પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ભારતમાં સુઝુકીના આગમનના 40 વર્ષના સંભારણા નિમિત્તે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આયોજિત કાર્યક્રમમાં સંબોધન આપ્યું


પ્રધાનમંત્રી મોદીના સમર્થ નેતૃત્વ દ્વારા માર્ગદર્શિત વિનિર્માણ ક્ષેત્ર માટે વિવિધ સહાયક પગલાંઓના કારણે ભારતની આર્થિક વૃદ્ધિ વધુ વેગવાન બની રહી છે: જાપાનના પ્રધાનમંત્રી કિશિદા

“મારુતિ-સુઝુકીની સફળતા ભારત અને જાપાન વચ્ચે મજબૂત ભાગીદારી બતાવે છે”

“છેલ્લા આઠ વર્ષમાં ભારત અને જાપાન વચ્ચેના સંબંધો નવી ઊંચાઇએ પહોંચ્યા છે”

“જ્યારે આ મિત્રતાની વાત આવે છે, ત્યારે દરેક ભારતીય અમારા મિત્ર, ભૂતપૂર્વ પ્રધાનમંત્રી દિવંગત શિન્ઝો આબેને અચૂક યાદ કરે છે”

“અમારા પ્રયાસોમાં હંમેશા જાપાન માટે ગંભીરતા અને આદર રહ્યા છે, તેથી જ ગુજરાતમાં લગભગ 125 જાપાનીઝ કંપનીઓ કાર્યરત છે”

“પુરવઠા, માંગ અને ઇકોસિસ્ટમના મજબૂતીકરણ સાથે, EV ક્ષેત્ર ચોક્કસપણે પ્રગતિ કરશે”

Posted On: 28 AUG 2022 6:52PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભારતમાં સુઝુકી કંપનીના આગમનના સંભારણા નિમિત્તે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજવામાં આવેલા એક કાર્યક્રમમાં સંબોધન આપ્યું હતું. આ કાર્યક્રમમાં ભારતમાં જાપાનના રાજદૂત મહાનુભાવ શ્રી સતોશી સુઝુકી, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, સંસદ સભ્ય શ્રી સી. આર. પાટીલ, રાજ્ય મંત્રી શ્રી જગદીશ પંચાલ, સુઝુકી મોટર કોર્પોરેશનના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ શ્રી ઓ સુઝુકી, સુઝુકી મોટર કોર્પોરેશનના પ્રેસિડેન્ટ શ્રી ટી સુઝુકી , અને મારુતિ-સુઝુકીના ચેરમેન શ્રી આર. સી. ભાર્ગવ ઉપસ્થિત હતા. હરિયાણાના મુખ્યમંત્રી શ્રી મનોહરલાલે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સંબોધન આપ્યું હતું અને જાપાનના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી ફ્યુમિયો કિશિદાના વીડિયો સંદેશનું પણ સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું.

જાપાનના પ્રધાનમંત્રી કિશિદાએ આ પ્રસંગે શુભેચ્છાઓ પાઠવી હતી અને જણાવ્યું હતું કે, છેલ્લા 4 દાયકા દરમિયાન મારુતિ સુઝુકીની વૃદ્ધિ ભારત અને જાપાન વચ્ચેના મજબૂત આર્થિક સંબંધોને સાકાર સ્વરૂપ આપે છે. સુઝુકી કંપનીના મેનેજમેન્ટે ભારતીય બજારની ક્ષમતાને ઓળખી તે બદલ તેમણે કંપનીના મેનેજમેન્ટની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, હું માનું છું કે આ સફળતા ભારતના લોકો અને સરકારની સમજણ અને તેમણે આપેલા સહકારને આભારી છીએ. તાજેતરમાં, પ્રધાનમંત્રી મોદીના મજબૂત સમર્થ નેતૃત્વ દ્વારા માર્ગદર્શિક વિનિર્માણ ક્ષેત્ર માટે અમલમાં મૂકવામાં આવેલા વિવિધ સહાયક પગલાંઓના કારણે ભારતની આર્થિક વૃદ્ધિ વધુ વેગવાન બની રહી છે. તેમણે માહિતી આપી હતી કે, બીજી ઘણી જાપાની કંપનીઓએ ભારતમાં રોકાણ કરવા માટે રસ દાખવ્યો છે. તેમણે ભારત અને જાપાનના સંબંધોના 70 વર્ષ નિમિત્તે આ વર્ષ મહત્વનું હોવાનું પણ રેખાંકિત કર્યું હતું. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “પ્રધાનમંત્રી મોદી સાથે મળીને હું જાપાન-ભારત વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારીને વધુ આગળ વધારવા અને મુક્ત તેમજ ખુલ્લા ઇન્ડો પેસિફિકના વિચારને સાકાર કરવા માટે પ્રયાસો હાથ ધરવા માટે પ્રતિબદ્ધ છું.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને સંબોધન આપતા પ્રધાનમંત્રીએ સુઝુકી કોર્પોરેશન સાથે જોડાયેલા દરેક લોકોને અભિનંદન પાઠવ્યા હતા. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતના પરિવારો સાથે સુઝુકીનું જોડાણ હવે 40 વર્ષની મજબૂત ધરાવતું થઇ ગયું છે. તેમણે ઉમેર્યું હતું કે, મારુતિ-સુઝુકીની સફળતા ભારત અને જાપાન વચ્ચેની મજબૂત ભાગીદારી પણ બતાવે છે. છેલ્લા આઠ વર્ષમાં આપણા બંને દેશો વચ્ચેના આ સંબંધો નવી ઊંચાઇએ પહોંચ્યા છે. આજે, ગુજરાત-મહારાષ્ટ્રમાં શરૂ થનારી બુલેટ ટ્રેનથી માંડીને ઉત્તર પ્રદેશના બનારસમાં રૂદ્રાક્ષ કેન્દ્ર સહિતની, સંખ્યાબંધ વિકાસલક્ષી પરિયોજનાઓ ભારત અને જાપાન વચ્ચેની મિત્રતાનું દૃષ્ટાંત રજૂ કરી રહી છે. પ્રધાનમંત્રીએ પોતાની વાત આગળ વધારતા જણાવ્યું હતું કે, અને જ્યારે આ મિત્રતાની વાત આવે છે, ત્યારે દરેક ભારતીય અમારા મિત્ર, ભૂતપૂર્વ પ્રધાનમંત્રી દિવંગત શિન્ઝો આબેને અચૂક યાદ કરે છે. આબે સાન જ્યારે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા અને અહીં સમય વિતાવ્યો હતો તે સંસ્મરણોને યાદ કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતના લોકો તેને પ્રેમથી યાદ કરે છે. તેમણે ઉમેર્યું હતું કે, આપણા બંને દેશોને એકબીજાને નજીક લાવવા માટે તેમણે કરેલા પ્રયાસોને આજે પ્રધાનમંત્રી કિશિદા આગળ ધપાવી રહ્યા છે.”

13 વર્ષ પહેલાં ગુજરાતમાં સુઝુકીએ આગમન કર્યું તેના સંસ્મરણો પ્રધાનમંત્રીએ તાજા કર્યા હતા અને પોતાને સુશાસનના સારા મોડેલ તરીકે રજૂ કરવાના ગુજરાતના આત્મવિશ્વાસને યાદ કર્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હું ખુશ છું કે ગુજરાતે સુઝુકીને આપેલું પોતાનું વચન પાળ્યું અને સુઝુકીએ પણ ગુજરાતની ઇચ્છાઓને એટલા જ પ્રમાણમાં ગૌરવ સાથે  જાળવી છે. સમગ્ર દુનિયામાં ગુજરાત ટોચના ઓટોમોટિવ મેન્યુફેક્ચરિંગ હબ તરીકે ઉભરી આવ્યું છે. ગુજરાત અને જાપાન વચ્ચેના સંબંધો પર ખાસ ભાર મૂકતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ સંબંધો માત્ર રાજદ્વારી સંબંધોના આયામો સુધી નથી પરંતુ તેનાથી ઘણા ઊંચા છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, મને યાદ છે કે, 2009માં જ્યારે વાઇબ્રન્ટ ગુજરાત સમિટની શરૂઆત કરવામાં આવી હતી, ત્યારથી જાપાન તેની સાથે ભાગીદાર દેશ તરીકે સંકળાયેલું હતું. જાપાનના રોકાણકારોને ગુજરાતમાં તેમના પોતાના ગૃહ દેશ જેવો અનુભવ થાય તે માટે ગુજરાતમાં મિની જાપાન તૈયાર કરવાના પોતાના સંકલ્પને પણ પ્રધાનમંત્રીએ યાદ કર્યો હતો. આ સંકલ્પને સાકાર કરવા માટે ઘણા નાનાં પગલા લેવામાં આવ્યા હતા. ઘણા વિશ્વ-કક્ષાના ગોલ્ફ કોર્સ અને જાપાનીઝ વાનગીઓ પીરસતી રેસ્ટોરન્ટ્સના સર્જન અને જાપાનીઝ ભાષાને આપવામાં આવતું પ્રોત્સાહન આ પગલાંઓમાંથી કેટલાક ઉદાહરણો છે. તેમણે ઉમેર્યું હતું કે, અમારા પ્રયાસોમાં હંમેશા જાપાન માટે ગંભીરતા અને આદર રહ્યા છે, તેથી જ ગુજરાતમાં લગભગ 125 જાપાનીઝ કંપનીઓ કાર્યરત છે.” અમદાવાદમાં JETRO દ્વારા સંચાલિત સહાયતા કેન્દ્ર સંખ્યાબંધ કંપનીઓને પ્લગ-એન્ડ-પ્લેની સુવિધા પૂરી પાડે છે. જાપાન ઇન્ડિયા ઇન્સ્ટિટ્યુટ ફોર મેન્યુફેક્ચરિંગમાં કેટલાય લોકોને તાલીમ આપવામાં આવી રહી છે. ગુજરાતની વિકાસયાત્રામાં કાઇઝેન દ્વારા આપવામાં આવેલા યોગદાનની પણ પ્રધાનમંત્રીએ નોંધ લીધી હતી. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કાઇઝેનના પરિબળોને તેમના દ્વારા PMOમાં અને અન્ય વિભાગોમાં પણ લાગુ કરવામાં આવ્યા હતા.

પ્રધાનમંત્રીએ ઇલેક્ટ્રિક વાહનોની મોટી વિશેષતા પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે, આ વાહનો જરાય અવાજ કરતા નથી. 2 વ્હીલર હોય કે પછી 4 વ્હીલર હોય, તેમાંથી જરાય અવાજ આવતો નથી. તેમણે કહ્યું હતું કે, “વાહનોની આ શાંતિ માત્ર તેના એન્જિનિયરિંગનો સંદર્ભ નથી, પરંતુ તે દેશમાં શાંત પગલે આવી રહેલી એક મોટી ક્રાંતિની શરૂઆત પણ છે.” EV ઇકોસિસ્ટમને મજબૂત કરવાના સરકારના પ્રયાસોના ભાગરૂપે, પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ઇલેક્ટ્રિક વાહન ખરીદનારાઓને વિવિધ પ્રોત્સાહનો આપવામાં આવી રહ્યા છે. સરકારે આવકવેરામાં છૂટ અને લોન પ્રક્રિયાને સરળ બનાવવા જેવા અસંખ્ય પગલાં લીધાં છે. પ્રધાનમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, પુરવઠાને વેગ આપવા માટે, ઓટોમોબાઇલ અને ઓટોમોબાઇલના ભાગોના ઉત્પાદનમાં PLI યોજનાઓ દાખલ કરવા માટે પણ ઝડપી ગતિએ કામ કરવામાં આવી રહ્યું છે. ઇલેક્ટ્રિક વાહનોના ચાર્જિંગ માટે મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવા માટે સંખ્યાબંધ નીતિગત નિર્ણયો પણ લેવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, 2022 ના નાણાકીય બજેટમાં બૅટરી સ્વેપિંગ નીતિ પણ રજૂ કરવામાં આવી છે. પ્રધાનમંત્રીએ આગળ ઉમેર્યું હતું કે પુરવઠા, માંગ અને ઇકોસિસ્ટમનું મજબૂતીકરણ થવાથી EV ક્ષેત્ર પ્રગતિ થશે તે વાત ચોક્કસ છે.

પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, ભારત 2030 સુધીમાં પોતાની કુલ સ્થાપિત વીજ ઉત્પાદનની ક્ષમતામાંથી 50% ઉત્પાદન બિન-અશ્મિગત સ્રોતોમાંથી  કરવાની ક્ષમતા પ્રાપ્ત કરશે તેવી ભારતે COP-26 માં જાહેરાત કરી છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, અમે 2070 માટે નેટ ઝીરોલક્ષ્ય નિર્ધારિત કર્યું છે.” પ્રધાનમંત્રીએ એ બાબતે ખુશી વ્યક્ત કરી હતી કે, મારુતિ સુઝુકી જૈવ ઇંધણ, ઇથેનોલ મિશ્રિત ઇંધણ અને હાઇબ્રિડ ઇવી જેવી બાબતો પર પણ કામ કરી રહી છે. પ્રધાનમંત્રીએ એવું પણ સૂચન કર્યું હતું કે, સુઝુકીએ કોમ્પ્રેસ્ડ બાયોમિથેન ગેસ સંબંધિત પ્રોજેક્ટ્સ પર કામ શરૂ કરવું જોઇએ. એકબીજા વચ્ચે તંદુરસ્ત સ્પર્ધા અને પરસ્પર શિક્ષણ માટે વધુ સારા માહોલનું નિર્માણ થશે તેવી પણ પ્રધાનમંત્રીએ આશા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે, આના કારણે દેશ અને વેપાર બંનેને ફાયદો થશે. તેમણે પોતાના સંબોધનના સમાપનમાં કહ્યું હતું કે, અમૃતકાળના આગામી 25 વર્ષ દરમિયાન ભારત તેની ઊર્જા સંબંધિત જરૂરિયાતો માટે આત્મનિર્ભર બને તેવું અમારું લક્ષ્ય છે. ઊર્જા વપરાશનો મોટો હિસ્સો પરિવહન ક્ષેત્રમાં હોવાથી, આ ક્ષેત્રમાં આવિષ્કાર અને પ્રયાસોને આપણે પ્રાથમિકતા આપવી જોઇએ. મને વિશ્વાસ છે કે આપણે આ પ્રાપ્ત કરી શકીશું.

પૃષ્ઠભૂમિ

આ કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રીએ ભારતમાં સુઝુકી ગ્રૂપના બે મુખ્ય પ્રોજેક્ટ્સ એટલે કે, - ગુજરાતના હાંસલપુર ખાતે સુઝુકી મોટર ગુજરાત ઇલેક્ટ્રિક વાહન બૅટરી વિનિર્માણ સુવિધા અને હરિયાણાના ખારઘોડા ખાતે મારુતિ સુઝુકીની આગામી વાહન ઉત્પાદન સુવિધાનો શિલાન્યાસ કર્યો હતો.

ગુજરાતના હાંસલપુર ખાતે ઇલેક્ટ્રિક વાહનો માટે અદ્યતન કેમિસ્ટ્રી સેલ બૅટરીના ઉત્પાદન માટે અંદાજે રૂ. 7,300 કરોડના રોકાણ સાથે સુઝુકી મોટર ગુજરાત ઇલેક્ટ્રિક વાહન બૅટરી વિનિર્માણ સુવિધા સ્થાપિત કરવામાં આવશે. હરિયાણાના ખારખોડા શરૂ થનારી વાહન ઉત્પાદન સુવિધા દર વર્ષે 10 લાખ પેસેન્જર વાહનોનું ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવશે, જે તેને વિશ્વમાં એક જ સ્થળે મોટી સંખ્યામાં પેસેન્જર વાહનોનું ઉત્પાદન કરતી દુનિયાની સૌથી મોટી સુવિધાઓમાંથી એક બનાવશે. પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો 11,000 કરોડ રૂપિયાથી વધુના રોકાણ સાથે સ્થાપિત કરવામાં આવશે.

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1855081) Visitor Counter : 199