પ્રધાનમંત્રીનું કાર્યાલય
કોવિડ19ની પરિસ્થિતિ અંગે પ્રધાનમંત્રીના રાષ્ટ્રને સંબોધનનો મૂળપાઠ
Posted On:
20 APR 2021 10:29PM by PIB Ahmedabad
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર.
કોરોના સામે દેશ આજે ફરીથી મોટી લડત આપી રહ્યો છે. થોડા સપ્તાહ અગાઉ પરિસ્થિતિ અંકુશમાં હતી અને ત્યાં તો કોરોનાનો આ બીજો તબક્કો તોફાન બનીને આવી ગયો. જે પીડ તમે સહન કરી છે, જે તકલીફ તમે ભોગવી રહ્યા છો તેનો મને સંપૂર્ણપણે અહેસાસ છે. જે લોકોએ તાજેતરના ગાળામાં પોતાના સ્વજનો ગુમાવ્યા છે, હું તમામ દેશવાસીઓ તરફથી તેમના પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. પરિવારના એક સદસ્ય તરીકે તમારા આ દુઃખમાં હું પણ સામેલ છું. પડકાર મોટો છે પરંતુ આપણે સાથી મળીને આપણા સંકલ્પ, આપણા મનોબળ અને તૈયારી સાથે તેમાંથી પાર ઉતરવાનું છે.
સાથીઓ,
મારી વાતને વિસ્તૃત રીતે રજૂ કરતા પહેલાં હું દેશના તમામ તબીબો, મેડીકલ કર્મચારીઓ, પેરામેડીકલ કર્મચારીઓ, આપણા તમામ સફાઈ કામદાર ભાઈ બહેન, આપણા એમ્બ્યુલન્સ ડ્રાઇવર, આપણા સુરક્ષાકર્મીઓ, પોલીસકર્મીઓ તમામની પ્રશંસા કરું છું. તમે તમામે કોરોનાના પહેલા તબક્કામાં પણ તમારો જીવ દાવ પર લગાવીને લોકોને બચાવ્યા હતા. આજે તમે ફરીથી તમારા પરિવાર, તમારું સુખ, તમારી ચિંતાઓ તમામને કોરાણે મૂકીને અન્યના જીવન બચાવવા માટે રાત-દિવસ કાર્યરત છો.
સાથીઓ,
આપણા શાસ્ત્રોમાં કહેવાયું છે કે ત્યાજ્યમ ન ધૈર્યમ, વિધુરેપી કાલે. એટલે કે કપરામાં કપરા કાળમાં આપણે ધૈર્ય ગુમાવવું જોઇએ નહીં. કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવા માટે આપણે યોગ્ય નિર્ણય લઈએ, યોગ્ય દિશામાં પ્રયાસ કરીએ, તો જ આપણે વિજય પ્રાપ્ત કરી શકીએ છીએ. આજ મંત્રને સામે રાખીને આજે દેશ દિવસ-રાત કામ કરી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસમાં જે નિર્ણય લેવાયા છે, જે પગલા લેવામાં આવ્યા છે તે નિર્ણયો પરિસ્થિતિમાં ઝડપથી સુધારો લાવશે. આ વખતે કોરોનાના સંકટમાં દેશના અનેક ભાગોમાં ઓક્સિજનની માંગ ખૂબ વધી ગઈ છે. આ મામલે ઝડપથી અને સંપૂર્ણ સંવેદનશીલતા સાથે કામ થઈ રહ્યું છે. કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારો, ખાનગી ક્ષેત્રો તમામનો સંપૂર્ણ પ્રયાસ છે કે તમામ જરૂરિયાતમંદ લોકોને ઓક્સિજન મળી રહે. ઓક્સિજનનું ઉત્પાદન અને પુરવઠો વધારવા માટે ઘણા સ્તર પર પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રાજ્યમાં નવા ઓક્સિજન પ્લાન્ટ હોય, એક લાખ નવા સિલિન્ડર પહોંચાડવાના હોય, ઓદ્યોગિક એકમોમાં વપરાતા ઓક્સિજનનો મેડિકલમાં ઉપયોગ થાય, ઓક્સિજન રેલવે હોય, આ તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
સાથીઓ,
આ વખતે કોરોનાના કેસ જેવા વધ્યા તે સાથે જ દેશના ફાર્મા ક્ષેત્રોએ દવાઓનું ઉત્પાદન વધારી દીધું છે. જાન્યુઆરી-ફેબ્રુઆરીની સરખામણીએ આજે દેશમાં વધારે ગણી દવાઓનું ઉત્પાદન થઈ રહ્યું છે. તેની ઝડપમાં હજી પણ વધારો થઈ રહ્યો છે. દેશની ફાર્મા કંપનીના વડાઓ, નિષ્ણાતો સાથે કાલે જ મારી લાંબી મંત્રણા થઈ હતી. ઉત્પાદન વઘારવા માટે તમામ પ્રકારે દવાની કંપનીઓની મદદ લેવામાં આવી રહી છે. આપણે નસીબદાર છીએ કે આપણા દેશમાં એટલું મજબૂત ફાર્મા ક્ષેત્ર છે જે ઘણી સારી ગુણવત્તાસભર અને ઝડપથી દવાઓ બનાવે છે. આ સાથે હોસ્પિટલમાં પથારીની સંખ્યામાં વધારા અંગે પણ ઝડપથી કામગીરી હાથ ધરાઈ છે. કેટલાક શહેરોમાં વધારે માંગને ધ્યાનમાં રાખીને વિશેષ અને વિશાળ કોવિડ હોસ્પિટલ બનાવવામાં આવી રહી છે.
સાથીઓ,
ગયા વર્ષે દેશમાં કોરોનાના થોડા દર્દીઓ આવ્યા હતા તે જ વખતે ભારતમાં કોરોના વાયરસ સામે અકસીર વેક્સિન બનાવવા માટેની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. આપણા વૈજ્ઞાનિકોએ દિવસ-રાત એક કરીને ઘણા ઓછા સમયમાં દેશવાસીઓ માટે વેક્સિન બનાવી છે. આજે દુનિયાની સૌથી સસ્તી વેક્સિન ભારતમાં છે. ભારતની કોલ્ડ ચેન વ્યવસ્થાને અનુકૂળ વેક્સિન આપણી પાસે છે. આ પ્રયાસમાં આપણા ખાનગી ક્ષેત્રોએ સંશોધન અને એન્ટરપ્રાઇસની ભાવનાનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. વેક્સિનને મંજૂરી અને નિયમનની પ્રક્રિયાને ફાસ્ટ ટ્રેક પર રાખવાની સાથે, તમામ સાયન્ટિફિક અને નિયમનકારી મદદને પણ વધારવામાં આવી છે. આ એક ટીમ પ્રયાસ છે જેને કારણે ભારતે બે સ્વદેશી (ભારતમાં જ બનેલી) વેક્સિન સાથે વિશ્વના સૌથી મોટા રસીકરણ અભિયાનનો પ્રારંભ કર્યો છે. રસીકરણના પ્રથમ તબક્કાથી જ ઝડપની સાથે એ વાત પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો કે વધુને વધુ ક્ષેત્રો સુધી, જરૂરતમંદો સુધી વેક્સિન પહોંચે. દુનિયામા સૌથી ઝડપથી ભારતમાં પહેલા 10 કરોડ, પછી 11 કરોડ અને હવે 12 કરોડ નાગરિકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. આજે કોરોના સામેની આ લડતમાં આપણને પ્રોત્સાહન મળે છે કે આપણા આરોગ્ય કર્મચારીઓ, કોરોના વોરિયર્સ અને વયસ્ક નાગરિકોના એક મોટા હિસ્સાને વેક્સિનનો લાભ મળી ચૂક્યો છે.
સાથીઓ,
હજી કાલે જ વેક્સિનેશનને લઇને અમે વધુ એક મહત્વનો નિર્ણય લીધો છે. પહેલી મેથી દેશમાં 18 વર્ષથી વધુ વયના તમામને વેક્સિન આપવામાં આવશે. હવે ભારતમાં જે વેક્સિન બનશે તેનો અડધો હિસ્સો સીધો જ રાજ્યો અને હોસ્પિટલને મળશે. આ દરમિયાન ગરીબો, વૃદ્ધો, નીચલા સ્તરના લોકો, નીચલા મધ્યમવર્ગના લોકો અને 45 વર્ષની વયથી ઉપરના લોકો માટે કેન્દ્ર સરકાર દ્વારા જે રસીકરણ અભિયાન ચલાવાઈ રહ્યું છે તે પણ એટલી જ ઝડપથી જારી રહેશે. અગાઉની માફક જ સરકારી હોસ્પિટલમાં વિનામૂલ્યે વેક્સિન મળતી રહેશે. મેં કહ્યું તેમ તેનો લાભ આપણા ગરીબ પરિવાર, નીચલો વર્ગ, નીચલો મધ્યમવર્ગના પરિવારના સદસ્યો લઈ શકશે.
સાથીઓ,
આપણા તમામનો પ્રયાસ જીવન બચાવવા માટે છે અને જીવન બચાવવા માટે તો છે જ પણ પ્રયાસ એ પણ રહેશે કે આર્થિક પ્રવૃત્તિઓ અને રોજગારી પર ઓછામાં ઓછી અસર પડે. પ્રયાસનો માર્ગ આ જ રહે. 18 વર્ષથી વધુ વયના લોકો માટે વેક્સિનેશનનો પ્રારંભ કરવાથી શહેરોમાં જે આપણો વર્કફોર્સ છે તેમને ઝડપથી વેક્સિન પ્રાપ્ત થશે. રાજ્યો અને કેન્દ્ર સરકારના પ્રયાસોથી શ્રમિકોને પણ ઝડપથી વેક્સિન મળવા લાગશે. રાજ્ય શાસનને મારો અનુરોધ છે કે તેઓ શ્રમિકોમાં વિશ્વાસ ટકાવી રાખે અને તેમને આગ્રહ કરે કે તેઓ જ્યાં છે ત્યાં જ રહે. રાજ્ય દ્વારા આપવામાં આવેલી આ ખાતરી તેમને ઘણી મદદ કરશે કે તેઓ જે શહેરમાં છે ત્યાં જ તેમને ટૂંક સમયમાં વેક્સિન મળશે અને તેમનું કામકાજ બંધ થશે નહીં.
સાથીઓ,
ગઈ વખતે જે પરિસ્થિતિ હતી તે અત્યાર કરતાં ઘણી અલગ હતી. એ વખતે આપણી પાસે આ વૈશ્વિક મહામારીનો સામનો કરવા માટે ખાસ કોરોનાને લગતું તબીબી માળખું ન હતું. તમે યાદ કરો દેશની શું સ્થિતિ હતી. કોરોનાના પરિક્ષણ માટે દેશમાં પર્યાપ્ત સંખ્યામાં લેબોરેટરી ન હતી. પીપીઈ કિટનું કોઈ ઉત્પાદન ન હતું. આપણી પાસે આ બીમારીની સારવાર માટેની કોઈ ખાસ જાણકારી ન હતી. પણ, ઘણા ઓછા સમયમાં આપણે આ બાબતમાં સુધારો લાવ્યા હતા. આજે આપણા તબીબોએ કોરાનાની સારવારમાં સારી એવી નિપુણતા પ્રાપ્ત કરી લીધી છે. તેઓ વધુમાં વધુ લોકોનો જીવ બચાવી રહ્યા છે. આજે આપણી પાસે પૂરતા પ્રમાણમાં પીપીઈ કિટ છે, લેબોરેટરીનું મોટું નેટવર્ક છે અને અમે પરિક્ષણની સવલતને સતત વધારી રહ્યા છીએ.
સાથીઓ,
આપણા દેશે કોરોના સામે અત્યાર સુધી ખૂબ જ મક્કમતાથી અને ધીરજથી લડત આપી છે. તેનો યશ તમને સૌ દેશવાસીઓને જાય છે. શિસ્ત અને ધૈર્યથી કોરોના સામે લડીને આપ દેશને અહીં સુધી પહોંચાડ્યો છે. મને ભરોસો છે કે જનભાગીદારીની શક્તિથી આપણે કોરોનાના આ તોફાનને પણ પરાસ્ત કરી શકીશું. આજે આપણે આપણી ચોતરફ જોઈ રહ્યા છીએ કે ઘણા લોકો, ઘણી સામાજિક સંસ્થાઓ જરૂરતમંદ લોકોને મદદ પહોંચાડવા માટે દિવસ-રાત કાર્યરત છે. દવા પહોંચાડવાની હોય, ભોજન કે રહેવાની વ્યવસ્થા કરવાની હોય દરેક લોકો સંપૂર્ણ મનોયોગથી કામ કરી રહ્યા છે. હું આ તમામના સેવાભાવને વંદન કરું છું અને દેશવાસીઓને અપીલ કરું છું કે વધુને વધુ સંખ્યામાં આ કપરાકાળમાં આગળ આવો અને જરૂરતમંદો સુધી મદદ પહોંચાડો. સમાજના પુરુષાર્થ અને સેવાના સંકલ્પથી જ આપણે આ યુદ્ધ જીતી શકીશું. યુવાન સાથીઓને મારો અનુરોધ છે કે તેઓ તેમની સોસાયટી, મહોલ્લામાં, એપાર્ટમેન્ટમાં નાની નાની સમિતિઓ બનાવીને કોરોના સામેની શિસ્તનું પાલન કરાવવામાં મદદ કરે. આપણે આમ કરીશું તો સરકારોને ના તો ક્યારેય કન્ટેનમેન્ટ ઝોન બનાવવાની જરૂર પડશે કે ના તો કરફ્યુ લગાવવાની જરૂર પડશે અને લોકડાઉનનો તો સવાલ જ પેદા થતો નથી. જરૂર જ નહીં પડે. સ્વચ્છતા અભિયાન વખતે, દેશમાં જાગરૂકતા લાવવા માટે મારા બાળ મિત્રોએ ઘણી મદદ કરી હતી. પાંચમા, સાતમા કે દસમા ધોરણમાં અભ્યાસ કરતાં નાના નાના બાળકોએ મદદ કરી હતી. તેમણે ઘરના લોકોને સમજાવ્યા હતા, મનાવ્યા હતા. તેમણે જ વડીલોને સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો. આજે હું ફરી એક વાર મારા બાળ મિત્રોને ખાસ કહેવા માગું છું. મારા બાળ મિત્રો, ઘરમાં જ એવું વાતાવરણ બનાવો કે કામ વિના, કારણ વિના ઘરના લોકો ઘરની બહાર જ નીકળે નહીં. તમારી જીદ મોટું પરિણામ લાવી શકે છે. પ્રચાર માધ્યમોને પણ મારી પ્રાર્થના છે કે સંકટના આ સમયે તેઓ નાગરિકોને સતર્ક અને જાગૃત કરવા માટે જે પ્રયાસ કરી રહ્યા છે તેને વધુ આગળ ધપાવે. આ સાથે ડરનો માહોલ પેદા થાય નહીં તે માટે પણ કામ કરે. લોકો અફવા તે દહેશતમાં આવે નહીં.
સાથીઓ,
આજની પરિસ્થિતિમાં આપણે દેશને લોકડાઉનથી બચાવવાનો છે. હું રાજ્યોને પણ અનુરોધ કરીશ કે તેઓ લોકડાઉનનો અંતિમ વિકલ્પ તરીકે જ ઉપયોગ કરે. લોકડાઉનથી બચવાનો ભરપુર પ્રયાસ કરવાનો છે. અને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન પર પણ ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. આપણે આપણા અર્થતંત્રને પણ મજબૂત બનાવીશું અને દેશવાસીઓના આરોગ્યનું પણ ધ્યાન રાખીશું.
સાથીઓ,
જે નવરાત્રીનો અંતિમ દિવસ છે. કાલે રામનવમી છે અને મર્યાદા પુરુષોત્તમ શ્રીરામનો આપણે તમામને એ જ સંદેશ છે કે આપણે મર્યાદાઓનું પાલન કરીએ, કોરોનાના આ કપરા કાળમાં કોરોનાથી બચવાના જે ઉપાયો છે, મહેરબાની કરીને તેનું સંપૂર્ણપણે પાલન કરો. દવાઈ ભી, કડાઈ ભી ના મંત્રને પણ ક્યારેય ભૂલવાનો નથી, આ મંત્ર જરૂરી છે, વેક્સિન પછી પણ જરૂરી છે. રમઝાનના પવિત્ર મહિનાનો પણ આજે સાતમો દિવસ છે. રમઝાન આપણને ધૈર્ય, આત્મ સંયમ અને શિસ્તની સલાહ આપે છે. કોરોના સામેનો જંગ જીતવા માટે શિસ્તની પણ એટલી જ જરૂર છે. ખાસ જરૂર હોય તો જ બહાર નીકળો, કોવિડ શિસ્તનું સંપૂર્ણ પાલન કરો, મારો તમને તમામને આ જ આગ્રહ છે. હું તમને ફરીથી ખાતરી આપું છું કે તમારા આ સાહસ, ધૈર્ય અને શિસ્તની સાથે સંકળાઈને આજે જે પરિસ્થિતિ છે તેને બદલવામા દેશ કોઈ કસર બાકી રાખશે નહીં. તમે બધા સ્વસ્થ રહો. તમારા પરિવારમાં તમામ લોકો સ્વસ્થ રહે એ જ મનોકામના સાથે હું મારી વાત સમાપ્ત કરું છું.
તમારા તમામનો ખૂભ ખૂબ આભાર.
*****************
SD/GP/JD
(Release ID: 1713170)
Visitor Counter : 285
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam