પ્રધાનમંત્રીનું કાર્યાલય
કેન્દ્રના અંદાજપત્ર- 2022ની શિક્ષણ અને કૌશલ્ય ક્ષેત્રમાં હકારાત્મક અસર અંગેના વેબિનારને પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Posted On:
21 FEB 2022 2:17PM by PIB Ahmedabad
નમસ્કાર!
કેન્દ્રીય મંત્રીમંડળના મારા સહયોગીઓ, શિક્ષણ, કૌશલ્ય વિકાસ, વિજ્ઞાન, ટેકનોલોજી અને સંશોધન સાથે જોડાયેલા તમામ મહાનુભવો, દેવીઓ અને સજ્જનો.
અમારી સરકારે બજેટની પહેલાં અને બજેટ પછી સહયોગીઓ સાથે ચર્ચા અને સંવાદની એક વિશેષ પરંપરા વિકસાવી છે. આજનો આ કાર્યક્રમ તેની જ એક કડી છે. આ કાર્યક્રમમાં આજે શિક્ષણ અને કૌશલ્ય વિકાસ અંગે બજેટમાં જે જોગવાઈ કરવામાં આવી છે તે અંગે આપ સૌ સહયોગીઓ સાથે અલગ અલગ પાસાંઓ ઉપર વિસ્તારથી ચર્ચા થવાની છે.
મિત્રો,
આપણી આજની યુવા પેઢી ભવિષ્યની કર્ણધાર છે. તે ભવિષ્યનું રાષ્ટ્ર નિર્માણ પણ કરનાર છે. એટલા માટે આજની યુવા પેઢીનું સશક્તીકરણ કરવાનો અર્થ ભારતના ભવિષ્યનું સશક્તીકરણ કરણ કરવું એવો થાય છે. આ વિચારધારા સાથે વર્ષ 2022ના બજેટમાં શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલી પાંચ બાબતો ઉપર ખૂબ ભાર મૂકવામાં આવ્યો છે.
પ્રથમ-
ગુણવત્તાયુક્ત શિક્ષણનું સાર્વત્રિકરણઃ આપણી શિક્ષણ વ્યવસ્થાનો વિસ્તાર વધે, તેની ગુણવત્તા સુધરે અને શિક્ષણ ક્ષેત્રની ક્ષમતામાં વધારો થાય તે માટે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે.
બીજુ છે-
કૌશલ્ય વિકાસઃ દેશમાં ડિજિટલ સ્કીલીંગ વ્યવસ્થા ઉભી થાય, ઈન્ડસ્ટ્રી 4.0ની જ્યારે ચર્ચા ચાલી રહી છે ત્યારે ઉદ્યોગોની માંગને ધ્યાનમાં રાખીને કૌશલ્ય વિકાસ થાય, ઉદ્યોગ સાથેનું જોડાણ બહેતર બને તે બાબત ઉપર ધ્યાન આપવામાં આવ્યું છે.
ત્રીજું મહત્વનું પાસુ છે
નગર આયોજન અને ડિઝાઈનઃ તેમાં ભારતના જે પૌરાણિક અનુભવો અને જ્ઞાન છે તેનો આપણી આજની શિક્ષણ વ્યવસ્થામાં સમાવેશ કરવામાં આવે તે આવશ્યક છે.
ચોથુ મહત્વનું પાસું છે-
આંતરરાષ્ટ્રીયકરણઃ ભારતમાં વિશ્વસ્તરની વિદેશી યુનિવર્સિટીઓ આવે તે આપણાં ગિફ્ટ સિટી, ત્યાં ફાયનાન્સિયલ ટેકનોલોજી સાથે જોડાયેલી સંસ્થાઓ આવે અને તેને પ્રોત્સાહિત કરવામાં આવે.
પાંચમું મહત્વનું પાસું છે
AVCG એટલે કે એનિમેશન વિઝ્યુઅલ ઈફેક્ટસ ગેમીંગ કોમિકઃ આ તમામમાં રોજગારની અપાર સંભાવનાઓ છે. એક ખૂબ મોટું ગ્લોબલ માર્કેટ છે. તેને પહોંચી વળવા માટે આપણે ભારતીય પ્રતિભાઓનો કેવી રીતે ઉપયોગ વધારી શકીએ તે બાબતે પણ ધ્યાન આપવામાં આવ્યું છે. આ બજેટ નવી રાષ્ટ્રિય શિક્ષણ નીતિને જમીની સ્તરે ઉતારવામાં ખૂબ મદદરૂપ થવાનું છે.
સાથીઓ,
કોરોનાના આગમન પહેલાંના ઘણાં સમય પહેલાં હું દેશમાં ડિજિટલ ભવિષ્યની વાત કરી રહ્યો હતો. આપણે જ્યારે આપણાં ગામડાંઓને ઓપ્ટીકલ ફાયબર સાથે જોડી રહ્યા છીએ ત્યારે આપણે ડેટાની કિંમત ઓછામાં ઓછી રાખવાનો પ્રયાસ કરી રહ્યા છીએ અને કનેક્ટિવિટી સાથે જોડાયેલા માળખાકીય સુધારા કરી રહ્યા છીએ ત્યારે કેટલાક લોકો સવાલ ઉઠાવે છે કે આની જરૂર શું છે, પરંતુ મહામારીના સમય દરમ્યાન આપણાં આ પ્રયાસોનું મહત્વ સૌ કોઈએ જોયું છે. આ એજ ડિજિટલ કનેક્ટિવિટી છે કે જેણે વૈશ્વિક મહામારીના સમયમાં આપણી શિક્ષણ વ્યવસ્થાને હેમખેમ રાખી હતી.
આપણે જોઈ રહ્યા છીએ કે ભારતમાં કેવી રીતે ડિજિટલ ડિવાઈડ ઓછો થઈ રહ્યો છે. આપણે ત્યાં સમાવેશિતા સુનિશ્ચિત થઈ રહી છે અને હવે તો દેશ સમાવેશિતાથી આગળ વધીને સંકલન (ઈન્ટીગ્રેશન) તરફ આગળ વધી રહ્યો છે.
આ દાયકામાં આપણે શિક્ષણમાં જે આધુનિકતા લાવવા માંગતા હતા તેના આધારને મજબૂત કરવા માટે આ વર્ષના બજેટમાં અનેક જાહેરાતો કરવામાં આવી છે. ડિજિટલ શિક્ષણથી ડિજિટલ ભવિષ્ય તરફ આગળ ધપતું ભારત એ એક વ્યાપક વિઝનનો હિસ્સો છે. એટલા માટે ઈ-વિદ્યા હોય, વન ક્લાસ વન ચેનલ હોય, ડીજીટલ લેબ્ઝ હોય, ડિજિટલ યુનિવર્સિટી હોય, આવી શૈક્ષણિક માળખાકિય સુવિધાઓથી યુવાનોને ખૂબ જ સહાય થવાની છે. ભારતની આ આર્થિક- સામાજિક વ્યવસ્થામાં ગામડું હોય, ગરીબ હોય, દલિત, પછાત, આદિવાસી જેવા તમામને શિક્ષણના બહેતર ઉપાયો આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
સાથીઓ,
નેશનલ ડિજિટલ યુનિવર્સિટી ભારતની શિક્ષણ વ્યવસ્થામાં પોતાની રીતે એક અનોખું અને અભૂતપૂર્વ કદમ છે. હું ડિજિટલ યુનિવર્સિટીમાં એવી તાકાત જોઈ રહ્યો છું કે આપણાં દેશમાં જે રીતે યુનિવર્સિટીમાં બેઠકોની સમસ્યા ઉભી થતી હતી તેનો સંપૂર્ણ રીતે ઉકેલ આપી શકે તેમ છે. તે રીતે જ્યારે દરેક વિષયમાં અમર્યાદિત બેઠકો હશે ત્યારે તમે કલ્પના કરી શકો છો કે શિક્ષણ જગતમાં કેટલું મોટું પરિવર્તન આવશે. આ ડિજિટલ યુનિવર્સિટી લર્નિંગ અને રિ-લર્નિંગની વર્તમાન વ્યવસ્થાને ભવિષ્યની જરૂરિયાતો મુજબ યુવાનોને તૈયાર કરશે. શિક્ષણ મંત્રાલય, યુજીસી, એઆઈસીટીઈ અને તમામ સહયોગીઓને મારો આગ્રહ છે કે આ ડિજિટલ યુનિવર્સિટી ઝડપથી કામ શરૂ કરી શકે તેની ખાત્રી રાખવી જોઈએ. પ્રારંભથી જ આ ડિજિટલ યુનિવર્સિટી આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબ ચાલતી રહે તે જોવાની આપણાં સૌની જવાબદારી છે.
સાથીઓ,
દેશમાં વૈશ્વિક ધોરણો ધરાવતી શિક્ષણ સંસ્થાઓનું નિર્માણ કરવાનો સરકારનો ઈરાદો છે અને તે માટનું નીતિ વિષયક માળખું તમારી સામે જ છે. હવે તમારે પોતાના પ્રયાસોથી આ ઈરાદાને વાસ્તવિકતામાં રૂપાંતરિત કરવાનો છે. આજે વિશ્વ માતૃભાષા દિવસ પણ છે. માતૃભાષામાં શિક્ષણ આપવું તે બાળકોના માનસિક વિકાસ સાથે જોડાયેલી બાબત છે. અનેક રાજ્યોમાં સ્થાનિક ભાષાઓમાં તબીબી અને ટેકનિકલ શિક્ષણની શરૂઆત થઈ ચૂકી છે.
હવે તમામ શિક્ષણવિદ્દોની એ વિશેષ જવાબદારી રહી છે કે સ્થાનિક ભારતીય ભાષાઓમાં ઉત્તમ શિક્ષણ સામગ્રી અને તેના ડિજિટલ વર્ઝનના નિર્માણને ગતિ આપવામાં આવે. ભારતીય ભાષાઓમાં આ ઈ-કન્ટેન્ટ, ઈન્ટરનેટ, મોબાઈલ ફોન, ટીવી અને રેડિયોના માધ્યમથી તમામ લોકોને પ્રાપ્ત થાય તે પ્રકારે કામ કરવાનું છે.
ભારતીય સાઈન લેંગ્વેજ એટલે કે ઈશારાની ભાષામાં આપણે અભ્યાસક્રમ વિકસીત કરવાનો છે, કે જે દિવ્યાંગ યુવાનોને સશક્ત કરે છે. તેમાં સતત સુધારો થતો રહે તે પણ ખૂબ જ જરૂરી છે. ડિજિટલ ટુલ્સ અને ડિજિટલ કન્ટેન્ટને કેવી બહેતર રીતે રજૂ કરવામાં આવે તે માટે પણ આપણે શિક્ષકોને ઓનલાઈન તાલિમ આપવા ઉપર ભાર મૂકવાનો છે.
સાથીઓ,
ડાયનેમિક સ્કીલીંગ, આત્મનિર્ભર ભારત માટે અને વૈશ્વિક પ્રતિભાની માંગની દ્રષ્ટિએ પણ ખૂબ જ મહત્વની બાબત છે. નોકરીની જૂની ભૂમિકાઓ જે ઝડપથી બદલાઈ રહી છે તે અનુસાર આપણે વસતિ વિષયક ડિવિડંડની ઝડપથી તૈયારી કરવી પડશે. એટલા માટે શિક્ષણ જગત અને ઉદ્યોગોએ સાથે મળીને પ્રયાસ કરવાની જરૂર છે. ડિજિટલ ઈકોસિસ્ટમ ફોર સ્કીલીંગ એન્ડ લાઈવલીહુડ (DESH STACK ઈ પોર્ટલ) અને ઈ-સ્કીલીંગ લેબની જે જાહેરાત બજેટમાં કરવામાં આવી છે તેમાં પણ આ વિચાર કામ કરે છે.
સાથીઓ,
આજે પ્રવાસન ઉદ્યોગ, ડ્રોન ઈન્ડસ્ટ્રી, એનિમેશન અને કાર્ટુન ઈન્ડસ્ટ્રી, ડિફેન્સ ઈન્ડસ્ટ્રી જેવા ઉદ્યોગો ઉપર આપણે ખૂબ જ વધારે ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ. આ ક્ષેત્રો સાથે જોડાયેલા વર્તમાન ઉદ્યોગો અને સ્ટાર્ટઅપ્સ માટે આપણે તાલિમ પામેલા માનવબળની પણ જરૂર છે. એનિમેશન, વિઝ્યુઅલ ઈફેક્ટ, ગેમીંગ અને કોમિક સેક્ટરના વિકાસ માટે ટાસ્કફોર્સની રચના કરવાથી તેમાં ઘણી મદદ થશે. આવી જ રીતે શહેરી આયોજન અને ડિઝાઈનીંગ પણ દેશની જરૂરિયાત છે અને તે યુવાનો માટે અવસર પણ છે. આઝાદીના અમૃતકાળમાં ભારત પોતાના શહેરી લેન્ડસ્કેપનું પરિવર્તન કરવા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. એટલા માટે એઆઈસીટીઈ જેવી સંસ્થાઓ પાસે દેશને વિશેષ અપેક્ષા છે કે તેની સાથે જોડાયેલા અભ્યાસ અને તાલિમમાં સતત સુધારો થતો રહે.
સાથીઓ,
શિક્ષણ ક્ષેત્રના માધ્યમથી આપણે આત્મનિર્ભર ભારતના અભિયાનને કેવી રીતે મજબૂત બનાવીશું તે અંગે આપ સૌના અભિપ્રાયો દેશને ખૂબ જ કામમાં આવશે. મને વિશ્વાસ છે કે આપણાં સૌના સંયુક્ત પ્રયાસોથી બજેટમાં નક્કી કરાયેલા લક્ષ્ય આપણે ઝડપથી લાગુ કરી શકીશું. હું એ પણ કહેવા માંગુ છું કે આપણું પ્રાથમિક શિક્ષણ ગામ સુધી છે. અનુભવ એવો રહ્યો છે કે સ્માર્ટ ક્લાસ મારફતે, એનિમેશનના માધ્યમથી દૂર દૂર સુધીના વિસ્તારોમાં શિક્ષણ આપવાની આપણી જે નવી કલ્પના છે તે મુજબ વન ક્લાસ, વન ચેનલ મારફતે ગામડાં સુધી સારી ગુણવત્તા ધરાવતા શિક્ષણની વ્યવસ્થા આપણે કરી શકીએ તેમ છીએ. બજેટમાં આ અંગે જોગવાઈ છે. આપણે તેને કેવી રીતે લાગુ કરીશું.
આજે આપણે જ્યારે બજેટ અંગે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે આપણી અપેક્ષા એ નથી કે બજેટ કેવું હોવું જોઈએ, કારણ કે તે તો રજૂ થઈ જ ગયું છે. તમારી પાસે એવી અપેક્ષા છે કે બજેટમાં દર્શાવેલી બાબતોને વહેલામાં વહેલી તકે આપણે કેવી રીતે નીચેના સ્તરે અપાર રીતે લાગુ કરી શકીએ. તમે બજેટનો અભ્યાસ કર્યો હશે. તમે ફિલ્ડમાં કામ કરો છો, બજેટ, તમારૂં કામ અને શિક્ષણ વિભાગ પાસે સ્કીલ ડિપાર્ટમેન્ટની પણ અપેક્ષાઓ છે. આ ત્રણેયનો મેળાપ કરીને આપણે જો એક સારો રોડમેપ બનાવીને સમયબધ્ધ રીતે કામ કરવાની વ્યવસ્થા ગોઠવી શકીએ તેમ છીએ. તમે જોયું હશે કે આપણે એક મહિના પહેલાં બજેટ રજૂ કરી દીધું છે.
અગાઉ બજેટ 28 ફેબ્રુઆરીએ રજૂ થતું હતું. હવે આપણે તેને 1 ફેબ્રુઆરીએ લઈ ગયા છીએ. બજેટ તો 1 એપ્રિલથી લાગુ થવાનું છે. તે પહેલાં બજેટ બાબતે દરેક વ્યવસ્થા વિસ્તારપૂર્વક કરવાની છે કે જેથી 1 એપ્રિલથી જ આપણે બજેટને ધરતી પર ઉતારવાનું શરૂ કરી શકીએ. આપણો સમય બરબાદ ના થાય અને હું ઈચ્છા રાખું છું કે તમે લોકો તેમાં વધુ રસ દર્શાવો... હવે જે રીતે તમે જોયું છે તેમ કેટલીક બાબતો એવી છે કે તે શિક્ષણ વિભાગ સાથે જોડાયેલી નથી. હવે દેશમાં એવું વિચારવામાં આવ્યું છે કે ખૂબ મોટા પ્રમાણમાં આપણે સૈનિક સ્કૂલોને પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ મોડેલથી આગળ ધપાવીશું. હવે સૈનિક સ્કૂલો કેવી હોય, પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપનું મોડેલ કેવું હોય, સંરક્ષણ મંત્રાલય તેના માટે બજેટ આપવાનું હોય તો જે સૈનિક શાળાઓ બનશે તેના શિક્ષકોને વિશેષ તાલિમ કેવી રીતે આપવામાં આવશે. હાલમાં શિક્ષકોને તાલિમ આપવાની આપણી જે વ્યવસ્થા છે તેમાં સૈનિક સ્કૂલના શિક્ષકો તાલિમ લેશે, કારણ કે તેમાં શારિરીક વિભાગ પણ હશે. તેનું આયોજન આપણે કેવી રીતે કરી શકીશું.
તેવી જ રીતે રમતનું છે. આપણાં દેશમાં ઓલિમ્પિક પછી રમતો માટે એક વિશેષ આકર્ષણ ઉભુ થયું છે. કૌશલ્યની દુનિયા તો એક વિષય તો છે જ, પણ ખેલજગત પણ એક વિષય છે, કારણ કે ટેકનિક અને ટેકનોલોજીએ પણ હવે રમત જગતમાં ખૂબ વ્યાપક સ્થાન પ્રાપ્ત કર્યું છે. તો શું આપણે વિચારી શકીએ તેમ છીએ કે તેમાં પણ આપણી કોઈ ભૂમિકા હોઈ શકે છે.
શું આપણે ક્યારેય વિચાર્યું છે કે દેશમાં નાલંદા, તક્ષશિલા, વલ્લભી જેવી મોટી શિક્ષણ સંસ્થાઓ હતી, છતાં આજે આપણાં દેશના બાળકો વિદેશમાં ભણવા માટે મજબૂર બની ગયા છે. શું આપણાં માટે આ બાબત યોગ્ય છે? આપણે જોઈએ છીએ કે આપણાં દેશના જે બાળકો બહાર ભણવા જાય છે તેમાં ખૂબ મોટો ખર્ચ થઈ રહ્યો છે. તેમનો પરિવાર દેવુ કરી રહ્યો છે. શું આપણાં દેશમાં દુનિયાની યુનિવર્સિટીઓને લાવીને, આપણાં જ દેશના અહીંના વાતાવરણમાં ઓછા ખર્ચે અભ્યાસ કરવા માટે તેમને તૈયાર કરી શકીએ તેમ છીએ? આનો અર્થ એ થાય કે પૂર્વ પ્રાથમિકથી માંડીને પોસ્ટ ગ્રેજ્યુએટ સુધી આપણાં શિક્ષણનો જે ઢાંચો છે તેને 21મી સદી મુજબ અનુકૂળ કઈ રીતે બનાવવો?
આપણાં બજેટમાં જે કાંઈ પણ વ્યવસ્થા કરવામાં આવી છે તે યોગ્ય છે, આમ છતાં પણ જો કોઈને એવુ લાગતું હોય કે આમ થયું હોત તો સારૂં થાત, તો તે અંગે આપણે પછીના વર્ષમાં વિચારીશું. પછીના બજેટમાં વિચાર કરીશું. હાલમાં તો આપણી પાસે જે ઉપલબ્ધ બજેટ છે તેને ધરતી પર કેવી રીતે ઉતારવું, સારામાં સારી રીતે કેવી રીતે ઉતારવું, મહત્તમ ફાયદો કેવી રીતે મળી શકે, હું આઉટપુટ નહીં, પણ ઓપ્ટીમમ આઉટકમ કેવી રીતે મળે તેની વાત કરૂં છું. હવે જે રીતે અટલ ટીન્કરીંગ લેબ છે. અટલ ટીન્કરીંગ લેબના કામને જોનારા લોકો અલગ છે, પણ તેમનો સંબંધ કોઈને કોઈ શિક્ષણ વ્યવસ્થા સાથે જોડાયેલો છે. આપણે જો ઈનોવેશનની વાત કરવી હોય તો અટલ ટીન્કરીંગ લેબને કેવી રીતે આધુનિક બનાવીશું. આનો અર્થ એવો થાય છે કે તમામ વિષય એવા છે કે બજેટના સંદર્ભમાં અને રાષ્ટ્રિય શિક્ષણના સંદર્ભમાં આ પ્રથમ બજેટ એવું છે કે જેને લાગુ કરવાની સ્વતંત્રતા સાથે આ અમૃત મહોત્સવના અમૃતકાળનો પાયો રચવાનો છે.
અને હું ઈચ્છું છું કે આપ સૌ સહયોગીઓએ સાથે મળીને આપણે ખૂબ મોટું પરિવર્તન લાવવાની જરૂર છે. તમે જાણો છો કે જ્યારે બજેટ રજૂ થતું હોય છે તેની વચ્ચે એક બ્રેક પિરિયડ હોય છે અને તમામ સાંસદો મળીને, નાના નાના જૂથમાં બારિકીથી બજેટની ચર્ચા કરતા હોય છે. એમાંથી કેટલીક સારી બાબતો ઉભરીને આવતી હોય છે, પણ અમે તેનો વ્યાપ વધુ વિસ્તાર્યો છે. સંસદ તો આ કામગીરી આ દિવસોમાં કરી જ રહી છે, પણ આપણે સૌ સહયોગીઓ વિભાગ સાથે સીધી વાત કરી રહ્યા છીએ.
આનો અર્થ એ થયો કે હું જે સબકા પ્રયાસની વાત કરી રહ્યો છું ને "સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ, સબકા પ્રયાસ..." આ બજેટમાં સબકા પ્રયાસની ઘણી આવશ્યકતા છે. બજેટ એ માત્ર આંકડાના લેખાજોખાં નથી. બજેટનો જો યોગ્ય રીતે સાચા સમયે, સાચી રીતે ઉપયોગ કરવામાં આવે તો આપણાં મર્યાદિત સાધનો વડે પણ આપણે ખૂબ મોટું પરિવર્તન લાવી શકીએ તેમ છીએ અને તે ત્યારે જ શક્ય બની શકે તેમ છે કે જ્યારે બજેટ કેવી રીતે લાગુ કરવું તેની સ્પષ્ટતા આપ સૌના મનમાં હોય.
આજની ચર્ચાથી શિક્ષણ મંત્રાલય, કૌશલ્ય મંત્રાલયને પણ ખૂબ મોટો લાભ થશે, કારણ કે આપણી વાતોથી તે બાબત નક્કી થશે કે બજેટ ખૂબ સારૂં છે, ફલાણું છે, પરંતુ એમાં આ કરીશું તો મુશ્કેલી થશે, તે કરીશું તો યોગ્ય નહીં થાય તેવી ઘણી બધી વ્યવહારિક વાતો ઉભરી આવશે. તમારે તમારા વિચારો ખૂલ્લા મને રજૂ કરવાના રહેશે. મૂળ બાબત તો એ છે કે આ ચર્ચા તત્વ જ્ઞાનની નથી. વ્યવહારિક જીવનમાં તેને ધરતી પર કેવી રીતે ઉતારવું, સારી રીતે કેવી રીતે ઉતારવું, સરળતાથી કેવી રીતે ઉતારવું. સરકાર અને સામાજીક વ્યવસ્થા તેની વચ્ચે કોઈ અંતર ઉભુ કરતી નથી. તમે સૌ સાથે મળીને કામ કરી શકો તે માટેની આ ચર્ચા છે.
આ ચર્ચામાં જોડાવા બદલ હું આપ સૌનો ફરી એક વખત આભાર માનું છું. સમગ્ર દિવસ દરમ્યાન તમારી ચર્ચાઓ ચાલતી રહેશે, જેમાંથી તમારા ખૂબ સારા મુદ્દા ઉભરી આવશે, જેના કારણે વિભાગ ઝડપી ગતિથી નિર્ણય કરી શકશે અને આપણે આપણાં સાધનોનો મહત્તમ ઉપયોગ કરીને સારાં પરિણામ સાથે હવે પછીના બજેટ માટેની તૈયારી કરીશું. હું આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. ખૂબ ખૂબ ધન્યવાદ!
SD/GP/MR
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1800062)
Visitor Counter : 525
Read this release in:
Hindi
,
English
,
Urdu
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam