સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કોવિડ-19 સામે જાહેર આરોગ્યનાં વળતાં પગલાં અને ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, આંધ્ર પ્રદેશ તેમજ ગુજરાતમાં રસીકરણની પ્રગતિની ડૉ. હર્ષ વર્ધને સમીક્ષા કરી
‘જુલાઇ સુધીમાં ભારત પાસે રસીના 51.6 કરોડ અને ઑગસ્ટ-ડિસેમ્બરના ગાળામાં 216 કરોડ ડૉઝ હશે’
રાજ્યોને ક્લિનિકલ વ્યવસ્થાપનના વિસ્તરણ અને સુધારણા પર ધ્યાન કેન્દ્રિત કરવા કહેવાયું
प्रविष्टि तिथि:
15 MAY 2021 6:54PM by PIB Ahmedabad
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડો. હર્ષ વર્ધને ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, આંધ્ર પ્રદેશ અને ગુજરાત રાજ્યોના આરોગ્ય મંત્રીઓ અને મુખ્ય સચિવો/ અધિક મુખ્ય સચિવો સાથે કેન્દ્રીય રાજ્ય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી શ્રી અશ્વિની કુમાર ચૌબેની ઉપસ્થિતિમાં વાતચીત કરી હતી. આ રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશો દૈનિક કેસોની સંખ્યામાં ઊંચો વૃદ્ધિ દર, પોઝિટિવિટીમાં વધારો, મૃત્યુ દરમાં વધારો અને આરોગ્ય કાળજીની ક્ષમતામાં સંતૃપ્તિ દર્શાવી રહ્યા છે.

મધ્ય પ્રદેશના આરોગ્ય મંત્રી ડૉ. પ્રભુરામ ચૌધરી અને ઉત્તર પ્રદેશના આરોગ્ય મંત્રી શ્રી જય પ્રતાપ સિંહ, ઉત્તર પ્રદેશના નાણાં, સંસદીય બાબતો અને તબીબી શિક્ષણના મંત્રી શ્રી સુરેશ કુમાર ખન્ના વર્ચ્યુઅલી હાજર રહ્યા હતા.

કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ રાજ્યો દ્વારા સામનો કરાઇ રહેલા ગંભીર પડકારો ઉજાગર કર્યા હતા: ગુજરાતે એપ્રિલથી પૉઝિટિવિટીમાં ક્રમિક વધારો દર્શાવ્યો છે; સાજા થવાનો દર 79% છે, જે રાષ્ટ્રીય સરેરાશ કરતા નીચો છે; અમદાવાદ, વડોદરા અને મહેસાણામાં લગભગ 100% આઇસીયુ બૅડ્સ અને અમદાવાદ અને વડોદરામાં 97% અને 96% ઑક્સિજન બૅડ્સ ભરાઇ જવા સંતૃપ્તિનો નિર્દેશ આપે છે.
આંધ્ર પ્રદેશમાં એપ્રિલ 2021ની શરૂઆતથી પોઝિટિવિટી રેટ વધ્યો છે; સાપ્તાહિક વૃદ્ધિ દર 30.3% જેટલો ઊંચો હતો, ચિત્તુર, પૂર્વ ગોદાવરી, ગુંટુર, શ્રીકાકુલમ, વિશાક્ઝાપટ્ટનમ ચિંતાના જિલ્લાઓ તરીકે દર્શાવાયા હતા.
ઉત્તર પ્રદેશે છ સપ્તાહના ગાળામાં (5500 થી 31000 કેસો અને 2% થી 14% પૉઝિટિવિટી) કેસોમાં ઘાતાંકીય વૃદ્ધિ જોઇ; લખનૌ અને મેરઠમાં તમામ શ્રેણીના બૅડ્સમાં 90% કરતા વધારે ઑક્યુપન્સી સાથે 14000 કરતા વધારે સક્રિય કેસો છે.
મધ્ય પ્રદેશમાં, જ્યાં સમગ્ર રાજ્યમાં એક લાખથી વધારે સક્રિય કેસો સાથે 10 જિલ્લાઓમાં 20% કરતા વધારે પૉઝિટિવિટી રેટ; ઇન્દોર, ભોપાલ, ગ્વાલિયર અને જબલપુર ચિંતાજનક જિલ્લાઓ તરીકે અંકિત કરાયા. ઉત્તર પ્રદેશ અને ગુજરાતને 18-45 વર્ષના વયજૂથમાં મૃત્યુના ઊંચા પ્રમાણ હોવા બદલ સચેત કરાયા.
ડૉ. હર્ષ વર્ધને એવો મજબૂત વિચાર વ્યક્ત કર્યો કે હાલ કોવિડ કેસો ઘટી રહ્યા છે એને આત્મસંતુષ્ટિ માટેના સંકેત તરીકે ન જોવા જોઇએ પણ આરોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિસ્તારવા, સુધારવા અને સમારવા માટે શ્વાસ લેવાના અવકાશ તરીકે લેવા જોઇએ. રાજ્યોના આરોગ્ય મંત્રીશ્રીઓને આઇસીયુ અને ઑક્સિજનેટેડ બૅડ્સ વધારવા, ઑક્સિજન ઑડિટ હાથ ધરવા, રાજ્યમાં દવાઓની ઉપલબ્ધતાની ચકાસણી કરવા અને પોતાના મેડિકલ કાર્યદળને મજબૂત કરવા સલાહ અપાઇ હતી
એનસીડીસીના નિયામક ડૉ. સુજીત કે. સિંહે રોગચાળાને લગતા તારણો અને રાજ્યોમાં કોવિડ ટ્રેજેક્ટરીનું બારીક પૃથક્કરણ રજૂ કર્યું હતું. તેમણે કેસો વધે તો નજીકના શહેરો અને ગામોના લોકો ધસારો કરે એટલે નાના શહેરોમાં આરોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ધ્યાન કેન્દ્રીત કરવાનું ચાલુ રાખવા સૂચવ્યું હતું. તેમણે આઇએનએસએસીઓજી કૉન્સોર્ટિયમ મારફત કોવિડના વેરિયન્ટ્સ પર ચાંપતી નજર રાખવા પણ રાજ્યોને વિનંતી કરી હતી. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયનાં એએસ અને એમડી સુધ્રી વંદના ગુરનાનીએ રસીના ડૉઝના મહત્તમ અને વિવેકપૂર્ણ ઉપયોગ અંગે રજૂઆત કરી હતી.
રાજ્યોના આરોગ્ય મંત્રીઓમાં એક સર્વાનુમત મુદ્દો એ હતો જે રસીના પરિણામે કોવિડ થાય તો પણ હળવો થાય છે એટલે મૂલ્યવાન જિંદગીઓ જતી બચાવી શકાય છે. પોતાના રસી કવરેજને વિસ્તારવા માટે તમામ રાજ્યોને વધારે રસીની જરૂર છે એ હકીકતની નોંધ લેતા ડૉ. હર્ષ વર્ધને કહ્યું હતું કે વધેલી માગને પહોંચી વળવા માટે ઉત્પાદન સ્થિર રીતે વધારાઇ રહ્યું છે જ્યારે અત્યારે જે રસીઓ ઉત્પાદિત થાય છે એને સતત સમાન ભાગે વહેંચીને ત્વરિત રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોને રવાના કરાય છે. રસી ઉત્પાદન વધારવાની વિગતો આપતા તેમણે કહ્યું હતું કે, ‘ જુલાઇના અંત સુધીમાં આપણી પાસે રસીના 51.6 કરોડ ડૉઝીસ હશે જેમાં પહેલેથી અપાઇ ગયેલા 18 કરોડ ડૉઝીસનો સમાવેશ થાય છે. સ્પુટનિકને મંજૂરી આપી દેવાઇ છે. આની સાથે ઝાયડસ કેડિલા, સિરમ ઈન્સ્ટીટ્યૂટ ઑફ ઈન્ડિયા-નોવાવેક્સ વેક્સિન, ભારત બાયોટેકની નાકમાં મૂકવાની રસી અને જિનોવા એમઆરએનએ રસી એમ નવી રસીઓની નિર્ધારિત મંજૂરી ઑગસ્ટ-ડિસેમ્બરના ગાળામાં કોવિડ રસીઓની ઉપલબ્ધતાને 216 કરોડ ડૉઝીસ સુધી પહોંચાડશે.’
શ્રી અશ્વિની કુમાર ચૌબેએ મહામારીની કત્લેઆમ રોકવામાં બહાદુરી બદલ જે તે રાજ્યોના આરોગ્ય વહીવટીતંત્રનો અને આરોગ્ય સુવિધાના કાર્યકરોનો આભાર માન્યો હતો. તેમણે રાજ્યોમાંના એમના સાથીઓને ખાતરી આપી કે કેન્દ્ર સરકાર એમની તમામ જરૂરિયાતો સાંભળશે અને ક્ષમતા અનુસાર એને પરિપૂર્ણ કરવા પ્રયત્ન કરશે.
રાજ્યોને 45+ વયજૂથ, એચસીડબલ્યુ/એફએલડબલ્યુ માટે રસીનો બીજો ડૉઝ લઈ પરિપૂર્ણ કરવાના મહત્ત્વને પહોંચાડવા માટે જાગૃતિ અભિયાન સાથે ઉપલબ્ધ રસીઓનો સંપૂર્ણ ઉપયોગ સુનિશ્ચિત કરવા સલાહ અપાઇ હતી. એમ પુનરોચ્ચાર કરાયો હતો કે રાજ્યોએ રાજ્યોએ રસીના બગાડને ઘટાડવા પર ધ્યાન આપવાની જરૂર છે કેમ કે જે તે રાજ્યને ત્યાર પછીની ફાળવણીમાં બગાડને પણ ધ્યાને લેવાશે. ભારત સરકાર સિવાયની ચેનલ મારફત રસીના સમયસર પુરવઠા માટે ઉત્પાદકો સાથે નિયમિત સંકલન કરવા અને ખાનગી હૉસ્પિટલો સાથે એમની પ્રાપ્તિ માટે પણ સંકલન કરવા રાજ્ય સ્તરે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની સમર્પિત ટીમની જેમ 2/3 સભ્યોની ટીમ રચવા પણ સલાહ આપવામાં આવી હતી. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કોન્ટ્રાક્ટ થયેલા ડૉઝ અને અપાયેલા પુરવઠાની સાથે ખાનગી હૉસ્પિટલોની યાદી પહેલેથી રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોને આપી જ છે.
(रिलीज़ आईडी: 1718926)
आगंतुक पटल : 407