મહિલા અને બાળ વિકાસ મંત્રાલય
લૈંગિક સમાનતા સિદ્ધાંત હવે આંતર-સરકારી નાણાકીય ટ્રાન્સફર પ્રક્રિયાનો અભિન્ન ભાગ છે: કેન્દ્રીયમંત્રી શ્રીમતી સ્મૃતિ ઈરાની
કેન્દ્રીય બજેટ 2022-23માં મહિલાઓ સંબંધિત યોજનાઓ માટે 1.71 લાખ કરોડ
હિંસાનો ભોગ બનેલી મહિલાઓની મદદ માટે ટૂંક સમયમાં અન્ય 300 વન-સ્ટોપ કેન્દ્રો શરૂ કરવામાં આવશે
Posted On:
12 APR 2022 3:33PM by PIB Ahmedabad
મહિલા આરોગ્ય અને સશક્તીકરણનો મુદ્દો કેન્દ્ર સરકારના કાર્યક્રમનો અભિન્ન ભાગ બની ગયો છે, એમ કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું હતું. આજે મુંબઈમાં કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા આયોજિત પ્રાદેશિક પરિષદમાં બોલતા, તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકાર પડકારોનો સામનો કરવા બહુ-ક્ષેત્રીય અભિગમ અપનાવીને મહિલાઓના ગૌરવને બચાવવા માટે પ્રતિબદ્ધ છે.
પ્રાદેશિક પરિષદ નીચેના ત્રણ મહત્વના વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરે છે: મહિલાઓ અને બાળકોના સારા પોષણ માટે પોષણ અભિયાન, મહિલાઓની સુરક્ષા અને સલામતી માટે શક્તિ અભિયાન અને દેશના દરેક બાળક માટે સુખી અને સ્વસ્થ બાળપણ અને સક્ષમ આંગણવાડીની સુવિધા પુરી પાડવાના હેતુથી શરૂ કરેલ વાત્સલ્ય અભિયાન.
2022-23ના કેન્દ્રીય બજેટનો ઉલ્લેખ કરતા કેન્દ્રીય મંત્રી ઈરાનીએ કહ્યું કે આ વર્ષે મહિલાઓ માટે બજેટ ફાળવણીમાં 14%નો વધારો કરવામાં આવ્યો છે. “વર્ષ 2022-23 માટેના કેન્દ્રીય બજેટમાં આપણા દેશમાં મહિલાઓ માટે 1.71 લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. અમારી સરકાર અને આપણો દેશ વિશ્વની પ્રથમ સરકારો અને દેશો બન્યા છે જેણે અમારી આંતર-સરકારી નાણાકીય ટ્રાન્સફર પ્રક્રિયામાં લૈંગિક ઘટકનો સમાવેશ કર્યો છે." તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
શ્રીમતી ઈરાનીએ જણાવ્યું હતું કે, "આપણા દેશમાં દરેક નાણાકીય વર્ષના અંતે, રાજ્ય સરકાર કેન્દ્ર સાથે સરકારી યોજનાઓના અમલીકરણનો મુદ્દો ઉઠાવવા માટે કેન્દ્રમાં આવે છે," આ સંદર્ભમાં, તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ સમસ્યાના ઉકેલ માટે, કેન્દ્ર સરકાર હવે સક્રિયપણે રાજ્યો તેમજ અન્ય હિતધારકો સુધી સહકારી સંઘવાદની પ્રેરણા સાથે પહોંચી રહી છે અને તેથી દેશભરમાં આ પ્રાદેશિક પરિષદોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વારંવાર કહ્યું છે કે દેશનો વિકાસ ત્યારે જ શક્ય બનશે જ્યારે રાજ્ય સરકારો સહકારી સંઘવાદની સાચી પ્રેરણા સાથે સહકારની ભાવના સાથે કેન્દ્ર સરકાર સાથે કામ કરશે.
તેમના વક્તવ્યમાં મંત્રીએ પ્રકાશ પાડ્યો કે કેવી રીતે કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રાલયની વિવિધ યોજનાઓ સમગ્ર દેશમાં વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓને લાભ અને સશક્તીકરણ કરી રહી છે.
સ્વચ્છ ભારત મિશનએ 11 લાખથી વધુ શૌચાલયોનું નિર્માણ કર્યું છે, જે સુનિશ્ચિત કરે છે કે મહિલાઓ માટે દરેક દિવસ સ્વચ્છતાથી શરૂ થાય. એક વર્ષમાં, 4 લાખથી વધુ સરકારી શાળાઓમાં છોકરીઓ માટે અલગ શૌચાલય બનાવવામાં આવ્યા છે, એમ તેમણે ઉમેર્યું હતું. તેમણે એ પણ યાદ અપાવ્યું કે જ્યારે છોકરીઓ માટે અલગ શૌચાલય નહોતા ત્યારે છોકરીઓનો ડ્રોપઆઉટ દર 23% જેટલો ઊંચો હતો.
આ પહેલીવાર છે જ્યારે દેશના પ્રધાનમંત્રીએ લાલ કિલ્લા પરથી મહિલાઓના માસિક સ્વાસ્થ્ય (સ્વચ્છતા) વિશે વાત કરી છે, જે સાબિત કરે છે કે સરકારે મહિલાઓને લગતા મુદ્દાઓને પ્રાથમિકતા આપી છે, એમ શ્રીમતી ઈરાનીએ ઉમેર્યું હતું. શ્રીમતી ઈરાનીએ વધુમાં જણાવ્યું હતું કે "જેન્ડર જસ્ટિસ એ સહયોગી બનવું જોઈએ અને મહિલાઓને એકલી ન છોડવી જોઈએ,"
આયુષ્માન ભારતે 45 કરોડ મહિલાઓને સામેલ કરવા માટે સમગ્ર દેશમાં હેલ્થકેરનો વિસ્તાર કર્યો છે. "શરૂઆતમાં, એવું કહેવામાં આવતું હતું કે સામાજિક-સાંસ્કૃતિક અવરોધોને કારણે મહિલાઓ સ્તન કેન્સર અથવા સર્વાઇકલ કેન્સરની સારવાર માટે આગળ નહીં આવે. તેઓને જરૂરી સારવાર મળી રહી છે," તેમ શ્રીમતી ઈરાનીએ જણાવ્યું હતું.
મહિલાઓની સુરક્ષા અને સુરક્ષા પર બોલતા કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે હાલમાં દેશમાં મહિલાઓ માટે 704 વન સ્ટોપ સેન્ટર છે, જે મહિલાઓ માટે હેલ્પલાઈન સાથે મળીને કામ કરી રહ્યા છે. આ કેન્દ્રો દ્વારા દેશની લગભગ 70 લાખ મહિલાઓને રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા મદદ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે આવા અન્ય 300 વન-સ્ટોપ કેન્દ્રો ટૂંક સમયમાં સ્થાપિત કરવામાં આવશે. આ ‘વન સ્ટોપ સેન્ટર્સ’ની સ્થાપના ખાનગી તેમજ સરકારી જગ્યાઓ, પરિવારમાં, સમુદાયમાં અને કાર્યસ્થળમાં હિંસાનો ભોગ બનેલી મહિલાઓને મદદ કરવા માટે કરવામાં આવી છે. તેમણે એમ પણ કહ્યું કે 2014 થી 2021 સુધી મહિલાઓની સુરક્ષા અને જાળવણી માટે નિર્ભયા નિધિ દ્વારા 9,000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સ અમલમાં મૂકવામાં આવ્યા છે.
ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ રિપોર્ટનો ઉલ્લેખ કરતા કેન્દ્રીય મંત્રી ઈરાનીએ કહ્યું કે ભારતીય મહિલાઓ દ્વારા માત્ર ઘરેલુ હેતુઓ માટે જરૂરી પાણી ભરવામાં 150 મિલિયન કામકાજના દિવસો ખર્ચવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે જલ શક્તિ અભિયાન હેઠળ શરૂ કરવામાં આવેલી 'દરેક ઘરમાં નળ અને પાણી પુરવઠો' યોજનાએ દેશના 9.33 કરોડ ઘરોમાં નળનું પાણી પહોંચાડવામાં મદદ કરી છે.
મિશન શક્તિ અને મિશન વાત્સલ્ય ઉપરાંત, સક્ષમ આંગણવાડી અને પોષણ 2.0 એ ચાર મજબૂત સ્તંભો છે જે દેશમાં મહિલાઓ અને બાળ વિકાસને સશક્ત બનાવે છે, એમ કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ રાજ્ય મંત્રી શ્રી મહેન્દ્ર મુંજપરાએ જણાવ્યું હતું. શ્રી મુંજપરાએ હાલમાં દેશમાં 12.56 લાખ આંગણવાડી કેન્દ્રો છે અને તેમાંથી મોટા ભાગના આંગણવાડી શૌચાલય, પીવાના પાણીની ઉપલબ્ધતા અને અન્ય સુવિધાઓથી સજ્જ છે. બાકીની આંગણવાડીઓને ટૂંક સમયમાં ગુણવત્તાસભર સુવિધાઓથી સજ્જ કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી.
મહિલા અને બાળ વિકાસના કેન્દ્રીય સચિવ ઈન્દેવર પાંડેએ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કેન્દ્રની જેમ સંવહન માળખું બનાવવાની અપીલ કરી હતી. જેથી કરીને રાજ્યના તમામ વિભાગો જેવા કે આરોગ્ય, પંચાયત, ગ્રામીણ વિકાસ, શહેરી વિકાસ, મહિલા અને બાળ વિકાસ વિભાગ સહિત મહિલા અને બાળ વિકાસ યોજનાઓના અમલીકરણ માટે કામ કરી શકે.
મહારાષ્ટ્રના મહિલા અને બાળ વિકાસ મંત્રી યશોમતી ઠાકુર અને મહિલા અને બાળ વિકાસના અગ્ર સચિવ આઈએ કુંદને પણ આ પ્રસંગે વક્તવ્ય આપ્યું હતું. દિવસભર ચાલેલી આ કોન્ફરન્સમાં મહારાષ્ટ્ર, ગોવા, ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને દાદરા-નગર હવેલી, દમણ અને દીવના કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રતિનિધિઓ અને હિતધારકોએ હાજરી આપી હતી.
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1816039)
Visitor Counter : 495