પ્રધાનમંત્રીનું કાર્યાલય

યુનાઇટેડ કિંગ્ડમના પ્રધાનમંત્રીની ભારતની મુલાકાત (એપ્રિલ 21-22, 2022)

Posted On: 22 APR 2022 3:50PM by PIB Ahmedabad

યુનાઇટેડ કિંગ્ડમના ખૂબ આદરણીય ( રાઇટ ઓનરેબલ) પ્રધાનમંત્રીશ્રી બોરિસ જૉન્સન ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં આમંત્રણ પર 21-22 એપ્રિલ 2022 દરમિયાન ભારતની સત્તાવાર મુલાકાતે છે. યુકેના પ્રધાનમંત્રી તરીકે તેમની પ્રથમ ભારત મુલાકાત છે.

2. 22 એપ્રિલ, 2022ના રોજ પ્રધાનમંત્રી શ્રીજૉન્સનનું રાષ્ટ્રપતિ ભવન ખાતે ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું, જ્યાં તેમનું પ્રધાનમંત્રી શ્રી મોદી દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રીજૉન્સને બાદમાં મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરવા અને શ્રદ્ધાંજલિ આપવા રાજઘાટની મુલાકાત લીધી હતી.

3. પ્રધાનમંત્રી મોદીએ હૈદ્રાબાદ હાઉસ ખાતે મુલાકાતી પ્રધાનમંત્રી સાથે દ્વિપક્ષીય પરામર્શ કર્યો હતો અને તેમનાં સન્માનમાં ભોજન સમારંભનું પણ આયોજન કર્યું. અગાઉ, વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર, યુકેના પ્રધાનમંત્રીને મળ્યા હતા.

4. દ્વિપક્ષીય વાટાઘાટોમાં, બંને પ્રધાનમંત્રીઓએ મે 2021માં વર્ચ્યુઅલ સમિટમાં શરૂ કરાયેલ રોડમેપ 2030 પર થયેલી પ્રગતિની પ્રશંસા કરી હતી અને દ્વિપક્ષીય સંબંધોના સંપૂર્ણ વર્ણપટમાં વધુ મજબૂત અને ક્રિયા લક્ષી સહયોગને આગળ ધપાવવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. તેઓએ એફટીએ પર ચાલી રહેલી વાટાઘાટો અને ઉન્નત વેપાર ભાગીદારીના અમલીકરણમાં પ્રગતિની પ્રશંસા કરી હતી અને ઑક્ટોબર 2022ના અંત સુધીમાં વ્યાપક અને સંતુલિત વેપાર સોદો પૂર્ણ કરવા સંમત થયા હતા. FTA 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપારને બમણો કરવાનો માર્ગ મોકળો કરશે.

5. બંને નેતાઓ ભારત-યુકે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીનાં મુખ્ય તત્વ તરીકે સંરક્ષણ અને સુરક્ષા સહયોગને પરિવર્તિત કરવા સંમત થયા હતા અને બંને દેશોનાં સશસ્ત્ર દળોની જરૂરિયાતોને પહોંચી વળવા સહ-વિકાસ અને સહ-ઉત્પાદન સહિત સંરક્ષણ સહયોગ માટેની તકો પર ચર્ચા કરી હતી.બંને પક્ષોએ સાયબર સિક્યોરિટી પર ખાસ કરીને સાયબર ગવર્નન્સ, સાયબર ડિટરન્સ અને મહત્વપૂર્ણ રાષ્ટ્રીય ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સુરક્ષાનાં ક્ષેત્રોમાં સહકારને વધુ તીવ્ર બનાવવા માટે સંયુક્ત નિવેદન બહાર પાડ્યું હતું. તેઓ આતંકવાદ અને કટ્ટરપંથી ઉગ્રવાદના સતત ખતરાનો સામનો કરવા નજીકથી સહયોગ કરવા પણ સંમત થયા હતા.

6. બંને પ્રધાનમંત્રીઓએ હિંદ-પ્રશાંત, અફઘાનિસ્તાન, UNSC, G20 અને કોમનવેલ્થમાં સહકાર સહિત પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ વિચારોનું આદાન-પ્રદાન કર્યું. ભારતે દરિયાઈ સુરક્ષા સ્તંભ હેઠળ યુકેને ઈન્ડો-પેસિફિક મહાસાગરની પહેલમાં જોડાવાનું આવકાર્યું હતું અને ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં જોડાણો વધારવા સંમત થયા હતા.

7. બંને નેતાઓએ ચાલી રહેલા યુક્રેન-રશિયા સંઘર્ષ પર પણ ચર્ચા કરી હતી. પ્રધાનમંત્રી મોદીએ વધતી જતી માનવતાવાદી કટોકટી પર ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી અને હિંસા તાત્કાલિક બંધ કરવા અને સીધા સંવાદ અને મુત્સદ્દીગીરી તરફ પાછા ફરવાના એકમાત્ર માર્ગ તરીકે તેમના આહ્વાનનો પુનરોચ્ચાર કર્યો હતો.

8. પ્રધાનમંત્રી શ્રી મોદીએ ગયા વર્ષે COP26નાં સફળ આયોજન માટે પ્રધાનમંત્રી શ્રી જૉન્સનને અભિનંદન આપ્યા હતા. તેઓએ પેરિસ કરારના ધ્યેયો અને ગ્લાસગો ક્લાઈમેટ સંધિનાં અમલીકરણમાં મહત્વાકાંક્ષી આબોહવા પગલાંની પ્રતિબદ્ધતાનું પુનરાવર્તન કર્યું.તેઓ ઑફ-શોર વિન્ડ એનર્જી અને ગ્રીન હાઇડ્રોજન સહિત સ્વચ્છ ઊર્જાની ઝડપી ગોઠવણી પર સહકાર વધારવા અને ISA હેઠળ ગ્લોબલ ગ્રીન ગ્રિડ્સ-વન સન વન વર્લ્ડ વન ગ્રિડ ઇનિશિયેટિવ (OSOWOG) અને CDRI હેઠળ IRIS પ્લેટફોર્મનાં વહેલા સંચાલન માટે નજીકથી કામ કરવા સંમત થયા હતા. બેઉ પહેલને COP26માં ભારત અને યુકે દ્વારા સંયુક્ત રીતે આદરવામાં આવી હતી.

9. મુલાકાત દરમિયાન ભારત-યુકે ગ્લોબલ ઇનોવેશન પાર્ટનરશિપનાં અમલીકરણ અને ગ્લોબલ સેન્ટર ફોર ન્યુક્લિયર એનર્જી પાર્ટનરશિપ (GCNEP) પરના બે એમઓયુની આપ-લે કરવામાં આવી હતી. ગ્લોબલ ઈનોવેશન પાર્ટનરશિપ દ્વારા, ભારત અને યુકે ત્રીજા દેશોમાં ક્લાઈમેટ સ્માર્ટ ટકાઉ ઈનોવેશનની તબદિલી અને એનો વ્યાપ વધારવાને સમર્થન આપવા માટે 75 મિલિયન પાઉન્ડ સુધી સહ-ફાઇનાન્સ કરવા સંમત થયા છે. ભાગીદારી હેઠળ બનાવવામાં આવેલ નવીનGIP ફંડ ભારતીય ઇનોવેશનને સમર્થન આપવા માટે બજારમાંથી વધારાના 100 મિલિયન પાઉન્ડ એકત્ર કરવાનું પણ લક્ષ્ય રાખશે.

10. નીચેની ઘોષણાઓ પણ કરવામાં આવી હતી - (I) વ્યૂહાત્મક ટેકનોલોજી સંવાદ - 5G, AI વગેરે જેવી નવી અને ઉભરતી સંચાર તકનીકો પર મંત્રી સ્તરીય સંવાદ. (II) સંકલિત ઇલેક્ટ્રિક પ્રપલ્શન પર સહયોગબેઉનૌકાદળો વચ્ચે ટેકનોલોજીનો સહ-વિકાસ.

11. પ્રધાનમંત્રી શ્રી જૉન્સને અગાઉ 21 એપ્રિલે અમદાવાદ, ગુજરાતથી તેમની મુલાકાતની શરૂઆત કરી હતી જ્યાં તેમણે સાબરમતી આશ્રમ, મસવાડ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, વડોદરા ખાતેના JCB પ્લાન્ટ અને ગિફ્ટ સિટી, ગાંધીનગરમાં આવેલી ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટીની મુલાકાત લીધી હતી.

12. પ્રધાનમંત્રી શ્રી મોદીએ પ્રધાનમંત્રી શ્રી જૉન્સનને 2023માં ભારતના પ્રમુખપદ હેઠળ G20 સમિટ માટે ભારત આવવા આમંત્રણ આપ્યું હતું. પ્રધાનમંત્રી શ્રી જૉન્સને પ્રધાનમંત્રી શ્રી મોદીને યુકેની મુલાકાત લેવા તેમનાં આમંત્રણનું પુનરાવર્તન કર્યું હતું. પ્રધાનમંત્રી મોદીએ આમંત્રણ સ્વીકાર્યું હતું.

આદાનપ્રદાન કરાયેલા એમઓયુની યાદી



(Release ID: 1819295) Visitor Counter : 166