સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી મનસુખ માંડવિયાએ નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન્સ ઇન મેડિકલ સાયન્સના 21મા પદવીદાન સમારંભની અધ્યક્ષતા કરી
“આપણને સમૃદ્ધ ભારત માટે, સ્વસ્થ ભારતની જરૂર છે અને સ્વસ્થ ભારત માટે, આપણને સ્વસ્થ નાગરિકની જરૂર છે.”
આપણું ધ્યાન પ્રાથમિક, દ્વિતીય અને તૃતીય સ્તરની આરોગ્ય સંભાળ પ્રણાલીઓને મજબૂત કરીને પરવડે તેવી ગુણવત્તાપૂર્ણ આરોગ્ય સંભાળની પહોંચ વધારવા પર કેન્દ્રિત હોવું જોઇએ: ડૉ મનસુખ માંડવિયા
આપણા પ્રધાનમંત્રીના નેતૃત્વ હેઠળ, કેન્દ્ર સરકારનું લક્ષ્ય આરોગ્ય ક્ષેત્રમાં નિવારક આરોગ્ય સંભાળ અને આધુનિક તબીબી સુવિધાઓ વચ્ચે તાલમેલ સાથે સર્વગ્રાહી રીતે કામ કરવાનું છે
Posted On:
20 JUN 2022 2:55PM by PIB Ahmedabad
કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી મનસુખ માંડવિયાએ આજે નવી દિલ્હી ખાતે આવેલા ડૉ. આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટરમાં નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન્સ ઇન મેડિકલ સાયન્સ (NBEMS)ના 21મા પદવીદાન સમારંભની વર્ચ્યુઅલ માધ્યમથી અધ્યક્ષતા કરી હતી. આ કાર્યક્રમમાં ડૉ. ભારતી પ્રવિણ પવાર ગેસ્ટ ઑફ ઓનર તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં અન્ય પ્રતિષ્ઠિત મહાનુભાવોએ પણ હાજરી આપી હતી. 17467 જેટલા નિષ્ણાતો અને સુપર-સ્પેશિયાલિસ્ટ ડૉકટરોને ડિપ્લોમેટ ઓફ નેશનલ બોર્ડ, ડૉક્ટરેટ ઓફ નેશનલ બોર્ડ અને ફેલો ઓફ નેશનલ બોર્ડની પદવીઓ એનાયત કરવામાં આવી હતી. આ પદવીદાન સમારંભમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનારા 210 ડૉકટરોને પ્રશંસા પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 21મા પદવીદાન સમારંભમાં અધ્યક્ષ તરીકે સંબોધન કરતા કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, નવા ભારતનાં નિર્માણમાં આજના ડૉક્ટરોની ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા છે અને તેમની સાચી કટિબદ્ધતા અને સમર્પણ આ કાર્યને સંભવ કરી શકે છે.
આ શુભ અવસર પર ઉપસ્થિત રહેવા અંગે ડૉ. મનસુખ માંડવિયાએ પોતાને ઘણી ખૂશી થઇ હોવાનું જણાવ્યું હતું અને નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન્સ ઇન મેડિકલ સાયન્સના 21મા પદવીદાન સમારંભમાં જેમને સૌથી પ્રતિષ્ઠિત તબીબી લાયકાતમાં ગણતા પામે તેવી ડિપ્લોમેટ ઓફ નેશનલ બોર્ડ (DNB), ડૉક્ટરેટ ઓફ નેશનલ બોર્ડ (DrNB) અને ફેલો ઓફ નેશનલ બોર્ડ (FNB)ની પદવી એનાયત કરવામાં આવી તેવા તમામ ડૉકટરો તેમજ તેમના માતા-પિતાને અભિનંદન પાઠવ્યા હતા.
આ પ્રસંગે સંબોધન આપતા ડૉ. મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, દેશ અત્યારે સુલભ, સસ્તી અને દર્દીઓ માટે અનુકૂળ આરોગ્ય સંભાળ પ્રણાલી તરફ આગળ વધી રહ્યો છે. તેમણે ઉમેર્યું હતું, “આજે, આપણા આદરણીય પ્રધાનમંત્રીના નેતૃત્વ હેઠળ, કેન્દ્ર સરકારનું લક્ષ્ય આરોગ્ય ક્ષેત્રમાં નિવારક આરોગ્ય સંભાળ અને આધુનિક તબીબી સુવિધાઓ વચ્ચે તાલમેલ સાથે સર્વગ્રાહી રીતે કામ કરવાનું છે. અમારી સરકાર પોતાના ‘સબ કા સાથ, સબ કા વિકાસ’ના સૂત્રને ખરા અર્થમાં સાર્થક કરવા માટે અવિરત પ્રયાસો કરી રહી છે જેમાં ‘અંત્યોદય’ના કલ્યાણની પરિકલ્પના કરવામાં આવી છે. આરોગ્ય અને વિકાસ, આ બંને એકબીજા સાથે સંકળાયેલા છે અને અમારી સરકાર સ્વસ્થ નાગરિકોના મૂલ્યને સમજે છે અને તે રીતે પ્રધાનમંત્રી સુરક્ષા માતૃત્વ અભિયાન (PMSMA), પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત યોજના, પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના (PMSSY), LaQshya (લક્ષ્ય) કાર્યક્રમ અને પ્રધાનમંત્રી આયુષ્માન ભારત ડિજિટલ મિશન (ADHM) જેવી વિવિધ પહેલો હાથ ધરવામાં આવી છે. આ તમામ પહેલો સુલભ, સસ્તી અને દર્દીઓ માટે અનુકૂળ આરોગ્ય સંભાળ પ્રણાલીની પરિકલ્પના પરિપૂર્ણ કરવામાં સીમાચિહ્નરૂપ સાબિત થઇ છે. આ જ દૂરંદેશી તરફ કામ કરીને, અમે AIIMSની સંખ્યામાં પણ વધારો કર્યો છે અને દરેક જિલ્લામાં એક મેડિકલ કોલેજ બનાવવાની યોજના બનાવી રહ્યા છીએ.”
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “અમારા તરફથી અમે દુર્ગમ અને જ્યાં પહોંચવાનું કઠીન હોય વિસ્તારો અને નબળું પ્રદર્શન કરી રહેલા જિલ્લાઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને અસમાનતાઓની સમસ્યાનો ઉકેલ લાવવા માટે નવા અને ઉત્સાહપૂર્ણ જોશથી ભરપૂર છીએ. સ્વસ્થ, વધુ સમૃદ્ધ ભારતના નિર્માણનું અમારું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે અમે દરેકની સેવા કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આજે, ભલે આપણે અનેક પરિમાણોમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે અને પહેલાંના સમયની સરખામણીએ આજે ભારતમાં સ્વસ્થતાનું સ્તર ઘણું વધારે છે, તો પણ આપણે આપણા આદરણીય પ્રધાનમંત્રીની “સૌ માટે સ્વાસ્થ્ય”ની દૂરંદેશીને સાકાર કરવા માટે હજુ પણ ઘણું લાંબુ અંતર કાપવાનું છે. આપણું ધ્યાન પ્રાથમિક, દ્વિતીય અને તૃતીય સ્તરની આરોગ્ય સંભાળ પ્રણાલીઓને મજબૂત કરીને દેશના છેવાડાના ખૂણા સુધી આપણા નાગરિકોને પરવડે તેવી ગુણવત્તાપૂર્ણ આરોગ્ય સંભાળની પહોંચ વધારવા પર કેન્દ્રિત હોવું જોઇએ. આપણને સમૃદ્ધ ભારત માટે સ્વસ્થ ભારતની જરૂર છે અને સ્વસ્થ ભારત માટે આપણને સ્વસ્થ નાગરિકની જરૂર છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ આરોગ્ય સંભાળ ક્ષેત્રમાં નવતર ટેકનોલોજીના ઉદ્ભવ પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે, કોવિડ 19 મહામારીએ આપણને એ બતાવ્યું છે કે આપણે આરોગ્ય ક્ષેત્રની ટેકનોલોજીને સુધારીને શ્રેષ્ઠતમ બનાવવાની અને તેનાથી અનુકૂલિત કરવાની જરૂર છે જેથી આવી વૈશ્વિક મહામારી જેવા વધતા જતા પડકારોનો સામનો કરી શકાય. તેથી, ક્લિનિકલ સંશોધન કે જેના કારણે ડૉકટરોને દર્દીઓની શ્રેષ્ઠ સારવાર કેવી રીતે કરવી તે નક્કી કરવામાં મદદ મળે છે તેનું ખૂબ જ મોટું મહત્વ છે. તેની મદદથી જ નવી દવાઓ, નવી પ્રક્રિયાઓ અને નવા સાધનોનો વિકાસ કરવો શક્ય બને છે. તેમણે ઉમેર્યું હતું કે, “તબીબી સંશોધન વગર, આપણે એ નક્કી ના કરી શકીએ કે, નવી સારવાર આપણી વર્તમાન સારવાર કરતાં વધુ સારી છે કે નહીં. તેથી, તબીબી સંશોધન પર વધુ સારું ધ્યાન આપવું જરૂરી છે.”
ડૉકટરોને અભિનંદન આપતા અને તેમના ભાવિ સાહસો માટે ખૂબ જ શુભકામનાઓ પાઠવતા, આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્ય મંત્રી ડૉ. ભારતી પ્રવિણ પવારે જણાવ્યું હતું કે, આ એક મહત્વપૂર્ણ પ્રસંગ છે કારણ કે આપણે આ લોકોની શૈક્ષણિક સિદ્ધિઓની ઉજવણી કરીએ છીએ. તેમણે ઉમેર્યું હતું કે, “આ ફેકલ્ટી, સ્ટાફ અને વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતા માટે આનંદની ક્ષણ છે કારણ કે તેમની સખત મહેનત, ઇમાનદારી અને કટીબદ્ધતાના કારણે આ શક્ય બન્યું છે. વિદ્યાર્થી જીવનકાળ તરીકેની તમારી આઝાદી હવે પૂરી થઇ ગઇ છે અને હવે તમારા માટે ફરીથી કમર કરવાનો સમય આવી ગયો છે, કારણ કે તમે મેડિસિનના આ ઉમદા વ્યવસાયમાં પ્રવેશ કરી રહ્યા છો. હવેથી, તમે ભગવાનની સૌથી અમૂલ્ય રચના સાથે વ્યવહાર કરશો અને વ્યવસાયિક અને માનવ તરીકે બંને રીતે તમારા શ્રેષ્ઠ પ્રયત્નો કરવા પડશે. આ એક મોટી જવાબદારી છે. તમારી તમામ ક્ષમતાઓ અને શક્તિઓ સાથે, તમે ભારતને આરોગ્ય સંભાળ ક્ષેત્રમાં અગ્રેસર બનાવવામાં યોગદાન આપી શકો છો. તમારા તમામ સામૂહિક પ્રયાસો ભારતને આ સદીમાં વિશ્વગુરુ અને વૈશ્વિક આરોગ્ય સંભાળનું પ્રતિક બનાવી શકે છે.”
આ પ્રસંગે કેન્દ્રીય આરોગ્ય સચિવ, શ્રી રાજેશ ભૂષણે જણાવ્યું હતું કે, આપણા યુવાન ડૉકટરો, તેમના ફેકલ્ટીઓ અને માતાપિતાના જીવનમાં આ એક મહત્વપૂર્ણ દિવસ છે. તેમણે તમામ ડૉકટરોને નિઃસ્વાર્થ કારકિર્દીના માર્ગને સમર્પિત રહેવાનો અનુરોધ કર્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, તબીબી જ્ઞાનનું મહત્વ અત્યાધુનિક ટેકનોલોજી જેટલું જ છે, પરંતુ સેવા માટે યોગ્ય અભિગમ અને દિલમાં લાગણી હોય તે સૌથી મહત્વની બાબત છે. આનાથી અમને આપણા જેવા સામાજિક- આર્થિક રીતે વૈવિધ્યસભર દેશમાં આપણા નાગરિકોને આપણી ક્ષમતા મુજબ શ્રેષ્ઠ રીતે સેવા કરવામાં મદદ મળે છે. આમ, દરેક દર્દી માટે સહાનુભૂતિ હોય તે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
NBEMS વિશે
નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન્સ ઇન મેડિકલ સાયન્સ (NBEMS) એ ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની એક સ્વાયત્ત સંસ્થા છે અને તેને આધુનિક ચિકિત્સા ક્ષેત્રે અખિલ ભારતીય ધોરણે પરીક્ષાઓ લેવાનું કામ સોંપવામાં આવ્યું છે. NBEMS છેલ્લા 04 દાયકાઓથી તબીબી શિક્ષણના ક્ષેત્રમાં કાર્યરત છે અને ગુણવત્તાપૂર્ણ અનુસ્નાતક તેમજ પોસ્ટડૉક્ટરલ તાલીમ પૂરી પાડવા માટે વિવિધ હોસ્પિટલોની માળખાકીય સુવિધાઓનો ઉપયોગ કરે છે. NBEMS વર્ષ-દર વર્ષે NEET-PG, NEET-SS અને NEET-MDS પરીક્ષાઓનું સફળતાપૂર્વક સંચાલન કરે છે. NBEMS દ્વારા વિવિધ સ્પેશિયાલિટીમાં 12,000 કરતાં વધારે PG (પોસ્ટ ગ્રેજ્યુએટ) બેઠકો ધરાવતી 1100 થી વધુ હોસ્પિટલોને પણ માન્યતા આપવામાં આવી છે.
આ કાર્યક્રમમાં એપોલો હોસ્પિટલ્સ ગ્રૂપના કાર્ડિયોથોરેસિક સર્જન ડૉ. એમ. આર. ગિરિનાથ, NBEMSના અધ્યક્ષ ડૉ. અભિજિત શેઠ અને NBEMSના માનદ એક્ઝિક્યુટીવ નિદેશક ડૉ. મીનુ વાજપેયી સહિત મંત્રાલયના અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1835574)
Visitor Counter : 267