પ્રધાનમંત્રીનું કાર્યાલય

લાલ કિલ્લા પર શ્રી ગુરુ તેગ બહાદુરજીના 400મા પ્રકાશ પરબની ઉજવણી દરમિયાન પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ

Posted On: 21 APR 2022 11:36PM by PIB Ahmedabad

વાહે ગુરુ જી કા ખાલસા.

વાહે ગુરુ જી કી ફતેહ॥

 

મંચ પર બિરાજમાન તમામ મહાનુભાવો, કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ દેવીઓ અને સજ્જનો અને વર્ચ્યુઅલ રીતે સમગ્ર વિશ્વમાંથી જોડાયેલા તમામ મહાનુભાવો!

ગુરુ તેગ બહાદુરજીનાં 400મા પ્રકાશ પર્વને સમર્પિત ભવ્ય કાર્યક્રમમાં હું આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું.

હમણાં શબદ કીર્તન સાંભળીને મને જે શાંતિ મળી તે શબ્દોમાં વ્યક્ત કરવી મુશ્કેલ છે.

આજે મને ગુરુને સમર્પિત સ્મારક ટપાલ ટિકિટ અને સિક્કાનાં વિમોચનનો લહાવો પણ મળ્યો છે.

હું તેને આપણા ગુરુઓની વિશેષ કૃપા માનું છું.

અગાઉ 2019માં આપણને ગુરુ નાનક દેવજીનાં 550મા પ્રકાશ પર્વ અને 2017માં ગુરુ ગોવિંદ સિંહજીના 350મા પ્રકાશ પર્વની ઉજવણી કરવાનો લહાવો મળ્યો હતો.

મને ખુશી છે કે આજે આપણો દેશ આપણા ગુરુઓના આદર્શો પર સંપૂર્ણ નિષ્ઠા સાથે આગળ વધી રહ્યો છે. પુણ્ય પ્રસંગે હું તમામ દસ ગુરુઓના ચરણોમાં આદરપૂર્વક નમન કરું છું. આપ સૌને, તમામ દેશવાસીઓને અને સમગ્ર વિશ્વમાં ગુરુવાણીમાં આસ્થા ધરાવતા તમામ લોકોને હું પ્રકાશ પર્વ નિમિત્તે  હાર્દિક અભિનંદન પાઠવું છું.

સાથીઓ,

લાલ કિલ્લો ઘણા મહત્વપૂર્ણ સમયગાળાનો સાક્ષી રહ્યો છે. કિલ્લાએ ગુરુ તેગ બહાદુર સાહેબજીની શહાદત પણ જોઈ છે અને દેશ માટે ફના થઈ જતાં લોકોના જુસ્સાને પણ પારખ્યો છે. આઝાદીના 75 વર્ષમાં ભારતના અનેક સપનાઓનો પડઘો અહીંથી પ્રતિધ્વનિત થયો છે.

તેથી, આઝાદીના અમૃત મહોત્સવ દરમિયાન લાલ કિલ્લા પર થઈ રહેલું આ આયોજન, ખૂબ વિશેષ બની ગયું છે.

સાથીઓ,

આજે આપણે જ્યાં છીએ તે આપણા લાખો અને કરોડો સ્વાતંત્ર્ય સેનાનીઓના ત્યાગ અને બલિદાનને કારણે છે. સ્વતંત્ર હિંદુસ્તાન, પોતાના નિર્ણયો જાતે લેનારું હિંદુસ્તાન, લોકતાંત્રિક હિંદુસ્તાન, વિશ્વમાં પરોપકારનો સંદેશ ફેલાવતું હિંદુસ્તાન, આવા હિંદુસ્તાનના સપનાં પૂર્ણ થતા જોવા માટે કોટિ કોટિ લોકોએ પોતાને ખપાવી દીધા.

આ ભારતભૂમિ માત્ર એક દેશ નથી, પરંતુ આપણો મહાન વારસો છે, મહાન પરંપરા છે. તેને આપણા ઋષિઓ, મુનિઓ અને ગુરુઓએ સેંકડો-હજારો વર્ષોની તપસ્યાથી સિંચ્યો છે, તેના વિચારોને સમૃદ્ધ બનાવ્યા છે. આ પરંપરાને માન આપવા માટે, તેની ઓળખ બચાવવા માટે દસેય ગુરુઓએ તેમનું જીવન સમર્પિત કરી દીધું હતું.

એટલે સાથીઓ,

સેંકડો કાળની ગુલામીમાંથી આઝાદીને, ભારતની આઝાદીને, ભારતની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક યાત્રાથી અલગ કરીને જોઈ શકાતી નથી. તેથી જ આજે દેશ આઝાદીના અમૃત મહોત્સવને અને ગુરુ તેગ બહાદુરજીના 400મા પ્રકાશ પર્વને એક સાથે મનાવી રહ્યો છે, એક જેવા સંકલ્પો સાથે મનાવી રહ્યો છે.

સાથીઓ,

આપણા ગુરુઓએ હંમેશા જ્ઞાન અને આધ્યાત્મિકતાની સાથે જ સમાજ અને સંસ્કૃતિની જવાબદારી લીધી. તેમણે શક્તિને સેવાનું માધ્યમ બનાવ્યું. જ્યારે ગુરુ તેગ બહાદુરજીનો જન્મ થયો ત્યારે ગુરુ પિતાએ કહ્યું હતું-

‘‘દીન રચ્છ સંકટ હરન”

એટલે કે આ બાળક મહાન આત્મા છે. તે દીન-દુખિયાની રક્ષા કરનાર, સંકટ દૂર કરનાર છે. એટલા માટે શ્રી ગુરુ હરગોવિંદ સાહેબે તેમનું નામ ત્યાગમલ રાખ્યું. આ જ ત્યાગ ગુરુ તેગ બહાદુરજીએ પોતાના જીવનમાં ચરિતાર્થ પણ કરી બતાવ્યો. ગુરુ ગોવિંદ સિંહજીએ તો તેમના વિશે લખ્યું છે-

“તેગ બહાદર સિમરિએ, ઘર નૌ નિધિ આવૈ ધાઈ.

સબ થાઇ હોઈ સહાઈ”.

અર્થાત્, ગુરુ તેગ બહાદુરજીનાં સ્મરણ દ્વારા જ તમામ સિદ્ધિઓ આપમેળે પ્રગટ થવા લાગે છે. ગુરુ તેગ બહાદુરજીનું આટલું અદ્ભુત આધ્યાત્મિક વ્યક્તિત્વ હતું, તેઓ આવી અસાધારણ પ્રતિભાના ધની હતા.

સાથીઓ,

અહીં, લાલ કિલ્લાની નજીક, અહીં જ ગુરુદ્વારા શીશગંજ સાહિબ પણ છે, જે ગુરુ તેગ બહાદુરજીના અમર બલિદાનનું પ્રતીક છે. આ પવિત્ર ગુરુદ્વારા આપણને યાદ અપાવે છે કે આપણી મહાન સંસ્કૃતિની રક્ષા માટે ગુરુ તેગ બહાદુરજીનું બલિદાન કેટલું મહાન હતું.

તે સમયે દેશમાં ધાર્મિક કટ્ટરતાનું તોફાન હતું.

ધર્મને દર્શન, વિજ્ઞાન અને આત્મશોધનો વિષય માનતા આપણા હિંદુસ્તાની સામે એવા લોકો હતા જેમણે ધર્મનાં નામે હિંસા અને અત્યાચારની પરાકાષ્ઠા કરી દીધી હતી.

એ સમયે ભારતને પોતાની ઓળખ બચાવવા માટે એક બહુ મોટી આશા ગુરુ તેગબહાદુરજીના સ્વરૂપે દેખાઇ હતી.

ઔરંગઝેબની અત્યાચારી વિચારસરણી સામે તે સમયે ગુરુ તેગ બહાદુરજી 'હિંદ દી ચાદર' બનીને ખડકની જેમ ઊભા હતા. ઈતિહાસ સાક્ષી છે, આ વર્તમાન સમય સાક્ષી છે અને આ લાલ કિલ્લો પણ સાક્ષી છે કે ઔરંગઝેબ અને તેના જેવા જુલમી શાસકોએ ભલે ધડથી ઘણાં માથાં અલગ કરી નાખ્યા હશે, પરંતુ તેઓ આપણી આસ્થાને આપણાથી અલગ કરી શક્યા નહીં. ગુરુ તેગ બહાદુરજીના બલિદાનથી ભારતની ઘણી પેઢીઓને તેમની સંસ્કૃતિની ગરિમાની રક્ષા માટે, તેના માન-સન્માન માટે જીવવા અને મરવાની પ્રેરણા મળી છે. મોટી મોટી સત્તાઓ નાબૂદ થઈ , મોટાં તોફાનો શાંત થઈ ગયા, પરંતુ ભારત હજુ પણ અમર ઊભું છે, ભારત આગળ વધી રહ્યું છે. આજે ફરી એકવાર વિશ્વ ભારત તરફ જોઈ રહ્યું છે, માનવતાના માર્ગ પર દોરવાની આશા રાખી રહ્યું છે. આપણે 'નવા ભારત'ના આભા-મંડળમાં દરેક જગ્યાએ ગુરુ તેગ બહાદુરજીના આશીર્વાદ અનુભવી શકીએ છીએ.

ભાઇઓ અને બહેનો,

આપણે ત્યાં દરેક કાળખંડમાં જ્યારે પણ નવા પડકારો ઊભા થાય છે ત્યારે કોઈને કોઈ મહાન આત્મા આ પ્રાચીન દેશને નવા માર્ગ ચીંધીને દિશા આપે છે. ભારતનો દરેક પ્રદેશ, દરેક ખૂણો આપણા ગુરુઓના પ્રભાવ અને જ્ઞાનથી પ્રકાશિત રહ્યો છે. ગુરુ નાનક દેવજીએ સમગ્ર દેશને એક દોરામાં બાંધ્યો હતો. ગુરુ તેગ બહાદુરના અનુયાયીઓ દરેક જગ્યાએ થયા. પટનામાં પટના સાહિબ અને દિલ્હીમાં રકાબગંજ સાહિબ, આપણને દરેક જગ્યાએ ગુરુઓનાં જ્ઞાન અને આશીર્વાદના રૂપમાં 'એક ભારત'ના દર્શન થાય છે.

ભાઇઓ અને બહેનો,

હું મારી સરકારને ભાગ્યશાળી માનું છું કે તેને ગુરુઓની સેવા માટે આટલું બધું કરવાની તક મળી રહી છે. ગયા વર્ષે જ અમારી સરકારે સાહિબજાદાઓના મહાન બલિદાનની યાદમાં 26મી ડિસેમ્બરે વીર બાળ દિવસ ઉજવવાનું નક્કી કર્યું છે.

અમારી સરકાર શીખ પરંપરાનાં તીર્થધામોને જોડવા માટે પણ સતત પ્રયાસો કરી રહી છે. જેની દાયકાઓથી રાહ જોવાઈ રહી હતી એ કરતારપુર સાહિબ કોરિડોરનું નિર્માણ કરીને, અમારી સરકારે ગુરુ સેવા પ્રત્યે તેની પ્રતિબદ્ધતા દર્શાવી છે.

અમારી સરકારે પટના સાહિબ સહિત ગુરુ ગોવિંદ સિંહજી સાથે સંકળાયેલાં સ્થળોએ રેલ સુવિધાઓનું પણ આધુનિકીકરણ કર્યું છે. અમે 'સ્વદેશ દર્શન યોજના' દ્વારા પંજાબના આનંદપુર સાહિબ અને અમૃતસરમાં અમૃતસર સાહિબ સહિત તમામ મુખ્ય સ્થળોને જોડતી તીર્થ સર્કિટ પણ બનાવી રહ્યા છીએ. ઉત્તરાખંડમાં હેમકુંડ સાહિબ માટે રોપ-વે બનાવવાનું કામ પણ આગળ વધી રહ્યું છે.

સાથીઓ,

શ્રી ગુરુ ગ્રંથ સાહિબજી આપણા માટે આત્મ-કલ્યાણનાં માર્ગદર્શકની સાથે-સાથે ભારતની વિવિધતા અને એકતાનું જીવંત સ્વરૂપ પણ છે. એટલા માટે જ્યારે અફઘાનિસ્તાનમાં કટોકટી સર્જાય છે, આપણા પવિત્ર ગુરુ ગ્રંથ સાહિબના  સ્વરૂપોને લાવવાનો પ્રશ્ન ઊભો થાય છે, ત્યારે ભારત સરકાર તેની સંપૂર્ણ તાકાત લગાવી દે છે.

અમે ગુરુ ગ્રંથ સાહિબના સ્વરૂપને સંપૂર્ણ સન્માન સાથે અમારા શીશ પર મૂકી લાવીએ છીએ, એટલું જ નહીં, પરંતુ સંકટમાં ફસાયેલા આપણા શીખ ભાઈઓને પણ બચાવીએ છીએ. નાગરિકતા સુધારા કાયદાએ પડોશી દેશોથી આવેલા શીખ અને લઘુમતી પરિવારોને દેશની નાગરિકતા મેળવવાનો માર્ગ મોકળો કરી દીધો છે. આ બધું એટલા માટે શક્ય બન્યું છે કારણ કે આપણા ગુરુઓએ આપણને માનવતાને સર્વોપરી રાખવાનું શીખવ્યું છે. પ્રેમ અને સંવાદિતા આપણી સંસ્કૃતિનો ભાગ છે.

સાથીઓ,

આપણા ગુરુની વાણી છે,

ભૈ કાહૂ કો દેત નહીં

નહીં ભૈ માનત આન.

 

કહુ નાનક સુનિ રે મના,

જ્ઞાની તાહિ બખાનિ.

અર્થાત્ જ્ઞાની એ છે જે કોઈને ડરાવતો નથી કે કોઈથી ડરતો નથી. ભારતે ક્યારેય કોઈ દેશ કે સમાજ માટે ખતરો ઊભો કર્યો નથી.

આજે પણ આપણે સમગ્ર વિશ્વના કલ્યાણ માટે વિચારીએ છીએ. એક જ કામના કરીએ છીએ. આપણે આત્મનિર્ભર ભારતની વાત કરીએ છીએ તો આપણે સમગ્ર વિશ્વની પ્રગતિના લક્ષ્યને સામે રાખીએ છીએ. જો ભારત વિશ્વમાં યોગનો પ્રસાર કરે છે, તો તે સમગ્ર વિશ્વના સ્વાસ્થ્ય અને શાંતિની ઇચ્છા સાથે કરે છે.

હું ગઈકાલે જ ગુજરાતથી પાછો ફર્યો છું. ત્યાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. હવે ભારત પરંપરાગત દવાઓના ફાયદાઓને વિશ્વના ખૂણે ખૂણે પહોંચાડશે, જે લોકોનાં સ્વાસ્થ્યને સુધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

સાથીઓ,

આજનું ભારત વૈશ્વિક સંઘર્ષો વચ્ચે પણ સંપૂર્ણ સ્થિરતા સાથે શાંતિ માટે પ્રયાસ કરે છે, કાર્ય કરે છે. અને ભારત પોતાના દેશના સંરક્ષણ અને સુરક્ષા માટે પણ આજે એટલી જ દ્રઢતા સાથે અટલ છે. આપણી સમક્ષ ગુરુઓએ આપેલી મહાન શીખ પરંપરા છે.

ગુરુઓએ જૂની વિચારસરણી, જૂની રૂઢિઓને બાજુએ મૂકીને નવા વિચારોને સમક્ષ મૂક્યા. તેમના શિષ્યોએ તેને અપનાવ્યા, શીખ્યા. નવી વિચારસરણીનું આ સામાજિક અભિયાન એક વૈચારિક નવીનતા હતી. તેથી જ નવી વિચારસરણી, સતત પરિશ્રમ અને સો ટકા સમર્પણ એ આજે ​​પણ આપણા શીખ સમાજની ઓળખ છે.

આઝાદીના અમૃત પર્વમાં આજે દેશનો પણ આ જ સંકલ્પ છે. આપણી ઓળખ પર આપણને ગર્વ હોવો જોઈએ. આપણે લોકલ-સ્થાનિક પર ગર્વ કરવાનો છે, આપણે આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરવાનું છે.

આપણે એક એવું ભારત બનાવવું છે જેનું સામર્થ્ય વિશ્વ જુએ, જે વિશ્વને નવી ઊંચાઈઓ પર લઈ જાય. દેશનો વિકાસ થાય, દેશની ઝડપી પ્રગતિ થાય તે આપણા સૌની ફરજ છે. આ માટે 'સબકા પ્રયાસ'ની જરૂર છે.

મને ખાતરી છે કે ગુરુઓના આશીર્વાદથી ભારત તેના ગૌરવના શિખરે પહોંચશે. જ્યારે આપણે આઝાદીના સો વર્ષની ઉજવણી કરીશું ત્યારે એક નવું ભારત આપણી સામે હશે.

ગુરુ તેગ બહાદુરજી કહેતા હતા-

સાધો,

ગોબિંદ કે ગુન ગાઓ.

 

માનસ જન્મ અમોલ કપાયો,

વ્યર્થ કાહે ગંવાઓ.

આ જ ભાવના સાથે આપણે આપણા જીવનની દરેક ક્ષણ દેશ માટે લગાવવાની છે, દેશ માટે સમર્પિત કરી દેવાની છે.

આપણે સાથે મળીને દેશને વિકાસની નવી ઊંચાઈઓ પર લઈ જઈશું, એ જ વિશ્વાસ સાથે, ફરી એકવાર આપ સૌને હાર્દિક શુભકામનાઓ.

વાહે ગુરુ જી કા ખાલસા.

વાહે ગુરુ જી કી ફતેહ.

 

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1818916) Visitor Counter : 195