પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ તેમનાં નિવાસસ્થાને ડેફલિમ્પિક્સ ટુકડીની યજમાની કરી


ભારતીય ડેફલિમ્પિક્સ ટુકડીએ અત્યાર સુધીના સૌથી વધુ ચંદ્રકો પ્રાપ્ત કરીને ઇતિહાસ રચ્યો છે

જ્યારે દિવ્યાંગ ઍથ્લીટ આંતરરાષ્ટ્રીય રમતગમતનાં પ્લેટફોર્મ પર ઉત્કૃષ્ટ દેખાવ કરે છે, ત્યારે એ સિદ્ધિ રમતગમતની સિદ્ધિઓથી આગળ ગાજી ઊઠે છે”

"દેશની સકારાત્મક છબી બનાવવામાં તમારું યોગદાન અન્ય ખેલાડીઓ કરતાં અનેક ગણું વધારે છે"

"તમારો જુસ્સો અને ઉત્સાહ જાળવી રાખો. આ જુસ્સો આપણા દેશની પ્રગતિના નવા રસ્તા ખોલશે"

Posted On: 21 MAY 2022 5:27PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં યોજાયેલી ડેફલિમ્પિક્સ માટેની ભારતીય ટુકડી સાથે વાર્તાલાપ કર્યો હતો. તેમણે આજે તેમનાં નિવાસસ્થાને આ ટુકડીની યજમાની કરી હતી. અત્યાર સુધીનાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શનમાં ભારતીય ટીમે બ્રાઝિલમાં યોજાયેલી ડેફલિમ્પિક્સમાં 8 ગોલ્ડ મેડલ સહિત 16 મેડલ જીત્યા હતા. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી શ્રી અનુરાગ સિંહ ઠાકુર અને શ્રી નિશિથ પ્રામાણિક પણ હાજર હતા.

ટુકડીના વરિષ્ઠ સભ્ય, રોહિત ભાકર સાથે વાતચીત કરતા, પ્રધાનમંત્રીએ પડકારોનો સામનો કરવાની તેમની રીત અને તેમના હરીફોનું મૂલ્યાંકન કરવાની તેમની રીત વિશે ચર્ચા કરી હતી. રોહિતે પ્રધાનમંત્રીને રમતગમતમાં આવવા અને ઉચ્ચ સ્તર પર આટલા લાંબા સમય સુધી રહેવા માટેની તેમની પૃષ્ઠભૂમિ અને પ્રેરણા વિશે પણ જણાવ્યું હતું. પ્રધાનમંત્રીએ આ અગ્રણી બૅડમિન્ટન ખેલાડીને કહ્યું કે વ્યક્તિગત અને રમતવીર તરીકે તેમનું જીવન એક પ્રેરણા છે. તેમણે તેમની દ્રઢતા અને જીવનના અવરોધો સામે ન ઝુકવા બદલ તેમની પ્રશંસા પણ કરી હતી. શ્રી મોદીએ ખેલાડીમાં સતત ઉત્સાહ અને વધતી વય સાથે તેમનાં વધતાં પ્રદર્શનની નોંધ લીધી. “પ્રતિષ્ઠા પર આરામ ન કરવો અને સંતોષ ન અનુભવવો એ એક ખેલાડીની મુખ્ય ગુણવત્તા છે. એક ખેલાડી હંમેશા ઊંચાં લક્ષ્યો નક્કી કરે છે અને તેને હાંસલ કરવા માટે પ્રયત્નશીલ રહે છે”, એમ પ્રધાનમંત્રીએ કહ્યું.

કુસ્તીબાજ વીરેન્દ્ર સિંહે કુસ્તીમાં પોતાના પરિવારના વારસા વિશે જણાવ્યું હતું. તેમણે બધિર સમુદાયમાં તકો અને સ્પર્ધા શોધવામાં તેમનો સંતોષ પણ વર્ણવ્યો હતો. પ્રધાનમંત્રીએ 2005થી ડેફલિમ્પિક્સમાં તેમના મેડલ જીતેલાં સાતત્યપૂર્ણ પ્રદર્શનની નોંધ લીધી હતી અને શ્રેષ્ઠ બનવાની તેમની ઇચ્છા માટે પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રીએ અનુભવી તરીકે અને રમતના ઉત્સુક શીખનાર તરીકેની તેમની સ્થિતિની પ્રશંસા કરી. “તમારી ઈચ્છા શક્તિ દરેકને પ્રેરણા આપે છે. દેશના યુવાનો અને ખેલૈયાઓ બંને તમારાં સાતત્યની ગુણવત્તામાંથી શીખી શકે છે. ટોચ પર પહોંચવું મુશ્કેલ છે પરંતુ વધુ મુશ્કેલ છે ત્યાં રહેવું અને સુધારવાનો પ્રયાસ કરતા રહેવું,” એમ પ્રધાનમંત્રીએ કહ્યું હતું.

શૂટર ધનુષે પણ શ્રેષ્ઠતા માટે તેની સતત શોધ માટે તેના પરિવારનાં સમર્થનને શ્રેય આપ્યો. તેમણે એ પણ જણાવ્યું કે યોગ અને ધ્યાન તેમને કેવી રીતે મદદ કરે છે. તેણે કહ્યું કે તે તેની માતાને પોતાનાં રોલ મોડલ-આદર્શ માને છે. પ્રધાનમંત્રીએ તેમની માતા અને તેમના પરિવારને તેમને ટેકો આપવા બદલ બિરદાવ્યાં હતાં. તેમણે ખુશી વ્યક્ત કરી કે ખેલો ઈન્ડિયા ઍથ્લીટ્સને પાયાના સ્તરે મદદ કરી રહ્યું છે.

શૂટર પ્રિયેશા દેશમુખે તેમની સફર, તેમના પરિવાર અને કોચ અંજલિ ભાગવતના સમર્થન વિશે જણાવ્યું. પ્રધાનમંત્રીએ પ્રિયેશા દેશમુખની સફળતામાં અંજલિ ભાગવતની ભૂમિકાની પ્રશંસા કરી હતી. શ્રી મોદીએ પૂણેકર પ્રિયેશાની દોષરહિત હિન્દીની પણ નોંધ લીધી હતી.

ટેનિસનાં જાફરીન શેકે પણ તેમના પિતા અને પરિવારનાં સમર્થનની વાત કરી હતી. તેમણે પ્રધાનમંત્રી સાથે વાતચીત કરીને ખુશી વ્યક્ત કરી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું કે દેશની દીકરીઓ પરાક્રમ અને ક્ષમતાનો પર્યાય હોવા ઉપરાંત, તેઓ યુવા છોકરીઓ માટે એક રોલ મોડલ છે. "તમે સાબિત કરી દીધું છે કે જો ભારતની દીકરી તેની નજર કોઈપણ ધ્યેય પર કેન્દ્રિત કરે છે, તો કોઈ અવરોધ તેમને રોકી શકે નહીં", એમ પ્રધાનમંત્રીએ ઉમેર્યું.

પ્રધાનમંત્રીએ કહ્યું કે તેમની સિદ્ધિઓ મહાન છે અને તેમનો જુસ્સો ભવિષ્યમાં તેમના માટે વધુ ગૌરવ દર્શાવે છે. “આ જુસ્સો અને ઉત્સાહ જાળવી રાખો. આ જુસ્સો આપણા દેશના વિકાસના નવા રસ્તાઓ ખોલશે અને ઉજ્જવળ ભવિષ્ય સુનિશ્ચિત કરશે," તેમણે કહ્યું. પ્રધાનમંત્રીએ આગળ કહ્યું કે જ્યારે દિવ્યાંગ આંતરરાષ્ટ્રીય રમતગમતના પ્લેટફોર્મ પર ઉત્કૃષ્ટ દેખાવ કરે છે, ત્યારે એ સિદ્ધિ રમતગમતની સિદ્ધિઓથી આગળ ગાજી ઊઠે છે. તે દેશની સંસ્કૃતિ દર્શાવે છે અને સંવેદનશીલતા દર્શાવે છે. દેશમાં તેમની ક્ષમતાઓ પ્રત્યે લાગણીઓ અને આદર દર્શાવે છે. તેથી જ "સકારાત્મક છબી બનાવવામાં તમારું યોગદાન અન્ય ખેલાડીઓ કરતાં અનેક ગણું વધારે છે", એમ પ્રધાનમંત્રીએ ઉમેર્યું.

પ્રધાનમંત્રીએ વાતચીત પછી ટ્વીટ કર્યું, “હું આપણા ચૅમ્પિયન્સ સાથેની વાતચીતને ક્યારેય ભૂલીશ નહીં જેમણે ડેફલિમ્પિક્સમાં ભારત માટે ગૌરવ અને નામના અપાવી છે. આ ખેલાડીઓએ તેમના અનુભવો શેર કર્યા અને હું તેમનામાં જુસ્સો અને નિશ્ચય જોઈ શક્યો. તે બધાને મારી શુભેચ્છાઓ." પ્રધાનમંત્રીએ એ પણ નોંધ્યું હતું કે "આપણા ચૅમ્પિયન્સને કારણે  આ વખતની ડેફલિમ્પિક્સ ભારત માટે શ્રેષ્ઠ રહી છે!"

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1827240) Visitor Counter : 184