ગૃહ મંત્રાલય

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે તેમની બે દિવસીય ગુજરાત મુલાકાતના પ્રથમ દિવસે આજે ગાંધીનગરમાં વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાત પોલીસનાં સ્ટેટ લેવલ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર 'ત્રિનેત્ર' અને અન્ય આધુનિક ટેકનિકલ સેવાઓનું ઉદ્ઘાટન કર્યું

Posted On: 23 JUL 2022 7:36PM by PIB Ahmedabad

ગુજરાત પોલીસને આધુનિક અને ટેક્નોસેવી બનાવવા અને લોકોની સુવિધા વધે તે માટે ગુજરાત સરકાર દ્વારા આજે અનેક મહત્વનાં કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે

શ્રી નરેન્દ્ર મોદીજીએ મુખ્યમંત્રી તરીકે રહીને ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા અને પોલીસ દળને આધુનિક અને સશક્ત બનાવવાને હંમેશા પ્રાથમિકતા આપી હતી. આથી જ ગુજરાત પોલીસે ઘણાં વર્ષોથી દેશમાં અગ્રેસર રહેવાની પરંપરા બનાવી છે અને રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહ મંત્રીનાં નેતૃત્વમાં આ પરંપરા ચાલુ રહેશે તેવો મને સંપૂર્ણ વિશ્વાસ છે

રાષ્ટ્રપતિની ચૂંટણીમાં શ્રીમતી દ્રૌપદી મુર્મુજીએ પ્રચંડ બહુમતી મેળવી છે, દેશનાં  સર્વોચ્ચ પદ માટે ચૂટાવું અને શ્રીમતી દ્રૌપદી મુર્મુથી મહામહિમ શ્રીમતી દ્રૌપદી મુર્મુ બનવું એ દેશનાં 75 વર્ષ જૂના લોકતાંત્રિક ઇતિહાસમાં એક ઐતિહાસિક ઘટના છે

રાષ્ટ્રપતિ જેવાં મહત્વપૂર્ણ પદ માટે ઉમેદવારોની પસંદગી માટે અમારી પાર્ટીએ હંમેશા એક નવી ચેષ્ટા અને પ્રયાસ કર્યો છે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ આ પરંપરાને આગળ વધારી છે

શ્રી અટલ બિહારી વાજપેયીએ મિસાઇલ મેન ડૉ. એપીજે અબ્દુલ કલામને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવ્યા અને શ્રી નરેન્દ્ર મોદીજીએ પ્રધાનમંત્રી બન્યા બાદ ખૂબ જ ગરીબ અને દલિત સમાજના શ્રી રામનાથ કોવિંદજીને ઉમેદવાર બનાવ્યા અને હવે આદિવાસી સમુદાયમાંથી શ્રીમતી દ્રૌપદી મુર્મુને રાષ્ટ્રપતિ તરીકે ચૂંટવામાં આવ્યાં છે

આદિવાસી લોકોનાં સશક્તીકરણ અને સમાજને તેનાં નામે વિભાજિત કરીને આદિવાસી સશક્તીકરણનાં નામે રાજકારણ કરતા તમામ લોકોને આ જવાબ છે કે આદિવાસી સશક્તીકરણ માત્ર શબ્દોથી નહીં પરંતુ આવાં કાર્યોથી થાય છે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ દેશના દરેક નાગરિકને 13થી 15 ઑગસ્ટ સુધી ઘરમાં તિરંગો લગાવવાની અપીલ કરી છે

હું સમગ્ર ગુજરાતની જનતાને અપીલ કરું છું કે રાજ્યમાં કોઈ ઘર, ઓફિસ કે પરિસર એવું ન હોય જ્યાં તિરંગો ફરકાવવામાં ન આવ્યો હોય, ગરીબો, શ્રીમંતો, સરકાર અને ખાનગી કર્મચારીઓ સહિત આપણા સૌની જવાબદારી છે કે, આપણા પોતપોતાનાં ઘરે તિરંગો ફરકાવીને આ કાર્યક્રમને સફળ બનાવીએ

ગુજરાત પોલીસને આધુનિક ટેકનોલોજીથી સજ્જ કરવા માટે ઈ-કોપથી લઈ ત્રિનેત્ર સુધીની આ યાત્રા દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ શરૂ કરી હતી અને તેમનાં  સ્વપ્નને સાકાર કરવાની આ યાત્રા છે

કમાન્ડ એન્ડ કન્ટ્રોલ રૂમ માત્ર 7000 કેમેરા પૂરતો મર્યાદિત ન રાખવો જોઈએ પરંતુ ગુજરાતનાં રેલવે સ્ટેશન, બસ સ્ટોપ, બંદરો, એરપોર્ટ અને રહેણાંક કોલોની સહિતના દરેક કેમેરાનો તેમાં અદ્યતન ટેકનોલોજી અપનાવીને સમાવેશ થવો જોઈએ

આ પ્રોજેક્ટ સુરક્ષા ચક્ર બનાવવાની ગુજરાત સરકારની યોજનાને સુદર્શન ચક્રમાં પરિવર્તિત કરીને ગુજરાતનું રક્ષણ કરશે

વર્ષ 2001માં શ્રી નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બન્યા બાદ ગુજરાત પોલીસે હંમેશા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ભાર મૂકીને સમાજના દુશ્મનો સામે દ્રઢ નિશ્ચય અને કઠોરતા સાથે હંમેશા પગલાં ભર્યાં છે

પોલીસ આધુનિક, સંવેદનશીલ અને ટેક્નોસેવી બની છે અને પ્રધાનમંત્રી  શ્રી નરેન્દ્ર મોદીજીએ તેની સપોર્ટ સિસ્ટમને મજબૂત બનાવવાનું કામ કર્યું છે

 

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે તેમની બે દિવસીય ગુજરાત મુલાકાતના પ્રથમ દિવસે આજે ગાંધીનગરમાં વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાત પોલીસનાં સ્ટેટ લેવલ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર 'ત્રિનેત્ર' અને અન્ય આધુનિક ટેકનિકલ સેવાઓનો શુભારંભ કરાવ્યો હતો. કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

પ્રસંગે કેન્દ્રીય ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાત પોલીસને આધુનિક અને ટેક્નોસેવી બનાવવા તથા લોકોની સુવિધાઓમાં વધારો થાય તે માટે ગુજરાત સરકાર દ્વારા આજે અનેક મહત્વનાં કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. માટે હું ગુજરાતના મુખ્યમંત્રી અને ગૃહ મંત્રીને હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. શ્રી નરેન્દ્ર મોદીજીએ મુખ્યમંત્રી તરીકે રહીને ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા અને પોલીસ દળને આધુનિક બનાવવા અને સશક્ત બનાવવાને હંમેશા પ્રાથમિકતા આપી હતી. આથી ગુજરાત પોલીસે ઘણાં વર્ષોથી દેશમાં અગ્રેસર રહેવાની પરંપરા બનાવી છે અને મુખ્યમંત્રી અને રાજ્યના ગૃહ મંત્રીનાં નેતૃત્વમાં પરંપરા ચાલુ રહેશે તેવો મને પૂરો વિશ્વાસ છે.

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, તાજેતરમાં સંપન્ન થયેલી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં શ્રીમતી દ્રૌપદી મુર્મુજીએ પ્રચંડ બહુમતી મેળવી છે. દેશનાં સર્વોચ્ચ પદ પર ચૂંટાવું અને શ્રીમતી દ્રૌપદી મુર્મુથી મહામહિમ શ્રીમતી દ્રૌપદી મુર્મુ બનવું એ દેશનાં 75 વર્ષ લાંબા લોકતાંત્રિક ઈતિહાસમાં એક ઐતિહાસિક ઘટના છે. આઝાદી પછી પહેલી વાર આદિવાસી સમાજની મહિલા દેશનાં પ્રથમ નાગરિક તરીકે બિરાજમાન થાય તે આપણા દેશની લોકશાહીમાં બહુ મોટી ઘટના છે. શ્રી શાહે જણાવ્યું હતું કે, અમારી પાર્ટીએ રાષ્ટ્રપતિ જેવાં મહત્ત્વપૂર્ણ પદ માટે ઉમેદવારોની પસંદગી કરવા માટે હંમેશા નવી ચેષ્ટા અને પ્રયાસ કર્યો છે અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ આ પરંપરાને આગળ ધપાવી છે. શ્રી અટલ બિહારી વાજપેયીએ મિસાઇલ મેન ડૉ. એપીજે અબ્દુલ કલામને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવ્યા અને શ્રી નરેન્દ્ર મોદીજીએ પ્રધાનમંત્રી બન્યા બાદ ખૂબ જ ગરીબ અને દલિત સમાજના શ્રી રામનાથ કોવિંદજીને ઉમેદવાર બનાવ્યા અને હવે આદિવાસી સમુદાયમાંથી શ્રીમતી દ્રૌપદી મુર્મુને રાષ્ટ્રપતિ તરીકે ચૂંટવામાં આવ્યાં છે. આદિવાસી લોકોનાં સશક્તીકરણ અને સમાજને તેના નામે વિભાજિત કરીને આદિવાસી સશક્તીકરણનાં નામે રાજકારણ કરતા તમામ લોકોને આ જવાબ છે કે આદિવાસી સશક્તીકરણ માત્ર શબ્દોથી જ નહીં પરંતુ આ પ્રકારનાં કાર્યોથી થાય છે.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ દેશના દરેક નાગરિકને આહ્વાન કર્યું છે કે તેઓ 13થી 15 ઑગસ્ટ સુધી ઘરમાં  તિરંગો લગાવે. શ્રી શાહે જણાવ્યું હતું કે, આઝાદીના અમૃત મહોત્સવ વર્ષમાં આપણે સૌએ 13થી 15 ઑગસ્ટ સુધી આપણા ઘરે ત્રિરંગો ફરકાવીને અને દેશના વિકાસ, ઉજ્જવળ ભવિષ્ય અને સુરક્ષા માટે પુનઃ સમર્પિત કરવાનો સંકલ્પ લેવાનો છે. હું ગુજરાતની સમગ્ર જનતાને અપીલ કરું છું કે રાજ્યમાં એવું કોઈ ઘર, ઓફિસ કે પરિસર એવું ન હોય જ્યાં તિરંગો ન લહેરાય. તિરંગાની ઉપલબ્ધતા ઘણી વેબસાઇટ્સ પર જણાવવામાં આવી છે અને ત્રિરંગો દેશની દરેક પોસ્ટ ઓફિસમાં પણ ઉપલબ્ધ છે. ગરીબો, અમીરો, સરકાર અને ખાનગી કર્મચારીઓ સહિત આપણા સૌની એ જવાબદારી છે કે તેઓ પોત-પોતાનાં ઘરે તિરંગો ફરકાવી આ કાર્યક્રમને સફળ બનાવે.

ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે, અત્યારે આશ્વસ્ત અને વિશ્વાસ પ્રોજેક્ટને મજબૂત કરવા માટે કેટલીક પહેલો હાથ ધરવામાં આવી છે. તેમણે ગુજરાત પોલીસની સુરક્ષા સેવાઓની ગુણવત્તા વધારવા, એનાં વિસ્તરણ અને આધુનિકીકરણ માટે 10,000 બોડી વોર્ન કેમેરા, વીડિયો ફીડ મેનેજમેન્ટ સિસ્ટમ, વર્ક સ્ટેશન, ડોકિંગ સ્ટેશન, સર્વર વગેરે ઉપકરણ પણ પોલીસ દળને આપ્યા હતા. આ સાથે જ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના 80 વાહનોનું પણ આજે ગુજરાત પોલીસને સમર્પિત કરવામાં આવ્યાં હતાં. શ્રી શાહે જણાવ્યું હતું કે, કમાન્ડ એન્ડ કન્ટ્રોલ રૂમ માત્ર 7000 કેમેરા પૂરતો મર્યાદિત ન હોવો જોઈએ, પણ તેમાં ગુજરાતના રેલવે સ્ટેશન, બસ સ્ટોપ, બંદરો, એરપોર્ટ અને રહેણાંક કોલોનીઓ સહિત દરેક કેમેરાનો અદ્યતન ટેકનોલોજી અપનાવીને સમાવેશ થવો જોઈએ. આ પ્રોજેક્ટ ગુજરાત સરકારની સુરક્ષા ચક્ર બનાવવાની યોજનાને સુદર્શન ચક્રમાં પરિવર્તિત કરીને ગુજરાતનું રક્ષણ કરશે. તેમણે કોઈ પણ સ્થળે બનેલી ઘટના અંગેની માહિતી તાત્કાલિક કંટ્રોલ રૂમમાં પહોંચે તે માટે કનેક્ટિવિટી અને સ્ટોરેજ ક્ષમતા વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, જ્યારે ઇ-કોપ્સની શરૂઆત થઈ, ત્યારે સમગ્ર દેશમાં ગુજરાત પ્રથમ સ્થાને હતું. રાજ્યના દરેક પોલીસ સ્ટેશનનું કોમ્પ્યુટરાઈઝેશન, કોન્સ્ટેબલની ભરતી, તાલીમ વ્યવસ્થા અને ત્રિનેત્રનું મેનેજમેન્ટ ઈ-કોપ સોફ્ટવેરથી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ઇ-એફઆઇઆર અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીને પણ ઇ-કોપમાં સામેલ કરવામાં આવી હતી.

ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાત પોલીસને આધુનિક ટેકનોલોજીથી સજ્જ કરવા માટે ઇ-કોપથી ત્રિનેત્ર સુધીની આ યાત્રા દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ શરૂ કરી હતી અને તેમનાં સ્વપ્નને સાકાર કરવાની આ યાત્રા છે. ભારત સરકારે રાજ્યોને અત્યાધુનિક ટેકનોલોજી પૂરી પાડવાની વ્યવસ્થા કરી છે અને રાજ્ય સરકારોને તેમાં જોડાવાની જરૂર છે. હું ગર્વથી કહી શકું છું કે ભારત સરકારના સીસીટીએનએસ પ્રોજેક્ટ હેઠળ દેશના 96 ટકા પોલીસ સ્ટેશનોને ઓનલાઈન કરવામાં આવ્યા છે. શ્રી શાહે જણાવ્યું હતું કે, ગુજરાતની અંદર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર કોઇ જાગૃત પત્રકાર પુસ્તક લખી શકે છે, 80ના દાયકાથી 2022 સુધીમાં કેટલા મોટા કેનવાસ પર એમાં શું પરિવર્તન થયું છે. ભાગ્યે જ કોઈ રાજ્યની પોલીસે પોલીસની કાર્યપ્રણાલિ, નિર્ણયો, ભરતી પ્રક્રિયા, આધુનિકરણ, કલ્યાણ યોજનાઓ અને ચુસ્તીમાં આટલા બધા ફેરફારો જોયા હશે.

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ જણાવ્યું હતું કે, વર્ષ 2002 બાદ ગુજરાતમાં કર્ફ્યૂ ભૂતકાળ બની ગયો છે, જ્યારે આ અગાઉ એક વર્ષમાં 365 દિવસમાંથી 200થી વધુ દિવસનો કર્ફ્યૂ રહેતો હતો. 365 દિવસમાં રજાને બાદ કરતાં 212 દિવસ માટે ક્લિયરન્સ બંધ રહેતું હતું. કચ્છ ઘૂસણખોરીથી ગ્રસ્ત જિલ્લો હતો, હવે ઘૂસણખોરી સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે. તેમણે જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૦૧માં શ્રી નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બન્યા બાદ ગુજરાત પોલીસે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ભાર મૂકીને સમાજના દુશ્મનો સામે દ્રઢ નિશ્ચય અને કઠોરતાથી હંમેશા પગલાં ભર્યાં છે.

પોલીસ આધુનિક, સંવેદનશીલ અને ટેક્નોસેવી બની છે અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ તેની સપોર્ટ સિસ્ટમને મજબૂત બનાવવાનું કામ કર્યું છે. શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, માત્ર ભવન બનાવવાથી જ કામ થતું નથી, પરંતુ ભવનમાં ભાવના હોવી ખૂબ જ જરૂરી છે અને હું આશા રાખું છું કે, ગુજરાત પોલીસ આ ભાવનાને સારી રીતે જગાડવાનું કામ કરશે.

SD/GP/JD

 

 (Release ID: 1844259) Visitor Counter : 246


Read this release in: English , Urdu , Marathi , Manipuri