સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ગુજરાતના કેવડિયા ખાતે ત્રણ દિવસીય “સ્વાસ્થ્ય ચિંતન શિબિર”નું સમાપન થયું


“હું દરેકને ટૂંક સમયમાં શરૂ થનારી “ટીબી પેશન્ટ/ગામ દત્તક” યોજનામાં જોડાવા અપીલ કરું છું જ્યાં દરેક વ્યક્તિ ટીબીના દર્દીઓ દત્તક લઈ શકે અને તેમની સુખાકારી સુનિશ્ચિત કરી શકે”: ડૉ. માંડવિયા

"ટેલિકન્સલ્ટેશન એ આપણી આરોગ્ય પ્રણાલીનું ભવિષ્ય છે અને આપણે તેને મોટા પાયે પ્રોત્સાહિત કરવા માટે કામ કરવું જોઈએ કારણ કે તે છેવાડા સુધી આરોગ્ય સેવાઓ પ્રદાન કરવા માટે એક સંપૂર્ણ પ્લેટફોર્મ પૂરું પાડે છે"

“આયુષ્માન ભારત નેશન ડિજિટલ હેલ્થ મિશન એ સ્વાસ્થ્ય ક્ષેત્રે ભારતને ડિજિટલ ક્રાંતિ તરફ આગળ વધારવા માટે એક મહત્વપૂર્ણ યોજના છે. આપણે યુદ્ધનાં ધોરણે ABHA ID બનાવવાની દિશામાં કામ કરવું જોઈએ”

" સરકારી હોસ્પિટલોમાં સેવા વિતરણ વિશે લાભાર્થીઓ/દર્દીઓના પ્રતિસાદ માટે કેન્દ્રીય મંત્રાલયના 'મેરા અસ્પતાલ' પોર્ટલ વિશે જાગૃતિ લાવવા રાજ્યોને વિનંતી કરવામાં આવે છે"

Posted On: 07 MAY 2022 5:27PM by PIB Ahmedabad

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ ગુજરાતના કેવડિયા ખાતે 5મીથી 7મી મે દરમ્યાન યોજાયેલી સેન્ટ્રલ કાઉન્સિલ ઑફ હેલ્થ એન્ડ ફેમિલિ વેલ્ફેર (CCHFW)ની 14મી કૉન્ફરન્સ 'સ્વાસ્થ્ય ચિંતન શિબિર'નાં સમાપન સત્રને સંબોધિત કર્યું હતું. તેમની સાથે આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્ય મંત્રી ડૉ. ભારતી પ્રવિણ પવાર અને ડૉ. વી.કે. પોલ, સભ્ય (આરોગ્ય), નીતિ આયોગ, રાજ્યોના આરોગ્ય મંત્રીઓ, આરોગ્ય સચિવો, રાજ્યના આરોગ્ય પ્રતિનિધિઓ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના પ્રતિનિધિઓ, નીતિ આયોગ, ICMR અને વૈજ્ઞાનિકોએ આ ત્રણ દિવસીય પરિષદમાં ભાગ લીધો હતો.

ડૉ. માંડવિયાએ તેમનાં સંબોધનની શરૂઆત એમ કહીને કરી કે "સિદ્ધિ એ કોઈપણ સંકલ્પ પાછળ ચાલક બળ છે." 3-દિવસીય "સ્વાસ્થ્ય ચિંતન શિબિર" માં લગભગ 25 આરોગ્ય અને તબીબી શિક્ષણ મંત્રીઓની સહભાગિતાની પ્રશંસા કરતાં, તેમણે કહ્યું, "રાજ્યો દ્વારા શ્રેષ્ઠ પ્રથાઓની રજૂઆતને કારણે અમે જ્ઞાનની ઊંડી સૂઝથી સમૃદ્ધ થયા છીએ. આનાથી અમને આરોગ્ય ક્ષેત્રે સરકારી યોજનાઓનાં અસરકારક અમલીકરણ અંગેનું જ્ઞાન મળ્યું હતું." તેમણે વધુમાં જણાવ્યું હતું કે "તમામ રાજ્યોએ એક શ્રેષ્ઠ પ્રથા વહેંચી છે, તેથી હવે અમારી પાસે શીખવા અને સમગ્ર દેશમાં અમલમાં મૂકવા માટે 25થી વધુ શ્રેષ્ઠ પ્રથાઓ છે. કેન્દ્રનાં અને રાજ્યોનાં લક્ષ્યો પૂરક છે. તે રાજ્યનું ધ્યેય છે જે કેન્દ્રીય સ્તરે નીતિ નિર્માણને વ્યાખ્યાયિત કરશે.

સહકારી સંઘવાદની ભાવનામાં કામ કરવાનાં મહત્વ પર પ્રકાશ પાડતા ડૉ. માંડવિયાએ જણાવ્યું હતું કે "રાજ્યોનાં લક્ષ્યો આપણને રાષ્ટ્રીય લક્ષ્યો પૂરાં પાડે છે". “તેઓ અમને વિવિધ નીતિઓ માટે રોડમેપ પ્રદાન કરે છે. સ્વાસ્થ્ય શિબિરે દેશ માટે "સ્વસ્થ પરિવાર"નો પાયો નાખ્યો છે. ચાલો અંત્યોદયનાં ઉદ્દેશ્યને પરિપૂર્ણ કરવા માટે આપણા નાગરિકોની સુખાકારી માટે આરોગ્ય નીતિઓના શ્રેષ્ઠ અમલીકરણની ખાતરી કરવા માટે સંકલ્પ કરીએ અને પ્રતિજ્ઞા લઈએ. આરોગ્ય સેવાઓની ડિલિવરી માટે છેવાડાનો નાગરિક આપણી પ્રાથમિકતા હોવી જોઈએ", એમ તેમણે જણાવ્યું હતું.

મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે “આરોગ્ય એ આપણા માટે વાણિજ્ય નથી પણ સેવા છે. આપણે મેડિકલ ટુરિઝમને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છીએ અને 'હીલ બાય ઈન્ડિયા' અને 'હીલ ઈન ઈન્ડિયા' એ આવનારાં વર્ષોમાં આપણી હેલ્થ ઈકોસિસ્ટમના બે મહત્વપૂર્ણ સ્તંભો છે જે ભારતને વૈશ્વિક આરોગ્ય નેતા તરીકે સ્થાન આપશે.”

ડૉ. માંડવિયાએ દરેકને અપીલ કરી કે "ટૂંક સમયમાં શરૂ થનારી 'ટીબી પેશન્ટ/ગામ દત્તક' યોજનામાં જોડાય જ્યાં દરેક વ્યક્તિ ટીબીના દર્દીઓને અપનાવી શકે અને તેમની સુખાકારી, લોકોનું પોષણ, સમયસર નિદાન અને તાત્કાલિક સારવાર સુનિશ્ચિત કરી શકે". "2025 સુધીમાં ટીબી મુક્ત ભારતના આપણા ધ્યેયમાં આ ઘણું યોગદાન આપશે", એમ તેમણે જણાવ્યું

ડૉ. માંડવિયાએ મોતિયાની શસ્ત્રક્રિયાના બેકલોગને દૂર કરવા માટે રાષ્ટ્રીય પહેલ માટે સહયોગનું પણ આમંત્રણ આપ્યું. તેમણે રાજ્યના મંત્રીઓને ઈ-સંજીવની દ્વારા ટેલિકન્સલ્ટેશનને લોકપ્રિય બનાવવા વિનંતી કરી હતી. “હું તમામ મંત્રીઓને અપીલ કરું છું કે તમારી જિલ્લા મુલાકાતો દરમિયાન AB HWC ની મુલાકાત લો અને વ્યક્તિગત રીતે આ યોજનાનું નિરીક્ષણ કરો. આનાથી કોવિડ દરમિયાન સમુદાયને ગુણવત્તાયુક્ત આરોગ્યસંભાળ સેવાઓ પૂરી પાડવામાં આવી છે," તેમણે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે "ટેલિકન્સલ્ટેશન એ આપણી આરોગ્ય પ્રણાલીનું ભવિષ્ય છે અને આપણે તેને મોટા પાયા પર પ્રોત્સાહિત કરવા માટે કામ કરવું જોઈએ કારણ કે તે છેવાડા સુધી આરોગ્ય સેવાઓ પ્રદાન કરવા માટે એક સંપૂર્ણ પ્લેટફોર્મ પૂરું પાડે છે".

કેન્દ્રીય મંત્રીએ રાજ્યના મંત્રીઓને રાજ્યોમાં ABHA- આયુષ્માન ભારત સ્વાસ્થ્ય ખાતાને લોકપ્રિય બનાવવા અને તેનાં અમલીકરણને ઝડપી બનાવવા વિનંતી કરી હતી. “આયુષ્માન ભારત નેશન ડિજિટલ હેલ્થ મિશન એ સ્વાસ્થ્ય ક્ષેત્રે ભારતને ડિજિટલ ક્રાંતિ તરફ આગળ વધારવા માટે એક મહત્વપૂર્ણ યોજના છે. આપણે યુદ્ધના ધોરણે ABHA ID બનાવવાની દિશામાં કામ કરવું જોઈએ. આ યોજના સેવા વિતરણ સાથે ગોપનીયતાને સુનિશ્ચિત કરે છે”, એમ તેમણે જણાવ્યું હતું.

ડૉ. માંડવિયાએ સરકારી હૉસ્પિટલોમાં સેવા વિતરણ વિશે લાભાર્થીઓ/દર્દીઓના પ્રતિસાદ માટે કેન્દ્રીય મંત્રાલયના 'મેરા અસ્પતાલ' પોર્ટલ વિશે વધુ માહિતી આપી હતી. "આપણે આપણી જીવનશૈલી અને આહાર પર પણ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે," એમ તેમણે પ્રકાશિત કર્યું.

ડૉ. માંડવિયાએ માહિતી આપી હતી કે આ કૉન્ફરન્સે કેન્દ્ર અને રાજ્ય સરકારો માટે સેક્ટર-આધારિત લક્ષ્યાંકો પૂરા પાડ્યા છે જેમાં ટીબી-મુક્ત ભારત અને મોતિયાની શસ્ત્રક્રિયાઓના બેકલોગને દૂર કરવામાં આવે એનો નો સમાવેશ થાય છે, સાથે નોંધ્યું હતું કે "આપણે સ્વાસ્થ્ય લક્ષ્યો સિદ્ધ કરવા માટે જન ભાગીદારીની જરૂર છે,". તેમણે એમ પણ જણાવ્યું કે 1લી જૂનથી મોતિયાનાં ઓપરેશન કરવા માટે સમર્પિત અભિયાન શરૂ કરવામાં આવશે.

તેમણે ચિંતન શિબિરની સફળતાનો શ્રેય તમામ ટીમોને તેમની પરિકલ્પના અને આટલી અસરકારક રીતે અમલમાં મૂકવા માટે તેમની સખત મહેનત માટે આપીને તેમનું સંબોધન સમાપ્ત કર્યું. તેમણે શિબિરમાં સક્રિયપણે ભાગ લેવા બદલ રાજ્યના તમામ આરોગ્ય મંત્રીઓનો પણ આભાર માન્યો હતો. કેવડિયા ખાતે 3-દિવસીય ચિંતન શિબિર દરમિયાન, ડૉ. માંડવિયાએ આ સ્વસ્થ જીવનશૈલી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા માટે સહભાગીઓને સાઇકલ રાઇડ, ટ્રેકિંગ અને યોગ માટે પણ માર્ગદર્શન આપ્યું હતું. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ 14મી CCHFWની વેબસાઈટનું પણ ઉદ્ઘાટન કર્યું હતું.

ડૉ. ભારતી પ્રવિણ પવારે નોંધ્યું હતું કે "ચિંતન શિબિરે આપણને આરોગ્ય ક્ષેત્ર અને ગુણવત્તાયુક્ત સેવા વિતરણનાં વિવિધ પાસાઓ પર સામૂહિક મંથનનું લાભદાયી સહયોગી પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે". કોવિડ19 સામેની લડાઈમાં કેન્દ્ર અને રાજ્યોના સહયોગી અભિગમની પ્રશંસા કરતા, તેમણે રસીના 190 કરોડ ડોઝના સીમાચિહ્નરૂપ સીમાસ્થંભ સુધી પહોંચવા બદલ રાજ્યોની પ્રશંસા કરી. "આપણે સ્વાસ્થ્ય ક્ષેત્રે ભારતને 'વિશ્વ ગુરુ' બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ", એમ તેમણે જણાવ્યું.

ડૉ. વી.કે. પૉલે જણાવ્યું હતું કે "આ (ચિંતન શિબિર) ભારતનાં ભાવિ સ્વાસ્થ્ય ઇકોસિસ્ટમની બ્લુ પ્રિન્ટ વિકસાવવાનો માર્ગ મોકળો કરશે". તેમણે ચિંતન શિબિરનું આયોજન કરવા બદલ કેન્દ્ર અને રાજ્યોની આરોગ્ય ટીમોનો આભાર માન્યો હતો.

 CCHFW ની 14મી પરિષદ 'સ્વાસ્થ્ય ચિંતન શિબિર'ના ત્રીજા દિવસે રાજ્યોની શ્રેષ્ઠ પ્રથાઓ પર વિષયોનું સત્ર, ભારતનો જાહેર આરોગ્ય પ્રતિસાદ અને કોવિડ-19માંથી બોધપાઠ, ભાવિ આરોગ્ય કટોકટીઓ માટે ભારતને તૈયાર કરવું, હીલ ઇન ઇન્ડિયા અને હીલ બાય ઇન્ડિયા અને તંદુરસ્ત ભારત માટે રોડમેપ જેવા વિષયો પર વિષયસત્રો આયોજિત કરવામાં આવ્યા હતા. દરેક રાજ્યના અનુભવોમાંથી શીખવા માટે એક મંચ પૂરો પાડવા માટે, રાજ્યના આરોગ્ય પ્રધાનો અને રાજ્યના પ્રતિનિધિઓ દ્વારા વિવિધ રાજ્યોમાંથી આરોગ્ય વ્યવસ્થાપનની શ્રેષ્ઠ પદ્ધતિઓ શેર કરવામાં આવી હતી. આ ઉપરાંત આરોગ્ય અને સુખાકારીના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા-વિચારણા હાથ ધરવામાં આવી હતી. કેન્દ્ર અને રાજ્યોએ બધા માટે સુલભ, સસ્તું અને સમાન આરોગ્ય સંભાળના પવિત્ર ઉદ્દેશ્યને હાંસલ કરવા માટે તેમની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરી હતી.

રાજ્યના આરોગ્ય મંત્રીઓએ છેલ્લા ત્રણ દિવસમાં જે રીતે કૉન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું તેના પર ખુશી વ્યક્ત કરી હતી અને કૉન્ફરન્સની કલ્પના અને આયોજન કરવા બદલ કેન્દ્રીય આરોગ્ય મંત્રીનો આભાર માન્યો હતો જેનાથી બધાને શીખવાનો ઉત્તમ અનુભવ મળ્યો હતો.

ત્રણ દિવસીય પરિષદનો ઉદ્દેશ્ય કેન્દ્ર અને રાજ્યોને આરોગ્ય ક્ષેત્રની વિવિધ કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓનાં અમલીકરણની સમીક્ષા કરવા ઉપરાંત દેશમાં આરોગ્ય ઇકોસિસ્ટમના ભાવિ રોડમેપ પર ચર્ચા કરવા, વિચાર-વિમર્શ કરવા અને ભલામણ કરવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે.

****

SD/GP/MR

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1823542) Visitor Counter : 297


Read this release in: English , Urdu , Hindi , Tamil , Telugu