પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav g20-india-2023

પ્રધાનમંત્રીએ ઉત્તરપ્રદેશની મુલાકાત લીધી અને બુંદેલખંડ એક્સપ્રેસ-વેનું ઉદ્ઘાટન કર્યું


296 કિમીનો ચાર માર્ગીય એક્સપ્રેસ-વે અંદાજે રૂપિયા 14,850 કરોડના ખર્ચે બાંધવામાં આવ્યો છે

આ એક્સપ્રેસ-વે આ પ્રદેશમાં કનેક્ટિવિટી અને ઔદ્યોગિક વિકાસને મોટો વેગ આપશે

“ઉત્તરપ્રદેશ એક્સપ્રેસ-વે પરિયોજનાઓ રાજ્યમાં અવગણવામાં આવેલા સંખ્યાબંધ ક્ષેત્રેને કનેક્ટિવિટી પૂરી પાડી રહી છે”

“ઉત્તરપ્રદેશનો ખૂણે ખૂણો નવા સપનાં અને નવા સંકલ્પો સાથે આગળ વધવા માટે તૈયાર છે”

“ઉત્તરપ્રદેશે સંખ્યાબંધ આધુનિક રાજ્યોને કામગીરીમાં પ્રદર્શન મામલે પાછળ રાખી દીધા હોવાથી આખા દેશમાં પોતાની ઓળખ બદલી રહ્યું છે”

“સમય પહેલાં પરિયોજનાઓ પૂરી કરીને, અમે જનાદેશનો તેમજ અમારામાં તેમના ભરોસાનો આદર કરી રહ્યા છીએ”

“આપણે આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કરીને આવનારા એક મહિનામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરીને નવા સંકલ્પનો માહોલ ઉભો કરવો જોઇએ”

“જેનાથી દેશને નુકસાન થતું હોય, જે દેશના વિકાસ પર વિપરિત પ્રભાવ પાડે તેવી દરેક બાબતથી દૂર રહેવું પડશે”

“ડબલ એન્જિનની સરકારો જનતાને મફતની લાલચ આપવાનો અને ‘રેવડી’ સંસ્કૃતિનો શૉર્ટકટ નથી અપનાવતી પરંતુ સખત પરિશ્રમ કરીને પરિણામ આપી રહી છે”

“દેશની રાજનીતિમાંથી મફત લ્હાણી કરવ

Posted On: 16 JUL 2022 1:56PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરપ્રદેશની મુલાકાત લીધી હતી અને જાલૌનના ઓરાઇ તાલુકામાં આવેલા કાઇતેરી ગામ ખાતે બુંદેલખંડ એક્સપ્રેસ-વેનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, રાજ્યના મંત્રીઓ, લોક પ્રતિનિધિઓ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે ઉપસ્થિતોને સંબોધન આપતા પ્રધાનમંત્રીએ બુંદેલખંડ પ્રદેશની સખત પરિશ્રમની ગૌરવપૂર્ણ પરંપરા, શૌર્ય અને સાંસ્કૃતિક ભવ્યતાને યાદ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, આ ભૂમિએ અસંખ્ય યોદ્ધાઓને જન્મ આપ્યો છે, અહીંયા ભારત પ્રત્યેની સમર્પણની ભાવના લોકોના લોહીમાં વહે છે, અહીંના સ્થાનિક દીકરા-દીકરીઓના પરાક્રમ અને સખત પરિશ્રમે હંમેશા દેશનું નામ રોશન કર્યું છે.

નવા એક્સપ્રેસ-વેની શરૂઆત થવાથી જે તફાવત આવશે તે અંગે વાત કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, બુંદેલખંડ એક્સપ્રેસ-વે શરૂ થઇ જવાથી ચિત્રકૂટથી દિલ્હીનું અંતર લગભગ 3-4 કલાક જેટલું ઓછું થયું છે, પરંતુ તેનો ફાયદો તેનાથી ઘણો વધારે છે. આ એક્સપ્રેસ-વે અહીં વાહનોને માત્ર ગતિ જ નહીં આપે, પરંતુ તે સમગ્ર બુંદેલખંડની ઔદ્યોગિક પ્રગતિને પણ વેગવાન બનાવશે.

પ્રધાનમંત્રીએ એ બાબતે ભાર મૂક્યો હતો કે, જ્યારે આવી મોટી માળખાકીય સુવિધાઓ અને સવલતો દેશમાં માત્ર મોટા શહેરો અને પસંદગીના વિસ્તારો પૂરતી જ મર્યાદિત રહેતી હતી તે દિવસો હવે જતા રહ્યા છે. હવે. સબકા સાથ, સબકા વિકાસની ભાવના હેઠળ છેવાડાના વિસ્તારો અને અત્યાર સુધી જેમની અવગણના કરવામાં આવી હતી તેવા વિસ્તારો પણ અભૂતપૂર્વ કનેક્ટિવિટીના સાક્ષી બની રહ્યા છે. તેમણે પોતાની વાત આગળ વધારતા જણાવ્યું હતું કે, એક્સપ્રેસ-વેના કારણે આ પ્રદેશમાં વિકાસ, રોજગાર અને સ્વરોજગારની સંખ્યાબંધ તકો જોવા મળશે. તેમણે ઉમેર્યું હતું કે, ઉત્તરપ્રદેશમાં કનેક્ટિવિટીની પરિયોજનાઓ એવા સંખ્યાબંધ વિસ્તારોને જોડે છે જેને ભૂતકાળમાં અવગણવામાં આવ્યા છે. ઉદાહરણ તરીકે વાત કરીએ તો, બુંદેલખંડ એક્સપ્રેસ-વે સાત જિલ્લામાંથી પસાર થાય છે, જેમાં ચિત્રકૂટ, બાંદા, મહોબા, હમીરપુર, જાલૌન, ઔરૈયા અને ઇટાવા છે. એવી જ રીતે, અન્ય એક્સપ્રેસ-વે રાજ્યના દરેક ખૂણે ખૂણાને જોડે છે, જે એવી પરિસ્થિતિ તરફ દોરી જાય છે કે જેમાં, “ઉત્તર પ્રદેશનો દરેક ખૂણો નવા સપનાં અને નવા સંકલ્પો સાથે આગળ વધવા માટે તૈયાર છે”. તેમણે એમ પણ કહ્યું હતું કે, ડબલ-એન્જિન સરકાર તે દિશામાં નવા જોશ સાથે કામ કરી રહી છે. 

રાજ્યમાં એર કનેક્ટિવિટીમાં કરવામાં આવી રહેલા સુધારા અંગે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, પ્રયાગરાજમાં નવા હવાઇમથક ટર્મિનલ તૈયાર કરવામાં આવ્યા છે. કુશીનગરને નવું હવાઇમથક મળ્યું છે અને જેવર, નોઇડામાં પણ નવા હવાઇમથક માટે કામ ચાલી રહ્યું છે તેમજ બીજા કેટલાય શહેરોને હવાઇ મુસાફરીની સુવિધાઓથી કનેક્ટ કરવામાં આવી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું હતું કે, આનાથી પર્યટન અને અન્ય પ્રકારે વિકાસની તકોને વેગ મળશે.

આ પ્રદેશમાં સંખ્યાબંધ કિલ્લાઓ આવેલા હોવાથી તેને ધ્યાનમાં રાખીને એક પર્યટન સર્કિટ તૈયાર કરવા માટે પ્રધાનમંત્રીએ રાજ્યના મુખ્યમંત્રીને અનુરોધ કર્યો હતો. તેમણે મુખ્યમંત્રીને કિલ્લાઓ સંબંધિત કાર્યક્રમો અને સ્પર્ધાઓનું આયોજન કરવાનું પણ સૂચન કર્યું હતું.

પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, જે ઉત્તરપ્રદેશમાં સરયૂ કેનાલ પરિયોજના 40 વર્ષથી ખોરંભે પડેલી હતી, જે ઉત્તરપ્રદેશમાં 30 વર્ષથી ગોરખપુરમાં ખાતરનો પ્લાન્ટ બંધ પડ્યો હતો, જે ઉત્તરપ્રદેશમાં અર્જૂન ડેમ પરિયોજનાનું કામ 12 વર્ષથી અધૂરું પડ્યું હતું, જે ઉત્તરપ્રદેશમાં અમેઠીમાં આવેલી રાઇફલ ફેક્ટરી માત્ર એક નામ લખેલા બોર્ડથી હતી, જે ઉત્તરપ્રદેશમાં રાયબરેલીમાં રેલવે કોચ ફેક્ટરી માત્ર કોચને રંગકામ કરવાના કામ માટે ચાલતી હતી, તે જ ઉત્તરપ્રદેશમાં હવે માળખાકીય વિકાસના કાર્યો એટલા નિષ્ઠાપૂર્વક અને ગંભીરતાથી થઇ રહ્યા છે કે, કામગીરીમાં પ્રદર્શન મામલે આ રાજ્યએ કેટલાક આધુનિક રાજ્યોને પાછળ છોડી દીધા છે. સમગ્ર દેશમાં ઉત્તરપ્રદેશની ઓળખ બદલાઇ રહી છે.

શ્રી મોદીએ જે ગતિએ પરિવર્તન આવી રહ્યું તે અંગે ટિપ્પણી કરી હતી કે, રેલવે લાઇનનું ડબલિંગ કરવાની ગતિ અગાઉ 50 કિમી પ્રતિ વર્ષ હતી તે વધીને હવે 200 કિમી પ્રતિ વર્ષ થઇ ગઇ છે. એવી જ રીતે, 2014માં ઉત્તરપ્રદેશમાં સામાન્ય સેવા કેન્દ્રોની સંખ્યા 11,000 હતી જ્યારે હવે સામાન્ય સેવા કેન્દ્રોની સંખ્યા વધીને 1 લાખ 30 હજાર સુધી પહોંચી ગઇ છે. તેમણે ઉમેર્યું હતું કે, ઉત્તરપ્રદેશમાં 12 મેડિકલ કોલેજો હતી જ્યારે હાલમાં 35 મેડિકલ કોલેજો છે અને બીજી 14 નું કામ ચાલી રહ્યું છે.

પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, આજે દેશ વિકાસના જે પ્રવાહ પર આગળ વધી રહ્યો છે, તેના કેન્દ્ર સાથે બે પરિબળો છે. એક છે, ઇરાદો અને બીજું છે શિષ્ટાચાર. અમે માત્ર દેશના વર્તમાન માટે નવી સુવિધાઓનું સર્જન નથી કરી રહ્યા પરંતુ અમે દેશના ભવિષ્યનું પણ નિર્માણ કરી રહ્યા છીએ. તેમણે જણાવ્યું હતું હતું કે, ઉત્તરપ્રદેશમાં પૂરી કરવામાં આવેલી પરિયોજનાઓમાં મર્યાદા’, એટલે કે સમયમર્યાદાનું સંપૂર્ણ સન્માન કરવામાં આવ્યું છે. બાબા વિશ્વનાથધામ, ગોરખપુર એઇમ્સ, દિલ્હી-મેરઠ વચ્ચે એક્સપ્રેસ-વે અને બુંદેલખંડ એક્સપ્રેસ-વે પર સુવિધાઓના અપગ્રેડેશન અને નવીનીકરણ જેવી પરિયોજનાઓ આના ઉદાહરણો છે કારણ કે તે વર્તમાન સરકારે જ આ પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો અને એ જ સરકાર આજે રાષ્ટ્રને આ પરિયોજનાઓ સમર્પિત કરી રહી છે. તેમણે કહ્યું હતું કે, સમય કરતાં પહેલાં પરિયોજનાઓનું કામ પૂરું કરીને અમે જનાદેશ અને તેમમે અમારામાં મૂકેલા વિશ્વાસનું અમે સન્માન કરીએ છીએ. તેમણે લોકોને આગામી સ્વાતંત્ર્ય દિવસના ભાગરૂપે અનેક કાર્યક્રમોનું આયોજન કરવા આહ્વાન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, આપણે આપણાં સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કરવા જોઇએ અને આવનારા એક મહિના દરમિયાન નવા સંકલ્પનો માહોલ ઉભો કરવો જોઇએ.  

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, નિર્ણય લેવા પાછળ અને નીતિઓ ઘડવા પાછળની મોટી વિચારધારા દેશના વિકાસને વધુ વેગવાન બનાવવા માટેની હોવી જોઇએ. જેનાથી દેશને નુકસાન થતું હોય, જે દેશના વિકાસમાં વિપરિત પ્રભાવ પાડે છે તેવી દરેક બાબતથી દૂર રહેવું પડશે. તેમણે કહ્યું હતું કે, અમૃતકાળ એ એક દુર્લભ તક છે અને આપણે દેશનો વિકાસ સુનિશ્ચિત કરવા માટે આપણા હાથમાં આવેલી આવી તકને ગુમાવવી ના જોઇએ.

પ્રધાનમંત્રીએ દેશમાં લોકોને મફતની લાલચ આપીને મત માંગવાની સંસ્કૃતિ પર લોકોનું ધ્યાન દોર્યું હતું. તેમણે સૌને ચેતવ્યા હતા કે, આવી મફતની સંસ્કૃતિ આપણા દેશના વિકાસ માટે ખૂબ જ જોખમી છે. દેશના લોકોએ આવી મફત આપવાની સંસ્કૃતિ (રેવડી સંસ્કૃતિ)થી ખૂબ જ કાળજી રાખવી પડશે. જેઓ મફત આપવાની સંસ્કૃતિ સાથે જોડાયેલા છે તેઓ ક્યારેય તમારા માટે નવા એક્સપ્રેસ-વે બાંધી નહીં શકે, નવા હવાઇમથકો અથવા સંરક્ષણ કોરિડોરનું નિર્માણ નહીં કરી શકે. મફતની સંસ્કૃતિમાં રહેતા લોકોને લાગે છે કે તેઓ સામાન્ય માણસને બધુ મફતમાં વહેંચીને મત ખરીદી શકે છે. તેમણે આ વિચારસરણીને સામૂહિક રીતે હરાવવા અને દેશની રાજનીતિમાંથી મફતની સંસ્કૃતિને દૂર કરવાનું આહ્વાન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, હવે સરકાર આ રેવડીકલ્ચરથી દૂર પાકાં મકાનો, રેલવે લાઇનો, માર્ગ અને માળખાકીય સુવિધાઓ, સિંચાઇ, વીજળીને પરિયોજનાઓ જેવી સુવિધાઓ પૂરી પાડવાની સોંપી દેવામાં આવેલી પરિયોજનાઓ પર કામ કરી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે, “ડબલ એન્જિન સરકારો લોકોને મફતની લાલચ આપવાનો શૉર્ટ-કટ નથી અપનાવતી પરંતુ સખત પરિશ્રમ દ્વારા પરિણામ આપી રહી છે”.

સંતુલિત વિકાસ અંગે વાત કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી અવગણવામાં આવેલા અને નાના શહેરો સુધી હવે વિકાસ પહોંચ્યો હવાથી, તેના કારણે ખરા અર્થમાં સામાજિક ન્યાય સાર્થક થયો છે. અત્યાર સુધી પૂર્વીય ભારતમાં અને બુંદેલખંડમાં અવગણવામાં આવતા હતા તેવા વિસ્તારો સુધી આધુનિક માળખાકીય સુવિધાઓ પહોંચી હોવાથી, તે ખરો સામાજિક ન્યાય છે. અત્યાર સુધી પાછળ રહી ગયેલા પછાત જિલ્લાઓ હવે વિકાસના સાક્ષી બની રહ્યા છે, આ પણ તેમનો સામાજિક ન્યાય છે. તેમણે જણાવ્યું હતું કે, ગરીબો માટે શૌચાલય, ગામડાંઓને માર્ગો અને નળ દ્વારા પાણીથી જોડવા એ પણ સામાજિક ન્યાય છે. પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, સરકાર બુંદેલખંડના અન્ય પડકારને પહોંચી વળવા માટે સતત કામ કરી રહી છે. તેમણે જણાવ્યું હતું કે, સરકાર દરેક ઘરમાં પાઇપથી પાણી પહોંચાડવા માટે જલજીવન મિશન પર કામ કરી રહી છે.

પ્રધાનમંત્રીએ બુંદેલખંડની નદીઓના પાણીને મહત્તમ સંખ્યામાં સ્થાનિક લોકોની સુધી લઇ જવાના પ્રયાસ તરીકે રતૌલી ડેમ, ભવાની ડેમ, મજગાંવ-ચિલિ ફુવારા સિંચાઇ યોજનાઓ ગણાવી હતી. તેમણે ઉમેર્યું હતું કે, કેન-બેટવા લિંક પરિયોજના આ વિસ્તારના લોકોના જીવનમાં પરિવર્તન લાવશે.

દરેક જિલ્લામાં 75 અમૃત સરોવરના નિર્માણના અભિયાન માટે બુંદેલખંડના લોકોને યોગદાન આપવા માટે પ્રધાનમંત્રીએ અગાઉ કરેલી વિનંતીનો પણ પુનરુચ્ચાર કર્યો હતો.

નાના અને ગૃહ ઉદ્યોગોને મજબૂત બનાવવામાં મેક ઇન ઇન્ડિયા અભિયાને નિભાવેલી ભૂમિકાનો સંદર્ભ ટાંકતા પ્રધાનમંત્રીએ રમકડાં ઉદ્યોગને મળેલી સફળતાને રેખાંકિત કરી હતી. તેમણે કહ્યું હતું કે, સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા પ્રયાસોના પરિણામ સ્વરૂપે કારીગરો, ઉદ્યોગોઅને નાગરિકોએ રમકડાંની આયાતમાં ધરખમ ઘટાડો કર્યો છે. તેમણે એ બાબતે ધ્યાન દોર્યું હતું કે, આનાથી ગરીબ, વંચિત, પછાત, આદિવાસીઓ, દલિતો અને મહિલાઓને લાભ થશે.    

પ્રધાનમંત્રીએ રમતગમતના ક્ષેત્રમાં બુંદેલખંડે આપેલા યોગદાન પર પણ પ્રકાશ પાડ્યો હતો. તેમણે કહ્યું હતું કે, રમતક્ષેત્રનું સર્વોચ્ચ સન્માન સ્થાનિક પુત્ર મેજર ધ્યાનચંદના નામ પર છે. તેમણે અન્ડર-20 વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં નામના મેળવનારી આ ક્ષેત્રની આંતરરાષ્ટ્રીય રમતવીર શૈલી સિંહનો પણ ઉલ્લેખ કર્યો.

બુંદેલખંડ એક્સપ્રેસ-વે

સરકાર સમગ્ર દેશમાં કનેક્ટિવિટીમાં વધારો કરવા માટે પ્રતિબદ્ધ છે જેની મુખ્ય વિશેષતા એ છે કે, માર્ગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કાર્યોમાં સુધારો લાવવા તરફ કામ કરવામાં આવી રહ્યું છે. 29 ફેબ્રુઆરી 2020 ના રોજ પ્રધાનમંત્રી દ્વારા બુંદેલખંડ એક્સપ્રેસવેના નિર્માણ માટે શિલાન્યાસ  કરવામાં આવ્યો હતો તે આ દિશામાં એક નોંધનીય પ્રયાસ હતો. આ એક્સપ્રેસ-વે પરનું કામ 28 મહિનામાં પૂરું કરવામાં આવ્યું છે, જે નવા ભારતમાં સમયસર પરિયોજનાઓને પૂરી કરવાની કાર્ય સંસ્કૃતિનો સંકેત આપે છે.

ઉત્તરપ્રદેશ એક્સપ્રેસ-વે ઔદ્યોગિક વિકાસ સત્તામંડળ (UPEIDA)ના નેજા હેઠળ લગભગ રૂપિયા 14,850 કરોડના ખર્ચે 296 કિમીનો ચાર-માર્ગીય એક્સપ્રેસ-વે બાંધવામાં આવ્યો છે અને ભવિષ્યમાં તેને છ માર્ગીય સુધી પણ વિસ્તૃત કરી શકાય તેવી વ્યવસ્થા છે. આ માર્ગ ચિત્રકૂટ જિલ્લામાં ભરતકૂપ નજીકના ગોંડા ગામ ખાતે NH-35 થી ઇટાવા જિલ્લાના કુદરેલ ગામ નજીક સુધી વિસ્તરણ પામેલો છે, જ્યાં તે આગ્રા-લખનૌ એક્સપ્રેસ-વે સાથે ભળી જાય છે.  આ માર્ગ સાત જિલ્લાઓમાંથી પસાર થાય છે જેમાં ચિત્રકૂટ, બાંદા, મહોબા, હમીરપુર, જાલૌન, ઔરૈયા અને ઇટાવા છે.

બુંદેલખંડ એક્સપ્રેસ-વેના કારણે આ પ્રદેશમાં કનેક્ટિવિટી વધવાની સાથે સાથે આર્થિક વિકાસને પણ ઘણો મોટો વેગ મળશે અને તેના પરિણામે સ્થાનિક લોકો માટે હજારો રોજગારનું સર્જન થશે. એક્સપ્રેસ-વેની બાજુમાં બાંદા અને જાલૌન જિલ્લામાં ઔદ્યોગિક કોરિડોરના નિર્માણનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે.

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com(Release ID: 1842005) Visitor Counter : 174