પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ તમિલનાડુ ડો. એમ જી આર મેડિકલ યુનિવર્સિટીના 33મા પદવીદાન સમારંભમાં સંબોધન કર્યું
વિદ્યાર્થીઓ અને સંસ્થાની સફળતાથી એમજીઆરને આનંદ થયો હશેઃ પ્રધાનમંત્રી
ભારતીય તબીબી વ્યાવસાયિકો માટે દેશ અને દુનિયાને માન છે, તેમની દુનિયાભરમાં પ્રશંસા થઈ રહી છેઃ પ્રધાનમંત્રી
રોગચાળા પછી ડૉક્ટર્સ પ્રત્યેના માનમાં વધારો થયો છેઃ પ્રધાનમંત્રી
નિઃસ્વાર્થવૃત્તિ જ તમને નિર્ભય બનાવશેઃ પ્રધાનમંત્રી વિદ્યાર્થીઓને સલાહ
Posted On:
26 FEB 2021 11:57AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા તમિલનાડુ ડો. એમ જી આર મેડિકલ યુનિવર્સિટીના 33મા પદવીદાન સમારંભને સંબોધન કર્યું હતું. આ સમારંભમાં 21000થી વધારે વિદ્યાર્થીઓને ડિગ્રીઓ અને ડિપ્લોમા એનાયત કરવામાં આવી હતી. આ પ્રસંગે તમિલનાડુના રાજ્યપાલ શ્રી બનવારીલાલ પુરોહિત ઉપસ્થિત રહ્યાં હતાં.
પ્રધાનમંત્રીએ આ સમારંભમાં વિદ્યાર્થીઓને સંબોધન કરતા ડિગ્રી અને ડિપ્લોમાની કુલ પદવી મેળવનાર વિદ્યાર્થીઓમાં 70 ટકા મહિલાઓ હોવા બદલ ખુશી વ્યક્ત કરી હતી. તેમણે તમામ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યા હતા અને મહિલા ડિગ્રીધારકોની વિશેષ પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, કોઈ પણ ક્ષેત્રમાં મહિલાઓને મોખરે જોઈને હંમેશા વિશેષ આનંદ થાય છે. જ્યારે આવું થાય થાય છે, ત્યારે આ સમગ્ર દેશ માટે ગર્વ અને આનંદની વાત બની જાય છે.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, વિદ્યાર્થીઓ અને સંસ્થાની સફળતાથી મહાન એમજીઆરને બહુ ખુશી થશે. આ પ્રસંગે શ્રી મોદીએ એમજીઆરને યાદ કરીને જણાવ્યું હતું કે, તેમનું શાસન ગરીબો પ્રત્યે સંપૂર્ણપણે કરુણા અને સંવેદનાથી સભર હતું. તેમણે તેમના શાસનમાં મહિલાઓના આરોગ્યની સારસંભાળ, શિક્ષણ અને સશક્તિકરણ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, એમજીઆરનો જન્મ શ્રીલંકામાં થયો હતો અને ત્યાં આપણા તમિલ ભાઈઓ અને બહેનો માટે આરોગ્ય ક્ષેત્રમાં કામ કરવા બદલ ભારતને ગૌરવ છે. શ્રીલંકામાં તમિલ સમુદાય ભારત સરકારના ફંડથી ચાલતી એમ્બ્યુલન્સ સેવાનો બહોળો ઉપયોગ કરે છે. તેમણે કહ્યું હતું કે, તમિલ સમુદાય માટે હેલ્થકેર ક્ષેત્રમાં આ પ્રયાસોથી એમજીઆરને બહુ ખુશી થઈ હશે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતીય તબીબી વ્યાવસાયિકો, વૈજ્ઞાનિકો અને ફાર્મા વ્યવસાયિકો માટે દુનિયાને માન છે અને અત્યારે દુનિયા તેમની પ્રશંસા કરી રહી છે. તેમણે કહ્યું હતું કે, અત્યારે ભારત દુનિયા માટે દવાઓ અને રસીનું ઉત્પાદન કરે છે. કોવિડ-19ના સમયગાળામાં ભારત સૌથી ઓછો મૃત્યુદર ધરાવતા દેશ પૈકીનો એક છે અને દુનિયામાં કોવિડ-19ના દર્દીઓ સાજાં થવાનો સૌથી ઊંચો દર પણ ધરાવે છે. તેમણે જણાવ્યું હતું કે, અત્યારે દુનિયામાં ભારતીય હેલ્થ ઇકોસિસ્ટમને નવા દ્રષ્ટિકોણથી, નવા માનસન્માન સાથે અને નવી વિશ્વસનિયતા સાથે જોવામાં આવે છે. તેમણે ઉમેર્યું હતું કે, આ રોગચાળામાંથી આપણને જે બોધપાઠ મળ્યાં છે એ ટીબી જેવી અન્ય બિમારીઓ સામે લડવામાં મદદરૂપ થઈ શકે છે.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સરકાર સંપૂર્ણ તબીબી શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રની કાયાપલટ કરી રહી છે. નેશનલ મેડિકલ કમિશન નવી મેડિકલ કોલેજો સ્થાપિત કરવાના નિયમોને તર્કબદ્ધ કરશે, પારદર્શકતા લાવશે તથા આ ક્ષેત્રમાં માનવ સંસાધનની ગુણવત્તા અને ઉપલબ્ધતામાં વધારો કરશે. તેમણે જણાવ્યું હતું કે, છેલ્લાં 6 વર્ષ દરમિયાન એમબીબીએસની બેઠકોમાં 30 હજારથી વધુ વધારો થયો છે, જે વર્ષ 2014થી 50 ટકાથી વધારે વૃદ્ધિ છે. પીજી (પોસ્ટ ગ્રેજ્યુએટ)ની બેઠકોમાં 24 હજાર સુધીનો વધારો થયો છે, જે વર્ષ 2014થી આશરે 80 ટકા વધારે છે. વર્ષ 2014માં દેશમાં 6 એમ્સ હતી, પણ છેલ્લાં 6 વર્ષમાં દેશભરમાં 15થી વધારે એમ્સની સ્થાપના કરવાની મંજૂરી આપવામાં આવી છે.
પ્રધાનમંત્રીએ જાહેરાત કરી હતી કે, સરકારે તમિલનાડુમાં જે જિલ્લાઓમાં મેડિકલ કોલેજ નથી એ જિલ્લાઓમાં 11 નવી મેડિકલ કોલેજો સ્થાપિત કરવાની મંજૂરી આપી છે. આ મેડિકલ કોલેજો માટે ભારત સરકાર રૂ. 2,000 કરોડથી વધારે ફંડ આપશે. તેમણે કહ્યું હતું કે, પ્રધાનમંત્રી આત્મનિર્ભર સ્વસ્થ ભારત યોજનાની બજેટમાં જાહેરાત થઈ છે, જે નવા અને વિકસતા રોગોના નિદાન અને એની સારવાર માટે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતિયક આરોગ્યલક્ષી સારવારની ક્ષમતામાં વધારો કરશે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આપણા દેશમાં ડૉક્ટરને ઈશ્વરને સમકક્ષ દરજ્જો આપવામાં આવે છે અથવા આપણા દેશને સૌથી વધુ સન્માનજનક વ્યવસાય ગણવામાં આવે છે. રોગચાળા પછી ડૉક્ટરના વ્યવસાય પ્રત્યે લોકોમાં માન વધ્યું છે. લોકો આ વ્યવસાયની ગંભીરતાને સમજે છે એટલે આ માન મળ્યું છે, જેમાં કોઈ વ્યક્તિ માટે જીવન અને મરણનો પ્રશ્ર હોય છે. તેમણે કહ્યું હતું કે, પોતાની ફરજ પ્રત્યે ગંભીર હોવું અને ગંભીર હોવાનું દેખાવું – આ બંને અલગ બાબતો છે. તેમણે વિદ્યાર્થીઓને તેમની વિનોદવૃત્તિને જાળવી રાખવાની અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, એનાથી દર્દીઓને આનંદમાં રહેવામાં મદદ મળશે અને તેમનો નૈતિક જુસ્સો પણ જળવાઈ રહેશે. તેમણે વિદ્યાર્થીઓને તેમના આરોગ્ય અને ફિટનેસ પર ધ્યાન કેન્દ્રિત કરવાની સલાહ આપી હતી, કારણ કે તેઓ દેશને સ્વસ્થ રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. તેમણે વિદ્યાર્થીઓને અંગત સ્વાર્થથી પર થવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, તમારી નિઃસ્વાર્થવૃત્તિ જ તમને નિર્ભિક બનાવશે.
SD/GP/JD
(Release ID: 1701029)
Visitor Counter : 243
Read this release in:
Tamil
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Telugu
,
Kannada
,
Malayalam