શ્રમ અને રોજગાર મંત્રાલય
EPFOમાં માર્ચ 2022માં 15.32 લાખ સબસ્ક્રાઇબરનો ચોખ્ખો વધારો થયો
નવા ઉમેરાયેલા સબસ્ક્રાઇબરોમાં 18થી 25 વર્ષની વયના સમૂહના સબસ્ક્રાઇબરોની સંખ્યા 45.96% છે
કુલ નવા ઉમેરાયેલા સબસ્ક્રાઇબરોમાં મહિલાઓની નોંધણીનો હિસ્સો 22.70% છે
મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ, ગુજરાત, હરિયાણા અને દિલ્હી નવા સબસ્ક્રાઇબરોના ઉમેરામાં અગ્રેસર રહ્યા, આ રાજ્યોમાંથી અંદાજે 10.14 લાખ સબસ્ક્રાઇબરો (66.18%)નો ચોખ્ખો ઉમેરો થયો
Posted On:
20 MAY 2022 5:24PM by PIB Ahmedabad
EPFOના પગારપત્રકના કામચલાઉ ડેટા 20 મે 2022ના રોજ બહાર પાડવામાં આવ્યા છે તેમાં એ બાબતે પ્રકાશ પાડવામાં આવ્યો છે કે, માર્ચ 2022માં EPFOમાં 15.32 લાખ નવા સબસ્ક્રાઇબરોનો ચોખ્ખો ઉમેરો થયો છે. પગારપત્રકના ડેટાની માસિક ધોરણે સરખામણી કરવામાં આવે તો દર્શાવે છે કે, ફેબ્રુઆરી 2022માં ચોખ્ખા ઉમેરાયેલા સબસ્ક્રાઇબરોની કુલ સંખ્યાની સરખામણીએ માર્ચ 2022માં 2.47 લાખ સબસ્ક્રાઇબરોનો ચોખ્ખો વધારો થયો છે.
મહિના દરમિયાન ચોખ્ખા ઉમેરાયેલા કુલ 15.32 લાખ સબસ્ક્રાઇબરોમાંથી, લગભગ 9.68 લાખ નવા સભ્યોને પ્રથમ વખત EPF અને MP અધિનિયમ, 1952 ની જોગવાઇઓ હેઠળ આવરી લેવામાં આવ્યા છે. માર્ચ, 2022માં અગાઉના મહિનાની સરખામણીમાં નવા સભ્યોની સંખ્યામાં 81,327નો વધારો થયો છે. અંદાજે 5.64 લાખ સબસ્ક્રાઇબરો બહાર નીકળ્યા છે પરંતુ તેમણે અંતિમ ઉપાડનો વિકલ્પ પસંદ કરવાના બદલે, EPFO હેઠળ આવરી લેવામાં આવતી સંસ્થાઓમાં ફરીથી જોડાઇને અગાઉના PF ખાતામાં જમા રહેલા તેમના ભંડોળને વર્તમાન PF ખાતામાં સ્થાનાંતરિત કર્યું છે.
પગારપત્રકના ડેટાની ઉંમર અનુસાર કરવામાં આવેલી સરખામણી દર્શાવે છે કે, માર્ચ 2022 દરમિયાન 22થી 25 વર્ષ સુધીના વય જૂથના સબસ્ક્રાઇબરો સૌથી વધુ સંખ્યામાં નોંધાયા હતા અને આવા નવા ઉમેરાયેલા સબસ્ક્રાઇબરોની સંખ્યા 4.11 લાખ છે. ત્યારપછી 29થી 35 વર્ષના વય જૂથના નવા 3.17 સબસ્ક્રાઇબરોનો ચોખ્ખો ઉમેરો થયો છે. 18થી 21 વર્ષના વય જૂથના ચોખ્ખા નવા ઉમેરાયેલા સબસ્ક્રાઇબરોની સંખ્યા આ મહિના દરમિયાન 2.93 લાખ નોંધાઇ છે. આ મહિના દરમિયાન 18થી 25 વર્ષના ચોખ્ખા નવા ઉમેરાયેલા સબસ્ક્રાઇબરોની ટકાવારી 45.96% છે. ઉંમર અનુસાર પગારપત્રકના ડેટા સૂચવે છે કે, પ્રથમ વખત નોકરી શોધતા હોય તેવા સંખ્યાબંધ લોકો મોટી સંખ્યામાં સંગઠિત ક્ષેત્રના કાર્યદળમાં જોડાયા છે.
રાજ્ય અનુસાર પગારપત્રકના આંકડાઓની સરખામણી દર્શાવે છે કે, મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ, ગુજરાત, હરિયાણા અને દિલ્હી રાજ્યોમાં સમાવિષ્ટ સંસ્થાઓ આ મહિના દરમિયાન આશરે 10.14 લાખ નવા સબસ્ક્રાઇબરો ઉમેરીને અગ્રેસર રહી છે, જે તમામ વયજૂથમાં ચોખ્ખા નવા ઉમેરાયેલા કુલ સબસ્ક્રાઇબરોમાંથી 66.18% છે.
લિંગ અનુસાર કરવામાં આવેલું વિશ્લેષણ બતાવે છે કે, આ મહિના દરમિયાન કુલ નવા ઉમેરાયેલા મહિલા ઉમેદવારોની સંખ્યા 3.48 લાખ છે. માર્ચ 2022 દરમિયાન કુલ નવા ઉમેરાયેલા સબસ્ક્રાઇબરોમાં મહિલાઓની સંખ્યા 22.70% છે અને અગાઉના મહિના ફેબ્રુઆરી 2022માં ઉમેરાયેલી મહિલા સબસ્ક્રાઇબરોની સંખ્યાની સરખામણીએ માર્ચ 2022માં 65,224 સબસ્ક્રાઇબરો વધારે છે. સંગઠિત ક્ષેત્રોમાં મહિલાઓની સહભાગીતામાં ઓક્ટોબર 2021થી સકારાત્મક વલણ જોવા મળી રહ્યું છે.
ઉદ્યોગ અનુસાર પગારપત્રકના ડેટા પર નજર કરીએ તો જોવા મળે છે કે, મુખ્યત્વે બે શ્રેણીઓ ‘નિષ્ણાત સેવાઓ’ (જેમાં માનવશક્તિ એજન્સીઓ, ખાનગી સુરક્ષા એજન્સીઓ અને નાના કોન્ટ્રાક્ટરો વગેરેનો સમાવેશ થાય છે) અને ‘ટ્રેડિંગ-વાણિજ્યિક સંસ્થાઓ’ આ મહિના દરમિયાન કુલ નવા ઉમેરાયેલા સબસ્ક્રાઇબરોમાંથી 47.76% નવા સબસ્ક્રાઇબરોનું યોગદાન ધરાવે છે. ટેક્સટાઇલ, ભારે ફાઇન કેમિકલ્સ, હોટેલ્સ અને રેસ્ટોરન્ટ્સ વગેરે જેવા ઉદ્યોગોમાં ફેબ્રુઆરી, 2022માં ચોખ્ખા નવા ઉમેરાયેલા સબસ્ક્રાઇબરો સરખામણીમાં માર્ચ, 2022માં વૃદ્ધિનું વલણ જોવા મળ્યું છે.
પગારપત્રકના ડેટા કામચલાઉ છે કારણ કે ડેટા જનરેશન એ એકધારી ચાલતી કવાયત છે અને કર્મચારીના રેકોર્ડને અપડેટ કરવાની પ્રક્રિયા નિયમિત રીતે કરવામાં આવે છે. આથી, અગાઉના ડેટામાં દર મહિને અપડેટ થાય છે. એપ્રિલ-2018ના મહિનાથી, EPFO દ્વારા સપ્ટેમ્બર, 2017 પછીના સમયગાળાને આવરી લેતા પગારપત્રકના ડેટા જાહેર કરવામાં આવી રહ્યા છે.
EPFO એ દેશનું મુખ્ય સંગઠન છે જે EPF અને MP અધિનિયમ, 1952 હેઠળ આવરી લેવામાં આવેલા સંગઠિત/અર્ધ-સંગઠિત ક્ષેત્રના કર્મચારીઓને સામાજિક સુરક્ષાના લાભો પૂરા પાડવા માટે જવાબદાર છે. તે પોતાના સભ્યોને ભવિષ્ય નિધિ, વીમો અને પેન્શન સહિત સંખ્યાબંધ સેવાઓ પૂરી પાડે છે જે સભ્યો અને તેમના પરિવારો બંને માટે હોય છે.
SD/GP/JD
(Release ID: 1827029)
Visitor Counter : 226