વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે ટકાઉ સ્ટાર્ટ-અપ્સ સુનિશ્ચિત કરવા માટે સ્ટાર્ટ-અપ્સને સમાન હિતધારક તરીકે શરૂઆતથી જ ઉદ્યોગ સાથે જોડવાની અપીલ કરી


પ્રધાનમંત્રી દ્વારા અમદાવાદમાં 'સેન્ટર-સ્ટેટ સાયન્સ કોન્કલેવ'નાં ઉદઘાટન પછી મંત્રીશ્રીએ રાજ્યોના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રીઓ સાથે નેતૃત્વ સત્રની અધ્યક્ષતા કરી

ડૉ. જિતેન્દ્રસિંહે વચન આપ્યું હતું કે, કેન્દ્રનો વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ રાજ્યોમાં વિશિષ્ટ નવીનતા કેન્દ્રોની સ્થાપના માટે નાણાકીય સહાય સહિત તમામ મદદ પૂરી પાડશે

સંશોધન, સ્ટાર્ટ-અપ્સ, શૈક્ષણિક સંસ્થાઓ અને ઉદ્યોગોનું સંકલન એ હવે કોઈ વિકલ્પ રહ્યો નથી, પરંતુ દેશમાં, ખાસ કરીને રાજ્યોમાં યુવા નવપ્રવર્તકોને આકર્ષવાની જરૂરિયાત છે, જેથી અત્યાધુનિક અને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક ઉત્પાદનો અને ઉકેલો સાથે બહાર આવી શકાય: ડૉ. જિતેન્દ્ર સિંહ

Posted On: 10 SEP 2022 5:09PM by PIB Ahmedabad

કેન્દ્રીય વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો); પૃથ્વી વિજ્ઞાન રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો); પ્રધાનમંત્રી કાર્યાલય (પીએમઓ) રાજ્ય મંત્રી, કર્મચારી, જાહેર ફરિયાદો, પેન્શન, પરમાણુ ઊર્જા અને અંતરિક્ષ રાજ્યમંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે આજે ટકાઉ સ્ટાર્ટઅપ સુનિશ્ચિત કરવા માટે સમાન હિતધારકો તરીકે સ્ટાર્ટઅપને શરૂઆતથી જ ઉદ્યોગ સાથે જોડવાની અપીલ કરી હતી.

અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે 2 દિવસીય "સેન્ટર-સ્ટેટ સાયન્સ કોન્ક્લેવ"ના પ્રથમ દિવસે વિવિધ રાજ્યોના મંત્રીઓનાં નેતૃત્વ સત્રની અધ્યક્ષતા કરતા ડૉ. જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, તેમનું મંત્રાલય સક્રિયપણે દેશભરનાં સ્ટાર્ટ-અપ્સ સુધી પહોંચી રહ્યું છે અને ડીએસટી અને સ્ટાર્ટ-અપ્સથી 50-50 રોકાણ મિકેનિઝમ સાથે ઇન્ક્યુબેશન અને ગુણવત્તાયુક્ત સંશોધન માટે સીડ ફંડ્ઝ પ્રદાન કરી રહ્યું છે.

આ અગાઉ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે 2 દિવસીય 'સેન્ટર-સ્ટેટ સાયન્સ કોન્ક્લેવ'નું વિધિવત ઉદ્ઘાટન કર્યું હતું.

પ્રધાનમંત્રી મોદીએ વર્ષ 2015માં લાલ કિલ્લાની પ્રાચીર પરથી સ્ટાર્ટ અપ ઇન્ડિયાનો શુભારંભ કરાવ્યો હતો, તેનો ઉલ્લેખ કરતાં ડૉ. જિતેન્દ્ર સિંહે કહ્યું હતું કે, થોડાં વર્ષો અગાઉ 300 સ્ટાર્ટ-અપ્સ હતાં એનાથી મોટી છલાંગ લગાવીને ભારતની આઝાદીનાં 75મા વર્ષમાં દેશમાં અત્યારે 75,000થી વધારે સ્ટાર્ટ-અપ્સ છે. તેમણે કહ્યું હતું કે, સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમમાં અને યુનિકોર્નની સંખ્યાની દ્રષ્ટિએ પણ ભારત વૈશ્વિક સ્તરે ત્રીજું સ્થાન ધરાવે છે.

ડૉ.જિતેન્દ્રસિંહે માહિતી આપી હતી કે અમદાવાદમાં સેન્ટર-સ્ટેટ સાયન્સ કોન્ક્લેવમાં 100થી વધુ સ્ટાર્ટ-અપ્સ અને ઉદ્યોગના સીઇઓ સાથે એક વિશેષ સત્રમાં જે તે રાજ્યો દ્વારા સામનો કરવામાં આવતી અનન્ય સમસ્યાઓના રાજ્ય વિશિષ્ટ ઉકેલો શોધવાનો પ્રયાસ કરવામાં આવશે. મંત્રીશ્રીએ તમામ 6 વિજ્ઞાન વિભાગો દ્વારા તમામ હિતધારકોનાં ભંડોળ સાથે રાજ્ય સરકારો સાથે કામ કરવા ઇચ્છુક સંભવિત સ્ટાર્ટ-અપ્સને તમામ સાથસહકાર આપવાનું વચન આપ્યું હતું.

ગુજરાત, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, આસામ, ઉત્તરાખંડ, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, ઓડિશા, હરિયાણાના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રીઓ તથા અન્ય રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્ય સચિવો અને વિજ્ઞાન અને ટેકનોલોજી સચિવોએ એસટીઆઈ નીતિ તથા તેમનાં સંબંધિત રાજ્યોમાં વૈજ્ઞાનિક પ્રયાસો અને સ્ટાર્ટ-અપ્સમાં હાંસલ કરેલી અન્ય સિદ્ધિઓ વિશે ટૂંકમાં પ્રેઝન્ટેશન કર્યું હતું.

ડૉ. જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, સંશોધન, સ્ટાર્ટ-અપ્સ, શૈક્ષણિક સંસ્થાઓ અને ઉદ્યોગનું સંકલન એ હવે કોઈ વિકલ્પ રહ્યો નથી, પરંતુ દેશમાં, ખાસ કરીને રાજ્યોમાં, અત્યાધુનિક અને વૈશ્વિક સ્પર્ધાત્મક ઉત્પાદનો અને ઉકેલો સાથે બહાર આવવા માટે યુવા નવપ્રવર્તકોને આકર્ષવાની તાતી જરૂરિયાત છે. તેમણે કહ્યું હતું કે, "વર્ષ 2030 સુધીમાં સંશોધન અને વિકાસમાં ખાનગી ક્ષેત્રનાં રોકાણને બમણું કરવું" તથા દેશ અને રાજ્યનાં એકંદર અર્થતંત્રને પૂરક બનાવવું એ મોદી સરકારનાં આત્મનિર્ભર લક્ષ્યને અનુરૂપ કોન્ક્લેવનો મુખ્ય એજન્ડા છે.

વિજ્ઞાન અને ટેકનોલોજીમાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સક્રિય જોડાણ માટે તથા કેન્દ્ર અને રાજ્યો વચ્ચે એસટીઆઈની માહિતી અને ડેટાના પ્રવાહને સરળ બનાવવા માટે એક વ્યવસ્થા ઊભી કરવા માટે રાજ્ય મંત્રીઓની ઇચ્છા સામે નમતું જોખતા ડૉ. જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, બે દિવસનાં મંથન પછી, કેન્દ્ર અને રાજ્યોના વિવિધ ક્લસ્ટર વચ્ચે નાની સંયુક્ત સમિતિઓની રચના કરવામાં આવશે, જેથી એસટીઆઈ નીતિને તેના તાર્કિક નિષ્કર્ષ પર લઈ જઈ શકાય. મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, રાજ્યોના વૈજ્ઞાનિકો, ટેક્નોલૉજિસ્ટ્સ અને વ્યાવસાયિકોનું ક્ષમતા નિર્માણ મુખ્ય કેન્દ્રિત ક્ષેત્ર હશે અને તેમણે ઉમેર્યું હતું કે, રાજ્ય સંશોધન અને વિકાસમાં ખાનગી ક્ષેત્રની ભાગીદારીને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર અને રાજ્યો સાથે મળીને કામ કરશે તથા એસટીઆઈમાં ઉચ્ચ સ્તરે મજબૂત અને લાંબા ગાળાનાં "કેન્દ્ર-રાજ્ય સંકલન અને નિરીક્ષણ વ્યવસ્થા"ને સ્થાપિત કરવાનો પ્રયાસ કરશે.

રાજ્યોની ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં વધુ ઇનોવેશન લેબ્સ ખોલવા માટે કોન્ક્લેવમાં પ્રધાનમંત્રીનાં સંબોધનમાંથી સંકેત લેતા ડૉ. જિતેન્દ્ર સિંહે વચન આપ્યું હતું કે કેન્દ્રમાં વિજ્ઞાન અને તકનીકી વિભાગ રાજ્યોમાં વિશિષ્ટ નવીનતા કેન્દ્રો સ્થાપિત કરવા માટે નાણાકીય સહાય સહિત તમામ સહાય પૂરી પાડશે.

ડૉ. જિતેન્દ્ર સિંહે જાણકારી આપી હતી કે, દેશમાં નવીનતા અને ઉદ્યોગ સાહસિકતાને સુલભ કરવા માટે પ્રધાનમંત્રીનાં અવિરત પ્રયાસોને અનુરૂપ આ પ્રકારનું પ્રથમ સંમેલન કેન્દ્ર-રાજ્ય સંકલન અને સહકારી સંઘવાદની ભાવનામાં જોડાણની વ્યવસ્થાને મજબૂત કરશે, જેથી સમગ્ર દેશમાં મજબૂત વિજ્ઞાન, ટેકનોલોજી અને નવીનતા (એસટીઆઈ) ઇકોસિસ્ટમનું નિર્માણ થઈ શકે.

લીડરશીપ સેશન "અનુસંધાન સે સમાધાન"ની થીમનો ઉલ્લેખ કરીને ડૉ.જિતેન્દ્ર સિંહે માહિતી આપી હતી કે, બે દિવસીય સમિટ દરમિયાન રાજ્યોના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રીઓ સાથે કૃષિ, પોર્ટેબલ ડ્રિન્કિંગ વોટરનાં ઉત્પાદન માટે ડિસેલિનેશન, ડીએસટી દ્વારા વિકસાવવામાં આવેલી હેલી બોર્ન પદ્ધતિઓ સહિત ટેકનોલોજીનો ઉપયોગ અને નવીનતા, હાઇડ્રોજન મિશનમાં એસએન્ડટીની ભૂમિકા સહિત તમામ માટે સ્વચ્છ ઊર્જા, અર્થ સાયન્સ મંત્રાલયનું ડીપ સી મિશન અને દરિયાકિનારાનાં રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશો માટે તેની પ્રાસંગિકતા, તમામ માટે ડિજિટલ હેલ્થકેર અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ સાથે વિજ્ઞાનનો સમન્વય જેવા મુદ્દાઓ પર મહત્વપૂર્ણ પૂર્ણ સત્રોનું આયોજન કરવામાં આવ્યું છે.

આ અગાઉ 'સેન્ટર-સ્ટેટ સાયન્સ કોન્ક્લેવ'માં સ્વાગત પ્રવચન આપતા ડૉ.જિતેન્દ્ર સિંહે ખાનગી ભાગીદારી માટે અવકાશ ક્ષેત્રને અનલોક કરવા માટે મોદીનાં વિઝન અને સાહસિક પહેલની પ્રશંસા કરી હતી અને હવે આપણે ગગનયાન મિશનની રાહ જોઈ રહ્યા છીએ. એ જ રીતે, પરમાણુ ઊર્જા વિભાગમાં સંયુક્ત સાહસો નવી સંસ્થાઓની સ્થાપના અને નવી સંશોધન પહેલો તરફ દોરી રહ્યા છે. મંત્રીએ જણાવ્યું હતું કે, ડીપ સી મિશનમાં માનવસહિત સબમર્સિબલની સાથે-સાથે દેશમાં 7,500 કિલોમીટરની લંબાઈ ધરાવતા મધ્ય હિંદ મહાસાગરમાં 6000 મીટરની ઊંડાઈએથી પોલિમેટાલિક નોડ્યુલ્સનું ખનન કરવા માટે સંકલિત માઇનિંગ સિસ્ટમ પણ હશે.

ડૉ. જિતેન્દ્ર સિંહે સમાપન કરતાં જણાવ્યું હતું કે, ભારતને આઝાદીનાં 100 વર્ષમાં વિશ્વમાં અગ્રેસર દેશ બનાવવાનાં પ્રધાનમંત્રીના સ્વપ્નને સાકાર કરવા માટે આ અમૃત કાલમાં ભારતને સંશોધન અને નવીનતાનું વૈશ્વિક કેન્દ્ર બનાવવા માટે આ બે દિવસીય સાયન્સ કોન્કલેવમાં ભારતીય યુવાનોની અંતર્ગત ક્ષમતાઓ અને નવીન ભાવના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

YP/GP/JD


(Release ID: 1858337) Visitor Counter : 270