ઉપરાષ્ટ્રપતિ સચિવાલય
azadi ka amrit mahotsav

'સ્વાવલંબન'ની ગાંધીવાદી ભાવના 'આત્મ-નિર્ભર ભારત અભિયાન' પાછળનું માર્ગદર્શક બળ છે – ઉપરાષ્ટ્રપતિ


શ્રી ધનખડે સાબરમતી આશ્રમની મુલાકાત લીધી, તેને 'પ્રેરણાદાયી અને પ્રોત્સાહક' ગણાવ્યો

ઉપરાષ્ટ્રપતિએ નવી શિક્ષણ નીતિને "ગેમ ચેન્જર" ગણાવી, તમામ રાજ્યોને સાચી ભાવનાથી તેનો અમલ કરવા અનુરોધ કર્યો

"વિશ્વ જાણે છે કે ભારતનું ઉત્થાન અટકાવી શકાય તેમ નથી" - ઉપરાષ્ટ્રપતિ

શ્રી ધનખડે સ્ટેચ્યુ ઑફ યુનિટીને "વિશ્વમાં અજોડ અને અદ્ભુત" ગણાવ્યું

ઉપરાષ્ટ્રપતિએ આજે ગાંધીનગરમાં વિવિધ પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યો

ઉપરાષ્ટ્રપતિએ પોતાના ત્રણ દિવસના ગુજરાત પ્રવાસનું સમાપન કર્યું

Posted On: 14 OCT 2022 6:09PM by PIB Ahmedabad

ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખડે આજે 'સ્વાવલંબન'ની ગાંધીવાદી ભાવનાને 'આત્મ-નિર્ભર ભારત અભિયાન' પાછળની માર્ગદર્શક શક્તિ તરીકે વર્ણવી હતી અને નોંધ્યું હતું કે, આ અભિગમનાં સંપૂર્ણ પરિણામો ઉત્પાદનથી માંડીને સંરક્ષણ અને અવકાશ સંશોધન સુધીનાં તમામ ક્ષેત્રોમાં જોવાં મળે છે.

ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવેલા ઉપરાષ્ટ્રપતિએ આજે સાબરમતી આશ્રમની મુલાકાત લીધી હતી અને કહ્યું હતું કે ચરખા પર નજર નાખતા જ તે રાષ્ટ્રપિતાના સંદેશની યાદ અપાવે છે, જેમણે આત્મનિર્ભરતાને 'તમામ સ્વતંત્રતાઓની ચાવી' ગણાવી હતી.

સાબરમતી આશ્રમની પોતાની મુલાકાતને 'પ્રેરણાદાયી અને પ્રેરક' ગણાવતાં શ્રી ધનખડે વિઝિટર્સ બુકમાં લખ્યું હતું કે –

"ગાંધી વિચાર અને જીવનશૈલીનું પવિત્ર મંદિર સાબરમતી આશ્રમમાં હોવાનું સૌભાગ્ય મળ્યું છે.

આ પવિત્ર સ્થળેથી ગાંધીજીએ મીઠાના સત્યાગ્રહની શરૂઆત કરી અને સત્ય અને અહિંસાની શક્તિથી વિશ્વને પ્રકાશિત કર્યું.

ગાંધીજીના વારસાના ખજાનાને પ્રાચીન સ્વરૂપમાં સાચવી રાખતાં આશ્રમની ઉદાત્તતા એની ગુણવત્તાની નિશાની છે.

આશ્રમની મુલાકાત એ એક રાષ્ટ્રીય તીર્થયાત્રા જેવી છે, જે માનવતાની સેવામાં હંમેશા રહેવા માટે પ્રેરિત અને પ્રોત્સાહિત કરશે."

ત્યાર બાદ ઉપરાષ્ટ્રપતિએ નેશનલ લૉ યુનિવર્સિટી, ગાંધીનગર ખાતે ગુજરાત સરકાર દ્વારા આયોજિત 'એક્સેલન્સ ઇન હાયર એજ્યુકેશન' વિષયના કાર્યક્રમમાં હાજરી આપી હતી.

આ પ્રસંગે બોલતા શ્રી ધનખડે રાજ્યની તેમની પ્રથમ મુલાકાતને અવિસ્મરણીય અનુભવ તરીકે વર્ણવી હતી અને ઉષ્માસભર આતિથ્ય સત્કાર અને સ્નેહ માટે ગુજરાતની જનતાનો આભાર માન્યો હતો.

ઉપરાષ્ટ્રપતિએ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ - 2020નાં અમલીકરણમાં નિશ્ચિત પગલાં લેવા બદલ રાજ્યની પ્રશંસા કરી હતી. આ નવી નીતિને "ગેમ ચેન્જર" ગણાવતાં તેમણે કહ્યું હતું કે, આ એક સારી રીતે વિચારેલી નીતિ છે, જે આપણી જરૂરિયાતોને પૂર્ણ કરે છે અને આશા વ્યક્ત કરી હતી કે તમામ રાજ્યો એનઇપી-2020ને ખરી ભાવનાથી લાગુ કરશે.

સામાન્ય રીતે ભારત અને ખાસ કરીને ગુજરાતને અવસરોની ભૂમિ અને રોકાણ માટે મનપસંદ સ્થળ ગણાવતા તેમણે કહ્યું હતું કે, રાજ્ય વિકાસ માટે રોલ મોડેલ છે. તેમણે આ પ્રસંગે ઉપસ્થિત કાયદાના વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે, "વૈશ્વિક કાનૂની પ્રણાલીનો ભાગ બનવા માટે તકનીકી વિકાસને કારણે તમે હવે સારી સ્થિતિમાં છો."

ભારતીય પ્રતિભા વિશ્વનાં દરેક ક્ષેત્રમાં પોતાની આગવી છાપ ધરાવે છે એ બાબતનો ઉલ્લેખ કરતાં શ્રી ધનખડે જણાવ્યું હતું કે, શિક્ષણમાં રોકાણ કરવાથી વર્તમાનમાં સુધારો થાય છે અને ભૌમિતિક રીતે ભવિષ્ય સુધરે છે. "તે શિક્ષણ જ છે જે એકલું જ ફરક પાડે છે. જો ઉચ્ચ શિક્ષણમાં આપણી પાસે ઉત્કૃષ્ટતા હશે, તો નવીનતા આવશે, સર્જનાત્મકતા અને સંશોધન થશે," એમ તેમણે ઉમેર્યું.

ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે કેટલાક દેશો અને લોકો ભારતના વિકાસને પચાવી શકતા નથી, પરંતુ "વિશ્વ જાણે છે કે ભારતનું ઉત્થાન અટકાવી શકાય તેમ નથી."

એક દિવસ અગાઉ સ્ટેચ્યુ ઑફ યુનિટીની તેમની મુલાકાતને યાદ કરતા ઉપરાષ્ટ્રપતિએ તેને "વિશ્વમાં એક અજોડ અજાયબી" ગણાવી હતી અને વધુમાં ઉમેર્યું હતું કે, "આ અદ્ભુત સર્જન અને ત્યાંની સમગ્ર ઇકોસિસ્ટમે મને એક ભારતીય તરીકે ખૂબ ગર્વની અનુભૂતિ કરાવી હતી."

આ કાર્યક્રમ દરમિયાન શ્રી ધનખડે કાયદાકીય અને પર્યાવરણનાં ક્ષેત્રમાં વિવિધ સ્ટાર્ટઅપ્સ અને ઉદ્યોગસાહસિકોનું સન્માન કર્યું હતું તથા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટેકનોલોજી રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ (આઇઆઇટીઆરએએમ) ખાતે ડ્રોન ટેકનોલોજીમાં સેન્ટર ઑફ એક્સલન્સનો વર્ચ્યુઅલ પ્રારંભ પણ કર્યો હતો. ઉપરાષ્ટ્રપતિએ રાજ્યપાલ અને ગુજરાતના મુખ્યમંત્રી સાથે મળીને રાજ્યમાં વિવિધ શૈક્ષણિક પરિયોજનાઓનું વર્ચ્યુઅલ લોકાર્પણ અને શિલાન્યાસ પણ કર્યું હતું.

આ કાર્યક્રમમાં ગુજરાતના રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રત, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, ગુજરાતના શિક્ષણમંત્રી શ્રી જીતુભાઇ વાઘાણી, ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી, ગુજરાતના ડાયરેકટર પ્રો.(ડૉ.) એસ.શાંતાકુમાર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

 

YP/GP/JD

(Release ID: 1867890) Visitor Counter : 232


Read this release in: English , Urdu , Hindi