પ્રધાનમંત્રીનું કાર્યાલય

નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી સંગ્રહાલયનું ઉદ્ઘાટન કરતી વખતે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ

Posted On: 14 APR 2022 5:21PM by PIB Ahmedabad

કેન્દ્રીય મંત્રીમંડળમાંના મારા સાથીઓ, સંસદમાં મારા અન્ય વરિષ્ઠ સાથીદારો, વિવિધ રાજકીય પક્ષોના આદરણીય સાથીદારો, અન્ય મહાનુભાવો, દેવીઓ અને સજ્જનો,

આજે દેશના વિવિધ ભાગોમાં તહેવારો અને ઉજવણીનો અવસર છે. આજે વૈશાખી છે, બોહાગ બિહુ છે, ઓડિયા નવું વર્ષ પણ આજથી શરૂ થઈ રહ્યું છે, આપણા તમિલનાડુનાં ભાઈ-બહેનો પણ નવાં વર્ષનું સ્વાગત કરી રહ્યા છે, હું તેમને 'પુત્તાંડ' પર શુભકામના-વધામણાં આપું છું. આ ઉપરાંત અનેક વિસ્તારોમાં નવાં વર્ષની શરૂઆત થઈ રહી છે, અનેક તહેવારોની ઉજવણી થઈ રહી છે. હું તમામ દેશવાસીઓને તમામ તહેવારોની અઢળક શુભેચ્છા પાઠવું છું. ભગવાન મહાવીર જયંતિની પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ!

સાથીઓ,

આજનો આ પ્રસંગ અન્ય કારણોસર વધારે વિશેષ બન્યો છે. આજે આખો દેશ બાબા સાહેબ ભીમરાવ આંબેડકરને તેમની જયંતિ પર આદર અને શ્રદ્ધાપૂર્વક યાદ કરી રહ્યો છે. બાબા સાહેબ જે બંધારણના મુખ્ય ઘડવૈયા હતા, તે બંધારણે આપણને સંસદીય વ્યવસ્થાનો આધાર આપ્યો. આ સંસદીય પ્રણાલીની મુખ્ય જવાબદારી દેશના પ્રધાનમંત્રીનું પદ રહ્યું છે. આ મારું સૌભાગ્ય છે કે આજે મને પ્રધાનમંત્રી સંગ્રહાલય રાષ્ટ્રને સમર્પિત કરવાની તક મળી છે. એવા સમયે જ્યારે દેશ તેની આઝાદીનાં 75 વર્ષ, આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યો છે, ત્યારે આ સંગ્રહાલય એક મહાન પ્રેરણા બનીને આવ્યું છે. આ 75 વર્ષોમાં દેશે અનેક ગૌરવશાળી ક્ષણો જોઈ છે. ઈતિહાસની બારીમાં આ ક્ષણોનું જે મહત્વ છે એ અજોડ-અનુપમ છે. આવી અનેક ક્ષણોની ઝલક પ્રધાનમંત્રી  સંગ્રહાલયમાં પણ જોવા મળશે. હું તમામ દેશવાસીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. થોડા સમય પહેલા, મને આ પ્રોજેક્ટ સાથે જોડાયેલા તમામ સાથીદારોને મળવાની તક પણ મળી. સૌએ ખૂબ પ્રશંસનીય કામ કર્યું છે. આ માટે હું સમગ્ર ટીમને અભિનંદન આપું છું. હું આજે અહીં પૂર્વ પ્રધાનમંત્રીઓના પરિવારોને પણ જોઈ રહ્યો છું. આપ સૌને શુભેચ્છાઓ, અભિનંદન, સ્વાગત છે. પ્રધાનમંત્રી સંગ્રહાલયનાં ઉદ્ઘાટનનો આ અવસર આપ સૌની હાજરીથી વધુ ભવ્ય બન્યો છે. આપની હાજરીએ પ્રધાનમંત્રી સંગ્રહાલયની સાર્થકતાને, એની પ્રાસંગિકતાને વધારે વધારી દીધી છે.

સાથીઓ,

દેશ આજે જે ઊંચાઈ પર છે ત્યાં સુધી એને લઈ જવામાં સ્વતંત્ર ભારત પછી બનેલી દરેક સરકારનું યોગદાન છે. આ વાત મેં લાલ કિલ્લા પરથી પણ ઘણી વખત દોહરાવી છે. આજે આ સંગ્રહાલય પણ દરેક સરકારના સહિયારા વારસાનું જીવંત પ્રતિબિંબ બની ગયું છે. દેશના દરેક પ્રધાનમંત્રીએ તેમના સમયના વિવિધ પડકારોને પાર કરીને દેશને આગળ લઈ જવાનો પ્રયાસ કર્યો છે. દરેક વ્યક્તિનાં વ્યક્તિત્વ, સર્જનાત્મકતા, નેતૃત્વનાં વિવિધ પરિમાણો રહ્યાં. આ બધી લોકસ્મૃતિની વસ્તુઓ છે. દેશના લોકો, ખાસ કરીને યુવાનો, ભાવિ પેઢી તમામ પ્રધાનમંત્રીઓ  વિશે જાણશે તો તેમને પ્રેરણા મળશે. રાષ્ટ્રકવિ રામધારી સિંહ દિનકરજીએ એક સમયે ઇતિહાસ અને વર્તમાનથી ભવિષ્યનાં નિર્માણના માર્ગ પર લખ્યું હતું-

પ્રદર્શન ઇતિહાસ કંઠ મેં, આજ ધ્વનિત હો કાવ્ય બને.

વર્તમાન કી ચિત્રપટી પર, ભૂતકાલ સમ્ભાવ્ય બને.

અનુભૂતિભાવ એ છે કે, આપણી સાંસ્કૃતિક ચેતનામાં જે ભવ્ય-ગૌરવશાળી ભૂતકાળ સમાયેલો છે તે કવિતાના રૂપમાં ગુંજવો જોઈએ, આપણે વર્તમાનનાં પટલ પર પણ આ દેશના સમૃદ્ધ ઈતિહાસને સંભવ બનાવી શકીએ. આવનારાં 25 વર્ષ, આઝાદીનો આ અમૃતકાળ, દેશ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. મને વિશ્વાસ છે કે આ નવનિર્મિત પ્રધાનમંત્રી સંગ્રહાલય, ભવિષ્યનાં નિર્માણ માટેનું પણ એક ઊર્જા કેન્દ્ર બનશે. અલગ-અલગ સમયમાં નેતૃત્વના પડકારો શું હતા, તેનો કેવી રીતે સામનો કરવામાં આવ્યો, તે અંગે પણ ભવિષ્યની પેઢીઓ માટે બહુ મોટી પ્રેરણાનું માધ્યમ બનશે. અહીં પ્રધાનમંત્રીઓને લગતી દુર્લભ તસવીરો, ભાષણો, ઈન્ટરવ્યુ, અસલ લખાણો જેવી યાદગાર વસ્તુઓ રાખવામાં આવી છે.

સાથીઓ,

જે લોકો જાહેર જીવનમાં ઉચ્ચ હોદ્દા ધરાવે છે, જ્યારે આપણે તેમનાં જીવન પર નજર કરીએ છીએ, ત્યારે તે પણ એક રીતે ઇતિહાસનું અવલોકન કરવું જ હોય છે. તેમનાં જીવનની ઘટનાઓ, તેમની સમક્ષ આવેલા પડકારો, તેમના નિર્ણયો ઘણું શીખવે છે. એટલે કે એક રીતે તેમનું જીવન ચાલતું રહેતું હોય છે અને સાથે સાથે ઈતિહાસનું નિર્માણ પણ થતું રહેતું હોય છે. આ જીવનને વાંચવું એ ઇતિહાસનો અભ્યાસ કરવા જેવું છે. આ મ્યુઝિયમમાંથી સ્વતંત્ર ભારતનો ઇતિહાસ જાણી શકાશે. અમે થોડાં વર્ષો પહેલા બંધારણ દિવસની ઉજવણી શરૂ કરીને રાષ્ટ્રીય ચેતનાને જાગૃત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. એ જ દિશામાં આ વધુ એક મહત્ત્વપૂર્ણ મુકામ છે.
સાથીઓ,

દેશના દરેક પ્રધાનમંત્રીએ બંધારણીય લોકશાહીનાં લક્ષ્યાંકોની પૂર્તિમાં અમૂલ્ય યોગદાન આપ્યું છે. તેમને યાદ કરવા એટલે સ્વતંત્ર ભારતની યાત્રાને જાણવી. અહીં આવનારા લોકો દેશના પૂર્વ પ્રધાનમંત્રીઓનાં યોગદાનથી રૂબરૂ થશે, તેમની પૃષ્ઠભૂમિ, તેમના સંઘર્ષ-સર્જનથી માહિતગાર થશે. ભાવિ પેઢીને પણ એક બોધપાઠ મળશે કે આપણા લોકતાંત્રિક દેશમાં કઈ કઈ પૃષ્ઠભૂમિમાંથી આવીને અલગ-અલગ પ્રધાનમંત્રી બનતા રહ્યા છે. આપણા ભારતીયો માટે આ ખૂબ જ ગર્વની વાત છે કે આપણા મોટાભાગના પ્રધાનમંત્રીઓ ખૂબ જ સામાન્ય પરિવારમાંથી આવ્યા છે. દૂરના ગ્રામ્ય વિસ્તારમાંથી આવવું, ખૂબ જ ગરીબ પરિવારમાંથી આવવું, ખેડૂત પરિવારમાંથી પણ આવીને પ્રધાનમંત્રી પદ સુધી પહોંચવું એ ભારતીય લોકશાહીની મહાન પરંપરાઓમાં વિશ્વાસ મજબૂત કરે છે. તે દેશના યુવાનોને વિશ્વાસ પણ આપે છે કે સામાન્ય પરિવારમાં જન્મેલી વ્યક્તિ પણ ભારતની લોકશાહી વ્યવસ્થામાં સર્વોચ્ચ સ્થાને પહોંચી શકે છે.

સાથીઓ,

આ સંગ્રહાલયમાં જેટલો ભૂતકાળ છે, એટલું જ ભવિષ્ય પણ છે. આ સંગ્રહાલય દેશના લોકોને વીતેલા સમયની યાત્રા કરાવતા નવી દિશા, નવાં રૂપમાં ભારતની વિકાસયાત્રાએ લઈ જશે. એક એવી યાત્રા જ્યાં આપ પ્રગતિના પંથે આગળ વધતાં નવાં ભારતના સપનાને નજીકથી જોઈ શકશો. આ બિલ્ડીંગમાં 40 થી વધુ ગૅલેરીઓ છે અને લગભગ 4 હજાર લોકો એક સાથે મુલાકાત લઈ શકે તેવી વ્યવસ્થા છે. આ સંગ્રહાલય વર્ચ્યુઅલ રિયાલિટી, રોબોટ્સ અને અન્ય આધુનિક ટેક્નોલોજી દ્વારા વિશ્વને ઝડપથી બદલાઇ રહેલાં ભારતનું ચિત્ર બતાવશે. તે ટેકનોલોજી દ્વારા એવો અનુભવ આપશે કે જાણે આપણે ખરેખર એ જ યુગમાં જીવી રહ્યા છીએ, એ જ પ્રધાનમંત્રીઓ સાથે સેલ્ફી લઈ રહ્યા છીએ, તેમની સાથે વાતચીત કરી રહ્યા છીએ.

સાથીઓ,

આપણે આપણા વધુને વધુ યુવા મિત્રોને આ મ્યુઝિયમમાં આવવા પ્રોત્સાહિત કરવા જોઈએ. આ મ્યુઝિયમ તેમના અનુભવોને વધુ વિસ્તારશે. આપણા યુવાનો સક્ષમ છે અને તેમની પાસે દેશને નવી ઊંચાઈઓ પર લઈ જવાની ક્ષમતા છે. તેઓ તેમના દેશ વિશે, સ્વતંત્ર ભારતના મહત્વના પ્રસંગો વિશે જેટલું વધારે જાણશે, સમજશે, તેટલા જ તેઓ સચોટ નિર્ણયો લેવામાં સક્ષમ બનશે. આ મ્યુઝિયમ આવનારી પેઢીઓ માટે જ્ઞાનનાં, વિચારોનાં, અનુભવોનાં દ્વાર ખોલવાનું કામ કરશે. તેમને અહીં આવીને જે માહિતી મળશે, જે તથ્યોથી તેઓ પરિચિત થશે, તે તેમને ભવિષ્યના નિર્ણયો લેવામાં મદદ કરશે. ઈતિહાસના જે વિદ્યાર્થીઓ સંશોધન કરવા ઈચ્છે છે તેઓને પણ અહીં આવવાથી ઘણો ફાયદો થશે.

સાથીઓ,

ભારત લોકશાહીની જનની છે, Mother of Democracy છે. ભારતની લોકશાહીની સૌથી મોટી વિશેષતા એ છે કે તે સમયની સાથે સતત બદલાતી રહે છે. દરેક યુગમાં, દરેક પેઢીમાં, લોકશાહીને વધુ આધુનિક, વધુ સશક્ત બનાવવાનો સતત પ્રયાસ થતો રહ્યો છે. સમયની સાથે સાથે સમાજમાં જે રીતે કેટલીક ખામીઓ ઘર કરી જાય છે, તેવી જ રીતે લોકશાહી સામે સમયાંતરે પડકારો પણ આવતા રહ્યા છે. આ ખામીઓને દૂર કરતા રહેવું, પોતાની જાતને શુદ્ધ કરતા રહેવું એ ભારતીય લોકશાહીની ખૂબી છે. અને દરેકે આમાં પોતાનું યોગદાન આપ્યું છે. એકાદ બે અપવાદોને બાદ કરતાં, લોકશાહી ઢબે લોકશાહીને મજબૂત કરવાની આપણી ગૌરવપૂર્ણ પરંપરા રહી છે. તેથી, એ આપણી પણ જવાબદારી છે કે આપણે આપણા પ્રયત્નોથી લોકશાહીને વધુ મજબૂત કરતા રહીએ. આજે આપણી લોકશાહી સામે જે પણ પડકારો છે, સમયની સાથે ઘર કરી ગયેલી તમામ ખામીઓને દૂર કરીને આપણે આગળ વધીએ, આ લોકતંત્રની પણ આપણી પાસેથી અપેક્ષા છે અને દેશ પણ આપણા બધા પાસેથી અપેક્ષા રાખે છે. આજનો ઐતિહાસિક અવસર લોકશાહીને મજબૂત અને સમૃદ્ધ કરવાના સંકલ્પને પુનરાવર્તિત કરવાનો પણ એક શ્રેષ્ઠ અવસર છે. આપણા ભારતમાં અલગ-અલગ વિચારો, અલગ-અલગ પરંપરાઓનો સમાવેશ થતો રહ્યો છે. અને આપણી લોકશાહી આપણને શીખવે છે કે માત્ર એક જ વિચાર ઉત્તમ હોય, તે જરૂરી નથી. આપણે એ સંસ્કૃતિમાં ઉછર્યા છીએ જેમાં કહેવાય છે-

આ નો ભદ્રા:

ક્રતવો યન્તુ વિશ્વત: 

એટલે કે, બધી બાજુથી ઉમદા વિચારો આપણામાં આવવા જોઈએ! આપણી લોકશાહી આપણને નવીનતા સ્વીકારવાની, નવા વિચારોને સ્વીકારવાની પ્રેરણા આપે છે. પ્રધાનમંત્રી સંગ્રહાલયમાં મુલાકાત લેનારા લોકોને પણ લોકશાહીની આ શક્તિની ઝલક જોવા મળશે. વિચારો અંગે સહમતિ અને અસંમતિ હોઈ શકે છે, વિવિધ રાજકીય પ્રવાહો હોઈ શકે છે, પરંતુ લોકશાહીમાં દરેકનો ધ્યેય એક જ હોય ​​છે - દેશનો વિકાસ. તેથી, આ મ્યુઝિયમ માત્ર પ્રધાનમંત્રીઓની ઉપલબ્ધિઓ, તેમનાં યોગદાન પૂરતું જ મર્યાદિત નથી. તે દરેક વિષમ પરિસ્થિતિ છતાં દેશમાં ઊંડું બનતું લોકતંત્ર,  હજારો વર્ષોથી આપણી સંસ્કૃતિમાં ખીલેલા લોકતાંત્રિક સંસ્કારોની મજબૂતી અને બંધારણમાં દ્રઢ બનતી આસ્થાનું પણ પ્રતીક છે.

સાથીઓ,

દરેક રાષ્ટ્રની જવાબદારી છે કે તે તેના વારસાને સાચવે અને તેને ભાવિ પેઢી સુધી પહોંચાડે. આપણી સરકાર આપણા સ્વતંત્રતા ચળવળની તમામ પ્રેરણાદાયી ઘટનાઓ અને પ્રેરણાદાયી વ્યક્તિત્વોને, તેના સાંસ્કૃતિક વૈભવને લોકો સમક્ષ લાવવા માટે અવિરતપણે કામ કરી રહી છે. દેશમાંથી ચોરાયેલી મૂર્તિઓ અને કલાકૃતિઓને પરત લાવવાની વાત હોય, જૂના મ્યુઝિયમનું પુનઃનિર્માણ કરવું હોય, નવા સંગ્રહાલય બનાવવાની વાત હોય, છેલ્લાં 7-8 વર્ષથી એક વિશાળ અભિયાન સતત ચાલી રહ્યું છે. અને આ પ્રયાસો પાછળ એક મોટો હેતુ છે. જ્યારે આપણી યુવા પેઢી આ જીવંત પ્રતીકને જુએ છે ત્યારે તેને સત્યની સાથે સાથે તથ્યનો પણ ખ્યાલ આવે છે. જ્યારે કોઈ વ્યક્તિ જલિયાંવાલા બાગ સ્મારક જુએ છે, ત્યારે વ્યક્તિ જે સ્વતંત્રતાનો આનંદ માણી રહ્યો છે તેનું મહત્વ સમજે છે. જ્યારે કોઈ આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની મ્યુઝિયમની મુલાકાત લે છે, ત્યારે તેને ખબર પડે છે કે દૂર-દૂરનાં જંગલોમાં રહેતાં આપણાં આદિવાસી ભાઈ-બહેનોએ દરેક ક્ષેત્રમાં કેવી રીતે યોગદાન આપ્યું, દરેક વર્ગે સ્વતંત્રતા સંગ્રામમાં પોતાનું સર્વસ્વ આપ્યું. જ્યારે કોઈ ક્રાંતિકારીઓ પર બનેલું મ્યુઝિયમ જુએ છે, ત્યારે તેને ખ્યાલ આવે છે કે દેશ માટે બલિદાન આપવાનો અર્થ શું હોય છે. આ અમારી સરકારનું સદભાગ્ય છે કે અહીં દિલ્હીમાં અમે બાબા સાહેબનાં મહાપરિનિર્વાણ સ્થળ અલીપુર રોડ પર બાબા સાહેબ મેમોરિયલનું નિર્માણ કરાવ્યું છે. બાબા સાહેબ આંબેડકરનાં જે પંચતીર્થો વિકસાવવામાં આવ્યા છે તે સામાજિક ન્યાય અને અતૂટ દેશભક્તિ માટે પ્રેરણાનાં કેન્દ્રો છે.

સાથીઓ,

આ પ્રધાનમંત્રી સંગ્રહાલય પણ લોકો દ્વારા ચૂંટાયેલા પ્રધાનમંત્રીઓના વારસાને દર્શાવીને સબકા પ્રયાસની ભાવનાનો ઉત્સવ ઉજવે છે. એનો જે લોગો છે, એના પર પણ આપ સૌનું ધ્યાન જરૂર હશે. પ્રધાનમંત્રી સંગ્રહાલયનો લોગો એવો છે કે તેમાં કોટિ કોટિ ભારતીયોના હાથે ચક્ર પકડ્યું છે. આ ચક્ર, 24-કલાક નિરંતરતાનું પ્રતીક છે, સમૃદ્ધિના સંકલ્પ માટે ખંતનું પ્રતીક છે. આ એ જ પ્રતિજ્ઞા છે, એ જ તો એ ચેતના છે, આ જ એ શક્તિ છે જે આવનારાં 25 વર્ષમાં ભારતના વિકાસને પરિભાષિત કરવાની છે.

સાથીઓ,

ભારતના ઈતિહાસની મહાનતા, ભારતની સમૃદ્ધિના સમયગાળાથી આપણે સૌ પરિચિત છીએ. આપણને હંમેશા તેના પર ખૂબ ગર્વ પણ રહ્યો છે. એ પણ એટલું જ જરૂરી છે કે વિશ્વને ભારતના વારસા અને ભારતના વર્તમાનથી યોગ્ય રીતે પરિચિત થવું જોઈએ. આજે જ્યારે એક નવી વિશ્વ વ્યવસ્થા ઉભરી રહી છે, વિશ્વ ભારત તરફ આશાભરી અને આત્મવિશ્વાસભરી નજરે જોઈ રહ્યું છે, ત્યારે ભારતે પણ દરેક ક્ષણે નવી ઊંચાઈઓ સુધી પહોંચવા માટેના પ્રયાસો વધારવા પડશે. અને આવા સમયે, આઝાદી પછીનાં આ 75 વર્ષ, ભારતના પ્રધાનમંત્રીઓનો કાર્યકાળ, આ પ્રધાનમંત્રી સંગ્રહાલય, આપણને સતત પ્રેરણા આપતું રહેશે. આ સંગ્રહાલય, આપણી અંદર, ભારત માટે મહાન સંકલ્પનાં બીજ વાવવાની શક્તિ ધરાવે છે. આ સંગ્રહાલય ભારતનાં ભવિષ્યને ઘડનારા યુવાનોમાં સિદ્ધિની ભાવના કેળવશે. આવનારા સમયમાં, અહીં જે પણ નામો ઉમેરવામાં આવશે, તેમનાં જે પણ કાર્યો જોડાશે, એમાં આપણે બધા વિકસિત ભારતનાં સ્વપ્નને સાકાર થવાનું સુખ શોધી શકીશું. હવે આ માટે આજે સખત મહેનત કરવાનો સમય છે. આઝાદીનો આ અમૃતકાળ એકજૂથ, એકનિષ્ઠ પ્રયાસોનો છે. દેશવાસીઓને મારો આગ્રહ છે કે તમે પોતે પણ આવો અને તમારાં બાળકોને પણ આ સંગ્રહાલયના દર્શન કરાવવા જરૂર લાવો. આ જ આમંત્રણ સાથે, આ જ આગ્રહની સાથે, હું ફરી એકવાર પ્રધાનમંત્રી સંગ્રહાલય માટે ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આભાર!

SD/GP/MR

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1816909) Visitor Counter : 262