સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

દેશમાં કોવિડ-19ની સ્થિતિની સમીક્ષા કરવા માટે કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઇ


અધિકારીઓને સર્વેલન્સ વ્યૂહનીતિના અસરકારક અમલીકરણ અને વેરિઅન્ટની વહેલી શોધ માટે જીનોમ સિક્વન્સિંગને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવાના નિર્દેશો આપ્યા

પાત્રતા ધરાવતી વસ્તીને મિશન મોડ પર કોવિડ-19નો સાવચેતી ડોઝ આપવાની કામગીરીને વેગવાન બનાવવા માટે અનુરોધ કર્યો

Posted On: 18 OCT 2022 9:47PM by PIB Ahmedabad

દેશમાં કોવિડ-19 મહામારીની સ્થિતિ, રસીકરણ અભિયાનની સ્થિતિ અને કોવિડ-19ના નવા વેરિએન્ટ્સની વૈશ્વિક પરિદૃશ્યની સમીક્ષા કરવા માટે આજે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએની અધ્યક્ષતામાં જાહેર આરોગ્ય નિષ્ણાતો અને અધિકારીઓ સાથે એક બેઠક યોજવામાં આવી હતી. આ બેઠક દરમિયાન નીતિ આયોગના સભ્ય (આરોગ્ય) ડૉ. વી. કે. પૌલ પણ હાજર હતા.

MoHFWના અધિક સચિવ શ્રી લવ અગ્રવાલે મુખ્યત્વે યુરોપમાં અને વિશ્વમાં વિવિધ ઓમિક્રોન વેરિઅન્ટ્સના વિશ્લેષણ, કોવિડના કેસોના અનુસંધાનમાં વૈશ્વિક પરિદૃશ્ય પર વિગતવાર પ્રેઝન્ટેશન આપ્યું હતું. આ પ્રેઝન્ટેશનમાં કોવિડ-19 કેસના ટ્રેન્ડ સાથે દેશમાં કોવિડ-19ની સ્થિતિનું વિગતવાર વિશ્લેષણ સામેલ કરાયું હતું; દરરોજ નોંધાયેલા કેસો, સક્રિય કેસોની સંખ્યા, કેસ પોઝિટીવિટીનો દર અને પરીક્ષણની સ્થિતિ સાથે રાજ્યવાર સાપ્તાહિક પરીક્ષણો તેમજ પ્રત્યેક એક મિલિયન દીઠ પરીક્ષણોમાં RT-PCRનો હિસ્સો વગેરે વિગતો તેમાં સામેલ કરવામાં આવી હતી.

MoHFWના અધિક સચિવ ડૉ. મનોહર અગનાનીએ દેશમાં રસીકરણની વર્તમાન સ્થિતિ, રસીની ઉપલબ્ધતા, રસી આપવા અંગેનું રાજ્યવાર વિશ્લેષણ અંગે પ્રેઝન્ટેશન આપ્યું હતું અને દેશમાં સાવચેતીનો ડોઝ આપવાની ગતિ ધીમી હોવાની બાબત પર પ્રકાશ પાડ્યો હતો.

કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ સમયસર રીતે ચેપના ફેલાવાનું મૂલ્યાંકન કરવા અને તેને નિયંત્રિત કરવા માટે પર્યાપ્ત માત્રામાં પરીક્ષણ (RTPCRના ઉચ્ચ પ્રમાણ સાથે) અને અસરકારક કોવિડ-19 સર્વેલન્સ હાથ ધરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. ડૉ. માંડવિયાએ અધિકારીઓને સમગ્ર દેશમાં દેખરેખ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું ચાલુ રાખવાનો નિર્દેશ આપ્યો હતો, ખાસ કરીને સેન્ટિનલ સાઇટ્સ દ્વારા SARI અને ILI કેસોની દેખરેખ રાખવા અને અન્ય દેશોમાં ઓમિક્રોન વેરિઅન્ટ્સની ઓળખને પગલે કોઇપણ સંભવિત મ્યૂટેશન માટે સ્કૅન કરવા માટે હોલ જીનોમ સિક્વન્સિંગ (WGS) પર ધ્યાન કેન્દ્રિત કરવાના નિર્દેશો આપ્યા હતા. તેમણે અધિકારીઓને કોવિડ-19 ને કારણે હોસ્પિટલમાં દાખલ થવા પર નજીકથી દેખરેખ રાખવાનો પણ અનુરોધ કર્યો હતો. તેમણે પાત્રતા ધરાવતા લાભાર્થીઓને સાવચેતીના ડોઝ સહિત રસીકરણની ગતિ વધારવાનો આગ્રહ કર્યો હતો.

નવા ઓમિક્રોન વેરિઅન્ટના ઉદ્ભવ સાથે, ઘણા દેશોમાં કેસોમાં તીવ્ર વધારો જોવા મળી રહ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ એન્ટ્રી પોઇન્ટ્સ પર દેખરેખ રાખવા પર ભાર મૂક્યો હતો. તેમણે ખાસ કરીને આગામી તહેવારોની મોસમને ધ્યાનમાં રાખીને કોવિડ માટે યોગ્ય વર્તણૂક (CAB)ના સતત અમલીકરણ માટે સમુદાય જાગૃતિની જરૂરિયાત પર પણ પ્રકાશ પાડ્યો હતો.

આ બેઠકમાં સરકારના અગ્ર વૈજ્ઞાનિક સલાહકાર ડો. અજય કુમાર સૂદ, શ્રીમતી એસ. અપર્ણા, સચિવ (ફાર્માસ્યુટિકલ્સ), ICMRના DG ડૉ. રાજીવ બહલ તેમજ આરોગ્ય મંત્રાલયના અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

YP/GP/JD



(Release ID: 1869001) Visitor Counter : 163


Read this release in: English , Urdu , Hindi , Odia