પ્રધાનમંત્રીનું કાર્યાલય
“મૅરિટાઇમ સલામતી વધારવી: આંતરરાષ્ટ્રીય સહકાર માટેનો વિષય” પર યુએનએસસીની ઉચ્ચ સ્તરીય ખુલ્લી ચર્ચા ખાતે પ્રધાનમંત્રીની ટિપ્પણીઓ
Posted On:
09 AUG 2021 7:29PM by PIB Ahmedabad
મહાનુભાવો,
મૅરિટાઇમ સલામતી પર આ મહત્વની ચર્ચામાં સામેલ થવા બદલ આપ સૌનો ધન્યવાદ. હું સેક્રેટરી જનરલના સકારાત્મક સંદેશ અને યુ.એન.ઓ.ડી.સીનાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર દ્વારા બ્રીફિંગ માટે આભાર વ્યક્ત કરું છું. કૉંગો લોકતાંત્રિક ગણરાજ્યના રાષ્ટ્રપતિએ આફ્રિકન યુનિયનના અધ્યક્ષ તરીકે પોતાનો સંદેશ આપ્યો. હું ખાસ કરીને એમનો આભારી છું. હું રશિયાના રાષ્ટ્રપતિ, કેન્યાના રાષ્ટ્રપતિ અને વિયેટનામના પ્રધાનમંત્રીની ઉપસ્થિતિ માટે પણ હ્રદયથી આભાર વ્યક્ત કરું છું.
મહાનુભાવો,
મહાસાગરો આપણી સંયુક્ત ધરોહર છે. આપણા સમુદ્રી માર્ગો આંતરરાષ્ટ્રીય વેપારની જીવાદોરી છે. અને સૌથી મોટી વાત એ છે કે મહાસાગર આપણી ધરતીના ભવિષ્ય માટે બહુ મહત્વપૂર્ણ છે. પરંતુ આપણી આ સહિયારી સમુદ્રી ધરોહરને આજે ઘણા પ્રકારના પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. ચાંચિયાગીરી અને આતંકવાદ માટે સમુદ્રી માર્ગોનો દુરુપયોગ થઈ રહ્યો છે. અનેક દેશો વચ્ચે મૅરિટાઇમ વિવાદો છે. અને આબોહવા પરિવર્તન તથા કુદરતી આપત્તિઓ પણ મૅરિટાઇમ-દરિયાઇ ક્ષેત્ર સાથે જોડાયેલા વિષય છે. આ વ્યાપક સંદર્ભમાં, આપની સહિયારી સામુદ્રિક ધરોહર અને ઉપયોગ માટે આપણે પરસ્પર સમજ અને સહયોગથી એક માળખું બનાવવું જોઇએ. એવું માળખું કોઇ પણ દેશ એકલો બનાવી શકે નહીં. આ એક સહિયારા પ્રયત્નથી જ સાકાર થઈ શકે છે. આ જ વિચાર સાથે આપણે આ મહત્વપૂર્ણ વિષયને સલામતી પરિષદ સમક્ષ લઈને આવ્યા છીએ. મને પૂરો વિશ્વાસ છે કે આજની આ ઉચ્ચ સ્તરીય ચર્ચાથી વિશ્વને મૅરિટાઇમ સલામતીના મુદ્દે માર્ગદર્શન મળશે.
મહાનુભાવો,
આ મંથનને માળખું આપવા માટે હું આપની સમક્ષ પાંચ મૂળભૂત સિદ્ધાંતો મૂકવા માગીશ. પહેલો સિદ્ધાંત: આપણે કાયદેસરના મૅરિટાઇમ વેપાર પરથી અંતરાયો હટાવવા જોઇએ. આપણા સૌની સમૃદ્ધિ મૅરિટાઇમ વેપારના સક્રિય પ્રવાહ પર નિર્ભર છે. એમાં આવતી અડચણો સમગ્ર વૈશ્વિક અર્થવ્યવસ્થા માટે પડકાર બની શકે છે. મુક્ત મૅરિટાઇમ વેપાર ભારતની સભ્યતા સાથે અનાદિ કાળથી જોડાયેલ રહ્યો છે. હજારો વર્ષો પૂર્વે, સિંધુ ખીણ સભ્યતાનું લોથલ બંદર દરિયાઇ વેપાર સાથે જોડાયેલું હતું. પ્રાચીન સમયના સ્વતંત્ર મૅરિટાઇમ વાતાવરણમાં જ ભગવાન બુદ્ધનો શાંતિ સંદેશ વિશ્વમાં ફેલાઇ શક્યો. આજના સંદર્ભમાં ભારતે આ ખુલ્લા અને સમાવેશી સ્વભાવના આધાર પર સાગર- સિક્યુરિટી એન્ડ ગ્રોથ ફોર ઑલ ઇન ધ રિજિયન-નું વિઝન પરિભાષિત કર્યું છે. આ દ્રષ્ટિ મારફત અમે અમારા ક્ષેત્રમાં મૅરિટાઇમ સલામતીનું એક સમાવેશી માળખું બનાવવા માગીએ છીએ. આ વિઝન એક સલામત, નિર્ભય અને સ્થિર મૅરિટાઇમ ક્ષેત્રનું છે. મુક્ત મૅરિટાઇમ વેપાર માટે એ પણ જરૂરી છે કે આપણે એકમેકના નાવિકોના અધિકારોનો સંપૂર્ણ આદર કરીએ.
બીજો સિદ્ધાંત: મૅરિટાઇમ વિવાદોનું સમાધાન શાંતિપૂર્ણ અને આંતરરાષ્ટ્રીય કાયદાના આધારે જ થવું જોઇએ. પરસ્પર વિશ્વાસ અને આત્મવિશ્વાસ માટે આ અતિ આવશ્યક છે. આ જ માધ્યમથી આપણે વૈશ્વિક શાંતિ અને સ્થિરતા સુનિશ્ચિત કરી શકીએ છીએ. ભારતે આ જ સમજ અને પરિપક્વતા સાથે પોતાના પડોશી દેશ બાંગ્લાદેશ સાથે પોતાની દરિયાઇ સરહદને ઉકેલી છે.
ત્રીજો સિદ્ધાંત: આપણે કુદરતી આપત્તિઓ અને નૉન સ્ટેટ એક્ટર્સ- સત્તા બહારની વ્યક્તિઓ દ્વારા ઊભા કરાયેલા જોખમોનો મળીને સામનો કરવો જોઇએ. આ વિષય પર ક્ષેત્રીય સહયોગ વધારવા માટે ભારતે ઘણાં પગલાં લીધાં છે. વાવાઝોડું, સુનામી અને પ્રદૂષણ સંબંધી દરિયાઇ આફતોમાં અમે પ્રથમ પ્રતિભાવી રહ્યા છે. ચાંચિયાગીરી રોકવા માટે ભારતીય નૌકા દળ 2008થી હિંદ મહાસાગરમાં પેટ્રોલિંગ કરી રહ્યું છે. ભારતનું વ્હાઇટ શિપિંગ ઇન્ફર્મેશન ફ્યુઝન કેન્દ્ર અમારા ક્ષેત્રમાં મૅરિટાઇમ ક્ષેત્રની જાગૃતિ વધારી રહ્યું છે. અમે ઘણા દેશોને હાઈડ્રોગ્રાફિક સર્વે સપોર્ટ અને સમુદ્રી સલામતીમાં તાલીમ આપી છે. હિંદ મહાસાગરમાં ભારતની ભૂમિકા એક નેટ સિક્યુરિટી પ્રોવાઈડર તરીકેની રહી છે.
ચોથો સિદ્ધાંત: આપણે મૅરિટાઇમ પર્યાવરણ અને મૅરિટાઇમ સંસાધનોને સાચવીને રાખવા પડશે. જેમ કે આપણે જાણીએ છીએ કે મહાસાગરોની આબોહવા પર સીધી અસર પડે છે અને એટલા માટે, આપણે આપણા મૅરિટાઇમ પર્યાવરણને પ્લાસ્ટિક અને તેલ ઢોળાવ જેવા પ્રદૂષણથી મુક્ત રાખવું પડશે. અને વધારે પડતી માછીમારી અને મરિન શિકારની સામે સહિયારા પગલાં ઉઠાવવા પડશે. સાથે જ આપણે, મહાસાગર વિજ્ઞાનમાં પણ સહયોગ વધારવો જોઇએ. ભારતે એક મહત્વાકાંક્ષી ‘ડીપ ઓશન મિશન’ શરૂ કર્યું છે. અમે ટકાઉ મત્સ્યમારીને પ્રોત્સાહન આપવા માટે પણ ઘણી પહેલ કરી છે.
પાંચમો સિદ્ધાંત: આપણે જવાબદાર મૅરિટાઇમ જોડાણને પ્રોત્સાહન આપવું જોઇએ. એ તો સ્પષ્ટ છે કે સમુદ્રી વેપારને વધારવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ આવશ્યક છે. પરંતુ એવી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પરિયોજનાઓના વિકાસમાં દેશોની રાજવિત્તીય ટકાઉપણાની સ્થિતિ અને શોષી શક્વાની ક્ષમતાને પણ ધ્યાનમાં રાખવી પડશે. આને માટે આપણે ઉચિત વૈશ્વિક નિયમો અને ધારાધોરણો બનાવવા જોઇએ.
મહાનુભાવો,
મને વિશ્વાસ છે કે આ પાંચ સિદ્ધાંતોના આધારે મૅરિટાઇમ સલામતી સહકારનો એક વૈશ્વિક રોડમેપ બની શકે છે. આજની આ ખુલ્લી ચર્ચાની ઉચ્ચ અને સક્રિય ભાગીદારી એ બતાવે છે કે આ વિષય સલામતી પરિષદના તમામ સભ્યો માટે મહત્વપૂર્ણ છે. એની સાથે, હું ફરી એક વાર આપની ઉપસ્થિતિ બદલ આપનો આભાર વ્યક્ત કરું છું.
ધન્યવાદ.
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad &nbs…
(Release ID: 1744231)
Visitor Counter : 368
Read this release in:
English
,
Urdu
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Telugu
,
Malayalam