પ્રધાનમંત્રીનું કાર્યાલય
‘મન કી બાત’- (ઓગણએંસીમી કડી) 25-07-2021
Posted On:
25 JUL 2021 11:42AM by PIB Ahmedabad
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર.
બે દિવસ પહેલાં જ કેટલીક અદ્ભૂત તસવીરો, કેટલીક યાદગાર પળો, હજુ પણ મારી આંખોની સામે છે. આથી આ વખતે ‘મન કી બાત’ની શરૂઆત એ જ પળોથી કરીએ છીએ. ટૉક્યો ઑલિમ્પિક્સમાં ભારતીય ખેલાડીઓને તિરંગો લઈને ચાલતા જોઈને હું જ નહીં, સમગ્ર દેશ રોમાંચિત થઈ ગયો. સમગ્ર દેશે જાણે કે એક થઈને પોતાના આ યૌદ્ધાઓને કહ્યું,
વિજયી ભવ । વિજયી ભવ ।
જ્યારે આ ખેલાડીઓ ભારતથી ગયા હતા તો મને તેમની સાથે વાતચીત કરવાની, તેમના વિશે જાણવાની અને દેશને જણાવવાની તક મળી હતી. આ ખેલાડીઓ, જીવનના અનેક પડકારોને પાર કરીને અહીં પહોંચ્યા છે. આજે તેમની પાસે, તમારા પ્રેમ અને સમર્થનની તાકાત છે. આથી, આવો મળીને આપણાં બધાં ખેલાડીઓઓને આપણી શુભકામનાઓ આપીએ, તેમની હિંમત વધારીએ. સૉશિયલ મિડિયા પર ઑલિમ્પિક્સ ખેલાડીઓના સમર્થન માટે આપણું વિક્ટરી પંચ કેમ્પેઇન હવે શરૂ થઈ ચૂક્યું છે. તમે પણ પોતાની ટીમ સાથે પોતાનો વિક્ટરી પંચ શૅર કરો ભારત માટે ચીયર કરો.
સાથીઓ, જે દેશ માટે તિરંગો ઉઠાવે છે તેમના સમ્માનમાં ભાવનાઓ ઉમટી આવવી સ્વાભાવિક છે. દેશભક્તિની આ ભાવના, આપણને બધાંને જોડે છે. કાલે એટલે કે ૨૬ જુલાઈએ ‘કારગિલ વિજય દિવસ’ પણ છે. કારગિલનું યુદ્ધ ભારતની સેનાઓના શૌર્ય અને સંયમનું એવું પ્રતીક છે, જેને સમગ્ર દુનિયાએ જોયું છે. આ વખતે આ ગૌરવશાળી દિવસ પણ ‘અમૃત મહોત્સવ’ની વચ્ચે મનાવવામાં આવશે. આથી તે વધુ પણ ખાસ થઈ જાય છે. હું ઈચ્છીશ કે તમે કારગિલની રોમાંચિત કરી દેનારી ગાથા જરૂર વાંચજો, કારગિલના વીરોને આપણે બધાં નમન કરીએ.
સાથીઓ, આ વખતે ૧૫ ઑગસ્ટના રોજ દેશ પોતાના સ્વતંત્રતાના ૭૫મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યો છે. એ આપણા બધાનું મોટું સૌભાગ્ય છે કે જે સ્વતંત્રતા માટે દેશે સદીઓની રાહ જોઈ, તેનાં ૭૫ વર્ષ થવાના આપણે સાક્ષી બની રહ્યા છીએ. તમને યાદ હશે, સ્વતંત્રતાનાં ૭૫ વર્ષ મનાવવા માટે ૧૨ માર્ચના રોજ બાપુના સાબરમતી આશ્રમથી ‘અમૃત મહોત્સવ’ની શરૂઆત થઈ હતી. આ દિવસે બાપુની દાંડી યાત્રાને પણ પુનર્જીવિત કરવામાં આવી હતી, ત્યારથી જમ્મુ-કાશ્મીરથી લઈને પુડુચેરી સુધી, ગુજરાતથી લઈને પૂર્વોત્તર સુધી, દેશભરમાં ‘અમૃત મહોત્સવ’ સાથે જોડાયેલા કાર્યક્રમો ચાલી રહ્યા છે. અનેક એવી ઘટનાઓ, આવા સ્વતંત્રતા સૈનિકો, જેમનું યોગદાન તો ઘણું મોટું છે, પરંતુ તેટલી ચર્ચા નથી થઈ શકી, આજે લોકો તેમના વિશે પણ જાણી શકે છે. હવે, જેમ કે, મોઇરાંગ ડેને જ લો. મણિપુરનું નાનકડું ગામ મોઇરાંગ, ક્યારેક નેતાજી સુભાષચંદ્ર બોઝની આઝાદ હિન્દ ફૌજ એટલે કે આઈએનએનું એક પ્રમુખ ઠેકાણું હતું. અહીં, સ્વતંત્રતાના પહેલાં જ, આઈએનએના કર્નલ શૌકત મલિકજીએ ઝંડો લહેરાવ્યો હતો.
‘અમૃત મહોત્સવ’ દરમિયાન ૧૪ એપ્રિલે તે મોઇરાંગમાં એક વાર ફરી તિરંગો લહેરાવવામાં આવ્યો. એવા કેટલાય સ્વાધીનતા સેનાની અને મહાપુરુષ છે જેમને ‘અમૃત મહોત્સવ’માં દેશ યાદ કરી રહ્યો છે. સરકાર અને સામાજિક સંગઠનોની તરફથી પણ સતત તેની સાથે જોડાયેલા કાર્યક્રમ આયોજિત કરાઈ રહ્યા છે. આવું જ એક આયોજન આ વખતે ૧૫ ઑગસ્ટે થવા જઈ રહ્યું છે, તે એક પ્રયાસ છે- રાષ્ટ્રગાન સાથે જોડાયેલો. સાંસ્કૃતિક મંત્રાલયનો પ્રયત્ન છે કે આ દિવસે વધુમાં વધુ ભારતવાસીઓ મળીને રાષ્ટ્રગાન ગાય, તેના માટે એક વેબસાઇટ પણ બનાવવામાં આવી છે- રાષ્ટ્રગાન ડૉટ ઇન. આ વેબસાઇટની મદદથી તમે રાષ્ટ્રગાન ગાઈને તેને રેકૉર્ડ કરી શકશો, આ અભિયાન સાથે જોડાઈ શકશો. મને આશા છે, તમે આ અનોખી પહેલ સાથે જરૂર જોડાશો. આ રીતે ઘણાં બધાં અભિયાન, ઘણા બધા પ્રયાસ તમને આવનારા દિવસોમાં જોવા મળશે. ‘અમૃત મહોત્સવ’ કોઈ સરકારનો કાર્યક્રમ નથી, કોઈ રાજકીય પક્ષનો કાર્યક્રમ નથી, તે કોટિ-કોટિ ભારતવાસીઓનો કાર્યક્રમ છે. દરેક સ્વતંત્ર અને કૃતજ્ઞ ભારતીયનું પોતાના સ્વતંત્ર સેનાનીઓને નમન છે અને આ મહોત્સવની મૂળ ભાવનાનો વિસ્તાર તો બહુ જ વિશાળ છે- આ ભાવના છે, પોતાના સ્વાતંત્ર્ય સૈનિકોના માર્ગ પર ચાલવું, તેમનાં સપનાંનો દેશ બનાવવો. જેમ, દેશની સ્વતંત્રતાના ઈચ્છુકો, સ્વતંત્રતા માટે એક થઈ ગયા હતા તેમ જ આપણે દેશના વિકાસ માટે એક થઈ જવાનું છે. આપણે દેશ માટે જીવવાનું છે, દેશ માટે કામ કરવાનું છે અને તેમાં નાના-નાના પ્રયાસો પણ મોટું પરિણામ લાવી શકે છે. રોજનું કામકાજ કરતા કરતાં પણ આપણે રાષ્ટ્ર નિર્માણ કરી શકીએ છીએ જેમ કે વૉકલ ફૉર લૉકલ. આપણા દેશના સ્થાનિક વેપારીઓ, કલાકારો, શિલ્પકારો, વણકરોનું સમર્થન કરવું, આપણા સહજ સ્વભાવમાં હોવું જોઈએ. ૭ ઑગસ્ટે આવનાર નેશનલ હેન્ડલૂમ ડૅ, એક એવો અવસર છે જ્યારે આપણે પ્રયાસપૂર્વક આ કામ કરી શકીએ છીએ. નેશનલ હેન્ડલૂમ ડૅની સાથે ખૂબ જ ઐતિહાસિક પૃષ્ઠભૂમિ જોડાયેલી છે. આ દિવસે, ૧૯૦૫માં સ્વદેશી આંદોલનની શરૂઆત થઈ હતી.
સાથીઓ, આપણા દેશના ગ્રામીણ અને આદિવાસી વિસ્તારોમાં, હેન્ડલૂમ, કમાણીનું બહુ મોટું સાધન છે. આ એવું ક્ષેત્ર છે જેનાથી લાખો મહિલાઓ, લાખો વણકરો, લાખો શિલ્પી જોડાયેલાં છે. તમારા નાના-નાના પ્રયાસ વણકરોમાં એક નવી આશા જગાડશે. તમે, પોતે કંઈ ને કંઈ તો ખરીદો જ, અને પોતાની વાત બીજાને પણ કહો, અને જ્યારે આપણે સ્વતંત્રતાનાં ૭૫ વર્ષ મનાવી રહ્યા છે ત્યારે તો આટલું કરવું આપણી જવાબદારી જ છે ભાઈઓ. તમે જોયું હશે, વર્ષ ૨૦૧૪ પછી જ ‘મન કી બાત’માં આપણે ઘણી વાર ખાદીની વાત કરીએ છીએ. આ તમારો જ પ્રયાસ છે કે આજે દેશમાં ખાદીનું વેચાણ અનેક ગણું વધી ગયું છે. શું કોઈએ વિચાર્યું હતું કે ખાદીના કોઈ સ્ટૉરમાંથી એક દિવસમાં એક કરોડ રૂપિયાથી વધારાનું વેચાણ થઈ શકે છે? પરંતુ તમે તે પણ કરી દેખાડ્યું છે. તમે જ્યારે પણ ક્યાંય પણ ખાદીનું કંઈક ખરીદો છો તો તેનો લાભ આપણા ગરીબ વણકર ભાઈઓ-બહેનોને જ મળે છે. આથી ખાદી ખરીદવી એક રીતે જનસેવા પણ છે, દેશ સેવા પણ છે. મારો તમને અનુરોધ છે કે તમે બધા મારા પ્રિય ભાઈઓ-બહેનો ગ્રામીણ વિસ્તારોમાં બની રહેલાં હેન્ડલૂમ ઉત્પાદનો જરૂર ખરીદો અને તેને #MyHandloomMyPride સાથે શૅર કરો.
સાથીઓ, વાત જ્યારે સ્વતંત્રતાના આંદોલન અને ખાદીની હોય તો પૂજ્ય બાપુનું સ્મરણ થવું સ્વાભાવિક છે. જેમ બાપુના નેતૃત્વમાં ‘ભારત છોડો આંદોલન’ ચાલ્યું હતું, તે જ રીતે આજે દરેક દેશવાસીએ ‘ભારત જોડો આંદોલન’નું નેતૃત્વ કરવાનું છે. એ આપણું કર્તવ્ય છે કે આપણે આપણું કામ એ રીતે કરીએ જે વિવિધતાઓ સાથે આપણા ભારતને જોડવામાં મદદગાર હોય. તો આવો, આપણે ‘અમૃત મહોત્સવ’ નિમિત્તે, આ અમૃત સંકલ્પ લઈએ કે દેશ જ આપણી સૌથી મોટી આસ્થા સૌથી મોટી પ્રાથમિકતા બની રહેશે. ‘Nation First, Always First’ ના મંત્રની સાથે જ આપણે આગળ વધવાનું છે.
મારા પ્રિય દેશવાસીઓ, આજે, હું ‘મન કી બાત’ સાંભળી રહેલા મારા યુવા સાથીઓનો વિશેષ આભાર વ્યક્ત કરવા માગું છું. હમણાં કેટલાક દિવસો પહેલાં જ MyGovની તરફથી ‘મન કી બાત’ના શ્રોતાઓ વિશે એક અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ અભ્યાસમાં એ જોવામાં આવ્યું કે ‘મન કી બાત’ માટે સંદેશ અને સૂચન મોકલનારાઓમાં પ્રમુખ રીતે કયા લોકો છે. અભ્યાસ પછી એ જાણકારી સામે આવી કે સંદેશ અને સૂચન કરનારા લોકોમાં લગભગ ૭૫ ટકા લોકો ૩૫ વર્ષથી ઓછી ઉંમરના હોય છે એટલે કે ભારતની યુવા શક્તિનાં સૂચનો ‘મન કી બાત’ને દિશા આપી રહ્યાં છે. હું તેને બહુ સારા સંકેતના રૂપમાં જોઉં છું. ‘મન કી બાત’ એક એવું માધ્યમ છે જ્યાં સકારાત્મકતા છે- સંવેદનશીલતા છે. ‘મન કી બાત’માં આપણે સકારાત્મક વાતો કરીએ છીએ, તેની લાક્ષણિકતા સામૂહિક છે. સકારાત્મક વિચારો અને સૂચનો માટે ભારતના યુવાઓની આ સક્રિયતા મને આનંદિત કરે છે. મને એ વાતનો આનંદ છે કે ‘મન કી બાત’ના માધ્યમથી મને યુવાઓના મનને પણ જાણવાનો અવસર મળે છે.
સાથીઓ, તમારા લોકો તરફથી મળતાં સૂચનો જ ‘મન કી બાત’ની સાચી તાકાત છે. તમારાં સૂચનો જ ‘મન કી બાત’ના માધ્યમથી ભારતની વિવિધતાને પ્રગટ કરે છે, ભારતવાસીઓની સેવા અને ત્યાગની સુગંધને ચારેય દિશાઓમાં ફેલાવે છે, આપણા મહેનતુ યુવાઓની શોધોથી બધાને પ્રેરે છે. ‘મન કી બાત’માં તમે અનેક પ્રકારના વિચારો મોકલો છો. આપણે બધા પર તો ચર્ચા નથી કરી શકતા, પરંતુ તેમાંના ઘણા વિચારોને હું સંબંધિત વિભાગોને જરૂર મોકલું છું, જેથી તેના પર આગળ કામ કરી શકાય.
સાથીઓ, હું તમને સાઈ પ્રનીથજીના પ્રયાસો વિશે જણાવવા માગું છું. સાઈ પ્રનીથજી એક સૉફ્ટવેર એન્જિનિયર છે. આંધ્ર પ્રદેશના નિવાસી છે. ગયા વર્ષે તેમણે જોયું કે તેમને ત્યાં ઋતુ બગડવાના કારણે ખેડૂતોને ઘણું નુકસાન વેઠવું પડ્યું હતું. હવામાન વિજ્ઞાનમાં તેમનો રસ વર્ષોથી હતો. આથી તેમણે પોતાનો રસ અને પોતાની પ્રતિભાને ખેડૂતોની ભલાઈ માટે ઉપયોગી બનાવવાનો નિર્ણય કર્યો. હવે તેઓ અલગ-અલગ ડેટા સૉર્સમાંથી વેધર ડેટા ખરીદે છે, તેનું વિશ્લેષણ કરે છે અને સ્થાનિક ભાષામાં અલગ-અલગ માધ્યમોથી ખેડૂતોને જરૂરી જાણકારી પહોંચાડે છે. વેધર અપડેટ ઉપરાંત, પ્રનીથજી અલગ આબોહવા સ્થિતિમાં લોકોએ શું કરવું જોઈએ, તેનું માર્ગદર્શન પણ આપે છે. ખાસ કરીને પૂરથી બચવા માટે કે પછી તોફાન કે વીજળી પડવા પર કેવી રીતે બચવું જોઈએ તેના વિશે પણ તેઓ લોકોને જણાવે છે.
સાથીઓ, એક તરફ, આ નવયુવાન સૉફ્ટવેર એન્જિનિયરનો આ પ્રયાસ પણ આપણા મનને સ્પર્શી જશે તો બીજી તરફ આપણા બીજા એક સાથી દ્વારા કરવામાં આવી રહેલ ટૅક્નૉલૉજીનો ઉપયોગ પણ તમને આશ્ચર્યચકિત કરી દેશે. આ સાથી છે ઓડિશાના સંબલપુર જિલ્લાના એક ગામમાં રહેનારા શ્રીમાન ઈસાક મુંડા જી. ઈસાક પણ ક્યારેક એક દહાડિયા મજૂરના રૂપમાં કામ કરતા હતા, પરંતુ હવે તેઓ ઇન્ટરનેટ પર જાણીતી હસ્તિ બની ગયા છે. પોતાની યૂટ્યૂબ ચેનલ દ્વારા તેઓ ઘણા રૂપિયા કમાઈ રહ્યા છે. તેઓ પોતાના વિડિયોમાં સ્થાનિક વાનગીઓ, પારંપરિક ખાણીપીણીની ટેવોને મુખ્યત્વે દર્શાવે છે. એક યૂટ્યૂબરના રૂપમાં તેમની યાત્રા માર્ચ ૨૦૨૦થી શરૂ થઈ હતી જ્યારે તેમણે ઓડિશાની જાણીતી સ્થાનિક વાનગી પખાલ સાથે જોડાયેલો એક વિડિયો પૉસ્ટ કર્યો હતો. ત્યારથી તેઓ સેંકડો વિડિયો પૉસ્ટ કરી ચૂક્યા છે. તેમનો આ પ્રયાસ અનેક કારણોથી બધાથી અલગ છે. ખાસ કરીને એટલા માટે કે તેનાથી શહેરોમાં રહેનારા લોકોને એ જીવનશૈલી જોવાનો અવસર મળે છે જેના વિશે તેઓ ખાસ કંઈ જાણતા નથી. ઈસાક મુંડા જી સંસ્કૃતિ અને રાંધણકળાને બરાબર મેળવીને ઉજવણી કરી રહ્યા છે અને આપણને બધાંને પ્રેરણા પણ આપી રહ્યા છે.
સાથીઓ, જ્યારે આપણે ટૅક્નૉલૉજીની ચર્ચા કરી રહ્યા છીએ તો હું એક બીજા રસપ્રદ વિષયની ચર્ચા કરવા માગું છું. તમે તાજેતરમાં જ વાંચ્યું હશે, જોયું હશે કે આઈઆઈટી મદ્રાસના પૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા સ્થાપિત એક સ્ટાર્ટ અપએ એક થ્રીડી પ્રિન્ટેડ હાઉસ બનાવ્યું છે. થ્રીડી પ્રિન્ટિંગ કરીને ઘરનું નિર્માણ. છેવટે તે થયું કેવી રીતે? હકીકતે, આ સ્ટાર્ટઅપે સૌથી પહેલાં થ્રીડી પ્રિન્ટરમાં એક, ત્રિપરિમાણીય ડિઝાઇનને નાખી અને પછી એક વિશેષ પ્રકારના કૉન્ક્રિટના માધ્યમથી થર પર થર એમ એક થ્રીડી માળખું બનાવી દીધું. તમને એ જાણીને આનંદ થસે કે દેશભરમાં આ પ્રકારના અનેક પ્રયોગ કરવામાં આવી રહ્યા છે. એક સમય હતો જ્યારે નાનાં-નાનાં બાંધકામના કામમાં પણ વર્ષો લાગી જતાં હતાં. પરંતુ આજે ટૅક્નૉલૉજીના કારણે ભારતમાં સ્થિતિ બદલાઈ રહી છે. કેટલાક સમય પહેલાં આપણે દુનિયાભરની એવી નવીન શોધો કરનારી કંપનીઓને આમંત્રિત કરવા માટે એક વૈશ્વિક ગૃહ નિર્માણ ટૅક્નૉલૉજી પડકાર શરૂ કર્યો હતો. દેશમાં આ રીતનો અલગ પ્રકારનો આ અનોખો પ્રયાસ છે. આથી આપણે તેને લાઇટ હાઉસ પ્રૉજેક્ટ નામ આપ્યું. અત્યારે દેશમાં છ અલગ-અલગ જગ્યાઓ પર લાઇટ હાઉસ પ્રૉજેક્ટ પર ઝડપથી કામ ચાલી રહ્યું છે. આ લાઇટ હાઉસ પ્રૉજેક્ટમાં મૉડર્ન ટૅક્નૉલૉજી અને ઇનૉવેટિવ રીતોનો ઉપયોગ કરવામાં આવે છે. તેનાથી બાંધકામનો સમય ઓછો થઈ જાય છે. સાથે જ જે ઘર બને છે તે વધુ ટકાઉ, સસ્તાં અને આરામદાયક હોય છે. મેં તાજેતરમાં જ ડ્રૉન દ્વારા આ પ્રૉજેક્ટની સમીક્ષા કરી હતી અને કાર્યની પ્રગતિને જીવંત જોઈ હતી.
ઈન્દોરના પ્રૉજેક્ટમાં બ્રિક અને મૉર્ટાર વૉલની જગ્યાએ પ્રિ ફેબ્રિકેટેડ સેન્ડવિચ પેનલ સિસ્ટમનો ઉપયોગ કરાઈ રહ્યો છે. રાજકોટમાં લાઇટ હાઉસ, ફ્રેન્ચ ટૅક્નૉલૉજીથી બનાવાઈ રહ્યા છે જેમાં ટનલ દ્વારા મોનોલિથિક કૉન્ક્રિટ કન્સ્ટ્રક્શન ટૅક્નૉલૉજીનો ઉપયોગ કરાઈ રહ્યો છે. આ ટૅક્નૉલૉજીથી બનેલાં ઘર વિપત્તિઓનો સામનો કરવામાં ઘણા વધુ સક્ષમ હશે. ચેન્નાઇમાં અમેરિકા અને ફિનલેન્ડની ટૅક્નૉલૉજી, પ્રિ કાસ્ટ કૉન્ક્રિટ સિસ્ટમનો ઉપયોગ કરાઈ રહ્યો છે. તેનાથી મકાન ઝડપથી પણ બનશે અને ખર્ચ પણ ઓછો આવશે. રાંચીમાં જર્મનીની થ્રીડી કન્સ્ટ્રક્શન સિસ્ટમનો પ્રયોગ કરીને ઘર બનાવાશે. તેમાં દરેક ઓરડાને અલગ રીતે બનાવવામાં આવશે. તેમાં પછી પૂરા ઢાંચાને તે જ રીતે જોડવામાં આવશે જે રીતે બ્લૉક ટૉય એટલે કે રમકડાંના ઘરને જોડવામાં આવે છે. અગરતલામાં ન્યૂઝીલેન્ડની ટૅક્નૉલૉજીનો ઉપયોગ કરીને સ્ટીલ ફ્રેમની સાથે મકાન બનાવવામાં આવી રહ્યા છે, જે મોટા ભૂંકપને પણ ખમી શકે છે. તો બીજી તરફ લખનઉમાં કેનેડાની ટૅક્નૉલૉજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેમાં પ્લાસ્ટર અને પેઇન્ટરની જરૂરિયાત નહીં પડે અને ઝડપથી ઘર બનાવવા માટે પહેલેથી જ તૈયાર દીવાલોનો પ્રયોગ કરવામાં આવશે.
સાથીઓ, આજે દેશમાં એવો પ્રયાસ થઈ રહ્યો છે કે આ પ્રૉજેક્ટ ઇન્ક્યુબેશન સેન્ટર એટલે કે ઉદ્ભવન કેન્દ્રની જેમ કામ કરે. તેનાથી આપણા યોજના ઘડવૈયાઓ, આર્કિટૅક્ટો, એન્જિનિયરો અને વિદ્યાર્થીઓ નવી ટૅક્નૉલૉજીને જાણી શકશે અને તેનો પ્રયોગ પણ કરી શકશે. હું આ વાતોને ખાસ રીતે આપણા યુવાઓ માટે વહેંચી રહ્યો છું જેથી આપણા યુવાઓ રાષ્ટ્રહિતમાં ટૅક્નૉલૉજીનાં નવાં-નવાં ક્ષેત્રોની તરફ પ્રોત્સાહિત થઈ શકે.
મારા પ્રિય દેશવાસીઓ, તમે અંગ્રેજીની એક કહેવત સાંભળી હશે- To learn is to grow અર્થાત્ શીખવું જ આગળ વધવું છે. જ્યારે આપણે કંઈક નવું શીખીએ છીએ તો આપણા માટે પ્રગતિના નવા-નવા રસ્તા આપોઆપ ખુલી જાય છે. જ્યારે પણ ક્યાંય પરંપરાગત માર્ગથી હટીને કંઈક નવું કરવાનો પ્રયાસ થયો છે તો માનવતા માટે નવાં દ્વાર ખુલ્યાં છે, એક નવા યુગનો આરંભ થયો છે. અને તમે જોયું જ હશે કે જ્યારે ક્યાંય કંઈક નવું થાય છે તો તેનું પરિણામ બધાને આશ્ચર્યચકિત કરી દે છે. હવે જેમ કે જો હું તમને પૂછું કે તે કયાં રાજ્ય છે જેને તમે સફરજન, એપલ સાથે જોડશો? તો જાહેર છે કે તમારા મનમાં હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર અને ઉત્તરાખંડનું નામ આવશે. પરંતુ જો હું કહું કે આ યાદીમાં તમે મણિપુરને પણ જોડી દો તો કદાચ તમે આશ્ચર્ય પામી જશો. કંઈક નવું કરવાની ધગશમાં મણિપુરે આ પરાક્રમ કરી દેખાડ્યું છે. આજકાલ મણિપુરના ઉખરુલ જિલ્લામાં, સફરજનની ખેતી જોર પકડી રહી છે. અહીંના ખેડૂતો પોતાના બગીચાઓમાં સફરજન ઉગાડી રહ્યા છે. સફરજન ઉગાડવા માટે આ લોકોએ રીતસર હિમાચલ જઈને પ્રશિક્ષણ પણ લીધું છે. તેમાંના જ એક છે ટી એસ રિંગફામી યોંગ (T.S.Ringphami Young) . તેઓ વ્યવસાયથી એક ઍરોનૉટિકલ એન્જિનિયર છે. તેમણે તેમનાં પત્ની શ્રીમતી ટી. એસ. એન્જેલ સાથે મળીને સફરજન ઉગાડ્યાં છે. આ જ રીતે અવુન્ગશી શિમરે ઑગસ્ટીના (Avungshee Shimre Augasteena)એ પણ પોતાના બગીચામાં સફરજનનું ઉત્પાદન કર્યું છે. અવુન્ગશી દિલ્લીમાં નોકરી કરતાં હતાં. તે છોડીને પોતાનાં ગામ પાછાં ફર્યાં અને સફરજનની ખેતી શરૂ કરી. મણિપુરમાં આજે આવા અનેક સફરજન ખેડૂતો છે જેમણે કંઈક અલગ અને નવું કરીને દેખાડ્યું છે.
સાથીઓ, આપણા આદિવાસી સમુદાયમાં પણ બોર ઘણાં લોકપ્રિય રહ્યાં છે. આદિવાસી સમુદાયોના લોકો હંમેશાં બોરની ખેતી કરતા આવ્યા છે. પરંતુ કૉવિડ-૧૯ રોગચાળા પછી તેમની ખેતી વિશેષ રૂપે વધી રહી છે. ત્રિપુરાના ઉનાકોટીના આવા જ ૩૨ વર્ષના મારા યુવા સાથી છે બિક્રમજીત ચકમા. તેમણે બોરની ખેતીની શરૂઆત કરી ઘણો નફો કમાયો છે અને હવે તેઓ લોકોને બોરની ખેતી કરવા માટે પ્રેરિત પણ કરી રહ્યા છે. રાજ્ય સરકાર પણ આવા લોકોની મદદ માટે આગળ આવી છે. સરકાર દ્વારા તેના માટે અનેક વિશેષ નર્સરી બનાવાઈ છે જેથી બોરની ખેતી સાથે જોડાયેલા લોકોની માગણીઓ પૂરી કરી શકાય. ખેતીમાં પણ નવીનતા થઈ રહી છે તો ખેતીની આડ પેદાશોમાં પણ સર્જનાત્મકતા જોવામાં આવી રહી છે.
સાથીઓ, મને ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં કરવામાં આવેલા એક પ્રયાસ વિશે પણ ખબર પડી છે. કૉવિડ દરમિયાન જ લખીમપુર ખીરીમાં એક અનોખી પહેલ થી છે. ત્યાં મહિલાઓને કેળાનાં બેકાર તનામાંથી રેશા (ફાઇબર) બનાવવાનું પ્રશિક્ષણ આપવાનું કામ શરૂ કરવામાં આવ્યું. વૅસ્ટમાંથી બૅસ્ટ બનાવવાનો માર્ગ. કેળાના તનાને કાપીને મશીનની મદદથી બનાના ફાઇબર તૈયાર કરવામાં આવે છે જે શણની જેમ હોય છે. આ ફાઇબરથી થેલો, સાદડી, દરી, અનેક ચીજો બનાવાય છે. તેનાથી એક તો પાકના કચરાનો ઉપયોગ શરૂ થઈ ગયો, બીજી તરફ ગામમાં રહેતી આપણી બહેન-દીકરીઓને આવકનું વધુ એક સાધન મળી ગયું. બનાના ફાઇબરના આ કામથી એક સ્થાનિક મહિલાને ચારસોથી છસો રૂપિયા પ્રતિદિનની કમાણી થઈ જાય છે. લખીમપુર ખીરીમાં સેંકડો એકર જમીન પર કેળાંની ખેતી થાય છે. કેળાના પાક પછી સામાન્ય રીતે ખેડૂતોને તેના તનાને ફેંકવા માટે વધારાનો ખર્ચ કરવો પડતો હતો. હવે તેમના આ પૈસા પણ બચી જાય છે એટલે કે એક પંથ દો કાજ – આ કહેવત અહીં બિલકુલ બંધ બેસે છે.
સાથીઓ, એક તરફ બનાના ફાઇબરથી પ્રૉડક્ટ્સ બનાવાય છે તો બીજી તરફ કેળાના લોટથી ડોસા અને ગુલાબજાંબુ જેવાં સ્વાદિષ્ટ વ્યંજન પણ બનાવાય છે. કર્ણાટકના ઉત્તર કન્નડ અને દક્ષિણ કન્નડ જિલ્લાઓમાં મહિલાઓ આ અનોખું કાર્ય કરી રહી છે. આ શરૂઆત પણ કોરોના કાળથી જ થઈ છે. આ મહિલાઓએ ન માત્ર કેળાના લોટથી ડોસા, ગુલાબજાંબુ જેવી ચીજો બનાવી, પરંતુ તેમની તસવીરોને સૉશિયલ મિડિયા પર પણ મૂકી છે. જ્યારે વધુ લોકોને કેળાના લોટ વિશે ખબર પડી તો તેમની માગ પણ વધી અને આ મહિલાઓની આવક પણ. લખીમપુર ખીરીની જેમ અહીં પણ આ નવીન વિચારોનું મહિલાઓ જ નેતૃત્વ કરી રહી છે
સાથીઓ, આવાં ઉદાહરણ જીવનામં કંઈક નવું કરવાની પ્રેરણા બની જાય છે. તમારી આસપાસ પણ આવા અનેક લોકો હશે. જ્યારે તમારો પરિવાર મનની વાતો કરી રહ્યો હોય તો તમે તેમને પણ તમારી વાતચીતનો હિસ્સો બનાવો. ક્યારેક સમય કાઢીને બાળકો સાથે આવા પ્રયાસોને જોવા પણ જાવ અને અવસર મળી જાય તો સ્વંય પણ આવું કંઈક કરીને દેખાડો. અને હા, આ બધું તમે મારી સાથે NamoApp કે MyGov પર વહેંચશો તો મને વધુ સારું લાગશે.
મારા પ્રિય દેશવાસીઓ, આપણા સંસ્કૃત ગ્રંથોમાં એક શ્લોક છે
आत्मार्थम् जीव लोके अस्मिन्, को न जीविति मानव : ।
परम् परोपकारार्थम्, यो जीवति स जीवति ।।
અર્થાત્ પોતાના માટે તો સંસારમાં દરેક જીવે છે, પરંતુ વાસ્તવમાં તે જ વ્યક્તિ જીવે છે જે પરોપકાર માટે જીવે છે. ભારત માતાનાં દીકરા-દીકરીઓના પરોપકારિક પ્રયાસોની વાતો- આ જ તો છે ‘મન કી બાત’. આજે પણ આવા જ કેટલાક બીજા સાથીઓ વિશે આપણે વાતો કરીએ. એક સાથી ચંડીગઢ શહેરના છે. ચંડીગઢમાં હું પણ કેટલાંક વર્ષો સુધી રહી ચૂક્યો છું. તે એક ખૂબ જ આનંદી અને સુંદર શહેર છે. અહીં રહેનારાઓ ઉદાર છે અને હા, તમે જો ખાવાના શોખીન હો તો અહીં તમને વધુ મજા આવશે. આ જ ચંડીગઢના સૅક્ટર ૨૯માં સંજય રાણા જી ફૂડ સ્ટૉલ ચલાવે છે અને સાઇકલ પર છોલે-ભટુરે વેચે છે. એક દિવસ તેમની દીકરી રિદ્ધિમા અને ભત્રીજી રિયા એક વિચાર સાથે તેમની પાસે આવી. બંનેએ તેમને કૉવિડ રસી લગાવનારાઓને ફ્રીમાં છોલે-ભટુરે ખવડાવવા કહ્યું. તેઓ તેના માટે રાજી થઈ ગયા. તેમણે તરત જ આ સારો અને ભલો પ્રયાસ પણ શરૂ કરી દીધો. સંજય રાણાજીના છોટે-ભટુરે નિઃશુલ્ક ખાવા તમારે દેખાડવું પડે છે કે તમે તે જ દિવસે રસી લગાવડાવી છે. રસીનો સંદેશ દેખાડતા જ તેઓ તમને સ્વાદિષ્ટ છોલે-ભટુરે આપશે. કહે છે કે સમાજનું ભલાઈનું કામ કરવા માટે પૈસાથી વધુ, સેવા ભાવ, કર્તવ્ય ભાવની વધુ આવશ્યકતા હોય છે. આપણા સંજયભાઈ આ વાતને સાચી સાબિત કરી રહ્યા છે.
સાથીઓ, આવું જ એક બીજું કામ છે જેની હું આજે ચર્ચા કરવા માગીશ. આ કામ થઈ રહ્યું છે તમિલનાડુની નીલગીરીમાં. અહીં રાધિકા શાસ્ત્રીજીએ એમ્બ્યુરેક્સ (AmbuRx) પ્રૉજેક્ટની શરૂઆત કરી છે. આ પ્રૉજેક્ટનો હેતુ છે, પહાડી વિસ્તારોમાં દર્દીઓની સારવાર માટે સરળ પરિવહન ઉપલબ્ધ કરાવવું. રાધિકા કન્નૂરમાં એક કાફે ચલાવે છે. તેમણે પોતાના કાફેના સાથીઓ પાસેથી એમ્બ્યુરેક્સ માટે ભંડોળ મેળવ્યું. નીલગિરીના પહાડો પર આજે છ એમ્બ્યુરેક્સ કાર્યરત્ છે અને અંતરિયાળ વિસ્તારોમાં આપત્ત્તિની સ્થિતિમાં દર્દીઓના કામમાં પણ આવી રહી છે. એમ્બ્યુરેક્સમાં સ્ટ્રેચર, ઑક્સિજન સિલિન્ડર, પ્રાથમિક સહાયતા પેટી જેવી અનેક ચીજોની વ્યવસ્થા છે.
સાથીઓ, સંજય જી હોય કે રાધિકા જી, તેમનાં ઉદાહરણોથી ખબર પડે છે કે આપણે આપણું કાર્ય, આપણો વ્યવસાય, નોકરી કરતા-કરતા પણ સેવાનાં કાર્ય કરી શકીએ છીએ.સાથીઓ, કેટલાક દિવસો પહેલાં એક ખૂબ જ મજેદાર અને ખૂબ જ લાગણીસભર કાર્યક્રમ થયો જેનાથી ભારત-જ્યૉર્જિયાની મૈત્રીને એક મજબૂતી મળી. સમારોહમાં ભારતના સેન્ટ ક્વીન કેટેવાનના હૉલી રેલિક અર્થાત્ તેમના પવિત્ર સ્મૃતિ ચિહ્ન જ્યૉર્જિયાની સરકાર અને ત્યાંની જનતાને સોંપ્યું. તેના માટે આપણા વિદેશ પ્રધાન સ્વયં ત્યાં ગયા હતા. ખૂબ જ ભાવુક વાતાવરણમાં થયેલા આ સમારોહમાં જ્યૉર્જિયાના પ્રમુખ, વડા પ્રધાન, તેમના ધર્મગુરુ, અને મોટી સંખ્યામાં જ્યૉર્જિયાના લોકો ઉપસ્થિત હતા. આ કાર્યક્રમમાં ભારતની પ્રશંસામાં જે શબ્દો કહેવામાં આવ્યા તે ખૂબ જ યાદગાર છે. આ એક સમારોહે બંને દેશોની સાથે જ ગોવા અને જ્યૉર્જિયા વચ્ચેના સંબંધોને પણ વધુ પ્રગાઢ બનાવી દીધા છે. આવું એટલા માટે કારણકે સેન્ટ ક્વીન કેટેવાનના આ પવિત્ર અવશેષ ૨૦૦૫માં ગોવાના સેન્ટ ઑગસ્ટાઇન ચર્ચમાં મળ્યા હતા.
સાથીઓ, તમારા મનમાં સવાલ થયો હશે કે આ બધું શું છે, આ ક્યારે અને કેવી રીતે થયું? હકીકતે, તે આજથી ચારસો પાંચસો વર્ષ પહેલાંની વાત છે. ક્વીન કેટેવાન જ્યૉર્જિયાના રાજપરિવારની દીકરી હતી. દસ વર્ષના કારાવાસ પછી ૧૬૨૪માં તે વીરગતિને પ્રાપ્ત થઈ હતી. એક પ્રાચીન પુર્તગાલી દસ્તાવેજ અનુસાર, સેન્ટ ક્વીન કેટેવાનનાં અસ્થિઓને જૂના ગોવાના સેન્ટ ઑગસ્ટાઇન કૉન્વેન્ટમાં રાખવામાં આવ્યાં હતાં. પરંતુ અવશેષ ૧૯૩૦ના ભૂકંપમાં ગાયબ થઈ ગયા હતા.
ભારત સરકાર અને જ્યૉર્જિયાના ઇતિહાસકારો, સંશોધકો, પુરાતત્ત્વવિદો અને જ્યૉર્જિયન ચર્ચના દાયકાઓના અથાક પ્રયાસો પછી ૨૦૦૫માં તે પવિત્ર અવશેષોને શોધવામાં સફળતા મળી હતી. આ વિષય જ્યૉર્જિયાના લોકો માટે ખૂબ જ ભાવનાત્મક છે. આથી તેમની ઐતિહાસિક, પંથીય અને આધ્યાત્મિક લાગણીઓને ધ્યાનમાં રાખીને ભારત સરકારે આ અવશેષોનો એક અંશ જ્યૉર્જિયાના લોકોને ભેટમાં આપવાનો નિર્ણય કર્યો. ભારત અને જ્યૉર્જિયાના સંયુક્ત ઇતિહાસના એક અનોખા પક્ષને સાચવીને રાખવા માટે માટે હું ગોવાના લોકોનો હૃદયથી ધન્યવાદ કરીશ. ગોવા અનેક મહાન આધ્યાત્મિક વારસાની ભૂમિ રહી છે. સેન્ટ ઑગસ્ટાઇન ચર્ચ, યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ – churches and convents of Goa નો એક હિસ્સો છે.
મારા પ્રિય દેશવાસીઓ, જ્યૉર્જિયાથી હવે હું તમને સીધો સિંગાપુર લઈ જઉં છું જ્યાં આ મહિનાની શરૂઆતમાં એક ગૌરવશાળી અવસર સામે આવ્યો સિંગાપુરના પ્રધાનમંત્રી અને મારા મિત્ર લી સેન લુંગએ તાજેતરમાં જ રિનૉવેટ કરાવેલા સિલાટ રૉડ ગુરુદ્વારાનું ઉદ્ઘાટન કર્યું. તેમણે પારંપરિક શીખ પાઘડી પણ પહેરી હતી. આ ગુરુદ્વારા લગભગ સો વર્ષ પહેલાં બન્યું હતું અને અહીં ભાઈ મહારાજ સિંહને સમર્પિત એક સ્મારક પણ છે ભાઈ મહારાજસિંહજીએ ભારતની સ્વતંત્રતા માટે લડાઈ લડી હતી અને આ પળ સ્વતંત્રતાનાં ૭૫ વર્ષ મનાવી રહ્યાં છીએ ત્યારે વધુ પ્રેરક બની જાય છે. બે દેશો વચ્ચે, લોકોથી લોકો વચ્ચેનો સંપર્ક, તેને મજબૂતી, આવી જ વાતો, આવા પ્રયાસોથી મળે છે. તેનાથી એ પણ ખબર પડે છે કે સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં રહેવા અને એકબીજાની સંસ્કૃતિને સમજવાનું કેટલું મહત્ત્વ છે.
મારા પ્રિય દેશવાસીઓ, આજે ‘મન કી બાત’માં આપણે અનેક વિષયોની ચર્ચા કરી. એક બીજો વિષય છે જે મારા હૈયાની બહુ નજીક છે. આ વિષય છે જળ સંરક્ષણનો. મારું બાળપણ જ્યાં વિત્યું ત્યાં પાણીની હંમેશાં ખેંચ રહેતી હતી. અમે લોકો વરસાદ માટે તડપતા હતા અને આથી પાણીનું એક-એક ટીપું બચાવવું અમારા સંસ્કારોનો હિસ્સો રહ્યો છે. હવે ‘જન ભાગીદારીથી જળ સંરક્ષણ’ આ મંત્રએ ત્યાંની તસવીર બદલી નાખી છે. પાણીના એક-એક ટીપાને બચાવવું, પાણીના કોઈ પણ પ્રકારના વેડફાટને રોકવો તે આપણી જીવનશૈલીનો એક સહજ હિસ્સો બની જવો જોઈએ. આપણા પરિવારોની એવી પરંપરા બની જવી જોઈએ, જેનાથી દરેક સભ્યને ગર્વ થાય.
સાથીઓ, પ્રકૃતિ અને પર્યાવરણની રક્ષા ભારતના સાંસ્કૃતિક જીવનમાં, આપણા દૈનિક જીવનમાં, વણાયેલી છે. તો વરસાદ અને ચોમાસું હંમેશાં આપણા વિચારો, આપણા તત્ત્વચિંતન અને આપણી સભ્યતાને આકાર આપતા આવ્યા છે. ઋતુસંહાર અને મેઘદૂતમાં મહા કવિ કાલિદાસે વર્ષા અંગે બહુ જ સુંદર વર્ણન કર્યું છે. સાહિત્ય પ્રેમીઓ વચ્ચે આ કવિતાઓ આજે પણ ખૂબ જ લોકપ્રિય છે. ઋગ્વેદના પર્જન્ય સુક્તમમાં પણ વર્ષાના સૌંદર્યનું સુંદર વર્ણન છે. આ જ રીતે શ્રીમદ્ ભાગવતમાં પણ કાવ્યાત્મક રૂપથી પૃથ્વી, સૂર્ય અને વર્ષા વચ્ચે સંબંધોનો વિસ્તાર આપવામાં આવ્યો છે.
अष्टौ मासान् निपीतं यद्, भूम्या: च, ओद-मयम् वसु ।
स्वगोभि: मोक्तुम् आरेंभे, पर्जन्य: काल आगते ।।
અર્થાત્ સૂર્યએ આઠ મહિના સુધી જળના રૂપમાં પૃથ્વીની સંપત્તિનું દોહન કર્યું હતું, હવે ચોમાસાની ઋતુમાં, સૂર્ય આ સંચિત સંપત્તિ પૃથ્વીને પરત કરી રહ્યો છે. ખરેખર, ચોમાસા અને વરસાદની ઋતુ સુંદર અને આનંદદાયક જ નથી હોતી પરંતુ તે પોષણ દેનારી, જીવન દેનારી પણ હોય છે. વર્ષાનું પાણી જે આપણને મળી રહ્યું છે તે આપણી ભાવિ પેઢીઓ માટે છે, તે આપણે ક્યારેય ભૂલવું ન જોઈએ.
આજે મારા મનમાં એ વિચાર આવ્યો કે કેમ ન આ રોચક સંદર્ભો સાથે જ મારી વાત સમાપ્ત કરું. તમને બધાંને આવનારા પર્વોની ખૂબ ખૂબ શુભકામનાઓ. પર્વ અને ઉત્સવોના સમયે એ જરૂર યાદ રાખજો કે કોરોના હજુ આપણી વચ્ચેથી ગયો નથી. કોરોના સાથે જોડાયેલા નિયમો તમારે ભૂલવાના નથી. તમે સ્વસ્થ અને પ્રસન્ન રહો.
ખૂબ ખૂબ ધન્યવાદ.
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1738771)
Visitor Counter : 582
Read this release in:
Telugu
,
Assamese
,
Manipuri
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam