જળશક્તિ મંત્રાલય
રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ 29 માર્ચ 2022ના રોજ ત્રીજા રાષ્ટ્રીય જળ પુરસ્કારોના વિજેતાઓનું સન્માન કરશે
શ્રેષ્ઠ રાજ્યની શ્રેણીમાં ઉત્તરપ્રદેશ, રાજસ્થાન અને તમિલનાડુ રાજ્ય અનુક્રમે પ્રથમ, દ્વિતિય અને તૃતિય સ્થાને વિજેતા થયા
રાષ્ટ્રપતિ જળ શક્તિ અભિયાન – કેચ ધ રેઇન 2022 અભિયાનનો પણ પ્રારંભ કરાવશે જે 30 નવેમ્બર 2022 સુધી ચાલુ રાખવામાં આવશે
Posted On:
28 MAR 2022 5:54PM by PIB Ahmedabad
નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવન ખાતે 29 માર્ચ 2022ના રોજ યોજાનારા એક કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદના હસ્તે 3જા રાષ્ટ્રીય જળ પુરસ્કારના વિજેતાઓને પુરસ્કાર આપીને તેમનું સન્માન કરવામાં આવશે. આ કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રપતિ જળ શક્તિ અભિયાન: કેચ ધ રેઇન 2022 નામથી એક અભિયાનનો પણ પ્રારંભ કરશે. કેચ ધ રેઇન અભિયાન આ વર્ષે 30 નવેમ્બર 2022 સુધી અમલમાં મૂકવામાં આવશે.
કેન્દ્રીય જળ શક્તિ મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ શેખાવત, જળ શક્તિ રાજ્ય મંત્રી શ્રી વિશ્વેશ્વર ડુટુ અને શ્રી પ્રહલાદસિંહ પટેલ, જળ સંસાધન, નદી વિકાસ અને ગંગા પુનરુત્કર્ષ વિભાગના સચિવ શ્રી પંકજકુમાર અને પીવાલાયક પાણી અને સ્વચ્છતા વિભાગના સચિવ શ્રી વિનિ મહાજન પણ આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત રહ્યા હતા.
હિતધારકોને પ્રોત્સાહિત કરવા અને લોકો જળ સંસાધનોના વ્યવસ્થાન પ્રત્યે સર્વાંગી અભિગમ અપનાવે તે માટે એકીકૃત રાષ્ટ્રીય પુરસ્કાર આપવાની જરૂરિયાત જણાતી હતી. આ પુરસ્કારો વિશાળ જનસમુદાયમાં પાણીના મહત્વ અંગે જાગૃતિ ફેલાવવા અને લોકોને અસરકારક જળ વ્યવસ્થાપનમાં શ્રેષ્ઠ રીતો અપનાવવા માટે પ્રેરિત કરવાનો ઉદ્દેશ પણ ધરાવે છે.
પ્રથમ રાષ્ટ્રીય જળ પુરસ્કારો વર્ષ 2018માં જળ શક્તિ મંત્રાલય દ્વારા એનાયત કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રીય જળ પુરસ્કારોએ સ્ટાર્ટઅપ તેમજ અગ્રણી સંસ્થાઓને કેવી રીતે ભારતમાં જળ સંસાધનોના વ્યવસ્થાપન માટે શ્રેષ્ઠ રીતો અપનાવી શકાય તે અંગે વરિષ્ઠ નીતિ ઘડવૈયાઓ સાથે જોડાવા અને ચર્ચા કરવા માટે સારી તક પૂરી પાડી છે.

જળ શક્તિ મંત્રાલયનો જળ સંસાધન, નદી વિકાસ અને ગંગા પુનરુત્કર્ષ વિભાગ રાજ્યો, સંગઠનો અને વ્યક્તિરૂપે વિવિધ 11 શ્રેણીમાં 57 પુરસ્કારો એનાયત કર છે જેમાં શ્રેષ્ઠ રાજ્ય, શ્રેષ્ઠ જિલ્લો, શ્રેષ્ઠ ગામ પંચાયત, શ્રેષ્ઠ શહેરી સ્થાનિક સંગઠન, શ્રેષ્ઠ મીડિયા (પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક), શ્રેષ્ઠ શાળા, પરિસરમાં ઉપયોગ માટે શ્રેષ્ઠ સંસ્થા/RWA/ધાર્મિક સંગઠન, શ્રેષ્ઠ ઉદ્યોગ, શ્રેષ્ઠ NGO, શ્રેષ્ઠ જળ વપરાશકર્તા સંગઠન અને CSR પ્રવૃત્તિ માટે શ્રેષ્ઠ ઉદ્યોગ સામેલ છે. આમાંથી કેટલીક શ્રેણીમાં દેશના વિવિધ ઝોન અનુસાર પેટા શ્રેણીઓ પણ સમાવી લેવામાં આવી છે. વિવિધ શ્રેણીઓના આ પુરસ્કાર વિજેતાઓને પ્રમાણપત્ર, ટ્રોફી અને રોકડ ઇનામ આપવામાં આવશે.
શ્રેષ્ઠ રાજ્યની શ્રેણીમાં ઉત્તરપ્રદેશ, રાજસ્થાન અને તમિલનાડુ રાજ્યોને અનુક્રમે પ્રથમ, દ્વિતિય અને તૃતિય પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યા છે. કેટલાક વિજેતાઓએ જળ વ્યવસ્થાપન ક્ષેત્રે અનુકરણીય કામગીરી કરી છે. આ પુરસ્કારોથી ભારતના લોકોના મનમાં જળ અંગે સભાનતા આવશે તેવી અપેક્ષા છે અને તેમની આચરણમાં પરિવર્તન લાવવામાં મદદ મળશે.
NWAમાં કોઇ વ્યક્તિ દ્વારા અને સંસ્થાઓ દ્વારા સમગ્ર દેશમાં સરકારની ‘જળ સમૃદ્ધ ભારત’ દૂરંદેશીને પ્રાપ્ત કરવા માટે જે સારું કામ અને પ્રયાસ કરવામાં આવ્યા હોય તેના પર ધ્યાન આપવામાં આવે છે. આ પુરસ્કાર તમામ લોકો અને સંસ્થાઓ માટે એક મજબૂત ભાગીદારી અને જળ સંસાધન વ્યવસ્થાપન પ્રવૃત્તિઓમાં લોકોના જોડાણને આગળ ધપાવવા માટે એક પ્રસંગ પૂરો પાડે છે.
2019માં દેશમાં 256 જિલ્લામાં પાણીની અછત વાળા 1592 તાલુકામાં પાણીના સંરક્ષણ અને વ્યવસ્થાપન અને અમલીકરણ પગલાં લેવાના રાષ્ટ્રીય આહ્વાન એવા ‘જળ શક્તિ અભિયાન’ના સફળ અમલીકરણ પછી, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા 22 માર્ચ 2021ના રોજ વિશ્વ જળ દિવસના પ્રસંગે ‘જળ શક્તિ અભિયાન-II: કેચ ધ રેઇન, વેર ઇટ ફોલ્સ, વેન ઇટ ફોલ્સ’ નામના અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. આ અભિયાન ચોમાસા પહેલાંના અને ચોમાસા દરમિયાનના સમયમાં માર્ચ 2021થી નવેમ્બર 2021 સુધી દેશના તમામ જિલ્લાઓ સુધી (ગ્રામીણ તેમજ શહેરી વિસ્તારોમાં) લઇ જવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય જળ મિશન દ્વારા ચલાવવામાં આવેલ અભિયાનને સમગ્ર દેશમાંથી ખૂબ જ સારો પ્રતિસાદ સાંપડ્યો હતો. 22 માર્ચ 2021ના રોજ આ અભિયાનની શરૂઆત કરવામાં આવી ત્યારથી 31 ડિસેમ્બર 2021 સુધી, શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારોમાં એકસાથે મળીને કુલ 46 લાખથી વધુ પાણી સંબંધિત કામો પૂરાં કરવામાં આવ્યા હતા/ચાલી રહ્યાં છે, ઉપરાંત 36 કરોડથી વધુ વનીકરણના કામો, 43,631 તાલીમ કાર્યક્રમો/કિસાનમેળાઓ યોજવામાં આવ્યા હતા અને 306 જળ શક્તિ કેન્દ્રોની સ્થાપના કરવામાં આવી હતી. માત્ર મનરેગા હેઠળનો ખર્ચ રૂ. 65000 કરોડથી વધુ છે. જળ સંરક્ષણ સંબંધિત કાર્યો કરવા ઉપરાંત, જળાશયોની યાદી બનાવવા માટે હાલના જળાશયો/માળખાઓની ઓળખ માટે રીમોટ સેન્સિંગ સેટેલાઇટ ઇમેજ અને GIS મેપિંગ ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો.
જળ શક્તિ અભિયાન: કેચ ધ રેઇન 2022માં કેટલીક નવી વિશેષતાઓ ઉમેરવામાં આવી છે તેમાં સ્પ્રિંગ શેડ વિકાસ, વોટર કેચમેન્ટ વિસ્તારનું સંરક્ષણ, જળ ક્ષેત્રમાં જેન્ડર મેઇનસ્ટ્રીમિંગ સામેલ છે. જેન્ડર મેઇનસ્ટ્રીમિંગ (લૈંગિક સમાનતા સાથે સહભાગીઓને મુખ્ય પ્રવાહમાં લાવવાની કામગીરી)થી જળ સુશાસન/સંરક્ષણ અને વ્યવસ્થાપનમાં મહિલાઓની ભૂમિકાને પ્રોત્સાહન મળશે તેવી અપેક્ષા રાખવામાં આવે છે. રાજ્ય સરકારો પોત પોતાના રાજ્યોમાં દરેક જિલ્લામાં જળ શક્તિ કેન્દ્રો ઉભા કરવાની કામગીરી પૂરી કરશે. આ કેન્દ્રો નોલેજ સેન્ટર (જ્ઞાન કેન્દ્રો) તરીકે કામ કરશે અને પાણી સંબંધિત તમામ સમસ્યાઓ/ પ્રશ્નો માટે વન સ્ટોપ ઉકેલ પૂરા પાડશે અને શક્ય એટલી વહેલી તકે જિલ્લા જળ સંરક્ષણ પ્લાન તૈયાર કરશે. આ વર્ષમાં અભિયાન હેઠળ જો દેશમાં જળાશયોની ગણતરી કરવામાં આવશે તો તે એક મોટી સિદ્ધિ બની જશે.
તમામ સરપંચો અભિયાનના આરંભ દરમિયાન વિશેષ ગ્રામ સભાઓનું આયોજન કરશે અને ગામમાં લોકો પાસે જળ શપથ લેવડાવશે. “જળ શક્તિ અભિયાન: કેચ ધ રેઇન” અભિયાનનો સફળ અમલ પાયાના સ્તરે સ્થાનિક સામુદાયિક લોકોની સક્રિય સહભાગીતા પર નિર્ભર છે જ્યાં સ્થાનિક સામુદાયિક લોકો જળ સંરક્ષણ કાર્યમાં તેમની સક્રિય સહભાગીતા દ્વારા અને પાણીની અછત ઓછી કરવા માટે “જળ યોદ્ધા” બનશે અને જળ સંરક્ષણ માળખાની અસ્કયામતોના માલિક તરીકે કામ કરશે. જિલ્લા મેજિસ્ટ્રેટ અને ગ્રામ સરપંચો સ્થાનિક લોકોના “માર્ગદર્શક” બનીને દરેક વ્યક્તિને જળ સંરક્ષણમાં સક્રિય રીતે સહભાગી થવા માટે પ્રેરિત કરવાની મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે જેથી “જળ શક્તિ માટે જન શક્તિ”ની ઇચ્છા પરિપૂર્ણ કરીને આ અભિયાનની સફળતા સુનિશ્ચિત થઇ શકે.
SD/GP/JD
(Release ID: 1810700)
Visitor Counter : 325