વિદ્યુત મંત્રાલય

અરુણાચલ પ્રદેશ અને સિક્કિમમાં ટ્રાન્સમિશન વિસ્તરણ વધુ મજબૂત બનાવવા માટે મંત્રીમંડળે સુધારેલા અંદાજિત ખર્ચને મંજૂરી આપી

Posted On: 16 MAR 2021 4:00PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની મંત્રીમંડળ સમિતિએ અરુણાચલ પ્રદેશ અને સિક્કિમ આ બંને રાજ્યોમાં આંતરરાજ્ય ટ્રાન્સમિશન અને વિતરણ પ્રણાલીઓને વધુ મજબૂત બનાવીને વિકાસની દિશામાં એક મહત્વપૂર્ણ અને મોટું પગલું લીધું છે. મંત્રીમંડળે અરુણાચલ પ્રદેશ અને સિક્કિમમાં ટ્રાન્સમિશન અને વિતરણને રૂપિયા 9129.32 કરોડના અંદાજિત ખર્ચે વધુ મજબૂત બનાવવા માટે વ્યાપક યોજનાના સુધારેલ અંદાજિત ખર્ચ (RCE)ને મંજૂરી આપી છે.

આ યોજનાનો અમલ સિક્કિમ અને અરુણાચલ પ્રદેશ સાથે જોડાણ કરીને ઉર્જા મંત્રાલય અંતર્ગત જાહેર ક્ષેત્રના સાહસ પાવરગ્રીડ મારફતે કરવામાં આવી રહ્યો છે અને તેનું લક્ષ્ય ફાળવવામાં આવેલા કામ 2021ના ડિસેમ્બર મહિના સુધીમાં તબક્કાવાર રીતે શરૂ કરવાનું અને ફાળવ્યા વગરના પેકેજ માટે RCE પાસેથી મંજૂરી મળ્યાના 36 મહિના સુધીમાં શરૂ કરવાનું છે. આ તૈયાર કરવામાં આવેલી ટ્રાન્સમિશન અને વિતરણ પ્રણાલીની કામગીરી શરૂ થયા પછી, તેની માલિકી જે-તે રાજ્ય યુટિલિટીની રહેશે અને તેમના દ્વારા જ જાળવણી કરવામાં આવશે.

આ યોજનાના મુખ્ય ઉદ્દેશ અરુણાચલ પ્રદેશ અને સિક્કિમના સંપૂર્ણ આર્થિક વિકાસ પ્રત્યે સરકારની કટિબદ્ધતા પૂરી કરવાનો અને છેવાડાના અંતરિયાળ સ્થળોએ ગ્રીડ કનેક્ટિવિટી પૂરી પાડીને આ રાજ્યોમાં આંતર-રાજ્ય ટ્રાન્સમિશન અને વિતરણ માળખાગત સુવિધા વધુ મજબૂત કરવાનો છે.

આ યોજનાના અમલીકરણથી ભરોસાપાત્ર પાવરગ્રીડનું સર્જન થશે અને રાજ્યોમાં આગામી લોડ કેન્દ્રો સુધી કનેક્ટિવિટીમાં સુધારો થશે અને આ પ્રકારે ગ્રીડ સાથે જોડાયેલી વીજળી ગામડાં અને નાના નગરો તેમજ છેવાડાના વિસ્તારો અને સરહદી વિસ્તારોમાં પહોંચશે અને અરુણાચલ પ્રદેશ તેમજ સિક્કિમમાં તમામ શ્રેણીના લાભાર્થી ગ્રાહકોને તેનાથી ફાયદો થશે.

આ યોજનાથી બંને રાજ્યોમાં માથાદીઠ ઉર્જા વપરાશમાં પણ વધારો થશે અને તેનાથી એકંદરે આર્થિક વિકાસમાં યોગદાન મળી રહેશે.

અમલીકરણ એજન્સીઓ દ્વારા તેમના બાંધકામ કાર્યો દરમિયાન નોંધપાત્ર સંખ્યામાં સ્થાનિક લોકોની ભરતી કરવામાં આવી રહી છે, જેથી કૌશલ્યવાન અને બિનકૌશલ્યવાન સ્થાનિક લોકો માટે મોટી સંખ્યામાં રોજગારીનું સર્જન પણ થઇ રહ્યું છે.

ઉપરાંત, આ અસ્કયામતો નવી સ્થાપવામાં આવી રહી હોવાથી અમલીકરણ પછી, પ્રમાણભૂત માપદંડો અનુસાર પરિચાલન અને જાળવણી માટે વધારાના સ્થાનિક લોકોની જરૂર પડશે, તેના કારણે પણ આ રાજ્યોમાં વધારાની સ્થાનિક રોજગારીની સંખ્યાબંધ તકોનું સર્જન થશે.

પૃષ્ઠભૂમિ:

આ યોજનાને પ્રારંભિક ધોરણે 2014માં ઉર્જા મંત્રાલયના કેન્દ્રીય ક્ષેત્રની આયોજન યોજના તરીકે મંજૂરી આપવામાં આવી હતી અને યોજનાનો સંપૂર્ણ ખર્ચ ઉર્જા મંત્રાલયની આયોજન યોજના અંતર્ગત ભારત સરકાર દ્વારા ભોગવવામાં આવશે.

****

SD/GP/DK


(Release ID: 1705170) Visitor Counter : 184