ઉપરાષ્ટ્રપતિ સચિવાલય

રાષ્ટ્રીય રમતો ભાગ લેનારાઓમાં ભાઇચારા અને રાષ્ટ્રીય એકતાની ભાવનાને ઉત્તેજન આપે છે:ઉપરાષ્ટ્રપતિ


ઉપરાષ્ટ્રપતિએ તાજેતરનાં વર્ષોમાં દેશમાં રમતગમતનાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરની નોંધપાત્ર વૃદ્ધિની પ્રશંસા કરી

શ્રી ધનખડને આશા છે કે 'તે દિવસ દૂર નથી જ્યારે ભારત ઑલિમ્પિક્સની યજમાની કરશે'

સેવાઓ મેડલ ટેલીમાં ટોચ પર છે જ્યારે સાજન અને હશિકા શ્રેષ્ઠ રમતવીર એવોર્ડ જીતે છે

Posted On: 12 OCT 2022 7:48PM by PIB Ahmedabad

ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખડે આજે જણાવ્યું હતું કે, રમતગમતની ઈવેન્ટ્સ એક મહાન રાષ્ટ્રીય એકતાનું કામ કરે છે, જેમાં વિવિધ રાજ્યોમાંથી રમતવીરો એકત્ર થાય છે અને આજીવન સંબંધોનું નિર્માણ કરે છે તથા તેમની વચ્ચે મજબૂત ભાઈચારાની ભાવના જન્મે છે.

સુરતનાં પં.દીનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આજે 36મા રાષ્ટ્રીય રમતોના સમાપન સમારંભને સંબોધતા ઉપરાષ્ટ્રપતિએ રાજ્ય સરકારને મેગા સ્પોર્ટિંગ ઇવેન્ટનાં સફળ આયોજન બદલ અભિનંદન પાઠવ્યા હતા, જેમાં છેલ્લાં કેટલાંક સપ્તાહથી વિવિધ પ્રવાહોમાં અનેક નવા વિક્રમો સ્થપાયા હતા. તેમણે જણાવ્યું હતું કે, "રમતવીરો અહીંથી મધુર યાદો અને રાષ્ટ્રવાદની નવી ઉત્સાહપૂર્ણ ભાવના લઈને જશે."

છેલ્લાં થોડાં વર્ષોમાં દેશમાં રમતગમતની માળખાગત સુવિધાઓમાં થયેલા નોંધપાત્ર વિકાસનો ઉલ્લેખ કરીને શ્રી ધનખડે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, " દિવસ દૂર નથી, જ્યારે ભારત ઑલિમ્પિક્સની યજમાની કરશે." પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં વિઝનની પ્રશંસા કરીને તેમણે કહ્યું હતું કે, દેશમાં ઉભરતી રમતગમતની પ્રતિભાઓને ઉચિત તકો પ્રદાન કરવા અને યોગ્ય માવજત કરવા તમામ પ્રયાસો થઈ રહ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે, "યોગ્યતા અને નિષ્પક્ષ પસંદગી દ્વારા સંચાલિત નવી રમતગમત સંસ્કૃતિ એક ગેમ ચૅન્જર છે."

પોતાનાં સંબોધનમાં શ્રી ધનખડે હૃદયદ્રાવક ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો જ્યારે પ્રધાનમંત્રીએ ભારતીય મહિલા હૉકી ટીમનાં દરેક સભ્ય સાથે તેઓ ટોક્યો ઑલિમ્પિક્સમાં સહેજ માટે ચંદ્રક ચૂકી ગયાં બાદ વ્યક્તિગત રીતે વાત કરી હતી અને ભારપૂર્વક જણાવ્યું હતું કે "વિજય કે પરાજયથી પણ વધુ, તે ખેલદિલી છે જે મહત્વની છે."

ભારતના ઉપરાષ્ટ્રપતિ તરીકેનો હોદ્દો સંભાળ્યા બાદ તેમની ગુજરાતની પ્રથમ મુલાકાત હોવાનો ઉલ્લેખ કરતાં શ્રી ધનખડે જણાવ્યું હતું કે, રાજ્યના લોકોએ જે પ્રેમ અને સ્નેહ વરસાવ્યો છે તેનાથી તેઓ અભિભૂત થઈ ગયા છે. રાષ્ટ્રીય વિકાસમાં ગુજરાતનાં યોગદાનની પ્રશંસા કરતાં તેમણે કહ્યું હતું કે , "ગુજરાતના સપૂતો દ્વારા આઝાદી પહેલાના અને સ્વતંત્ર પછીના યુગમાં ઐતિહાસિક યોગદાન આપવામાં આવ્યું છે."

સેવાઓ 61 ગોલ્ડ, 35 સિલ્વર અને 32 બ્રોન્ઝ મેડલ સાથે ટેબલમાં ટોચ પર છે. મહારાષ્ટ્રે બીજું સ્થાન મેળવ્યું છે જ્યારે હરિયાણાએ ત્રીજું સ્થાન મેળવ્યું છે. ગોલ્ડની ટંકશાળ પાડતા તરવૈયાઓ કેરળના સાજન પ્રકાશ અને કર્ણાટકની હાશિકા રામચંદ્રને અનુક્રમે પુરુષ અને મહિલા કૅટેગરીમાં શ્રેષ્ઠ ઍથ્લીટ્સનો તાજ પહેરાવવામાં આવ્યો હતો.

ત્રણ દિવસના પ્રવાસે સુરત આવી પહોંચેલા ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખડ અને ડો.સુદેશ ધનખડનું ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત તેમજ ગુજરાત સરકારના મંત્રીઓ અને અન્યો દ્વારા સુરત એરપોર્ટ ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું. આગામી બે દિવસમાં તેઓ સ્ટેચ્યુ ઑફ યુનિટી અને સાબરમતી આશ્રમની મુલાકાત લેશે અને રાજ્ય સરકાર અને સામુદાયિક સંસ્થાઓ દ્વારા આયોજિત સંખ્યાબંધ કાર્યક્રમોમાં પણ હાજરી આપશે.

29 સપ્ટેમ્બર, 2022ના રોજ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વર્ષની નેશનલ ગેમ્સનું ઉદ્ઘાટન કર્યું હતું જેમાં તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના 14,500થી વધુ રમતવીરો, કૉચ અને અધિકારીઓએ ભાગ લીધો હતો.

રમતોના સમાપન સમારંભમાં લોકસભાના સ્પીકાર શ્રી ઓમ બિરલા, ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગુજરાત રાજ્યના મંત્રીઓ અને સંસદસભ્યો, ભાગ લેનારા રમતવીરો, અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સમાપન સમારોહમાં રંગબેરંગી સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રસ્તુત કરવામાં આવ્યા હતા, ત્યારબાદ ૩૬મી રાષ્ટ્રીય રમતોનાં સમાપનને ચિહ્નિત કરતી અદભૂત આતશબાજી કરવામાં આવી હતી.

YP/GP/JD



(Release ID: 1867295) Visitor Counter : 213


Read this release in: English , Urdu , Marathi , Hindi