પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીની ફ્રાન્સની મુલાકાત દરમિયાન ભારત-ફ્રાન્સનું સંયુક્ત નિવેદન

Posted On: 04 MAY 2022 11:59PM by PIB Ahmedabad

1. ફ્રાન્સ પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિ મહામહિમ ઇમેન્યુઅલ મેક્રોને 4 મે 2022ના રોજ ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની કામકાજી મુલાકાત દરમિયાન તેમનું આતિથ્ય કર્યું હતું.


2. ભારત અને ફ્રાન્સ 1998થી વ્યૂહાત્મક સંબંધો ધરાવે છે. આ વ્યૂહાત્મક ભાગીદારી ઊંડા અને એકધારા પારસ્પરિક વિશ્વાસ, વ્યૂહાત્મક સ્વાયત્તતામાં ભરોસો, આંતરરાષ્ટ્રીય કાયદા પ્રત્યે અતૂટ પ્રતિબદ્ધતાના નક્કર આધાર પર નિર્માણ પામેલી છે; અને સુધારેલ તેમજ અસરકારક બહુપક્ષીયવાદ દ્વારા આકાર પામેલા બહુધ્રુવીય વિશ્વમાંની માન્યતા પર નિર્માણ પામેલી છે. બંને દેશો લોકશાહીના સહિયારા મૂલ્યો, મૂળભૂત સ્વતંત્રતાઓ, કાયદાનું શાસન અને માનવ અધિકારોના આદર માટે પ્રતિબદ્ધ છે.


3. મહામારી પછીની દુનિયા વૈશ્વિક ભૂરાજકીય પડકારોનો સામનો કરી રહી છે. ભારત અને ફ્રાન્સે તેમના સહયોગને વધુ ઘનિષ્ઠ બનાવીને, વારંવાર ઉભરતા પડકારોને પહોંચી વળવા માટે અને તેમની આંતરરાષ્ટ્રીય ભાગીદારીનું વિસ્તરણ કરવા માટે નવા ક્ષેત્રોમાં વિસ્તરણ કરીને ભવિષ્ય માટે એકસાથે તૈયાર થવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે.


ઇન્ડો-પેસિફિક પ્રદેશ


4. ભારત અને ફ્રાન્સે ઇન્ડો-પેસિફિક પ્રદેશમાં શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિની દિશામાં આગળ વધવા માટે મુખ્ય વ્યૂહાત્મક ભાગીદારી પૈકી એક ભાગીદારીનું નિર્માણ કર્યું છે. તેઓ આંતરરાષ્ટ્રીય કાયદા પ્રત્યેની પ્રતિબદ્ધતા, સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતા માટે આદર ભાવ, જહાજ પરિવહનની સ્વતંત્રતા અને બળજબરી, તણાવ તેમજ સંઘર્ષોથી મુક્ત પ્રદેશના આધારે મુક્ત, ખુલ્લા અને નિયમો આધારિત ઇન્ડો-પેસિફિક પ્રદેશની એક સમાન દૂરંદેશી ધરાવે છે.


5. ઇન્ડો-ફ્રાન્સ ઇન્ડો-પેસિફિક ભાગીદારીમાં સંરક્ષણ અન્ન સુરક્ષા, વેપાર, રોકાણ, કનેક્ટિવિટી, આરોગ્ય અને ટકાઉક્ષમતાનો સમાવેશ થાય છે. દ્વીપક્ષીય સહકાર ઉપરાંત, ભારત અને ફ્રાન્સ સમાન વિચારસરણી ધરાવતા આ પ્રદેશમાં આવેલા અન્ય રાષ્ટ્રો અને પ્રાદેશિક સંગઠનો સાથે વિવિધ પ્રારૂપમાં નવી ભાગીદારી વિકસાવવાનું એકધારું ચાલુ રાખશે. EU પરિષદના ફ્રાન્સના પ્રમુખપદના સમયગાળા દરમિયાન ફેબ્રુઆરી 2022માં પેરિસમાં યોજવામાં આવેલી પહેલી ઇન્ડો-પેસિફિક મંત્રીસ્તરીય ફોરમે ઇન્ડો પેસિફિકમાં સહકાર માટેની EU વ્યૂહરચના પર આધારિત EU સ્તરે મહત્વાકાંક્ષી એજન્ડાની શરૂઆત કરી હતી.


6. ભારત અને ફ્રાન્સે ભારત- EU વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ઘનિષ્ઠ બનાવવા માટેની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો અને ભારત- EU કનેક્ટિવિટી ભાગીદારીના અમલીકરણમાં અને મે 2021 દરમિયાન પોર્ટોમાં ભારત- EU નેતાઓની બેઠકમાં લેવામાં આવેલા નિર્ણયો પર સાથે મળીને કામ કરવા માટે તત્પરતા વ્યક્ત કરી હતી. તેમણે તાજેતરમાં ભારત- EU વેપાર અને ટેકનોલોજી પરિષદની શરૂઆત કરવામાં આવી તેનું સ્વાગત કર્યું હતું, જે વેપાર, ટેકનોલોજી અને સુરક્ષાના વ્યૂહાત્મક પરિબળોને પ્રોત્સાહન આપશે તેમજ વેપાર, રોકાણ અને ભૌગોલિક સૂચકાંકો પર ભારત- EU કરારો પર વાટાઘાટોને ફરીથી શરૂ કરશે.


યુક્રેન

7. ફ્રાન્સે રશિયન દળો દ્વારા યુક્રેન વિરુદ્ધ ગેરકાયદેસર અને ઉશ્કેરણી વગરના આક્રમણની સખત શબ્દોમાં નિંદા કરી છે.


8. ભારત અને ફ્રાન્સે યુક્રેનમાં હાલમાં યુક્રેનમાં ચાલી રહેલી માનવીય કટોકટી અંગે તેમની ઘેરી ચિંતાની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે યુક્રેનમાં થઇ રહેલા સામાન્ય નાગરિકોના મૃત્યુની સ્પષ્ટ નિંદા કરી હતી. તેમણે આ શત્રુતાનો તાત્કાલિક અંત લાવવા માટે પક્ષકારોને ભેગા કરીને સંવાદ અને મુત્સદ્દીગીરીને પ્રોત્સાહન આપીને આ યુદ્ધ તાત્કાલિક સમાપ્ત કરવાનું આહ્વાન કર્યું હતું જેથી અહીંના લોકોની પીડાનો અંત લાવી શકાય. બંને પક્ષોએ સંયુક્ત રાષ્ટ્ર અધિકારપત્ર, આંતરરાષ્ટ્રીય કાયદા તેમજ સાર્વભૌમત્વ અને દેશોની પ્રાદેશિક અખંડિતતાના આદરની જરૂરિયાતને ખાસ રેખાંકિત કરી હતી. બંને નેતાઓએ યુક્રેનમાં સંઘર્ષના કારણે પ્રાદેશિક અને વૈશ્વિક સ્તરે થતી અસરો અંગે ચર્ચા કરી હતી અને આ મુદ્દા અંગે સંકલન વઘુ સઘન કરવા માટે સંમતિ દર્શાવી હતી


9. ભારત અને ફ્રાન્સે વૈશ્વિક ખાદ્ય સુરક્ષા અને પોષણની વર્તમાન ઉગ્રતા વિશે ઘેરી ચિંતા વ્યક્ત કરી છે, જેના પર કોવિડ-19 મહામારીના કારણે પહેલાથી જ અસર પડેલી છે અને ખાસ કરીને વિકાસશીલ દેશોમાં આ સ્થિતિ વધારે જોવા મળી છે. તેઓ યુક્રેનમાં ઉભી થયેલી સંઘર્ષની સ્થિતિના કારણે વધેલા ખાદ્ય સંકટના જોખમનો ઉકેલ લાવવા માટે સંકલિત, બહુપક્ષીય પ્રતિભાવ સક્ષમ કરવા માટે પ્રતિબદ્ધ છે, જેમાં ખાદ્ય અને કૃષિ સ્થિતિસ્થાપકતા મિશન  (FARM) જેવી પહેલોનો સમાવેશ થાય છે, જેનો ઉદ્દેશ સારી રીતે કાર્યરત બજારો, એકતા અને લાંબા ગાળાની સ્થિતિસ્થાપકતાને સુનિશ્ચિત કરવાનો છે.


10. અફઘાનિસ્તાન મામલે, ભારત અને ફ્રાન્સે અફઘાનિસ્તાનમાં માનવીય પરિસ્થિતિ અને માનવ અધિકારોના હનન અંગે ઘેરી ચિંતા વ્યક્ત કરી હતી અને શાંતિપૂર્ણ, સુરક્ષિત તેમજ સ્થિર અફઘાનિસ્તાન માટે તેમનું મજબૂત સમર્થન હોવાનો પુનરોચ્ચાર કર્યો હતો જેમાં ખાસ કરીને તેના સાર્વભૌમત્વ, એકતા અને પ્રાદેશિક અખંડિતા તેમજ તેની આંતરિક બાબતોમાં બિન-હસ્તક્ષેપને આદર આપવા પર વિશેષ ભાર મૂક્યો છે. તેમણે સમાવેશી અને પ્રતિનિધિત્વ લેતી સરકાર અને મહિલાઓ, બાળકો તેમજ લઘુમતીઓના અધિકારોને આદર આપવાનું આહ્વાન કર્યું હતું. બંને પક્ષોએ ફરીથી ભારપૂર્વક UNSC ઠરાવ 2596 (2021)ના મહત્વનો ફરી ઉલ્લેખ કર્યો હતો અને દુનિયાના અન્ય ભાગોમાં આતંકવાદ ફેલાવવા માટે અફઘાનિસ્તાનના પ્રદેશનો ઉપયોગ થવા સામે જરાય પણ સહિષ્ણુતા ના દાખવવા પર ભાર મૂક્યો હતો અને આ સંબંધોમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ સહિત બધે જ સાથે મળીને કામ કરવા માટે સંમતિ દાખવી હતી.


વ્યૂહાત્મક સહકાર


11. બંને પક્ષોએ તમામ સંરક્ષણ ક્ષેત્રોમાં ચાલી રહેલા સઘન સહકારને આવકાર આપ્યો હતો. સંયુક્ત કવાયતો (શક્તિ, વરુણ, પેગેસ, ડેઝર્ટ નાઇટ, ગરુડ)ના માધ્યમથી જ્યાં પણ શક્ય હોય ત્યાં બહેતર એકીકૃતતા અને આંતરકાર્યક્ષમતા તરફના પ્રયાસો પ્રદર્શિત થાય છે. દરમિયાન, ભારત અને ફ્રાન્સ વચ્ચેનો સમુદ્રી ક્ષેત્રમાં સહયોગ વિશ્વાસના નવા સ્તરે પહોંચ્યો છે અને સમગ્ર હિન્દ મહાસાગરમાં કવાયત, વિનિમય તેમજ સંયુક્ત પ્રયાસો દ્વારા આને ચાલુ રાખવામાં આવશે.


12. ભારત અને ફ્રાન્સે રેખાંકિત કર્યું હતું કે, બંને દેશો વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલો શસ્ત્ર સહકાર બંને પક્ષોના પારસ્પરિક વિશ્વાસનો પુરાવો છે. ભારતની મેક ઇન ઇન્ડિયા પહેલને અનુરૂપ મુંબઇમાં MDL ખાતે બાંધવામાં આવેલી છ સ્કોર્પિઅન સબમરીન, ફ્રાન્સથી ભારતમાં ટેકનોલોજીના સ્થાનાંતરણનું સ્તર દર્શાવે છે. મહામારી ફેલાયેલી હોવા છતાં સમયસર રાફેલ યુદ્ધ વિમાનોની ડિલિવરીમાં જોવા મળ્યું તેમ, બંને પક્ષો વચ્ચે સંરક્ષણ ક્ષેત્રે ખૂબ જ સારો સૂમેળ છે. આ ગતિને આગળ વધારતા, અને તેમના પરસ્પર વિશ્વાસના આધારે, બંને પક્ષોએ ઉદ્યોગથી ઉદ્યોગ ભાગીદારીમાં વૃદ્ધિને પ્રોત્સાહન આપવા સહિત અદ્યતન સંરક્ષણ ટેકનોલોજી, વિનિર્માણ અને નિકાસના ક્ષેત્રમાં આત્મનિર્ભર ભારતપ્રયાસોમાં ફ્રાન્સની ઊંડી ભાગીદારી માટે સર્જનાત્મક માર્ગો શોધવા માટે સંમતિ દાખવી છે.


13. ટેકનિકલ અને વૈજ્ઞાનિક અવકાશમાં સહકારની 60 વર્ષની મહાન પરંપરા પર નિર્મિત અને અવકાશ ક્ષેત્રમાં અને ખાસ કરીને સૌના માટે અવકાશની સુરક્ષિત સુલભતા જળવાઇ રહે તે સહિતના સમકાલિન પડકારોનો સામનો કરવા માટે, ભારત અને ફ્રાન્સે અવકાશના મુદ્દા પર દ્વીપક્ષીય વ્યૂહાત્મક સંવાદ ગોઠવવા માટે પણ સંમતિ દાખવી હતી. આના કારણે બાહ્ય અવકાશમાં સુરક્ષા અને આર્થિક પડકારો, અવકાશને લાગુ પડતા ધોરણો અને સિદ્ધાંતો તેમજ સહકારના નવા ક્ષેત્રોને અનાવૃત કરવા માટે અવકાશ અને સંરક્ષણ એજન્સીઓ, પ્રશાસન અને વિશિષ્ટ ઇકોસિસ્ટમના નિષ્ણાતોને એકસાથે લાવી શકાશે. બંને પક્ષોએ આ વર્ષે વહેલામાં વહેલી તકે આ અંગે પ્રથમ સંવાદનું આયોજન કરવા માટે સંમતિ દાખવી હતી.


14. ડિજિટલ દુનિયામાં એકધારો વધારો થઇ રહ્યો છે તેવી સ્થિતિમાં, ભારત અને ફ્રાન્સે તેમની સાઇબર સુરક્ષા એજન્સીઓ વચ્ચે સહકાર વધુ મજબૂત બનાવ્યો છે. એક કેન્દ્રીત દૃષ્ટિકોણના આધારે, તેમણે સાઇબર જોખમોનો સામનો કરવા માટે સાઇબર ધોરણો અને સિદ્ધાંતોને પ્રોત્સાહન આપવા માટે તેમના દળોને જોડાવા અંગે સંમતિ દર્શાવી છે અને શાંતિપૂર્ણ, સુરક્ષિત અને ખુલ્લા સાઇબર સ્પેસમાં યોગદાન આપવા માટે તેમના દ્વિપક્ષીય સાઇબર સંવાદને અપગ્રેડ કરવા માટે સંમતિ દર્શાવી છે.


15. બંને પક્ષોએ તેમની સ્ટાર્ટઅપ ઇકો-સિસ્ટમને જોડવા માટે સંખ્યાબંધ પહેલની શરૂઆત કરી છે અને તેમની સંબંધિત સફળતાઓના આધારે મુક્ત, સમાવેશી, આવિષ્કારી તેમજ ખુલ્લા સાર્વજનિક ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને લોકોના જીવનમાં પરિવર્તન લાવવા અને મોટા વૈશ્વિક ઉદ્ધાર માટે નિર્મિત ધોરણો અને પ્રોટોકોલના આધારે સાથે મળીને કામ કરવા માટે તાજેતરમાં કરવામાં આવેલા જાહેર-ખાનગી જોડાણનું સ્વાગત કર્યું છે. પેરિસમાં યુરોપના સૌથી મોટા ડિજિટલ મેળા વિવાટેકના આ વર્ષના સંસ્કરણમાં ભારત આ વર્ષનો પ્રથમ દેશ હશે.


16. સાઇબર સુરક્ષા અને ડિજિટલ ટેકનલોજી અંગે ઇન્ડો-ફ્રેન્ચની ભાવિ રૂપરેખાના અમલીકરણ માટે, ભારત અને ફ્રાન્સે C-DAC અને ATOS વચ્ચેના ફળદાયી સહયોગ, કે જેમાં ભારતમાં સુપર કોમ્પ્યૂટર્સનું નિર્માણ કરવાનો સમાવેશ થાય છે, તેના આધારે ભારત અને ફ્રાન્સ એક્સાસ્કેલ ટેકનોલોજી પર તેમના સહકારને વધુ ગાઢ બનાવવાની ઇચ્છાનો પુનરોચ્ચાર કર્યો છે. બંને પક્ષોએ વધુ સુરક્ષિત અને સાર્વભૌમ 5G/6G ટેલિકોમ સિસ્ટમ માટે સાથે મળીને કામ કરવા માટે પણ સંમતિ દર્શાવી છે.


17. બંને પક્ષોએ ભરોસાપાત્ર, પરવડે તેવી અને ઓછા કાર્બન ઊર્જાની સુલભતા માટે વ્યૂહાત્મક જૈતાપુર EPR પરિયોજનાની સફળતા અંગે તેમની પ્રતિબદ્ધતનો પુનરોચ્ચાર કર્યો છે અને છેલ્લા કેટલાક મહિનામાં આ પરિયોજનામાં થયેલી પ્રગતિને આવકારી છે. તેઓ આવનારા મહિનામાં સંપર્કોમાં વધારો કરશે જેથી નવી પ્રગતિ પણ પ્રાપ્ત કરી શકાય.


18. જેમાં ખાસ કરીને ઇન્ડો-પેસિફિક ક્ષેત્ર માટે આતંકવાદ-વિરોધી સહકાર એ ઇન્ડો-ફ્રેન્ચ વ્યૂહાત્મક ભાગીદારીની એક પાયાની શીલા છે. તેમણે આતંકવાદી પ્રોક્સીઓના ઉપયોગ અને સરહદ પારના આતંકવાદ સહિત તમામ પ્રકારે ફેલાવવામાં આવતા આતંકી કૃત્યોની સખત શબ્દોમાં નિંદા કરી છે. તેમણે વૈશ્વિક આતંકવાદ સામેની સહિયારી લડાઇમાં સાથે મળીને કામ કરવાના તેમના સંકલ્પનો પુનરોચ્ચાર કર્યો છે, જેમાં આતંકવાદ માટે કરવામાં આવતા ધીરાણને રોકવું, કટ્ટરપંથી અને હિંસક ઉગ્રવાદનો સામનો કરવો, આતંકવાદી અથવા હિંસક ઉગ્રવાદી હેતુ માટે ઇન્ટરનેટનો દુરુપયોગ અટકાવવો, આંતરરાષ્ટ્રીય સ્તરે નિયુક્ત સંસ્થાઓ અને વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવી વગેરે સામેલ છે. બંને પક્ષોએ 2022માં ભારત દ્વારા યોજવામાં આવનારા "નો મની ફોર ટેરર" (આતંકવાદ માટે કોઇ નાણાકીય સહાય નહીં) આંતરરાષ્ટ્રીય પરિષદના ત્રીજા સંસ્કરણ સુધી સક્રિય રીતે સંકલન કરવાની તૈયારી દર્શાવી હતી.


જળવાયુ, સ્વચ્છ ઊર્જા અને દીર્ઘકાલિન વિકાસ


19. પેરિસ સમજૂતી અપનાવવામાં આવી તેના સાત વર્ષ પછી અને આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનના સંયુક્ત આરંભ પછી, ભારત અને ફ્રાન્સની જળવાયુ પરિવર્તનની સમસ્યાનો સામનો કરવા માટેની પ્રતિબદ્ધતા અત્યાર સુધીમાં સૌથી વધારે મજબૂત બની છે, જેમાં તેઓ શમન અને અનુકૂલન બંને માટે કામ કરી રહ્યા છે. આ ટ્રાન્ઝિશન માટે અક્ષય ઊર્જાનો વિકાસ કરવામાં આવે એ મુખ્ય ઉકેલોમાંનો એક હોવાથી, ભારત અને ફ્રાન્સે આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનના ઉદ્દેશ્યોને તેમનું સતત સમર્થન આપવાનો પુનરોચ્ચાર કર્યો છે. ભારત અને ફ્રાન્સે G7 હેઠળ નવીવીકરણીયનું સ્થાપન કરવા માટેની કામગીરીને વેગ આપવા અને પરવડે તેવી તેમજ ટકાઉક્ષમ ઊર્જાની પહોંચ સહિત સહજ ઊર્જા ટ્રાન્ઝિશનની રીતો પર સંયુક્ત રીતે કામ કરવાની તકો શોધવા માટે પણ સંમતિ દાખવી છે. સ્વચ્છ ઊર્જા માટેની આ પ્રતિબદ્ધતામાં એક ડગલું આગળ વધીને, ભારતે પોતાના રાષ્ટ્રીય હાઇડ્રોજન મિશન હેઠળ ભારતને ગ્રીન હાઇડ્રોજન હબ બનાવવાની પહેલમાં ભાગ લેવા ફ્રાન્સને આમંત્રણ આપ્યું છે. બંને પક્ષો મજબૂત ઔદ્યોગિક ભાગીદારીને આગળ વધારવા માટે આવા હાઇડ્રોજનના નિયમન, પ્રમાણીકરણ અને સ્ટાન્ડર્ડાઇઝેશનને લગતા પરિબળો સહિત ડીકાર્બનાઇઝ્ડ હાઇડ્રોજન પર સહકાર વધારવા માટે ઉત્સુક છે અને આ સહકારને આગળ વધારવા માટે ટૂંક સમયમાં ભાવિ રૂપરેખાને અંતિમ સ્વરૂપ આપવા માટે તેમણ સંમતિ દર્શાવી છે. બંને પક્ષો એકીકૃત પુરવઠા શ્રૃંખલા સાથે એશિયન અને યુરોપીયન બજારોમાં પૂરવઠો પહોંચાડવા માટે તેમની પોતાની સૌર ઊર્જા ઉત્પાદન ક્ષમતાને મજબૂત કરવા માટે ઔદ્યોગિક ભાગીદારી સ્થાપવા માટે સાથે મળીને કામ કરશે.


20. ભારતને ફ્રાન્સે AFD અને ભારતીય એક્ઝિમ બેંક દ્વારા ઇન્ડો- પેસિફિક પ્રદેશમાં દીર્ઘકાલિન ફાઇનાન્સને સહકાર આપવા માટે તેમણે કરેલા પ્રયાસોને આવકાર આપ્યો હતો અને આ વિસ્તારમાં તેમના સહકારને વધુ સઘન કરવા માટે સંમતિ દર્શાવી છે. આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં અપનાવવામાં આવેલી ઇન્ડો-પેસિફિક પાર્ક્સ પાર્ટનરશીપ, સંરક્ષિત વિસ્તારો અને કુદરતી ઉદ્યાનોના વિકાસ દ્વારા ઇન્ડો-પેસિફિક પ્રદેશમાં ટકાઉક્ષમ અભિગમને પ્રોત્સાહન આપવા માટેની બંને પક્ષોની સમાન મહત્વાકાંક્ષા દર્શાવે છે.


21. પ્લાસ્ટિકના પ્રદૂષણ સામે લડવાની ભારત અને ફ્રાન્સની સહિયારી મહત્વાકાંક્ષા UNEAની તાજેતરમાં થયેલી પ્રગતિ અને પ્લાસ્ટિકના સંપૂર્ણ જીવનચક્રનો સામનો ઉકેલ લાવવા માટે પ્લાસ્ટિકના પ્રદૂષ અંગે કાનૂની રીતે બંધનકર્તા આંતરરાષ્ટ્રીય સમજૂતી પર વાટાઘાટોની શરૂઆત કરવા માટે લેવામાં આવેલા નિર્ણય માટે મુખ્ય બાબત છે. ભારત અને ફ્રાન્સ પ્લાસ્ટિકના પ્રદૂષણને સમાપ્ત કરવા માટે એક મજબૂત તેમજ મહત્વાકાંક્ષી કાયદેસર રીતે બંધનકર્તા સાધનને અપનાવવા માટે સંયુક્ત રીતે પ્રોત્સાહન આપવાનું ચાલુ જ રાખશે, સાથે સાથે રાષ્ટ્રીય સંજોગો અને પ્લાસ્ટિકના પ્રદૂષણને નાથવા માટે પગલાં લેવાની ક્ષમતાના સિદ્ધાંતને માન આપવાનું પણ ચાલુ રાખશે. બંને પક્ષોએ તાકીદના ધોરણે અને અવિરત રીતે પ્લાસ્ટિકના પ્રદૂષણનો સામનો કરવા માટે દેશો દ્વારા તાત્કાલિક સામૂહિક સ્વૈચ્છિક પગલાં લેવાનું પણ આહ્વાન કર્યું હતું.


22. ભારત અને ફ્રાન્સે, AFD સમૂહ અને અન્ય એજન્સીઓના માધ્યમથી ભારતમાં દીર્ઘકાલિન શહેરી વિકાસ, જૈવ વિવિધતા, ઊર્જા ટ્રાન્ઝિશન અને અન્ય જળવાયુ સંબંધિત પરિયોજનાઓ પ્રત્યે ફ્રાન્સની પ્રતિબદ્ધતાને આવકાર આપ્યો હતો.


23. ભારત અને ફ્રાન્સે બ્લૂ ઇકોનોમિ અને સમુદ્રી સુશાસન અંગે દ્વીપક્ષીય ભાવિ રૂપરેખાને અપનાવવા અંગે સંતોષની લાગણી વ્યક્ત કરી હતી અને તેના અમલીકરણમાં વેગ લાવવા માટે પ્રતિબદ્ધ હોવાનું જણાવ્યું હતું.


24. ભારત અને ફ્રાન્સ રાષ્ટ્રીય અધિકારક્ષેત્રની બહારના વિસ્તારો (BBNJ)ની સમુદ્રી જૈવિક વિવિધતાના સંરક્ષણ અને ટકાઉક્ષમ ઉપયોગ પર UNCLOS હેઠળ આંતરરાષ્ટ્રીય કાયદેસર રીતે બંધનકર્તા ઇન્સ્ટ્રુમેન્ટ પર આંતર-સરકારી પરિષદની પ્રગતિને સંયુક્ત રીતે સમર્થન આપશે, જે ઊંચા સમુદ્રના રક્ષણની ખાતરી કરવા માટેનું એક મુખ્ય પગલું છે.


25. બંને પક્ષોએ G20ના માળખામાં મજબૂત સંકલન જાળવવા સંમતિ દર્શાવી હતી. ફ્રાન્સે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતના કાયમી સભ્યપદ તેમજ ન્યુક્લિયર સપ્લાયર્સ ગ્રૂપમાં સભ્યપદ માટે ભારતના પ્રયાસોને તેમનું અડગ સમર્થન હોવાનો પુનરોચ્ચાર કર્યો હતો.


26. ભારત અને ફ્રાન્સ સ્થળાંતર અને ગતિશીલતા પર કરવામાં આવેલા ભાગીદારી કરારના અમલીકરણને અનુસરવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે, જેનો અમલ 1 ઓક્ટોબર 2021થી શરૂ કરવામાં આવ્યો હતો.


27. બંને પક્ષો વિદ્યાર્થીઓ, સ્નાતકો, વ્યાવસાયિકો અને કૌશલ્યવાન કામદારોની ગતિશીલતામાં વધારો કરવા માટે સંયુક્ત રીતે કામ કરવાનું ચાલુ રાખશે, અને સાથે સાથે અનિયમિત સ્થળાંતરનો ઉકેલ લાવવા માટેના તેમના પ્રયાસોને વધુ મજબૂત બનાવશે. દ્વિપક્ષીય વિદ્યાર્થી ગતિશીલતાના લાભને ઓળખીને, ફ્રાન્સે 2025 સુધીમાં 20000 ભારતીય વિદ્યાર્થીઓના ઉદ્દેશ્યને જાળવી રાખ્યો છે જે બંને દેશો વચ્ચે નવા વ્યવસાયો, સ્ટાર્ટ-અપ્સ અને નવીનતા માટેની તકો ઊભી કરશે.


28. બંને દેશોમાં કળા અને સંસ્કૃતિ ક્ષેત્રમાં પારસ્પરિક રુચિમાં નોંધપાત્ર વધારો થયો છે, અને આપણા બંને દેશોના કલાકારો તહેવારો અને રહેઠાણો જેવા પ્રોજેક્ટ્સની આસપાસ સહયોગ કરવા માટે વધુને વધુ ઉત્સુક છે. માર્ચ 2022થી બોન્જોર ઇન્ડિયા ફેસ્ટિવલના માધ્યમથી ભારતની સ્વતંત્રતાની 75મી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં આખા ભારતમાં શ્રેણીબદ્ધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તેના ભાગરૂપે, ભારત નમસ્તે ફ્રાન્સ ઉત્સવનું આયોજન કરી રહ્યું છે. પેરિસ બુક ફેસ્ટિવલ 2022માં ભારત ગેસ્ટ ઓફ ઓનર હતું અને આગામી નવી દિલ્હી વર્લ્ડ બુક ફેરમાં ફ્રાન્સ ગેસ્ટ ઓફ ઓનર રહેશે.


29. 28 જાન્યુઆરી 2020ના રોજ હસ્તાક્ષર કરવામાં આવેલા સંગ્રહાલય અને ધરોહર સહકાર ઇચ્છા પત્રને ધ્યાનમાં રાખીને, ભારત અને ફ્રાન્સ દ્વારા દિલ્હીમાં નવા રાષ્ટ્રીય સંગ્રહાલયની રચનામાં ફ્રાન્સને જ્ઞાન ભાગીદાર બનાવી શકાય તેની સંભાવનાઓ અને વ્યવસ્થાતંત્રની શોધ કરવામાં આવશે.


30. પ્રધાનમંત્રી શ્રી મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોનને આ મુલાકાત દરમિયાન દર્શાવવામાં આવેલા સહકારના ક્ષેત્રો પર વિગતવાર ચર્ચા કરવા માટે તેમજ આ રીતે ઓળખી કાઢવામાં આવેલા લક્ષ્યોના સાકાર કરવાની રીતોને અંતિમ સ્વરૂપ આપવા માટે તેમની અનુકૂળતા અનુસાર વહેલી તકે ભારતની મુલાકાત લેવા માટે નિમંત્રણ પાઠવ્યું હતું.

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1823165) Visitor Counter : 340