સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
મંત્રીમંડળે ભારત અને સંયુક્ત રાષ્ટ્ર વચ્ચે જિનેવા ખાતેના સંયુક્ત રાષ્ટ્ર કાર્યાલય, પેલેસ ડેસ નેશન્સમાં ઉપયોગમાં લેવા માટે 'વે ફાઇન્ડિંગ એપ્લિકેશન' પર કરવામાં આવેલા કરારને મંજૂરી આપી
Posted On:
14 JUN 2022 4:12PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા આજે ભારત અને સંયુક્ત રાષ્ટ્ર વચ્ચે જિનેવા ખાતેના સંયુક્ત રાષ્ટ્ર કાર્યાલય (UNOG) પેલેસ ડેસ નેશન્સમાં ઉપયોગમાં લેવા માટે 'વે ફાઇન્ડિંગ એપ્લિકેશન' પર કરવામાં આવેલા કરારને મંજૂરી આપવામાં આવી છે.
સંયુક્ત રાષ્ટ્ર (UN) એક આંતરરાષ્ટ્રીય સંગઠન છે તેની સ્થાપના 1945માં કરવામાં આવી હતી. હાલમાં આ સંગઠનમાં 193 સભ્ય દેશો જોડાયેલા છે. ભારત સંયુક્ત રાષ્ટ્રનું સ્થાપક સભ્ય છે.
જેમાં પાંચ ઇમારતો અને 21 માળનો સમાવેશ થાય છે તેવું સંયુક્ત રાષ્ટ્ર કાર્યાલય (UNOG) ઐતિહાસિક પેલેસ ડેસ નેશન્સ જિનેવા ખાતે આવેલું છે. વિવિધ બેઠકો અને સંમેલનોમાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં પ્રતિનિધિઓ, નાગરિક સમાજના સભ્યો અને સામાન્ય લોકો UNOGની મુલાકાત લેતા હોય છે.
ઇમારતોની માળખાકીય જટિલતા અને ખૂબ જ મોટી સંખ્યામાં લોકોની ભાગીદારીને ધ્યાનમાં રાખતા, એક એવી નેવિગેશનલ એપ્લિકેશનની આવશ્યકતા હોવાનું જણાયું હતું જે મુલાકાતીઓ અને અન્ય પ્રતિનિધિઓને તમામ સુરક્ષા પરિપ્રેક્ષ્યોને વળગી રહીને આ પરિસરમાં તેમને માર્ગ શોધવામાં મદદરૂપ થઇ શકે.
ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ (GPS) આધારિત એપ્લિકેશનો ખુલ્લી જગ્યામાં કામ કરે છે, તેવી સ્થિતિમાં વધુ સચોટ ઇમારતની અંદરના ભાગમાં નેવિગેશનલ એપ્લિકેશન અહીં આવતા મુલાકાતીઓને રૂમ અને ઓફિસો શોધવામાં મદદ કરશે.
વર્ષ 2020માં આ સંસ્થાની 75મી વર્ષગાંઠ નિમિત્તે ભારત સરકાર તરફથી UNને દાન તરીકે ‘વે ફાઇન્ડિંગ એપ્લિકેશન’ના વિકાસના પ્રોજેક્ટની પરિકલ્પના આપવામાં આવી છે. આ એપ તૈયાર કરવા અને તેની જાળવણી કરવા માટે અંદાજિત ખર્ચ $2 મિલિયન છે.
આ પ્રોજેક્ટમાં UNLG ના પેલેસ ડેસ નેશન્સ પરિસરમાં નેવિગેશનની સુવિધા માટે સોફ્ટવેર આધારિત 'વે ફાઇન્ડિંગ એપ્લિકેશન'ના તૈયાર કરીને તેની નિયુક્તિ અને જાળવણી કરવાનું સામેલ છે. આ એપ્લિકેશન યુઝર્સને UNOG ની પાંચ ઇમારતોમાં ફેલાયેલા 21 માળની અંદર એક સ્થળેથી બીજા સ્થળ સુધી પહોંચવાનો રસ્તો શોધવા માટે સક્ષમ બનાવશે. આ એપ ઇન્ટરનેટ કનેક્શનની મદદથી એન્ડ્રોઇડ અને iOS ઉપકરણો પર કામ કરી શકશે. આ એપ તૈયાર કરવાનું કાર્ય ભારત સરકારના ટેલિકોમ્યુનિકેશન વિભાગ (DoT)ના સ્વાયત્ત એકમ ટેલિકોમ સંશોધન અને વિકાસ કેન્દ્ર, સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ ટેલિમેટિક્સ (C-DoT)ને સોંપવામાં આવ્યું છે.
આ પ્રોજેક્ટ ભારત સરકાર તરફથી UNમાં આપવામાં આવેલું એક મહત્વપૂર્ણ યોગદાન બની રહેશે. આ પ્રોજેક્ટ માત્ર ભારતની ટેકનિકલ ક્ષમતાઓ પુરવાર કરવાની સાથે સાથે UN સ્તરના પ્લેટફોર્મ પર દેશની પ્રતિષ્ઠામાં પણ વૃદ્ધિ કરશે. આ એપ UNમાં ભારતની ઉપસ્થિતિનો અહેસાસ કરાવશે અને આખી દુનિયામાંથી આવતા લોકોના મોબાઇલમાં 'મેડ ઇન ઇન્ડિયા' એપ દ્વારા મજબૂત સોફ્ટવેર ટેકનોલોજી નિપુણતાના સ્વરૂપમાં તેના સોફ્ટ પાવરનું પ્રદર્શન કરશે.
SD/GP/JD
(Release ID: 1834000)
Visitor Counter : 208