ભારે ઉદ્યોગ મંત્રાલય
azadi ka amrit mahotsav

ભારતમાં વિનિર્માણની ક્ષમતાઓ વધારવા માટે સરકારે ઓટો ઉદ્યોગ અને ડ્રોન ઉદ્યોગ માટે ઉત્પાદન સાથે સંકળાયેલ પ્રોત્સાહન (PLI) યોજનાને મંજૂરી આપી


PLI ઓટો યોજનાથી ભારતમાં અદ્યતન ઓટોમોટીવ ટેકનોલોજી વૈશ્વિક પુરવઠા શ્રૃંખલાના ઉદયને પ્રોત્સાહન મળશે

7.6 લાખ કરતાં વધારે લોકો માટે વધારાની રોજગારીઓનું સર્જન કરવામાં મદદ કરશે

આવનારા પાંચ વર્ષમાં આ ઉદ્યોગને રૂ. 26,058 કરોડના પ્રોત્સાહનો આપવામાં આવશે

ઓટો ક્ષેત્ર માટે PLI યોજનાથી આગામી પાંચ વર્ષમાં રૂ. 42,500 કરોડ કરતાં વધારે રૂપિયાનું રોકાણ આવશે અને રૂ. 2.3 લાખ કરોડ કરતાં વધારે મૂલ્યની ઉત્પાદન વૃદ્ધિ થશે

ડ્રોન માટેની PLI યોજનાથી આવનારા ત્રણ વર્ષમાં રૂ. 5,000 કરતાં વધારે રોકાણ આવશે અને રૂ. 1,500 કરોડ કરતાં વધારે મૂલ્યની ઉત્પાદન વૃદ્ધિ થશે

ઓટોમોટીવ ક્ષેત્ર માટે PLI યોજના તેમજ પહેલાંથી જ શરૂ કરવામાં આવેલી અદ્યતન રાસાયણિક સેલ માટેની PLI (રૂ.18,100 કરોડ) અને ઇલેક્ટ્રિક વાહનોના વિનિર્માણના ઝડપી અનુકૂલન (FAME) યોજના (રૂ.10,000 કરોડ)થી ઇલેક્ટ્રિક વાહનોના વિનિર્માણને વેગ મળશે

આનાથી ભારત પર્યાવરણની દૃષ્ટિએ સ્વચ્છ, ઇલેક્ટ્રિક વાહનો અને હાઇડ્રોજન ઇંધણ સેલ વાહનોના ક્ષેત્રમાં હરણફાળ ભરવા માટે સક્ષમ બનશે

Posted On: 15 SEP 2021 4:01PM by PIB Ahmedabad

'આત્મનિર્ભર ભારત' દૂરંદેશીની દિશામાં એક ડગલું આગળ વધતા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકારે ઓટોમોટીવ ઉદ્યોગ અને ડ્રોન ઉદ્યોગ માટે રૂપિયા 26,058 કરોડની અંદાજપત્રીય ખર્ચની જોગવાઇ સાથે ઉત્પાદન સાથે સંકળાયેલ પ્રોત્સાહન (PLI) યોજનાને મંજૂરી આપી દીધી છે. ઓટો ક્ષેત્ર માટેની આ PLIયોજનાથી ઉચ્ચ મૂલ્યના અદ્યતન ઓટોમોટીવ ટેકનોલોજી વાહનો અને ઉત્પાદનોને પ્રોત્સાહન પ્રાપ્ત થશે. ઉચ્ચ ટેકનોલોજી, વધુ કાર્યદક્ષ અને હરીત ઓટોમોટીવ વિનિર્માણ મામલે તે નવા યુગનો ઉદય કરશે.

ઓટોમોબાઇલ ઉદ્યોગ અને ડ્રોન ઉદ્યોગ માટે મંજૂર કરવામાં આવેલી PLI યોજના અગાઉ કેન્દ્રીય અંદાજપત્ર 2021-22 દરમિયાન એકંદરે રૂ. 1.97 લાખ કરોડના અંદાજપત્રીય ખર્ચ સાથે 13 ક્ષેત્રો માટે જાહેર કરવામાં આવેલી PLI યોજનાના ભાગરૂપે છે. 13 ક્ષેત્રો માટે PLI યોજનાઓની જાહેરાત સાથે, ભારતમાં ઓછામાં ઓછું વધારાનું ઉત્પાદન આગામી 5 વર્ષમાં અંદાજે રૂ. 37.5 કરોડનું રહેવાની અપેક્ષા છે અને આવનારા 5 વર્ષમાં ઓછામાં ઓછી લગભગ 1 કરોડ વધારાની રોજગારીઓનું સર્જન થવાની અપેક્ષા છે.

ઓટો ક્ષેત્ર માટે PLIમાં ભારતમાં અદ્યતન ઓટોમોટીવ ટેકનોલોજી ઉત્પાદનોના વિનિર્માણ માટે ખર્ચ અસામર્થ્યની સ્થિતિમાંથી બહાર આવવાની દૂરંદેશી રાખે છે. પ્રોત્સાહનનું માળખું આ ઉદ્યોગમાં અદ્યતન ઓટોમોટીવ ટેકનોલોજી ઉત્પાદનોની સ્વદેશી વૈશ્વિક પુરવઠા શ્રૃંખલા માટે નવું રોકાણ લાવવા માટે પ્રોત્સાહન પૂરું પાડશે. એક અંદાજ અનુસાર, આવનારા પાંચ વર્ષમાં ઓટોમોબાઇલ અને ઓટો કમ્પોનન્ટ્સ ઉદ્યોગ માટે મંજૂર કરવામાં આવેલી PLI યોજનાથી નવું રૂપિયા 42,500 કરોડ કરતાં વધારે મૂલ્યનું રોકાણ આવશે અને રૂ. 2.3 લાખ કરોડ કરતાં વધારે મૂલ્યની ઉત્પાદન વૃદ્ધિ થશે તેમજ 7.5 લાખ કરતાં વધારે રોજગારીઓની તકોનું સર્જન થશે. આ ઉપરાંત, આનાથી વૈશ્વિક ઓટોમોટીવ વેપારમાં ભારતની હિસ્સેદારીમાં પણ વધારો થશે.

ઓટો ક્ષેત્ર માટેની આ PLI યોજના હાલમાં અસ્તિત્વ ધરાવતી ઓટોમોટીવ કંપનીઓ તેમજ નવા રોકાણકારો કે જેઓ હાલમાં ઓટોમોબાઇલ ક્ષેત્ર અથવા ઓટો કમ્પોનન્ટ્સ વિનિર્માણના વ્યવસાયમાં જોડાયેલા નથી તે બંને માટે ખુલ્લી છે. આ યોજનામાં બે ઘટકોને સમાવી લેવામાં આવ્યા છે. એક, ચેમ્પિયન OEM પ્રોત્સાહન યોજના અને બીજો, કમ્પોનન્ટ ચેમ્પિયન પ્રોત્સાહન યોજના. ચેમ્પિયન OEM પ્રોત્સાહન યોજના 'વેચાણ મૂલ્ય સાથે સંકળાયેલી' યોજના છે જે તમામ સેગમેન્ટ્સમાં બૅટરી ઇલેક્ટ્રિક વાહનો અને હાઇડ્રોજન ઇંધણ સેલ વાહનો માટે લાગુ પડે છે. બીજી તરફ, કમ્પોનન્ટ ચેમ્પિયન પ્રોત્સાહન યોજના 'વેચાણ મૂલ્ય સાથે સંકળાયેલી' યોજના છે જે વાહનોના અદ્યતન ઓટોમોટીવ ટેકનોલોજી ભાગો, કમ્પલિટલી નોક્ડ ડાઉન (CKD)/ સેમી નોક્ડ ડાઉન (SKD) કિટ્સ, 2-વ્હીલર, 3-વ્હીલર, મુસાફર વાહનો, કોમર્શિયલ વાહનો અને ટ્રેક્ટરો વગેરેના વ્હીકલ એગ્રીગેટ્સ માટે લાગુ પડે છે.

 

ઓટોમોટીવ ક્ષેત્ર માટે મંજૂર કરવામાં આવેલી આ PLI યોજના સાથે અગાઉ પહેલાંથી જ શરૂ કરવામાં આવેલી અદ્યતન રાસાયણિક સેલ (ACC) માટેની PLI (રૂ.18,100 કરોડ) અને ઇલેક્ટ્રિક વાહનોના વિનિર્માણના ઝડપી અનુકૂલન (FAME) યોજના (રૂ.10,000 કરોડ)થી ભારતને પરંપરાગત અશ્મિગત ઇંધણ આધારિત ઓટોમોબાઇલ પરિવહન તંત્રમાંથી પર્યાવરણ માટે અનુકૂળ, દીર્ઘકાલિન, અદ્યતન અને વધુ કાર્યદક્ષ ઇલેક્ટ્રિક વાહન (EV) આધારિત પ્રણાલીની દિશામાં હરણફાળ ભરવાનું સામર્થ્ય પ્રાપ્ત થશે.

ડ્રોન અને ડ્રોન કમ્પોનન્ટ્સ ઉદ્યોગ માટે રજૂ કરવામાં આવેલી PLI યોજના આ ક્રાંતિકારી ટેકનોલોજીના વ્યૂહાત્મક, યુક્તિપૂર્ણ અને પરિચાલન ઉપયોગોને ધ્યાનમાં રાખે છે. ડ્રોન માટે સ્પષ્ટ આવકના લક્ષ્યો અને ઘરેલું મૂલ્યવર્ધન પર ધ્યાન કેન્દ્રિત કરીને શરૂ કરવામાં આવેલી PLI યોજના ક્ષમતા નિર્માણ માટે મહત્વપૂર્ણ છે અને ભારતની વિકાસની વ્યૂહનીતિના મુખ્ય ચાલક તરીકે છે. ડ્રોન અને ડ્રોન કમ્પોનન્ટ્સ ઉદ્યોગ માટે PLI યોજનાથી આવનારા ત્રણ વર્ષના સમયગાળામાં વધારાનું રૂપિયા 5,000 કરોડના મૂલ્યનું રોકાણ આવશે, રૂપિયા 1500 કરોડના યોગ્યતા પ્રાપ્ત વેચાણમાં વૃદ્ધિ થશે અને વધારાની અંદાજે 10,000 રોજગારીઓનું સર્જન થશે.

SD/GP/JD

 

 

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad &nbs…


(Release ID: 1755112) Visitor Counter : 339