ગૃહ મંત્રાલય

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનો આજે નવી દિલ્હીમાં ‘ગ્લોબલ ટ્રેન્ડ્સ ઇન ટેરરિસ્ટ ફાઇનાન્સિંગ એન્ડ ટેરરિઝમ’ થીમ પર આયોજિત ત્રીજી 'નો મની ફૉર ટેરર'ના પ્રથમ સત્રમાં સંબોધનનો મૂળ પાઠ

Posted On: 18 NOV 2022 12:13PM by PIB Ahmedabad

સૌપ્રથમ હું તમને બધાને આ મંત્રીસ્તરીય પરિષદમાં આવકાર આપું છું. આ મંચ પરથી તમારા બધાની સાથે સંવાદ કરવો, તમને બધાને મારો અનુભવ જણાવવો, મારા વિચારોને વહેંચવા, મારા માટે આનંદની વાત છે. સાથે સાથે માનવતા સામે સૌથી મોટા પડકાર એટલે કે આતંકવાદ પર તમારા બધાના વિચારો જાણવા હું આતુર છું.

મને આશા છે કે, બે દિવસની ચર્ચાવિચારણામાં આપણે કામ કરી શકાય એવા વર્કેબલ અને વ્યવહારિક રૂપરેખા બનાવવામાં સફળતા મેળવીશું તેમજ આતંકવાદ સામેની આપણી લડાઈમાં નિર્ણાયક પહેલ કરીશું.

ચોક્કસ, આતંકવાદ વૈશ્વિક શાંતિ અને સુરક્ષા માટે સૌથી ગંભીર જોખમ છે. પણ મારું માનવું છે કે, આતંકવાદ માટે નાણાકીય જોગવાઈ કરવી આતંવાદથી વધારે ખતરનાક છે, કારણ કે આતંકવાદના માધ્યમો અને પદ્ધતિને આ જ ફંડથી પોષણ મળે છે. વળી આની સાથે સાથે દુનિયાના તમામ દેશોના અર્થતંત્રોને નબળું કરવાનું કામ પણ આતંકવાદ માટે નાણાકીય જોગવાઈ સાથે થાય છે.

ભારત આતંકવાદના તમામ સ્વરૂપો અને પ્રકારોને વખોડે છે. અમે સ્પષ્ટપણે માનીએ છીએ કે, નિર્દોષ લોકોના જીવ લેવા જેવા કૃત્યોને વાજબી ઠેરવવા માટે કોઈ પણ કારણનો સ્વીકાર ન કરી શકાય. એટલે હું દુનિયાભરમાં થયેલા આતંકવાદી હુમલાઓના પીડિતો અને તેમના પરિવારજનોની સાથે મારી સંવેદના વ્યક્ત કરું છું. આપણે આ અનિષ્ટ તત્વ સાથે ક્યારેય સમાધાન ન કરવું જોઈએ.

અનેક દાયકાઓથી ભારત આતંકવાદનો ભોગ બન્યો છે, જે સરહદ પારથી પ્રાયોજિત છે. ભારતીય સુરક્ષા દળો અને સામાન્ય નાગરિકોને અતિ ગંભીર આતંકવાદી હુમલાઓનો સામનો કરવો પડ્યો છે. આ હુમલો સતત થયા છે અને સંકલિત રીતે થયા છે. આંતરરાષ્ટ્રીય સમુદાય એક સહિયારો અભિગમ ધરાવે છે, જે અંતર્ગત આતંકવાદના તમામ સ્વરૂપોને વખોડવા જોઈએ. પણ ટેકનોલોજી ક્ષેત્રમાં ક્રાંતિ થવાને કારણે આતંકવાદના સ્વરૂપો અને અભિવ્યક્તિ કે પ્રકારો સતત બદલાઈ રહ્યાં છે. આ આપણા માટે એક મોટો પડકાર છે.

અત્યારે આતંકવાદીઓ અને આતંકવાદી સંગઠનો આધુનિક શસ્ત્રો અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીના વિવિધ પાસાંઓની સારી સમજણ ધરાવે છે તથા તેનો ઉપયોગ પણ કરે છે.

આતંકવાદનું "ડાયનેમાઇટથી મેટાવર્સ " અને "AK-47થી વર્ચ્યુઅલ એસેટ્સ" સુધી આ પરિવર્તન દુનિયાના તમામ દેશો માટે ચોક્કસ ચિંતાનો વિષય છે. અને આપણે બધાએ ખભેખભો મિલાવીને આની સામે સંયુક્ત વ્યૂહરચના બનાવવી પડશે.

આપણે એ પણ જાણીએ છીએ કે, આતંકવાદનું જોખમ કોઈ ધર્મ, રાષ્ટ્રીયતા, કે પછી કોઈ સમૂહ સાથે સંબંધિત ન હોઈ શકે અને ન હોવું જોઈએ. આતંકવાદનો સામનો કરવા અમે સુરક્ષા માળખા તથા કાયદા અના નાણાકીય વ્યવસ્થાઓને મજબૂત કરવા ઘણી પ્રગતિ કરી છે. પણ તેમ છતાં આતંકવાદીઓ સતત હિંસક ઘટનાઓને પાર પાડવા, યુવા પેઢીને કટ્ટર બનાવવા અને નાણાકીય સંસાધન મેળવવા નવી રીતો શોધી રહ્યાં છે. આતંકવાદીઓ તેમની ઓળખ છુપાવવા અને કટ્ટરતાપ્રેરક સામગ્રીઓને ફેલાવવા માટે ડાર્ક-નેટનો ઉપયોગ કરી રહ્યાં છે. સાથે સાથે ક્રિપ્ટો કરન્સી જેવી વર્ચ્યુઅલ એસેટ્સનો ઉપયોગ પણ વધી રહ્યો છે. આપણે ડાર્ક-નેટ પર ચાલતી આ તમામ પ્રવૃત્તિઓની પેટર્નને સમજવી પડશે અને એનું સમાધાન શોધવું પડશે. 

કમનીસબે કેટલાંક દેશો એવા પણ છે, જે આતંકવાદ સામે લડવાના આપણા સહિયારા સંકલ્પને નબળો કરવા કે નષ્ટ કરવા ઇચ્છે છે. આપણે ઘણી વાર જોયું છે કે, કેટલાંક દેશ આતંકવાદીઓને બચાવે છે અને તેમને આશ્રય પણ આપે છે, કોઈ આતંકવાદીને સંરક્ષણ આપવું એ આતંકવાદને પ્રોત્સાહન આપવા સમાન છે. આ આપણી સામૂહિક જવાબદારી છે કે, આ પ્રકારના તત્વો તેમના ઇરાદાઓમાં ક્યારેય સફળ ન થઈ શકે.

ઓગસ્ટ, 2021 પછી દક્ષિણ એશિયાના ક્ષેત્રમાં સ્થિતિસંજોગોમાં બહુ મોટું પરિવર્તન આવ્યું છે. સતા પરિવર્તન અને અલ કાયદા અને આઈસિસનો વધતો પ્રભાવ – આ તમામ પ્રાદેશિક સુરક્ષા માટે એક મહત્વપૂર્ણ પડકાર સ્વરૂપે બહાર આવેલા પરિબળો છે. આ નવા સમીકરણોએ આતંકવાદને ફંડની સમસ્યાને વધારે ગંભીર બનાવી દીધી છે. ત્રણ દાયકા અગાઉ આ જ રીતે સતા કે શાસક પરિવર્તનના ગંભીર પરિણામો દુનિયાને ભોગવવા પડ્યાં હતાં, 9/11 જેવા ભયંકર હુમલાને આપણે બધાએ જોયો છે. આ પૃષ્ઠભૂમિમાં ગયા વર્ષે દક્ષિણ એશિયાના ક્ષેત્રમાં આવેલું પરિવર્તન આપણા તમામ માટે ચિંતાનો વિષય છે. અલ કાયદાની સાથે સાથે દક્ષિણ એશિયામાં લશ્કર-એ-તોઇબા અને જૈશ-એ-મોહમ્મદ જેવા સંગઠનો હાલ પણ આતંકવાદ ફેલાવવાનો મોકો શોધી રહ્યાં છે.

આપણે ક્યારેય આતંકવાદીઓને આશ્રય આપવાની કે તેમના સંસાધનો પૂરાં પાડવાની પ્રવૃત્તિઓની અવગણના ન કરવી જોઈએ. આ પ્રકારના તત્વો, તેમને સાથસહકાર આપતાં તત્વો, બંને તરફ બોલતાં લોકોને પણ આપણે બહાર લાવવા જોઈએ. એટલે આ બાબત મહત્વપૂર્ણ છે કે, આ સંમેલન, તેમાં સહભાગી દેશો અને સંગઠનો, આ વિસ્તારનાં આતંકવાદી પડકારોને લઈને પસંદગીનો કે આત્મસંતોષનો અભિગમ ન રાખે.

આતંકવાદીઓને નાણાકીય સંસાધનોની સમસ્યા વ્યાપક થઈ ગઈ છે. છેલ્લાં થોડાં વર્ષો દરમિયાન ભારતે આ સમસ્યાને નિયંત્રિત કરવામાં સફળતા મેળવી છે. આતંકવાદીઓને નાણાકીય ભંડોળ સામે ભારતની વ્યૂહરચના છ આધારસ્તંભો પર આધારિત છે:

પ્રથમ કાયદાકીય અને ટેકનોલોજી માળખાને મજબૂત કરવુ,

બે વ્યાપક મોનિટરિંગ ફ્રેમવર્ક ઊભું કરવું,

ત્રણકામ કરી શકાય એવી બાતમીઓ વહેંચવા વ્યવસ્થા ઊભી કરવી તથા તપાસ અને પોલીસ કામગીરીને મજબૂત કરવી,

ચાર સંપત્તિ જપ્ત કરવાની જોગવાઈ,

પાંચ – કાયદાકીય સંસ્થાઓ અને નવી ટેકનોલોજીઓના દુરુપયોગને અટકાવવો,

આંતરરાષ્ટ્રીય સાથસહકાર અને સંકલન સ્થાપિત કરવું.

ભારતે આ દિશામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નિવારણ ધારામાં સુધારા કરીને, રાષ્ટ્રીય તપાસ સંસ્થા (એનઆઇએ)ને મજબૂત કરીને અને નાણાકીય જાણકારીને નવી દિશા આપીને આતંકવાદ અને તેના માટે નાણાકીય ભંડોળ સામે લડવાની વ્યવસ્થાને મજબૂત કરી છે. આ અમારા સતત પ્રયાસોનું પરિણામ છે કે, ભારતમાં આતંકવાદી ઘટનાઓમાં મોટો ઘટાડો થયો છે. પરિણામે આતંકવાદથી થતા આર્થિક નુકસાનમાં પણ મોટો ઘટાડો થયો છે.

ભારત માને છે કે, આતંકવાદનો સામનો કરવાની સૌથી અસરકારક રીત છે – આતંરરાષ્ટ્રીય સ્તરે સાથસહકાર અને રાષ્ટ્રો વચ્ચે રિયલ-ટાઇમ અને પારદર્શક સહયોગ. પ્રત્યાર્પણ, અપરાધીઓ સામે કેસ ચલાવવો, મહત્વપૂર્ણ બાતમીઓની વહેંચણી, ક્ષમતા નિર્માણ અને આતંકવાદના નાણાકીય ભંડોળનો સામનો કરવો (સીએફટી) જેવા ક્ષેત્રોમાં વિવિધ દેશો વચ્ચે સાથસહકાર, આતંકવાદનો સામનો કરવા માટે મહત્વપૂર્ણ છે. આતંકવાદીઓ અને આતંકવાદી સંગઠનો સરળતાપૂર્વક સરહદ પાર સંસાધનોનો સમન્વય અને સંયોજન કરે છે એ બાબતને ધ્યાનમાં રાખીને આપણો પારસ્પરિક સહયોગ વધારે મહત્વપૂર્ણ બની જાય છે.

આંતરરાષ્ટ્રીય સ્તરે નશીલા દ્રવ્યનો ગેરકાયદેસર વેપાર અને નાર્કો-ટેરરનો પડકારએ આતંકવાદ માટે નાણાકીય જોગવાઈમાં નવું પાસું ઉમેર્યું છે. આને ધ્યાનમાં રાખીને તમામ રાષ્ટ્રો વચ્ચે આ વિષય પર સઘન સહયોગની જરૂર છે. સંયુક્ત રાષ્ટ્ર જેવી બહુપક્ષીય સંસ્થાઓ અને ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ, FATF જેવા પ્લેટફોર્મની હાજરી આતંકવાદ માટે નાણાકીય જોગવાઈનો સામનો (સીએફટી)ના ક્ષેત્રમાં આતંકવાદને રોકવાના સંદર્ભમાં સૌથી વધુ પ્રભાવશાળી છે. FATF મની લોન્ડ્રિંગ અને આતંકવાદીઓને નાણાકીય વ્યવસ્થા અટકાવવા તથા તેનો સામનો કરવા, વૈશ્વિક સ્તરે માપદંડ સ્થાપિત કરવા અને અમલીકરણમાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરે છે.

આપણી સામે વર્ચ્યુઅલ એસેટ સ્વરૂપે નવો પડકાર ઊભો થયો છે. આતંકવાદીઓ નાણાકીય વ્યવહારો કરવા માટે વર્ચ્યુઅલ એસેટ્સ જેવી નવી પદ્ધતિઓનો ઉપયોગ કરી રહ્યાં છે. વર્ચ્યુઅલ એસેટ, માળખાગત સુવિધા અને ડાર્કનેટને ફંડિંગના ઉપયોગને સંપૂર્ણપણે અટકાવવા આપણે એક મજબૂત અને અસરકારક કાર્યકારી વ્યવસ્થા તરફ ખભેખભો મિલાવીને કામ કરવાની જરૂ છે.

સંયુક્ત રાષ્ટ્ર, આઇએમએફ, ઇન્ટરપોલ અને અન્ય હિતધારકો, જેમ કે કાયદા અમલીકરણ સંસ્થાઓ, નાણાકીય તપાસકર્તાઓ અને વિવિધ દેશોના નિયમનકારો આ દિશામાં વધારે સકારાત્મક પ્રભાવ કરી શકે છે. આપણે આ પડકારોને ઊંડાણ સાથે સમજવા પડશે અને આંતરરાષ્ટ્રીય સ્તર પર આતંકવાદને નાણાકીય ફંડ રોકવા પ્રયાસ કરવા પડશે. આ પ્રકારનો એક પ્રયાસ તાજેતરમાં નવી દિલ્હીમાં સંપન્ન થયેલી ઇન્ટરપોલની સામાન્ય સભામાં થયો હતો.

ભારત માહિતીનું આદાનપ્રદાન કરવા, સરહદ પર અસરકારક નિયંત્રણ માટે ક્ષમતા નિર્માણ માટે, આધુનિક ટેકનોલોજીઓના દુરુપયોગને નિવારવા, ગેરકાયદેસર નાણાકીય પ્રવાહ પર નજર રાખવા અને અટકાવવા તથા તપાસ અને ન્યાયિક પ્રક્રિયાઓમાં સાથસહકાર માટે તમામ પ્રયાસો માટે કટિબદ્ધ છે.

"નો મની ફૉર ટેરર"નો લક્ષ્યાંક હાંસલ કરવા વૈશ્વિક સમુદાયે આતંકવાદ ફંડિંગના "મોડ - મીડિયમ - મેથડ"ને સમજવું પડશે તથા તેમના પર પ્રહાર કરવા 'વન માઇન્ડ, વન એપ્રોચ' સિદ્ધાંતને અપનાવવા પડશે.

આપણે આજે ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના સંબોધન સાથે આજે આ પરિષદનો શુભારંભ કર્યો છે. મને ખાતરી છે કે, આ બે દિવસોમાં આતંકવાદના ફંડના વિવિધ પાસાં પર અર્થસભર ચર્ચા થશે તથા વર્તમાન અને ભવિષ્યના પડકારો માટે સાર્થક સમાધાનો પ્રાપ્ત થશે. ભારત સરકારના ગૃહ મંત્રી સ્વરૂપે હું તમને આજે ખાતરી આપું છું કે, 'નો મની ફૉર ટેરર'ના લક્ષ્યાંકો હાંસલ કરવા અમારી કટિબદ્ધતા એટલી જ દ્રઢ છે, જેટલો તમારો આ પરિષદમાં સામેલ થવાનો ઉત્સાહ!

હું આ સત્રમાં મારા સાથી પેનલિસ્ટ વક્તાઓને સાંભળવા આતુર છું. આવતીકાલે સમાપન સત્રમાં હું અન્ય કેટલીક બાબતો પર વિસ્તારપૂર્વક મારા વિચારો રજૂ કરીશ. અત્યારે હું મારી વાણીને વિરામ આપું છું અને તમને બધાને શુભેચ્છા પાઠવું છું!

ધન્યવાદ.

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1876964) Visitor Counter : 581