પ્રધાનમંત્રીનું કાર્યાલય

ભારત- યુકે વર્ચ્યુઅલ શિખર મંત્રણા

Posted On: 04 MAY 2021 6:39PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને યુનાઇટેડ કિંગડમના પ્રધાનમંત્રી આદરણીય શ્રી બોરિસ જ્હોન્સન વચ્ચે આજે વર્ચ્યુઅલ શિખર મંત્રણાનું આયોજન થયું હતું.

ભારત અને યુકે લાંબા સમયથી મૈત્રી સંબંધો અને લોકશાહી, મૂળભૂત સ્વતંત્રતા અને કાયદાનું શાસન, મજબૂત પૂરકતા અને વધતા સુશાસન પ્રત્યેની પારસ્પરિક કટિબદ્ધતા દ્વારા રચાયેલી સહિયારી વ્યૂહાત્મક ભાગીદારી ધરાવે છે.

દ્વીપક્ષીય સંબંધોને વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી સુધી ઉન્નત કરવા માટે આ શિખર મંત્રણામાં મહત્વાકાંક્ષી રોડમેપ 2030 અપનાવવામાં આવ્યો હતો. આ રોડમેપ (ભાવિ રૂપરેખા) આગામી દસ વર્ષમાં લોકોથી લોકોના સંપર્કો, વ્યાપાર અને અર્થતંત્ર, સંરક્ષણ અને સુરક્ષા, આબોહવા સંબંધિત પગલાં અને આરોગ્ય જેવા મુખ્ય ક્ષેત્રોમાં ઊંડા અને મજબૂત જોડાણનો માર્ગ મોકળો કરશે.

બંને નેતાઓએ કોવિડ-19ની પરિસ્થિતિ અને આ મહામારી સામે લડવા માટે વર્તમાન સહકાર વિશે ચર્ચા કરી હતી જેમાં રસી બાબતે સફળ ભાગીદારી સહિતના મુદ્દાઓ સમાવી લેવામાં આવ્યા હતા. ભારતમાં કોવિડ-19ના તીવ્ર બીજા ચરણમાં ઉભી થયેલી વિકટ સ્થિતિ દરમિયાન યુકે દ્વારા તાકીદના ધોરણે પૂરી પાડવામાં આવેલી તબીબી સહાયતા બદલ પ્રધાનમંત્રી મોદીએ યુકેના પ્રધાનમંત્રી જ્હોન્સનનો આભાર માન્યો હતો. પ્રધાનમંત્રી જ્હોન્સને યુકે અને અન્ય દેશોને ગયા વર્ષમાં ભારતે આપેલી સહાયતા બદલ પ્રશંસા કરી હતી જેમાં ભારતે જે પ્રકારે દવાઓ અને રસીનો જથ્થો પૂરો પાડ્યો તે કામગીરી પણ બિરદાવી હતી.

બંને પ્રધાનમંત્રીએ દુનિયાની સૌથી મોટી પાંચમી અને છઠ્ઠી અર્થવ્યવસ્થા વચ્ચે વેપારની સંભાવનાઓને ઉજાગર કરવા માટે ઉન્નત વેપાર ભાગીદારી (ETP)ના પ્રારંભની જાહેરાત કરી હતી અને 2030 સુધીમાં દ્વીપક્ષીય વેપાર બમણાથી પણ વધારે કરવાનું મહત્વાકાંક્ષી લક્ષ્ય નિર્ધારિત કર્યું હતું. ETPના ભાગરૂપે, ભારત અને યુકે વ્યાપક અને સંતુલિત FTAની વાટાઘાટો કરવા માટેના રોડમેપ અંગે સંમત થયા હતા જેમાં વહેલાં લાભ પ્રાપ્તિ માટે વચગાળાના વેપાર કરાર પર વિચારણાનો મુદ્દો પણ સામેલ છે. ભારત અને યુકે વચ્ચે ઉન્નત વેપાર ભાગીદારીથી બંને દેશોમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે હજારો નોકરીઓનું સર્જન થશે.

યુકે સંશોધન અને આવિષ્કાર સહયોગ મામલે ભારતનું બીજું સૌથી મોટું ભાગીદાર છે. આફ્રિકાથી શરૂઆત કરીને પસંદગીના વિકાસશીલ દેશોમાં સમાવેશી ભારતીય આવિષ્કારો ટ્રાન્સફર કરવાના ઉદ્દેશ સાથે આ વર્ચ્યુઅલ શિખર મંત્રણામાં નવી ભારત- યુકેવૈશ્વિક આવિષ્કાર ભાગીદારીની જાહેરાત કરવામાં આવી હતી. બંને પક્ષો ડિજિટલ અને ICT ઉત્પાદનો સહિત નવી અને ઉભરતી ટેકનોલોજીમાં સહકાર વધારવા માટે અને પૂરવઠા શ્રૃંખલાને અનુકૂળ બનાવવા માટે સાથે મળીને કામ કરવા માટે સંમત થયા હતા. તેઓ સમુદ્રી સુરક્ષા અને ત્રાસવાદ વિરોધી પગલાં તેમજ સાઇબર સ્પેસના ક્ષેત્ર સહિત સંરક્ષણ અને સુરક્ષા વધુ મજબૂત બનાવવા માટે પણ સંમત થયા હતા.

બંને દેશોના પ્રધાનમંત્રીએ ઇન્ડો-પેસિફિક અને G7માં સહકાર સહિત પારસ્પરિક હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પોતાના અભિપ્રાયોનું આદાનપ્રદાન કર્યું હતું. તેમણે પેરિસ કરારના લક્ષ્યો પ્રાપ્ત કરવા માટે આબોહવા સંબંધિત પગલાંઓ પર પોતાની કટિબદ્ધતાનો પુનરુચ્ચાર કર્યો હતો અને આ વર્ષાંતે યુકેમાં યોજાનારી CoP26માં નીકટતાથી જોડાવા માટે પણ સંમતિ દર્શાવી હતી.

ભારત અને યુકેએ લોકોના સ્થાનાંતરણ અને હેરફેર સંબંધિત વ્યાપક ભાગીદારી પણ શરૂ કરી છે જેના કારણે બંને દેશો વચ્ચે વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલોના આવનજાવનની વિપુલ તકો ઉપલબ્ધ થઇ શકશે.

પ્રધાનમંત્રીએ ભારતમાં સ્થિતિ સ્થિર થયા બાદ યુકેના પ્રધાનમંત્રી જ્હોન્સનને ભારતની મુલાકાત વખતે આવકારવાની પ્રબળ ઇચ્છા વ્યક્ત કરી હતી. પ્રધાનમંત્રી જ્હોન્સને પણ G-7 શિખર મંત્રણા માટે યુકેની મુલાકાત લેવા માટે પ્રધાનમંત્રી મોદીને આપેલા આમંત્રણનો પુનરુચ્ચાર કરીને તેમને યુકે આવવા કહ્યું હતું.

SD/GP/JD



(Release ID: 1716021) Visitor Counter : 340