પ્રધાનમંત્રીનું કાર્યાલય
PMએ રાષ્ટ્રને સાત કૅન્સર હૉસ્પિટલો સમર્પિત કરી અને સમગ્ર આસામમાં સાત નવી કૅન્સર હૉસ્પિટલોનો શિલાન્યાસ કર્યો
આસામમાં કૅન્સર હૉસ્પિટલો ઉત્તર પૂર્વ અને સાથે સાથે દક્ષિણ એશિયામાં આરોગ્ય સંભાળ ક્ષમતામાં વધારો કરશે
આરોગ્યસંભાળ દ્રષ્ટિના સાત સ્તંભો તરીકે 'સ્વાસ્થ્ય કે સપ્તર્ષિ' પર વિસ્તૃત રીતે છણાવટ કરી
“પ્રયાસ એ છે કે સમગ્ર દેશના નાગરિકોને કેન્દ્ર સરકારની યોજનાઓનો લાભ દેશમાં ક્યાંય પણ મળે, તેના માટે કોઈ નિયંત્રણ ન હોવું જોઈએ. આ એક રાષ્ટ્ર, એક સ્વાસ્થ્યની ભાવના છે"
"કેન્દ્ર અને આસામ સરકાર ચાના બગીચાઓમાં કામ કરતા લાખો પરિવારોને સારું જીવન આપવા માટે નિષ્ઠાપૂર્વક કામ કરી રહી છે"
Posted On:
28 APR 2022 5:24PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દિબ્રુગઢમાં એક કાર્યક્રમમાં આસામની છ કૅન્સર હૉસ્પિટલો રાષ્ટ્રને સમર્પિત કરી હતી. આ કૅન્સર હૉસ્પિટલો દિબ્રુગઢ, કોકરાઝાર, બરપેટા, દરરંગ, તેઝપુર, લખીમપુર અને જોરહાટ ખાતે બાંધવામાં આવી છે. દિબ્રુગઢ હૉસ્પિટલને પ્રધાનમંત્રી દ્વારા આજે આ અગાઉ રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવી હતી જ્યારે તેમણે નવી હૉસ્પિટલનાં પરિસરની મુલાકાત લીધી હતી. પ્રધાનમંત્રીએ આ પ્રોજેક્ટના બીજા તબક્કા હેઠળ બાંધવામાં આવનાર ધુબરી, નલબારી, ગોલપારા, નાગાંવ, શિવસાગર, તિનસુકિયા અને ગોલાઘાટ ખાતે સાત નવી કૅન્સર હૉસ્પિટલોનો શિલાન્યાસ પણ કર્યો હતો. આ પ્રસંગે આસામના રાજ્યપાલ શ્રી જગદીશ મુખી, આસામના મુખ્યમંત્રી શ્રી હિમંતા બિસ્વા સરમા, કેન્દ્રીય મંત્રી શ્રી સર્બાનંદ સોનોવાલ, શ્રી રામેશ્વર તેલી, ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ અને રાજ્યસભાના સભ્ય શ્રી રંજન ગોગોઈ અને જાણીતા ઉદ્યોગપતિ શ્રી રતન ટાટા સહિતના મહાનુભાવો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે બોલતા, પ્રધાનમંત્રીએ સિઝનની ઉત્સવની ભાવનાને સ્વીકારીને શરૂઆત કરી અને આસામના મહાન સપૂતો અને દીકરીઓને શ્રદ્ધાંજલિ આપી. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આસામમાં કૅન્સર હૉસ્પિટલો જે આજે રાષ્ટ્રને સમર્પિત કરાઇ છે અને જેનો આજે શિલાન્યાસ કરવામાં આવ્યો હતો, તે પૂર્વોત્તર અને સાથે સાથે દક્ષિણ એશિયામાં આરોગ્ય સંભાળ ક્ષમતામાં વધારો કરશે. કૅન્સર માત્ર આસામમાં જ નહીં પરંતુ ઉત્તર પૂર્વમાં પણ એક મોટી સમસ્યા છે તે સ્વીકારતા, પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે "આપણા સૌથી ગરીબ, મધ્યમ વર્ગના પરિવારો તેનાથી સૌથી વધુ પ્રભાવિત છે". કૅન્સરની સારવાર માટે, થોડાં વર્ષો પહેલાં, અહીંના દર્દીઓને મોટા શહેરોમાં જવું પડતું હતું, જેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો પર આર્થિક બોજ પડતો હતો. પ્રધાનમંત્રીએ આસામની આ લાંબા સમયથી પડતર સમસ્યાને ઉકેલવા માટે ઘણાં પગલાં લેવાં બદલ આસામના મુખ્યમંત્રી શ્રી સરમા અને કેન્દ્રીય મંત્રી શ્રી સોનોવાલ અને ટાટા ટ્રસ્ટની પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રી શ્રી મોદીએ કહ્યું કે આ વર્ષનાં બજેટમાં 1500 કરોડ રૂપિયાની સ્કીમ પ્રાઇમ મિનિસ્ટર્સ ડેવલપમેન્ટ ઇનિશિયેટિવ ફોર નોર્થ-ઇસ્ટ (PM-DeVINE)ની કલ્પના કરવામાં આવી છે. આ યોજના હેઠળ પણ, કૅન્સરની સારવાર એ ધ્યાન કેન્દ્રીત ક્ષેત્ર છે અને ગુવાહાટી માટે પણ એક સુવિધા પ્રસ્તાવિત છે.
આરોગ્યસંભાળ ક્ષેત્ર માટે સરકારનાં વિઝન અંગે વિસ્તૃત છણાવટ કરતાં, પ્રધાનમંત્રીએ 'સ્વાસ્થ્ય કે સપ્તર્ષિ' વિશે વાત કરી. સરકારનો પ્રયાસ છે કે રોગ પોતે જ ન ઊભો થાય. “તેથી જ આપણી સરકારે પ્રિવેન્ટિવ હેલ્થકેર પર ઘણો ભાર આપ્યો છે. આ કારણોસર યોગ, ફિટનેસ સંબંધિત કાર્યક્રમો ચાલી રહ્યા છે”, તેમણે કહ્યું. બીજું, જો રોગ થાય છે, તો તે પ્રારંભિક તબક્કામાં ખબર પડી જવી જોઇએ. આ માટે દેશભરમાં લાખો નવાં પરીક્ષણ કેન્દ્રો બનાવવામાં આવી રહ્યાં છે. ત્રીજું ધ્યાન એ છે કે લોકોને તેમનાં ઘરની નજીક પ્રાથમિક સારવારની વધુ સારી સુવિધા હોવી જોઈએ. આ માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં સુધારો કરવામાં આવી રહ્યો છે. ચોથો પ્રયાસ એ છે કે ગરીબોને શ્રેષ્ઠ હૉસ્પિટલમાં મફત સારવાર મળે. આ માટે ભારત સરકાર દ્વારા આયુષ્માન ભારત જેવી યોજનાઓ હેઠળ 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર આપવામાં આવે છે. અમારું પાંચમું ધ્યાન સારી સારવાર માટે મોટાં શહેરો પરની નિર્ભરતા ઘટાડવાનું છે. આ માટે અમારી સરકાર હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર અભૂતપૂર્વ રોકાણ કરી રહી છે. પ્રધાનમંત્રીએ સમજાવ્યું કે "2014 પહેલાં દેશમાં માત્ર 7 એઈમ્સ હતી. તેમાંથી દિલ્હીમાં એક સિવાય એમબીબીએસ કોર્સ કે ઓપીડી નહોતા, તેમાંથી કેટલાક અધૂરાં પણ હતાં. અમે આ બધું સુધાર્યું અને દેશમાં 16 નવી એઈમ્સની જાહેરાત કરી. AIIMS ગુવાહાટી પણ તેમાંની એક છે." વિઝનના છઠ્ઠા મુદ્દા પર પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે "અમારી સરકાર ડોકટરોની સંખ્યાની અછતને દૂર કરી રહી છે. છેલ્લાં સાત વર્ષમાં MBBS અને PG માટે 70 હજારથી વધુ નવી બેઠકો ઉમેરવામાં આવી છે. અમારી સરકાર 5 લાખથી વધુ આયુષ ડોક્ટરોને પણ એલોપેથિક ડૉક્ટરોની જેમ સમાન ગણી રહી છે.” સરકારનું સાતમું ફોકસ આરોગ્ય સેવાઓનું ડિજીટલાઇઝેશન છે. સરકારનો પ્રયાસ છે કે સારવાર માટે લાંબી લાઈનોમાંથી મુક્તિ મળે, સારવારનાં નામે થતી તકલીફોમાંથી મુક્તિ મળે. આ માટે ઘણી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે, એમ શ્રી મોદીએ ઉમેર્યું હતું. પ્રધાનમંત્રી શ્રી મોદીએ ભાર મૂક્યો હતો કે "પ્રયાસ એ છે કે સમગ્ર દેશના નાગરિકો કેન્દ્ર સરકારની યોજનાઓનો લાભ દેશમાં ક્યાંય પણ મેળવી શકે, તેના માટે કોઈ નિયંત્રણ ન હોવું જોઈએ. આ એક રાષ્ટ્ર, એક સ્વાસ્થ્યની ભાવના છે. આ ભાવનાએ 100 વર્ષની સૌથી મોટી મહામારીમાં પણ દેશને તાકાત આપી, પડકારનો સામનો કરવાની તાકાત આપી."
પ્રધાનમંત્રીએ કહ્યું કે કૅન્સરની સારવારનો અતિશય ખર્ચ લોકોનાં મનમાં એક મોટો અવરોધ છે. ખાસ કરીને મહિલાઓએ સારવાર ટાળી કારણ કે તેમાં પરિવારને દેવું અને પાયમાલીમાં ધકેલવાની સંભાવના હતી. સરકાર ઘણી દવાઓની કિંમત લગભગ અડધી કરીને કૅન્સરની દવાઓને પોસાય તેવી બનાવી રહી છે જેનાથી દર્દીઓના ઓછામાં ઓછા 1000 કરોડ રૂપિયાની બચત થઈ છે. જન ઔષધિ કેન્દ્રોમાં હવે 900થી વધુ દવાઓ સસ્તા દરે ઉપલબ્ધ છે. આયુષ્માન ભારત યોજનાઓ હેઠળ ઘણા લાભાર્થીઓ કૅન્સરના દર્દીઓ છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આયુષ્માન ભારત અને વેલનેસ સેન્ટર્સ કૅન્સરના કેસોની વહેલી તપાસ સુનિશ્ચિત કરી રહ્યા છે. આસામ અને દેશના અન્ય ભાગોમાં વેલનેસ સેન્ટરોમાં 15 કરોડથી વધુ લોકોએ કૅન્સરની તપાસ કરાવી છે. પ્રધાનમંત્રીએ રાજ્યમાં મેડિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા માટે આસામ સરકારની પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રી શ્રી મોદીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી અને તેમની ટીમ દરેક જિલ્લામાં મેડિકલ કોલેજની રાષ્ટ્રીય પ્રતિજ્ઞાને અમલમાં મૂકવા માટે પ્રશંસનીય રીતે કામ કરી રહી છે. તેમણે આસામમાં ઑક્સિજનથી લઈને વેન્ટિલેટર સુધીની તમામ સુવિધાઓ સુનિશ્ચિત કરવા માટે કેન્દ્ર સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. સરકારે બાળકોનાં રસીકરણ અને પુખ્ત વયના લોકો માટે સાવચેતીના ડોઝને મંજૂરી આપીને રસીકરણની મર્યાદાનો વિસ્તાર કર્યો છે ત્યારે શ્રી મોદીએ દરેકને રસી લેવા કહ્યું હતું.
કેન્દ્ર અને આસામ સરકાર ચાના બગીચાઓમાં કામ કરતા લાખો પરિવારોને સારું જીવન આપવા માટે નિષ્ઠાપૂર્વક કામ કરી રહી છે. મફત રાશનથી લઈને હર ઘર જલ યોજના હેઠળ ઉપલબ્ધ સુવિધાઓ, આસામ સરકાર ચાના બગીચાઓમાં પરિવારો સુધી ઝડપથી પહોંચી રહી છે, એમ પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી.
પ્રધાનમંત્રીએ લોકોનાં કલ્યાણની બદલાયેલી ધારણા પર વિગતે વાત કરી હતી. આજે લોકકલ્યાણનો વ્યાપ વિસ્તારવામાં આવ્યો છે. અગાઉ, માત્ર કેટલીક સબસિડીને જન કલ્યાણ સાથે જોડવામાં આવતી હતી. ઈન્ફ્રાસ્ટ્રક્ચર, કનેક્ટિવિટીનાં પ્રોજેક્ટ્સને કલ્યાણ સાથે જોડવામાં આવતાં ન હતાં. જ્યારે કનેક્ટિવિટીની ગેરહાજરીમાં, જાહેર સેવાઓનું વિતરણ ખૂબ જ મુશ્કેલ હતું. હવે દેશ ગત સદીના ખ્યાલોને પાછળ છોડીને આગળ વધી રહ્યો છે. આસામમાં સડક, રેલ અને હવાઈ નેટવર્કનું વિસ્તરણ દેખાઈ રહ્યું છે, જે ગરીબ, યુવાનો, મહિલાઓ, બાળકો, વંચિત અને આદિવાસી સમુદાયો માટે નવી તકોનું સર્જન કરે છે. અમે સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસની ભાવના સાથે આસામ અને દેશના વિકાસને આગળ ધપાવી રહ્યા છીએ, એમ પ્રધાનમંત્રીએ સમાપન કર્યું હતું.
આસામ સરકાર અને ટાટા ટ્રસ્ટનું સંયુક્ત સાહસ, આસામ કૅન્સર કેર ફાઉન્ડેશન, સમગ્ર રાજ્યમાં ફેલાયેલી 17 કૅન્સર સંભાળ હૉસ્પિટલો સાથે દક્ષિણ એશિયાનું સૌથી મોટું સસ્તું કૅન્સર કેર નેટવર્ક બનાવવાનો પ્રોજેક્ટ ચલાવી રહ્યું છે. આ પ્રોજેક્ટના પ્રથમ તબક્કા હેઠળ, 10 હૉસ્પિટલોમાંથી, સાત હૉસ્પિટલોનું બાંધકામ પૂર્ણ કરવામાં આવ્યું છે જ્યારે ત્રણ હૉસ્પિટલો વિવિધ સ્તરે નિર્માણાધીન છે. પ્રોજેક્ટનો બીજો તબક્કો સાત નવી કૅન્સર હૉસ્પિટલોનાં નિર્માણનો સાક્ષી બનશે.
src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8">
SD/GP/MR
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1821058)
Visitor Counter : 216
Read this release in:
Malayalam
,
Odia
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada