પ્રધાનમંત્રીનું કાર્યાલય

શ્રીમદ્ ભગવદ્દ ગીતાના શ્લોકોની હસ્તપ્રતોના વિમોચન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

Posted On: 09 MAR 2021 8:35PM by PIB Ahmedabad

કાર્યક્રમમાં મારી સાથે ઉપસ્થિત જમ્મુ કાશ્મીરના લેફટેનન્ટ ગવર્નર શ્રીમાન મનોજ સિંહાજી ધર્માર્થ ટ્રસ્ટના ચેરમેન  ટ્રસ્ટી ડો. કર્ણ સિંહજી, કાર્યક્રમમાં ઉપસ્થિત અન્ય તમામ મહાનુભવો, દેવીઓ અને સજ્જનો.

શ્રીમદ્ ભગવદ્દ ગીતાની 20 વ્યાખ્યાઓને (ભાવાર્થ)ને  એક સાથે રજૂ કરનાર 11 આવૃત્તિઓનું આજે આપણે લોકાર્પણ કરી રહ્યા છીએ. હું પાવન કાર્ય માટે પ્રયાસ કરનારા તમામ વિદ્વાનો અને તેમની સાથે જોડાયેલા તમામ વ્યક્તિઓ તથા તેમના દરેક પ્રયાસને આદરપૂર્વક નમન કરૂ છું અને તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવુ છું. પોતાના જ્ઞાનનો આટલો મોટો કોષ આજના યુવાનો અને આવનારી પેઢીઓ માટે સુલભ કરવાનું તેમણે ખૂબ મહાન કામ કર્યુ છે. હું ડો. કર્ણ સિંહજીને વિશેષ અભિનંદન પાઠવું છું. તેમના માર્ગદર્શનમાં કામગીરી સિધ્ધ થઈ છે અને જ્યારે પણ હું તેમને મળું છું ત્યારે એક પ્રકારે જ્ઞાન અને સંસ્કૃતિની ધારા અવિરત વહેતી રહેતી હોય છે. તેમના જેવા ખૂબ ઓછા વિરલાઓ હોય છે અને આજે પણ ઘણો શુભ અવસર છે કે કર્ણ સિંહજીનો આજે જન્મ દિવસ પણ છે. એક પ્રકારે તેમની 90 વર્ષની સાંસ્કૃતિક યાત્રા છે. હું તેમને હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું. હું તેમના માટે દીર્ઘાયુષ અને સારા આરોગ્ય માટે શુભેચ્છા વ્યક્ત કરૂં છું. ડો. કર્ણ સિંહજીએ ભારતીય ચિંતન માટે જે કામ કર્યું છે અને જે રીતે પોતાનું જીવન પવિત્ર કાર્ય માટે સમર્પિત કર્યું છે તેનો ભારતના શિક્ષણ જગત ઉપર પ્રકાશ અને પ્રભાવ સ્પષ્ટ જોઈ શકાય છે. તમારા પ્રયાસથી જમ્મુ- કાશ્મીરની ઓળખ પુનર્જીવિત થઈ છે કે જેણે સદીઓ સુધી સમગ્ર ભારતની વિચાર પરંપરાનું નેતૃત્વ કર્યું છે. કાશ્મીરના ભટ્ટ ભાસ્કર, અભિનવગુપ્ત, આનંદ વર્ધન જેવા અગણિત વિદ્વાનોએ ગીતાના રહસ્યોને આપણાં માટે ઉજાગર કર્યા છે. આજે તે મહાન પરંપરા ફરી એક વખત દેશની સંસ્કૃતિને સમૃધ્ધ કરવા માટે તૈયાર થઈ રહી છે. તે કાશ્મીરની સાથે સાથે સમગ્ર દેશ માટે પણ ગૌરવનો વિષય છે.

સાથીઓ,

કોઈ એક ગ્રંથના દરેક શ્લોક ઉપર અલગ અલગ વ્યાખ્યાઓ (ભાવાર્થ), આટલા મનિષીઓની અભિવ્યક્તિ તે ગીતાના ઊંડાણનું પ્રતિક છે, જેની ઉપર હજારો વિદ્વાનોએ પોતાનું સમગ્ર જીવન સમર્પિત કર્યું છે તે ભારતની વૈચારિક સ્વતંત્રતા અને સહિષ્ણુતાનું પણ પ્રતિક છે, જે દરેક વ્યક્તિને પોતાનો દ્રષ્ટિકોણ, પોતાના વિચાર રજૂ કરવા માટે પ્રેરણા પૂરી પાડે છે. કોઈના માટે ગીતા જ્ઞાનનો ગ્રંથ છે, તો કોઈના માટે સાંખ્યનું શાસ્ત્ર  છે, કોઈના માટે યોગ સૂત્ર છે, તો કોઈના માટે કર્મનો બોધ છે. હવે હું જ્યારે જ્યારે ગીતા જોઉં છું ત્યારે મારા માટે તે વિશ્વરૂપ સમાન છે, તેનું દર્શન આપણને 11મા અધ્યાયમાં થાય છે. ‘મમદેહે ગુડાકેશ યચ્ચ અન્યત્ દ્રષ્ટુમ ઈચ્છયસી  નો અર્થ એવો થાય છે કે મારામાં જે કાંઈ જોવા ઈચ્છો તે જોઈ શકો છો. દરેક વિચાર, દરેક શક્તિનું દર્શન કરી શકો છો.

સાથીઓ,

ગીતાના વિશ્વ રૂપે મહાભારતથી માંડીને આઝાદીની લડાઈ સુધી દરેક કાલખંડમાં આપણાં રાષ્ટ્રને માર્ગ દર્શાવ્યો છે. તમે જુઓ, ભારતને એકતાના સૂત્રથી બાંધનારા આદિ શંકરાચાર્યએ ગીતાને આધ્યાત્મિક ચેતના તરીકે જોઈ છે. રામાનુજાચાર્ય જેવા સંતોએ ગીતાને આધ્યાત્મિક જ્ઞાનના અભિવ્યક્તિના સ્વરૂપે જોઈ છે. સ્વામી વિવેકાનંદજી માટે ગીતા અતૂટ કર્મનિષ્ઠા અને અદમ્ય આત્મવિશ્વાસનો સ્ત્રોત બની રહી છે. શ્રી અરવિંદ માટે ગીતા જ્ઞાન અને માનવતાનો સાક્ષાત અવતાર હતી. મહાત્મા ગાંધી માટે ગીતા કઠીનમાં કઠીન સમયમાં પથ પ્રદર્શક રહી છે. નેતાજી સુભાષચંદ્ર માટે ગીતા રાષ્ટ્રભક્તિ અને પરાક્રમની પ્રેરણા રહી છે. ગીતા છે, હું સમજું છું કે યાદી એટલી લાંબી થઈ શકે છે કે અનેક કલાકો સુધી ચર્ચા કરવાનું પણ ઓછું પડશે. આજે જ્યારે દેશ આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી રહ્યું છે ત્યારે આપણે સૌએ ગીતાના પક્ષને પણ દેશની સામે રાખવાનો પ્રયાસ કરવો જોઈએ. ગીતાએ કેવી રીતે આપણી આઝાદીની લડાઈને ઊર્જા આપી છે, સ્વાતંત્ર્ય સેનાનીઓને ગીતાએ કેવી રીતે દેશ માટે પોતાના સર્વસ્વનું બલિદાન આપવા માટે સાહસ આપ્યું છે. કેવી રીતે ગીતાએ દેશની એકતાને આધ્યાત્મિક સૂત્ર દ્વારા બાંધી રાખ્યું છે. બધા  ઉપર આપણે સંશોધન કરવું જોઈએ, લખવું જોઈએ અને આપણી યુવા પેઢીને તેનો પરિચય કરાવવો જોઈએ.

સાથીઓ,

ગીતા તો ભારતની એકજૂથતા, સમત્વની ભાવનાનો મૂળ પાઠ છે, કારણ કે ગીતા જણાવે છે કેસમમ સર્વેષુ ભૂતેષુ તિષ્ઠન્તમ્ પરમેશ્વરમ્ નો અર્થ થાય છે કે પ્રાણી માત્રમાં ઈશ્વરનો નિવાસ છે. નર નારાયણ છે. ગીતા આપણી જ્ઞાન અને શોધની પ્રવૃત્તિનું પ્રતિક છે, કારણ કે ગીતા જણાવે છે કે હી જ્ઞાનેન, સદ્રશમ, પવિત્રમ્ ઈહ વિધ્યતેનો અર્થ થાય છે કે જ્ઞાનથી પવિત્ર બીજું કશું નથી. ગીતા ભારતના વૈજ્ઞાનિક ચિંતનની, વૈજ્ઞાનિક માનસિકતાની પણ ઊર્જાસ્રોત છે, કારણ કે ગીતાનું વાક્ય છે, ‘જ્ઞાનમ્ વિજ્ઞાનમ્ સહિતમ્ યત્ જ્ઞાનત્વા મોક્ષ્યસે અશુભાત્નો અર્થ થાય છે કે જ્ઞાન અને વિજ્ઞાન જ્યારે સાથે મળે છે ત્યારે સમસ્યાઓનો, દુઃખોનો ઉપાય મળે છે. સદીઓથી ગીતા ભારતની કર્મ નિષ્ઠાનું પ્રતિક છે, કારણ  કે ગીતા જણાવે છે કેયોગઃ કર્મશુ કૌશલમ્ નો અર્થ થાય છે કે પોતાના કર્તવ્યોને કુશળતાપૂર્વક કરવા તે યોગ છે.

સાથીઓ,

ગીતા એક એવો આધ્યાત્મિક ગ્રંથ છે કે જેણે એવું કહેવાનું સાહસ કર્યું છે કે અનવાપ્તમ અવાપ્તવ્યમ્ વર્ત એવ કર્મણિનો અર્થ થાય છે કે તમામ હાનિ- લાભ અને ઈચ્છાઓથી મુક્ત ઈશ્વર પણ કર્મ વગર રહી શકતો નથી. એટલા માટે સંપૂર્ણ વ્યવહારિકતા સાથે ગીતા વાત કરે છે કે કોઈ પણ વ્યક્તિ કર્મ વિના રહી શકતી નથી. આપણે કર્મથી મુક્ત રહી શકતા નથી. આપણી જવાબદારી બની રહે છે કે આપણે પોતાના કર્મોને કેવી દિશા આપવી, કેવું સ્વરૂપ આપવું. ગીતા આપણને માર્ગ બતાવે છે, આપણી ઉપર કોઈ આદેશ લાદતી નથી. ગીતાએ અર્જુન ઉપર પણ કોઈ આદેશ લગાવ્યો હતો. અને હમણાં ડો. સાહેબ પણ કહી રહ્યા હતા કે ગીતા કોઈ ઉપદેશ આપતી નથી. શ્રી કૃષ્ણએ સમગ્ર ગીતાના ઉપદેશ પછી અંતિમ અધ્યાયમાં અર્જુનને આવું કહ્યું હતું એટલે કે બધા કામ કર્યા પછી, જેટલું જોર લગાવવું હતું તે લગાવ્યા પછી આખરે શું કહ્યું હતું- ‘યથા ઈચ્છસિ તથા કુરૂ  એટલે કે મારે જેટલું કહેવાનું હતું તેટલું મેં કહી દીધું છે, હવે તમને જેટલું ઠીક લાગે તેટલું તમે કરો. કદાચ વાતથી, સ્વયં આનાથી વધારે કોઈ ઉદાર વિચારક હોઈ શકે નહીં. કર્મ અને વિચારોની સ્વતંત્રતા ભારતના લોકશાહીની સાચી ઓળખ રહી છે. આપણી લોકશાહી આપણને વિચારોની આઝાદી આપે છે, કામ કરવાની આઝાદી આપે છે. પોતાના જીવનના દરેક ક્ષેત્રમાં સમાન અધિકાર આપે છે. આપણને આઝાદી એવી લોકશાહી સંસ્થાઓ પાસેથી મળી છે કે જે આપણા બંધારણની સંરક્ષક છે. અને એટલા માટે જ્યારે પણ આપણે અધિકારોની વાત કરીએ છીએ ત્યારે આપણે પોતાની લોકશાહી જવાબદારીઓને પણ યાદ રાખવી જોઈએ. હાલમાં કેટલાક લોકો એવા પણ છે કે જે હંમેશા કોશિશ કરતા રહે છે કે કેવી રીતે બંધારણીય સંસ્થાઓની ગરિમા ઉપર, તેમની વિશ્વસનિયતા ઉપર નુકશાન પહોંચાડી શકાય. આપણી સંસદ હોય કે આપણી ન્યાયપાલિકા, એટલે સુધી કે સેના ઉપર પણ રાજનીતિક સ્વાર્થમાં હુમલા કરવાની કોશિશ થતી રહી છે. આવી પ્રવૃત્તિ દેશને ખૂબ નુકશાન પહોંચાડે છે. સંતોષની વાત છે કે આવા લોકો દેશની મુખ્ય ધારાનું પ્રતિનિધિત્વ કરતા નથી. દેશ તો આજે પોતાના કર્તવ્યોને સંકલ્પ માનીને આગળ વધી રહ્યો છે. ગીતાના કર્મયોગના પોતાનો મંત્ર બનાવીને દેશ આજે ગામ-ગરીબ, કિસાન-મજૂર, દલિત-પછાત, જેવા સમાજના દરેક વંચિત વ્યક્તિઓની સેવા કરવામાં અને તેમનું જીવન બદલવા માટે પ્રયાસ કરી રહ્યો છે.

સાથીઓ,

ગીતાના માધ્યમથી ભારતે દેશ અને કાળની સીમાઓની બહાર પણ સમગ્ર માનવજાતની સેવા કરી છે. ગીતા તો એક એવો ગ્રંથ છે કે જે સમગ્ર વિશ્વ માટે છે, દરેક જીવ માટે છે. દુનિયાની કેટલી બધી ભાષાઓમાં તેનો અનુવાદ કરવામાં આવ્યો છે. એટલા બધા દેશોમાં તેની ઉપર સંશોધન થઈ રહ્યું છે. વિશ્વના અનેક વિદ્વાનોએ તેનું સાનિધ્ય લીધુ છે. ગીતા છે કે જેણે દુનિયાને નિઃસ્વાર્થ સેવા ભારતના આદર્શોનો પરિચય કરાવ્યો છે. નહીં તો ભારતની નિઃસ્વાર્થ સેવા, ‘વિશ્વ બંધુત્વની આપણી ભાવના ઘણાં બધા લોકો માટે આશ્ચર્યથી ઓછી ના હોઈ શકે.

તમે જુઓ, કોરોના જેવી મહામારી જ્યારે દુનિયાની સામે આવી તે સમયે સમગ્ર વિશ્વ જોખમથી અજાણ હતું. એક અજાણ્યા દુશ્મન સામે લડવા દુનિયા તૈયાર હતી, માનવો તૈયાર હતા. અને આવી સ્થિતિ ભારત માટે પણ હતી, પરંતુ ભારતે પોતાની જાતને સંભાળી લીધી અને વિશ્વની સેવા માટે જે કાંઈ પણ થઈ શકે તે કરવામાં પાછળ રહ્યું નહીં. દુનિયાના દેશોને દવાઓ પહોંચાડી, જે સામગ્રીની જરૂરિયાત હતી તે પણ પહોંચાડી. આજે દુનિયાના અનેક દેશ એવા છે કે જેમની પાસે વેક્સિન માટે કોઈ સાધન-સ્ત્રોત હતો. ભારતે તેમને કોઈ પણ બંધન કે શરત વગર, કોઈપણ શરત વગર આપણે વેક્સીન પહોંચાડી છે. ત્યાંના લોકો માટે પણ સેવા કોઈ સુખદ આશ્ચર્યથી ઓછી નથી. તેમના માટે એક અલગ અનુભવ છે.

સાથીઓ,

રીતે બીજા દેશોના જે લોકો દુનિયામાં અલગ અલગ સ્થળે ફસાઈ ગયા હતા તેમને ભારત સુરક્ષિત રીતે બહાર લાવીને તેમના દેશમાં પહોંચાડ્યા હતા. ભારતે આમાં નફા કે નુકશાનનું કોઈ ગણિત લગાવ્યું હતું. માનવ માત્રની સેવાને કર્મ માનીને ભારતે પોતાનું કર્તવ્ય નિભાવ્યું. જ્યારે દુનિયાના લોકો, વિશ્વના નેતાઓ બાબતને ભારતે કરેલી સહાયતા તરીકે ઓળખાવે છે ત્યારે, ભારત તથા મારી દ્રષ્ટિએ મહાનતા નથી, માનવતા છે. ભારત સદીઓથી નિષ્કામ ભાવે માનવ માત્રની સેવા એવી  રીતે કરતું આવ્યું છે તેનો મર્મ દુનિયાને ત્યારે સમજમાં આવે છે કે જ્યારે તે ગીતાના પાના ખોલે છે. ગીતાએ આપણને ડગલેને પગલે એવું શિખવ્યુ છે કેકર્મણિ એવ અધિકારઃ તે મા ફલેષુ કદાચન નો અર્થ એવો થાય છે કે ફળની ચિંતા કર્યા વગર નિષ્કામ ભાવના સાથે કર્મ કરતા રહો. ગીતાએ આપણને દર્શાવ્યું છે કેયુક્તઃ કર્મ ફલમ્ ત્યયક્તવા શાન્તિમ્ આપ્નોતિ નૈષ્ટિકીમ્નો અર્થ એવો થાય છે કે  ફળ અથવા લાભની ચિંતા કર્યા વગર કર્મને કર્તવ્ય ભાવ સાથે, સેવા ભાવથી કરવાથી આંતરિક શાંતિ મળતી હોય છે અને તે સૌથી મોટું સુખ છે, સૌથી મોટો એવોર્ડ છે.

સાથીઓ,

ગીતામાં તામસી, રાજસી અને સાત્વિક એવી ત્રણ પ્રવૃત્તિઓનું વર્ણન ભગવાન કૃષ્ણએ કર્યું છે. અહીંયા  કોઈ, અહીંયા જ્યારે એક પ્રકારે ગીતા સાથે જોડાયેલા મર્મજ્ઞ લોકો મારી સામે છે ત્યારે તમે સૌ જાણો છો કે ગીતાના 17મા અધ્યાયમાં આની ઉપર ઘણાં શ્લોક છે અને મારા અનુભવના આધારે જો આપણે સરળ ભાવથી તામસી, રાજસી અને સાત્વિક પ્રવૃત્તિઓની વાત કરીએ તો જે કાંઈપણ સૌની પાસે છે, તે મારૂં થઈ જાય, મને મળી જાય તે એક તામસી પ્રવૃત્તિ છે. તેના કારણે દુનિયામાં યુધ્ધ થતા હોય છે, અશાંતિ થાય છે, ષડયંત્રો થાય છે. જે મારૂં છે, તે મારી પાસે રહે અને જે બીજા કોઈનું છે તે તેનું છે, તેમાંથી તે પોતાનું ગુજરાન કરે. તે રાજસી એટલે કે દુન્યવી વિચારધારા છે, પરંતુ જે મારૂં છે તે એટલું બીજા લોકો માટે છે, મારૂં સર્વસ્વ માનવ માત્રનું છે- તે સાત્વિક પ્રવૃત્તિ છે. સાત્વિક પ્રવૃત્તિને આધારે ભારતે હંમેશા પોતાના માનવીય મૂલ્યોને આકાર આપ્યો છે, સમાજનો માપદંડ બનાવ્યો છે. આપણે ત્યાં પરિવારોમાં બાળકોને પણ સૌથી પહેલાં એવું શિખવવામાં આવે છે કે જે કાંઈ પણ મળે તે પહેલા બધાને વહેંચો અને પાછળથી પોતાના માટે રાખો. હું અને મારૂં એવો ભાવ નહી રાખવો જોઈએ, સાથે મળીને ચાલવું જોઈએ. આવા સંસ્કારોના કારણે ભારતે ક્યારેય પોતાની સંપત્તિને, પોતાના જ્ઞાનને અને પોતાની શોધને ફક્ત આર્થિક આધારે જોયા નથી. આપણું ગણિતનું જ્ઞાન હોય, કાપડ ઉદ્યોગ કે ધાતુ વિદ્યા જેવા અનેક પ્રકારના વ્યાપારિક અનુભવો હોય કે પછી આયુર્વેદનું વિજ્ઞાન હોય, આપણે તેને માનવ જાતની મૂડી તરીકે ઓળખાવ્યું છે. આયુર્વેદનું વિજ્ઞાન તો જ્યારે આધુનિક તબીબી વિજ્ઞાન રૂપમાં હતું ત્યારે અનેક યુગોથી માનવતાની સેવા કરી રહ્યું છે. આજે પણ દુનિયા ફરી એક વખત હર્બલ અને કુદરતી ચીજો અંગે વાત કરી રહ્યું છે. સારવારની પહેલાં દર્દ મટાડવા તરફ ધ્યાન આપે છે. આજે જ્યારે આયુર્વેદ અંગે અલગ અલગ દેશોમાં શોધ થઈ રહી છે ત્યારે ભારત તેને પ્રોત્સાહિત કરતું રહ્યું છે. પોતાની મદદ પણ પૂરી પાડી રહ્યું છે. ભૂતકાળમાં પણ આપણાં પ્રાચીન વિશ્વવિદ્યાલયોમાં વિદેશી વિદ્યાર્થીઓ આવતા હતા. વિદેશી પ્રવાસીઓ આવતા હતા. ભારતે તમામ લોકોને પોતાનું જ્ઞાન અને વિજ્ઞાન સંપૂર્ણ ઉદારતા સાથે આપ્યું છે. આપણે જેટલી પણ પ્રગતિ કરી હોય તેટલો માનવ માત્રની પ્રગતિ માટે પણ પ્રયાસ કરતા રહ્યા છીએ.

સાથીઓ,

આપણાં સંસ્કાર, આપણો ઈતિહાસ આજેઆત્મનિર્ભર ભારતના સંકલ્પ તરીકે ફરી એક વખત જાગૃત થઈ રહ્યો છે. આજે ફરી એક વખત ભારત પોતાના સામર્થ્યને પ્રોત્સાહિત કરી રહ્યું છે કે જેથી સમગ્ર વિશ્વની પ્રગતિમાં તે ગતિ આપી શકે, માનવતાની વધુ સેવા કરી શકે. તાજેતરના મહિનાઓમાં દુનિયાએ ભારતના જે યોગદાનને જોયું છે તે આત્મનિર્ભર ભારતમાં યોગદાન વધુ વ્યાપક સ્વરૂપે દુનિયાની સામે આવ્યું છે. લક્ષ્યને પૂરૂ કરવા માટે આજે દેશને ગીતાના કર્મયોગની જરૂર છે. સદીઓના અંધકારમાં બહાર આવીને એક નવા ભારતના સૂર્યોદય માટે, આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે આપણે આપણાં કર્તવ્યોને ઓળખવા જરૂરી છે. તેના માટે સંકલ્પબધ્ધ પણ થવાનું છે. જે રીતે ભગવાન કૃષ્ણએ અર્જુનને કહ્યું હતું કેક્ષુદ્રમ્ હૃદય દૌર્બલ્યમ્ ત્યક્તવા ઉતિષ્ઠ પરંતપનો અર્થ એવો થાય છે કે નબળા વિચારો, નાનું મન અને આંતરિક કમજોરી છોડીને ઉભા થઈ જાવ. ભગવાન કૃષ્ણએ આવો ઉપદેશ આપતા ગીતમાં અર્જુનનેભારતકહીને સંબોધન કર્યું હતું. આજે ગીતાનું સંબોધન આપણાંભારત વર્ષમાટે છે. 130 કરોડ ભારતવાસીઓ માટે છે. આજે અનુરોધ તરફ પણ નવી જાગૃતિ આવી રહી છે. દુનિયા આજે ભારતને એક નવા દ્રષ્ટિકોણથી જોઈ રહ્યું છે. એક નવા સન્માન સાથે જોઈ રહ્યું છે. પરિવર્તનના કારણે ભારતની આધુનિક ઓળખ તેને આધુનિક વિજ્ઞાનની ટોચ ઉપર લઈ જાય છે. મને વિશ્વાસ છે કે આપણે સૌ સાથે મળીને લક્ષ્ય હાંસલ કરીશું. આઝાદીના 75 વર્ષ દેશ માટે એક નવા ભવિષ્યની શરૂઆતનો આધાર બનશે. હું ફરી એક વખત ડો. સાહેબને, ટ્રસ્ટ ચલાવનારા તમામ મહાનુભવોને અને કામ કરવા માટે તમે જે મહેનત કરી છે તે બદલ હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અને મને વિશ્વાસ છે કે જે લોકો પુસ્તકનો સંદર્ભ ગ્રંથ તરીકે ઉપયોગ કરવા ટેવાયેલા હોય છે તેમના માટે પુસ્તક ખૂબ કામમાં આવશે. આપણે એવા લોકો છીએ કે જેમને વધુ જરૂર પડે છે ત્યારે તેમા સંદર્ભ માટે ઘણી સુવિધા રાખેલી છે અને એટલા માટે પણ હું માનું છું કે તમે એક અણમોલ ખજાનો આપ્યો છે. અને હું બાબત અંગે સંપૂર્ણપણે સંમત છું કે કદાચ વિશ્વની પહેલી એવી ચિંતનધારા છે કે જે વિશ્વનો પ્રથમ એવો ગ્રંથ છે, વિશ્વનું પ્રથમ એવું માધ્યમ છે કે જે યુધ્ધની ભૂમિમાં રચાયું છે. શંખનાદ વચ્ચે તેની રચના થઈ છે. જ્યારે જય અને પરાજય દરવાજો ખખડાવી રહ્યા હોય તે સમયે કહેવામાં આવ્યું છે. આવા પ્રતિકૂળ વાતાવરણ, અશાંત વાતાવરણની વચ્ચે શાંત ચિત્તે વિચારો વ્યક્ત કરવા તે અમૃત પ્રસાર સિવાય બીજું કશું હોઈ શકે નહીં. આવું ગીતા જ્ઞાન આવનારી પેઢીઓ માટે તે જે ભાષા સમજે છે, જે સ્વરૂપે સમજે છે, તે સ્વરૂપે આપતાં રહેવું તે દરેક પેઢીનું કામ છે. ડો. કર્ણ સિંહજીએ તેમના સમગ્ર પરિવારને, તેમની મહાન પરંપરાએ કામને હંમેશા જીવિત રાખ્યું છે. આગળની પેઢીઓ પણ જીવિત રાખશે તેવો મને પૂરો વિશ્વાસ છે અને ડો. કર્ણ સિંહજીની સેવાઓ આપણે હંમેશા યાદ રાખીશું. મહાન કાર્ય માટે હું આદરપૂર્વક તેમને નમન કરૂં છું અને ઉંમરમાં તે આટલા વરિષ્ઠ છે, સાર્વજનિક જીવનમાં પણ એટલા વરિષ્ઠ છે કે તેમના આશિર્વાદ હંમેશા આપણાં સૌ ઉપર વરસતા રહે કે જેથી આપણે પણ તેમના આદર્શોને આગળ ધપાવી દેશ માટે કશુંને કશું કરતા રહીએ.

ખૂબ ખૂબ ધન્યવાદ !

SD/GP/JD


(Release ID: 1703677) Visitor Counter : 531