કાપડ મંત્રાલય
સરકારે કાપડ ઉદ્યોગ માટે ઉત્પાદન સાથે સંકળાયેલ પ્રોત્સાહન (PLI) યોજનાને મંજૂરી આપી છે. આની મદદથી, ભારત વૈશ્વિક કાપડ વેપારમાં ફરી પોતાનું વર્ચસ્વ જમાવી શકશે
આ યોજનામાં વ્યાપકતાના અર્થતંત્રનો લાભ મળવાથી, ભારતીય કંપનીઓને વૈશ્વિક ચેમ્પિયન તરીકે ઉદયમાન થવામાં મદદ કરશે
અંદાજે 7.5 લાખ કરતાં વધારે લોકોને પ્રત્યક્ષ રીતે અને કેટલાય લાખ લોકોને સહાયક પ્રવૃત્તિઓ દ્વારા રોજગારી મેળવવામાં મદદ મળશે
આ યોજનાથી મહિલાઓની મોટાપાયે સહભાગીતાનો માર્ગ પણ ખુલ્લો થશે
આગામી પાંચ વર્ષમાં આ ઉદ્યોગને રૂપિયા 10,683 કરોડના પ્રોત્સાહનો આપવામાં આવશે
આ યોજનાથી અંદાજે રૂપિયા 19,000 કરોડ કરતાં વધારેનું નવું રોકાણ આવશે અને આગામી પાંચ વર્ષમાં વધારાનું રૂ. 3 લાખ કરોડ કરતાં વધારે ઉત્પાદન ટર્નઓવર થશે તેવી અપેક્ષા
મહત્વાકાંક્ષી જિલ્લાઓ અને ટીઅર 3/4 શહેરોને વધારે પ્રાથમિકતા આપવામાં આવશે
આ યોજનાથી ગુજરાત, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, પંજાબ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, ઓડિશા વગેરે રાજ્યો પર ઘણો સકારાત્મક પ્રભાવ પડશે
Posted On:
08 SEP 2021 2:42PM by PIB Ahmedabad
'આત્મનિર્ભર ભારત'ની દૂરંદેશીને વધુ એક કદમ આગળ લઇ જતા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકારે કાપડ ઉદ્યોગ માટે MMF વસ્ત્રો, MMF કાપડ અને ટેકનિકલ ટેક્સટાઇલના 10 વિભાગ/ઉત્પાદનોને રૂપિયા 10,683 કરોડના અંદાજપત્રીય ખર્ચની ફાળવણી સાથે ઉત્પાદન સાથે સંકળાયેલ પ્રોત્સાહન (PLI) યોજનાને મંજૂરી આપી દીધી છે. RoSCTL, RoDTEP અને સરકાર દ્વારા કાપડ ઉદ્યોગમાં લેવામાં આવેલા અન્ય પગલાંઓ જેમકે, સ્પર્ધાત્મક ભાવે કાચો માલ પૂરો પાડવો, કૌશલ્ય વિકાસ વગેરેની સાથે-સાથે આ ક્ષેત્ર માટે PLI યોજનાને મંજૂરી આપવાથી કાપડ ઉત્પાદન ક્ષેત્રમાં એક નવા યુગનો ઉદય થશે.
કાપડ ઉદ્યોગ માટે PLI યોજનાની જાહેરાત, અગાઉ કેન્દ્રીય અંદાજપત્ર 2021-22 દરમિયાન રૂ. 1.97 લાખ કરોડના કુલ ખર્ચ સાથે એકંદરે 13 ક્ષેત્રો માટે જાહેર કરવામાં આવેલી PLI યોજનાઓનો જ એક હિસ્સો છે. 13 ક્ષેત્રો માટે PLI યોજનાઓની જાહેરાત સાથે, ભારતમાં આગામી પાંચ વર્ષમાં ઓછામાં ઓછું ઉત્પાદન વધીને અંદાજે રૂ. 37.5 લાખ કરોડ થવાની અને આગામી પાંચ વર્ષમાં ઓછામાં ઓછા અંદાજે 1 કરોડ લોકો માટે રોજગારીઓનું સર્જન થવાની અપેક્ષા છે.
કાપડ ઉદ્યોગ માટે PLI યોજનાથી દેશમાં ઉચ્ચ મૂલ્યના MMF કાપડ, ગારમેન્ટ્સ અને ટેકનિકલ ટેક્સટાઇલના ઉત્પાદનને પ્રોત્સાહન મળશે. પ્રોત્સાહન માટેનું માળખું એવી રીતે તૈયાર કરવામાં આવ્યું છે કે જેથી આ ઉદ્યોગને આ વિભાગોમાં નવી ક્ષમતાઓનું નિર્માણ કરવા માટે રોકાણ કરવાનું પ્રોત્સાહન મળશે. આનાથી ઉચ્ચ મૂલ્યના MMF વિભાગમાં વિકાસને ઘણો મોટો વેગ મળશે અને તેનાથી સુતરાઇ તેમજ અન્ય કુદરતી રેસા આધારિત કાપડ ઉદ્યોગમાં રોજગારી અને વેપાર માટેની નવી તકોનું સર્જન કરવા માટેના પ્રયાસોમાં પૂરક લાભ પ્રાપ્ત થશે. આના પરિણામે, ભારતને વૈશ્વિક કાપડ વેપાર મામલે પોતાના ઐતિહાસિક વર્ચસ્વનો દરજ્જો ફરીથી પ્રાપ્ત કરવામાં મદદ મળી શકશે.
ટેકનિકલ ટેક્સટાઇલ વિભાગ નવા જમાનાનો ટેક્સટાઇલ વિભાગ છે. માળખાકીય સુવિધા, પાણી, આરોગ્ય અને સ્વચ્છતા, સંરક્ષણ, સુરક્ષા, ઓટોમોબાઇલ્સ, ઉડ્ડયન વગેરે સહિત કેટલાય ક્ષેત્રોમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે માટે આ યોજનાથી અર્થતંત્રના આ ક્ષેત્રોમાં તેની અસરકારકતા વધશે. સરકારે અગાઉ આ ક્ષેત્રમાં સંશોધન અને વિકાસને પ્રોત્સાહન આપવા માટે રાષ્ટ્રીય ટેકનિકલ ટેક્સટાઇલ મિશનનો પણ પ્રારંભ કર્યો હતો. PLIથી આ વિભાગમાં વધુ રોકાણને આકર્ષવામાં પણ મદદ મળી શકશે.
પ્રોત્સાહન માળખામાં વિભિન્ન સમૂહ દ્વારા બે પ્રકારનું રોકાણ આવવાની સંભાવના છે. કોઇપણ વ્યક્તિ (જેમાં પેઢી/ કંપની સામેલ છે) કે જેઓ સૂચિત ઉત્પાદનો (MMF કાપડ, ગારમેન્ટ્સ) અને ટેકનિકલ ટેક્સટાઇલ્સનું ઉત્પાદન કરવા માટે પ્લાન્ટ, મશીનરી, ઉપકરણો અને નાગરિક કાર્યો (જમીન અને વહીવટી ઇમારતના ખર્ચ સિવાય)માં ઓછામાં ઓછા રૂપિયા 300 કરોડનું રોકાણ કરવા માંગે છે, તેઓ આ યોજનાના પ્રથમ હિસ્સામાં ભાગ લેવા માટે પાત્રતા ધરાવશે. બીજા હિસ્સામાં કોઇપણ વ્યક્તિ (જેમાં પેઢી/ કંપની સામેલ છે) કે જેઓ ઓછામાં ઓછા રૂપિયા 100 કરોડનું રોકાણ કરવા માટે ઇચ્છુક છે તેઓ, આ યોજનાના આ હિસ્સામાં અરજી કરવા માટે પાત્રતા ધરાવશે. આ ઉપરાંત, મહત્વાકાંક્ષી જિલ્લાઓ, ટીઅર 3 અને 4 શહેરો તેમજ ગ્રામીણ વિસ્તારોમાં રોકાણ કરવા માંગતા હોય તેમને પ્રાથમિકતા આપવામાં આવશે અને આ પ્રાથમિકતાના કારણે ઉદ્યોગને પછાત વિસ્તારોમાં સ્થળાંતરિત થવા માટે પ્રોત્સાહન મળશે. આ યોજનાથી ખાસ કરીને ગુજરાત, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, પંજાબ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, ઓડિશા વગેરે જેવા રાજ્યોમાં ઘણો સકારાત્મક પ્રભાવ પડશે.
આગામી પાંચ વર્ષ દરમિયાન, કાપડ ઉદ્યોગ માટે PLIથી આ ક્ષેત્રમાં રૂપિયા 19,000 કરોડ કરતાં વધારે રકમનું રોકાણ આવશે તેવું અનુમાન છે, અને તેના કારણે આ યોજના અંતર્ગત કુલ રૂપિયા 3 લાખ કરોડ કરતાં વધારે ટર્નઓવર થવાનું અનુમાન છે. તેનાથી આ ક્ષેત્રમાં વધુ 7.5 લાખ લોકો માટે રોજગારીની તકોનું સર્જન થશે અને સહાયક પ્રવૃત્તિઓમાં કેટલાય લાખ લોકોને રોજગારી મળશે તેવું અનુમાન છે. કાપડ ઉદ્યોગમાં મુખ્યત્વે મહિલાઓનું પ્રભુત્વ હોય છે માટે, આ યોજનાથી મહિલાઓનું સશક્તિકરણ થશે અને ઔપચારિક અર્થતંત્રમાં મહિલાઓની સહભાગીતામાં વૃદ્ધિ થશે.
SD/GP/BT
(Release ID: 1753145)
Visitor Counter : 501
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Telugu
,
Kannada
,
Malayalam