પ્રધાનમંત્રીનું કાર્યાલય

ડેનમાર્કમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પત્રકારો સમક્ષ આપેલું નિવેદન

Posted On: 03 MAY 2022 7:11PM by PIB Ahmedabad

આપ મહામહિમ શ્રી,

ડેનમાર્કના પ્રધાનમંત્રી,

પ્રતિનિધિગણના સભ્યો,

મીડિયાના મિત્રો

ગુડ ઇવનિંગ અને નમસ્કાર,

મહામહિમ પ્રધાનમંત્રી, મારું અને મારાં પ્રતિનિધિગણનું ડેનમાર્કમાં જે પ્રકારે શાનદાર સ્વાગત થયું અને અમારું આતિથ્ય કરવામાં આવ્યું તે બદલ, આપ સૌને અને આપની ટીમને હાર્દિક ધન્યવાદ. આપના સુંદર દેશમાં અમારી આ પહેલી યાત્રા છે. ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં મને ભારતમાં આપનું સ્વાગત કરવાનો અવસર પ્રાપ્ત થયો હતો. આ બંને યાત્રાઓથી આપણે આપણા સંબંધોમાં નિકટતા લાવી શક્યા છીએ અને તેને ગતિશીલ બનાવી શક્યા છીએ. આપણા બંને દેશ લોકશાહી, અભિવ્યક્તિની સ્વતંત્રતા અને કાયદાના શાસન જેવા એક સરખા મૂલ્યો ધરાવે છે; સાથે જ આપણે બંનેની સંખ્યાબંધ પૂરક શક્તિઓ પણ છે.

મિત્રો,
ઓક્ટોબર 2020માં ભારત – ડેનમાર્ક વર્ચ્યુઅલ શિખર મંત્રણા દરમિયાન આપણે આપણા સંબંધોને ગ્રીન વ્યૂહાત્મક ભાગીદારીનો દરજ્જો આપ્યો હતો. અમારી આજની ચર્ચા દરમિયાન, અમે આપણી ગ્રીન વ્યૂહાત્મક ભાગીદારીની સંયુક્ત કાર્યયોજનાની સમીક્ષા કરી છે.

મને ખુશી છે કે, વિવિધ ક્ષેત્રોમાં, જેમાં ખાસ કરીને નવીનીકરણીય ઊર્જા, આરોગ્ય, બંદરો, શિપિંગ, ચક્રીય અર્થતંત્ર તેમજ જળ વ્યવસ્થાપનના ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ પ્રગતિ થઇ છે. 200 કરતાં વધારે ડેનિશ કંપનીઓ ભારતમાં વિવિધ ક્ષેત્રોમાં કામ કરી રહી છે – જેમ કે પવન ઊર્જા, કન્સલ્ટન્સી, ખાદ્ય પ્રસંસ્કરણ, એન્જિનિયરિંગ જેવા સંખ્યાબંધ ક્ષેત્રો છે. તેમને ભારતમાં વધી રહેલા ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ અને અમારા વ્યાપક આર્થિક સુધારાઓનો લાભ મળી રહ્યો છે. ભારતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્ર અને ગ્રીન ઇન્ડસ્ટ્રીઝમાં ડેનિશ કંપનીઓ અને ડેનિશ પેન્શન ફંડ્સ માટે રોકાણની ખૂબ જ સારી તકો ઉપલબ્ધ છે.

આજે અમે ભારત – EU સંબંધો, ઇન્ડો- પેસિફિક અને યુક્રેન સહિત સંખ્યાબંધ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દા પર ચર્ચા કરી હતી. અમને આશા છે કે, ભારત – EU મુક્ત વેપાર કરાર પર ખૂબ જ ટૂંક સમયમાં વાટાઘાટો પૂરી કરવામાં આવશે. અમે એક મુક્ત, ખુલ્લા, સમાવેશી અને કાયદા આધારિત ઇન્ડો- પેસિફિક ક્ષેત્રને સુનિશ્ચિત કરવા પર વિશેષ ભાર મૂક્યો છે. અમે યુક્રેનમાં તાત્કાલિક યુદ્ધવિરામ કરવામાં આવે અને આ સમસ્યાનો ઉકેલ વાતચીત તેમજ વ્યૂહનીતિના માર્ગો અપનાવીને કરવામાં આવે તેવી અપીલ કરી છે. અમે જળવાયુના ક્ષેત્રમાં અમારા સહયોગ વિશે પણ ચર્ચા કરી છે. ભારત ગ્લાસગો COP-26માં લેવામાં આવેલા સંકલ્પો પૂરા કરવા માટે કટિબદ્ધ છે. અમે આર્કટિક ક્ષેત્રમાં સહયોગની વધારે તકો શોધવા માટે પણ સંમતિ દાખવી છે.


મહામહિમ,
મને વિશ્વાસ છે કે, આપના નેતૃત્વમાં ભારત અને ડેનમાર્કના સંબંધો નવી ઊંચાઇઓ પ્રાપ્ત કરી શકશે. કાલે યોજાનારી બીજી ભારત- નોર્ડિક શિખર મંત્રણાની યજમાની કરવા બદલ પણ હું આપનો આભાર વ્યક્ત કરું છું. અને આજે ભારતીય અપ્રવાસીઓના કાર્યક્રમમાં સામેલ થવા બદલ પણ આભાર માનુ છુ, કારણ કે આપણે ત્યાં આવવા માટે ખાસ સમય કાઢ્યો, ભારતીય સમુદાય પ્રત્યે આપને કેટલો પ્રેમ છે તેનું આ પ્રતીક છે અને આના માટે હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું.

આપનો આભાર

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1822443) Visitor Counter : 204