સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
મંત્રીમંડળે તમામ ગામડાઓને ઓપ્ટિકલ ફાઇબર જોડાણ સાથે 16 રાજ્યોમાં સરકારી ખાનગી ભાગીદારીના મોડલ દ્વારા ભારતનેટનો અમલ કરવાની મંજૂરી આપી
16 રાજ્યોમાં પીપીપી મોડલ અંતર્ગત ભારતનેટના અમલીકરણ માટે નો રૂ. 19,041 કરોડનાં વાયેબિલિટી ગેપ ફંડની મંજૂરી
દેશમાં બાકીના તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને આવરી લેવા ભારતનેટનું જોડાણ લંબાવવાની પણ મંજૂરી આપી
Posted On:
30 JUN 2021 4:13PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે યોજાયેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં દેશના 16 રાજ્યોમાં સરકારી ખાનગી ભાગીદારી (પીપીપી) ધોરણે ભારતનેટની સંશોધિત અમલીકરણ વ્યૂહરચના માટે મંજૂરી આપવામાં આવી હતી. ભારતનેટની સેવાઓ આ કથિત રાજ્યોમાં ગ્રામપંચાયતો (જીપી)ની હદની બહાર વસેલા ગામડાઓમાં લંબાવવામાં આવશે. સંશોધિત વ્યૂહરચનામાં સ્પર્ધાત્મક આંતરરાષ્ટ્રીય બિડિંગ પ્રક્રિયા દ્વારા પસંદ થનાર કન્સેશનરી દ્વારા ભારતનેટની રચના, અપગ્રેડેશન, કામગીરી, જાળવણી અને ઉપયોગ પણ સામેલ છે. ઉપરોક્ત પીપીપી મોડલ માટે મંજૂર થયેલું અંદાજિત મહત્તમ વાયાબિલિટી ગેપ ફંડિંગ રૂ. 19,041 કરોડ છે.
આજે મંત્રીમંડળે આપેલી મંજૂરી અંતર્ગત આવરી લેવાયેલા રાજ્યો છે – કેરળ, કર્ણાટક, રાજસ્થાન, હિમાચલપ્રદેશ, પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, અસમ, મેઘાલય, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, નાગાલેન્ડ અને અરુણાચલ પ્રદેશ. ગ્રામપંચાયતો સહિત અંદાજે 3.61 લાખ ગામડાઓને આવરી લેવામાં આવશે.
મંત્રીમંડળે બાકીના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં તમામ ગ્રામીણ વસાહતોને આવરી લેવા ભારતનેટની સુવિધા લંબાવવાની સૈદ્ધાંતિક મંજૂરી પણ આપી હતી. દૂરસંચાર વિભાગ આ (બાકીના) રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો માટે અલગથી પદ્ધતિઓ અપનાવશે.
પીપીપી મોડલ કામગીરી, જાળવણી, વપરાશ અને આવક પેદા કરવા ખાનગી ક્ષેત્રની કાર્યદક્ષતાનો ઉપયોગ કરશે તથા એના પગલે ભારતનેટનો અમલ ઝડપથી થશે એવી અપેક્ષા છે. પસંદ થયેલા કન્સેશનરી (ખાનગી ક્ષેત્રના ભાગીદાર) પૂર્વનિર્ધારિત સેવા સ્તરની સમજૂતી (એસએલએ) મુજબ વિશ્વસનિય, હાઈ સ્પીડ બ્રોડબેન્ડ સેવાઓ પ્રદાન કરશે એવી અપેક્ષા છે. ભારતનેટની પહોંચ તમામ વસાહતો સુધી પહોંચવાથી એમાં રહેતા લોકોને વિશ્વસનિય, ગુણવત્તાયુક્ત, હાઈ સ્પીડ બ્રોડબેન્ડ સેવા મળશે, જેના પગલે તેઓ કેન્દ્ર અને રાજ્ય સરકારની સંસ્થાઓ દ્વારા પ્રદાન કરવામાં આવતી ઇ-સેવાઓનો લાભ સરળતાપૂર્વક અને ઝડપથી મળશે. એનાથી ઓનલાઇન શિક્ષણ, ટેલીમેડિસિન, કૌશલ્ય વિકાસ, ઇ-કોમર્સને પણ બળ મળશે તેમજ બ્રોડબેન્ડના અન્ય ઉપયોગોને વેગ મળશે. વિવિધ સ્ત્રોતોમાંથી આવક પેદા થશે એવી અપેક્ષા છે, જેમાં વ્યક્તિઓ અને સંસ્થાઓને બ્રોડબેન્ડ જોડાણનું વિસ્તરણ, ડાર્ક ફાઇબરનું વેચાણ, મોબાઇલ ટાવરોનું ફાઇબરાઇઝેશન, ઇ-કોમર્સ વગેરે સામેલ છે.
ગ્રામીણ વિસ્તારોમાં બ્રોડબેન્ડનો પ્રસાર થવાથી ડિજિટલ માધ્યમોની સુલભતામાં ગ્રામીણ-શહેરી અસમાનતા દૂર થશે તથા ડિજિટલ ઇન્ડિયા અભિયાનને વેગ મળશે. બ્રોડબેન્ડનો પ્રસાર અને એના વિસ્તરણથી પ્રત્યક્ષ અને પરોક્ષ એમ બંને પ્રકારની રોજગારીમાં વધારો થવાની તેમજ આવક થવાની અપેક્ષા પણ છે. જે રાજ્યોમાં પીપીપી મોડલની કલ્પના કરવામાં આવી છે, એ રાજ્યો નિઃશુલ્ક રાઇટ ઓફ વેની સુવિધા આપશે.
ભારતનેટ પીપીપી મોડલ ઉપભોક્તાઓને અનુકૂળ નીચેના ફાયદા કરાવશેઃ
- ઉપભોક્તાઓ માટે ખાનગી ક્ષેત્રના પ્રદાતા દ્વારા નવીન ટેકનોલોજીનો ઉપયોગ;
- ઉપભોક્તાઓને ઉચ્ચ ગુણવત્તાયુક્ત સેવા અને સેવાનું શ્રેષ્ઠ સ્તર;
- નેટવર્કને ઝડપથી સ્થાપિત કરવું અને ઉપભોક્તાઓને ઝડપી જોડાણ આપવું;
- સેવાઓ માટે ભાડાનાં સ્પર્ધાત્મક દર;
- ઉપભોક્તાઓને ઓફર થયેલા વિવિધ પેકેજના ભાગરૂપે ઓવર ધ ટોપ (ઓટીટી) સેવાઓ અને મલ્ટિ-મીડિયા સેવાઓ સહિત હાઈ-સ્પીડ બ્રોડબેન્ડ પર વિવિધ પ્રકારની સેવાઓ અને
- ઓનલાઇન ઉપલબ્ધ હોય એવી તમામ પ્રકારની સેવાઓની સુલભતા.
ટેલીકોમ ક્ષેત્રના આ મહત્વપૂર્ણ માળખાગત સુવિધામાં પીપીપી મોડલનો ઉપયોગ નવા પ્રકારની પહેલ છે. ખાનગી ક્ષેત્રમાં ભાગીદાર ઇક્વિટી રોકાણ લાવશે અને મૂડીગત ખર્ચ તથા નેટવર્કની કામગીરી અને જાળવણી માટે સંસાધનો ઊભા કરશે એવી અપેક્ષા છે. એટલે ભારતનેટ માટે પીપીપી મોડલ કાર્યદક્ષતા વધારશે, સેવાની ગુણવત્તા વધારશે, ઉપભોક્તાને શ્રેષ્ઠ અનુભવ આપશે તેમજ ડિજિટલ ઇન્ડિયા અભિયાનને વેગ આપવા ખાનગી ક્ષેત્રની કુશળતા, ઉદ્યોગસાહસિકતા અને ક્ષમતાનો ઉપયોગ કરશે. આ સરકારના નાણાંની નોંધપાત્ર બચત ઉપરાંતના ફાયદા હશે.
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1731493)
Visitor Counter : 207