્રગતિને સરળ બનાવશે.
ગ્રીન મોબિલિટી રેલી:
પ્રધાનમંત્રી ગ્રીન મોબિલિટી રેલીને પણ લીલી ઝંડી આપશે. આ રેલીમાં ગ્રીન એનર્જી સ્ત્રોતો પર ચાલતાં વાહનોની ભાગીદારી જોવા મળશે અને ગ્રીન ઇંધણ માટે જનજાગૃતિ લાવવામાં મદદ મળશે.
ઇન્ડિયન ઓઇલની 'અનબોટલ્ડ' પહેલ
પ્રધાનમંત્રી ઇન્ડિયન ઓઇલની 'અનબોટલ્ડ' પહેલ હેઠળ ગણવેશનો શુભારંભ કરશે. સિંગલ-યુઝ પ્લાસ્ટિકને તબક્કાવાર બંધ કરવાનાં પ્રધાનમંત્રીનાં વિઝનનાં માર્ગદર્શન હેઠળ ઇન્ડિયન ઓઇલે રિટેલ કસ્ટમર એટેન્ડન્ટ્સ અને એલપીજી ડિલિવરી કર્મચારીઓ માટે રિસાયકલ પોલિએસ્ટર (આરપેટ) અને કપાસમાંથી બનેલા ગણવેશ અપનાવ્યો છે. ઇન્ડિયન ઓઇલના કસ્ટમર એટેન્ડન્ટના ગણવેશનો દરેક સેટ આશરે 28 વપરાયેલી પીઇટી બોટલનાં રિસાયક્લિંગને ટેકો આપશે. ઇન્ડિયન ઓઇલ આ પહેલને 'અનબોટલ્ડ' મારફતે આગળ ધપાવી રહી છે - જે સસ્ટેઇનેબલ ગાર્મેન્ટ્સ માટેની એક બ્રાન્ડ છે, જેને રિસાયકલ કરેલાં પોલિએસ્ટરમાંથી બનેલા માલ માટે લોન્ચ કરવામાં આવી છે. આ બ્રાન્ડ હેઠળ ઇન્ડિયન ઓઇલનો લક્ષ્યાંક અન્ય ઓઇલ માર્કેટિંગ કંપનીઓના ગ્રાહક એટેન્ડન્ટ્સ માટે ગણવેશની જરૂરિયાતને પહોંચી વળવાનો, આર્મી માટે નોન-કોમ્બેટ યુનિફોર્મ, સંસ્થાઓ માટે યુનિફોર્મ/ડ્રેસિસ અને રિટેલ ગ્રાહકોને વેચાણનો લક્ષ્યાંક છે.
ઇન્ડોર સોલર કૂકિંગ સિસ્ટમનું ટ્વીન-કૂકટોપ મૉડલ
પ્રધાનમંત્રી ઇન્ડિયન ઓઇલની ઇન્ડોર સોલર કૂકિંગ સિસ્ટમનાં બે-કૂકટોપ મૉડલનું લોકાર્પણ પણ કરશે અને તેની વ્યાવસાયિક શરૂઆતને લીલી ઝંડી આપશે. ઇન્ડિયન ઓઇલે અગાઉ સિંગલ કૂકટોપ સાથે નવીન અને પેટન્ટેડ ઇન્ડોર સોલર કુકિંગ સિસ્ટમ વિકસાવી હતી. પ્રાપ્ત પ્રતિસાદના આધારે, ટ્વીન-કૂકટોપ ઇન્ડોર સોલર કૂકિંગ સિસ્ટમને ડિઝાઇન કરવામાં આવી છે, જે વપરાશકર્તાઓને વધુ સુગમતા અને સરળતા પ્રદાન કરે છે. તે એક ક્રાંતિકારી ઇન્ડોર સોલર કૂકિંગ સોલ્યુશન છે, જે સૌર અને સહાયક ઊર્જા એમ બંને સ્રોતો પર એક સાથે કામ કરે છે, જે તેને ભારત માટે વિશ્વસનીય રાંધણ ઉકેલ બનાવે છે.
તાજેતરનાં વર્ષોમાં ઉર્જા દ્રશ્યપટમાં નોંધપાત્ર ફેરફારો થયા છે. સરકાર જૈવિક બળતણ, ઇલેક્ટ્રિક વાહનો અને ગ્રીન હાઇડ્રોજન સહિતના નીચા-કાર્બન વિકલ્પોને ઝડપી બનાવવા માટે ઉત્પ્રેરકની ભૂમિકા ભજવવા તૈયાર છે. કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ, અને આવાસ અને શહેરી બાબતોના પ્રધાન શ્રી હરદીપસિંહ પુરી કહે છે કે, ભારતના આબોહવા પરિવર્તનના લક્ષ્યાંકો હાંસલ કરવામાં ઓછા-કાર્બન ઊર્જા તરફ સહયોગ અને સંક્રાતિ મહત્વપૂર્ણ છે.
"ગ્રીન એનર્જીનો સરળ પુરવઠો સુનિશ્ચિત કરવા માટે, સરકારે દેશનાં 2023-24નાં બજેટમાં ₹35,000 કરોડની ફાળવણીની જાહેરાત કરી છે. સરકાર ગ્રીન ફ્યુઅલ, ગ્રીન એનર્જી, ગ્રીન ફાર્મિંગ, ગ્રીન મોબિલિટી, ગ્રીન બિલ્ડિંગ્સ અને ગ્રીન ઇક્વિપમેન્ટ માટે ઘણા કાર્યક્રમો અમલમાં મૂકી રહી છે અને વિવિધ આર્થિક ક્ષેત્રોમાં ઊર્જાના કાર્યક્ષમ ઉપયોગ માટેની નીતિઓ છે. અમે ઊર્જા સંક્રાંતિ અને સુરક્ષા માટે અનેક પહેલ અને આગામી પેઢીની માળખાગત સુવિધાઓ અપનાવી રહ્યા છીએ." મંત્રી શ્રી પુરીએ ઉમેર્યું હતું કે, ઊર્જા સ્ત્રોતોનાં તંદુરસ્ત મિશ્રણ દ્વારા ઊર્જાની વધતી ભૂખ પૂરી કરવામાં આવશે.
(Release ID: 1896469)
Visitor Counter : 240