પ્રધાનમંત્રીનું કાર્યાલય

‘મન કી બાત’-2 (93-ત્રાણુંમી કડી) પ્રસારણ તારીખ : 25-09-2022

Posted On: 25 SEP 2022 11:32AM by PIB Ahmedabad

મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર, વિતેલા દિવસોમાં જે વાતે આપણા બધાંનું ધ્યાન આકર્ષિત કર્યું છે તે છે, ચિત્તા. ચિત્તા વિશે વાત કરવા માટે ઢગલાબંધ સંદેશા આવ્યા છે. પછી તે ઉત્તરપ્રદેશના અરૂણકુમાર ગુપ્તાજીનો હોય કે, તેલંગણાના એન. રામચંદ્રન રઘુરામજીનો, ગુજરાતના રાજનજીનો હોય કે પછી, દિલ્હીના સુબ્રતજીનો. દેશના ખૂણેખૂણાથી લોકોએ ભારતમાં ચિત્તાના પુનરાગમન પર આનંદ વ્યક્ત કર્યો છે. ૧૩૦ કરોડ ભારતવાસી ખુશ છે, ગર્વથી ભરેલા છે આ છે ભારતનો પ્રકૃતિપ્રેમ. તેના વિષે લોકોનો એક સર્વસામાન્ય સવાલ એ જ છે કે, મોદીજી અમને ચિત્તાને જોવાની તક ક્યારે મળશે ?

            સાથીઓ, આ માટે એક કાર્યદળ બનાવવામાં આવ્યું છે. આ કાર્યદળ ચિત્તાની દેખરેખ રાખશે અને એ જોશે કે, અહિંના વાતાવરણમાં તેઓ કેટલા હળીમળી શક્યા છે. તેના આધારે થોડા મહિના પછી કોઇક નિર્ણય લેવામાં આવશે અને ત્યારે તમે સૌ ચિત્તાને જોઇ શકશો. પરંતુ ત્યાં સુધી હું આપ સૌને થોડું કામ સોંપી રહ્યો છું, તેના માટે MyGov ના પ્લેટફોર્મ પર એક સ્પર્ધા યોજવામાં આવશે. જેમાં લોકોને હું કેટલીક બાબતો શેર કરવાનો આગ્રહ કરૂં છું. ચિત્તાને લઇને આપણે જે અભિયાન ચલાવી રહ્યા છીએ તે અભિયાનનું આખરે શું નામ હોવું જોઇએ ! શું આપણે આ બધા ચિત્તાના નામકરણ વિષે પણ વિચારી શકીએ છીએ કે, તેમાંથી દરેકને ક્યા નામથી બોલાવવામાં આવે. આમ તો, આ નામકરણ જો પરંપરાગત હશે તો વધુ સારૂં રહેશે, કેમ કે, આપણો સમાજ અને સંસ્કૃતિ, પરંપરા અને વારસા સાથે જોડાયેલી કોઇપણ ચીજ હોય આપણને તે સાહજિક રીતે પોતાની તરફ આકર્ષિત કરે છે. તેટલું જ નહિં, તમે તે પણ જણાવજો કે, આખરે માણસોએ પ્રાણીઓની સાથે કેવી રીતે વર્તવું જોઇએ. આપણી મૌલિક ફરજોમાં પણ પ્રાણીઓ પ્રત્યે સદભાવ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. મારી આપ સૌને અપીલ છે કે, આપ આ સ્પર્ધામાં જરૂર ભાગ  લો. કોને ખબર ઇનામ સ્વરૂપે ચિત્તા જોવાની પહેલી તક તમને જ મળી જાય.

            મારા વ્હાલા દેશવાસીઓ, આજે ૨૫ સપ્ટેમ્બરે દેશના પ્રખર માનવતાવાદી, ચિંતક અને મહાન સપૂત દીનદયાળ ઉપાધ્યાયજીનો જન્મ દિવસ ઉજવવામાં આવે છે. કોઇપણ દેશના યુવાનો જેમ જેમ પોતાની ઓળખ અને ગૌરવ ઉપર ગર્વ કરે છે. તેમને પોતાના મૌલિક વિચારો અને દર્શન એટલા જ આકર્ષિત કરે છે. દીનદયાળજીના વિચારોની સૌથી મોટી ખૂબી એ જ રહી છે કે, તેમણે પોતાના જીવનમાં વિશ્વની મોટીમોટી ઉથલપાથલને જોઇ હતી. તેઓ વિચારધારાઓના સંઘર્ષના સાક્ષી બન્યા હતા. એટલે જ તેમણે એકાત્મ માનવદર્શન અને અંત્યોદયનો એક વિચાર દેશની સામે ધર્યો, જે સંપૂર્ણપણે ભારતીય હતો. દીનદયાળજીનો એકાત્મક માનવદર્શન એક એવો વિચાર છે જે વિચારધારાના નામે દ્વંદ્વ અને દુરાગ્રહથી મુક્તિ અપાવે છે. તેમણે માનવમાત્રને એકસરખા માનનારા ભારતીય દર્શનને ફરીથી દુનિયાની સામે મૂક્યું. આપણા શાસ્ત્રોમાં કહેવાયું છે - आत्मवत् सर्वभूतेषु’, એટલે કે આપણે જીવમાત્રને પોતાને સમાન માનીએ, પોતાના જેવો જ વ્યવહાર કરીએ. આધુનિક, સામાજીક અને રાજનૈતિક પરિપ્રેક્ષ્યમાં પણ ભારતીય દર્શન કેવી રીતે દુનિયાને માર્ગ બતાવી શકે છે તે દીનદયાળજીએ આપણને શિખવ્યું. એક રીતે જોઇએ તો, આઝાદી પછી દેશમાં જે હીનભાવના હતી તેનાથી મુક્તિ અપાવીને તેમણે આપણી પોતાની બૌધ્ધિક ચેતનાને જાગૃત કરી. તેઓ કહેતા પણ હતા- આપણી આઝાદી ત્યારે સાર્થક થઇ શકે છે જયારે તે આપણી સંસ્કૃતિ અને ઓળખની અભિવ્યક્તિ કરે. આ વિચારના આધારે તેમણે દેશના વિકાસનું દ્રષ્ટિબિંદુ નિર્મિત કર્યું હતું. દીનદયાળ ઉપાધ્યાયજી કહેતા હતા કે, દેશની પ્રગતિનો માપદંડ અંતિમ પગથિયે પડેલી વ્યક્તિ હોય છે. આઝાદીના અમૃતકાળમાં આપણે દીનદયાળજીને જેટલા જાણીશું, તેમની પાસેથી જેટલું શીખીશું, તેટલી જ દેશને આગળ લઇ જવાની આપણને બધાને પ્રેરણા મળશે.

            મારા વ્હાલા દેશવાસીઓ, આજથી ત્રણ દિવસ પછી એટલે કે, ૨૮ સપ્ટેમ્બરે અમૃત મહોત્સવનો એક ખાસ દિવસ આવી રહ્યો છે. આ દિવસ આપણે ભારતમાતાના વીર સપૂત ભગતસિંહજીની જયંતિ ઉજવીશું. ભગતસિંહજીની જયંતિ પહેલા જ તેમને શ્રદ્ધાંજલી સ્વરૂપે એક મહત્વનો નિર્ણય કરાયો છે. એવું નક્કી કરવામાં આવ્યું છે કે, ચંદીગઢ એરપોર્ટનું નામ હવે શહીદ ભગતસિંહજીના નામ પર રાખવામાં આવશે. ઘણાં સમયથી તેની રાહ જોવાઇ રહી હતી. હું ચંદીગઢ, પંજાબ, હરીયાણા અને દેશના તમામ લોકોને આ નિર્ણયના ખૂબખૂબ અભિનંદન આપું છું.

            સાથીઓ આપણે આપણા સ્વતંત્રતા સેનાનીઓ પાસેથી પ્રેરણા લઇએ, તેમના આદર્શોનું પાલન કરીને તેમના સપનાઓનું ભારત બનાવીએ, તે જ તેમના પ્રત્યે આપણી શ્રદ્ધાંજલી હોય છે. શહીદોના સ્મારક, તેમના નામે સ્થાનો અને સંસ્થાઓના નામ આપણને કર્તવ્ય માટે પ્રેરણા પૂરી પાડે છે. હજી થોડા દિવસ પહેલાં જ દેશે કર્તવ્યપથ પર નેતાજી સુભાષચંદ્ર બોઝની મૂર્તિની સ્થાપના દ્વારા પણ એવો જ એક પ્રયત્ન કર્યો છે. અને હવે શહીદ ભગતસિંહના નામથી ચંદીગઢ એરપોર્ટનું નામ આ દિશામાં વધુ એક પગલું છે. હું ઇચ્છું છું કે, અમૃત મહોત્સવમાં આપણે જે રીતે સ્વતંત્રતા સેનાનીઓ સાથે જોડાયેલા વિશેષ પ્રસંગોએ  ઉજવણી કરી રહ્યા છીએ. તે જ રીતે ૨૮ સપ્ટેંબર પણ દરેક યુવા કંઇક નવો પ્રયાસ ચોકકસ કરે.

            મારા વ્હાલા દેશવાસીઓ, આમ તો, ૨૮ ડીસેંબરની ઉજવણી કરવા માટે તમારા બધાની પાસે વધુ એક કારણ પણ છે. જાણો છો એ શું છે ? હું માત્ર બે શબ્દ કહીશ, પરંતુ મને ખબર છે તમારૂં જોશ ચારગણાથી વધારે વધી જશે. આ બે શબ્દો છે, સર્જીકલ સ્ટ્રાઇક. વધી ગયોને તમારો જુસ્સો. આપણા દેશમાં અમૃતમહોત્સવનું જે અભિયાન ચાલી રહ્યું છે, તેને આપણે પૂરા મનોયોગથી ઉજવીએ. પોતાની ખુશીઓને બધાની સાથે શેર કરીએ.

            મારા વ્હાલા દેશવાસીઓ, કહેવાય છે કે, જીવનના સંઘર્ષોથી ઘડાયેલી વ્યક્તિની સામે કોઇપણ અવરોધ ટકી શક્તો નથી. પોતાની રોજબરોજની જીંદગીમાં આપણે કેટલાક એવા સાથીઓને પણ જોઇએ છીએ, જ કોઇને કોઇ શારીરીક પડકારોનો સામનો કરી રહ્યા છે. ઘણાબધા એવા પણ લોકો છે જે કાં તો સાંભળી નથી શક્તા અથવા બોલીને પોતાની વાત રજૂ નથી કરી શક્તા. એવા સાથીઓ માટે સૌથી મોટું બળ હોય છે- સાંકેતિક ઇશારાની ભાષા (સાઇન લેંગ્વેઝ). પરંતુ ભારતમાં વર્ષોથી એક મોટી મુશ્કેલી એ હતી કે, સાઇન લેંગ્વેઝ માટે કોઇ સ્પષ્ટ હાવભાવ નક્કી નહોતા, ધારાધોરણ નહોતા. આ મુશ્કેલીને દૂર કરવા માટે જ વર્ષ ૨૦૧૫માં Indian Sign Language Research and Training Center ની સ્થાપના કરાઇ હતી. મને આનંદ છે કે, આ સંસ્થા અત્યારસુધી ૧૦ હજાર શબ્દો અને અભિવ્યક્તિની ડીક્ષનેરી તૈયાર કરી ચૂકી છે. બે દિવસ પહેલાં જ એટલે કે, ૨૩મી સપ્ટેંબરે સાંકેતિક ભાષા દિવસ પર કેટલાય શાળાકીય અભ્યાસક્રમોને પણ સાઇન લેંગ્વેઝમાં શરૂ કરવામાં આવ્યા છે. સાઇન લેંગ્વેઝના નિર્ધારીત ધારાધોરણોને જાળવી રાખવા માટે રાષ્ટ્રીય શિક્ષણનીતિમાં પણ સારો એવો ભાર મૂકવામાં આવ્યો છે. સાઇન લેંગ્વેઝની જે ડીક્ષનરી બની છે, તેનો વિડિયો બનાવીને પણ તેનો સતત પ્રસાર કરાઇ રહ્યો છે. યુ ટ્યુબ પર અનેક લોકોએ, અનેક સંસ્થાઓએ ભારતીય સાઇન લેંગ્વેઝમાં પોતાની ચેનલ શરૂ કરી દીધી છે, એટલે કે, સાત-આઠ વર્ષ પહેલાં સાઇન લેંગ્વેઝ માટે જે અભિયાનનો દેશમાં આરંભ થયો હતો તેનો હવે મારા લાખો દિવ્યાંગ ભાઇઓ-બહેનોને લાભ થવા લાગ્યો છે. હરિયાણાવાસી પૂજાજી તો ભારતીય સાઇન લેંગ્વેઝથી ખૂબ ખુશ છે. પહેલાં તેઓ તેમના દિકરા સાથે વાતચીત કરી શક્તા ન હતા, પરંતુ ૨૦૧૮માં સાઇન લેંગ્વેઝની તાલીમ લીધા પછી મા-દીકરો બંનેનું જીવન સરળ બની ગયું છે. પૂજાજીના દીકરાએ પણ સાઇન લેંગ્વેઝ શીખી અને પોતાની શાળામાં તેણે વાર્તાકથનમાં ઇનામ જીતીને પણ બતાવી આપ્યું છે. આ રીતે ટીંકાજીની છ વર્ષની એક દીકરી છે જે સાંભળી શક્તી નથી. ટીંકાજીએ તેમની દીકરીને સાઇન લેંગ્વેઝનો અભ્યાસ કરાવ્યો હતો, પરંતુ તેમને પોતાને સાઇન લેંગ્વેઝ આવડતી ન હતી. આ કારણે તેઓ પોતાની દીકરી સાથે સંવાદ કરી શક્તા ન હતા. હવે ટીંકાજીએ પણ સાઇન લેંગ્વેઝની તાલીમ લીધી છે, અને મા-દીકરી બંને પરસ્પર ખૂબ વાતો કર્યા કરે છે. આ પ્રયાસોનો બહુ મોટો લાભ કેરળના મંજૂજીને પણ થયો છે. મંજૂજી જન્મથી જ સાંભળી નથી શકતા, એટલું જ નહીં, તેમના માતાપિતાના જીવનમાં પણ આ જ સ્થિતિ રહી છે. આ સ્થિતિમાં સાઇન લેંગ્વેઝ જ આખા પરિવાર માટે સંવાદનું સાધન બની ગઇ છે. હવે તો, મંજૂજીએ પોતે જ સાઇન લેંગ્વેઝની શિક્ષીકા બનવાનો નિર્ણય કરી લીધો છે.

            સાથીઓ, આ વિશે મન કી બાતમાં હું એટલે પણ ચર્ચા કરી રહ્યો છું જેથી ભારતીય સાઇન લેંગ્વેઝ વિશે જાગૃતિ વધે. તેનાથી આપણે આપણા દિવ્યાંગ સાથીઓની વધુમાં વધુ મદદ કરી શકીશું. ભાઇઓ અને બહેનો થોડા દિવસ પહેલાં મને બ્રેઇલમાં લખાયેલા હેમકોશની એક નકલ પણ મળી છે. હેમકોશ અસમિયા ભાષાના સૌથી જૂના શબ્દકોશમાંનો એક છે. તે ૧૯મી સદીમાં તૈયાર કરવામાં આવ્યો હતો. તેનું સંપાદન વિખ્યાત ભાષાવિદ હેંમંચંદ્ર બરૂઆજીએ કર્યું હતું. હેમકોશની બ્રેઇલ આવૃત્તિ લગભગ ૧૦ હજાર પાનાની છે, અને તે ૧૫ ભાગથી પણ વધારે ભાગમાં પ્રકાશિત કરવામાં આવી રહી છે. તેમાં એક લાખથી પણ વધુ શબ્દોનો અનુવાદ થવાનો છે. હું આ સંવેદનશીલ પ્રયાસની ભરપૂર પ્રશંસા કરૂં છું. આ રીતે દરેક પ્રયાસ દિવ્યાંગ સાથીઓનું કૌશલ્ય અને સામર્થ્ય વધારવામાં ખૂબ  મદદ કરે છે. આજે ભારત પેરાસ્પોર્ટસમાં પણ સફળતાના ધ્વજ લહેરાવી રહ્યું છે. આપણે બધા કેટલીયે રમત સ્પર્ધાઓમાં તેના સાક્ષી રહ્યા છીએ. આજે કેટલાય લોકો એવા છે જે દિવ્યાંગોની વચ્ચે ફીટનેસ કલ્ચરને પાયાના સ્તરે પ્રોત્સાહન આપવામાં જોડાયેલા છે. તેનાથી દિવ્યાંગોના આત્મવિશ્વાસને ઘણું બળ મળે છે.

            મારા વ્હાલા દેશવાસીઓ, થોડા દિવસ પહેલાં હું સુરતની એક દીકરી અન્વીને મળ્યો. અન્વી અને અન્વીના યોગ સાથે મારી એ મુલાકાત એટલી યાદગાર બની રહી છે કે, તેના વિશે હું મન કી બાતના તમામ શ્રોતાઓને જરૂર જણાવવા ઇચ્છું છું. સાથીઓ, અન્વી જન્મથી જ Down Syndrome થી પીડીત છે, અને તે બાળપણથી જ હૃદયની ગંભીર બીમારીનો પણ સામનો કરી રહી છે. એ જયારે માત્ર ૩ મહિનાની હતી ત્યારે તેના પર ઓપન હાર્ટસર્જરી કરવી પડી હતી. આ બધી મુશ્કેલીઓ હોવા છતાં ન તો અન્વીએ કે ન તેના માતાપિતાએ કયારેય હાર માની છે. અન્વીના માતાપિતાએ Down Syndrome વિશે પણ પૂરી જાણકારી એકત્રિત કરી, અને પછી નક્કી કર્યું કે, અન્વીની બીજા પરની નિર્ભરતાને કેવી રીતે ઓછી કરીશું. તેમણે અન્વીને પાણીનો ગ્લાસ કેવી રીતે ઉઠાવવો, બૂટની દોરી કેવી રીતે બાંધવી, કપડાના બટન કેવી રીતે બંધ કરવા, એવી નાનીનાની બાબતો શીખવવાનું શરૂ કર્યું. કઇ ચીજની ક્યાં જગ્યા છે, કઇ તેઓ સારી છે, આ બધું બહુ ધીરજ રાખીને તેમણે અન્વીને શીખવવાની કોશીષ કરી. દીકરી અન્વીએ જે રીતે શીખવાની ઇચ્છાશક્તિ બતાવી, પોતાની પ્રતિભા બતાવી, તેનાથી તેના માતાપિતાને પણ ખૂબ હિંમત આવી. તેમણે અન્વીને યોગ શીખવા માટે પ્રેરિત કરી. મુસીબત એટલી ગંભીર હતી કે, અન્વી પોતાના બે પગ પર ઉભી પણ રહી શક્તી પણ ન હતી. આ પરિસ્થિતિમાં તેના માતાપિતાએ અન્વીને યોગ શીખવા માટે પ્રેરિત કરી. તેઓ જ્યારે પહેલી વખત યોગ શીખવનારા કોચની પાસે તેને લઇ ગયા તો તે પણ બહુ દુવિધામાં હતા કે, આ માસૂમ બાળકી યોગ કરી શકશે ખરી ? પરંતુ કોચને પણ કદાચ તેનો અંદાજ નહોતો કે, અન્વી કઇ માટીની બનેલી છે. તે પોતાની માતાની સાથે યોગનો અભ્યાસ કરવા લાગી અને હવે તો તે યોગમાં નિષ્ણાત બની ચૂકી છે. અન્વી આજે દેશભરની સ્પર્ધાઓમાં ભાગ લે છે અને ચંદ્રકો જીતે છે. યોગ એ અન્વીને નવું જીવન આપી દીધું છે. અન્વીના માતાપિતાએ મને જણાવ્યું કે, યોગથી અન્વીના જીવનમાં અદભૂત બદલાવ જોવા મળ્યો છે. હવે તેનો આત્મવિશ્વાસ ગજબનો વધી ગયો છે. યોગથી અન્વીની શારીરિક સ્વાસ્થ્યમાં પણ સુધારો થયો છે અને દવાઓની જરૂરિયાત પણ ઓછી થઇ રહી છે. હું ઇચ્છું છું કે, દેશવિદેશમાં ઉપસ્થિત મન કી બાતના શ્રોતાઓ અન્વીને યોગથી થયેલા લાભનું વૈજ્ઞાનિક અધ્યયન કરે. મને લાગે છે કે, અન્વી એક અભ્યાસનો ઉત્તમ એક કેસ સ્ટડી છે, જે યોગની શક્તિને તપાસવા- ચકાસવા માંગે છે, એવા વૈજ્ઞાનિકોએ આગળ આવીને અન્વીની આ સફળતાનો અભ્યાસ કરીને યોગની શક્તિથી દુનિયાને પરિચિત કરાવવી જોઇએ. આવું કોઇ પણ સંશોધન દુનિયાભરમાં Down Syndromeથી પીડીત બાળકોની બહુ મોટી મદદ કરી શકે છે. દુનિયા હવે  એ વાતને સ્વીકારી ચૂકી છે કે, શારિરીક અને માનસિક આરોગ્ય માટે યોગ ઘણો ઉપયોગી છે. ખાસ કરીને, ડાયાબીટીસ અને બલ્ડપ્રેશર સાથે જોડાયેલી તકલીફોમાં યોગથી ઘણી મદદ મળે છે. યોગની આવી જ શક્તિને જોઇને સંયુકત રાષ્ટ્રે ૨૧મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવાનું નક્કી કર્યું છે. હવે સંયુકત રાષ્ટ્રે ભારતના વધુ એક પ્રયાસને માન્યતા આપી છે. તેને સન્માનિત કર્યો છે. આ પ્રયાસ છે, વર્ષ ૨૦૧૮માં શરૂ કરવામાં આવેલો “India Hypertension Control Initiative”. તેના અંતર્ગત બ્લડપ્રેશરની તકલીફોનો સામનો કરી રહેલા લાખો લોકોનો ઇલાજ સરકારી સેવા કેન્દ્રોમાં કરાઇ રહ્યો છે. જે રીતે આ પહેલે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે તે અભૂતપૂર્વ છે. જે લોકોનો ઇલાજ કરાયો છે. તેમાંથી લગભગ અડધાનું બ્લડપ્રેશર કાબૂમાં છે, તે આપણા બધા માટે ઉત્સાગ વધારનારી બાબત છે. આ પહેલ માટે કામ કરનારા તે તમામ લોકોને હું ખૂબખૂબ ધન્યવાદ આપું છું. જેમણે પોતાના અથાક પરિશ્રમથી તેને સફળ બનાવ્યી છે.

            સાથીઓ, માનવજીવનની વિકાસયાત્રા સતત પાણી સાથે જોડાયેલી છે. પછી તે સમુદ્ર હોય, નદી હોય કે તળાવ હોય. ભારતનું પણ સદભાગ્ય છે કે, લગભગ સાડાસાત હજાર કિલોમીટરથી વધુ લાંબા દરિયાકિનારાના કારણે આપણો સમુદ્ર સાથેનો નાતો અતૂટ રહ્યો છે. આ દરિયાકાંઠાની સરહદ કેટલાય રાજ્યો અને દ્વીપોથી પસાર થાય છે. ભારતના અલગઅલગ સમુદાયો અને વિવિધતાઓથી ભરેલી સંસ્કૃતિને અહિં પાંગરતી જોઇ શકાય છે. એટલું જ નહીં, દરિયાકાંઠાના આ વિસ્તારોની ખાણીપીણી લોકોને ખૂબ આકર્ષિત કરે છે. પરંતુ આ રસપ્રદ વાતોની સાથે જ એક દુઃખદ પાસું પણ છે. આપણા આ દરિયાકાંઠાના વિસ્તારો પર્યાવરણ સાથે જોડાયેલા કેટલાય પડકારોનો સામનો કરી રહ્યા છે. આબોહવા પરિવર્તન, સમુદ્રી જૈવિકતંત્ર માટે એક મોટો ખતરો બનેલું છે. તો, બીજી તરફ આપણા સમુદ્રકિનારા પર ફેલાયેલી ગંદકી પરેશાન કરનારી છે. આપણી એ જવાબદારી બને છે કે, આપણે આ પડકારોન પહોંચી વળવા ગંભીર અને એકધારા પ્રયાસો કરીએ. અહીં હું દેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં સફાઇની એક કોશીષ સ્વચ્છ સાગર-સુરક્ષિત સાગર  વિશે વાત કરવા ઇચ્છીશ. પાંચ જુલાઇએ શરૂ થયેલું આ અભિયાન ગઇ ૧૭ સપ્ટેંબરે વિશ્વકર્મા જયંતિના દિવસે સંપન્ન થયું. તે જ દિવસે સાગરતટ સ્વચ્છતા દિવસ પણ હતો. આઝાદીના અમૃત મહોત્સવમાં શરૂ થયેલી આ ઝુંબેશ ૭૫ દિવસ સુધી ચાલી. તેમાં લોકભાગીદારી સ્વંયભૂ જોવા મળતી હતી. આ પ્રયાસ દરમિયાન પૂરા અઢી મહિના સુધી સફાઇના અનેક કાર્યક્રમો  જોવા મળ્યા. ગોવામાં એક લાંબી માનવસાંકળ બનાવવામાં આવી હતી. કાકીનાડા ગણપતિ વિસર્જન દરમિયાન લોકોને પ્લાસ્ટીકથી થતા નુકસાન વિશે જણાવવામાં આવ્યું. એનએસએસના લગભગ પાંચ હજાર યુવા સાથીઓએ તો ૩૦ ટનથી વધુ પ્લાસ્ટીક એકઠું કર્યું. ઓડીશામાં ૩ દિવસની અંદર ૨૦ હજારથી વધુ શાળાના વિદ્યાર્થીઓએ પ્રણ લીધું કે, તેઓ પોતાની સાથોસાથ પરિવાર અને આસપાસના લોકોને પણ સ્વચ્છ સાગર અને સુરક્ષિત સાગર માટે પ્રેરિત કરશે. હું આ તમામ લોકોને ધન્યવાદ આપું છું. જેમણે આ અભિયાનમાં ભાગ લીધો હતો.

            ચૂંટાયેલા પદાધિકારીઓ, ખાસ કરીને શહેરોના મેયર અને ગામોના સરપંચો સાથે જ્યારે હું વાતચીત કરું છું તો એ આગ્રહ જરૂર કરું છું કે, સ્વચ્છતા જેવા પ્રયત્નોમાં સ્થાનિક સમુદાયો અને સ્થાનિક સંગઠ્ઠનોને પણ સામેલ કરે કંઇક નવીનતાપૂર્ણ રીતો અપનાવે.

            બેંગલુરૂમાં એક ટીમ છે- યુથ ફોર પરિવર્તન. છેલ્લા આઠ વર્ષોથી આ ટીમ સ્વચ્છતા અને અન્ય સામુદાયિક પ્રવૃત્તિઓ સાથે કામ કરી રહી છે. તેમનો મુદ્રાલેખ બિલકુલ સ્પષ્ટ છે. ફરિયાદ કરવાનું બંધ કરો, કાર્ય શરૂ કરો. આ ટીમે અત્યારસુધીમાં શહેરભરના ૩૭૦થી વધુ સ્થાનોનું સૌંદર્યીકરણ કર્યું છે. દરેક સ્થાને યુથ ફોર પરિવર્તનના અભિયાને સો થી દોઢસો નાગરિકોને જોડ્યા છે. દર રવિવારે આ કાર્યક્રમ સવારે શરૂ થાય છે, અને બપોર સુધી ચાલે છે. આ કાર્યમાં કચરો તો એકઠો કરાય છે જ, સાથે દિવાલો પર ચિત્રકામ અને કલાત્મક ચિત્રણનું કામ પણ થાય છે. અનેક જગ્યાએ તો તમે સુવિખ્યાત લોકોના સ્કેચીજ અને તેમના પ્રેરણાદાયક વાક્યો પણ જોઇ શકો છો. બેંગલુરૂના યુથ ફોર પરિવર્તનના પ્રયાસો પછી હું આપને મેરઠના કબાડ સે જુગાડ અભિયાન વિશે પણ જણાવવા માંગું છું. આ અભિયાન પર્યાવરણની સુરક્ષાની સાથેસાથે શહેરને સુંદર બનાવવાના કામ સાથે પણ જોડાયેલું છે. આ ઝુંબેશની ખાસ વાત એ છે કે, તેમાં લોઢાનો ભંગાર, પ્લાસ્ટીકનો કચરો, જૂનાં ટાયર અને પીપડા જેવી નકામી બની ગયેલી ચીજવસ્તુઓનો ઉપયોગ કરાય છે. ઓછા ખર્ચમાં સાર્વજનિક સ્થળોને કેવી રીતે સુંદર બનાવી શકાય તેનું આ અભિયાન પણ એક ઉદાહરણ છે. આ અભિયાન સાથે જોડાયેલા તમામ લોકોની હું હૃદયથી પ્રશંસા કરૂં છું.

            મારા વ્હાલા દેશવાસીઓ, અત્યારે દેશમાં ચારેતરફ ઉત્સવોની રોનક છે. કાલે પહેલી નવરાત્રી છે, તેમાં આપણે દેવીના પહેલા સ્વરૂપ માતા શૈલપૂત્રીની ઉપાસના કરીશું. ત્યાંથી લઇને નવ દિવસના નિયમ સંયમ અને ઉપવાસ, પછી વિજયાદશમીનું પર્વ પણ હશે. એટલે કે, એક રીતે જોતાં તો આપણે જોઇશું કે, આપણા પર્વોમાં આસ્થા અને આધ્યાત્મિકતાની સાથોસાથ કેટલો ઉંડો સંદેશ પણ છુપાયેલો છે. અનુશાસન અને સંયમથી સિદ્ધિની પ્રાપ્તિ અને ત્યારપછી વિજયનું પર્વ. આ જ તો જીવનમાં કોઇપણ લક્ષને પ્રાપ્ત કરવાનો માર્ગ હોય છે. દશેરા પછી ધનતેરસ અને દિવાળીના પર્વો પણ આવશે.

            સાથીઓ, પાછલા કેટલાક વર્ષોથી આપણા તહેવારોની સાથે દેશનો એક નવો સંકલ્પ પણ જોડાઇ ગયો છે. આપ સૌ જાણો છો કે, આ સંકલ્પ છે Vocal for Local નો. હવે આપણે તહેવારોના આનંદમાં આપણા સ્થાનિક કારીગરોને, શિલ્પકારોને અને વેપારીઓને પણ સામેલ કરીએ છીએ. આગામી બે ઓકટોબરે બાપુની જયંતિના અવસરે આપણે આ અભિયાનને વધુ વેગવાન બનાવવાનો સંકલ્પ લેવાનો છે. ખાદી, હાથશાળ, હસ્તકલાકારીગરીની આ બધી ચીજવસ્તુઓની સાથે સાથે સ્થાનિક ચીજવસ્તુઓ પણ ચોક્કસ ખરીદીએ. આખરે તો આ તહેવારોનો સાચો આનંદ પણ ત્યારે જ મળે છે, જયારે હરકોઇ આ તહેવારનો હિસ્સો બને, માટે સ્થાનિક ચીજવસ્તુઓનું ઉત્પાદન કરતાં લોકોને આપણે ટેકો પણ આપવાનો છે. એક સારી રીત એ છે કે, તહેવારના સમયે આપણે જે પણ ભેટ આપીએ તેમાં આ પ્રકારના ઉત્પાદનને સામેલ કરીએ. અત્યારે આ અભિયાન એટલા માટે પણ ખાસ છે કે, આઝાદીના અમૃતમહોત્સવ દરમિયાન, આપણે આત્મનિર્ભર ભારતનું પણ લક્ષ્ય રાખીને ચાલી રહ્યા છીએ. જે ખરા અર્થમાં આઝાદીના દિવાનાને એક સાચી શ્રદ્ધાંજલી હશે. એટલા માટે મારૂં આપ સૌને નિવેદન છે કે, આ વખતે ખાદી, હાથશાળ કે હસ્તકલાકારીગરીના આ ઉત્પાદનોને ખરીદીને આપ બધા વિક્રમ તોડી નાંખો. આપણે જોયું છે કે, તહેવારો પર પેકિંગ અને પેકેજીંગ માટે પ્લાસ્ટીકની કોથળીઓનો પણ ખૂબ ઉપયોગ થતો રહ્યો છે. સ્વચ્છતાના પર્વો પર પોલીથીનનો નુકસાનકારક કચરો એ પણ આપણા પર્વોની ભાવનાની વિરૂદ્ધ છે. માટે આપણે સ્થાનિક સ્તરે બનેલી પ્લાસ્ટીક સિવાયની કોથળીઓનો જ ઉપયોગ કરીએ. આપણે ત્યાં સુતરાઉ કાપડની, શણની, કેળાના રેસાની એમ કેટલાય પ્રકારની પરંપરાગત થેલીઓનું ચલણ એકવાર ફરીથી વધી રહ્યું છે. હવે એ આપણી જવાબદારી છે કે, આપણે તહેવારોના અવસરે તેને પ્રોત્સાહન આપીએ અને સ્વચ્છતાની સાથે પોતાના અને પર્યાવરણના આરોગ્યનો પણ ખ્યાલ રાખીએ.

            મારા વ્હાલા દેશવાસીઓ, આપણા શાસ્ત્રોમાં કહ્યું છે કે,

            परहित सरिस धरम नहीं भाई

            એટલે કે, અન્યનું હિત કરવા સમાન, અન્યની સેવા કરવા ઉપકાર કરવા સમાન બીજો કોઇ ધર્મ નથી. વિતેલા દિવસોમાં દેશમાં સમાજસેવાની આ જ  ભાવનાની વધુ એક ઝલક જોવા મળી. તમે પણ જોયું હશે કે, લોકો આગળ આવીને કોઇને કોઇ ટીબીથી પીડીત દર્દીને દત્તક લે છે. તેમને પૌષ્ટિક ખોરાક આપવાનું બીડું ઉઠાવી રહ્યા છે. હકીકતમાં ટીબીમુક્ત ભારત અભિયાનનો આ એક ભાગ છે. જેનો આધાર લોકભાગીદારી છે, કર્તવ્ય ભાવના છે. યોગ્ય પોષણથી જ યોગ્ય સમયે મળેલી દવાઓથી ટીબીનો ઇલાજ શક્ય છે. મને વિશ્વાસ છે કે, લોકભાગીદારીની આ શક્તિથી વર્ષ ૨૦૨૫ સુધીમાં ભારત જરૂર ટીબીથી મુક્ત થઇ જશે.

            સાથીઓ, કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમમ દીવથી પણ મને એક એવું ઉદાહરણ જાણવા મળ્યું છે જે હૃદયસ્પર્શી છે. ત્યાંના આદિવાસી ક્ષેત્રમાં રહેતાં જીનુ રાવતીયાજીએ લખ્યું છે કે, ત્યાં ચાલી રહેલા ગ્રામ દત્તક કાર્યક્રમ અંતર્ગત મેડીકલ કોલેજના વિદ્યાર્થીઓએ ૫૦ ગામોને દત્તક લીધાં છે. એમાં જીનુજીનું ગામ પણ સામેલ છે. મેડીકલના વિદ્યાર્થીઓ બીમારીથી બચવા માટે ગામના લોકોને જાગૃત કરે છે, બીમારીમાં મદદ પણ કરે છે અને સરકારી યોજનાઓ વિશે પણ જાણકારી આપે છે. પરોપકારની આ ભાવના ગ્રામવાસીઓના જીવનમાં નવી ખુશીઓ લઇને આવી છે. હું તે માટે મેડિકલ કોલેજના બધા વિદ્યાર્થીઓને અભિનંદન આપું છું.

            સાથીઓ, મન કી બાતમાં નવાનવા વિષયોની ચર્ચા થતી રહે છે. કેટલીયે વાર આ કાર્યક્રમ દ્વારા આપણને કેટલાક જૂના વિષયોની ઉંડાણમાં પણ ઉતરવાની તક મળી છે. ગયા મહિને મન કી બાતમાં મે બરછટ અનાજ અને વર્ષ ૨૦૨૩ને આંતરરાષ્ટ્રીય બાજરા વર્ષ તરીકે ઉજવવાને લગતી ચર્ચા કરી હતી. આ બાબતે લોકોમાં ખૂબ ઉત્સુકતા છે. મને એવા સંખ્યાબંધ પત્રો મળે છે. જેમાં લોકો જણાવી રહ્યા છે કે, તેમણે કેવી રીતે બાજરાને પોતાના દૈનિક ભોજનનો ભાગ બનાવી દીધો છે. કેટલાક લોકોએ બાજરીમાંથી બનતી પરંપરાગત વાનગીઓ વિશે પણ જણાવ્યું છે. આ એક મોટા પરિવર્તનનો સંકેત છે. લોકોના આ ઉત્સાહને જોઇને મને લાગે છે કે, આપણે સૌએ મળીને એક ઇ-બુક તૈયાર કરવી જોઇએ. જેમાં લોકો બાજરીમાંથી બનતી વાનગીઓ અને પોતાના અનુભવોનું આદાનપ્રદાન કરી શકે. તેનાથી આંતરરાષ્ટ્રીય બાજરા વર્ષ શરૂ થતાં પહેલાં આપણી પાસે બાજરા વિશે એક જાહેર માહીતી કોશ પણ તૈયાર થશે. અને પછી તેને માય ગોવ પોર્ટલ પર પ્રકાશિત કરી શકીએ છીએ.

            સાથીઓ, મન કી બાતમાં આ વખતે આટલું જ. પરંતુ જતાં જતાં હું આપને રાષ્ટ્રીય રમતો વિશે પણ જણાવવા માંગું છું. ૨૯ સપ્ટેંબરથી ગુજરાતમાં રાષ્ટ્રીય રમતોનું આયોજન થઇ રહ્યું છે. આ એક ખૂબ મોટી તક છે. કેમ કે, રાષ્ટ્રીય રમતોનું આયોજન કેટલાય વર્ષો પછી થઇ રહ્યું છે. કોવિડ મહામારીના કારણે છેલ્લે તેનું આયોજન રદ કરવું પડ્યું હતું. આ રમતગમત સ્પર્ધામાં ભાગ લેનારા દરેક ખેલાડીને મારી અનેક અનેક શુભેચ્છાઓ. એ દિવસે ખેલાડીઓનો ઉત્સાહ વધારવા માટે હું તેમના વચ્ચે રહીશ. આપ સૌ પણ રાષ્ટ્રીય રમતોને જરૂરથી નિહાળશો અને પોતાના ખેલાડીઓનો જૂસ્સો વધારશો. હવે, હું   આજ માટે વિદાય લઇ રહ્યો છું. આવતા મહિને મન કી બાતમાં નવા વિષયો સાથે આપની સાથે ફરી મુલાકાત થશે. ધન્યવાદ. નમસ્કાર..

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1862050) Visitor Counter : 254