પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી 20 ઓક્ટોબરના રોજ ઉત્તરપ્રદેશની મુલાકાત લેશે અને કુશીનગર આંતરરાષ્ટ્રીય હવાઈમથકનું ઉદ્ઘાટન કરશે


પ્રધાનમંત્રી મહાપરિનિર્વાણ મંદિરમાં અભિધમ્મ દિવસ પર આયોજિત એક કાર્યક્રમમાં સામેલ થશે

પ્રધાનમંત્રી સરકારી મેડિકલ કોલેજ, કુશીનગરનો શિલાન્યાસ કરશે તથા કુશીનગરમાં વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે

Posted On: 19 OCT 2021 10:03AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 20 ઓક્ટોબર, 2021ના રોજ ઉત્તરપ્રદેશની મુલાકાત લેશે. અહીં પ્રધાનમંત્રી આશરે સવારે 10 વાગ્યે કુશીનગર આંતરરાષ્ટ્રીય હવાઇમથકનું ઉદ્દધાટન કરશે. ત્યારબાદ આશરે 11.30 વાગે તેઓ મહાપરિનિર્વાણ મંદિરમાં અભિધમ્મ દિવસના પ્રસંગે આયોજિત એક કાર્યક્રમમાં સહભાગી થશે. પછી તેઓ બપોરે 1.15 વાગ્યાની આસપાસ કુશીનગરમાં વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવા અને શિલાન્યાસ કરવાના જાહેર કાર્યક્રમમાં સામેલ થશે.

કુશીનગર આંતરરાષ્ટ્રીય હવાઈમથકનું ઉદ્ઘાટન

કુશીનગર આંતરરાષ્ટ્રીય હવાઈમથકનાં ઉદ્ઘાટન પ્રસંગે સૌપ્રથમ શ્રીલંકાના કોલંબો એરપોર્ટ પરથી એક ફ્લાઇટનું આગમન થશે, જેમાં બૌદ્ધ સંપ્રદાયનાં એકસોથી વધારે ભિક્ષુઓ અને મહાનુભાવોનું પ્રતિનિધિમંડળ કુશીનગર આવશે. આ પ્રતિનિધિમંડળમાં પ્રદર્શન માટે બુદ્ધના પવિત્ર અવશેષો લઈને આવનારું 12 સભ્યોનું મંડળ સામેલ હશે. આ પ્રતિનિધિમંડળમાં શ્રીલંકામાં બૌદ્ધ સંઘના તમામ ચાર નિકાત (પંથ) એટલે કે અસગિરિયા, અમરપુરા, રામન્યા, માલવટ્ટાના અનુનાયકો (નાયબ વડા) સામેલ હશે તેમજ શ્રીલંકાની સરકારના કેબિનેટ મંત્રી નમલ રાજપક્ષેની આગેવાનીમાં પાંચ મંત્રીઓ સામેલ હશે.

કુશીનગર આંતરરાષ્ટ્રીય હવાઈમથકનું નિર્માણ અંદાજે રૂ. 260 કરોડના ખર્ચે થયું છે. આ હવાઈમથક ભગવાન બુદ્ધના મહાપરિનિર્વાણ સ્થળની મુલાકાત લેનાર સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય યાત્રાળુઓને સુવિધા આપશે. વળી આ હવાઈમથકનું નિર્માણ દુનિયાભરમાં બૌદ્ધ સંપ્રદાયનાં પવિત્ર યાત્રાધામો સાથે કુશીનગરને જોડવાનો એક પ્રયાસ છે. આ હવાઈમથક ઉત્તરપ્રદેશ અને બિહારના નજીકના જિલ્લાઓને સેવા આપશે તેમજ આ વિસ્તારમાં રોકાણ અને રોજગારીની તકો વધારવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે.

મહાપરિનિર્વાણ મંદિર ખાતે અભિધમ્મ દિવસ

પ્રધાનમંત્રી મહાપરિનિર્વાણ મંદિરની મુલાકાત લેશે. અહીં ભગવાન બુદ્ધની સૂતેલી પ્રતિમાની અર્ચના કરશે અને ચિવર (વસ્ત્ર) અર્પણ કરશે. અહીં તેઓ બોધિવૃક્ષના છોડવાનું વાવેતર પણ કરશે.

પ્રધાનમંત્રી અભિધમ્મ દિવસ પર આયોજિત એક કાર્યક્રમમાં સામેલ થશે. આ દિવસ બૌદ્ધ ભિક્ષુઓ માટે ત્રણ મહિનાની વર્ષાઋતુ – વર્ષાવાસ કે વસ્સાના અંતનું પ્રતીક છે, જે દરમિયાન બૌદ્ધ ભિક્ષુઓ એક જ વિહાર અને મઠમાં રોકાણ કરે છે તથા પ્રાર્થના-અર્ચના કરે છે. આ કાર્યક્રમમાં શ્રીલંકા, થાઇલેન્ડ, મ્યાન્માર, દક્ષિણ કોરિયા, નેપાળ, ભૂટાન અને કમ્બોડિયામાંથી પ્રસિદ્ધ ભિક્ષુઓ તેમજ વિવિધ દેશોના રાજદૂતો પણ સામેલ થશે.

પ્રધાનમંત્રી અંજતાના ભીંતચિત્રોના ચિત્રકામના પ્રદર્શન, બૌદ્ધ સૂત્રોની કેલિગ્રાફીના પ્રદર્શન તથા ગુજરાતમાં વડનગર અને અન્ય બૌદ્ધ સ્થળોમાં ઉત્ખનનમાંથી પ્રાપ્ત કળાત્મક ચીજવસ્તુઓના પ્રદર્શનને પણ નિહાળશે.

વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ

પ્રધાનમંત્રી કુશીનગરમાં બરવા જંગલમાં આયોજિત એક જાહેર કાર્યક્રમમાં સામેલ થશે. આ કાર્યક્રમમાં તેઓ સરકારી મેડિકલ કોલેજ, કુશીનગરનું શિલાન્યાસ કરશે, જેનું નિર્માણ રૂ. 280 કરોડથી વધારેના ખર્ચે થશે. આ મેડિકલ કોલેજમાં 500 બેડ હશે અને અકાદમિક સત્ર 2022-2023માં એમબીબીએસ અભ્યાસક્રમમાં 100 વિદ્યાર્થીઓને પ્રવેશ મળશે. પ્રધાનમંત્રી રૂ. 180 કરોડથી વધારે મૂલ્યના 12 વિકાસલક્ષી પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કરશે.

 

SD/GP/BT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1764894) Visitor Counter : 260