પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ પુડુચેરીમાં 25મા રાષ્ટ્રીય યુવા મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું


“મેરે સપનોં કા ભારત” અને “ભારતની આઝાદીના ચળવળના અજ્ઞાત નાયકો” વિષય પર પસંદગીના નિબંધોનું વિમોચન કર્યું

MSME કેન્દ્ર અને ઓપન એર થિયેટર પેરુન્થલાઇવર કામરાજર મણીમંડપમનું ઉદ્ઘાટન કર્યું

“ભારતની ડેમોગ્રાફી યુવાન છે અને ભારતીયોનું માનસ પણ યુવાન છે. ભારતની સંભાવનાઓમાં અને તેના સપનાંઓમાં પણ યુવાન છે. ભારત તેના વિચારો તેમજ તેની ચેતનામાં યુવાન છે”

“ભારત પોતાના યુવાનોને ડેમોગ્રાફીક લાભાંશ અને વિકાસના ચાલક માને છે”

“ભારતના યુવાનોમાં સખત પરિશ્રમ કરવાનું સામર્થ્ય છે અને ભવિષ્ય બાબતે તેઓ સ્પષ્ટ છે. આથી જ આજે ભારત જે કંઇ કહે છે, તેને દુનિયા આવતીકાલના અવાજ તરીકે માને છે.”

“યુવાનોના સામર્થ્યને જૂની રૂઢીઓથી દબાવવામાં આવતું નથી. આ યુવાનો નવા પડકારો અનુસાર પોતાની જાતને અને સમાજ ઉદયમાન કરી શકે છે”

“આજનો યુવાન ‘હું કરી શકુ છુ’ તેવી ભાવના ધરાવે છે જે દરેક પેઢીઓ માટે પ્રેરણાનો સ્રોત છે”

“ભારતના યુવાનો વૈશ્વિક સમૃદ્ધિનો કોડ લખી રહ્યા છે”

“નવા ભારતનો મંત્ર છે – સ્પર્ધા કરો અને વિજયી બનો. સામેલ થાઓ અને જીત મેળવો. એકજૂથ થાઓ અને જંગ જીતી જાઓ”

યુવાનોને સંશોધન કરવા અને જે સ્વાતંત્ર્ય સેના

Posted On: 12 JAN 2022 12:55PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી પુડુચેરીમાં 25મા રાષ્ટ્રીય યુવા મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું હતું. આજે સ્વામી વિવેકાનંદની જન્મતિથિ છે જેને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી મરે સપનોં કા ભારત અને ભારતની આઝાદીની ચળવળના અજ્ઞાત નાયકો વિષય પર લખાયેલા પસંદગીના નિબંધોનું વિમોચન કર્યું હતું. બંને થીમ પર લગભગ 1 લાખ કરતાં વધારે યુવાનોએ તેમના નિબંધો સબમિટ કર્યા હતા જેમાંથી કેટલાક નિબંધો પસંદ કરવામાં આવ્યા છે. પ્રધાનમંત્રીએ અંદાજે રૂપિયા 122 કરોડના રોકાણ સાથે પુડુચેરીમાં સ્થાપવામાં આવેલા MSME મંત્રાલયના ટેકનોલોજી કેન્દ્રનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. ઉપરાંત, પ્રધાનમંત્રીએ પુડુચેરીમાં નવનિર્મિત ઓપન એર થિયેટર પેરુન્થલાઇવર કામરાજર મણીમંડપમનું ઉદ્ઘાટન કર્યું હતું જેનું નિર્માણ રૂપિયા 23 કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રી શ્રી અનુરાગસિંહ ઠાકુર, શ્રી નારાયણ રાણે, શ્રી ભાનુપ્રતાપસિંહ વર્મા અને શ્રી નિશિથ પ્રામાણિક, પુડુચેરીના ગવર્નર ડૉ. તમિલિસાઇ સૌંદરાજન, પુડુચેરીના મુખ્યમંત્રી એન. રંગાસ્વામી, રાજ્ય મંત્રીઓ અને સાંસદો તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

ઉપસ્થિતોને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે સૌને શુભેચ્છાઓ પાઠવી હતી. સ્વામી વિવેકાનંદને વંદન કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આઝાદીના અમૃત મહોત્સવના વર્ષમાં તેમની જન્મજયંતી આપણા માટે વધારે પ્રેરણાદાયક છે. પ્રધાનમંત્રીએ શ્રી અરવિંદોની 150મી જન્મજયંતીની ઉજવણી અને સાથે સાથે વર્ષે મહાકવિ સુબ્રમણ્યભારતીની 100મી પુણ્યતિથિની ઉજવણીના કારણે વર્ષના વિશેષ મહત્વની નોંધ લીધી હતી. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, બંને ઋષિઓનો પુડુચેરી સાથે વિશેષ સંબંધ છે. બંને એકબીજાની સાહિત્યિક અને આધ્યાત્મિક યાત્રામાં ભાગીદાર રહ્યા છે.”

પ્રાચીન દેશના યુવાનોની પ્રોફાઇલ વિશે ટિપ્પણી કરતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આજે, આખી દુનિયા આશા અને વિશ્વાસ સાથે ભારત તરફ મીટ માંડીને બેઠી છે. કારણે કે, ભારતની ડેમોગ્રાફી યુવાન છે અને ભારતનું માનસ પણ યુવાન છે. ભારતની સંભાવનાઓમાં અને સપનાંઓમાં યુવાન છે. ભારત તેના વિચારોમાં તેમજ તેની ચેતનામાં પણ યુવાન છે. તેમણે ઉમેર્યું હતું કે, ભારતની વિચારધારા અને ફિલસુફીએ હંમેશા પરિવર્તન સ્વીકાર્યું છે અને તેની પ્રાચીનતામાં પણ અર્વાચીનતા છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, દેશના યુવાનો હંમેશા જરૂરિયાતના સમયમાં આગળ આવ્યા છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, જ્યારે પણ રાષ્ટ્રીય ચેતનાનું વિભાજન થયું છે, ત્યારે શંકર જેવા યુવાનો આગળ આવ્યા છે અને આદિશંકરાચાર્ય તરીકે દેશને એકતાના તાતણે બાંધ્યો છે. અત્યાચારના સમયમાં, ગુરુ ગોવિંદ સિંહજીના સાહિબજાદે જેવા યુવાનોએ આપેલું બલિદાન આજે પણ આપણને માર્ગદર્શન આપે છે. જ્યારે ભારતને પોતાની આઝાદી માટે બલિદાનની જરૂર હતી, ત્યારે ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ અને નેતાજી સુભાષ જેવા યુવા ક્રાંતિકારીઓ દેશ માટે પોતાનું જીવન સમર્પિત કરવા માટે આગળ આવ્યા હતા. જ્યારે પણ દેશને આધ્યાત્મિક નવસર્જનની જરૂર હોય છે, ત્યારે અરવિંદો અને સુબ્રમણ્યન ભારતી જેવા ઋષિમુનિઓ આગળ આવ્યા છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતના યુવાનો ડેમોગ્રાફીક લાભાંશની સાથે સાથે લોકશાહીના મૂલ્યો પણ ધરાવે છે, તેમનો લોકશાહીનો લાભાંશ પણ અજોડ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારત પોતાના યુવાનોને ડેમોગ્રાફિક લાભાંશ તેમજ વિકાસના ચાલક માને છે. પ્રધાનમંત્રીએ ખાસ એવો પણ ઉલ્લેખ કર્યો હતો કે, ભારતના યુવાનોમાં આજે ટેકનોલોજી પ્રત્યે આકર્ષણ છે તો સાથે સાથે તેમનામાં લોકશાહીની ચેતના પણ છે. આજે ભારતના યુવાનોમાં મહેનત કરવાની ક્ષમતા છે તો ભવિષ્ય વિશે તેમના મનમાં સ્પષ્ટતા પણ છે. આથી ભારત આજે જે કહે છે, તેને દુનિયા આવતીકાલનો અવાજ માને છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સ્વતંત્રતાના સમયે યુવા પેઢી દેશ માટે સર્વસ્વ બલિદાન આપવાની ક્ષણે જરાય અચકાતી નહોતી. પરંતુ આજના યુવાનોએ દેશ માટે જીવવાનું છે અને તેમણે આપણાં સ્વાતંત્ર્ય સેનાનીઓના સપનાં પૂરા કરવાના છે. તેમણે ઉમેર્યું હતું કે, યુવાનોનું સામર્થ્ય જૂની રૂઢીઓથી દબાવવામાં આવતું નથી, તેઓ જાણે છે તેમને કેવી રીતે સક્રિય કરવા જોઇએ. યુવા નવા પડકારો અને નવી માંગણીઓ અનુસાર પોતાની જાતને અને સમાજને ઉદયમાન કરવાનું સામર્થ્ય ધરાવે છે અને તેઓ નવું સર્જન કરી શકે છે. પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, આજના યુવાનોમાં હું કરી શકુ છુની ભાવના છે જે દરેક પેઢી માટે પ્રેરણાનો સ્રોત છે.

પ્રધાનમંત્રીએ પ્રશંસા કરતા કહ્યું હતું કે, આજે, ભારતના યુવાનો વૈશ્વિક સમૃદ્ધિનો કોડ લખી રહ્યા છે. ભારતીય યુવાનો આખી દુનિયામાં યુનિકોર્ન ઇકોસિસ્ટમમાં ગણનાપાત્ર બળ છે. આજે, ભારતમાં 50,000 કરતાં વધારે સ્ટાર્ટઅપ્સની મજબૂત ઇકોસિસ્ટમ છે. આમાંથી 10 હજાર કરતાં વધારે સ્ટાર્ટઅપ તો મહામારીના પડકારજનક સમયમાં સામે આવ્યા છે. પ્રધાનમંત્રીએ નવા ભારતનો મંત્ર આપ્યો હતો કે - સ્પર્ધા કરો અને વિજયી બનો. સામેલ થાઓ અને જીત મેળવો. એકજૂથ થાઓ અને જંગ જીતી જાઓ. પ્રધાનમંત્રીએ ઓલિમ્પિક્સ અને પેરાલિમ્પિક્સમાં ભારતીય ખેલાડીઓના પ્રદર્શન અને રસીકરણ અભિયાનમાં યુવાનોની ભાગીદારીને યુવાનોમાં રહેલી વિજય મેળવવાની ઇચ્છા અને તેમનામાં જવાબદારીની ભાવનાના પુરાવા તરીકે ગણાવ્યા હતા.

પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, સરકાર માને છે કે દીકરાઓ અને દીકરીઓ એક સમાન છે. વિચારધારા સાથે, સરકારે દીકરીઓના કલ્યાણનો વિચાર કરીને તેમના લગ્ન માટે ઓછામાં ઓછી વય મર્યાદા વધારીને 21 વર્ષ કરવાનો નિર્ણય લીધો છે. તેમણે ટિપ્પણી કરી હતી કે, આમ કરવાથી દીકરીઓ તેમની કારકિર્દીનું ઘડતર કરી શકે છે, તેમને વધારે સમય મળે છે, જે દિશામાં આગળ વધવા માટે ખૂબ મહત્વપૂર્ણ છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સ્વંતત્રતાના સંગ્રામમાં આપણા એવા સંખ્યાબંધ સેનાનીઓ હતા જેમણે આપેલા યોગદાનને અત્યાર સુધી જેવી નામના મળવી જોઇતી હતી તેવી મળી નથી. આપણા યુવાનો આવા મહાનુભાવો વિશે વધુને વધુ લખે, સંશોધન કરે. તેમણે ઉમર્યું હતું કે, આનાથી દેશમાં આવનારી પેઢીઓમાં વધારે જાગૃતિ આવશે.

રાષ્ટ્રીય યુવા દિવસનો ઉદ્દેશ ભારતના યુવાનોના માનસનું ઘડતર કરવાનો અને રાષ્ટ્રના નિર્માણ માટે એક અખંડ દળમાં તેમને પરિવર્તિત કરવાનો છે. સામાજિક સંકલન અને બૌદ્ધિક તેમજ સાંસ્કૃતિક એકીકરણમાં સૌથી મોટી કવાયત પૈકી એક છે. તેનો ઉદ્દેશ ભારતની વૈવિધ્યસભર સંસ્કૃતિઓને એકસાથે લાવવાનો અને તેમને એક ભારત, શ્રેષ્ઠ ભારતના તાંતણે એકજૂથ કરવાનો છે.

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com

 



(Release ID: 1789349) Visitor Counter : 222