પ્રધાનમંત્રીનું કાર્યાલય
મન કી બાત (92મો હપ્તો) પ્રસારણ તારીખ – 28-08-2022
प्रविष्टि तिथि:
28 AUG 2022 11:37AM by PIB Ahmedabad
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. ઑગસ્ટના આ મહિનામાં, તમારા બધાના પત્રો, સંદેશાઓ અને કાર્ડે મારા કાર્યાલયને તિરંગામય કરી દીધું છે. મને ભાગ્યે જ એવો કોઈ પત્ર મળ્યો હશે, જેના પર તિરંગો ન હોય અથવા તિરંગા અને સ્વતંત્રતા સાથે જોડાયેલી વાત ન હોય. બાળકોએ, યુવાન સાથીઓએ તો અમૃત મહોત્સવ પર ખૂબ જ સુંદર-સુંદર ચિત્ર અને કલાકારી પણ બનાવીને મોકલી છે. સ્વતંત્રતાના આ મહિનામાં આપણા સમગ્ર દેશમાં, દરેક શહેર, દરેક ગામમાં, અમૃત મહોત્સવની અમૃત ધારા વહી રહી છે. અમૃત મહોત્સવ અને સ્વતંત્રતા દિવસના આ વિશેષ અવસર પર આપણે દેશની સામૂહિક શક્તિના દર્શન કર્યા છે. એક ચેતનાની અનુભૂતિ કરી છે. આટલો મોટો દેશ, આટલી વિવિધતાઓ, પરંતુ જ્યારે વાત તિરંગો ફરકાવવાની આવી તો, પ્રત્યેક વ્યક્તિ, એક જ ભાવનામાં વહેતી દેખાઈ. તિરંગાના ગૌરવના પ્રથમ પ્રહરી બનીને લોકો પોતે આગળ આવ્યા. આપણે સ્વચ્છતા અભિયાન અને રસીકરણ અભિયાનમાં પણ દેશની ભાવનાને જોઈ હતી. અમૃત મહોત્સવમાં આપણને ફરી દેશભક્તિની એવી જ લાગણી જોવા મળી રહી છે. આપણા સૈનિકોએ ઊંચા-ઊંચા પહાડના શિખરો પર, દેશની સીમાઓ પર અને સમુદ્રની વચ્ચે તિરંગો ફરકાવ્યો. લોકોએ તિરંગા અભિયાન માટે અલગ-અલગ નવીન વિચારો પણ અજમાવ્યા. જેમ કે યુવાન સાથી કૃશનીલ અનિલજીએ, અનિલજી એક પઝલ આર્ટિસ્ટ છે. તેમણે રેકૉર્ડ સમયમાં સુંદર તિરંગા મૉઝેક આર્ટ તૈયાર કરી છે. કર્ણાટકના કોલારમાં, લોકોએ 630 ફીટ લાંબો અને 205 ફીટ પહોળો તિરંગો પકડીને અનોખું દૃશ્ય પ્રસ્તુત કર્યું. આસામમાં સરકારી કર્મચારીઓએ દિઘાલીપુખુરી વૉર મેમોરિયલમાં તિરંગોફરકાવવા માટે પોતાના હાથથી 20 ફીટનો તિરંગો બનાવ્યો. એ જ રીતે, ઈન્દોરમાં, લોકોએ માનવ શ્રૃંખલા દ્વારા ભારતનો નકશો બનાવ્યો. ચંડીગઢમાં યુવાનોએ વિશાળ માનવ તિરંગો બનાવ્યો. આ બંને પ્રયાસ ગિનીઝ રેકૉર્ડમાં પણ નોંધવામાં આવ્યા છે. આ બધાની વચ્ચે, હિમાચલ પ્રદેશની ગંગોટ પંચાયતમાં એક ખૂબ જ પ્રેરણાદાયક ઉદાહરણ પણ જોવા મળ્યું. આ પંચાયતમાં સ્વતંત્રતા દિવસના કાર્યક્રમમાં પ્રવાસી મજૂરોનાં બાળકોને મુખ્ય અતિથિના રૂપમાં સહભાગી બનાવવામાં આવ્યા.
સાથીઓ, અમૃત મહોત્સવના આ રંગો માત્ર ભારતમાં જ નહીં, પરંતુ વિશ્વના બીજા દેશોમાં પણ જોવા મળ્યા. બોત્સ્વાનામાં ત્યાંના રહેનારા સ્થાનિક ગાયકોએ ભારતની સ્વતંત્રતાનાં 75 વર્ષ મનાવવા માટે દેશભક્તિનાં 75 ગીતો ગાયાં. તેમાં વધુ વિશેષ વાત છે કે આ ગીતો હિન્દી, પંજાબી, ગુજરાતી, બાંગ્લા, અસમિયા, તમિલ, તેલુગુ, કન્નડ અને સંસ્કૃત જેવી ભાષામાં ગાવામાં આવ્યાં. આ જ રીતે, નામીબિયામાં ભારત-નામીબિયાના સાંસ્કૃતિક-પારંપરિક સંબંધો પર વિશેષ સ્ટેમ્પ જાહેર કરવામાં આવી છે.
સાથીઓ, હું વધુ એક ખુશીની વાત કહેવા માગું છું. હમણાં કેટલાક દિવસો પહેલાં, મને ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના કાર્યક્રમમાં જવાનો અવસર મળ્યો. ત્યાં તેમણે ‘સ્વરાજ’ નામના દૂરદર્શન ધારાવાહિકનું સ્ક્રીનિંગ રાખ્યું હતું. મને તેના પ્રિમિયર પર જવાની તક મળી. તે સ્વતંત્રતાના આંદોલનમાં ભાગ લેનારા અનામી નાયક-નાયિકાઓના પ્રયાસોથી દેશની યુવા પેઢીને પરિચિત કરવાની એક સુંદર પહેલ છે. દૂરદર્શન પર દર રવિવાર રાત્રે 9 વાગે, તેનું પ્રસારણ થાય છે. અને મને કહેવામાં આવ્યું કે ૭૫ સપ્તાહ સુધી તે ચાલવાનું છે. મારો અનુરોધ છે કે તમે સમય કાઢીને તેને સ્વયં પણજુઓ અને પોતાના ઘરનાં બાળકોને પણ અવશ્ય દેખાડો અને સ્કૂલ-કૉલેજના લોકો તો તેનું રેકૉર્ડિંગ કરીને જ્યારે સોમવારે સ્કૂલ-કૉલેજ ખુલે તો વિશેષ કાર્યક્રમની રચના પણ કરી શકે છે, જેથી સ્વતંત્રતાના જન્મના આ મહાનાયકો પ્રત્યે આપણા દેશમાં એક નવી જાગૃતિ પેદા થશે. સ્વતંત્રતાનો અમૃત મહોત્સવ આગામી વર્ષ અર્થાત્ ઑગસ્ટ 2023 સુધી ચાલશે. દેશ માટે, સ્વતંત્રતા સેનાનીઓ માટે જે લેખન-આયોજન વગેરે આપણે કરી રહ્યા હતા, આપણે તેમને હજુ આગળ વધારવાનું છે.
મારા પ્રિય દેશવાસીઓ, આપણા પૂર્વજોનું જ્ઞાન, આપણા પૂર્વજોની દીર્ઘ દૃષ્ટિ અને આપણા પૂર્વજોનું એકાત્મ ચિંતન, આજે પણ કેટલું મહત્ત્વપૂર્ણ છે, જ્યારે તેના ઊંડાણમાં જઈએ છીએ તો આપણને આશ્ચર્ય થાય છે. હજારો વર્ષ જૂનો આપણો ઋગ્વેદ. ઋગ્વેદમાં કહેવામાં આવ્યું છે:
ओमान मापो मानुषी: अम्रुक्तं धात तोकाय तनयाय शं यो: ।
यूयं हिष्ठा भिषजो मातृतमा विश्व्यस्य स्थातु: जगतो जनित्री: ।।
અર્થાત્ – હે જળ, તમે માનવતાના પરમ મિત્ર છો. તમે જીવનદાયિની છો, તમારાથી જ અન્ન ઉત્પન્ન થાય છે અને તમારાથી જ અમારાં સંતાનોનું હિત થાય છે. તમે અમને સુરક્ષા પ્રદાન કરનારા છો અને બધી બુરાઈઓથી દૂર રાખો છો. તમે સૌથી ઉત્તમ ઔષધિ છો અને તમે જ આ બ્રહ્માંડના પાલનહાર છો.
વિચારો, આપણી સંસ્કૃતિમાં, હજારો વર્ષ પહેલાં, જળ અને જળ સંરક્ષણનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું છે. જ્યારે આ જ્ઞાન, આપણે આજના સંદર્ભમાં જોઈએ છીએ તો રોમાંચિત થઈ ઊઠીએ છીએ, પરંતુ જ્યારે આ જ્ઞાનને દેશ પોતાના સામર્થ્યના રૂપમાં સ્વીકારે છે તો તેની શક્તિ અનેક ગણી વધી જાચ છે. તમને યાદ હશે, ‘મન કી બાત’માં જ ચાર મહિના પહેલાં મેં અમૃત સરોવરની વાત કરી હતી. તે પછીઅલગ-અલગ જિલ્લાઓમાં સ્થાનિક પ્રશાસન લાગ્યું, સ્વયંસેવી સંસ્થાઓ લાગી અને સ્થાનિક લોકો જોડાયા, જોતજોતામાં, અમૃત સરોવરનું નિર્માણ એક જન આંદોલન બની ગયું છે. જ્યારે દેશ માટે કંઈક કરવાની ભાવના હોય, પોતાનાં કર્તવ્યોની અનુભૂતિ હોય, આવનારી પેઢીઓની ચિંતા હોય તો સામર્થ્ય પણ જોડાય છે અને સંકલ્પ પ્રમાણિક બની જાય છે. મને તેલંગાણાના વારંગલના એક શાનદાર પ્રયાસની જાણકારી મળી છે. અહીં એક નવી ગ્રામ પંચાયતનું ગઠન થયું છે જેનું નામ છે ‘મંગત્યા-વાલ્યા થાંડા’. આ ગામ વન વિસ્તારની નજીક છે. અહીં ગામની પાસે જ એક એવું સ્થાન હતું જ્યાં ચોમાસા દરમિયાન ઘણું પાણી એકઠું થઈ જતુ હતું. ગામના લોકોની પહેલ પર હવે આ સ્થાનને અમૃત સરોવર અભિયાન હેઠળ વિકસિત કરવામાં આવી રહ્યું છે. આ વખતે ચોમાસા દરમિયાન થયેલા વરસાદમાં આ સરોવર પાણીથી એકદમ ભરાઈ ગયું છે.
હું મધ્ય પ્રદેશના મંડલામાં મોચા ગ્રામ પંચાયતમાં બનેલા અમૃત સરોવર વિશે પણ તમને જણાવવા માગું છું. આ અમૃત સરોવર કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન પાસે બનેલું છે અને તેનાથી આ વિસ્તારની સુંદરતા ઓર વધી ગઈ છે. ઉત્તર પ્રદેશના લલિતપુરમાં, નવનિર્મિત શહીદ ભગતસિંહ અમૃત સરોવર પણ લોકોને ઘણું આકર્ષિત કરી રહ્યું છે. ત્યાંની નિવારી ગ્રામ પંચાયતમાં બનેલું આ સરોવર ચાર ઍકરમાં ફેલાયેલું છે. સરોવરના કિનારે થયેલું વૃક્ષારોપણ તેની શોભા વધારી રહ્યું છે. સરોવર પાસે લાગેલા ૩૫ ફીટ ઊંચા તિરંગાને જોવા માટે પણ દૂર-દૂરથી લોકો આવી રહ્યા છે. અમૃત સરોવરનું આ અભિયાન કર્ણાટકમાં પણ જુસ્સાભેર ચાલી રહ્યું છે. ત્યાંના બાગલકોટ જિલ્લાના ‘બિલ્કેરુર’ ગામમાં લોકોએ ખૂબ જ સુંદર અમૃત સરોવર બનાવ્યું છે. હકીકતે, આ ક્ષેત્રમાં, પહાડમાંથી નીકળતા પાણીનાકારણે લોકોને ઘણી મુશ્કેલી પડતી હતી, ખેડૂતો અને તેમના પાકને પણ નુકસાન થતું હતું. અમૃત સરોવર બનાવવા માટે ગામના લોકો, આખા પાણીને ચેનલાઇઝ કરીને એક તરફ લઈ ગયા. તેનાથી વિસ્તારમાં પૂરની સમસ્યા પણ દૂર થઈ ગઈ. અમૃત સરોવર અભિયાન આપણી આજની અનેક સમસ્યાઓનું સમાધાન તો કરે જ છે, આપણી આવનારી પેઢીઓ માટે પણ એટલું જ આવશ્યક છે. આ અભિયાન હેઠળ, અનેક જગ્યાઓ પર, જૂનાં જળાશયોનો પણ કાયાકલ્પ કરવામાં આવી રહ્યો છે. અમૃત સરોવરનો ઉપયોગ, પશુઓની તરસ છિપાવવાની સાથે, ખેતી માટે પણ થઈ રહ્યો છે. આ તળાવોના કારણે આસપાસનાં ક્ષેત્રોના ભૂગર્ભ જળનું સ્તર વધ્યું છે. તો તેની ચારે તરફ હરિયાળી પણ વધી રહી છે. એટલું જ નહીં, અનેક જગ્યાએ લોકો અમૃત સરોવરમાં મત્સ્ય પાલનની તૈયારીઓમાં પણ લાગેલા છે. મારો, તમને બધાને અને ખાસ તો મારા યુવાન સાથીઓને અનુરોધ છે કે તમે અમૃત સરોવર અભિયાનમાં આગળ વધીને ભાગ લો અને જળ સંચય અને જળ સંરક્ષણના આ પ્રયાસોને પૂરી તાકાત આપો, તેને આગળ વધારો.
મારા પ્રિય દેશવાસીઓ, આસામના બોન્ગાઈ ગામમાં એક રસપ્રદ પરિયોજના ચલાવવામાં આવી રહી છે- પ્રૉજેક્ટ સંપૂર્ણા. આ પ્રૉજેક્ટનો હેતુ છે કુપોષણ વિરુદ્ધ લડાઈ અને આ લડાઈની રીત પણ ખૂબ જ અનોખી છે. તેના હેઠળ, કોઈ આંગણવાડી કેન્દ્રની એક સ્વસ્થ બાળકની માતા, એક કુપોષિત બાળકની માને દર સપ્તાહે મળે છે અને પોષણ સંબંધિત બધી જાણકારીઓ પર ચર્ચા કરે છે. અર્થાત્, એક માતા, બીજી માતાની મિત્ર બનીને તેની મદદ કરે છે, તેને શિખામણ આપે છે. આ પ્રૉજેક્ટની મદદથી, આ ક્ષેત્રમાં, એક વર્ષમાં, 90 ટકાથી વધુ બાળકોનું કુપોષણ દૂર થયું છે. તમે કલ્પના કરીશકો છો, શું કુપોષણ દૂર કરવામાં ગીત-સંગીત અને ભજનનો પણ ઉપયોગ થઈ શકે છે? મધ્ય પ્રદેશના દતિયા જિલ્લામાં ‘મેરા બચ્ચા અભિયાન’, આ ‘મેરા બચ્ચા અભિયાન’માં તેનો સફળતાપૂર્વક પ્રયોગ કરવામાં આવ્યો. તેના હેઠળ, જિલ્લામાં ભજન-કીર્તન આયોજિત કરવામાં આવ્યાં, જેમાં પોષણ ગુરુ કહેવાતા શિક્ષકોને બોલાવવામાં આવ્યા. એક મટકા કાર્યક્રમ પણ થયો, તેમાં મહિલાઓ, આંગણવાડી કેન્દ્ર માટે મુઠ્ઠી ભરીને અનાજ લાવે છે અને આ અનાજથી શનિવારે ‘બાળભોજ’નું આયોજન થાય છે. તેનાથી આંગણવાડી કેન્દ્રોમાં બાળકોની ઉપસ્થિતિ વધવાની સાથે જ કુપોષણ પણ ઓછું થયું છે. કુપોષણ પ્રત્યે જાગૃતિ વધારવા માટે એક અનોખું અભિયાન ઝારખંડમાં પણ ચાલી રહ્યું છે. ઝારખંડના ગિરિડીહમાં સાપ-સીડીની એક રમત તૈયાર કરવામાં આવી છે. રમતરમતમાં બાળકો, સારી અને ખરાબ ટેવો વિશે શીખે છે.
સાથીઓ, કુપોષણ સાથે જોડાયેલા આટલા બધા અભિનવ પ્રયોગો વિશે, હું તમને એટલા માટે જણાવી રહ્યો છું કારણકે આપણે બધાએ પણ આવનારા મહિનામાં, આ અભિયાન સાથે જોડાવાનું છે. સપ્ટેમ્બરનો મહિનો તહેવારોની સાથોસાથ પોષણ સાથે જોડાયેલા મોટા અભિયાનને પણ સમર્પિત છે. આપણે પ્રતિ વર્ષ 1થી 30 સપ્ટેમ્બરની વચ્ચે પોષણ માસ મનાવીએ છીએ. કુપોષણની વિરુદ્ધ સમગ્ર દેશમાં અનેક ક્રિએટિવ અને વૈવિધ્યસભર પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ટૅકનૉલૉજીનો વધુ સારો ઉપયોગ અને જનભાગીદારી પણ, પોષણ અભિયાનનો મહત્ત્વપૂર્ણ હિસ્સો બન્યા છે. દેશમાં લાખો આંગણવાડી કાર્યકર્તાઓને મોબાઇલ ડિવાઈસ આપવાથી લઈને આંગણવાડી સેવાઓની પહોંચનું નિરીક્ષણ કરવા માટે પોષણ ટ્રેકર પણ લૉંચ કરવામાં આવ્યું છે. બધા આકાંક્ષી જિલ્લાઓ અને ઈશાન ભારતનાં રાજ્યોમાં ૧૪થી ૧૮ વર્ષની દીકરીઓને પણ, પોષણ અભિયાનના પરીઘમાં લાવવામાં આવીછે. કુપોષણની સમસ્યાનું નિરાકરણ આ પગલાંઓ સુધી જ સીમિત નથી. આ લડાઈમાં, બીજી અનેક પહેલની પણ અગત્યની ભૂમિકા છે. ઉદાહરણ રૂપે, જળ જીવન મિશનને જ લઈએ, તો ભારતને કુપોષણમુક્ત કરવામાં આ મિશનની પણ બહુ મોટી અસર થવાની છે. કુપોષણના પડકારોને પહોંચી વળવામાં, સામાજિક જાગૃતિ સાથે જોડાયેલા પ્રયાસો, મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. હું તમને બધાને અનુરોધ કરીશ કે તમે આવનારા પોષણ માસમાં, કુપોષણ અથવા માલન્યૂટ્રિશનને દૂર કરવાના પ્રયાસોમાં ભાગ જરૂર લો.
મારા પ્રિય દેશવાસીઓ, ચેન્નાઈથી શ્રીદેવી વરદરાજનજીએ મને એક રિમાઇન્ડર મોકલ્યું છે. તેમણે MyGovપર પોતાની વાત કંઈક આ પ્રકારે લખી છે- નવા વર્ષને આવવામાં હવે પાંચ મહિનાથી પણ ઓછો સમય બચ્યો છે અને આપણે બધાં જાણીએ છીએ કે આવનારું નવું વર્ષ Intertnational Year Of Millets ના રૂપમાં મનાવવામાં આવશે. તેમણે મને દેશનો એક Millet Map પણ મોકલ્યો છે. સાથે જ પૂછ્યું છે કે શું તમે ‘મન કી બાત’માં આવનારા હપ્તામાં તેના પર ચર્ચા કરી શકો છો? મને, પોતાના દેશવાસીઓમાં આ પ્રકારની લાગણી જોઈને ખૂબ જ આનંદની અનુભૂતિ થાય છે. તમને સ્મરણ હશે કે સંયુક્ત રાષ્ટ્રએ એક પ્રસ્તાવ પસાર કરીને વર્ષ ૨૦૨૩ને International Year of Millets ઘોષિત કર્યું છે. તમને એ જાણીને પણ ખૂબ જ આનંદ થશે કે ભારતના આ પ્રસ્તાવને ૭૦થી વધુ દેશોનું સમર્થન મળ્યું હતું. આજે, વિશ્વ ભરમાં, આ જાડા અનાજની, Milletની ચાહના વધતી જઈ રહી છે. સાથીઓ, જ્યારે હું જાડા અનાજની વાત કરું છુ તો મારા એક પ્રયાસને પણ આજે તમને જણાવવા માગું છું. ગત કેટલાક સમયમાં ભારતમાં કોઈ પણ વિદેશી મહેમાન જ્યારે આવે છે,રાષ્ટ્રાધ્યક્ષ જ્યારે ભારત આવે છે તો મારો પ્રયાસ હોય છેકે ભોજનમાં ભારતના Millets અર્થાત્ આપણા જાડાં અનાજમાંથી બનતાં વ્યંજન બનાવડાવું. અને અનુભવ એવો થયો છે કે આ મહાનુભાવોને, આ વ્યંજનો ઘણાં પસંદ આવે છે અને આપણા જાડા અનાજના સંબંધમાં, Milletsના સંબંધમાં, ઘણી જાણકારીઓ એકત્ર કરવાનો તેઓ પ્રયાસ પણ કરે છે. Millets,જાડા અનાજ પ્રાચીન કાળથી જ આપણી કૃષિ સંસ્કૃતિ અને સભ્યતાનો હિસ્સો રહ્યા છે. આપણા વેદોમાં પણ જાડાં અનાજનો ઉલ્લેખ મળે છે અને આ જ રીતે પુરાણનુરુ અને તોલ્કાપ્પિયમમાં પણ, તેના વિશે જણાવવામાં આવ્યું છે. તમે દેશના કોઈ પણ હિસ્સામાં જાવ, તમને ત્યાંના લોકોની ખાણીપીણીમાં, અલગ-અલગ પ્રકારનાં જાડાં અનાજ જરૂર જોવા મળશે. આપણી સંસ્કૃતિની જેમ જ, જાડાં અનાજમાં પણ ઘણી વિવિધતાઓ મળી આવે છે. જુવાર, બાજરો, રાગી, સાવાં, કંગની, ચીના, કોદો, કુટકી, કુટ્ટુ, આ બધાં જાડાં અનાજ જ તો છે. ભારત વિશ્વમાં જાડા અનાજનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે. આથી આ પહેલને સફળ બનાવવાની મોટી જવાબદારી પણ આપણા ભારતવાસીઓના ખભા પર જ છે. આપણે બધાએ મળીને તેને જન આંદોલન બનાવવાનું છે અને દેશના લોકોમાં જાડા અનાજ પ્રત્યે જાગૃતિ પણ વધારવાની છે. અને સાથીઓ, તમે તો સારી રીતે જાણો છો, જાડા અનાજ, ખેડૂતો માટે પણ ફાયદારૂપ છે અને તે પણ ખાસ કરીને નાના ખેડૂતોને. વાસ્તવમાં, ખૂબ જ ઓછા સમયમાં પાક તૈયાર થઈ જાય છે અને તેમાં વધુ પાણીની આવશ્યકતા પણ નથી હોતી. આપણા નાના ખેડૂતો માટે તો જાડાં અનાજ વિશેષ રીતે લાભકારી છે. જાડા અનાજના ભૂસાને સારો ચારો પણ માનવામાં આવે છે. આજકાલ, યુવાન પેઢી હેલ્ધી લિવિંગ અને ઇટિંગ પર ખૂબ જ ધ્યાન આપે છે. આ હિસાબે જોઈએ તો પણ જાડા અનાજમાં ભરપૂર પ્રૉટિન, ફાઇબર અને ખનીજ ત્તત્વો હાજર હોય છે. અનેક લોકો તો તેને સુપર ફૂડ પણ કહે છે. જાડાં અનાજથી એક નહીં, અનેકલાભ છે.સ્થૂળતાને ઓછી કરવાની સાથે જ ડાયાબિટીસ, હાઇપરટેન્શન અને હૃદયસંબંધિત રોગોનાં જોખમોને પણ ઓછું કરે છે. તેની સાથે જ તે પેટ અને લીવરની બીમારીઓથી બચાવમાં પણ મદદગાર છે. થોડા વખત પહેલાં જ આપણે કુપોષણ વિશે વાત કરી.કુપોષણ સામે લડવામાં પણ જાડાં અનાજ ઘણાં લાભદાયક છે કારણકે તે પ્રૉટીન સાથે-સાથે ઊર્જાથી પણ ભરેલાં હોય છે. દેશમાં આજે જાડાં અનાજને ઉત્તેજન આપવા માટે ઘણું બધું કરવામાં આવે છે. તેની સાથે જોડાયેલ સંશોધન અને નવીન શોધ પર ધ્યાન આપવાની સાથે જ એફપીઓને પણ પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યાં છે, જેથી ઉત્પાદન વધારી શકાય. મારો, મારા ખેડૂત ભાઈ-બહેનોને એ જ અનુરોધ છે કે જાડાં અનાજને અધિકમાં અધિક અપનાવો અને તેનો ફાયદો ઉઠાવો. મને એ જોઈને ઘણું સારું લાગે છે કે આજે અનેક એવાં સ્ટાર્ટ અપ ઉભરી રહ્યાં છે જે જાડાં અનાજ પર કામ કરી રહ્યાં છે. તેમાંનાં કેટલાક મિલેટ કૂકીઝ બનાવી રહ્યા છે, તો કેટલાંક મિલેટ પૅન કેક્સ અને ડોસા પણ બનાવી રહ્યાં છે. તો કેટલાંક એવાં છે જે મિલેટ એનર્જી બાર્સ અને મિલેટ બ્રૅકફાસ્ટ તૈયાર કરી રહ્યાં છે. હું આ ક્ષેત્રમાં કામ કરતા બધા લોકોને ખૂબ-ખૂબ શુભકામનાઓ આપું છું. તહેવારોની આ ઋતુમાં આપણે લોકો ઘણા બધાં પકવાનોમાં પણ જાડાં અનાજનો ઉપયોગ કરીએ છીએ. તમે તમારાં ઘરોમાં બનતાં આવાં પકવાનોની તસવીરો સૉશિયલ મિડિયા પર જરૂર શૅર કરો, જેથી લોકોમાં જાડાં અનાજ પ્રત્યે જાગૃતિ વધારવામાં મદદ મળે.
મારા પ્રિય દેશવાસીઓ, હમણાં કેટલાક દિવસો પહેલાં, મેં અરુણાચલ પ્રદેશના સિયાંગ જિલ્લામાં જોરસિંગ ગામના એક સમાચાર જોયા. આ સમાચાર એક એવા પરિવર્તન વિશે હતા, જેની ઈંતેજારી, આ ગામના લોકોને અનેક વર્ષોથી હતી. હકીકતે, જોરસિંગ ગામમાં આ મહિને જ, સ્વતંત્રતા દિવસનાં દિનથીફોર-જી ઇન્ટરનેટ સેવાઓ શરૂ થઈ ગઈ છે.
જેવી રીતે, પહેલાં ક્યારેક ગામમાં વીજળી પહોંચતી તો લોકો ખુશ થતા હતા, હવે નવા ભારતમાં આવી જ ખુશી ફોર-જી પહોંચવાથી થાય છે. અરુણાચલ અને ઈશાન ભારતના દૂર-સુદૂર વિસ્તારોમાં ફોર-જીના રૂપમાં એક નવો સૂર્યોદય થયો છે, ઇન્ટરનેટ જોડાણ એક નવું પ્રભાત લાવ્યું છે. જે સુવિધાઓ ક્યારેક માત્ર મોટાં શહેરોમાં જ મળતી હતી, તે ડિજિટલ ઇન્ડિયાએ ગામેગામ પહોંચાડી દીધી છે. આ કારણથી દેશમાં નવા ડિજિટલ સાહસિકો પેદા થઈ રહ્યા છે.
રાજસ્થાનના અજમેર જિલ્લાના સેઠાસિંહ રાવતજી ‘દરજી ઑનલાઇન’ નામનો ઇ-સ્ટૉર ચલાવે છે. તમે વિચારતા હશો કે આ તે વળી કેવું કામ ? દરજી ઑનલાઇન? વાસ્તવમાં, સેઠાસિંહ રાવત કૉવિડ પહેલાં દરજીનું કામ કરતા હતા. કૉવિડ આવ્યું તો રાવતજીએ આ પડકારને આફત નહીં, પરંતુ અવસરના રૂપમાં લીધો. તેમણે ‘કૉમન સર્વિસ સેન્ટર’ અર્થાત્ CSC E Store જૉઇન કર્યો અને ઑનલાઇન કામકાજ શરૂ કર્યું. તેમણે જોયું કે ગ્રાહકો મોટી સંખ્યામાં માસ્કનો ઑર્ડર આપી રહ્યા છે. તેમણે કેટલીક મહિલાઓને કામ પર રાખી અને માસ્ક બનાવવા લાગ્યા. તે પછી તેમણે ‘દરજી ઑનલાઇન’ નામથી પોતાનો ઑનલાઇન સ્ટૉર શરૂ કર્યો જેમાં બીજાં પણ અનેક પ્રકારનાં કપડાં તેઓ બનાવીને વેચવા લાગ્યા. આજે ડિજિટલ ઇન્ડિયાની તાકાતથી સેઠાસિંહજીનું કામ એટલું વધી ચૂક્યું છે કે હવે તેમને પૂરા દેશમાંથી ઑર્ડર મળે છે. સેંકડો મહિલાઓને તેમણે પોતાને ત્યાં આજીવિકા આપી છે. ડિજિટલ ઇન્ડિયાએ ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં રહેતા ઓમપ્રકાશસિંહજીને પણ ડિજિટલ સાહસિક બનાવી દીધા છે. તેમણે પોતાના ગામમાં એક હજારથી વધુ બ્રૉડબેન્ડ જોડાણ સ્થાપિત કર્યાં છે. ઓમપ્રકાશજીએ પોતાના કૉમન સર્વિસ સેન્ટરની આસપાસ નિ:શુલ્ક વાઇફાઇ ઝૉનનું પણ નિર્માણ કર્યું છે જેથી જરૂરિયાતવાળા લોકોને ઘણી મદદ મળે છે. ઓમપ્રકાશજીનું કામ હવે એટલું વધી ગયું છે કે તેમણે 20થી વધુ લોકોને નોકરી પર રાખી લીધા છે. આ લોકો, ગામડાંઓની શાળાઓ, હૉસ્પિટલો, તાલુકા કચેરીઓ અને આંગણવાડી કેન્દ્રો સુધી બ્રૉડબૅન્ડ કનેક્શન પહોંચાડી રહ્યા છે અને તેનાથી આજીવિકા પણ પ્રાપ્ત કરી રહ્યા છે. કૉમન સર્વિસ સેન્ટરની જેમ જ ગવર્નમેન્ટ ઇ-માર્કેટ પ્લેસ એટલે કે GEM પૉર્ટલ પર પણ આવી અનેક સફળ ગાથાઓ જોવા મળી રહી છે.
સાથીઓ, મને ગામડાંઓમાંથી એવા અનેક સંદેશાઓ મળે છે જે ઇન્ટરનેટના કારણે આવેલાં પરિવર્તનો વિશે મને જણાવે છે. ઇન્ટરનેટે આપણા યુવા સાથીઓના અભ્યાસ અને શીખવાની રીતોને જ બદલી નાખી છે. જેમ કે, ઉત્તર પ્રદેશની ગુડિયાસિંહ જ્યારે ઉન્નાવના અમોઇયા ગામમાં પોતાના સાસરે આવી તો તેમને પોતાના ભણતરની ચિંતા થઈ.પરંતુ ભારતનેટે તેમની આ ચિંતાનું સમાધાન કરી દીધું. ગુડિયાએ ઇન્ટરનેટ દ્વારા પોતાના અભ્યાસને આગળ વધાર્યો અને પોતાનો સ્નાતક અભ્યાસપણ પૂરો કર્યો. ગામેગામમાં આવાં અનેક જીવન ડિજિટલ ઇન્ડિયા અભિયાનથી નવી શક્તિ મેળવી રહ્યા છે. તમે મને ગામડાંઓના ડિજિટલ સાહસ વિશે, વધુમાં વધુ લખીને મોકલો અને તેમની સફળ ગાથાઓને સૉશિયલ મિડિયા પર પણ જણાવો.
મારા પ્રિય દેશવાસીઓ, કેટલાક સમય પહેલાં, મને હિમાચલ પ્રદેશથી ‘મન કી બાત’ના એક શ્રોતા રમેશજીનો પત્ર મળ્યો. રમેશજીએ પોતાના પત્રમાં પહાડોની અનેક ખૂબીઓનો ઉલ્લેખ કર્યો છે. તેમણે લખ્યું કે પહાડીઓ પર લોકો ભલે દૂર-દૂર વસતા હોય, પરંતુ લોકોનાં હૈયાં ખૂબ જ નજીક હોય છે. ખરેખર, પહાડો પર રહેનારા લોકોના જીવનથી આપણે ઘણું બધું શીખી શકીએ છીએ. પહાડોની જીવનશૈલી અને સંસ્કૃતિથી આપણને પહેલો પાઠ તો એ મળે છે કેઆપણે પરિસ્થિતિઓના દબાણમાં ન આવીએ તો સરળતાથી તેના પર વિજય પણ પ્રાપ્ત કરી શકીએ છીએ અને બીજું, આપણે સ્થાનિક સંસાધનોથી કેવી રીતે આત્મનિર્ભર બની શકીએ છીએ? જે પહેલી શિખામણનો ઉલ્લેખ મેં કર્યો, તેનું એક સુંદર ચિત્ર આ દિવસોમાં સ્પીતિ ક્ષેત્રમાં જોવા મળી રહ્યું છે. સ્પીતી એક જનજાતીય ક્ષેત્ર છે. ત્યાં, આ દિવસોમાં વટાણા તોડવાનું કામ ચાલે છે. પહાડી ખેતરો પર એ એક મહેનતભર્યું અને મુશ્કેલ કામ હોય છે. પરંતુ અહીં, ગામની મહિલાઓ એકઠી થઈને, એક સાથે મળીને, એકબીજાનાં ખેતરોમાંથી વટાણા તોડે છે. આ કામની સાથેસાથે મહિલાઓ સ્થાનિક ગીત ‘છપરા માઝી છપરા’ પણ ગાય છે. એટલે કે અહીં, પરસ્પર સહયોગ પણ લોકપરંપરાનો હિસ્સો છે. સ્પીતીમાં સ્થાનિક સંસાધનોના સદુપયોગનું પણ સુંદર ઉદાહરણ મળે છે. સ્પીતીમાં જે ખેડૂતો ગાય પાળે છે, તેના ગોબરને સૂકવીને કોથળામાં ભરીલે છે. જ્યારે શિયાળો આવે છે તો આ કોથળાઓને ગાયના રહેવાની જગ્યામાં, જેને ત્યાં ખૂડ કહે છે, તેમાં પાથરી દેવામાં આવે છે. હિમવર્ષાની વચ્ચે, આ કોથળા ગાયોને ઠંડીથી સુરક્ષા આપે છે. ઠંડી ચાલી જાય તે પછી આ ગોબર ખેતીમાં ખાતર તરીકે વપરાય છે.
અર્થાત્, પશુઓના મળમાંથી જ તેમની સુરક્ષા પણ થાય છે અને ખેતરમાં ખાતર તરીકે ઉપયોગ પણ થાય છે. ખેતીનો પડતર ખર્ચ પણ ઓછો અને ખેતરમાં ઉપજ પણ વધુ. આથી તો આ ક્ષેત્ર, આ દિવસોમાં, પ્રાકૃતિક ખેતી માટે પણ એક પ્રેરણા બની રહ્યું છે.
સાથીઓ, આ પ્રકારના અનેક પ્રશંસનીય પ્રયાસો, આપણા એક બીજા પહાડી રાજ્ય, ઉત્તરાખંડમાં પણ જોવા મળે છે. ઉત્તરાખંડમાં અનેક પ્રકારની ઔષધિ અને વનસ્પતિઓ જોવા મળે છે. તે આપણા આરોગ્ય માટે ઘણી જ ફાયદારૂપ હોય છે. તેમાંથી એક ફળ છે – બેડુ. તેને હિમાલયન ફિગ નામથી પણ ઓળખવામાં આવે છે. આ ફળમાં, ખનીજઅને વિટામીન ભરપૂર માત્રામાં મળે છે. લોકો, ફળના રૂપમાં તો તેનું સેવન કરે જ છે, સાથે જ અનેક બીમારીઓના ઉપચારમાં પણ તેનો ઉપયોગ થાય છે. આ ફળની આ ખૂબીઓને જોઈને જ હવે બેડુના જ્યુસ, તેનાથી બનેલા જામ, ચટણી, અથાણાં અને તેને સૂકવીને તૈયાર કરવામાં આવતા સૂકા ફળને બજારમાં મૂકવામાં આવ્યાં છે. પિથૌરાગઢ પ્રશાસનની પહેલ અને સ્થાનિક લોકોના સહયોગથી બેડૂને બજાર સુધી અલગ-અલગ રૂપોમાં પહોંચાડવામાં સફળતા મળી છે. બેડૂને પહાડી અંજીરના નામથી બ્રાન્ડિંગ કરીને ઑનલાઇન માર્કેટમાં પણ ઉતારવામાં આવ્યું છે. તેનાથી ખેડૂતોને આવકનો નવો સ્રોત તો મળ્યો જ છે, સાથે જ બેડૂના ઔષધીય ગુણોના ફાયદા દૂર-દૂર સુધી પહોંચવા લાગ્યા છે.
મારા પ્રિય દેશવાસીઓ, ‘મન કી બાત’માં આજે શરૂઆતમાં આપણે સ્વતંત્રતાના અમૃત મહોત્સવ વિશે વાત કરી છે. સ્વતંત્રતા દિવસના મહાન પર્વની સાથોસાથ આવનારા દિવસોમાં અનેક પર્વ પણ આવનારા છે. હવે કેટલાક દિવસો પછી જ ભગવાન ગણેશજીની આરાધનાનું પર્વ ગણેશ ચતુર્થી છે. ગણેશ ચતુર્થી, અર્થાત, ગણપતિ બપ્પાના આશીર્વાદનું પર્વ. ગણેશ ચતુર્થી પહેલા ઓણમનું પર્વ પણ શરૂ થઈ રહ્યું છે. વિશેષ રીતે કેરળમાં ઓણમ શાંતિ અને સમૃદ્ધિની ભાવના સાથે મનાવવામાં આવશે. 30 ઑગસ્ટે હરતાલિકા ત્રીજ પણ છે. ઓડિશામાં 1 સપ્ટેમ્બરે નુઆખાઈનું પર્વ પણ મનાવવામાં આવશે.નુઆખાઈનો અર્થ થાય છે, નવું ખાણું, અર્થાત્, તે પણ બીજા પર્વોની જેમ જ, આપણી કૃષિ પરંપરા સાથે જોડાયેલો તહેવાર છે. દરમિયાનમાં જ, જૈન સમાજનો સંવત્સરી પર્વ પણ આવશે. આપણા આ બધા પર્વો, આપણી સાંસ્કૃતિક સમૃદ્ધિ અને જીવંતતાનો પર્યાય છે. હું, તમને સહુને, આ તહેવારો અને વિશેષ અવસરો માટે શુભકામનાઓ પાઠવુ છું. આપર્વોની સાથોસાથ કાલે ૨૯ ઑગસ્ટે, મેજર ધ્યાનચંદજીની જયંતી પર રાષ્ટ્રીય ખેલ દિવસ પણ મનાવવામાં આવશે. આપણા યુવા ખેલાડીઓ વૈશ્વિક મંચ પર આપણા તિરંગાની શાન વધારતા રહે, તે જ આપણી ધ્યાનચંદજીને શ્રદ્ધાંજલી હશે. દેશ માટે આપણે બધા મળીને આવાં જ કામો કરતા રહીએ, દેશનું માન વધારતા રહીએ, આવી કામના સાથે હું મારી વાત સમાપ્ત કરું છું. આવતા મહિને, એક વાર ફરી, તમારી સાથે ‘મન કી બાત’ થશે. ખૂબ-ખૂબ ધન્યવાદ.
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1854963)
आगंतुक पटल : 420
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Punjabi
,
Telugu
,
Kannada
,
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Odia
,
Tamil
,
Malayalam