પર્યાવરણ અને વન મંત્રાલય

વધુ ચાર સ્થળોને આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતી જળ સંતૃપ્ત જગ્યાઓ તરીકે રામસરમાં ઉમેરવામાં આવ્યા


પર્યાવરણ માટે પ્રધાનમંત્રીની ચિંતાના કારણે એકંદરે ભારતમાં જળ સંતૃપ્ત જગ્યાઓની કાળજી લેવામાં સુધારો આવ્યો છે: શ્રી ભૂપેન્દર યાદવ

Posted On: 14 AUG 2021 9:14AM by PIB Ahmedabad

ભારતમાંથી વધુ ચાર જગ્યાઓને રામસરના સચિવાલય દ્વારા રામસર સ્થળોમાં સમાવવામાં આવી છે. આ જગ્યાઓમાં ગુજરાતમાંથી થોળ અને અને વઢવાણ જ્યારે હરિયાણામાંથી સુલતાનપુર અને ભીંડવાસ છે. આ અંગે ટ્વીટ સંદેશા દ્વારા માહિતી આપતા કેન્દ્રીય પર્યાવરણ મંત્રી શ્રી ભૂપેન્દર યાદવે ખુશી વ્યક્ત કરી રહી અને કહ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી પર્યાવરણ અંગે વિશેષરૂપે ચિંતિત હોવાથી એકંદરે ભારતમાં જળ સંતૃપ્ત જમીન (વેટલેન્ડ)ની કાળજી લેવામાં સુધારો જોવા મળ્યો છે.

 

 

આ ચાર સ્થળોના ઉમેરા સાથે ભારતમાં કુલ 46 રામસર સ્થળો થઇ ગયા છે અને તે અંતર્ગત કુલ 1,083,322 હેક્ટર જમીન વિસ્તારને આવરી લેવામાં આવ્યો છે. હરિયાણામાં પ્રથમ વખત જ કોઇ સ્થળને રામસર જગ્યામાં સમાવવામાં આવ્યું છે જ્યારે ગુજરાતમાં નળ સરોવરને 2012માં રામસર સ્થળ તરીકે જાહેર કરવામાં આવ્યા પછી વધુ ત્રણ જગ્યાને આમાં સમાવી લેવામાં આવી છે. રામસર યાદીનો મૂળ ઉદ્દેશ આંતરરાષ્ટ્રીય જળ સંતૃપ્ત જમીનના નેટવર્કને વિકસાવવાનો અને જાળવવાનો છે જે વૈશ્વિક જૈવિક વિવિધતાના સંરક્ષણ માટે અને તેની ઇકોસિસ્ટમના ઘટકો, પ્રક્રિયાઓ અને લાભોની જાળવણી દ્વારા ટકાઉક્ષમ માનવજીવન માટે ઘણું મહત્વ ધરાવે છે.

જળ સંતૃપ્ત જમીનો ભોજન, પાણી, રેસા, ભૂગર્ભજળ રિચાર્જ, પાણીનું શુદ્ધિકરણ, ખાદ્ય આધુનિકીકરણ, જમીનના ધોવાણમાં નિયંત્રણ અને આબોહવા નિયમન સહિત વ્યાપક શ્રેણીમાં મહત્વપૂર્ણ સંસાધનો અને ઇકોસિસ્ટમ સેવાઓ પ્રદાન કરે છે. ખરેખરમાં તે, પાણી માટે એક મોટો સ્રોત છે અને આપણો તાજા પાણીનો મુખ્ય પુરવઠો સંખ્યાબંધ જળ સંતૃપ્ત જમીનોમાંથી આવે છે. જે વરસાદી પાણીને શોષવામાં અને ભૂગર્ભજળને રિચાર્જ કરવામાં મદદ કરે છે.

ભીંડવાસ વન્યજીવ અભ્યારણ્ય, હરિયાણામાં સૌથી મોટી જળ સંતૃપ્ત જગ્યા છે અને માનવનિર્મિત તાજા પાણીની જળ સંતૃપ્ત જગ્યા છે. 250 કરતાં વધારે પ્રજાતિના પક્ષીઓ આ સમગ્ર અભ્યારણ્યનો આખા વર્ષ દરમિયાન વિશ્રામ અને રહેઠાણ સ્થળ તરીકે ઉપયોગ કરે છે. આ સ્થળ દુનિયાભરમાં જોખમી સ્થિતિમાં હોય તેવી 10 કરતાં વધારે પ્રજાતિઓને સમર્થન આપે છે જેમાં લુપ્તપ્રાપ્ય ઇજિપ્તિયન ગીધ, મેદાની પ્રદેશના ગરુડ, પલ્લાસના ફીશ ઇગલ અને કાળા પેટ વાળા ટેર્ન પણ સામેલ છે.

હરિયાણામાં સુલતાનપુર રાષ્ટ્રીય ઉદ્યાન 220 કરતાં વધારે પ્રજાતિઓને તેમના જીવનચક્ર દરમિયાન રહેઠાણ, શિયાળામાં વિસ્થાપિત થતી પ્રજાતિઓના આશ્રય અને સ્થાનિક સ્તરે વિસ્થાપન કરતા જળાશયોના પક્ષીઓ માટે આશ્રય તરીકે સમર્થન આપે છે. આમાંથી દસ કરતાં વધારે પ્રજાતિઓ દુનિયાભરમાં લુપ્ત થવાના આરે છે જેમાં અત્યંત લુપ્ત થવાનું જોખમ ધરાવતા મિલનસાર લેવપીંગ અને ઇજિપ્તિયન ગીધ, સેકર ફાલ્કન, પલ્લાસના ફીશ ઇગલ અને કાળા પેટ વાળા ટેર્ન છે.

ગુજરાતમાં આવેલું થોળ તળાવ વન્યજીવ અભ્યારણ્ય એશિયન ફ્લાઇવેમાંથી એક છે અને 320 કરતાં વધારે પ્રજાતિઓ અહીં મળી આવે છે. આ જળ સંતૃપ્ત ભૂમિ 30 કરતાં વધારે લુપ્ત થવાનું જોખમ ધરાવતી જળાશયોની પ્રજાતિઓને સમર્થન આપે છે જેમાં અત્યંત જોખમી સ્થિતિમાં રહેલા સફેદ પીંછા વાળા ગીધ અને મિલનસાર લેવપીંગ તેમજ લુપ્ત થવાના આરે રહેલા સારસ, સામાન્ય પોચર્ડ (બતક) અને કલહંસ (ઓછા સફેદ ફ્રન્ટેન્ડ બતક) સામેલ છે.

વઢવાણમાં આવેલી જળ સંતૃપ્ત ભૂમિ તેના પક્ષી જીવન માટે આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવે છે કારણ કે, તે જળાશયોના યાયાવર પક્ષીઓ માટે શિયાળામાં આશ્રય સ્થાન છે જેમાં મધ્ય એશિયન ફ્લાઇવેમાંથી આવતા 80થી વધારે પ્રજાતિના પક્ષીઓ છે. તેમાં કેટલાક લુપ્ત થવાની નજીકમાં હોય અથવા અત્યંત લુપ્ત થવાનું જોખમ હોય તેવા પક્ષીઓ જેમકે પલ્લાસના ફીશ ઇગલ, જોખમી સ્થિતિમાં રહેલા સામાન્ય પોચર્ડ (બતક) અને લુપ્તપ્રાપ્ય ડાલ્મેટિયન પેલિકન, ભૂખરા માથા વાળા ફીશ ઇગલ અને ફેરગિનસ બતક સામેલ છે.

પર્યાવરણ, વન અને આબોહવ પરિવર્તન મંત્રાલય આ સ્થળોનો સારી રીતે અને ચતુરાઇપૂર્વક ઉપયોગ થાય તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય જળ સંતૃપ્ત ભૂમિ સત્તામંડળો સાથે નીકટતાથી કામ કરશે.

 

SD/GP/BT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com(Release ID: 1745716) Visitor Counter : 359