ગૃહ મંત્રાલય
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિ નિમિત્તે નવી દિલ્હીમાં સરદાર પટેલ વિદ્યાલય ખાતે ગુજરાત એજ્યુકેશન સોસાયટી દ્વારા યોજવામાં આવેલા કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે સંબોધન આપ્યું
સરદાર પટેલ એવા કર્મયોગી હતા જેમની પાસે પોતાની દૂરંદેશીને વાસ્તવિકતામાં પરિવર્તિત કરવાનું સમર્પણ હતું, તેમણે ભારતની સ્વતંત્રતા, અખંડ ભારતની રચના અને નવા ભારતનો પાયો નાખવા માટે નિરંતર કામ કર્યું હતું
ઘણા લાંબા સમયથી સરદાર પટેલના વારસાને ક્ષીણ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા, તેમને ભારત રત્નથી સન્માનિત કરવામાં, સરદાર પટેલનું સ્મારક બનાવવામાં અને તેમના વિચારોનું સંકલન કરીને નાના બાળકો માટે પ્રેરણારૂપ બનાવવા માટે ઘણા વર્ષો લાગ્યા છે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ ત્રણ લાખથી વધુ ગામડાઓના કરોડો ખેડૂતોના લોખંડના કૃષિ ઓજારોને ઓગાળીને કરવામાં આવ્યું છે, પ્રધાનમંત્રીએ સુનિશ્ચિત કર્યું હતું કે આ પ્રતિમામાં દેશની આશા, અપેક્ષાઓ અને સપનાઓ સાકાર થઇને ખીલી ઉઠે
સરદાર પટેલે દેશમાં સહકારી ચળવળનો પાયો પણ નાખ્યો હતો, બહુ ઓછા લોકો જાણે છે કે સરદાર પટેલે અમૂલનાં બીજ રોપ્યા હતાં અને તેમના પ્રેરક વિચારો તેમજ માર્ગદર્શન હેઠળ ત્રિભુવનદાસ પટેલે અમૂલની સ્થાપના કરી હતી
1920થી 1930 ની વચ્ચે દેશમાં ખેડૂતોના શોષણ સામે અવાજ ઉઠાવવામાં આવી રહ્યો હતો અને વલ્લભભાઇએ જે રીતે ખેડૂતોને એકજૂથ કર્યા હતા તે કૌશલ્ય જોઇને ગાંધીજીએ તેમને ‘સરદાર’ તરીકેનું બિરુદ આપ્યું હતું
સ્વતંત્રતા મળી ત્યારે બ્રિટનના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી વિન્સ્ટન ચર્ચિલે કહ્યું હતું કે, અંગ્રેજોની વિદાય સાથે જ ભારત ખંડિત થઇ જશે, કારણ કે ભારતના નેતાઓમાં ક્ષમતા ઓછી છે અને તેઓ સત્તા માટે ઝઘડી પડશે, પરંતુ સરદાર પટેલે સમગ્ર દેશને એક કર્યો અને આજે તે જ બ્રિટનને પાછળ છોડીને ભારત સમગ્ર વિશ્વની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યું છે
સરદાર પટેલે દુનિયાની સૌથી પરિપક્વ લોકશાહીનો પાયો નાખ્યો હતો, જો સરદાર પટેલ ન હોત તો ભારતનો નકશો આજે જેવો છે તેવો ન હોત, આઝાદી પછી સરદાર પટેલે 500થી વધુ રજવાડાઓને એકીકૃત કર્યા હતા
સરદાર પટેલની પ્રબળ ઇચ્છાશક્તિ અને નેતૃત્વના પરિણામ સ્વરૂપે આજે લક્ષદ્વીપ, આંદામાન અને નિકોબારના ટાપુઓ, જૂનાગઢ, જોધપુર, હૈદરાબાદ અને કાશ્મીર ભારતના અભિન્ન અંગ છે
સરદાર પટેલના અહિંસાના વિચારો પણ ખૂબ જ વ્યવહારુ હતા, તેમણે ક્યારેય પ્રસિદ્ધિની ઝંખના નહોતી રાખી પરંતુ દરેક સમસ્યાનો ઉકેલ શોધીને પરિણામ મેળવ્યું હતું
ભાષા એ માત્ર અભિવ્યક્તિનું માધ્યમ છે, ભાષા એ તમારી ક્ષમતાની નિશાની નથી, જો તમારામાં સામર્થ્ય હોય તો દુનિયાએ તમારી વાત સાંભળવી જ પડશે
અમે ભારતની કોઇ પણ ભાષા અને બોલીને લુપ્ત થવા દઇશું નહીં, હું યુવાનોને અનુરોધ કરું છું કે તેઓ ભલે અન્ય ભાષાઓ શીખે પરંતુ પોતાની માતૃભાષાને ક્યારેય ભૂલશો નહીં કારણ કે તે વ્યક્તિનું સામર્થ્ય વધારવા, નિર્ણય લેવાની ક્ષમતાને સુધારવા અને વિશ્લેષણ પ્રક્રિયાની પ્રક્રિયાને વધારવાનું શ્રેષ્ઠ માધ્યમ છે
મોદી સરકારની નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિનું મહત્વનું પરિમાણ એ છે કે, પ્રાથમિક શિક્ષણ તેમની ભાષામાં હોવું જોઇએ, ટેકનિકલ શિક્ષણ, સંશોધન અને તબીબી શિક્ષણ પણ પ્રાદેશિક ભાષામાં ઉપલબ્ધ હોવું જોઇએ
આપણે મહાત્મા ગાંધી અને સરદાર પટેલની દૂરંદેશીના આધારે આત્મવિશ્વાસથી છલકાતા એવા ભારતનું નિર્માણ કરવાનું છે, જે વિશ્વનું નેતૃત્વ કરશે અને આવું ભારત ત્યારે જ બનશે જ્યારે આપણી ભાષાની હીનતાના પરીઘમાંથી મુક્ત થઇશું
આપણી સ્વતંત્રતાના શતાબ્દી વર્ષમાં ભારતને વિશ્વનું અગ્રેસર રાષ્ટ્ર બનાવવાના પ્રધાનમંત્રીના અભિયાનને મજબૂતી પ્રાપ્ત થાય તે માટે ગૃહ મંત્રીએ વિદ્યાર્થીઓને સરદાર પટેલ વિશે વાંચવા અને તેમણે ચિંધેલા માર્ગને અનુસરવાનો પ્રયાસ કરવાનો અનુરોધ કર્યો
Posted On:
31 OCT 2022 7:08PM by PIB Ahmedabad
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિ નિમિત્તે નવી દિલ્હી ખાતે સરદાર પટેલ વિદ્યાલયમાં ગુજરાત એજ્યુકેશન સોસાયટી દ્વારા યોજવામાં આવેલા કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે સંબોધન આપ્યું હતું.
આ પ્રસંગે ઉપસ્થિતોને સંબોધન કરતા શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, સરદાર વલ્લભભાઇ પટેલ એક એવા ‘કર્મયોગી’ હતા કે જેમણે પોતાના વિચારોને સાકાર કરવાની પ્રતિબદ્ધતા સાથે કામ કર્યું હતું. સરદાર પટેલે પોતાનું સમગ્ર જીવન ભારતની સ્વતંત્રતા માટે, અખંડ ભારતનું નિર્માણ કરવા માટે અને નવા ભારતનો પાયો નાખવા માટે સમર્પિત કર્યું હતું. શ્રી શાહે જણાવ્યું હતું કે, સરદાર પટેલના વારસાને લાંબા સમયથી ક્ષીણ કરવાના પ્રયાસો કરવામાં આવતા હતા, તેમને ભારત રત્નથી સન્માનિત કરવામાં, સરદાર પટેલનું સ્મારક બનાવવામાં અને તેમના વિચારોનું સંકલન કરીને નાના બાળકો માટે પ્રેરણારૂપ બનાવવામાં ઘણા વર્ષો લાગ્યા હતા. શ્રી શાહે આગળ કહ્યું હતું કે, સરદાર પટેલ તેમના કાર્યોના માધ્યમથી અમર અને અચલ છે. સરદાર સાહેબ એક દીર્ઘદૃષ્ટા, સત્યાર્થી અને નિરાભિમાની વ્યક્તિ હતા.
કેન્દ્રીય ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે, આપણે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યા છીએ અને સરદાર પટેલના વિચારો આજે પણ એટલા જ સાંપ્રત છે જેટલા તે વિચારો 19મી સદીમાં હતા. તેમણે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સવારે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ ખાતે સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ દેશના 3 લાખથી વધુ ગામડાઓના કરોડો ખેડૂતોના કૃષિ ઓજારોનું લોખંડ ઓગાળીને સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરવામાં આવ્યું હતું, પ્રધાનમંત્રીએ સુનિશ્ચિત કર્યું હતું કે, આ પ્રતિમામાં સમગ્ર દેશની આશા, અપેક્ષા અને સપનાઓ સાકાર થઇને ખીલી ઉઠે.
શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, સરદાર પટેલ પાયાના સ્તરેથી સમસ્યાઓના ઉકેલની મૂળભૂત વિચારધારાને અનુસરતા હતા. સરદાર પટેલે દેશમાં સહકારી ચળવળનો પ્રસાર કરવાનું કામ પણ કર્યું હતું, અને બહુ ઓછા લોકો જાણતા હશે કે સરદાર પટેલે અમૂલનાં બીજ રોપ્યા હતાં અને સરદાર પટેલના વિચારો, માર્ગદર્શન અને પ્રેરણાથી ત્રિભુવનદાસ પટેલજીએ અમૂલની સ્થાપના કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, 1920થી 1930ની વચ્ચે દેશમાં ખેડૂતોના શોષણ સામે અવાજ ઉઠાવવામાં આવી રહ્યો હતો અને વલ્લભભાઇએ જે કૌશલ્યથી ખેડૂતોને એકજૂથ કર્યા હતા તે જોઇને ગાંધીજીએ તેમને ‘સરદાર’નું બિરુદ આપ્યું હતું. શ્રી શાહે કહ્યું હતું કે, સરદાર પટેલના કારણે જ આજે લક્ષદ્વીપ, આંદામાન અને નિકોબારના ટાપુઓ, જોધપુર, જૂનાગઢ અને હૈદરાબાદ ભારતના અભિન્ન ભાગ છે. તેમણે ઉમેર્યું હતું કે, ભારત માતાનું મુગટ રત્ન કાશ્મીર પણ આજે સરદાર પટેલના કારણે ભારતની સાથે છે. તે સરદાર પટેલ જ હતા જેમણે જમ્મુ અને કાશ્મીરમાં સૈન્ય મોકલવાનું નક્કી કર્યું હતું, જેણે પાકિસ્તાનના સૈનિકોને પરાજિત કર્યા હતા અને ખાતરી કરી કે કાશ્મીર ભારતનો અભિન્ન અંગ રહે.
ગૃહ મંત્રીએ આગળ જણાવ્યું હતું કે, જો સરદાર પટેલ ન હોત તો ભારતનો નકશો આજે જેવો દેખાય છે તેવો ન હોત. આઝાદી પછી, સરદાર પટેલે સમગ્ર ભારતમાંથી 500 કરતાં વધુ રજવાડાઓ અને રાજાઓ તેમજ રાજકુમારોને એકીકૃત કરવાનું કામ કર્યું હતું. શ્રી શાહે જણાવ્યું હતું કે, સરદાર પટેલે તેમની તબિયત નાદુરસ્ત હોવા છતાં 500 થી વધુ રજવાડાઓને ભારત સંઘમાં જોડવા માટે સમગ્ર દેશમાં પ્રવાસ ખેડ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, આઝાદી પછી ભારતમાં લોકશાહીનો પાયો નંખાયો અને સરદાર વલ્લભભાઇ પટેલના અથાક પ્રયાસોના કારણે ભારત એકજૂથ થયું હતું. જ્યારે સ્વતંત્રતા મળી તે સમયે બ્રિટનના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી વિન્સ્ટન ચર્ચિલે કહ્યું હતું કે, ભારતમાંથી અંગ્રેજોની વિદાય થતાં જ ભારત ખંડિત થઇ જશે, કારણ કે ભારતીય નેતાઓમાં ક્ષમતા ઓછી છે અને તેઓ સત્તા માટે અંદરો-અંદર ઝઘડશે, પરંતુ સરદાર પટેલે સમગ્ર દેશને એકજૂથ કર્યો અને આજે તે જ બ્રિટનને પાછળ છોડીને ભારત સમગ્ર વિશ્વની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે.
કેન્દ્રીય ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે, ભારતમાં લોકશાહીનો પાયો 75 વર્ષમાં ઘણો વધુ ઊંડો થયો છે અને આના પરિણામ સ્વરૂપે આઝાદી પછી, લોકોએ શાંતિપૂર્ણ રીતે મતના માધ્યમથી આપેલા જનાદેશનો સૌએ સ્વીકાર કર્યો છે અને દેશમાં ઘણી વખત કોઇપણ રક્તસ્રાવ વગર નેતૃત્વમાં પરિવર્તન આવ્યું છે. તેમણે કહ્યું હતું કે, લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલે રજવાડાઓને એકજૂથ કરવા માટે અથાક મહેનત કરી હતી, તેમજ અખિલ ભારતીય સેવાઓ અને ગુપ્તચર બ્યૂરોનો પાયો નાખ્યો હતો, કેન્દ્રીય પોલીસની કલ્પના કરી હતી અને વહીવટી સેવાઓને ભારતીય નૈતિકતાઓને અનુરૂપ ઘડવામાં આવી હતી. સરદાર વલ્લભભાઇ પટેલના પ્રયાસોના પરિણામે જ, ભારતમાં કેન્દ્ર અને રાજ્યનું માળખું એવી રીતે ઘડવામાં આવ્યું છે કે કોઇ પણ પ્રકારનું ઘર્ષણ ન થાય અને તેના પરિણામે આજે કેન્દ્ર અને રાજ્યો વચ્ચે કોઇ જ વિરોધાભાસ નથી.
શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, સરદાર પટેલના અહિંસાના વિચારો પણ ખૂબ જ વ્યવહારુ અને વાસ્તવિક હતા અને તેમણે ક્યારેય પણ કિર્તી મેળવવાની ઝંખના રાખ્યા વગર દરેક સમસ્યાનો ઉકેલ શોધીને પરિણામ લાવવાનું કામ કર્યું હતું. એક તરફ રાષ્ટ્રને મહાત્મા ગાંધીનું આદર્શવાદી અને આધ્યાત્મિક નેતૃત્વ મળ્યું હતું તો બીજી તરફ સરદાર પટેલ જેવા વ્યવહારુ, દૂરંદેશી અને વાસ્તવિક નેતાનું સમર્થન મળ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, સરદાર પટેલના આ બંનેના સંયોજનથી ભારતને ઘણી મદદ મળી છે. ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે, સરદાર પટેલે ભારતના બંધારણના નિર્માણ દરમિયાન ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લીધા હતા. તેમણે બાબાસાહેબ ડૉ. બી. આર. આંબેડકરને બંધારણના મુસદ્દા અને સંકલનનું કામ સોંપવાની હિમાયત કરી હતી. ગૃહ મંત્રીએ કહ્યું હતું કે, બંધારણમાં સંતુલત જળવાઇ રહે તે માટે સરદાર પટેલે અનેક વખત પોતાના વિચારો બંધારણ સભા સમક્ષ રજૂ કર્યા હતા. આ વિશે વધુ જાણવા અને બંધારણના આત્માને સમજવા માટે, શ્રી શાહે બાળકોને સરદાર પટેલ, કે. એમ. મુનશી અને બાબાસાહેબ ડૉ. બી. આર. આંબેડકરની બંધારણની ચર્ચાઓ વાંચવાનો અનુરોધ કર્યો હતો.
ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે, સ્વતંત્રતા પછીના 75 વર્ષ ખૂબ જ કઠિન રહ્યા હતા. દેશને ક્યારેક યુદ્ધ તો ક્યારેક આતંકવાદનો સામનો કરવો પડ્યો છે. દેશને વૈશ્વિક અને આર્થિક સમસ્યાઓનો પણ સામનો કરવો પડ્યો છે, પરંતુ આ બધી જ મુશ્કેલીઓ વચ્ચે પણ ભારતમાં સર્વાંગી અને સહિયારા વિકાસ દ્વારા લોકશાહીનો પાયો વધુ ઊંડો થયો છે. બંધારણની ભાવના અનુસાર માર્ગદર્શિત દેશમાં રાષ્ટ્રની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવી છે, જેથી કરીને દુનિયામાં કોઇ ભારતની સેના અને સીમાનું અપમાન કરવાની હિંમત કરી શકે નહીં. તેમણે કહ્યું હતું કે, ભારતે પોતાની અર્થવ્યવસ્થાને મજબૂત ગતિએ આગળ ધપાવી છે અને થોડા વર્ષોમાં જ માળખાકીય સુવિધાઓની બાબતમાં પણ ભારત સમગ્ર વિશ્વના મોટા દેશોની નજીક પહોંચી જશે. શ્રી શાહે ઉમેર્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ત્રણ ઉદ્દેશ્યો સાથે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવાનું નક્કી કર્યું છે. એક તો, દેશની આવનારી યુવા પેઢીએ આઝાદીની ચળવળ અને સંઘર્ષને સમજવો જોઇએ, બીજું કે, ચાલો આપણે 75 વર્ષમાં શું મેળવ્યું છે તે જાણીએ અને ત્રીજું કે, આપણે સૌ આઝાદીના શતાબ્દી વર્ષનું લક્ષ્ય નક્કી કરીએ. તેમણે અહીં ઉપસ્થિત યુવાનોને એક નાનકડો સંકલ્પ લઇને તેને પરિપૂર્ણ કરવા માટે કટિબદ્ધ બનવાનો અનુરોધ કર્યો હતો. શ્રી શાહે જણાવ્યું હતું કે, જો ભારતનું ભવિષ્ય ઉજ્જવળ હશે તો જ આપણું ભવિષ્ય ઉજ્જવળ થઇ શકશે.
શ્રી અમિત શાહે ગુજરાત એજ્યુકેશન સોસાયટીનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, સરદાર પટેલ વિદ્યાલયમાં સમગ્ર પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં આપવામાં આવે છે. વિદ્યાર્થીઓને હિન્દીની સાથે તમિલ, ઉર્દૂ અને બંગાળી ભાષા શીખવાની તક પણ મળે છે. તેમણે કહ્યું હતું કે, અમે ભારતની કોઇપણ ભાષા અને બોલીને લુપ્ત થવા દઇશું નહીં. શ્રી શાહે યુવાનોને પણ અનુરોધ કર્યો હતો કે, તમે ભલે કોઇ પણ અન્ય ભાષા શીખો પરંતુ માતૃભાષાને ક્યારેય છોડશો નહીં માતૃભાષા તો વ્યક્તિનું સામર્થ્ય વધારવા, નિર્ણય લેવાની ક્ષમતાને સુધારવા અને વિશ્લેષણ પ્રક્રિયાની પ્રક્રિયાને વધારવાનું શ્રેષ્ઠ માધ્યમ છે. તેમણે જણાવ્યું હતું કે, દેશમાં બૌદ્ધિક ક્ષમતા સાથે અંગ્રેજીનું જ્ઞાન જોડાયેલું છે પરંતુ ભાષા એ માત્ર અભિવ્યક્તિનું માધ્યમ છે, ભાષા એ કોઇ ક્ષમતાની નિશાની નથી અને જો તમારામાં સામર્થ્ય હશે તો દુનિયાએ તમારી વાત સાંભળવી જ પડશે. શ્રી શાહે વાલીઓને બાળકો સાથે તેમની માતૃભાષામાં સંવાદ કરવા માટે વિનંતી કરી હતી. તેમણે આગળ જણાવ્યું હતું કે, ભાષાના કારણે સર્જાયેલા હીનતાના પરીઘના માહોલને તોડવાની જવાબદારી યુવાનોની છે. તેમણે કહ્યું હતું કે, જો આપણે દેશના વિકાસમાં યોગદાનનો શ્રેય માત્ર સારા અંગ્રેજી બોલતા જૂજ લોકોને જ આપીએ તો જેઓ પોતાની ભાષામાં વિચારે છે, બોલે છે, લખે છે, સંશોધન કરે છે અને વિકાસ કરે છે તેવા માટોભાગના બાળકો વિકાસની પ્રક્રિયામાંથી વિખુટા પડી જશે. તેમણે જણાવ્યું હતું કે, ભાષાના માધ્યમથી આપણે આપણી સંસ્કૃતિ અને સાહિત્યને જાણી શકીએ છીએ અને વિચારવાની પ્રક્રિયાને વધુ શક્તિશાળી તેમજ તીવ્ર બનાવીએ છીએ. મોદી સરકારની નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિનું એક મહત્વનું પરિમાણ એ છે કે, બાળકોનું પ્રાથમિક શિક્ષણ તેમની ભાષામાં હોવું જોઇએ, ટેકનિકલ શિક્ષણ, સંશોધન અને તબીબી શિક્ષણ પણ પ્રાદેશિક ભાષામાં ઉપલબ્ધ થવું જોઇએ.
કેન્દ્રીય ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે, આપણે મહાત્મા ગાંધી અને સરદાર પટેલની દૂરંદેશી પર આધારિત આત્મવિશ્વાસથી છલકાતા એવા ભારતનું નિર્માણ કરવું પડશે, જે વિશ્વની હોડમાં અગ્રેસર હશે અને આવા ભારતનું નિર્માણ ત્યારે જ બની શકશે જ્યારે આપણે ભાષાના પરીઘની હીનતાની ભાવનાને ત્યજી દઇશું. તેમણે ઉમેર્યું હતું કે, કેટલાક લોકો દ્વારા સરદાર પટેલને વિસરી જવાના અનેક પ્રયાસો કરવામાં આવ્યા હોવા છતાં, સરદાર આજે પણ દેશની દરેક વ્યક્તિના માનસપટમાં છે કારણ કે તેઓ ભારતની ભૂમિના પુત્ર અને ભારતીય સંસ્કૃતિના પ્રતિક એવા વ્યવહારુ નેતા હતા, જેમણે ક્યારેય પોતાની ખ્યાતિ મેળવવાની ઝંખના નહોતી રાખી. સ્વતંત્રતાના સમયે ભારતના લોખંડી પુરૂષ 'સરદાર પટેલ'ને કોંગ્રેસની કાર્યકારી સમિતિમાંથી સૌથી વધુ મત મળ્યા હોવા છતાં પણ, તેમણે દેશના પ્રધાનમંત્રી તરીકેનું પદ છોડી દીધું હતું, જેથી જે નવી સરકાર બનવાની હતી તે વિવાદોથી મુક્ત રહે અને આપણા શત્રુઓ મજબૂત બની શકે નહીં. સ્વતંત્રતાની શતાબ્દીમાં ભારતને સમગ્ર દુનિયામાં અગ્રેસર દેશ બનાવવાના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના અભિયાનને બળ પ્રાપ્ત થાય તે માટે ગૃહ મંત્રીએ તમામ વિદ્યાર્થીઓને સરદાર વલ્લભભાઇ પટેલ વિશે વાંચવા અને તેમણે ચિંધેલા માર્ગ પર ચાલવાનો પ્રયાસ કરવાનો અનુરોધ કર્યો હતો.
YP/GP/JD
(Release ID: 1872488)
Visitor Counter : 253