ગૃહ મંત્રાલય
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે ગુજરાતના અમદાવાદમાં રૂ. 632 કરોડના ખર્ચે બાંધવામાં આવનાર ઑલિમ્પિક-સ્તરનાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનો શિલાન્યાસ કર્યો
Posted On:
29 MAY 2022 9:04PM by PIB Ahmedabad
આજે આ વિસ્તારના યુવાનોનું એક મોટું સ્વપ્ન સાકાર થવા જઈ રહ્યું છે
આજથી ત્રીસ મહિના પછી, અમે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનાં ઉદ્ઘાટન માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીને આમંત્રિત કરીશું અને હું પોતે તેના પર દેખરેખ રાખીને સુનિશ્ચિત કરીશ કે આ કામ ત્રીસ મહિનામાં પૂર્ણ થાય
આ વિસ્તારના સાંસદ તરીકે હું દેશના પ્રધાનમંત્રી અને ગુજરાતના પનોતા પુત્ર શ્રી નરેન્દ્ર મોદીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું કે જો તેમનો સહકાર ન હોત તો આ સંકુલ ક્યારેય બનવાનું ન હોત
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રમતગમત ક્ષેત્રે અમદાવાદને આંતરરાષ્ટ્રીય સ્તરે નામ અપાવવા માટે અનેક સુવિધાઓ આપી છે
સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ બનાવવા માટે આ સ્ટેડિયમ પાસે વિશાળ જગ્યા આપવામાં આવી છે અને આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ બનવાથી અમદાવાદ એક એવું શહેર બનશે જ્યાં ઑલિમ્પિકની તૈયારીઓ થઈ શકશે
સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ અને અન્ય ત્રણ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ સાથે જ, ઑલિમ્પિક માટે તમામ રમતો માટે આંતરરાષ્ટ્રીય કક્ષાનાં મેદાનો, સ્ટેડિયમ્સની અમારી તૈયારી પૂરી થઈ જશે
દેશમાં બાળકોને રમતગમત તરફ વાળવાનો ભગીરથ પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે
ગાંધીનગર વિસ્તારમાં છેલ્લાં ત્રણ વર્ષમાં કુલ રૂ.8,613 કરોડનાં કામો પૂર્ણ કરી દેવાયાં છે
વર્ષ 2024 સુધીમાં ગાંધીનગર દેશના સૌથી વિકસિત મત વિસ્તારની યાદીમાં સ્થાન મેળવશે
પ્રધાનમંત્રી મોદીનાં નેતૃત્વમાં ભારત દરેક ક્ષેત્રમાં આગળ વધી રહ્યું છે
રમતગમતની મેડલ ટેલીમાં ભારત ક્યારેય શૂન્ય નંબર પર નથી અને આપણા ખેલાડીઓ ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીતી રહ્યા છે
આવનારાં દસ વર્ષમાં આપણા ખેલાડીઓ એકથી પાંચના ક્રમમાં પહોંચે, તેવા પ્રયાસો થઈ રહ્યા છે
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ આ 8 વર્ષમાં દેશને સુરક્ષિત, સમૃદ્ધ, શિક્ષિત અને ગૌરવશાળી બનાવવાનું કામ કર્યું છે
આવતીકાલે 30મી મેના રોજ પ્રધાનમંત્રી તરીકે શ્રી નરેન્દ્ર મોદીજીના બીજા કાર્યકાળના શપથને ત્રણ વર્ષ પૂર્ણ થશે
આ 8 વર્ષમાં મોદીજીએ દેશને દુનિયાની નજરમાં આગળ લઈ જવાનું કામ કર્યું છે
કોઈપણ સમસ્યા પર, પછી તે કોરોના હોય, રસી બનાવવાની હોય, અર્થવ્યવસ્થા માટે નિર્ણય લેવાનો હોય, પર્યાવરણની ચર્ચા હોય, પછી તે રશિયા-યુક્રેન યુદ્ધ હોય, ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીનો અભિપ્રાય ન મળે ત્યાં સુધી ચર્ચા પૂર્ણ થયાનું માનવામાં નથી આવતું
શ્રી અમિત શાહે આ સંકુલની ડિઝાઇન તૈયાર કરવામાં રમતગમત મંત્રાલયની મદદ બદલ કેન્દ્રીય રમતગમત અને યુવા બાબતોના મંત્રી શ્રી અનુરાગ સિંહ ઠાકુર અને રમતગમત રાજ્ય મંત્રી શ્રી નિશીથ પ્રામાણિકનો આભાર વ્યક્ત કર્યો
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે ગુજરાતના અમદાવાદમાં રૂ. 632 કરોડના ખર્ચે નિર્માણ થનાર ઑલિમ્પિક કક્ષાનાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનો શિલાન્યાસ કર્યો હતો. આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી શ્રી અનુરાગ સિંહ ઠાકુર અને કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી શ્રી નિશીથ પ્રામાણિક સહિત અનેક મહાનુભાવોએ હાજરી આપી હતી.
આ પ્રસંગે તેમનાં સંબોધનમાં શ્રી અમિત શાહે કહ્યું કે આજે આ વિસ્તારના યુવાનોનું એક મોટું સ્વપ્ન સાકાર થવા જઈ રહ્યું છે. આ વિસ્તારમાં ઘણી એવી શાળાઓ છે જ્યાં મેદાન નથી તો આ બાળકો રમશે ક્યાં. પરંતુ હવે આ સ્પોર્ટસ કોમ્પ્લેક્ષમાં પીટીનો દિવસ નક્કી કરીને જે શાળામાં મેદાન નથી તે શાળાનાં બાળકો અહીં રમવા આવશે. આજથી ત્રીસ મહિના પછી, અમે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનાં ઉદ્ઘાટન માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીને આમંત્રિત કરીશું અને હું તમને ખાતરી આપું છું કે હું પોતે તેની દેખરેખ રાખીશ અને ત્રીસ મહિનામાં આ કાર્ય પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરીશ. આજે, આ વિસ્તારના સાંસદ તરીકે, હું દેશના પ્રધાનમંત્રી અને ગુજરાતના પનોતા પુત્ર શ્રી નરેન્દ્ર મોદીજીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું કે જો તેમનો સહકાર ન મળ્યો હોત તો આ સંકુલ ક્યારેય બનવાનું ન હતું.
શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રમતગમત ક્ષેત્રે અમદાવાદનું આંતરરાષ્ટ્રીય નામ કરવા માટે અનેક સુવિધાઓ આપી છે. તેમણે કહ્યું કે જ્યારે શ્રી નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે વિવિધ પ્રકારની રમતો રમવા માટે આબાદ (ABAD) ડેરીમાં ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ શરૂ કર્યું હતું. આ ઉપરાંત અમદાવાદમાં આવેલાં વિશ્વનાં સૌથી મોટાં ક્રિકેટ સ્ટેડિયમનું નામ પણ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ રાખવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી મોદીએ સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ બનાવવા માટે આ સ્ટેડિયમની નજીક એક વિશાળ જગ્યા આપી છે અને આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ બનતા જ અમદાવાદ એક એવું શહેર બનશે જ્યાં ઑલિમ્પિકની તૈયારીઓ થઈ શકશે. સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ અને અન્ય ત્રણ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ સાથે, ઑલિમ્પિક માટે તમામ રમતો માટે આંતરરાષ્ટ્રીય કક્ષાનાં મેદાનો, સ્ટેડિયમ્સની અમારી તૈયારી પૂર્ણ થઈ જશે.
શ્રી શાહે આ સંકુલની ડિઝાઇન તૈયાર કરવામાં રમતગમત મંત્રાલયની મદદ બદલ કેન્દ્રીય રમતગમત અને યુવા બાબતોના મંત્રી શ્રી અનુરાગ સિંહ ઠાકુર અને રમતગમત રાજ્ય મંત્રી શ્રી નિશીથ પ્રામાણિકનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે દેશમાં બાળકોને રમતગમત તરફ વાળવાનો ભગીરથ પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે. અગાઉ ગુજરાત બે બાબતોમાં હંમેશા પાછળ રહેતું - લશ્કરમાં ભરતી માટે ગુજરાતનો ક્વોટા ખાલી હતો અને જો શારીરિક રમતો હોય તો ગુજરાતી ક્યાંય દેખાતો જ ન હતો. પરંતુ આજે હું ગર્વથી કહી શકું છું કે હવે એવું નથી. આવનારાં 10 વર્ષમાં ગુજરાત રમતગમતમાં દેશમાં પ્રથમ ક્રમે આવે, એવા પ્રયાસો આપણા પ્રધાનમંત્રી શ્રી મોદીજી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવી રહ્યા છે. ગાંધીનગર વિસ્તારમાં છેલ્લાં ત્રણ વર્ષમાં કુલ રૂ.8,613 કરોડનાં કામો પૂર્ણ કરી દેવાયાં છે. ઘાટલોડિયા વિધાનસભા મતવિસ્તારમાં રૂ.1984 કરોડ, નારણપુરામાં રૂ.1303 કરોડ, વેજલપુરમાં રૂ.561 કરોડનાં કામો, સાબરમતીમાં રૂ.634 કરોડનાં કાર્યો, સાણંદમાં રૂ.800 કરોડ, ગાંધીનગર (ઉત્તર) રૂ.2800 કરોડ અને કલોલમાં રૂ.2493 કરોડનાં કામો પૂર્ણ કરવામાં આવ્યાં છે.
કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે, વર્ષ 2024 સુધીમાં ગાંધીનગર દેશના સૌથી વિકસિત મતવિસ્તારોની યાદીમાં સ્થાન મેળવશે. આજથી ત્રીસ મહિના બાદ આ સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ પૂર્ણ થશે ત્યારે તમામ શાળાઓને સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ સાથે જોડવાની કામગીરી શાળાઓના સંચાલકો અને આચાર્યોએ કરવાની છે. આ કાર્ય એટલા માટે કરવું પડશે કારણ કે રમતગમત એ માત્ર શરીર-સૌષ્ઠવને મજબૂત બનાવવાનું કામ નથી, પરંતુ રમત-ગમત સંપૂર્ણ માનવી બનાવવા માટે એક મોટો પ્રયાસ અને આવશ્યકતા છે.
તેમણે કહ્યું કે, સમાજ અને જીવનની રચના જ એવી છે કે ધીમે ધીમે બાળક માટીથી દૂર થઈ ગયું છે. જો તે ન પડે, ઈજા પામે નહીં, હારશે નહીં, જીતશે નહીં, તો તેને ન હારને પચાવતા આવડશે ન તેનામાં જીતવાનો જુસ્સો જન્મશે. જો તમે જીત્યા પછી હારતા નથી, તો જીતનું અભિમાન જન્મે છે. એ જ રીતે રમતગમતના અભાવે માનવ સ્વભાવમાં અનેક પ્રકારની વિકૃતિઓ જન્મી છે. પ્રધાનમંત્રી મોદીનાં નેતૃત્વમાં ભારત દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરી રહ્યું છે. ભારત આજકાલ રમતગમતની મેડલ ટેલીમાં ક્યારેય શૂન્ય નંબરે નથી હોતું અને આપણા ખેલાડીઓ ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મેળવી રહ્યા છે. આગામી દસ વર્ષમાં આપણા ખેલાડીઓ એકથી પાંચના ક્રમ સુધી પહોંચે તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આ 8 વર્ષમાં દેશને સુરક્ષિત, સમૃદ્ધ, શિક્ષિત અને ગૌરવપૂર્ણ બનાવવાનું કામ કર્યું છે. આવતીકાલે, 30મી મેના રોજ, પ્રધાનમંત્રી તરીકે શ્રી નરેન્દ્ર મોદીજીના બીજા કાર્યકાળના શપથના ત્રણ વર્ષ પૂર્ણ થશે અને તે રીતે જોઇએ તો, મોદી સરકારનાં 8 વર્ષ પૂર્ણ થશે. આ 8 વર્ષમાં મોદીજીએ દેશને દુનિયાની નજરમાં આગળ લઈ જવાનું કામ કર્યું છે. કોઈપણ સમસ્યા પર, પછી તે કોરોના હોય, રસી બનાવવાની હોય, અર્થવ્યવસ્થા માટે નિર્ણય લેવાનો હોય, પર્યાવરણની ચર્ચા હોય, પછી તે રશિયા-યુક્રેન યુદ્ધ હોય, ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનો અભિપ્રાય ન મળે ત્યાં સુધી ચર્ચા પૂર્ણ થઈ ગઈ એમ ગણવામાં આવતું નથી. સમગ્ર વિશ્વમાં ભારતનું આટલું મહત્વ વધારવાનું કામ નરેન્દ્ર મોદીજીએ કર્યું છે.
*****
SD/GP/MR
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1829292)
Visitor Counter : 277