માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય

માર્ગ પરિવહન મંત્રાલય દ્વારા આગામી 2-3 વર્ષમાં રૂપિયા 7 લાખ કરોડના મૂલ્યની માળખાકીય સુવિધાઓની પરિયોજનાઓનું આયોજન


માર્ગ ક્ષેત્રમાં વળતરનો આંતરિક દર ઊંચો છે. તમારો વિશ્વાસ 110% જાળવી રાખો – નીતિન ગડકરી

પરિષદમાં ભારતમાલા ધોરીમાર્ગ વિકાસ પરિયોજનાઓ, અસ્કયામત મુદ્રીકરણ અને વાહન સ્ક્રેપિંગ નીતિ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે

Posted On: 17 DEC 2021 4:57PM by PIB Ahmedabad

મુંબઇ | 17 ડિસેમ્બર 2021

 

કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ (MoRTH) મંત્રી શ્રી નીતિન ગડકરીએ રોકાણકારોને માળખાકીય સુવિધા ક્ષેત્રમાં આગળ આવીને હિંમતભેર રોકાણ કરવા માટે અનુરોધ કર્યો છે. આ ક્ષેત્ર ધોરીમાર્ગો, મલ્ટિમોડલ લોજિસ્ટિક્સ પાર્ક, રસ્તાની આસપાસની સુવિધાઓ, રોપવે, વેરહાઉસિંગ ઝોન સહિતના ઘણા પ્રકારના બહુવિધ અસ્કયામતોના વર્ગમાં રોકાણ માટેની વ્યાપક તકો પૂરી પાડે છે.   

મુંબઇ ખાતે આજે ધોરીમાર્ગ, પરિવહન અને લોજિસ્ટિક્સમાં રોકાણની તકો મુદ્દે રાષ્ટ્રીય પરિષદમાં સંબોધન કરતી વખતે શ્રી ગડકરીએ જણાવ્યું હતું કે, માર્ગ ક્ષેત્રમાં આંતરિક વળતરનો દર ઘણો ઊંચો છે અને આથી આર્થિક સદ્ધરતા વિશે ચિંતા કરવાની કોઇ જ જરૂર નથી. 

શ્રી ગડકરીએ જણાવ્યું હતું કે, અગાઉ જમીન અધિગ્રહણના પ્રશ્નોના કારણે પરિયોજનાઓનો વિલંબમાં પડી જતી હતી. પરંતુ હવે અમે નક્કી કર્યું છે કે જ્યાં સુધી જમીનના અધિગ્રહણ અને પર્યાવરણ સંબંધિત મંજૂરીઓમાં 90% કામ પૂરું ના થાય ત્યાં સુધી પરિયોજનાનું કામ આપવું નહીં. માર્ગ માળખાકીય સુવિધાઓની પરિયોજનાઓમાં વેગ લાવવા માટે મંત્રાલય દ્વારા લેવામાં આવેલા વિવિધ પગલાંઓનો ઉલ્લેખ કરતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, તમારો વિશ્વાસ 110% જાળવી રાખો.

 

 

મંત્રીશ્રીએ ભારતમાલા કાર્યક્રમ અંતર્ગત આવનારી પરિયોજનાઓના સંખ્યાબંધ લાભો વિશે પણ વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, મુંબઇથી દિલ્હી સુધીનો જમીન માર્ગે મુસાફરીનો સમય, આવનારા એક વર્ષમાં 48 કલાકથી ઘટીને 12 કલાક થઇ જશે; માર્ગ પરિયોજનાઓ અને મલ્ટિમોડલ માળખાકીય સુવિધાની વિવિધ પરિયોજનાઓથી લોજિસ્ટિક્સ ખર્ચમાં ઘટાડો આવશે અને ઉત્પાદનને વેગ મળશે, નિકાસમાં વધારો થશે તેમજ અર્થતંત્રના વિકાસમાં મદદ મળી રહેશે. ભારતમાલા પરિયોજના એ રાષ્ટ્રીય ધોરીમાર્ગના વિકાસ માટે એક છત્રીય મુખ્ય કાર્યક્રમ છે, જેમાં સંલગ્ન માળખાકીય વિકાસની પરિયોજનાઓની સાથે સાથે માલસામાન અને મુસાફરોના આવનજાવનની કાર્યક્ષમતામાં વધારો કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.

રાષ્ટ્રીય પરિષદ દ્વારા રોકાણકારો અને અન્ય હિતધારકોને માહિતી આપવામાં આવી હતી કે, કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય આવનારા 2-3 વર્ષમાં રૂપિયા 7 લાખ કરોડના મૂલ્યની વિવિધ માળખાકીય સુવિધાઓની પરિયોજનાઓનો અમલ કરવાના આયોજનમાં છે.

મંત્રીશ્રીએ સરકારની વાહન સ્ક્રેપિંગ નીતિના લાભો વિશે પણ ચર્ચા કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, આનાથી પ્રદૂષણમાં ઘટાડો થશે, કરવેરાની આવકમાં સુધારો આવશે, ઓટોમોબાઇલ ક્ષેત્રના વિકાસ માટે મદદ મળી રહેશે, નિકાસને વેગ પ્રાપ્ત થશે અને તેના કારણે નોકરીઓનું પણ સર્જન થશે. આ બંને પક્ષે એવી લાભકારી નીતિ છે જેમાં ખૂબ જ મોટાપાયે રોકાણ પણ આવશે.  

વાહન સ્ક્રેપિંગ નીતિના કારણે જે પરિવર્તન આવશે તેના વિશે ચર્ચા કરતા શ્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, વાહન સ્ક્રેપિંગ નીતિના કારણે પ્રદૂષણ ઓછું થશે, કરવેરાની આવકમાં સુધારો થશે, ઓટોમોબાઇલ ક્ષેત્રને વિકાસમાં મદદ મળી રહેશે, નિકાસને વેગ પ્રાપ્ત થશે અને તેના કારણે નોકરીઓનું પણ સર્જન થશે. આ બંને પક્ષે એવી લાભકારી નીતિ છે જેમાં ખૂબ જ મોટાપાયે રોકાણ પણ આવશે. સ્વૈચ્છિક વાહન-ફ્લિટ આધુનિકીકરણ નીતિનો હેતુ અયોગ્ય અને પ્રદૂષણ ફેલાવતા વાહનોને તબક્કાવાર રીતે બહાર કાઢવા માટે ઇકોસિસ્ટમની રચના કરવાનો છે. આ નીતિ હેઠળ, સલામત રીતે અનફિટ વાહનોનું સ્ક્રેપિંગ કરવાની અપેક્ષિત માંગને પહોંચી વળવા માટે આવનારા 5 વર્ષ દરમિયાન સમગ્ર દેશમાં લગભગ 50-70 રજિસ્ટર્ડ વ્હીકલ સ્ક્રેપિંગ ફેસિલિટીઝ (RVSF) ની સ્થાપના કરવામાં આવશે.

મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ભારતમાં ઓટોમોબાઇલ ઉદ્યોગ રૂપિયા 7.5 લાખ કરોડના મૂલ્યનું કદ ધરાવે છે જે આવનારા 5 વર્ષમાં રૂપિયા 15 લાખ કરોડના મૂલ્યનો થઇ જશે. ઇલેક્ટ્રિક વાહનો વિશે વાત કરતા શ્રી ગડકરીએ જણાવ્યું હતું કે, આવનારા બેથી ત્રણ વર્ષમાં અમે ફ્લેક્સ એન્જિનિયરિંગ અંગે એડવાઇઝરી બહાર પાડી રહ્યા છીએ, આપણા વાહનોને ઇલેક્ટ્રિક વાહનોમાં રૂપાંતરિત કરવામાં આવશે. ઇલેક્ટ્રિક વાહનોને ચલાવવાનો ખર્ચ પેટ્રોલના કારણે થતા ખર્ચની જેટલો જ અથવા તેનાથી ઓછો રહેશે. તેમણે ઇથોનોલ જેવા વૈકલ્પિક ઇંધણ પર પણ વિશેષ ભાર મૂક્યો હતો અને મહારાષ્ટ્ર પરિવહન વિભાગને પૂણેમાં ઇથેનોલથી ચાલતી ઓટોરીક્ષાઓ શરૂ કરવા માટે જણાવ્યું હતું, જ્યાં પહેલાંથી જ ઇથેનોલ વિતરણના ત્રણ સ્ટેશન શરૂ કરવામાં આવ્યા છે. મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, વૈકલ્પિક ઇંધણને પ્રોત્સાહન આપવાથી છેવટે સ્ક્રેપિંગ ઉદ્યોગને પણ મદદ મળી રહેશે.

 

અસ્કયામત મુદ્રીકરણની ભાવિ રૂપરેખા વિશે વાત કરતા શ્રી ગડકરીએ મુંબઇ- પૂણે ધોરીમાર્ગનું ઉદાહરણ આપ્યું હતું, જેમાં રાજ્ય અને સરકારને ઊંચા દરનું વળતર મળ્યું છે. તેમણે સમજાવ્યું હતું કે, રિલાયન્સે આ પરિયોજના માટે રૂ. 3,600 કરોડનો અંદાજિત ખર્ચ આપ્યો હતો. જો કે અમે તેને MSRDC મારફતે રૂ. 1,600 કરોડમાં તે બાંધવાનું નક્કી કર્યું. બાદમાં મહારાષ્ટ્ર સરકારે રૂ. 3,000 કરોડમાં તેનું મુદ્રીકરણ કર્યું અને તાજેતરમાં તે જ પરિયોજનાનું ફરીથી રૂપિયા 8000 કરોડમાં મુદ્રીકરણ કરવામાં આવ્યું છે.

 

MoRTHના સચિવ શ્રી ગિરધર અરમાણેએ માહિતી આપી હતી કે, ગતિ શક્તિ કાર્યક્રમ દ્વારા તમામ માળખાકીય સુવિધાઓના એકીકૃત આયોજન તેમજ સંકલિત અમલીકરણને પ્રોત્સાહન મળી રહ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, અમે માળખાકીય સુવિધાઓની પરિયોજનાઓમાં આવતા અવરોધોને સમજવા માટે વૈજ્ઞાનિક લોજિસ્ટિક્સ અસરકારકતા અભ્યાસો કરી રહ્યા છીએ. આ અડચણો દૂર કરવા માટે, NHAIએ સમગ્ર દેશમાં 120 ગીચતા ધરાવતા સ્થળોને ઓળખી કાઢ્યા છે; શહેરોમાં ભીડનું ભારણ ઓછું કરવા માટે રીંગ રોડ અને બાયપાસનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. તમામ રાજ્યોના પાટનગરોને ઓછામાં ઓછા ચાર-માર્ગીય રાષ્ટ્રીય ધોરીમાર્ગો સાથે જોડ્યા પછી, હવે અમે દેશના તમામ મહત્વપૂર્ણ આર્થિક કેન્દ્રોને જોડતા એક્સપ્રેસ વે બનાવવાની યોજના બનાવી રહ્યા છીએ.

 

કેવી રીતે નીતિ અને નિર્ણયો લેવાની સુધારેલી પ્રક્રિયાઓથી પરિણામોમાં નોંધપાત્ર સુધારો આવ્યો છે તેના વિશે વર્ણન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, કોન્ટ્રાક્ટરોનું કામ સરળ બનાવવા માટે, અમે એવી તમામ જોગવાઇઓને દૂર રી દીધી છે જેના કારણે અગાઉ વિવાદો થતા હતા અને કોન્ટ્રાક્ટરોને ઘણી પીડા તેમજ નુકસાન ભોગવવા પડતા હતા. NHAI એ કોન્ટ્રાક્ટરો અને કન્સેશનર કંપનીઓના MD સાથે બેઠકો કરી હતી અને પ્રામાણિક સંવાદના આધારે, ધોરીમાર્ગોના બાંધકામમાં આવતી સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં આવ્યું છે. આના પરિણામરૂપે ગયા વર્ષે દરરોજ સરેરાશ 37 કિલોમીટરના વિક્રમી સંખ્યામાં માર્ગોનું નિર્માણ કરી શકાયું હતું.

 

NHAIના ચેરપર્સન અલ્કા ઉપાધ્યાયે માહિતી આપી હતી કે, NHAI દ્વારા PM ગતિ શક્તિ રાષ્ટ્રીય યોજના અંતર્ગત એકીકૃત માળખાકીય સુવિધાઓને પ્રોત્સાહન આપવાની પ્રધાનમંત્રીની દૂરંદેશીને અનુરૂપ બહુવિધ સુવિધાઓ અને સંલગ્ન માળખાકીય સુવિધાઓનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, ખાસ કરીને MMLP જેવી ધોરીમાર્ગોને સંલગ્ન પહેલો તેમજ રોપવે પરિયોજના, ફાઇબર કેબલ અને રાષ્ટ્રીય ધોરીમાર્ગો સહિત અન્ય માળખાકીય સુવિધાઓ દ્વારા છેવાડાના સ્થળ સુધી કનેક્ટિવિટીના વિકાસ વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે. ભારતમાલા પરિયોજનાના ભાગરૂપે લગભગ 8,400 અત્યાધુનિક ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ-વેનું નિર્માણ કરવામાં આવી રહ્યું. આ કોરિડોર રાષ્ટ્રીય ધોરીમાર્ગ માળખાકીય સુવિધાઓનો ચહેરો બદલી નાખશે અને અર્થતંત્રને 5 ટ્રિલિયન ડૉલરનું અર્થતંત્ર બનવા માટે સુપરચાર્જ પણ કરશે.

આજે મુંબઇમાં યોજાયેલી આ રાષ્ટ્રીય પરિષદમાં સંભવિત રોકાણકારો, ઉદ્યોગજગતના અગ્રણીઓ અને નિષ્ણાતોએ હાજરી આપી હતી.

SD/GP/JD

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    



(Release ID: 1782776) Visitor Counter : 263