પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ દિલ્હી ખાતે બેંક થાપણદાર વીમા કાર્યક્રમમાં થાપણદારોને સંબોધન કર્યું


“છેલ્લા કેટલાક દિવસમાં, એક લાખ કરતાં વધારે થાપણદારોએ વર્ષોથી અટવાઇ ગયેલા તેમના નાણાં પાછા મેળવ્યા છે. આ રકમ રૂપિયા 1300 કરોડ કરતાં વધારે છે”

“આજનું નવું ભારત સમસ્યાના ઉકેલ લાવવા માટે તત્પર છે, આજનું ભારત સમસ્યાઓથી મોં ફેરવતું નથી”

થાપણદારોના આ પ્રથમ કાર્યક્રમમાં મહારાષ્ટ્રમાંથી 8 કેન્દ્રીય મંત્રીઓ જોડાયા – મુંબઇથી શ્રી નીતીન ગડકરી, પૂણેથી શ્રી પીયૂષ ગોયલ, થાણેથી શ્રી પરષોત્તમ રૂપાલા અને અન્ય મંત્રીઓ ઉપસ્થિત રહ્યા

Posted On: 12 DEC 2021 3:44PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં આજે યોજાયેલા થાપણદારો સૌથી પહેલા: રૂ. 5 લાખ સુધી બાંયધરીકૃત નિર્ધારિત સમયમાં થાપણ વીમાની ચુકવણી કાર્યક્રમ દરમિયાન સંબોધન કર્યું હતું. કેન્દ્રીય નાણાં મંત્રી, રાજ્ય નાણાં મંત્રી અને RBIના ગવર્નર સહિત અન્ય મહાનુભાવો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાનમંત્રીએ આ કાર્યક્રમ દરમિયાન કેટલાક થાપણદારોને ચેક પણ અર્પણ કર્યા હતા.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/PMO1.JPEGS98R.png

આ કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને સંબોધન આપતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, બેન્કિંગ ક્ષેત્ર અને આ દેશના કરોડો બેંક ખાતાધારકો માટે આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે આજનો દિવસ દાયકાઓથી જેનો ઉકેલ નહોતો આવી રહ્યો તે મોટી સમસ્યાના ઉકેલનો સાક્ષી બની રહ્યો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, થાપણદારો સૌથી પહેલાની ભાવના ઘણી અર્થપૂર્ણ છે. શ્રી મોદીએ ઉમેર્યું હતું કે, છેલ્લા કેટલાક દિવસમાં, એક લાખ કરતાં વધારે થાપણદારોને વર્ષોથી અટવાયેલા તેમના નાણાં પાછા મળી ગયા છે. આ રકમ રૂપિયા 1300 કરોડ કરતાં વધારે છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, કોઇપણ દેશ સમસ્યાનો સમયસર ઉકેલ લાવીને તે સમસ્યાને વધુ ખરાબ થતા બચાવી શકે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, જોકે, વર્ષોથી સમસ્યાઓને ટાળવાનું વલણ ચાલી રહ્યું હતું. આજનું નવું ભારત સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે તત્પર છે. આજનું ભારત સમસ્યાઓથી મોં ફેરવતું નથી.

પ્રધાનમંત્રીએ માહિતી આપતા કહ્યું હતું કે, 60ના દાયકામાં બેંકોના થાપણદારો માટે વીમા તંત્રની શરૂઆત કરવામાં આવી હતી. અગાઉ, બેંકમાં થાપણ પેટે મૂકવામાં આવતી રકમમાંથી, રૂપિયા 50 હજાર સુધીની રકમની ગેરેન્ટી લેવામાં આવતી હતી. ત્યારબાદ તે રકમ વધારીને રૂપિયા એક લાખ કરવામાં આવી. એટલે કે, જો બેંક ડુબી જાય તો થાપણદારોને માત્ર રૂપિયા એક લાખ સુધીની રકમ પાછી મળે તેવી જોગવાઇ હતી. આ નાણાં થાપણદારોને પરત ચુકવવા અંગે પણ કોઇ સમયમર્યાદા નક્કી કરવામાં આવી નહોતી. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ગરીબોની ચિંતાને સમજીને, મધ્યવર્ગીય લોકોની સમસ્યાને સમજીને, અમે ગેરેન્ટીની રકમ વધારીને રૂ. 5 લાખ કરી છે. કાયદામાં સુધારો કરીને અન્ય એક સમસ્યાનું પણ નિરાકરણ લાવવામાં આવ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, અગાઉ રિફંડની ચુકવણી કરવા માટે કોઇ જ સમય મર્યાદા નિર્ધારિત કરવામાં આવી નહોતી, પરંતુ હવે અમારી સરકારે આ સમય મર્યાદા નિર્ધારિત કરીને થાપણદારોને 90 દિવસમાં એટલે કે 3 મહિનામાં રિફંડ ચુકવવાનું ફરજિયાત કર્યું છે. બેંક ડુબી જાય તેવી સ્થિતિમાં પણ, થાપણદારોને 90 દિવસમાં તેમના નાણાં પાછા મળી જશે.

પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરતા કહ્યું હતું કે, દેશની સમૃદ્ધિમાં બેંકો ખૂબ જ મોટી ભૂમિકા નિભાવે છે. અને, બેંકોની સમૃદ્ધિ માટે થાપણદારોના નાણાં સુરક્ષિત રહે તે પણ એટલું જ મહત્વપૂર્ણ છે. જો આપણે બેંકોને બચાવવી હોય તો, થાપણદારોનું રક્ષણ કરવું જરૂરી છે.

પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, વર્ષોના સમયગાળામાં ઘણી નાની જાહેર ક્ષેત્રની બેંકોનું મોટી બેંકોમાં વિલિનીકરણ કરીને, દરેક પ્રકારે તેમની ક્ષમતા, સામર્થ્ય અને પારદર્શકતામાં મજબૂતી લાવવામાં આવી છે. તેમણે ઉમેર્યું હતું કે, સહકારી બેંકો પર RBI દ્વારા નજર રાખવામાં આવે છે, તેના કારણે સામાન્ય થાપણદારોને તેમના પર ભરોસામાં વધારો થાય છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, માત્ર બેંક ખાતા સંબંધિત સમસ્યા નહોતી પરંતુ સુદૂરવર્તી ગામડાંઓ સુધી બેન્કિંગ સેવાઓ પહોંચાડવાની સમસ્યા પણ હતી. આજે, દેશના લગભગ દરેક ગામડાં સુધી બેંકોની શાખાઓની સુવિધા પહોંચી ગઇ છે અથવા આસપાસમાં 5 કિમીના વિસ્તારમાં બેંકોના પ્રતિનિધિઓ દ્વારા બેન્કિંગ સેવાઓ પહોંચાડવામાં આવી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે, આજે, ભારતના સામાન્ય નાગરિકો ગમે ત્યારે, ગમે ત્યાં, દિવસમાં 24 કલાકના ધોરણે નાનામાં નાના લેવડદેવડના કાર્યો ડિજિટલ માધ્યમથી કરવા માટે સમર્થ બન્યા છે. પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, આના જેવા સંખ્યાબંધ સુધારાઓ કરવામાં આવ્યા છે જેણે ભારતની બેન્કિંગ પ્રણાલીને 100 વર્ષમાં આવેલી સૌથી મોટી આપત્તિના સમય દરમિયાન પણ ખૂબ જ સરળતા અને સુગમતાથી ચલાવવામાં મદદ કરી છે. તેમણે ઉમેર્યુ હતું કે, દુનિયામાં વિકસિત દેશો પણ તેમના નાગરિકોને મદદ કરવામાં સંઘર્ષ કરી રહ્યા છે ત્યારે, ભારતે દેશના લગભગ તમામ વર્ગના લોકોને ઘણી ઝડપી ગતિએ સીધી જ મદદ પૂરી પાડી છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક વર્ષમાં લેવામાં આવેલા પગલાંઓના કારણે વીમા, બેંક લોન અને નાણાકીય સશક્તિકરણ જેવી સુવિધાઓને પણ ગરીબો, મહિલાઓ, રસ્તા પરના ફેરિયા, નાના ખેડૂતો સહિત સમાજમાં ઘણા મોટા વંચિત વર્ગ સુધી પહોંચાડી શકાઇ છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, અગાઉ આટલી નોંધપાત્ર રીતે દેશની મહિલાઓ સુધી બેન્કિંગ સેવાઓ પહોંચી નહોતી. તેમણે ઉમેર્યું હતું કે, તેમની સરકાર દ્વારા આ કાર્યને પ્રાથમિકતાથી હાથ પર લેવામાં આવ્યું છે. જન ધન યોજના હેઠળ ખોલવામાં આવેલા કરોડો બેંક ખાતાઓ પૈકી અડધાથી વધુ ખાતાઓ મહિલાઓના છે. તેમણે કહ્યું હતું કે, આ બેંક ખાતાઓની મહિલાઓના આર્થિક સશક્તિકરણ પર જે અસર પડે છે, તે આપણે તાજેતરમાં આવેલા રાષ્ટ્રીય પરિવાર આરોગ્ય સર્વેના તારણો પણ જોયું છે.”

સમગ્ર ભારતમાંથી કેન્દ્રીય મંત્રીઓઓ જોડાયા

થાપણદારોના આ પ્રથમ કાર્યક્રમમાં મહારાષ્ટ્રમાંથી 8 કેન્દ્રીય મંત્રીઓ જોડાયા હતા જેમાં મુંબઇથી શ્રી નીતીન ગડકરી, પૂણેથી શ્રી પીયૂષ ગોયલ, થાણેથી શ્રી પરષોત્તમ રૂપાલા અને અન્ય મંત્રીઓ ઉપસ્થિત રહ્યા.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/PMO2.JPEGHN5M.png

કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી શ્રી નીતીન ગડકરીએ જણાવ્યું હતું કે, વીમા કવચની રકમ વધારીને રૂપિયા 5 લાખ કરવાના સરકારના નિર્ણયથી સૌથી વધારે લાભ વરિષ્ઠ નાગરિકો અને મધ્યવર્ગીય થાપણદારોને થશે. થોડું મોડું થયું, પરંતુ આખરે ગ્રાહકોને ન્યાય મળ્યો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/PMO3.JPEG9TYE.png

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ તેમજ કાપડ મંત્રી શ્રી પીયૂષ ગોયલે માહિતી આપી હતી કે, જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે થાપણોની વીમા કવચની રકમ વધારવા માટે કેન્દ્રને પત્ર લખ્યો હતો.

શ્રી ગોયલે વધુમાં કહ્યું હતું કે, થાપણ વીમા ક્રેડિટ ગેરેન્ટી યોજના હેઠળ અગાઉ થાપણદારોને તેમના નાણાં 8-9 વર્ષ પછી મળતા હતા, તેના બદલે હવે આ સમય ઘટાડીને 90 દિવસનો જ કરી દેવામાં આવ્યો છે. આનાથી બેંકોમાં લોકોનો ભરોસો વધારવામાં મદદ મળી શકશે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/PMO4.JPEGDZMV.png

કેન્દ્રીય મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી મંત્રી શ્રી પરષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી મોદીએ ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો અને મહિલાઓ સહિત તમામ લોકો પ્રત્યે સરકારની સંવેદનશીલતા અને જવાબદારી બતાવી છે.

મંત્રીઓએ આ કાર્યક્રમ દરમિયાન તેમના સંબંધિત ક્ષેત્રોથી આવેલા થાપણ વીમા યોજનાના આમંત્રિત લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો અને તેમને રિફંડના ચેકનું વિતરણ પણ કર્યું હતું.

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    


(Release ID: 1780737) Visitor Counter : 276