પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ 108મા ભારતીય વિજ્ઞાન અધિવેશનમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધન આપ્યું
"ભારતનો વૈજ્ઞાનિક સમુદાય આપણા દેશ માટે એવું સ્થાન સુનિશ્ચિત કરશે જેના માટે આપણામાં પાત્રતા છે"
"21મી સદીના ભારતમાં ડેટા અને ટેકનોલોજીની વિપુલ ઉપલબ્ધતા વિજ્ઞાનને મદદરૂપ થશે"
"આપણી વિચારસરણીમાં વિજ્ઞાન દ્વારા મહિલાઓને માત્ર સશક્ત બનાવવાનો જ નહીં પરંતુ મહિલાઓના યોગદાન દ્વારા વિજ્ઞાનને સશક્ત બનાવવાનો અભિગમ પણ સામેલ છે"
"મહિલાઓની વધતી ભાગીદારી એ પુરાવો આપે છે કે, દેશમાં મહિલાઓ અને વિજ્ઞાન બંનેની પ્રગતિ થઇ રહી છે"
"વિજ્ઞાનના માધ્યમથી કરવામાં આવતા પ્રયાસો ત્યારે જ મહાન સિદ્ધિઓમાં પરિવર્તિત થઇ શકે છે જ્યારે તે પ્રયોગશાળામાંથી બહાર આવે અને પાયાના પર પહોંચે તેમજ તેની અસર વૈશ્વિક સ્તરેથી પાયાના સ્તર સુધી પહોંચે, જ્યારે તેની મર્યાદા જર્નલથી જમીન સુધીની હોય અને જ્યારે સંશોધનથી વાસ્તવિક જીવનમાં પરિવર્તન દેખાતું હોય"
"જો દેશ ભવિષ્યવાદી ક્ષેત્રોમાં પહેલ કરશે તો આપણે ઇન્ડસ્ટ્રી 4.0નું નેતૃત્વ કરવાની સ્થિતિમાં આવીશું"
Posted On:
03 JAN 2023 11:55AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે 108મા ભારતીય વિજ્ઞાન અધિવેશન (ISC)માં વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સંબોધન આપ્યું હતું. આ વર્ષની ISC ની ફોકલ થીમ "મહિલા સશક્તિકરણ સાથે સાતત્યપૂર્ણ વિકાસ માટે વિજ્ઞાન અને ટેકનોલોજી" રાખવામાં આવી છે જે દીર્ઘકાલિન વિકાસ, મહિલા સશક્તિકરણ અને આ ધ્યેયો પ્રાપ્ત કરવામાં વિજ્ઞાન અને ટેકનોલોજી ભૂમિકાના મુદ્દાઓ પર ચર્ચાઓનું સાક્ષી બનશે.
આ પ્રસંગે ઉપસ્થિતોને સંબોધન આપતા, પ્રધાનમંત્રીએ આગામી 25 વર્ષમાં ભારતના વિકાસની ગાથામાં ભારતની વૈજ્ઞાનિક તાકાતની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, “જ્યારે વિજ્ઞાનમાં જુસ્સાની સાથે સાથે રાષ્ટ્ર સેવાની ભાવનાનો સંચાર થાય છે, ત્યારે જે પરિણામો મળે તે અભૂતપૂર્વ હોય છે. મને ભરોસો છે કે, ભારતનો વૈજ્ઞાનિક સમુદાય આપણા દેશ માટે એક એવું સ્થાન સુનિશ્ચિત કરશે જેના માટે આપણો દેશ હંમેશા પાત્રતા ધરાવતો હતો.”
અવલોકન એ વિજ્ઞાનનું મૂળ છે, અને આવા અવલોકનો દ્વારા જ વૈજ્ઞાનિકો રૂપરેખાઓને અનુસરે છે અને જરૂરી પરિણામો પર પહોંચે છે તે બાબત પર ધ્યાન દોરતા પ્રધાનમંત્રીએ ડેટા એકત્ર કરવા પર અને પરિણામોનું વિશ્લેષણ કરવાના મહત્વનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે 21મી સદીના ભારતમાં રહેલી ડેટા અને ટેક્નોલોજીની વિપુલ ઉપલબ્ધતા પર પ્રકાશ પાડ્યો હતો અને જણાવ્યું હતું કે, તેમાં ભારતીય વિજ્ઞાનને નવા શિખરો સુધી લઇ જવાનું સામર્થ્ય છે. તેમણે એવી પણ માહિતી આપી હતી કે, ડેટા વિશ્લેષણનું ક્ષેત્ર ઉલ્કા ગતિએ આગળ વધી રહ્યું છે જે માહિતીને આંતરદૃષ્ટિ અને વિશ્લેષણને કાર્યક્ષમ જ્ઞાનમાં રૂપાંતરિત કરવામાં ખૂબ મદદરૂપ છે. પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, "પરંપરાગત જ્ઞાનની વાત હોય કે પછી આધુનિક ટેકનોલોજીની, વૈજ્ઞાનિક શોધમાં તે દરેક બાબત નિર્ણાયક ભૂમિકા નિભાવે છે". તેમણે સંશોધન આધારિત વિકાસની વિવિધ ટેકનોલોજીઓનો ઉપયોગ કરીને વૈજ્ઞાનિક પ્રક્રિયાઓને મજબૂત કરવાની જરૂરિયાત પર પણ વિશેષ ભાર મૂક્યો હતો.
વૈજ્ઞાનિક અભિગમ સાથે ભારતના પ્રયાસોથી પ્રાપ્ત થતા પરિણામ વિશે બોલતા, પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, દુનિયાના ટોચના દેશોમાં ભારતની ગણતરી થાય છે કારણ કે ભારત 2015માં ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સમાં 81મા સ્થાને હતું ત્યાંથી 2022માં આગળ વધીને 40માં સ્થાને પહોંચી ગયું છે. પીએચડી અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ્સની સંખ્યાના સંદર્ભમાં પણ દુનિયા ટોચના ત્રણ દેશમાંથી એક ભારત છે.
આ વર્ષે વિજ્ઞાન અધિવેશનમાં મહિલા સશક્તિકરણની સાથે સાથે સાતત્યપૂર્ણ વિકાસને જોડતી થીમ રાખવામાં આવી છે તે અંગે ખુશી વ્યક્ત કરતાં પ્રધાનમંત્રીએ બંને ક્ષેત્રો વચ્ચેની પૂરકતા પર ભાર મૂક્યો હતો. જો કે, તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, "આપણી વિચારસરણીમાં વિજ્ઞાન દ્વારા મહિલાઓને માત્ર સશક્ત બનાવવાનો જ નહીં પરંતુ મહિલાઓના યોગદાન દ્વારા વિજ્ઞાનને સશક્ત બનાવવાનો અભિગમ પણ સામેલ છે."
ભારતને G-20ની અધ્યક્ષતા કરવાની તક સાંપડી છે તેની માહિતી આપતાં, પ્રધાનમંત્રીએ ટાંક્યું હતું કે, મહિલાઓના નેતૃત્વ સાથે વિકાસ એ ભારતની અધ્યક્ષતા હેઠળ ઉચ્ચ અગ્રતા આપવામાં આવેલા વિષયોમાંથી એક છે. તેમણે માહિતી આપી હતી કે, છેલ્લાં 8 વર્ષમાં ભારતે સુશાસનથી માંડીને સમાજ સુધીના અસાધારણ કાર્યો હાથ ધર્યા છે જેની આજે સમગ્ર દુનિયામાં ચર્ચા થઇ રહી છે. નાના ઉદ્યોગો અને વ્યવસાયોમાં ભાગીદારીની વાત હોય કે પછી સ્ટાર્ટ-અપ જગતમાં નેતૃત્વની વાત હોય, આ ક્ષેત્રોમાં અગ્રણી રહેલી મહિલાઓ વિશ્વ સમક્ષ પોતાની શક્તિ દર્શાવી રહી છે તેનો ઉલ્લેખ કરતા, પ્રધાનમંત્રીએ મુદ્રા યોજનાનું ઉદાહરણ આપ્યું જે ભારતની મહિલાઓના સશક્તિકરણમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહી છે. તેમણે બાહ્ય સંશોધન અને વિકાસના ક્ષેત્રમાં મહિલાઓની સહભાગીતા બમણી કરવા તરફ પણ સૌનું ધ્યાન દોર્યું હતું. શ્રી મોદીએ કહ્યું હતું કે, "મહિલાઓની વધતી જતી સહભાગી એ પુરાવો છે કે દેશમાં મહિલાઓ અને વિજ્ઞાન બંનેની પ્રગતિ થઇ રહી છે".
પ્રધાનમંત્રીએ જ્ઞાનને કાર્યક્ષમ અને મદદરૂપ ઉત્પાદનોમાં પરિવર્તિત કરવા માટે વૈજ્ઞાનિકો સમરક્ષ રહેલા પડકાર વિશે વાત કરતાં જણાવ્યું હતું કે, “વિજ્ઞાનના માધ્યમથી કરવામાં આવતા પ્રયાસો ત્યારે જ મહાન સિદ્ધિઓમાં પરિવર્તિત થઇ શકે છે જ્યારે તે પ્રયોગશાળામાંથી બહાર આવે અને પાયાના પર પહોંચે તેમજ તેની અસર વૈશ્વિક સ્તરેથી પાયાના સ્તર સુધી પહોંચે, જ્યારે તેની મર્યાદા જર્નલથી જમીન (પાયાના સ્તરે દૈનિક જીવન) સુધીની હોય અને જ્યારે સંશોધનથી વાસ્તવિક જીવનમાં પરિવર્તન દેખાતું હોય.” તેમણે જણાવ્યું હતું કે, જ્યારે વિજ્ઞાનની સિદ્ધિઓ લોકોના અનુભવો અને પ્રયોગો વચ્ચેનો અંતરાય પૂરો કરે છે, ત્યારે તે એક મહત્વપૂર્ણ સંદેશ આપે છે અને યુવા પેઢીને પ્રભાવિત કરે છે, જેઓ વિજ્ઞાનની ભૂમિકા વિશે પ્રતીતિ પામે છે. પ્રધાનમંત્રીએ આવા યુવાનોને મદદ કરવા માટે સંસ્થાકીય માળખાની જરૂરિયાત હોવાની વાત પર ભાર મૂક્યો હતો. તેમણે આવું સક્ષમ સંસ્થાકીય માળખું વિકસાવવા માટે કામ કરવા માટે તમામ ઉપસ્થિતોને આહ્વાન કર્યું હતું. તેમણે ટેલેન્ટ હન્ટ અને હેકાથોન્સ જેવા ઉદાહરણો આપ્યા હતા જેના દ્વારા વૈજ્ઞાનિક પ્રકૃતિ ધરાવતા બાળકોને શોધી શકાય છે. પ્રધાનમંત્રીએ રમતગમતના ક્ષેત્રમાં ભારતની પ્રગતિ વિશે વાત કરી હતી અને આ ક્ષેત્રમાં દેશને મળેલી સફળતાનો શ્રેય ઊભરતાં મજબૂત સંસ્થાકીય તંત્ર તેમજ ગુરુ-શિષ્ય પરંપરાને આપ્યો. પ્રધાનમંત્રીએ સૂચન કર્યું હતું કે, આ પરંપરા વિજ્ઞાનના ક્ષેત્રમાં સફળતાનો મંત્ર બની શકે છે.
પ્રધાનમંત્રીએ રાષ્ટ્રમાં વિજ્ઞાનના વિકાસનો માર્ગ મોકળો કરી શકે તેવા મુદ્દાઓ તરફ સૌનું ધ્યાન દોરતાં ટિપ્પણી કરી હતી કે, ભારતની જરૂરિયાતોને પૂરી કરવાનો સંકલ્પ સમગ્ર વૈજ્ઞાનિક સમુદાય માટે તમામ પ્રકારની પ્રેરણાના મૂળમાં હોવો જોઇએ. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે સમગ્ર દુનિયામાં રહેલી માનવ વસ્તીના 17-18 ટકા લોકો ભારતમાં રહે છે અને આવા વૈજ્ઞાનિક વિકાસથી સમગ્ર વસ્તીને લાભ મળવો જોઇએ અને કહ્યું હતું કે, "ભારતમાં વિજ્ઞાને દેશને આત્મનિર્ભર બનાવવો જોઇએ". તેમણે સમગ્ર માનવજાત માટે મહત્વના વિષયો પર કામ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. દેશની વધતી જતી ઉર્જા જરૂરિયાતોને પહોંચી વળવા માટે પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, ભારત અત્યારે રાષ્ટ્રીય હાઇડ્રોજન મિશન પર કામ કરી રહ્યું છે અને તેને સફળ બનાવવા માટે ભારતમાં ઇલેક્ટ્રોલાઇઝર જેવા જટિલ ઉપકરણોનું ઉત્પાદન કરવાની જરૂરિયાત પર તેમણે ભાર મૂક્યો હતો.
પ્રધાનમંત્રીએ નવી નવી સામે આવી રહેલી બીમારીઓનો સામનો કરવાની પદ્ધતિઓ વિકસાવવામાં વૈજ્ઞાનિક સમુદાયની ભૂમિકા અને નવી રસીઓ તૈયાર કરવા માટે સંશોધનને પ્રોત્સાહિત કરવાની જરૂરિયાત પર પણ ખાસ ભાર મૂક્યો હતો. તેમણે બીમારીઓની સમયસર શોધ માટે એકીકૃત રોગ દેખરેખ પ્રણાલી વિશે વાત કરી હતી. આ માટે, તેમણે તમામ મંત્રાલયોના સંકલિત પ્રયાસોની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેવી જ રીતે, LiFE એટલે કે જીવનશૈલી ફોર એન્વાયરમેન્ટ ઝુંબેશને વૈજ્ઞાનિકો દ્વારા ઘણી મદદ મળી શકે છે.
પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, દરેક નાગરિક માટે એ ગૌરવની વાત છે કે ભારતે આહ્વાન કર્યુ એટલે, સંયુક્ત રાષ્ટ્રએ વર્ષ 2023ને ‘બાજરીનું આંતરરાષ્ટ્રીય વર્ષ’ તરીકે જાહેર કર્યું છે. તેમણે એ બાબતે ધ્યાન દોર્યું હતું કે, ભારતના બાજરી અને તેના ઉપયોગને સુધારવા માટે કામ કરી શકાય છે, જ્યારે લણણી પછીના નુકસાનમાં ઘટાડો કરવા માટે વૈજ્ઞાનિક સમુદાય દ્વારા બાયોટેકનોલોજીની મદદથી અસરકારક પગલાં લઇ શકાય છે.
પ્રધાનમંત્રીએ કચરાના વ્યવસ્થાપનમાં વિજ્ઞાનની ભૂમિકા પર ભાર મૂક્યો હતો કારણ કે મ્યુનિસિપલ ઘન કચરો, ઇલેક્ટ્રોનિક કચરો, બાયો-મેડિકલ કચરો અને કૃષિ કચરાનો ફેલાવો વધી રહ્યો છે અને સરકાર વલયાકાર અર્થતંત્રને પ્રોત્સાહન આપી રહી છે.
પ્રધાનમંત્રીએ અત્યારે જેમાં ઘણી તેજી જોવા મળી રહી છે તેવા અવકાશ ક્ષેત્રમાં ભારત દ્વારા તૈયાર કરવામાં આવેલા ઓછા ખર્ચાળ ઉપગ્રહ પ્રક્ષેપણ વાહનોની ભૂમિકાને સ્વીકારી હતી અને ઉલ્લેખ કર્યો કે, દુનિયા અમારી સેવાઓ લેવા માટે આગળ આવશે. પ્રધાનમંત્રીએ સંશોધન અને વિકાસની પ્રયોગશાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાણ કરીને ખાનગી કંપનીઓ અને સ્ટાર્ટઅપ્સ માટેની તકો પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે ક્વોન્ટમ કમ્પ્યુટિંગ અને ક્વોન્ટમ ફ્રન્ટિયર તરીકે ભારત સમગ્ર દુનિયામાં પોતાની છાપ કેવી રીતે બનાવી રહ્યું છે તેના પર પણ સૌનું ધ્યાન દોર્યું હતું. પ્રધાનમંત્રીએ યુવા સંશોધકો અને વૈજ્ઞાનિકોને ક્વોન્ટમ ક્ષેત્રમાં કુશળતા મેળવવા અને અગ્રણી બનવાનો અનુરોધ કર્યો હતો અને તેમણે કહ્યું હતું કે, "ભારત ક્વોન્ટમ કોમ્પ્યુટર, રસાયણશાસ્ત્ર, સંદેશાવ્યવહાર, સેન્સરો, ક્રિપ્ટોગ્રાફી અને નવી સામગ્રીની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે".
શ્રી મોદીએ ભવિષ્યવાદી વિચારો અને એવા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો કે, જ્યાં ક્યાંય કોઇ કામ થઇ રહ્યું નથી. તેણે AI, AR અને VR ને પ્રાથમિકતાઓ તરીકે રાખવા માટે જણાવ્યું હતું. તેમણે વૈજ્ઞાનિક સમુદાયને સેમિકન્ડક્ટર ચિપ્સમાં નાવીન્યતાઓ લાવવા માટે તેમને પ્રોત્સાહન આપ્યું હતું અને હવેથી સેમિકન્ડક્ટરને આપવામાં આવતા વેગને ભવિષ્ય માટે તૈયાર રાખવાની વાતને ધ્યાનમાં લેવાનું કહ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, "જો દેશ આ ક્ષેત્રોમાં પહેલ કરશે તો આપણે ઇન્ડસ્ટ્રી 4.0નું નેતૃત્વ કરવાની સ્થિતિમાં આવીશું".
પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનનું સમાપન કરતાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે. ભારતીય વિજ્ઞાન અધિવેશનના આ સત્ર દરમિયાન વિવિધ રચનાત્મક મુદ્દાઓ પર ભવિષ્ય માટે સ્પષ્ટ રોડમેપ તૈયાર કરવામાં આવશે. શ્રી મોદીએ સમાપનમાં કહ્યું હતું કે, "અમૃતકાળમાં, આપણે ભારતને આધુનિક વિજ્ઞાનની સૌથી અદ્યતન પ્રયોગશાળા બનાવવું છે".
પૃષ્ઠભૂમિ
આ વર્ષની ISC ની ફોકલ થીમ "મહિલા સશક્તિકરણ સાથે સાતત્યપૂર્ણ વિકાસ માટે વિજ્ઞાન અને ટેકનોલોજી" રાખવામાં આવી છે જે દીર્ઘકાલિન વિકાસ, મહિલા સશક્તિકરણ અને આ ધ્યેયો પ્રાપ્ત કરવામાં વિજ્ઞાન અને ટેકનોલોજી ભૂમિકાના મુદ્દાઓ પર ચર્ચાઓનું સાક્ષી બનશે. સહભાગીઓ STEM (વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ, ગણિત)ના શિક્ષણ, સંશોધનની તકો અને આર્થિક ભાગીદારીમાં મહિલાઓને સમાન સુલભતા પ્રદાન કરવાના માર્ગો શોધવાનો પ્રયાસ કરવાની સાથે સાથે શિક્ષણ, સંશોધન અને ઉદ્યોગના ઉચ્ચ સ્તરે મહિલાઓની સંખ્યા વધારવાના માર્ગો પર ચર્ચા કરશે અને વિચાર-વિમર્શ કરશે. વિજ્ઞાન અને ટેક્નોલોજીમાં મહિલાઓના યોગદાનને દર્શાવવા માટેનો એક વિશેષ કાર્યક્રમ પણ યોજવામાં આવશે, જેમાં જાણીતા મહિલા વૈજ્ઞાનિકો દ્વારા પ્રવચનો પણ આપવામાં આવશે.
ISC ની સાથે સાથે અન્ય કેટલાક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે. બાળકોમાં વૈજ્ઞાનિક રુચિ અને પ્રકૃતિને ઉત્તેજન આપવા માટે બાળ વિજ્ઞાન અધિવેશનનું પણ આયોજન કરવામાં આવશે. ખેડૂત વિજ્ઞાન અધિવેશન દ્વારા બાયો-ઇકોનોમીમાં સુધારો કરવા અને યુવાનોને કૃષિ તરફ આકર્ષવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવશે. આદિજાતિ વિજ્ઞાન અધિવેશનનું પણ આયોજન કરવામાં આવશે, જે આદિવાસી મહિલાઓના સશક્તિકરણ પર ધ્યાન કેન્દ્રિત કરવા સાથે સ્વદેશી પ્રાચીન જ્ઞાન પ્રણાલીઓ અને આચરણોના વૈજ્ઞાનિક પ્રદર્શન માટેનું પ્લેટફોર્મ હશે.
ભારતીય વિજ્ઞાન અધિવેશનનું પ્રથમ સત્ર 1914માં યોજાયું હતું. ISCનું 108મું વાર્ષિક સત્ર રાષ્ટ્રસંત તુકડોજી મહારાજ નાગપુર યુનિવર્સિટીમાં યોજવામાં આવ્યું છે, જ્યાં આ વર્ષે તેમનો શતાબ્દી મહોત્સવ પણ ઉજવાઇ રહ્યો છે.
YP/GP/JD
(Release ID: 1888310)
Visitor Counter : 517
Read this release in:
Kannada
,
Marathi
,
Tamil
,
Telugu
,
Malayalam
,
Bengali
,
English
,
Urdu
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia