પ્રધાનમંત્રીનું કાર્યાલય

75મા સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લાના પ્રાચીર પરથી પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

Posted On: 15 AUG 2021 1:41PM by PIB Ahmedabad

મારા વ્હાલા દેશવાસીઓ,

આઝાદીનો અમૃત મહોત્સવ, 75મા સ્વતંત્રતા દિવસ પર આપ સૌને અને વિશ્વભરમાં ભારતને પ્રેમ કરનારા, લોકશાહીને પ્રેમ કરનારા તમામને ખૂબ ખૂબ શુભકામનાઓ.

આજે આઝાદીના અમૃત મહોત્સવના પાવન પર્વ પર દેશ પોતાના તમામ સ્વાતંત્ર્ય સેનાનીઓને, રાષ્ટ્ર રક્ષામાં પોતાની જાતને દિવસ રાત ખપાવી દેનારા, હોમી દેનારા વીર વીરાંગનાઓને આજે દેશ નમન કરી રહ્યો છે. આઝાદીને જન આંદોલન બનાવનાર પૂજ્ય બાપુ હોય કે પછી આઝાદી માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દેનાર સુભાષ ચંદ્ર બોઝ, ભગત સિંહ, ચંદ્ર શેખર આઝાદ, બિસ્મિલ અને અશફાક ઉલ્લા ખાન જેવા મહાન ક્રાંતિવીર હોય, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ હોય, ચિત્તુરની રાણી ચેન્નમ્મા હોય અથવા રાણી ગાઈડીનલ્યુ હોય, કે પછી આસામમાં માતંગિની હાજરાનું પરાક્રમ હોય, દેશના પહેલા પ્રધાનમંત્રી પંડિત નહેરુજી હોય, દેશને એકજૂટ રાષ્ટ્રમાં બદલનારા સરદાર વલ્લભભાઈ પટેલ હોય કે પછી ભારતના ભવિષ્યની દિશા નિર્ધારિત કરનારા, માર્ગ નક્કી કરનારા બાબા સાહેબ આંબેડકર સહિત દેશ પ્રત્યેક વ્યક્તિને, પ્રત્યેક વ્યક્તિત્વને આજે યાદ કરી રહ્યો છે. દેશ તમામ મહાપુરુષોનો ઋણી છે.

ભારત તો બહુરત્ના વસુંધરા છે. આજે ભારતના દરેક ખૂણામાં, દરેક કાલખંડમાં અગણિત લોકોએ જેમના નામ પણ કદાચ ઇતિહાસના પૃષ્ઠોમાં નહીં હોય, એવા અગણિત લોકોએ રાષ્ટ્રને બનાવ્યું પણ છે, અને આગળ પણ વધાર્યું છે, હું આવા દરેક વ્યક્તિત્વને વંદન કરું છું તેમને અભિનંદન પાઠવું છું.

ભારતએ સદીઓ સુધી માતૃભૂમિ, સંસ્કૃતિ અને આઝાદી માટે સંઘર્ષ કર્યો છે. ગુલામીની કસક, આઝાદીની લલક દેશે સદીઓ સુધી ક્યારેય છોડી નથી. જય પરાજય આવતા જતાં રહ્યા પરંતુ મનમંદિરમાં વસેલી આઝાદીની આકાંક્ષાને ક્યારેય ખતમ નથી થવા દીધી. આજે બધા સંઘર્ષના આગેવાનો, સદીઓના સંઘર્ષના આગેવાનો, તે સૌને પણ પ્રણામ કરવાનો સમય છે અને તેઓ પ્રણામના અધિકારી પણ છે.

કોરોના વૈશ્વિક મહામારી, મહામારીમાં આપણાં ડૉક્ટર્સ, આપણી નર્સો, આપણો પેરા મેડિકલ સ્ટાફ, આપણાં સફાઇ કર્મી, રસી બનાવવામાં લાગેલા આપણાં વૈજ્ઞાનિકો હોય, સેવા ભાવના વડે જોડાયેલા કરોડો દેશવાસીઓ હોય, જેમણે કોરોનાના કાલખંડમાં પોતાની ક્ષણે ક્ષણ જનસેવા માટે સમર્પિત કરી છે. તેઓ પણ આપણાં સૌના વંદનને અધિકારી છે.

આજે પણ દેશના કેટલાક વિસ્તારોમાં પૂર છે, ભૂસ્ખલન પણ થયા છે. કેટલાક પીડાદાયક સમાચારો પણ આવતા રહેતા હોય છે. અનેક ક્ષેત્રોમાં લોકોની તકલીફો વધી ગઈ છે. આવા સમયમાં કેન્દ્ર સરકાર હોય, રાજ્ય સરકારો હોય, બધા તેમની સાથે તત્પરતા સાથે ઊભા છીએ. આજે આયોજનમાં, ઓલિમ્પિકમાં ભારતમાં, ભારતની યુવા પેઢી જેણે ભારતનું નામ રોશન કર્યું છે. એવા આપણાં રમતવીરો, આપણાં ખેલાડીઓ આજે આપણી વચ્ચે છે.

કેટલાક અહિયાં છે, કેટલાક સામે બેઠા છે. હું આજે દેશવાસીઓને, જેઓ અહિયાં ઉપસ્થિત છે તેમને પણ અને જેઓ હિન્દુસ્તાનના ખૂણે ખૂણેથી સમારોહમાં ઉપસ્થિત થયા છે તે સૌને હું કહું છું કે આપણાં ખેલાડીઓના સન્માનમાં ચાલો કેટલીક ક્ષણો તાળીઓ વગાડીને તેમનું સન્માન કરીએ.

ભારતની રમતોનું સન્માન, ભારતની યુવા પેઢીનું સન્માન, ભારતને ગૌરવ અપાવનારા યુવાનોનું સન્માન. દેશ.. કરોડો દેશવાસી આજે તાળીઓના ગડગડાટ સાથે આપણાં યુવાનો માટે, દેશની યુવા પેઢી માટે ગૌરવ કરી રહ્યા છે, સન્માન આપી રહ્યા છે. રમતવીરોએ ખાસ કરીને.. આપણે બાબત પર ગર્વ કરી શકીએ છીએ કે તેમણે આપણું દિલ નથી જીત્યું, પરંતુ તેમણે આવનારી પેઢીઓને પણ, ભારતની યુવા પેઢીને પણ પ્રેરિત કરવાનું બહુ મોટું કામ કર્યું છે.

મારા વ્હાલા દેશવાસીઓ,

આપણે આઝાદીનો ઉત્સવ ઉજવીએ છીએ પરંતુ વિભાજનની પીડા આજે પણ હિન્દુસ્તાનના દિલને તાર તાર કરી રહી છે. તે ગઈ શતાબ્દીની સૌથી મોટી આપત્તિમાંથી એક હતી. આઝાદી પછી લોકોને ખૂબ ઝડપથી ભૂલી જવામાં આવ્યા. ગઇકાલે ભારતે એક લાગણીશીલ નિર્ણય લીધો છે. હવેથી દર વર્ષે 14 ઓગસ્ટના દિવસનેવિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસના રૂપમાં યાદ કરવામાં આવશે. જે લોકો વિભાજનના સમયે અમાનવીય હાલતમાંથી પસાર થયા છે, જેમણે અત્યાચાર સહન કર્યા છે, જેમને સન્માન સાથે અંતિમ સંસ્કાર પણ નસીબ નથી થયા, તે લોકોને આપણી સ્મૃતિઓમાં જીવિત રાખવા પણ એટલા જરૂરી છે. આઝાદીના 75મા સ્વતંત્રતા દિવસ પર વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસનું નક્કી થવું, આવા લોકોને દરેક ભારતવાસી તરફથી આદરપૂર્વકની શ્રદ્ધાંજલિ છે.

મારા વ્હાલા દેશવાસીઓ,

પ્રગતિ પથ પર વધી રહેલા આપણાં દેશની સામે અને વિશ્વમાં સંપૂર્ણ માનવ જાતિ સામે કોરોનાનો કાલખંડ બહુ મોટા પડકારના રૂપમાં આવ્યો છે. ભરતવાસીઓએ ખૂબ સંયમ, ખૂબ ધૈર્ય, તેની સાથે યુદ્ધ લડયું પણ છે. લડાઈમાં આપણી સામે અનેક પડકારો હતા. પરંતુ દરેક ક્ષેત્રમાં આપણે દેશવાસીઓએ અસાધારણ ગતિએ કામ કર્યું છે. આપણાં વૈજ્ઞાનિકોએ, આપણાં ઉદ્યમીઓની તાકાતનું પરિણામ છે કે ભારતને રસી માટે આજે કોઈ બીજા ઉપર, કોઈ અન્ય દેશ ઉપર આપણે નિર્ભર નથી રહેવું પડ્યું. તમે કલ્પના કરો, એક ક્ષણ માટે વિચાર કરો જો ભારતની પાસે પોતાની રસી ના હોત તો શું થાત. પોલિયોની રસી મેળવવા માટે આપણે કેટલા વર્ષો લાગી ગયા હતા.

આટલા મોટા સંકટમાં, જ્યારે આખી દુનિયામાં મહામારી હોય, ત્યારે આપણને રસી કઈ રીતે મળત. પરંતુ ભારતને કદાચ મળત કે ના મળત અને ક્યારે મળત, પરંતુ આજે ગૌરવ સાથે કહી શકીએ છીએ કે વિશ્વનો સૌથી મોટો રસીકરણ કાર્યક્રમ આપણાં દેશમાં ચાલી રહ્યો છે. 54 કરોડથી વધુ લોકો રસી લગાવી ચૂક્યા છે. કોવિન જેવી ઓનલાઈન વ્યવસ્થા, ડિજિટલ સર્ટિફિકેટ આપવાની વ્યવસ્થા આજે દુનિયાને આકર્ષિત કરી રહી છે. મહામારીના સમયે ભારતે જે રીતે 80 કરોડ દેશવાસીઓને મહિનાઓ સુધી સતત વિના મૂલ્યે અનાજ આપીને તેમના ગરીબ ઘરના ચૂલાને સળગતો રાખ્યો છે અને તે પણ દુનિયા માટે આશ્ચર્યની વાત પણ છે અને ચર્ચાનો વિષય પણ છે. વાત સાચી છે કે અન્ય દેશોની સરખામણીએ ભારતમાં ઓછા લોકોને ચેપ લાગ્યો છે, પણ સત્ય છે કે દુનિયાના દેશોની વસતીની સરખામણીએ ભારતમાં આપણે મહત્તમ સંખ્યામાં આપણાં નાગરિકોને બચાવી શક્યા, પરંતુ આપણી માટે પીઠ થાબડવાનો વિષય નથી. સંતોષ માનીને સૂઈ જવાનો વિષય નથી. એવું કહેવું કે કોઈ પડકાર નહોતો આપણાં પોતાના વિકાસના આગળના રસ્તાઓને બંધ કરનારી વિચારધારા બની જશે.

દુનિયાના સમૃદ્ધ દેશોની સરખામણીએ આપણી વ્યવસ્થાઓ ઓછી છે, વિશ્વની પાસે, સમૃદ્ધ દેશોની પાસે જે છે તે આપણી પાસે નથી. પરંતુ બધા પ્રયાસો છતાં પણ.. અને બીજી બાજુ આપણે ત્યાં માનવ વસતી પણ વધારે છે. વિશ્વની સરખામણીએ વધારે વસતી છે આપણી જીવન શૈલી પણ થોડી જુદી છે. બધા પ્રયાસો છતાં પણ કેટલાય લોકોને આપણે બચાવી ના શક્યા. કેટલાય બાળકોના માથા પર હાથ ફેરવનારા જતાં રહ્યા. તેને લાડ કરનાર, તેની જીદ પુરી કરનાર લોકો જતાં રહ્યા. અસહ્ય પીડા, તકલીફ હંમેશા સાથે રહેવાની છે.

મારા વ્હાલા દેશવાસીઓ,

દરેક દેશની વિકાસ યાત્રામાં એક સમય એવો આવે છે જ્યારે દેશ પોતાની જાતને નવી રીતે વ્યાખ્યાયિત કરે છે. પોતાની જાતને નવા સંકલ્પો સાથે આગળ વધારે છે. ભારતની વિકાસ યાત્રામાં પણ આજે તે સમય આવી ગયો છે. 75 વર્ષના અવસરને આપણે એક સમારોહ માત્રમાં સીમિત નથી કરી દેવાનો. આપણે નવા સંકલ્પોને આધાર બનાવવાના છે. નવા સંકલ્પોને લઈને ચાલી નીકળવાનું છે. અહીથી શરૂ કરીને આગામી 25 વર્ષની યાત્રા જ્યારે આપણે આઝાદીની શતાબ્દી ઉજવીશું નવા ભારતના સર્જનનો અમૃત કાળ છે. અમૃત સમયમાં આપણાં સંકલ્પોની સિદ્ધિ, આપણને આઝાદીના સો વર્ષ સુધી લઈ જશે. ગૌરવપૂર્ણ રૂપે લઈ જશે.

અમૃત કાળનું લક્ષ્ય છે, ભારત અને ભારતના નાગરિકો માટે સમૃદ્ધિના નવા શિખરોનું આરોહણ. અમૃત કાળનું લક્ષ્ય છે એક એવા ભારતનું નિર્માણ કે જ્યાં સુવિધાઓનું સ્તર ગામડાઓ અને શહેરોને વિભાજિત કરનારું ના હોય. અમૃત કાળનું લક્ષ્ય છે એક એવા ભારતનું નિર્માણ કે જ્યાં નાગરિકોના જીવનમાં સરકાર કારણ વગર દખલગીરી ના કરે. અમૃત કાળનું લક્ષ્ય છે એક એવા ભારતનું નિર્માણ કે જ્યાં દુનિયાનું પ્રત્યેક આધુનિક ઇન્ફ્રાસ્ટ્રકચર હોય.

આપણે કોઇથી ઉતરતા પણ ના હોઈએ. કોટિ કોટિ દેશવાસીઓનો સંકલ્પ છે. પરંતુ સંકલ્પ ત્યાં સુધી અધૂરો હોય છે જ્યાં સુધી સંકલ્પની સાથે પરિશ્રમ અને પરાક્રમની પરાકાષ્ઠા ના હોય. એટલા માટે આપણે આપણાં બધા સંકલ્પોને પરિશ્રમ અને પરાક્રમની પરાકાષ્ઠા સુધી પહોંચાડી સિદ્ધ કરીને રહેવા પડશે અને સપના, સંકલ્પ આપણી સીમાઓને પાર સુરક્ષિત અને સમૃદ્ધ વિશ્વ માટે પણ અસરકારક યોગદાન માટે છે.

અમૃત કાળ 25 વર્ષનો છે. પરંતુ આપણે આપણાં લક્ષ્યોની પ્રાપ્તિ માટે આટલો લાંબો સમય રાહ પણ નથી જોવાની. આપણે અત્યારથી લાગી જવાનું છે. આપણી પાસે ગુમાવવા માટે એક ક્ષણ પણ નથી. સમય છે, યોગ્ય સમય છે. આપણાં દેશને પણ બદલવો પડશે અને આપણે એક નાગરિક તરીકે આપણી જાતને પણ બદલવી પડશે . બદલાતા યુગને અનુકૂળ આપણે પણ આપણી જાતને અનુસાર ઢાળવી પડશે. સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, શ્રદ્ધા સાથે આપણે બધા લાગી ગયા છીએ. પરંતુ આજે લાલ કિલ્લાના પ્રાચીર પરથી આહવાહન કરી રહ્યો છું. સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ આપણાં પ્રત્યેક લક્ષ્યોની પ્રાપ્તિ માટે ખૂબ મહત્વપૂર્ણ છે. વિતેલા સાત વર્ષોમાં શરૂ થયેલ અનેક યોજનાઓનો લાભ કરોડો ગરીબોને તેમના ઘર સુધી પહોંચ્યો છે. ઉજ્જવલાથી લઈને આયુષ્માન ભારતની તાકાત આજે દેશનો દરેક ગરીબ જાણે છે. આજે સરકારી યોજનાઓની ગતિ વધી છે. તે નિર્ધારિત લક્ષ્યોને પ્રાપ્ત કરી રહી છે. પહેલાંની સરખામણીએ આપણે ખૂબ ઝડપથી ઘણા આગળ વધ્યા છીએ. પરંતુ વાત માત્ર અહિયાં પુરી નથી થઈ જતી. હવે આપણે સંતૃપ્તિ સ્તર સુધી જવાનું છે, પૂર્ણતા સુધી પહોંચવાનું છે. સોએ સો ટકા ગામડાઓમાં રસ્તાઓ હોય, સોએ સો ટકા પરિવારોના બેંક ખાતાઓ હોય, સોએ સો ટકા લાભાર્થીઓ પાસે આયુષ્માન ભારતનું કાર્ડ હોય, સોએ સો ટકા પાત્ર વ્યક્તિઓને ઉજ્જવલા યોજના અને ગેસ જોડાણો હોય. સરકારની વીમા યોજના હોય, પેન્શન યોજના હોય, આવાસ યોજના વડે આપણે તે દરેક વ્યક્તિને જોડવાની છે કે જે તેની હકદાર છે. સોએ સો ટકા મૂડ બનાવીને ચાલવાનું છે. આજ સુધી આપણે ત્યાં ક્યારેય તે સાથીઓના વિષયમાં નથી વિચારવામાં આવ્યું કે જેઓ લારી લગાવે છે. પાટા પર બેસીને, ફૂટપાથ પર બેસીને સામાન વેચે છે, ખૂમચા ચલાવે છે. સાથીઓને સ્વ-નિધિ યોજનાના માધ્યમથી બેંકિંગ વ્યવસ્થા સાથે જોડવામાં આવી રહ્યા છે.

જે રીતે આપણે વીજળી સોએ સો ટકા ઘરો સુધી પહોંચાડી છે, જે રીતે આપણે સોએ સો ટકા ઘરોમાં શૌચાલયોના નિર્માણ માટેનો પ્રામાણિક પ્રયાસ કર્યો, તે રીતે આપણે હવે યોજનાઓને સંતૃપ્તિનું લક્ષ્ય લઈને આગળ વધવાનું છે અને તેની માટે આપણે સમય સીમા બહુ દૂરની નથી રાખવાની. આપણે થોડાક વર્ષોમાં આપણાં સંકલ્પોને સાકાર કરવાના છે.

દેશ આજે દરેક ઘર જળ મિશનને લઈને ઝડપથી કામ કરી રહ્યો છે. મને ખુશી છે કે જળ જીવન મિશનના માત્ર બે વર્ષમાં સાડા ચાર કરોડ કરતાં વધુ પરિવારોને નળ વડે જળ મળવાનું શરૂ થઈ ગયું છે.. પાઇપ વડે પાણી મળવાનું ચાલુ થઈ ગયું છે. કરોડો માતાઓ બહેનોનો આશીર્વાદ, આપણી પૂંજી છે. સોએ સો ટકાનો સૌથી મોટો લાભ થાય છે કે સરકારી યોજનાના લાભથી કોઈ વંચિત નથી રહી જતું. જ્યારે સરકાર લક્ષ્ય બનાવીને આગળ ચાલે છે કે આપણે સમાજની છેલ્લી હરોળમાં જે વ્યક્તિ ઊભો છે તેના સુધી પહોંચવાનું છે ના તો કોઈ ભેદભાવ થઈ શકે છે અને ના તો કોઈ ભ્રષ્ટાચારની ગુંજાઈશ રહી જાય છે.

મારા વ્હાલા દેશવાસીઓ,

દેશના દરેક ગરીબ, દરેક વ્યક્તિ સુધી પોષણ પહોંચાડવું પણ સરકારની પ્રાથમિકતા છે. ગરીબ મહિલાઓ, ગરીબ બાળકોમાં કુપોષણ અને જરૂરી પૌષ્ટિક પદાર્થોની અછત, તેમના વિકાસમાં મોટો અવરોધ બને છે. તેને જોતાં નક્કી કરવામાં આવ્યું છે કે સરકાર પોતાની જુદી જુદી યોજનાઓ અંતર્ગત જે ચોખા ગરીબોને આપે છે, તેને ફોર્ટિફાય કરશે. ગરીબોને પોષણયુક્ત ચોખા આપવામાં આવશે. કરિયાણાની દુકાન પર મળનારા ચોખા હોય, મિડ ડે મિલમાં બાળકોને મળનારા ચોખા હોય, વર્ષ 2024 સુધી દરેક યોજનાના માધ્યમથી મળનારા ચોખા ફોર્ટિફાય કરીને આપવામાં આવશે.

મારા વ્હાલા દેશવાસીઓ,

આજે દેશમાં દરેક ગરીબ સુધી વધુ સારી સ્વાસ્થ્ય સુવિધા પહોંચાડવાનું અભિયાન પણ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. તેની માટે મેડિકલ શિક્ષણમાં જરૂરી મોટા મોટા સુધારા પણ કરવામાં આવ્યા છે. અટકાયતી આરોગ્ય કાળજી ઉપર પણ એટલું ધ્યાન આપવામાં આવ્યું છે. સાથે સાથે દેશમાં મેડિકલ બેઠકોમાં પણ ઘણો વધારો કરવામાં આવ્યો છે. આયુષ્માન ભારત યોજના અંતર્ગત દેશના ગામડે ગામડા સુધી ગુણવત્તા યુક્ત સ્વાસ્થ્ય સેવાઓ પહોંચાડવામાં આવી રહી છે. જન ઔષધિ યોજનાના માધ્યમથી ગરીબને, મધ્યમ વર્ગને સસ્તી દવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. અત્યાર સુધી 75 હજારથી વધુ આરોગ્ય અને કલ્યાણ કેન્દ્રો બનાવવામાં આવી ચૂક્યા છે. હવે બ્લોક સ્તર પર સારા દવાખાનાઓ અને આધુનિક લેબના નેટવર્ક પર વિશેષ રૂપે કામ કરવામાં આવી રહ્યું છે. ખૂબ ટૂંક સમયમાં દેશના હજારો દવાખાનાની પાસે પોતાના ઑક્સીજન પ્લાન્ટ પણ હશે.

મારા વ્હાલા દેશવાસીઓ,

21મી સદીમાં ભારતને નવી ઊંચાઈ પર પહોંચાડવા માટે ભારતના સામર્થ્યનો યોગ્ય ઉપયોગ.. સંપૂર્ણ ઉપયોગ સમયની માંગ છે. ખૂબ જરૂરી છે. તેની માટે જે વર્ગ પાછળ છે, જે ક્ષેત્ર પાછળ છે તેમનો હાથ પકડવો પડશે. મૂળભૂત જરૂરિયાતોની ચિંતા સાથે દલિતો, પછાત વર્ગના લોકો, આદિવાસીઓ, સામાન્ય વર્ગના ગરીબો માટે અનામતની ખાતરી કરવામાં આવી રહી છે. હમણાં તાજેતરમાં મેડિકલ શિક્ષણ ક્ષેત્રમાં, ઓલ ઈન્ડિયા કોટામાં ઓબીસી વર્ગને અનામતની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. સંસદમાં કાયદો બનાવીને ઓબીસી સાથે જોડાયેલ યાદી બનાવવાનો અધિકાર રાજ્યોને આપી દેવામાં આવ્યો છે.

મારા વ્હાલા દેશવાસીઓ,

જે રીતે આપણે બાબતની ખાતરી કરી રહ્યા છીએ કે સમાજની વિકાસ યાત્રામાં કોઈ વ્યક્તિ રહી ના જાય, કોઈ વર્ગ છૂટી ના જાય, રીતે દેશનો કોઈ ભૂ-ભાગ, દેશનો કોઈ ખુણો પણ પાછળ ના રહી જવો જોઈએ. વિકાસ સર્વાંગી હોવો જોઈએ, વિકાસ સર્વસ્પર્શી હોવો જોઈએ, વિકાસ સર્વસમાવેશક હોવો જોઈએ. દેશના આવા ક્ષેત્રોને આગળ લાવવા માટે છેલ્લા સાત વર્ષોમાં જે પ્રયાસો કરવામાં આવ્યા છે હવે તેને વધારે ગતિ આપવાની દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ. આપણું પૂર્વી ભારત, ઉત્તર પૂર્વ, જમ્મુ કાશ્મીર, લદ્દાખ સહિત સંપૂર્ણ હિમાલયનું ક્ષેત્ર હોય, આપણો દરિયાઈ પટ્ટો હોય કે પછી આદિવાસી અંચલ હોય, તે ભવિષ્યમાં ભારતના વિકાસના, ભારતની વિકાસ યાત્રાના બહુ મોટા આધાર બનવાના છે.

આજે ઉત્તર પૂર્વમાં સંપર્ક વ્યવસ્થાનો નવો ઇતિહાસ લખવામાં આવી રહ્યો છે. સંપર્ક દિલોનો પણ છે અને ઇન્ફ્રાસ્ટ્રકચરનો પણ છે. ખૂબ ટૂંક સમયમાં ઉત્તર પૂર્વના તમામ રાજ્યોની રાજધાનીઓને રેલવે સેવા સાથે જોડવાનું કામ પૂરું થવા જઈ રહ્યું છે. એક્ટ ઈસ્ટ પોલિસી અંતર્ગત આજે ઉત્તર પૂર્વ બાંગ્લાદેશ, મ્યાનમાર અને દક્ષિણ પૂર્વી એશિયા સાથે પણ જોડાઈ રહ્યું છે. વિતેલા વર્ષોમાં જે પ્રયાસો થયા છે તેમના કારણે હવે ઉત્તર પૂર્વમાં સ્થાયી શાંતિ માટે શ્રેષ્ઠ ભારતના નિર્માણ માટે ઉત્સાહ અનેકગણો વધી ગયો છે.

ઉત્તર પૂર્વથી.. ત્યાં આગળ પ્રવાસન, સાહસી રમતો, ઓર્ગેનિક ખેતી, આયુર્વેદિક દવાઓ, ઓઇલ પંપ, તેની ક્ષમતા બહુ મોટી માત્રામાં છે. આપણે સંપૂર્ણ રીતે ક્ષમતાને નિખારવાની રહેશે, દેશની વિકાસ યાત્રાનો ભાગ બનાવવો પડશે. અને આપણે કામ અમૃત કાળના કેટલાક દાયકામાં પૂરું કરવાનું છે. સૌના સામર્થ્યને યોગ્ય અવસર આપવો લોકશાહીની વાસ્તવિક ભાવના છે. જમ્મુ હોય કે કાશ્મીર, વિકાસનું સંતુલન હવે જમીન પર જોવા મળી રહ્યું છે.

જમ્મુ કાશ્મીરમાં ડીલિમિટેશન કમિશનની રચના થઈ ચૂકી છે અને ભવિષ્યમાં વિધાનસભા ચૂંટણી માટે પણ તૈયારીઓ ચાલી રહી છે. લદ્દાખ પણ વિકાસની પોતાની અસીમ સંભાવનાઓની દિશામાં આગળ વધી રહ્યું છે. એક બાજુ લદ્દાખ આધુનિક ઇન્ફ્રાસ્ટ્રકચરનું નિર્માણ થતું જોઈ રહ્યું છે તો ત્યાં બીજી બાજુ સિંધુ સેન્ટ્રલ યુનિવર્સિટી લદ્દાખને ઉચ્ચ શિક્ષણનું, હાયર એજ્યુકેશનનું કેન્દ્ર પણ બનાવી રહી છે.

21 મી સદીના દાયકામાં, ભારત બ્લૂ ઈકોનોમીના પોતાના પ્રયાસોને વધારે ગતિ આપશે. આપણે જળચર ઉછેરની સાથે સાથે દરિયાઈ વિડ્સની ખેતીમાં જે નવી સંભાવનાઓ બની રહી છે તે સંભાવનાઓનો પણ પૂરેપૂરો લાભ ઉઠાવવાનો છે. ડીપ ઓશન મિશન સમુદ્રની અસીમ સંભાવનાઓને શોધવાની આપણી મહત્વાકાંક્ષાઓનું પરિણામ છે. જે ખનીજ સંપત્તિ સમુદ્રમાં છુપાયેલી પડી છે જે પરમાણુ ઉર્જા સમુદ્રના પાણીમાં છે, તે દેશના વિકાસને નવી ઊંચાઈઓ આપી શકે છે.

દેશના જે જિલ્લાઓ માટે એવું માનવામાં આવતું હતું કે તે પાછળ રહી ગયેલા છે, અમે તેમની આકાંક્ષાઓને પણ જગાડી છે. દેશમાં 110 થી વધુ આકાંક્ષી જિલ્લાઓ, મહત્વાકાંક્ષી જિલ્લાઓમાં શિક્ષણ, સ્વાસ્થ્ય, પોષણ, માર્ગો, રોજગાર સાથે જોડાયેલ યોજનાઓને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. તેમાંથી અનેક જિલ્લા આપણાં આદિવાસી ભાગમાં રહેલા છે. અમે જિલ્લાઓની વચ્ચે વિકાસની એક તંદુરસ્ત સ્પર્ધાનો એક ઉત્સાહ ઉત્પન્ન કર્યો છે. આકાંક્ષી જિલ્લાઓ ભારતના અન્ય જિલ્લાઓની સરખામણી સુધી પહોંચે, તે દિશામાં ઝડપથી સ્પર્ધા ચાલી રહી છે.

મારા વ્હાલા દેશવાસીઓ,

આર્થિક વિશ્વમાં મૂડીવાદ અને સમાજવાદ તેની ચર્ચા તો બહુ થાય છે પરંતુ ભારત સહકારવાદ ઉપર પણ ભાર મૂકે છે. સહકારવાદ, આપણી પરંપરા, આપણાં સંસ્કારોને પણ અનુકૂળ છે. સહકારવાદ, જેમાં જનતા જનાર્દનની સામૂહિક શક્તિ અર્થવ્યવસ્થાની ચાલક શક્તિના રૂપમાં ડ્રાઇવિંગ ફોર્સ બને, દેશની જમીની સ્તરના અર્થતંત્ર માટે એક મહત્વપૂર્ણ ક્ષેત્ર છે. સહકારી માત્ર કાયદા નિયમોની ઝંઝાળ ધરાવતી એક વ્યવસ્થા નથી પરંતુ સહકારી એક જુસ્સો છે, સહકાર એક સંસ્કાર છે, સહકાર એક સામૂહિક રીતે ચાલવાની મનોવૃત્તિ છે. તેમનું સશક્તિકરણ થાય, તેની માટે અમે જુદું મંત્રાલય બનાવીને દિશામાં પગલાં ભર્યા છે અને રાજ્યોની અંદર જે સહકારી ક્ષેત્ર છે, તેમની ઉપર જેટલો વધુ ભાર આપવામાં આવી શકે, તે ભાર આપવા માટે અમે પગલાં ભર્યા છે.

મારા વ્હાલા દેશવાસીઓ,

દાયકામાં આપણે ગામડાઓમાં નવી અર્થવ્યવસ્થાના નિર્માણ માટે પૂરેપૂરી શક્તિ લગાવવી પડશે. આજે આપણે આપણાં ગામડાઓને ઝડપથી પરિવર્તિત થતાં જોઈ રહ્યા છીએ. વિતેલા કેટલા વર્ષો, ગામડાઓ સુધી માર્ગો અને વીજળીની સુવિધાઓ પહોંચાડવા માટેના રહ્યા હતા. તે સંપૂર્ણ કાળખંડ અમારો રહ્યો. પરંતુ હવે ગામડાઓને ઓપ્ટિકલ ફાયબર નેટવર્ક ડેટાની તાકાત પહોંચી રહી છે, ઈન્ટરનેટ પહોંચી રહ્યું છે. ગામડાઓમાં પણ ડિજિટલ ઉદ્યોગસાહસિકો તૈયાર થઈ રહ્યા છે. ગામડાઓમાં જે આપણી સ્વ સહાય જૂથો સાથે જોડાયેલી 8 કરોડથી વધુ બહેનો છે, તેઓ એકથી ચઢે એવી એક ચીજવસ્તુઓ બનાવે છે. તેમના ઉત્પાદનોને દેશમાં અને વિદેશમાં મોટું બજાર મળે તેની માટે હવે સરકાર -કોમર્સ મંચ પણ તૈયાર કરશે.

આજે જ્યારે દેશ વોકલ ફોર લોકલ મંત્ર સાથે આગળ વધી રહ્યો છે તો ડિજિટલ મંચ મહિલા સ્વ સહાય જૂથના ઉત્પાદનોને દેશના દૂર-સુદૂરના ક્ષેત્રોમાં પણ અને વિદેશોમાં પણ લોકો સાથે જોડશે અને તેમનું ફલક ખૂબ વિસ્તૃત હશે. કોરોના દરમિયાન દેશે ટેકનોલોજીની તાકાત, આપણાં વૈજ્ઞાનિકોનું સામર્થ્ય અને તેમની પ્રતિબદ્ધતાને જોઈ છે. દેશના દરેક ક્ષેત્રમાં આપણાં દેશના વૈજ્ઞાનિક ખૂબ સુજબૂઝ સાથે કામ કરી રહ્યા છે. હવે સમય આવી ગયો છે કે આપણે આપણાં કૃષિ ક્ષેત્રમાં પણ વૈજ્ઞાનિકોની ક્ષમતાઓ અને તેમના સૂચનોને પણ આપણાં કૃષિ ક્ષેત્ર સાથે જોડીએ. હવે આપણે વધુ રાહ જોઈ શકીએ તેમ નથી અને આપણે તેનો પૂરેપૂરો લાભ ઉઠાવવાનો છે. તેનાથી દેશને ખાદ્ય સુરક્ષા આપવાની સાથે ફળ, શાકભાજીઓ અને અનાજનું ઉત્પાદન વધારવામાં ખૂબ મોટી મદદ મળશે અને આપણે વિશ્વ સુધી પહોંચવા માટે પોતાની જાતને મજબૂતી સાથે આગળ વધારીશું.

પ્રયાસોની વચ્ચે કૃષિ ક્ષેત્રના એક બહુ મોટા પડકાર તરફ પણ આપણે ધ્યાન આપવાનું છે. પડકાર છે, ગામડાના લોકો પાસે ઓછી થતી જઈ રહેલી જમીન, વધતી વસતિની સાથે.. પરિવારોમાં જે વિભાજનો થઈ રહ્યા છે તેના કારણે ખેડૂતોની જમીન નાની, નાની, નાનામાં નાની થતી જઈ રહી છે. દેશના 80 ટકા કરતાં વધુ ખેડૂતો એવા છે કે જેમની પાસે બે હેક્ટર કરતાં પણ ઓછી જમીન છે. જો આપણે જોઈએ તો 100 માંથી 80 ખેડૂતો પાસે બે હેક્ટર કરતાં પણ ઓછી જમીન એટલે કે દેશનો ખેડૂત એક રીતે નાનો ખેડૂત છે. પહેલા જે દેશની નીતિઓ બની તેમાં નાના ખેડૂતોને જેટલી પ્રાથમિકતા આપવાની જરૂર હતી, તેની ઉપર જેટલું ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર હતી તે રહી ગયું હતું. હવે દેશમાં નાના ખેડૂતોને ધ્યાનમાં રાખીને કૃષિ સુધારા કરવામાં આવી રહ્યા છે, નિર્ણયો લેવામાં આવી રહ્યા છે.

પાક વીમા યોજનામાં સુધારા હોય, લઘુત્તમ ટેકાના ભાવને દોઢ ગણા કરવાનો મોટો મહત્વપૂર્ણ નિર્ણય હોય, નાના ખેડૂતોને ક્રેડિટ કાર્ડ કરતાં સસ્તા દરે બેંક પાસેથી ધિરાણ મળવાની વ્યવસ્થા હોય, સોલર પાવર સાથે જોડાયેલ યોજનાઓ ખેતી સુધી પહોંચાડવાની વાત હોય, ખેડૂત ઉત્પાદક સંગઠનો હોય.. બધા પ્રયાસ નાના ખેડૂતોની તાકાત વધારશે. આવનાર સમયમાં બ્લોક લેવલ સુધી વેર હાઉસની સુવિધા નિર્માણ કરવાનું પણ અભિયાન ચલાવવામાં આવશે. દરેક નાના ખેડૂતોના નાનામાં નાના ખર્ચને ધ્યાનમાં રાખીને પીએમ કિસાન સમ્માન નિધિ યોજના ચલાવવામાં આવી રહી છે. દસ કરોડથી વધુ રકમ સીધી તેમના ખાતાઓમાં જમા કરાવી દેવામાં આવી છે. નાના ખેડૂતો હવે અમારી માટે અમારો મંત્ર છે, અમારો સંકલ્પ છે. નાનો ખેડૂત બને દેશની શાન.. નાનો ખેડૂત બને દેશની શાન. અમારું સપનું છે. આવનાર વર્ષોમાં આપણે દેશના નાના ખેડૂતોની સામૂહિક શક્તિને વધારે આગળ વધારવાની છે. નવી સુવિધાઓ આપવી પડશે. આજે દેશના 70થી વધુ રેલ માર્ગો પર ખેડૂત રેલવે ચાલી રહી છે.

ખેડૂત રેલવે નાના ખેડૂતોને પોતાના ઉત્પાદનોને ઓછા ખર્ચે, વાહનવ્યવહારનો ખર્ચ ઓછો થાય, રીતે દૂર-સુદૂરના વિસ્તારોમાં આધુનિક સુવિધા સાથે પોતાના ઉત્પાદનો પહોંચાડી શકે છે. કમલમ હોય કે શાહી લીચી, ભૂત જોલોકિયા મરચું હોય કે કાળા ચોખા અથવા હળદર અનેકો ઉત્પાદનો દુનિયાના જુદા જુદા દેશોમાં મોકલવામાં આવી રહ્યા છે. આજે દેશને પ્રસન્નતા થાય છે જ્યારે ભારતની માટીમાં ઉત્પન્ન થયેલી ચીજવસ્તુઓની સુગંધ દુનિયાના જુદા જુદા દેશો સુધી પહોંચી રહી છે. ભારતના ખેતરમાંથી નીકળેલા શાકભાજી અને ખાદ્યાન્ન આજે દુનિયાનો સ્વાદ બની રહ્યા છે.

મારા વ્હાલા દેશવાસીઓ,

કઈ રીતે આજે ગામડાના સામર્થ્યનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, તેનું એક ઉદાહરણ છે સ્વામિત્વ યોજના. આપણે સૌ જાણીએ છીએ કે ગામડાઓમાં જમીનની કિંમતની શું સ્થિતિ થાય છે. જમીન પર તેમને બૅન્કો પાસેથી કોઈ ધિરાણ નથી મળતું, પોતે જમીનના માલિક હોવા છતાં પણ. કારણ કે ગામડાઓમાં જમીનોના કાગળ પર અનેક અનેક પેઢીઓ સુધી કોઈ કામ નથી થયેલું હોતું. લોકો પાસે તેની વ્યવસ્થા નથી. સ્થિતિને બદલવાનું કામ આજે સ્વામિત્વ યોજના કરી રહી છે. આજે ગામડે ગામડામાં દરેક ઘરની, દરેક જમીનની, ડ્રોનના માધ્યમથી માપણી કરવામાં આવી રહી છે. ગામની જમીનોના ડેટા અને સંપત્તિના કાગળો ઓનલાઈન અપલોડ થઈ રહ્યા છે. તેનાથી માત્ર ગામડાઓમાં જમીન સાથે જોડાયેલ વિવાદ સમાપ્ત નથી થઈ રહ્યા પરંતુ ગામના લોકોને બેંક પાસેથી સરળતાથી લોન પણ મળવાની વ્યવસ્થાનું નિર્માણ થયું છે. ગામડાંની ગરીબની જમીનો વિવાદના નહીં પરંતુ વિકાસના આધાર બને, દેશ આજે દિશામાં આગળ વધી રહ્યો છે.

મારા વ્હાલા દેશવાસીઓ,

સ્વામી વિવેકાનંદજી જ્યારે ભારતના ભવિષ્યની વાત કરતાં હતા, પોતાની આંખો સામે માં ભારતની ભવ્યતાનું જ્યારે તેઓ દર્શન કરતાં હતા ત્યારે તેઓ કહેતા હતા કેજ્યાં સુધી શક્ય થઈ શકે, અતિત સામે જુઓ. પાછળ જે ચીર નૂતન ઝરણું વહી રહ્યું છે, આકંઠ તેનું જળ પીવો અને તે પછી જુઓ સ્વામી વિવેકાનંદજીની વિશેષતા, તે પછી સામેની તરફ જુઓ. આગળ વધો અને ભારતને પહેલા કરતાં અનેકગણું વધારે ઉજ્જવળ, મહાન, શ્રેષ્ઠ બનાવો. આઝાદીના 75મા વર્ષમાં આપણી જવાબદારી છે કે આપણે હવે આપણાં દેશના અસીમ સામર્થ્ય પર વિશ્વાસ કરીને આગળ વધીએ. આપણે સાથે મળીને કામ કરવું પડશે, નવી પેઢીના ઇન્ફ્રાસ્ટ્રકચર માટે, આપણે સાથે મળીને કામ કરવું પડશે વિશ્વ કક્ષાના ઉત્પાદન માટે, આપણે સાથે મળીને કામ કરવું પડશે કટિંગ એજ ઇનોવેશન માટે, આપણે સાથે મળીને કામ કરવું પડશે નવા યુગની ટેકનોલોજી માટે.

મારા વ્હાલા દેશવાસીઓ,

આધુનિક વિશ્વમાં પ્રગતિ પાયાગત, આધુનિક ઇન્ફ્રાસ્ટ્રકચર પર ઊભી રહે છે. તે મધ્યમવર્ગની જરૂરિયાતો, આકાંક્ષાઓની પણ પૂર્તિ કરે છે. નબળા ઇન્ફ્રાસ્ટ્રકચરનું બહુ મોટું નુકસાન વિકાસની ગતિને પણ થાય છે. શહેરી મધ્યમ વર્ગને પણ થાય છે.

મારા વ્હાલા દેશવાસીઓ,

વાતને સમજતા જળ, જમીન, નભ દરેક ક્ષેત્રમાં દેશે અસાધારણ ગતિ અને સ્તર પર કામ કરીને બતાવ્યું છે. નવા જળમાર્ગો, વોટર વેઝ હોય, કે નવા નવા સ્થાનોને સી પ્લેન સાથે જોડવાના હોય, દેશમાં ખૂબ ઝડપથી કામ ચાલી રહ્યું છે. ભારતીય રેલવે પણ ઝડપી ગતિએ આધુનિક અવતારમાં ઢળી રહી છે. દેશે સંકલ્પ લીધો છે કે આઝાદીના અમૃત મહોત્સવના, તમને ખબર હશે કે આપણે આઝાદીના અમૃત મહોત્સવને 75 અઠવાડિયા સુધી ઉજવવાનું નક્કી કર્યું છે. 12 માર્ચથી શરૂ થયું છે અને 2023, 15 ઓગસ્ટ સુધી આને ચલાવવાનું છે, ઉત્સાહ સાથે આગળ વધવાનું છે. એટલા માટે દેશે એક બહુ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આઝાદીના અમૃત મહોત્સવના 75 સપ્તાહમાં, 75 સપ્તાહમાં 75 વંદે ભારત ટ્રેનો દેશના પ્રત્યેક ખૂણાને પરસ્પર જોડીને રહેશે. આજે જે ગતિએ દેશમાં નવા એરપોર્ટનું નિર્માણ થઈ રહ્યું છે, ઉડાન યોજના દૂર-સુદૂરના વિસ્તારોને જોડી રહી છે, તે અભૂતપૂર્વ છે. આજે આપણે જોઇ રહ્યા છીએ કે કઈ રીતે વધુ સારી હવાઈ સંપર્ક વ્યવસ્થા લોકોના સપનાઓને નવી ઉડાન આપી રહી છે.

મારા વ્હાલા દેશવાસીઓ,

ભારતને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રકચર સાથે ઇન્ફ્રાસ્ટ્રકચર નિર્માણમાં સમગ્રતયા પહોંચ, સંકલિત પહોંચનો સ્વીકાર કરવાની પણ તાતી જરૂરિયાત છે. આવનાર કેટલાક સમયમાં અમે કરોડો દેશવાસીઓનું સપનું પૂરું કરનારી એક બહુ મોટી યોજના, પ્રધાનમંત્રી ગતિ શક્તિનો રાષ્ટ્રીય માસ્ટર પ્લાન દેશની સામે લઈને આવવાના છીએ. તેનો પ્રારંભ કરાવવા જઈ રહ્યા છીએ. સો લાખ કરોડથી પણ વધુની યોજના લાખો નવયુવાનો માટે રોજગારના નવા અવસરો લઈને આવવાની છે. ગતિ શક્તિ આપણાં દેશ માટે એક એવો રાષ્ટ્રીય ઇન્ફ્રાસ્ટ્રકચર માસ્ટર પ્લાન હશે કે જે સમગ્રતયા ઇન્ફ્રાસ્ટ્રકચરનો પાયો નાંખશે. આપણાં અર્થતંત્રને એક સંકલિત અને સમગ્રતયા માર્ગ આપશે. અત્યારે આપણે જોઈએ છીએ કે આપણાં વાહનવ્યવહારના સાધનોમાં કોઈ તાલમેલ નથી હોતો. ગતિશક્તિ સિલોસને તોડશે. ભવિષ્યના રસ્તા વડે બધા માર્ગોને, સાથે બીજી પણ જે મુશ્કેલીઓ છે તેમને દૂર કરશે. તેનાથી સામાન્ય માનવી માટે પ્રવાસન સમયમાં ઘટાડો થશે અને આપણાં ઉદ્યોગોની ઉત્પાદન ક્ષમતા વધારે વધશે. ગતિશક્તિ આપણાં સ્થાનિક ઉત્પાદનને વૈશ્વિક સ્પર્ધા કરવામાં પણ બહુ મોટી મદદ કરશે અને તેનાથી ભવિષ્યના આર્થિક ક્ષેત્રોના નિર્માણની નવી સંભાવનાઓ પણ વિકસિત થશે. અમૃત કાળના દાયકામાં ગતિની શક્તિ ભારતના કાયાકલ્પનો આધાર બનશે.

મારા વ્હાલા દેશવાસીઓ,

વિકાસના પથ પર આગળ વધતાં ભારતને પોતાના ઉત્પાદન અને નિકાસ બંનેને વધારવું પડશે. તમે જોયું છે, કે હમણાં કેટલાક દિવસો પહેલા ભારતે પોતાના પહેલા સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર આઈએનએસ વિક્રાંતને સમુદ્રમાં ટ્રાયલ માટે ઉતાર્યું છે. ભારત આજે પોતાના લડાયક વિમાનો બનાવી રહ્યું છે, પોતાની સબમરીન બનાવી રહ્યું છે, ગગનયાન પણ અંતરીક્ષમાં ભારતનો પરચમ લહેરાવવા માટે તૈયાર થઈ રહ્યું છે. સ્વદેશી ઉત્પાદનમાં આપણાં સામર્થ્યને ઉજાગર કરે છે.

કોરોના પછી ઉત્પન્ન થયેલ નવી આર્થિક પરિસ્થિતિઓમાં મેઇક ઇન ઈન્ડિયાને સ્થાપિત કરવા માટે દેશે ઉત્પાદન સાથે જોડાયેલ પ્રોત્સાહનોની પણ જાહેરાત કરી છે. યોજના વડે જે પરિવર્તન આવી રહ્યું છે, તેનું ઉદાહરણ ઇલેક્ટ્રોનિક ઉત્પાદન ક્ષેત્ર છે. સાત વર્ષ પહેલા આપણે લગભગ આઠ બિલિયન ડોલરના મોબાઈલ ફોન ઇમ્પોર્ટ એટલે કે આયાત કરતાં હતા. હવે આયાત તો બહુ વધારે ઘટી ગઈ છે પરંતુ આપણે ત્રણ બિલિયન ડોલરના મોબાઈલ ફોનની નિકાસ પણ કરી રહ્યા છીએ.

આજે જ્યારે આપણાં ઉત્પાદન ક્ષેત્રને ગતિ મળી રહી છે તો આપણે ધ્યાન રાખવાનું છે કે આપણે ભારતમાં જે પણ બનાવીએ તેના વડે આપણે શ્રેષ્ઠતમ ગુણવત્તામાં વૈશ્વિક સ્પર્ધામાં ટકી શકીએ અને શક્ય હોય તો એક પગલું આગળ વધારીએ, એવી તૈયારી કરવાની છે અને વૈશ્વિક બજારને આપણે લક્ષ્ય બનાવવાનું છે. દેશના તમામ ઉત્પાદકોને હું આગ્રહપૂર્વક કહેવા માંગુ છું, આપણાં ઉત્પાદકોએ વાતને ક્યારેય ભૂલવી ના જોઈએ કે તમે જે ઉત્પાદન બહાર વેચો છો તે માત્ર તમારી કંપની દ્વારા બનાવવામાં આવેલ એક સાધન માત્ર નથી, એક ઉત્પાદન માત્ર નથી પરંતુ તેની સાથે ભારતની ઓળખ જોડાયેલી રહે છે, ભારતની પ્રતિષ્ઠા જોડાયેલી રહે છે, ભારતના કોટિ કોટિ લોકોનો વિશ્વાસ જોડાયેલો હોય છે.

મારા વ્હાલા દેશવાસીઓ,

હું એટલા માટે ઉત્પાદકોને કહેતો હોઉં છું કે તમારું પ્રત્યેક ઉત્પાદન ભારતનું બ્રાન્ડ એમ્બેસેડર છે. જ્યાં સુધી તે ઉત્પાદન ઉપયોગમાં લેવાતું રહેશે, તેને ખરીદનારાઓ કહેશે, ખૂબ ગર્વ સાથે કહશે, છાતી ફુલાવીને કહેશેહા, મેઇડ ઇન ઈન્ડિયા છે. આવો ભાવ જોઈએ છે. હવે તમારા મનમાં દુનિયાના બજારમાં છવાઈ જવાનું સપનું હોવું જોઈએ. સપનાંને પૂરું કરવા માટે સરકાર દરેક રીતે તમારી સાથે ઊભેલી છે.

મારા વ્હાલા દેશવાસીઓ,

આજે દેશના જુદા જુદા ક્ષેત્રો અને દેશના નાના શહેરોમાં પણ, ટાયર 2, ટાયર 3 શહેરોમાં પણ નવા નવા સ્ટાર્ટ અપ ખૂલી રહ્યા છે. તેમની પણ ભારતીય ઉત્પાદનોને આંતરરાષ્ટ્રીય બજારોમાં લઈ જવામાં બહુ મોટી ભૂમિકા છે. સરકાર પોતાના સ્ટાર્ટ અપ્સ સાથે પૂરેપૂરી તાકાત સાથે ઊભેલી છે. તેમને આર્થિક મદદ આપવાની હોય, કરમાં છૂટ આપવાની હોય, તેની માટે નિયમોને સરળ બનાવવાના હોય, બધુ કરી શકાય તેમ છે. આપણે જોયું છે કે કોરોનાના મુશ્કેલ સમયમાં હજારો હજારો નવા સ્ટાર્ટ અપ્સ બહાર ઉભરીને આવ્યા છે. ખૂબ મોટી સફળતા સાથે તેઓ આગળ વધી રહ્યા છે. ગઇકાલના સ્ટાર્ટ અપ્સ આજે યુનિકોર્ન બની રહ્યા છે. તેમની બજાર કિંમત હજારો કરોડ રૂપિયા સુધી પહોંચી રહી છે.

તે દેશમાં નવા પ્રકારના સંપત્તિ નિર્માણકર્તાઓ છે. તેઓ પોતાના નવીન વિચારોની શક્તિ દ્વારા પોતાના પગ પર ઊભા થઈ રહ્યા છે, આગળ વધી રહ્યા છે અને દુનિયામાં છવાઈ જવાનું સપનું લઈને આગળ વધી રહ્યા છે. દાયકામાં ભારતના સ્ટાર્ટ અપ્સ, ભારતના સ્ટાર્ટ અપ ઇકોસિસ્ટમ, તેને આપણે આખી દુનિયામાં સર્વશ્રેષ્ઠ બનાવીએ, આપણે તે દિશામાં કામ કરવાનું છે, આપણે રોકાવાનું નથી.

મારા વ્હાલા દેશવાસીઓ,

મોટા પરિવર્તનો લાવવા માટે, મોટા સુધારા કરવા માટે, રાજનૈતિક ઈચ્છાશક્તિ, પોલિટિકલ વિલની જરૂર પડે છે. આજે દુનિયા જોઇ રહી છે કે ભારતમાં રાજનૈતિક ઇચ્છાશક્તિની કોઈ અછત નથી રહી. સુધારાઓને લાગુ કરવા માટે સારી અને સ્માર્ટ શાસન વ્યવસ્થા હોવી જોઈએ. આજે દુનિયા વાતની પણ સાક્ષી છે કે કઈ રીતે ભારત પોતાને ત્યાં સુશાસનનો નવો અધ્યાય લખી રહ્યું છે. અમૃતકાળના દાયકામાં આપણે આગામી પેઢીના સુધારાને.. અને તેમાં આપણી પ્રાથમિકતા હશે નાગરિકોને જે કઈં પણ મળવું જોઈએ, જે સેવા પહોંચવી જોઈએ, તે છેલ્લા માઈલ સુધી, છેલ્લી વ્યક્તિ સુધી સરળતાથી, કોઈ ખચકાટ વગર, જરા પણ મુશ્કેલી વિના તેના સુધી પહોંચે. દેશના સમગ્ર વિકાસ માટે લોકોના જીવનમાં સરકાર અને સરકારી પ્રક્રિયાઓની કારણ વગરની દખલગીરી સમાપ્ત કરવી પડશે.

પહેલાના સમયમાં સરકાર પોતે વાહન ચાલકની બેઠક પર બેસી ગઈ હતી. તે સમયની કદાચ માંગ રહી હશે. પરંતુ હવે સમય બદલાઈ ગયો છે. વિતેલા સાત વર્ષોમાં દેશમાં તેની માટે પ્રયાસ પણ વધ્યો છે કે દેશના લોકોને બિનજરૂરી કાયદાઓની ઝાળ, બિનજરૂરી પ્રક્રિયાઓની ઝાળમાંથી મુક્તિ અપાવવામાં આવે. અત્યાર સુધી દેશના સેંકડો જૂના કાયદાઓને સમાપ્ત કરી દેવામાં આવ્યા છે. કોરોનાના કાળખંડમાં પણ સરકારે 15 હજારથી વધુ કમ્પ્લાયન્સને અમે નાબૂદ કર્યા છે.

તમે વિચાર કરો, 200 વર્ષ પહેલા.. એક ઉદાહરણ હું આપવા માંગુ છું, 200 વર્ષ પહેલા આપણે ત્યાં એક કાયદો ચાલતો આવી રહ્યો છે.. 200 વર્ષ એટલે કે 1857 કરતાં પણ પહેલાના સમયથી, જેના કારણે દેશના નાગરિકને મેપિંગ એટલે કે નકશો બનાવવાની સ્વતંત્રતા આપવામાં નહોતી આવી. હવે વિચાર કરો, 1857થી ચાલી રહેલો છે.. નકશો બનાવવો છે તો સરકારને પૂછો, નકશો કોઈ પુસ્તકમાં છાપવો છે તો સરકારને પૂછો, નકશો ખોવાઈ જાય તો ધરપકડ કરવાની પણ તેમાં જોગવાઈ છે. આજકાલ દરેક ફોનમાં નકશાની એપ છે. સેટેલાઈટની એટલી તાકાત છે કે પછી આવા કાયદાઓના બોજ માથા પર લઈને દેશને આગળ કેવી રીતે વધારીશું આપણે! કમ્પ્લાયન્સનો બોજ ઉતરવો ખૂબ જરૂરી છે. મેપિંગની વાત હોય, અવકાશની વાત હોય, ઇન્ફોર્મેશન ટેકનોલોજીની વાત હોય, બીપીઓની વાત હોય, જેવા અનેક ક્ષેત્રોમાં ઘણા બધા નિયમનોને અમે સમાપ્ત કરી દીધા છે.

મારા વ્હાલા દેશવાસીઓ,

કારણ વગર કાયદાઓની પકડમાંથી મુક્તિ જીવન જીવવાની સરળતાની સાથે સાથે વેપાર કરવાની સરળતા બંને માટે ખૂબ જરૂરી છે. આપણાં દેશના ઉદ્યોગો અને વેપાર આજે પરિવર્તનનો અનુભવ કરી રહ્યા છે.

આજે ડઝનબંધ કાયદાઓ માત્ર 4 કોડમાં સમાવિષ્ટ થઈ ચૂક્યા છે. કર સાથે જોડાયેલ વ્યવસ્થાઓને પણ હવે સરળ અને ફેસલેસ બનાવવામાં આવી છે. પ્રકારના સુધારા માત્ર સરકાર સુધી સીમિત ના રહે પરંતુ ગ્રામ પંચાયત અને નગર નિગમો, નગરપાલિકાઓ સુધી પહોંચે, તેની ઉપર દેશની દરેક વ્યવસ્થાએ સાથે મળીને કામ કરવું પડશે. હું આજે આહવાહન કરી રહ્યો છું અને ખૂબ આગ્રહ સાથે કરી રહ્યો છું, કેન્દ્ર હોય કે રાજ્ય તમામ વિભાગોને હું કહી રહ્યો છું, તમામ સરકારી કાર્યાલયોને કહી રહ્યો છું. પોતાને ત્યાં નિયમો અને પ્રક્રિયાઓની સમીક્ષાનું અભિયાન ચલાવો. તે દરેક નિયમ, તે દરેક પ્રક્રિયા કે જે દેશના લોકોની સામે અવરોધ બનીને, બોજ બનીને ઊભેલી છે તેને આપણે દૂર કરવી પડશે. મને ખબર છે જે 70-75 વર્ષમાં જમા થયું છે તે એક દિવસમાં અથવા એક વર્ષમાં નહિ જાય. પરંતુ મન બનાવીને કામ શરૂ કરીશું તો આપણે આવું જરૂરથી કરી શકીશું.

મારા વ્હાલા દેશવાસીઓ,

વિચારધારા સાથે સરકારે નોકરશાહીમા લોકો કેન્દ્રી પહોંચ વધારવા, અસરકારકતા વધારવા માટે સરકારે મિશન કર્મયોગી અને ક્ષમતા નિર્માણ પંચની શરૂઆત પણ કરી છે.

મારા વ્હાલા દેશવાસીઓ,

કૌશલ્ય અને સામર્થ્યથી ભરેલી આપણાં દેશની માટી માટે કઇંક કરી છૂટવાની ભાવનાથી ભરેલા નવયુવાનોને તૈયાર કરવામાં ભૂમિકા હોય છે.. કોની હોય છે.. બહુ મોટી ભૂમિકા હોય છેઆપણાં શિક્ષણની, આપણી શિક્ષણ વ્યવસ્થાની, આપણી શિક્ષણ પરંપરાની. આજે દેશની પાસે 21 મી સદીની જરૂરિયાતોને પુરી કરનારી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પણ છે. હવે આપણાં બાળકો ના તો કૌશલ્યની અછતના કારણે અટકશે અને ના તો ભાષાની મર્યાદામાં બંધાશે. દુર્ભાગ્ય વડે આપણાં દેશમાં ભાષાને લઈને એક બહુ મોટું વિભાજન ઉત્પન્ન થઈ ગયું છે. ભાષાના કારણે આપણે દેશની બહુ મોટી પ્રતિભાને પિંજરામાં બાંધી દીધી છે. માતૃ ભાષામાં પ્રખર પ્રતિભાવાન લોકો મળી શકે છે. માતૃ ભાષામાં ભણેલા લોકો આગળ આવશે તો તેમનો આત્મવિશ્વાસ વધારે વધશે. જ્યારે ગરીબની દીકરી, ગરીબનો દીકરો માતૃ ભાષામાં ભણીને વ્યાવસાયિક બનશે તો તેના સામર્થ્યની સાથે ન્યાય થશે.

નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં ગરીબી વિરુદ્ધ લડાઈનું સાધન ભાષા છે, એવું હું માનું છું. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પણ એક રીતે ગરીબી વિરુદ્ધ લડાઈ લડવા માટેનું એક બહુ મોટું શસ્ત્ર બનીને કામ આવવાની છે. ગરીબી સામે જંગ જીતવાનો આધાર પણ માતૃભાષામાં શિક્ષણ છે, માતૃ ભાષાની પ્રતિષ્ઠા છે, માતૃભાષાનું મહત્વ છે. દેશે જોયું છે કે રમતના મેદાનમાં.. અને આપણે અનુભવ કરી રહ્યા છીએ, ભાષા અડચણ નથી બની અને તેનું પરિણામ જોયું છે કે યુવાનો આપણાં ખિલવા લાગ્યા છે, રમી પણ રહ્યા છે અને ખીલી પણ રહ્યા છે. હવે આવું જીવનના અન્ય મેદાનોમાં પણ થશે.

નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ તેની બીજી એક વિશેષ વાત છે, તેમાં રમતગમતને વધારાની અભ્યાસક્રમની પ્રવૃત્તિની જગ્યાએ મુખ્ય પ્રવાહના અભ્યાસનો એક ભાગ બનાવવામાં આવેલ છે. જીવનને આગળ વધારવામાં જે પણ અસરકારક માધ્યમ છે તેમાંથી એક ખેલકૂદ પણ છે. જીવનમાં સંપૂર્ણતા માટે, જીવનમાં રમતગમતનું હોવું, ખેલકૂદનું હોવું ખૂબ જરૂરી છે. એક સમય હતો કે જ્યારે ખેલકૂદને મુખ્ય પ્રવાહ સમજવામાં નહોતો આવતો. મા-બાપ પણ પોતાના બાળકોને કહેતા હતા કે રમતા રહેશો તો જીવન બરબાદ કરી લેશો. હવે દેશમાં તંદુરસ્તીને લઈને ખેલકૂદને લઈને એક જાગૃતિ આવી છે. વખતે ઓલિમ્પિકમાં પણ આપણે જોયું છે, આપણે અનુભવ કર્યો છે. પરિવર્તન આપણાં દેશની માટે એક બહુ મોટો વળાંક છે. એટલા માટે આજે દેશમાં રમતોમાં પ્રતિભા, ટેકનોલોજી અને વ્યવસાયિકરણ લાવવા માટે જે અભિયાન ચાલી રહ્યું છે તેને દાયકામાં આપણે હજી વધારે ઝડપી અને વ્યાપક બનાવવાનું છે.

તે દેશની માટે ગૌરવની વાત છે કે શિક્ષણ હોય કે રમતગમત, બોર્ડના પરિણામો હોય કે ઓલિમ્પિકનું મેદાન આપણી દીકરીઓ આજે અભૂતપૂર્વ પ્રદર્શન કરી રહી છે. આજે ભારતની દીકરીઓ પોતાની જગ્યા મેળવવા માટે આતુર છે. આપણે બાબતની ખાતરી કરવાની છે કે દરેક કારકિર્દી અને કાર્યક્ષેત્રમાં મહિલાઓની સમાન સહભાગિતા હોય. આપણે બાબતની ખાતરી કરવાની છે કે માર્ગો પરથી લઈને કાર્ય કરવાના સ્થળ સુધી, દરેક જગ્યા પર મહિલાઓને સુરક્ષાની ભાવનાનો અનુભવ થાય. સન્માનનો ભાવ અનુભવાય તે માટે દેશના શાસન પ્રશાસનને, પોલીસ અને ન્યાય વ્યવસ્થાને, નાગરિકોએ પોતાની સોએ સો ટકા જવાબદારી નિભાવવાની છે. સંકલ્પને આપણે આઝાદીના 75 વર્ષનો સંકલ્પ બનાવવાનો છે.

આજે હું ખુશી દેશવાસીઓ સાથે વહેંચી રહ્યો છું. મને લાખો દીકરીઓના સંદેશ મળતા હતા કે તેઓ પણ સૈનિક સ્કૂલમાં ભણવા માંગે છે. તેમની માટે પણ સૈનિક સ્કૂલના દરવાજા ખોલવામાં આવે. બે અઢી વર્ષ પહેલા મિઝોરમની સૈનિક સ્કૂલમાં પહેલીવાર દીકરીઓને પ્રવેશ આપવાનો એક નાનકડો પ્રયોગ શરૂ કર્યો હતો. હવે સરકારે નક્કી કર્યું છે કે દેશની તમામ સૈનિક સ્કૂલોને દેશની દીકરીઓ માટે પણ ખોલી દેવામાં આવશે. દેશની તમામ સૈનિક સ્કૂલોમાં હવે દીકરીઓ પણ ભણશે.

વિશ્વમાં રાષ્ટ્રીય સુરક્ષાનું જેટલું મહત્વ છે તેટલું મહત્વ પર્યાવરણ સુરક્ષાને આપવામાં આવી રહ્યું છે. ભારત આજે પર્યાવરણ સુરક્ષાનો એક બુલંદ અવાજ છે. આજે જૈવ વિવિધતા હોય કે જમીન સંતુલન, જળવાયુ પરિવર્તન હોય કે પછી કચરાનું રિસાયકલિંગ, ઓર્ગેનિક કૃષિ હોય કે બાયોગેસ હોય, ઉર્જા સંરક્ષણ હોય કે પછી સ્વચ્છ ઉર્જા પરિવર્તન. પર્યાવરણની દિશામાં ભારતના પ્રયાસો આજે પરિણામો આપી રહ્યા છે. ભારતે વનક્ષેત્રને અથવા તો પછી રાષ્ટ્રીય પાર્કની સંખ્યા, વાઘોની સંખ્યા અને એશિયાટિક સિંહો, બધામાં વૃદ્ધિ દરેક દેશવાસી માટે ખુશીની વાત છે.

મારા વ્હાલા દેશવાસીઓ

ભારતની સફળતાઓની વચ્ચે એક બીજું પણ સત્ય આપણે સમજવું પડશે. ભારત આજે ઊર્જામાં સ્વનિર્ભર નથી. ભારત આજે ઉર્જા આયાત માટે વાર્ષિક 12 લાખ કરોડ રૂપિયા કરતાં પણ વધુનો ખર્ચ કરે છે. ભારતની પ્રગતિ માટે આત્મનિર્ભર ભારત બનાવવા માટે ભારતે ઊર્જામાં સ્વનિર્ભર થવું સમયની માંગ છે, અનિવાર્ય છે. એટલા માટે આજે ભારતે સંકલ્પ લેવો પડશે કે આપણે આઝાદીના 100 વર્ષ પૂરા થાય તે પહેલા ભારતને ઉર્જામાં આત્મનિર્ભર બનાવીશું અને તેની માટે અમારો રોડમેપ ખૂબ સ્પષ્ટ છે. ગેસ આધારિત અર્થતંત્ર હોય, દેશભરમાં સીએનજી, પીએનજીનું નેટવર્ક હોય, 20 ટકા ઇથેનોલ બ્લેન્ડિંગનું લક્ષ્ય હોય, ભારત એક નિર્ધારિત લક્ષ્ય સાથે આગળ વધી રહ્યું છે. ભારતે ઇલેક્ટ્રિક મોબિલિટીની દિશામાં પણ પગલું ભર્યું છે અને રેલવેના સોએ સો ટકા ઇલેકટ્રીફિકેશન ઉપર પણ કામ ઝડપી ગતિએ આગળ વધી રહ્યું છે. ભારતીય રેલવેએ 2030 સુધી નેટ ઝીરો કાર્બન ઉત્સર્જક બનવાનું લક્ષ્ય રાખ્યું છે. બધા પ્રયાસોની સાથે દેશ મિશન સર્ક્યુલર ઈકોનોમી ઉપર પણ ભાર મૂકી રહ્યો છે. અમારી વ્હીકલ સ્ક્રેપ નીતિ એનું એક મોટું ઉદાહરણ છે. આજે જી-20 દેશોનો જે સમૂહ છે, તેમાં ભારત એકમાત્ર દેશ એવો છે કે જે પોતાના જળવાયુ લક્ષ્યાંકોને પ્રાપ્ત કરવાની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યો છે.

ભારતે દાયકાના અંત સુધીમાં પુનઃપ્રાપ્ય ઉર્જાના 450 ગીગાવોટનું લક્ષ્ય નક્કી કર્યું છે. 2030 સુધી 450 ગીગાવોટ. તેમાંથી 100 ગીગાવોટના લક્ષ્યને ભારતે નિશ્ચિત સમયની પહેલા પ્રાપ્ત કરી લીધું છે. આપણાં પ્રયાસો દુનિયાને પણ એક ભરોસો આપી રહ્યા છે. વૈશ્વિક સ્તર પર આંતરરાષ્ટ્રીય સોલર એલાયન્સની રચના તેનું એક બહુ મોટું ઉદાહરણ છે. ભારત આજે જે પણ કાર્ય કરી રહ્યું છે તેમાં સૌથી મોટું લક્ષ્ય છે જે ભારત જળવાયુ ક્ષેત્રમાં લાંબી છલાંગ ભરવાનું છે તે છે હરિત હાઈડ્રોજનનું ક્ષેત્ર. હરિત હાઈડ્રોજનના ક્ષેત્રના લક્ષ્યની પ્રાપ્તિ માટે હું આજે તીરંગાની સાક્ષીમાં રાષ્ટ્રીય હાઈડ્રોજન મિશનની જાહેરાત કરી રહ્યો છું. અમૃતકાળમાં આપણે ભારતને હરિત હાઈડ્રોજનના ઉત્પાદન અને નિકાસનું વૈશ્વિક કેન્દ્ર બનાવવાનું છે. તે ઉર્જા ક્ષેત્રમા ભારતની એક નવી પ્રગતિને આત્મનિર્ભર બનાવશે અને આખા વિશ્વમાં સ્વચ્છ ઉર્જા હસ્તાંતરણ માટેની નવી પ્રેરણા પણ બનશે. હરિત વિકાસ વડે હરિત રોજગારીના નવા નવા અવસરો આપણાં યુવાનો માટે આપણાં સ્ટાર્ટ અપ્સ માટે આજે દરવાજે આવીને ઊભા છે.

મારા વ્હાલા દેશવાસીઓ,

21 મી સદીનું આજનું ભારત મોટા લક્ષ્ય નિર્ધારિત કરવા અને તેમને પ્રાપ્ત કરવાની ક્ષમતા ધરાવે છે. આજે ભારત તે વિષયોને પણ ઉકેલી રહ્યું છે કે જેમને ઉકેલવા માટે દાયકાઓથી, સદીઓથી રાહ જોવી પડી હતી. કલમ 370ને બદલવાનો ઐતિહાસિક નિર્ણય હોય, દેશને કરની ગૂંચવણમાંથી મુક્તિ અપાવવાની વ્યવસ્થાજીએસટી હોય, આપણાં ફૌજી સાથીઓ માટેવન રેન્ક વન પેન્શનનો નિર્ણય હોય, રામ જન્મભૂમિ, દેશનું શાંતિપૂર્ણ સમાધાન બધુ આપણે વિતેલા કેટલાક વર્ષોમાં હકીકતમાં પરિવર્તિત થતાં જોયું છે.

ત્રિપુરામાં દાયકાઓ પછી બ્રુ-રિયાંગ સમજૂતી કરારો થવા, ઓબીસી પંચને બંધારણીય દરજ્જો આપવાનો હોય કે પછી જમ્મુ કશ્મીરમાં આઝાદી પછી સૌપ્રથમ વખત બીડીસી અને ડીડીસી ચૂંટણી, ભારતની સંકલ્પ શક્તિ સતત સિદ્ધ કરી રહ્યા છે.

આજે કોરોનાના સમયગાળામાં ભારતમાં રેકોર્ડ વિદેશી રોકાણ આવી રહ્યું છે. ભારતનું વિદેશી હુંડિયામણ પણ અત્યાર સુધીના સૌથી ઊંચા સ્તર પર છે. સર્જીકલ સ્ટ્રાઈક અને એર સ્ટ્રાઈક કરીને ભારતે દેશના દુશ્મનોને નવા ભારતના સામર્થ્યનો સંદેશ પણ આપી દીધો છે. બતાવે છે કે ભારત બદલાઈ રહ્યું છે. ભારત બદલાઈ શકે છે. ભારત મુશ્કેલમાં મુશ્કેલ નિર્ણય પણ લઈ શકે છે અને કડકમાં કડક નિર્ણયો લેવામાં પણ ભારત ખચકાતું નથી, અટકતું નથી.

મારા વ્હાલા દેશવાસીઓ,

સેકન્ડ વર્લ્ડ વોર પછી, દ્વિતીય વિશ્વ યુદ્ધ પછી વૈશ્વિક સંબંધોનું સ્વરૂપ બદલાઈ ગયું છે. કોરોના પછી પણ કોરોના પછીના નવી વૈશ્વિક વ્યવસ્થાની સંભાવના છે. કોરોના દરમિયાન દુનિયાએ ભારતના પ્રયાસોને જોયા પણ છે અને તેની પ્રશંસા પણ કરી છે. આજે દુનિયા ભારતને એક નવીન દ્રષ્ટિએ જોઈ રહી છે. દ્રષ્ટિના બે મહત્વપૂર્ણ પાસાઓ છેએક આતંકવાદ અને બીજો વિસ્તારવાદ. ભારત બંને પડકારો સામે લડી રહ્યું છે અને સધાયેલી રીતો વડે ખૂબ હિંમત સાથે જવાબ પણ આપી રહ્યું છે. આપણે, ભારત પોતાની જવાબદારીઓને યોગ્ય રીતે નિભાવી શકે, તેની માટે આપણી સંરક્ષણ તૈયારીઓને પણ એટલી મજબૂત કરવાની રહેશે. સંરક્ષણના ક્ષેત્રમાં દેશને આત્મનિર્ભર બનાવવા, ભારતીયો, ભારતની કંપનીઓને પ્રોત્સાહિત કરવા માટે આપણાં મહેનતુ ઉદ્યમીઓને નવા અવસર ઉપલબ્ધ કરાવવા માટે આપણાં પ્રયાસો સતત ચાલુ છે. હું દેશને વિશ્વાસ અપાવું છું કે દેશની સુરક્ષામાં લાગેલી આપણી સેનાઓના હાથ મજબૂત કરવા માટે અમે કોઈ કસર નહીં છોડીએ.

મારા વ્હાલા દેશવાસીઓ,

આજે દેશના મહાન વિચારક શ્રી અરવિંદોની જન્મ જયંતી પણ છે. વર્ષ 2022મા તેમની 150મી જન્મ જયંતીનું પર્વ છે. શ્રી અરવિંદો ભારતના ઉજ્જવળ ભવિષ્યના સ્વપ્ન દ્રષ્ટા હતા. તેઓ કહેતા હતા કે આપણે તેટલા સામર્થ્યવાન બનવું પડશે જેટલા પહેલા આપણે ક્યારેય નહોતા. આપણે આપણી આદતો બદલવી પડશે. એક નવા હ્રદય સાથે પોતાની જાતને ફરીથી જાગૃત કરવી પડશે. શ્રી અરવિંદોની વાતો આપણને આપણાં કર્તવ્યોની યાદ અપાવે છે. એક નાગરિક તરીકે, એક સમાજ તરીકે આપણે દેશને શું આપી રહ્યા છીએ, તે પણ આપણે વિચારવાનું છે. આપણે અધિકારોને હંમેશા મહત્વ આપ્યું છે, તે કાળખંડમાં તેની જરૂરિયાત પણ રહી છે પરંતુ હવે આપણે કર્તવ્યોને સર્વોપરી બનાવવાના છે, સર્વોપરી રાખવાના છે, જે સંકલ્પોનું બીડું આજે દેશે ઉઠાવ્યું છે, તેમને પૂરા કરવા માટે દરેક વ્યક્તિને જોડાવું પડશે. દરેક દેશવાસીએ તેને પોતાનું બનાવવું પડશે.

દેશે જળ સંરક્ષણનું અભિયાન શરૂ કર્યું છે, તો આપણું કર્તવ્ય છે પાણી બચાવવાની આપણી આદત સાથે જોડવું. દેશ જો ડિજિટલ લેવડદેવડ પર ભાર મૂકી રહ્યો છે તો આપણું પણ કર્તવ્ય બને છે કે આપણે પણ ઓછામાં ઓછા રોકડવાળા વ્યવહારો કરીએ. દેશે વોકલ ફોર લોકલનું અભિયાન શરૂ કર્યું છે તો આપણું કર્તવ્ય છે કે વધુમાં વધુ સ્થાનિક ઉત્પાદનો ખરીદીએ. દેશને પ્લાસ્ટિક મુક્ત કરવાની આપણી જે કલ્પના છે, તો આપણું કર્તવ્ય છે કે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ સંપૂર્ણ રીતે આપણે રોકવો પડશે. આપણું કર્તવ્ય છે કે આપણે આપણી નદીઓમાં ગંદકી ના ફેંકીએ, આપણાં સમુદ્રોના કિનારાઓને સ્વચ્છ રાખીએ. આપણે સ્વચ્છ ભારત મિશનને પણ એક અન્ય નવા પડાવ સુધી પહોંચાડવાનું છે.

આજે જ્યારે દેશ આઝાદીના 75 વર્ષના પ્રસંગે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે તો આપણે આયોજન સાથે જોડાવું, તેમાં આગળ આવીને ભાગ લેવો, સંકલ્પોને અવારનવાર જગાડતા રહેવા, આપણાં સૌનું કર્તવ્ય છે. આપણાં સ્વતંત્રતા સંગ્રામને ધ્યાનમાં રાખીને તમે જે પણ કરશો.. જે પણ.. અમૃતના એક ટીપાંની જેમ અવશ્ય પવિત્ર થશે અને કોટિ કોટિ ભારતીયોના પ્રયાસ વડે બનેલ અમૃત કુંભ આવનારા વર્ષો માટે પ્રેરણા બનીને ઉત્સાહ જગાડતો રહેશે.

મારા વ્હાલા દેશવાસીઓ,

હું ભવિષ્યદ્રષ્ટા નથી, હું કર્મના ફળ પર વિશ્વાસ ધરાવું છું. મને વિશ્વાસ છે મારા દેશના યુવાનો પર, મારો વિશ્વાસ છે દેશની બહેનો પર, દેશની દીકરીઓ પર, દેશના ખેડૂતો પર, દેશના વ્યવસાયિકો પર. કરી શકે છેતેવી પેઢી છે, તે દરેક લક્ષ્ય હાંસલ કરી શકે છે.

મને વિશ્વાસ છે કે જ્યારે 2047, આઝાદીનો સ્વર્ણિમ ઉત્સવ, આઝાદીના 100 વર્ષ પૂરા થશે.. જે પણ પ્રધાનમંત્રી હશે, આજથી 25 વર્ષ પછી જે પણ પ્રધાનમંત્રી હશે, તે જ્યારે રાષ્ટ્રીય ધ્વજ લહેરાવશે.. તો હું આજે વિશ્વાસ સાથે કહું છું.. તે પોતાના ભાષણમાં જે સિદ્ધિઓનું વર્ણન કરશે તે સિદ્ધિઓ હશે કે જેનો આજે દેશ સંકલ્પ કરી રહ્યો છે.. મારો વિજયનો વિશ્વાસ છે.

આજે હું જેને સંકલ્પના રૂપમાં બોલી રહ્યો છું, તે 25 વર્ષ પછી જે પણ રાષ્ટ્ર ધ્વજ ફરકાવતા હશે તેને તેઓ સિદ્ધિના રૂપમાં બોલશે. દેશ સિદ્ધિના રૂપમાં તેનું ગૌરવ ગાન કરતો હશે. જેઓ આજે દેશના યુવાનો છે તેઓ તે સમયે પણ જોશે કે દેશે કઈ રીતે કમાલ કરી બતાવી છે.

21 મી સદીમાં ભારતના સપનાઓ અને આકાંક્ષાઓને પૂરા કરવામાં કોઈપણ અવરોધ હવે આપણને રોકી નહીં શકે. આપણી તાકાત આપણી જીવંતતા છે, આપણી તાકાત આપણી એકતા છે, આપણી પ્રાણશક્તિ રાષ્ટ્ર પ્રથમસદૈવ પ્રથમની ભાવના છે. સમય છે સહભાગી સપનાઓ જોવાનો, સમય છે સહભાગી સંકલ્પ લેવાનો, સમય છે સહભાગી પ્રયાસો કરવાનો.. અને સમય છે કે આપણે વિજયની દિશામાં આગળ ચાલી નીકળીએ.

અને એટલા માટે હું ફરી કહું છું

સમય છે,

સમય છે.. યોગ્ય સમય છે, ભારતનો અનમોલ સમય છે.

સમય છે.. યોગ્ય સમય છે! ભારતનો અનમોલ સમય છે!

અસંખ્ય ભુજાઓની શક્તિ છે,

અસંખ્ય ભુજાઓની શક્તિ છે, દરેક બાજુ દેશની ભક્તિ છે!

અસંખ્ય ભુજાઓની શક્તિ છે, દરેક બાજુ દેશની ભક્તિ છે!

તમે ઉઠો તિરંગો લહેરાવી દો,

તમે ઉઠો તિરંગો લહેરાવી દો,

ભારતના ભાગ્યને ફરકાવી દો, ભારતના ભાગ્યને ફરકાવી દો!

સમય છે, યોગ્ય સમય છે! ભારતનો અનમોલ સમય છે!

કઈં એવું નથી..

કઈં પણ એવું નથી, જે ના કરી શકો,

કઈં એવું નથી, જે ના કરી શકો,

તમે ઊભા થઈ જાવ..

તમે ઊભા થઈ જાવ, તમે લાગી જાવ,

સામર્થ્યને તમારા ઓળખો..

સામર્થ્યને તમારા ઓળખો..

કર્તવ્યને પોતાના બધા જાણો..

કર્તવ્યને પોતાના બધા જાણો..

સમય છે, યોગ્ય સમય છે! ભારતનો અનમોલ સમય છે!

જ્યારે દેશ આઝાદીના 100 વર્ષ પૂરા કરશે, તો દેશવાસીઓના લક્ષ્ય યથાર્થમાં બદલાઈ જશે, મારી કામના છે. શુભકામનાઓ સાથે તમામ દેશવાસીઓને 75મા સ્વતંત્રતા દિવસ માટે હું ફરી એકવાર અભિનંદન આપું છું અને મારી સાથે હાથ ઉપર કરીને બોલો-

જય હિન્દ

જય હિન્દ

જય હિન્દ!

વંદે માતરમ,

વંદે માતરમ

વંદે માતરમ!

ભારત માતાની જય,

ભારત માતાની જય,

ભારત માતાની જય!

ખૂબ ખૂબ આભાર!                   

 

SD/GP/BT        



(Release ID: 1746348) Visitor Counter : 4470