સંરક્ષણ મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય મંત્રીમંડળે સરકારી અને ખાનગી ક્ષેત્રની 100 શાળાઓનું સૈનિક શાળા સોસાયટી સાથે જોડાણ કરવાની મંજૂરી આપી


નવી શાળાઓ વર્ષ 2022-23ના શૈક્ષણિક વર્ષથી ધોરણ VIના 5,000 વિદ્યાર્થીઓને પ્રવેશ આપશે

Posted On: 12 OCT 2021 8:31PM by PIB Ahmedabad

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP)ને ધ્યાનમાં રાખીને આગળ વધતા ભારત સરકારે એવા મૂલ્ય આધારિત શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું નક્કી કર્યું છે જેમાં બાળકોમાં આ રાષ્ટ્રની ભવ્ય સંસ્કૃતિ અને વારસા અંગે ગૌરવની લાગણી વિકસાવી શકાય, પાત્રતા, શિસ્ત અને રાષ્ટ્રીય ફરજ અને દેશભક્તિની ભાવના સાથે તેમનામાં અસરકારક નેતૃત્વ વિકસાવી શકાય. સૈનિક શાળાઓની પ્રવર્તમાન રૂપરેખામાં આમૂલ પરિવર્તન સાથે, આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક દરમિયાન સંરક્ષણ મંત્રાલય અંતર્ગત સૈનિક શાળા સોસાયટી હેઠળ સંલગ્ન સૈનિક શાળાઓની શરૂઆત કરવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. આ શાળાઓ વિશેષ માળખા તરીકે કામ કરે છે જે સંરક્ષણ મંત્રાલયની હાલની સૈનિક શાળાઓ કરતાં વિશિષ્ટ અને ભિન્ન રહેશે. પ્રથમ તબક્કામાં રાજ્યો/NGO/ખાનગી ભાગીદારોમાંથી 100 સંલગ્ન ભાગીદારોને પસંદ કરવામાં આવશે.

લાભો:

  • દેશમાં તમામ પ્રદેશોમાં વિશાળ જન સમુદાય સુધી પહોંચવા માટે ઓછી ખર્ચાળ રીતો પૂરી પાડવી.
  • સૈનિક શાળાઓની વધતી માંગને પૂરી કરવી અને અસરકારક શારીરિક, મનો-સામાજિક, આધ્યાત્મિક, બૌદ્ધિક, ભાવનાત્મક અને સર્વાંગી વિકાસ પ્રદાન કરવો.
  • જીવનના વિવિધ ક્ષેત્રમાં પ્રવેશતા યુવાનોની ગુણવત્તામાં નોંધનીય પ્રમાણમાં સુધારો કરવામાં આવે ત્યારે સાથે સાથે તાલીમના સમયગાળા, તાલીમ આપનારાઓની નિયુક્તિ, જાળવણી અને કામગીરીના બજેટમાં બચત કરવી.

 

વિગતો:

સૈનિક શાળાઓ મહત્વાકાંક્ષી માતાપિતા અને બાળકોની પહોંચમાં સારી ગુણવત્તાના મૂલ્ય આધારિત શિક્ષણની સુવિધા પૂરી પાડવાની સાથે સાથે તેણે સૈન્ય નેતૃત્વ, પ્રશાસનિક સેવાઓ, ન્યાયિક સેવાઓ ઉપરાંત વિજ્ઞાન, ટેકનોલોજી અને ઉદ્યોગસાહસિકો જેવા જીવનના અન્ય ક્ષેત્રોમાં ઉચ્ચતમ સ્તરે પહોંચીને ઉમદા પૃષ્ઠભૂમિમાંથી આવતા વિદ્યાર્થીઓનો ભવ્ય ઇતિહાસ બનાવ્યો છે. આ વિવિધ પરિબળોને કારણે વધુ નવી સૈનિક શાળાઓ ખોલવાની માંગમાં સતત વધારો થઇ રહ્યો છે.

 

દેશભરમાં 33 સૈનિક શાળાઓનું સંચાલન કરવાના અનુભવનો લાભ ઉઠાવીને, સૈનિક શાળા સોસાયટીમાં હાલની તેમજ નવી શાળાઓ સાથે જોડાણ કરીને 100 નવી સંલગ્ન સૈનિક શાળાઓ ઉભી કરવા માટે અરજી કરવા સરકારી/ ખાનગી શાળાઓ/ NGOને આમંત્રણ આપવામાં આવ્યું છે. રસ ધરાવતા પક્ષો https://sainikschool.ncog.gov.in URL પર તેમના પ્રસ્તાવો દાખલ કરી શકે છે જ્યાં યોજનાની મુખ્ય સુવિધાઓ અને યોગ્યતાના માપદંડો, હિતધારકો એટલે કે સંરક્ષણ મંત્રાલય અને શાળા વ્યવસ્થાપનની જવાબદારીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

આ યોજના શિક્ષણ ક્ષેત્રમાં જાહેર/ખાનગી ભાગીદારીનો લાભ લેશે, તેનાથી પ્રતિષ્ઠિત ખાનગી અને સરકારી શાળાઓમાં ઉપલબ્ધ હાલની અસ્તિત્વમાં રહેલી માળખાકીય સુવિધાઓમાં ધ્યાન આપવામાં મદદ કરશે અને સૈનિક શાળાના માહોલમાં શિક્ષણ મેળવવા માટે ઇચ્છુક બાળકોની વધી રહેલી મહત્વાકાંક્ષાઓ પૂરી કરવા માટે નવી ક્ષમતાઓના દ્વાર ખોલશે.

શૈક્ષણિક વર્ષ 2022-23ના પ્રારંભથી અંદાજે 5,000 વિદ્યાર્થીઓને આવી 100 સંલગ્ન શાળાઓમાં ધોરણ VIમાં પ્રવેશ આપવામાં આવશે તેવી અપેક્ષા છે. હાલમાં કાર્યરત 33 સૈનિક શાળાઓમાં ધોરણ VIમાં અંદાજે 3,000 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની ક્ષમતા છે.

અસર:

એવું માનવામાં આવે છે કે, નિયમિત બોર્ડ વત્તા અભ્યાસક્રમ સાથે સૈનિક શાળાઓની શિક્ષણ પ્રણાલીનું સંકલન કરવાથી શૈક્ષણિક રીતે મજબૂત, શારીરિક રીતે તંદુરસ્ત, સાંસ્કૃતિક રીતે જાગૃત, બૌદ્ધિક રીતે પારંગત, કૌશલ્યવાન યુવાનો અને સર્વાંગી વિકાસ થયેલા નાગરિકોની રચના થઇ શકશે. આ શાળાઓના વિદ્યાર્થીઓને જરૂરી જીવન કૌશલ્યોથી સજ્જ કરવાની કલ્પના કરવામાં આવી છે જે તેમને પોતે પસંદ કરેલા ક્ષેત્રોમાં પ્રગતિના શિખરો સુધી લઇ શકશે. આમ, આ પ્રસ્તાવનો ઉદ્દેશ રાષ્ટ્રવાદી ઉદ્દેશોને સર્વોચ્ચ પ્રાથમિકતા પૂરી પાડવા પર કેન્દ્રિત નેતૃત્વના ગુણો ધરાવતો આત્મવિશ્વાસુ, અત્યંત કુશળ, બહુ-પરિમાણીય, દેશભક્ત યુવા સમુદાય તૈયાર કરવાનો છે.

 

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1763486) Visitor Counter : 221