પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીની 25.12.2022ના રોજ ‘મન કી બાત’ની 96મી આવૃત્તિ

Posted On: 25 DEC 2022 11:50AM by PIB Ahmedabad

મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. આજે આપણે ‘મન કી બાત’ના છન્નુમી  કડી સાથે જોડાઈ રહ્યા છીએ. ‘મન કી બાત’નો આગામી હપ્તો વર્ષ 2023નો પહેલો હપ્તો થશે. તમે લોકોએ જે સંદેશા મોકલ્યા, તેમાં વિદાય લઈ રહેલા 2022 વિશે વાત કરવા પણ ખૂબ આગ્રહ સાથે કહ્યું છે. અતીતનું અવલોકન તો આપણને વર્તમાન અને ભવિષ્યની તૈયારીઓની પ્રેરણા હંમેશાં આપતું રહ્યું છે. 2022માં દેશના લોકોનું સામર્થ્ય, તેમનો સહયોગ, તેમનો સંકલ્પ, તેમની સફળતાનો વિસ્તાર એટલો વધુ રહ્યો કે ‘મન કી બાત’માં બધાને સાંકળવું તો મુશ્કેલ થશે. 2022 ખરેખર અનેક રીતે ખૂબ જ પ્રેરક રહ્યું. અદ્ભુત રહ્યું. આ વર્ષે ભારતે પોતાની સ્વતંત્રતાનાં ૭૫ વર્ષ પૂરા કર્યાં અને આ વર્ષે અમૃત કાળનો પ્રારંભ થયો. આ વર્ષે દેશે અનેક ક્ષેત્રે ઝડપ પકડી છે, બધા દેશવાસીઓએ એકથી એક ચડિયાતું કામ કર્યું. 2022ની વિભિન્ન સફળતાઓએ, આજે, પૂરા વિશ્વમાં ભારતનું એક વિશેષ સ્થાન બનાવ્યું છે. 2022 અર્થાત્ ભારત દ્વારા દુનિયામાં પાંચમા સૌથી મોટા અર્થતંત્રનો પડાવ પ્રાપ્ત કરવો, 2022 અર્થાત્ ભારત દ્વારા 220 કરોડ રસીનો અવિશ્વસનીય આંકડો પાર કરવાનો વિક્રમ, 2022 અર્થાત્ ભારત દ્વારા નિકાસનો 400 અબજ ડૉલરનો જાદુઈ આંકડો પાર કરવો, 2022 અર્થાત્ દેશના જન-જન દ્વારા ‘આત્મનિર્ભર ભારત’ના સંકલ્પને અપનાવવો, તેને જીવીને દેખાડવો, 2022 અર્થાત્ ભારતના પહેલા સ્વદેશી વિમાનવાહક જહાજ આઈએનએસ વિક્રાંતનું સ્વાગત, 2022 અર્થાત્ અવકાશ, ડ્રૉન અને સંરક્ષણ ક્ષેત્રમાં ભારતનો ધ્વજ ફરકાવવો, 2022 અર્થાત્ દરેક ક્ષેત્રમાં ભારતની શક્તિ. રમતના મેદાનમાં પણ, ચાહે, રાષ્ટ્રકુળ રમતો હોય કે આપણી મહિલા હોકી ટીમની જીત, આપણા યુવાનોએ જબરદસ્ત સામર્થ્ય દેખાડ્યું.

સાથીઓ, આ બધાની સાથે જ વર્ષ 2022 એક બીજા કારણથી સદૈવ યાદ કરાશે. તે છે, ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ની ભાવનાનો વિસ્તાર. દેશના લોકોએ એકતા અને સંપને ઉજવવા માટે પણ અનેક અદ્ભુત આયોજન કર્યાં. ગુજરાતનો માધવપુર મેળો હોય, જ્યાં રુક્મિણી વિવાહ અને ભગવાન કૃષ્ણના પૂર્વોત્તરના સંબંધોને ઉજવવામાં આવે છે અથવા તો પછી કાશી-તમિલ સંગમમ્ હોય, આ પર્વોમાં પણ એકતાના અનેક રંગો દેખાયા. 2022માં દેશવાસીઓએ એક બીજો અમર ઇતિહાસ લખ્યો. ઑગસ્ટના મહિનમાં ચાલેલા ‘હર ઘર તિરંગા’ અભિયાન કોણ ભૂલી શકે છે? તે પળ યાદ કરતાં દરેક દેશવાસીના રૂંવાડા ઊભા થઈ જતા હતા. સ્વતંત્રતાનાં 75 વર્ષના આ અભિયાનમાં સમગ્ર દેશ તિરંગામય થઈ ગયો. 6 કરોડથી વધુ લોકોએ તો તિરંગા સાથે સેલ્ફી પણ મોકલી. સ્વતંત્રતાનો આ અમૃત મહોત્સવ હજુ આગામી વર્ષ પણ ચાલશે. અમૃતકાળના પાયાને વધુ મજબૂત કરશે.

સાથીઓ, આ વર્ષે ભારતને જી20 સમૂહની અધ્યક્ષતાની જવાબદારી પણ મળી છે. મેં ગત વખતે આના પર વિસ્તારથી ચર્ચા પણ કરી હતી. વર્ષ 2023માં આપણે જી20ના ઉત્સાહને નવી ઊંચાઈ પર લઈ જવાનો છે. આ આયોજનને એક જન આંદોલન બનાવવાનું છે.

મારા પ્રિય દેશવાસીઓ, આજે દુનિયાભરમાં ધૂમધામથી ક્રિસમસનો તહેવાર પણ મનાવવામાં આવી રહ્યો છે. તે જીસસ ક્રાઇસ્ટના જીવન, તેમના ઉપદેશને યાદ કરવાનો દિવસ છે. હું તમને સહુને ક્રિસમસની ખૂબ શુભેચ્છાઓ આપું છું.

સાથીઓ, આજે આપણા બધાના શ્રદ્ધેય અટલબિહારી વાજપેયીજીનો જન્મદિન પણ છે. તેઓ એક મહાન રાજનેતા હતા. જેમણે દેશને અસાધારણ નેતૃત્વ આપ્યું.

દરેક ભારતવાસીના હૃદયમાં તેમના માટે એક વિશેષ સ્થાન છે. મને કોલકાતાથી આસ્થાજીનો પત્ર મળ્યો છે. આ પત્રમાં તેમણે તાજેતરની તેમની દિલ્લી મુલાકાતનો ઉલ્લેખ કર્યો છે. તેઓ લખે છે કે આ દરમિયાન તેમણે પીએમ મ્યૂઝિયમ જોવા માટે સમય કાઢ્યો. આ મ્યૂઝિયમમાં તેમને અટલજીની ગેલેરી ખૂબ જ પસંદ આવી. અટલજી સાથે ત્યાં પાડવામાં આવેલી તસવીર તો તેમના માટે યાદગાર બની ગઈ છે. અટલજીની ગેલેરીમાં આપણે દેશ માટે તેમના બહુમૂલ્ય યોગદાનની ઝલક જોઈ શકીએ છીએ. ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, શિક્ષણ હોય, કે પછી વિદેશ નીતિ, તેમણે ભારતને દરેક ક્ષેત્રમાં નવી ઊંચાઈઓ પર લઈ જવાનું કામ કર્યું. હું ફરી એક વાર અટલજીને હૃદયથી નમન કરું છું.

સાથીઓ, કાલે 26 ડિસેમ્બરે ‘વીર બા દિવસ’ છે અને મને આ અવસર પર દિલ્લીમાં સાહિબજાદા જોરાવરસિંહજી અને સાહિબજાદા ફતેહસિંહજીની વીરગતિને સમર્પિત એક કાર્યક્રમમાં સહભાગી થવાનું સૌભાગ્ય મળશે. દેશ, સાહિબજાદે અને માતા ગુજરીના બલિદાનને સદૈવ યાદ રાખશે.

મારા પ્રિય દેશવાસીઓ, આપણે ત્યાં કહેવાય છે-

सत्यम् किम प्रमाणम्, प्रत्यक्षम् किम प्रमाणम् ।

અર્થાત્ સત્યને પ્રમાણની આવશ્યકતા નથી હોતી, જે પ્રત્યક્ષ છે તેને પણ પ્રમાણની કોઈ આવશ્યકતા નથી હોતી. પરંતુ વાત જ્યારે આધુનિક મેડિકલ સાયન્સની હોય તો તેમાં સૌથી મહત્ત્વપૂર્ણ હોય છે- પ્રમાણ, પુરાવો. સદીઓથી ભારતીય જીવનનો હિસ્સો રહેલા યોગ અને આયુર્વેદ જેવા આપણાં શાસ્ત્રોની સામે પુરાવા આધારિત સંશોધનની ખોટ, સદૈવ એક પડકાર રહ્યો છે. પરિણામ દેખાય છે, પરંતુ પ્રમાણ નથી હોતાં. પરંતુ મને આનંદ છે કે પુરાવા આધારિત સંશોધનના યુગમાં, હવે યોગ અને આયુર્વેદ, આધુનિક યુગની તપાસ અને કસોટીઓ પર સાચાં ઠરી રહ્યાં છે.

તમે બધાએ મુંબઈના ટાટા મેમોરિયલ સેન્ટર વિશે જરૂર સાંભળ્યું હશે. આ સંસ્થાએ રિસર્ચ, ઇનોવેશન અને કેન્સર કૅરમાં ખૂબ નામ કમાયું છે. આ સેન્ટર દ્વારા કરવામાં આવેલા એક સઘન સંશોધનમાં જણાયું છે કે સ્તન કેન્સરના દર્દીઓ માટે યોગ ખૂબ જ વધુ અસરકારક છે. ટાટા મેમોરિયલ સેન્ટરે પોતાના સંશોધનનાં પરિણામોને અમેરિકામાં થયેલી ખૂબ જ પ્રતિષ્ઠિત સ્તન કેન્સર પરિષદમાં પ્રસ્તુત કર્યાં છે. આ પરિણામોએ દુનિયાના મોટા-મોટા નિષ્ણાતોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. કારણકે ટાટા મેમોરિયલ સેન્ટરે પુરાવા સાથે જણાવ્યું છે કે દર્દીઓને યોગથી કેવો લાભ થયો છે. આ સેન્ટરના સંશોધન પ્રમાણે, યોગના નિયમિત અભ્યાસથી સ્તન કેન્સરના દર્દીઓની બીમારીના ફરીથી થવાના અને મૃત્યુના જોખમમાં 15 ટકા ઘટાડો થયો છે. ભારતીય પારંપરિક ચિકિત્સામાં આ પહેલું ઉદાહરણ છે જેને પશ્ચિમી રીતવાળા કડક માપદંડો પર ચકાસવામાં આવ્યું છે. સાથે જ આ પહેલો અભ્યાસ છે, જેમાં સ્તન કેન્સરગ્રસ્ત મહિલાઓમાં યોગથી જીવનની ગુણવત્તા વધુ સારી થઈ હોવાનું જાણવા મળ્યું છે. તેના દીર્ઘકાલીન લાભો પણ સામે આવ્યા છે. ટાટા મેમોરિયલ સેન્ટરે પોતાના અભ્યાસનાં પરિણામોને પેરિસમાં થયેલા યુરોપિયન સૉસાયટી ઑફ મેડિકલ ઑન્કોલૉજીમાં, તે સંમેલનમાં પ્રસ્તુત કર્યાં છે.

સાથીઓ, આજના યુગમાં, ભારતીય ચિકિત્સા પદ્ધતિઓ જેટલી વધુ પુરાવા આધારિત હશે, તેટલી જ સમગ્ર વિશ્વમાં તેની સ્વીકાર્યતા વધશે. આ વિચાર સાથે, દિલ્લીના એઇમ્સમાં પણ એક પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ત્યાં આપણી પારંપરિક ચિકિત્સા પદ્ધતિઓને માન્ય કરવા માટે છ વર્ષ પહેલાં સેન્ટર ફૉર ઇન્ટિગ્રેટિવ મેડિસિન ઍન્ડ રિસર્ચની સ્થાપના કરવામાં આવી.

તેમાં લેટેસ્ટ મૉડર્ન ટૅક્નિક અને સંશોધન પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. આ સેન્ટર પહેલાં જ પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય જર્નલમાં 20 પત્રો પ્રકાશિત કરી ચૂક્યું છે. અમેરિકન કૉલેજ ઑફ કાર્ડિયૉલૉજીની જર્નલમાં પ્રકાશિત એક પત્રમાં સિન્કપીથી પીડિત દર્દીને યોગથી થનારા લાભ વિશે જણાવવામાં આવ્યું છે. આ જ રીતે ન્યૂરૉલૉજી જર્નલના પત્રમાં માઇગ્રેનમાં યોગથી થનારા ફાયદા વિશે જણાવવામાં આવ્યું છે. તે ઉપરાંત અનેક બીજી બીમારીમાં પણ યોગથી લાભ વિશે અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. જેમ કે હૃદય રોગ, અવસાદ, સ્લીપ ડિસઑર્ડર અને ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓને થનારી સમસ્યાઓ.

સાથીઓ, કેટલાક દિવસો પહેલાં વર્લ્ડ આયુર્વેદ કૉંગ્રેસ માટે હું ગોવામાં હતો. તેમાં 40થી વધુ દેશોના પ્રતિનિધિઓ સહભાગી થયા હતા અને ત્યાં ૫૫૦થી વધુ વૈજ્ઞાનિક પત્રો પ્રસ્તુત કરવામાં આવ્યા. ભારત સહિત દુનિયાભરની 215 કંપનીઓએ ત્યાં પ્રદર્શનમાં પોતાનાં ઉત્પાદનોનું પ્રદર્શન કર્યું. ચાર દિવસ સુધી ચાલેલા આ પ્રદર્શનમાં એક લાખથી પણ વધુ લોકોએ આયુર્વેદ સાથે જોડાયેલા પોતાના અનુભવને માણ્યો. આયુર્વેદ કૉંગ્રેસમાં પણ મેં દુનિયાભરમાંથી જોડાયેલા આયુર્વેદ નિષ્ણાતો સામે પુરાવા આધારિત સંશોધનોનો આગ્રહ પુનરાવર્તિત કર્યો. જે રીતે કોરોના વૈશ્વિક રોગચાળાના આ સમય દરમિયાન યોગ અને આયુર્વેદની શક્તિ આપણે જોઈ રહ્યા છીએ, તેમાં તેની સાથે જોડાયેલું પુરાવા આધારિત સંશોધન ખૂબ જ મહત્ત્ત્વપૂર્ણ સાબિત થશે. મારો તમને અનુરોધ છે કે યોગ, આયુર્વેદ અને આપણી પારંપરિક ચિકિત્સા પદ્ધતિઓ સાથે જોડાયેલા આવા પ્રયાસો વિશે જો તમારી પાસે કોઈ જાણકારી હોય તો તમે સૉશિયલ મિડિયા પર જરૂર જણાવશો.

મારા પ્રિય દેશવાસીઓ, વિતેલાં કેટલાંક વર્ષોમાં આપણે સ્વાસ્થ્ય ક્ષેત્ર સાથે જોડાયેલા કેટલાક મોટા પડકારો પર વિજય મેળવ્યો છે. તેનો સંપૂર્ણ શ્રેય આપણા તબીબી નિષ્ણાતો, વૈજ્ઞાનિકો અને દેશવાસીઓની ઈચ્છાશક્તિને મળે છે. આપણે ભારતને અછબડા, પોલિયો અને ગિની કૃમિ જેવી બીમારીઓને સમાપ્ત કરીને દેખાડી છે.

આજે, ‘મન કી બાતના શ્રોતાઓને હું એક વધુ પડકાર વિશે જણાવવા માગું છું જે હવે સમાપ્ત થવાના આરે છે. તે પડકાર, તે બીમારી છે કાલાજાર’. આ બીમારી પરોપજીવી સેન્ડ ફ્લાય અર્થાત્ બાલુ માખી કરડવાથી ફેલાય છે. જ્યારે કોઈને કાલાજારથાય છે તો તેને મહિનાઓ સુધી તાવ રહે છે અને લોહીની ઘટ થઈ જાય છે, શરીર નબળું પડી જાય છે અને વજન પણ ઘટી જાય છે. આ બીમારી બાળકોથી લઈને મોટા સુધી કોઈને પણ થઈ શકે છે. પરંતુ બધાના પ્રયાસથી, ‘કાલાજારનામની આ બીમારી, હવે, ઝડપથી સમાપ્ત થતી જઈ રહી છે. કેટલાક સમય પહેલાં સુધી, કાલાજારનો પ્રકોપ, ચાર રાજ્યોમાં 50થી વધુ જિલ્લાઓમાં ફેલાયેલો હતો. પરંતુ હવે તે બીમારી બિહાર અને ઝારખંડના ચાર જિલ્લાઓ સુધી જ સીમિત રહી ગઈ છે. મને વિશ્વાસ છે કે બિહાર, ઝારખંડના લોકોનું સામર્થ્ય, તેમની જાગૃતિ, આ ચાર જિલ્લાઓમાં પણ કાલાજારને સમાપ્ત કરવામાં સરકારના પ્રયાસોમાં મદદ કરશે. ‘કાલાજારપ્રભાવિત ક્ષેત્રોના લોકોને પણ મારો અનુરોધ છે કે તેઓ બે વાતોનું જરૂર ધ્યાન રાખે. એક સેન્ડ ફ્લાય અથવા બાલુ માખી પર નિયંત્રણ અને બીજું, જેમ બને તેમ જલ્દી આ રોગની ઓળખ કરી તેની પૂરી સારવાર કરાવવી. ‘કાલાજારની સારવાર સરળ છે, તેના માટે કામ આવતી દવાઓ પણ બહુ જ કારગર નિવડે છે. બસ, તમારે સતર્ક રહેવાનું છે. તાવ આવે તો બેદરકારી ન રાખતા અને બાલુ માખીને ખતમ કરવાવાળી દવાઓનો છંટકાવ પણ કરતા રહો.

જરા વિચારો, આપણો દેશ જ્યારે કાલાજારથી મુક્ત થઈ જશે તો તે આપણા બધા માટે કેટલી આનંદની વાત હશે. બધાના પ્રયાસની આ ભાવનાથી આપણે ભારતને 2025 સુધી ટી.બી. મુક્ત કરવા માટે પણ કામ કરી રહ્યા છે. તમે જોયું હશે, વિતેલા દિવસોમાં, જ્યારે ટી.બી.મુક્ત ભારત અભિયાન શરૂ થયું તો હજારો લોકો ટી. બી. દર્દીઓની મદદ કરવા આગળ આવ્યા. તે લોકો નિક્ષય મિત્ર બનીને, ટી.બી.ના દર્દીઓની દેખભાળ કરી રહ્યા છે. તેમની આર્થિક મદદ કરી રહ્યા છે. જન સેવા અને જન ભાગીદારીની આ શક્તિ, દરેક મુશ્કેલ લક્ષ્યને પ્રાપ્ત કરીને જ દેખાડે છે.

મારા  પ્રિય દેશવાસીઓ, આપણી પરંપરા અને સંસ્કૃતિનો ગંગા માતા સાથે અતૂટ સંબંધ છે. ગંગા જળ આપણી જીવનધારાનો અભિન્ન હિસ્સો રહ્યું છે અને આપણાં શાસ્ત્રોમાં કહેવાયું છે

नमामि गंगे तव पाद पकंजं

सुर असुरै: वन्दित दिव्य रूपम् ।

भुक्तिम् च मुक्तिम् च ददासि नित्यम्,

भाव अनुसारेण सदा नराणाम्।।

અર્થાત્ હે મા ગંગા! તમે, તમારા ભક્તોને, તેમના ભાવને અનુરૂપ સાંસારિક સુખ, આનંદ અને મોક્ષ પ્રદાન કરો છો. બધા તમારાં પવિત્ર ચરણોને વંદન કરે છે. હું પણ તમારાં પવિત્ર ચરણોમાં મારા પ્રણામ અર્પિત કરું છું. આવામાં વર્ષોથી ખળ-ખળ વહેતી મા ગંગાને સ્વચ્છ રાખવી આપણા બધાની બહુ મોટી જવાબદારી છે. આ ઉદ્દેશ્ય સાથે આઠ વર્ષ પહેલાં આપણે નમામિ ગંગે અભિયાનની શરૂઆત કરી હતી. આપણા બધા માટે ગૌરવની વાત છે કે ભારતની આ પહેલને આજે દુનિયાભરની પ્રશંસા મળી રહી છે.

સંયુક્ત રાષ્ટ્રોએ નમામિ ગંગે મિશનને પર્યાવરણ પ્રણાલિને પુનઃસ્થાપિત કરતા દુનિયાના ટોચના દસ ઇનિશિએટિવમાં સામેલ કર્યું છે. વધુ આનંદની વાત એ છે કે સમગ્ર વિશ્વના 160 આવાં ઇનિશિએટિવમાં નમામિ ગંગાને આ સન્માન મળ્યું છે.

સાથીઓ, ‘નમામિ ગંગેઅભિયાનની સૌથી મોટી ઊર્જા લોકોની નિરંતર સહભાગિતા છે. ‘નમામિ ગંગેઅભિયાનમાં ગંગા પ્રહરીઓ અને ગંગા દૂતોની પણ મોટી ભૂમિકા છે. તેઓ વૃક્ષારોપણ, ઘાટોની સફાઈ, ગંગા આરતી, શેરી નાટક, ચિત્રકારી અને કવિતાઓ દ્વારા જાગૃતિ ફેલાવવામાં લાગેલા છે. આ અભિયાનથી જૈવવૈવિધ્યમાં પણ ઘણો સુધારો જોવા મળી રહ્યો છે. હિલ્સા માછલી, ગંગા ડૉલ્ફિન અને કાચબાની વિભિન્ન પ્રજાતિઓમાં પણ ઘણી વૃદ્ધિ થઈ છે. ગંગાનું પર્યાવરણ તંત્ર સ્વચ્છ થવાથી, આજીવિકાના અન્ય અવસરો પણ વધી રહ્યા છે. અહીં હું જલજ આજીવિકા મૉડલની પણ ચર્ચા કરવા ઈચ્છીશ, જે જૈવવૈવિધ્યને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે. આ પર્યટન આધારિત નૌકા સહેલને 26 સ્થાનો પર શરૂ કરવામાં આવી છે. સ્પષ્ટ છે કે નમામિ ગંગે મિશનનો વિસ્તાર, તેનો પરીઘ, નદી સફાઈથી ઘણો બધો વધ્યો છે. તે, એક તરફ, આપણી ઈચ્છાશક્તિ અને અથાગ પ્રયાસોનું એક પ્રત્યક્ષ પ્રમાણ છે તો બીજી તરફ, તે પર્યાવરણ સંરક્ષણની દિશામાં વિશ્વને પણ એક નવો રસ્તો દેખાડનારું છે.

મારા પ્રિય દેશવાસીઓ, જ્યારે આપણી સંકલ્પ શક્તિ મજબૂત હોય તો મોટામાં મોટો પડકાર પણ સરળ બની જાય છે. તેનું ઉદાહરણ પ્રસ્તુત કર્યું છે- સિક્કિમના થેગૂ ગામના સંગે શેરપાજીએ’. તેઓ છેલ્લાં 14 વર્ષથી 12,000 ફૂટથી પણ વધુ ઊંચાઈ પર પર્યાવરણ સંરક્ષણના કામમાં લાગેલા છે. સંગેજીએ સાંસ્કૃતિક અને પૌરાણિક રીતે મહત્ત્વના સોમગો (tsomgo) ને સ્વચ્છ રાખવાનું બીડું ઝડપ્યું છે. પોતાના અથાગ પ્રયાસોથી તેમણે આ ગ્લેશિયર લેકનું રંગરૂપ જ બદલી નાખ્યું છે.

વર્ષ 2008માં સંગે શેરપાજીએ જ્યારે સ્વચ્છતાનું આ અભિયાન શરૂ કર્યું હતું, ત્યારે તેમને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ જોતજોતામાં, તેમના આ ઉમદા કાર્યમાં યુવાનો અને ગ્રામીણો સાથે જ પંચાયતનો પણ ભરપૂર સહયોગ મળવા લાગ્યો. આજે તમે જો સોમગો સરોવરને જોવા જશો તો ત્યાં ચારે તરફ તમને ગાર્બેજ બિન્સ મળશે. હવે અહીં જમા થયેલા કચરાને રિસાઇકલિંગ માટે મોકલવામાં આવે છે. અહીં આવનારા પર્યટકોને કપડાંથી બનેલી ગાર્બેજ બિન પણ આપવામાં આવે છે જેથી કચરો અહીં-ત્યાં ન ફેંકે. હવે ખૂબ જ સાફ થઈ ચૂકેલા આ સરોવરને જોવા માટે દર વર્ષે લગભગ પાંચ લાખ પર્યટકો ત્યાં જાય છે. સોમગો સરોવરના સંરક્ષણના આ અનોખા પ્રયાસ માટે સંગે શેરપાજીને અનેક સંસ્થાઓએ સન્માનિત પણ કર્યા છે. આવા જ પ્રયાસોના કારણે આજે સિક્કિમની ગણતરી ભારતના સૌથી સ્વચ્છ રાજ્યોમાં થાય છે. હું સંગે શેરપાજી અને તેમના સાથીઓ સાથે દેશભરમાં પર્યાવરણ સંરક્ષણના ઉમદા કાર્યમાં લાગેલા લોકોની હૃદયથી પ્રશંસા કરું છું.

સાથીઓ, મને આનંદ છે કે સ્વચ્છ ભારત મિશનઆજે દરેક ભારતીયના મનમાં વસી ગયું છે. વર્ષ 2014માં આ જન આંદોલનના શરૂ થવાની સાથે જ, તેને, નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે, લોકોએ, અનેક અનોખા પ્રયાસ કર્યા છે અને આ પ્રયાસ માત્ર સમાજની અંદરથી જ નહીં, પરંતુ સરકારની અંદર પણ થઈ રહ્યા છે. આ સતત પ્રયાસોનું પરિણામ એ છે કે- કચરો, ગંદકી હટવાના કારણે, બિનજરૂરી સામાન હટવાના કારણે, કચેરીઓમાં ઘણી જગ્યા ખુલી જાય છે, નવી જગ્યા મળે છે. પહેલાં જગ્યાના અભાવમાં દૂર-દૂર ભાડા પર કચેરીઓ રાખવી પડતી હતી. આ દિવસોમાં સાફ-સફાઈના કારણે એટલી જગ્યા મળી રહી છે કે હવે, એક જ સ્થાન પર બધાં કાર્યાલયો બેસી રહ્યાં છે.

ગત દિવસોમાં માહિતી અને પ્રસારણ ખાતાએ પણ મુંબઈમાં, અમદાવાદમાં, કોલકાતામાં, શિલોંગમાં, અનેક શહેરોમાં પોતાનાં કાર્યલયોમાં ભરપૂર પ્રયાસ કર્યો અને તેના કારણે આજે તેમને બે-બે, ત્રણ-ત્રણ માળ, પૂરી રીતે નવી રીતથી કામમાં આવી શક્યાં, તે ઉપલબ્ધિ થઈ ગઈ. આ પોતાની રીતે, સ્વચ્છતાના કારણે, આપણા સંસાધનોનો મહત્તમ ઉપયોગનો ઉત્તમ અનુભવ મળી રહ્યો છે. સમાજમાં પણ, ગામેગામ, શહેરેશહેરમાં પણ, આ  પ્રકારથી કાર્યાલયોમાં પણ, આ અભિયાન, દેશ માટે પણ દરેક રીતે ઉપયોગી સિદ્ધ થઈ રહ્યું છે.

મારા પ્રિય દેશવાસીઓ, આપણા દેશમાં આપણી કળા-સંસ્કૃતિ વિશે એક નવી જાગૃતિ આવી રહી છે. એક નવી ચેતના જાગૃત થઈ રહી છે. ‘મન કી બાતમાં, આપણે, ઘણી વાર, આવાં ઉદાહરણોની ચર્ચા પણ કરીએ છીએ. જે રીતે કળા, સાહિત્ય અને સંસ્કૃતિ સમાજની સામૂહિક મૂડી હોય છે, તે જ રીતે તેમને આગળ વધારવાની જવાબદારી સંપૂર્ણ સમાજની હોય છે. આવો જ એક સફળ પ્રયાસ લક્ષદ્વીપમાં થઈ રહ્યો છે. ત્યાં કલ્પેની દ્વીપ પર એક ક્લબ છે- કૂમેલ બ્રધર્સ ચેલેન્જર્સ ક્લબ. આ ક્લબ યુવાનોને સ્થાનીય સંસ્કૃતિ અને પારંપરિક કળાઓના સંરક્ષણ માટે પ્રેરે છે. ત્યાં યુવાનોને સ્થાનિક કળા કોલકલી, પરીચાકલી, કિલિપ્પાટ્ટ અને પારંપરિક ગીતોનું પ્રશિક્ષણ અપાય છે. એટલે કે જૂનો વારસો, નવી પેઢીના હાથોમાં સુરક્ષિત થઈ રહ્યો છે, આગળ વધી રહ્યો છે અને સાથીઓ, મને આનંદ છે કે આ પ્રકારના પ્રયાસો દેશમાં જ નહીં, વિદેશમાં પણ થઈ રહ્યા છે. તાજેતરમાં જ દુબઈથી સમાચાર આવ્યા કે ત્યાં કલારી ક્લબે ગિનીઝ બુક ઑફ વર્લ્ડ રેકૉર્ડમાં નામ પ્રાપ્ત કર્યું છે. તમને થશે કે દુબઈના ક્લબે રેકૉર્ડ બનાવ્યો તેનો ભારત સાથે શું સંબંધ? વાસ્તવમાં, આ રેકૉર્ડ, ભારતની પ્રાચીન માર્શલ આર્ટ કલારીપયટ્ટૂ સાથે જોડાયેલો છે.

આ રેકૉર્ડ એક સાથે સૌથી વધુ લોકો દ્વારા કલારીના પ્રદર્શનનો છે. કલારી ક્લબ દુબઈએ દુબઈ પોલીસ સાથે મળીને તેનું આયોજન કર્યું અને યુએઇના રાષ્ટ્રીય દિવસે પ્રદર્શન કર્યું. આ આયોજનમાં ચાર વર્ષના બાળકોથી માંડીને 60 વર્ષ સુધીના લોકોએ કલારીની પોતાની ક્ષમતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું. અલગ-અલગ પેઢીઓ પોતાની પ્રાચીન પરંપરાને કેવી આગળ વધારે છે, પૂરા મનોયોગથી વધારે છે, તેનું આ અદ્ભુત ઉદાહરણ છે.

સાથીઓ, ‘મન કી બાતના શ્રોતાઓને હું કર્ણાટકના ગડક જિલ્લામાં રહેનારા ક્વેમશ્રીજી વિશે પણ બતાવવા માગું છું. ‘ક્વેમશ્રીદક્ષિણમાં કર્ણાટકની કળા-સંસ્કૃતિને પુનર્જીવિત કરવાના મિશનમાં છેલ્લાં 25 વર્ષથી અનવરત લાગેલા છે. તમે વિચારી શકો કે તેમની તપશ્ચર્યા કેટલી મોટી છે? પહેલાં તો તેઓ હૉટલ મેનેજમેન્ટના વ્યવસાય સાથે જોડાયેલા હતા. પરંતુ પોતાની સંસ્કૃતિ અને પરંપરા વિશે તેમની લાગણી એટલી ગાઢ હતી કે તેમણે તેને પોતાનું મિશન બનાવી લીધું. તેમણે કલા ચેતનાનામથી એક મંચ બનાવ્યો. આ મંચ, આજે કર્ણાટકના, અને દેશ-વિદેશના કલાકારોના અનેક કાર્યક્રમ આયોજિત કરે છે. તેમાં સ્થાનિક કળા અને સંસ્કૃતિને ઉત્તેજન આપવા માટે અનેક ઇનૉવેટિવ કામ પણ થાય છે.

સાથીઓ, પોતાની કળા-સંસ્કૃતિ પ્રત્યે દેશવાસીઓનો આ ઉત્સાહ પોતાના વારસા પર ગર્વની ભાવનું જ પ્રગટીકરણ છે. આપણા દેશમાં તો દરેક ખૂણામાં આવા અનેક રંગો વિખરાયેલા પડ્યા છે. આપણે પણ તેમને સજાવવા-સંવારવા અને સંરક્ષિત કરવા માટે નિરંતર કામ કરવું જોઈએ.

મારા પ્રિય દેશવાસીઓ, દેશના અનેક ક્ષેત્રમાં વાંસથી અનેક સુંદર અને ઉપયોગી ચીજો બનાવવામાં આવે છે. વિશેષ રીતે આદિવાસી ક્ષેત્રમાં વાંસના કુશળ કારીગર અને કુશળ કલાકારો છે. જ્યારથી દેશે વાંસથી જોડાયેલા અંગ્રેજોના જમાનાના કાયદાઓને બદલ્યા છે, ત્યારથી તેનું એક મોટું બજાર તૈયાર થઈ ગયું છે.

મહારાષ્ટ્રના પાલઘર જેવા ક્ષેત્રમાં પણ આદિવાસી સમાજના લોકો વાંસનાં અનેક સુંદર ઉત્પાદનો બનાવે છે. વાંસથી બનનારાં બૉક્સ, ખુરશી, ચાયદાની, ટોકરીઓ અને ટ્રે જેવી ચીજો ખૂબ લોકપ્રિય થઈ રહી છે. એટલું જ નહીં, તે લોકો વાંસના ઘાસથી સુંદર કપડાં અને સજાવટની ચીજો પણ બનાવે છે. તેનાથી આદિવાસી મહિલાઓને પણ આજીવિકા મળી રહી છે અને તેમના હુનરને ઓળખ પણ મળી રહી છે.

સાથીઓ, કર્ણાટકનું એક દંપતી સોપારીના રેસાથી બનેલાં અનોખાં ઉત્પાદનોને આંતરરાષ્ટ્રીય બજાર સુધી પહોંચાડી રહ્યું છે. કર્ણાટકના શિવમોગાનું આ દંપતી છે- શ્રીમાન સુરેશ અને તેમનાં પત્ની શ્રીમતી મૈથિલી. આ લોકો સોપારીના રેસાથી ટ્રે, પ્લેટ અને હેન્ડબેગથી લઈને અનેક ડૅકૉરેટિવ ચીજો બનાવી રહ્યાં છે. આવા રેસાથી બનેલાં ચપ્પલો પણ આજે લોકોને ખૂબ પસંદ પડી રહ્યાં છે. તેમનાં ઉત્પાદનો આજે લંડન અને યુરોપના બીજાં બજારોમાં વેચાઈ રહ્યાં છે. આ જ તો આપણાં પ્રાકૃતિક સંસાધનો અને પારંપરિક હુનરની ખાસિયત છે, જે બધાને પસંદ આવી રહી છે. ભારતના આ પારંપરિક જ્ઞાનમાં દુનિયા ટકાઉ ભવિષ્યનો રસ્તો જોઈ રહી છે. આપણે, સ્વયં પણ, આ દિશામાં વધુમાં વધુ જાગૃત થવાની આવશ્યકતા છે. આપણે સ્વયં પણ આવાં સ્વદેશી અને સ્થાનિક ઉત્પાદનોનો ઉપયોગ કરીએ અને બીજાઓને પણ આ ઉપહાર સ્વરૂપે આપીએ. તેનાથી આપણી ઓળખ પણ મજબૂત થશે અને સ્થાનિક અર્થવ્યવસ્થા પણ મજબૂત થશે, અને, મોટી સંખ્યાંમાં, લોકોનું ભવિષ્ય પણ ઉજ્જવળ થશે.

મારા પ્રિય દેશવાસીઓ, હવે આપણે ધીરે-ધીરે મન કી બાતના 100મા હપ્તાના અભૂતપૂર્વ પડાવ તરફ આગળ વધી રહ્યા છીએ. મને અનેક દેશવાસીના પત્રો મળ્યા છે, જેમાં તેમણે 100મા હપ્તા વિશે ઘણી જિજ્ઞાસા પ્રગટ કરી છે.

100મા હપ્તામાં, આપણે શું વાત કરીએ, તેને કેવી રીતે ખાસ બનાવીએ, તેના માટે તમે મને સૂચનો મોકલશો તો મને ઘણું સારું લાગશે. આગામી વખતે, આપણે વર્ષ 2023માં મળીશું. હું તમને બધાને વર્ષ 2023ની શુભકામનાઓ પાઠવું છું. આ વર્ષ પણ દેશ માટે ખાસ રહે, દેશ નવી ઊંચાઈઓને પ્રાપ્ત કરતો રહે, આપણે મળીને સંકલ્પ પણ લેવાનો છે, સાકાર પણ કરવાનો છે. આ સમયે ઘણા બધા લોકો રજાના મૂડમાં પણ છે. તમે તહેવારોનો, આ અવસરોનો ઘણો આનંદ લો, પરંતુ થોડા સતર્ક પણ રહેજો. તમે પણ જોઈ રહ્યા છો કે દુનિયાના અનેક દેશમાં કોરોના વધી રહ્યો છે, આથી આપણે માસ્ક અને હાથ ધોવા જેવી સાવધાનીઓનું હજુ વધુ ધ્યાન રાખવાનું છે. આપણે સાવધાન રહીશું તો સુરક્ષિત પણ રહીશું અને આપણા ઉલ્લાસમાં કોઈ અંતરાય પણ નહીં આવે. તેની સાથે, તમને સહુને ફરી એક વાર ઘણી શુભકામનાઓ. ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્કાર.

* * *

<p style="text-align:center">સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : &nbsp;<img src="http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/Twitter-iconI0HR.jpg" style="height:20px; width:20px" /><a href="https://twitter.com/PIBAhmedabad" target="_blank">@PIBAhmedabad</a>&nbsp;&nbsp;&nbsp;<img alt="Image result for facebook icon" src="http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/fbO3SQ.jpg" style="height:20px; width:20px" />&nbsp;/<a href="https://www.facebook.com/pibahmedabad1964/" target="_blank">pibahmedabad1964</a>&nbsp; &nbsp;<img alt="" src="http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/Instagram-IconX9CA.png" style="height:20px; width:20px" />&nbsp;<a href="https://www.instagram.com/pibahmedabad" target="_blank">/pibahmedabad</a>&nbsp;&nbsp;<a href="mailto:pibahmedabad1964[at]gmail[dot]com"><img alt="" src="http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/emailXG3L.jpg" style="height:22px; width:20px" />pibahmedabad1964[at]gmail[dot]com</a></p>


(Release ID: 1886481) Visitor Counter : 388