કૃષિ મંત્રાલય

પ્રધાનમંત્રીએ પીએમ-કિસાન યોજના હેઠળ આર્થિક લાભનો આઠમો હપ્તો જારી કર્યો


પીએમ કિસાન યોજના અંતર્ગત ગુજરાતના 5479600 લાભાર્થી ખેડૂતોને રૂ. 11559276000 ટ્રાન્સફર કરવામાં આવ્યા

પહેલી વાર પશ્ચિમ બંગાળના ખેડૂતોને પણ આ યોજનાનો લાભ મળશે

આ વર્ષે એમએસપી ખાતે ઘઉંની ખરીદીએ નવો વિક્રમ સર્જ્યો

સરકાર તેની પૂરેપૂરી શક્તિ સાથે કોવીડ19 સામે લડત આપી રહી છે

ગાંવ, ગરીબ અને કિસાન પર ધ્યાન આપવા બદલ કેન્દ્રિય કૃષિ મંત્રીએ પ્રધાનમંત્રીનો આભાર માન્યો

Posted On: 14 MAY 2021 4:13PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ (પીએસ અંતર્ગત આજે એક વીડિયો કોન્ફરન્સ મારફતે દેશના 9,50,67,601 ખેડૂતોને તેમના આર્થિક લાભની કુલ 2,06,67,75,66,000 રૂપિયાની રકમ ખેડૂતોના બેંક ખાતામાં હસ્તાંતરિત કરી હતી. જેમાં પીએમ કિસાન યોજના અંતર્ગત ગુજરાતના 5479600 લાભાર્થી ખેડૂતોને રૂ. 11559276000 ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ લાભાર્થી ખેડૂતો સાથે વાર્તાલાપ પણ કર્યો હતો. આ પ્રસંગે કેન્દ્રિય કૃષિ મંત્રી પણ ઉપસ્થિત રહ્યા હતા.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001WZTP.jpg

પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ (પીએમ-કિસાન) યોજનાના લાભાર્થી ખેડૂતો સાથે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સ મારફતે ચર્ચા કરતી વખતે ઉત્તર પ્રદેશના ઉન્નાવના ખેડુત અરવિંદની પ્રશંસા કરી હતી. અરવિંદે તેના પ્રાંતના યુવાન ખેડૂતોને ઓર્ગેનિક ખેતી અને ખેતી અંગેની નવીનતમ ટેકનોલોજીની તાલીમ આપી હતી. તેમણે આંદામાન એન્ડ નિકોબાર ટાપુના કાર નિકોબારના પેટ્રિકના મોટી સંખ્યામાં ઓર્ગેનિક ખેતી માટેના પ્રયાસોની પણ પ્રશંસા કરી હતી. આ ઉપરાંત પ્રધાનમંત્રીએ આંધ્ર પ્રદેશના અનંતપુરના એન. વેણુરામાના પ્રયાસોને પણ બિરદાવ્યા હતા જેણે તેના વિસ્તારના 170 જેટલા આદિવાસીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. . પ્રધાનમંત્રીએ મેઘાલયના રેવિસ્ટરની મેઘાલયના પર્વતીય વિસ્તારોમાં આદુનો પાવડર, હળદર, તજ વગેરે જેવા મરીમસાલાનું વાવેતર કરવા બદલ પ્રશંસા કરી હતી. તેમણે જમ્મુ અને કાશ્મીરમાં શ્રીનગરના ખુરશીદ અહેમદ સાથે પણ સંવાદ કર્યો હતો. ખુરશીદ કેપ્સિકમ, ગ્રીન ચીલી અને કાકડીની જેવા શાકભાજીની સજીવ ખેતી કરે છે. પોતાના અનુભવો વ્રણવતા મહારાષ્ટ્રના લાતુરના બાળાસાહેબ નરારેએ પ્રધાનમંત્રીને માહિતગાર કર્યા હતા કે કેવી રીતે કિસન ક્રેડીટ કાર્ડ તેમને બેંકમાંથી ધીરાણ લેવામાં મદદ કરે છે અને  આ મદદથી તેઓ કેવી રીતે ખેત પેદાશોમાં વૃદ્ધિ કરી શકે છે.
 

આ પ્રસંગે પ્રધાનમંત્રી શ્રી મોદીએ જણાવ્યું હતું કે પહેલી વાર પશ્ચિમ બંગાળના ખેડૂતો પણ આ યોજનાનો લાભ લઈ શક્યા છે. તેમણે કોરોનાની આ મહામારી દરમિયાન મુશ્કેલ સ્થિતિ અને સંજોગો વચ્ચે ખાદ્યાન્ન અને બાગાયતી પાકોનું વિક્રમજનક ઉત્પાદન કરનારા ખેડૂતોના પ્રયાસોની પણ પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે સરકાર પણ દર વર્ષે લઘુતમ ટેકાના ભાવ (એમએસપી)માં નવા વિક્રમ સર્જી રહી છે. એમએસપીમાં ડાંગરની ખેતીનો નવો વિક્રમ સર્જાયો છે. તેમણે ઉમેર્યું હતું કે આ વર્ષે અત્યાર સુધીમાં ગા વર્ષની સરખામણીએ એમએસપી ખાતે ઘઉંના ઉત્પાદનમાં દસ ટકાનો વધારો નોંધાયો છે. અત્યાર સુધીમાં ઘઉંના ઉત્પાદનમાંથી ખેડૂતોના બેંક ખાતામાં 58,000 કરોડ રૂપિયાની રકમ જમા કરાવી દેવાઈ છે.

પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે સરકાર કૃષિ ક્ષેત્રમાં નવા સમાધાનો અને નવા વિકલ્પો પ્રદાન કરવા સતત પ્રયાસરત છે. ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન આપવું પણ આ પ્રકારનો એક પ્રયાસ છે. ઓર્ગેનિક ખેતી વધારે નફાકારક છે અને અત્યારે સમગ્ર દેશમાં યુવાન ખેડૂતો વધુને વધુ ઓર્ગેનિક ખેતી તરફ વળી રહ્યાં છે. તેમણે કહ્યું હતું કે, અત્યારે ઓર્ગેનિક ખેતી ગંગાના કિનારાના અને આશરે પાંચ  કિલોમીટરની ત્રિજયાની અંદર એમ બંને પ્રકારના વિસ્તારોમાં થઈ રહી છે, જેથી ગંગા સ્વચ્છ રહેશે.
પ્રધાનમંત્રીએ એ વાત પર ભાર મૂક્યો હતો કે, કોરોનાની આ મહામારીના સમયગાળા દરમિયાન કિસાન ક્રેડિટ કાર્ડની સમયમર્યાદા વધારવામાં આવી છે અને હપ્તાઓ 30મી જૂન સુધીમાં રિન્યૂ કરી શકાશે. તેમણે જણાવ્યું હતું કે તાજેતરના વર્ષમાં બે કરોડથી વધારે કિસાન ક્રેડિટ કાર્ડ ઇસ્યૂ કરાયા છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે સદીઓમાં એક વાર જોવા મળે તેવી કોરોનાની આ મહામારી  સમગ્ર દુનિયા સામે પડકાર છે કેમ કે આ વખતની આપણી લડાઈ એક અદ્રશ્ય શત્રુ સામેની છે. તેમણે જણાવ્યું હતું કે સરકાર તેની સંપૂર્ણ ક્ષમતા સાથે કોવિડ-19 સામે લડી રહી છે. તેમણે ખાતરી આપી હતી કે દરેક સરકારી વિભાગ દેશને આ મહામારીની પીડામાંથી રાહત આપવા રાતદિવસ કાર્યરત છે.

પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર અને તમામ રાજ્ય સરકારો સંયુક્તપણે ઝડપથી વધુને વધુ દેશવાસીઓનું રસીકરણ કરવા સતત પ્રયાસ કરી રહી છે. તેમણે જણાવ્યું હતું કે, અત્યાર સુધી સમગ્ર દેશમાં રસીના આશરે 18 કરોડ ડોઝ આપવામાં આવ્યાં છે. દેશભરમાં સરકારી હોસ્પિટલોમાં નિઃશુલ્ક રસીકરણ થઈ રહ્યું છે. પ્રધાનમંત્રીએ દરેક નાગરિકને તેમનો વારો આવે ત્યારે રસી માટે નોંધણી કરાવવા અપીલ કરી હતી અને દરેકને કોવિડને અનુરૂપ વર્તણૂંક કરવા વિનંતી કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, આ રસી કોરોના સામે સુરક્ષાનું મહત્વપૂર્ણ કવચ છે અને તેનાથી ગંભીર બિમારીનું જોખમ ઘટશે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ કપરા સમયમાં અને સંજોગોમાં ઓક્સિજનનો પુરવઠો સુનિશ્ચિત કરવા સશસ્ત્ર દળો સંપૂર્ણ ક્ષમતા સાથે કાર્યરત છે. રેલવે વિવિધ રાજ્યોમાં ઓક્સિજનનો પુરવઠો ઝડપથી પહોંચાડવા ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો પણ દોડાવે છે. દેશના ફાર્મા ક્ષેત્ર વિપુલ પ્રમાણમાં દવાઓનું ઉત્પાદન અને પરિવહન કરી રહ્યા છે. પ્રધાનમંત્રીએ આ સાથે રાજ્ય સરકારોને દવાઓ અને તબીબી પુરવઠાના કાળાં બજાર રોકવા કાયદાઓનો કડકપણે અમલ કરવા અપીલ કરી હતી.
પ્રધાનમંત્રીએ એવી પણ ટકોર કરી હતી કે ભારત એવો દેશ નથી જે કપરા સમયમાં આશા ત્યજી દે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે, આ પડકારને પણ આપણે આપણી પૂરી ક્ષમતા અને પ્રતિબદ્ધતા સાથે સફળતાપૂર્વક ઝીલીશું. તેમણે ગ્રામીણ વિસ્તારોમાં કોવિડ-19ના ફેલાવા સામે  ચેતવણી ઉચ્ચારી હતી તથા ગ્રામપંચાયતોને તેમના સંબંધિત વિસ્તારોમાં ઉચિત જાગૃતિ લાવવા અને સાફસફાઈ કે સ્વચ્છતા જાળવવા વિનંતી કરી હતી.

 

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002GMJB.jpg


આ પ્રસંગે કેન્દ્રના કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રી શ્રી નરેન્દ્ર સિંઘ તોમરે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીના પ્રયાસો હંમેશાં યોગ્ય દિશામાં અને સારા સંચાલન, જીવનશૈલી સુધારા તથા કિસાનોની આવક બમણી કરવા પ્રત્યેના હોય છે. તેમણે ઉમેર્યું હતું કે શ્રી નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ કૃષિ ક્ષેત્ર માટે આવક-કેન્દ્રીત નીતિ ઘડવામાં આવી છે. પીએમ કિસાન સમ્માન નિધિ યોજનાને તેમણે સૌથી વ્યાપક યોજના ગણાવીને શ્રી નરેન્દ્ર સિંઘ તોમરે આ પ્રસંગે ગાંવ, ગરીબ અને કિસાન યોજના પર ધ્યાન આપવા બદલ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો. આ પ્રસંગે તેમણે પીએમ કિસાન યોજના હેઠળ દેશના 9.5 કરોડ ખેડૂતોના બેંક ખાતામાં 20 હજાર કરોડથી વધુ રૂપિયા જમા કરાવવા બદલ પણ પ્રધાનમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. કૃષિ મંત્રીએ ઉમેર્યું હતું કે પીએમ કિસાન યોજના હેઠળ 100 ટકા લક્ષ્યાંક હાંસલ કરવા માટે કૃષિ મંત્રાલય તમામ પ્રયાસો હાથ ધરશે.


રાજ્યવાર કિસાન લાભાર્થીઓ અને તેમના ખાતામાં જમા થયેલી રકમ આ મુજબ છે.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003NXZF.jpg

 


(Release ID: 1718645) Visitor Counter : 321